વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : વર્તમાનયોગ
કોઈ પણ સાધનામાં આગળ વધવું હોય, તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ અત્યંત જરૂરી છે. નિર્વિકલ્પ દશાનો અભ્યાસ હોય, તો તમે ઇચ્છો ત્યારે વિચારોને switch off કરી શકો.
જ્યાં વર્તમાનયોગ છે ત્યાં આનંદ જ આનંદ છે. ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ જ્યારે આવશે ત્યારે; અત્યારે વર્તમાનકાળની એક ક્ષણ આપણી પાસે છે. એ એક ક્ષણને પ્રભુની આજ્ઞાથી ભરી દઈએ; આનંદથી ભરી દઈએ.
એક ઘટના ઘટી ગઈ. હવે તમે ગમે તેટલા વિચારો કરો, એ ઘટના બીજી રીતે ઘટિત થવાની ખરી? નહિ. તો જે પણ ઘટના ઘટી ગઈ, એના સ્વીકાર સિવાય તમારી પાસે બીજો કયો માર્ગ છે?
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૦૬
બડભાગી છીએ આપણે કે પ્રભુની સાધના પદ્ધતિ આપણને મળી છે, નિશ્ચય અને વ્યવહારનું મજાનું balancing પ્રભુની સાધના પદ્ધતિમાં છે, એ સાધનાને સમજીએ. પછી એ સાધનામાં વહીએ. કેવો તો આનંદ એ સાધનામાં વહેવાનો હોય છે.
આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજીએ કહેલું કે “એક ખમાસમણ આપું છું” અને એટલો બધો આનંદ ભીતર છલકાય છે કે એ આનંદને હૃદય જીરવી શકશે કે કેમ… એની શંકા થાય છે, અત્યંત આનંદને પણ આપણું હૃદય જીરવી શકતું નથી. એક ખમાસમણ આપવામાં આટલો બધો આનંદ…
ગોવાલિયા ટેંકમાં મારું ચાતુર્માસ હતું. એક વહેલી સવારે આવી જ વાચનામાં મેં ઈરિયાસમિતિની વાત કરી, જોઇને ચાલવાનું. મેં સમજાવ્યું કે તમે ઈરિયાસમિતિ પાળો, ત્યારે પ્રભુની આજ્ઞાનું તમે પાલન કરો, અને બીજું જો શુદ્ધ રીતે તમે ઈરિયાસમિતિ પાળો, તો નિર્વિકલ્પદશાનો અભ્યાસ તમારો પરિપક્વ થઇ જાય.
કોઈ પણ સાધનામાં આગળ વધવું હોય, નિર્વિકલ્પદશાનો અભ્યાસ જરૂરી છે, પ્રતિક્રમણ આપણે કરીએ છીએ, પણ શરીર પ્રતિક્રમણ કરતું હોય છે, મન કયાંયનું ક્યાંય ભાગી જાય છે, પછી વંદિતા પછીના કાઉસ્સગ આવે ને એટલે તમે પૂછો ૨ લોગસ્સનો આવ્યો કે ૧ લોગસ્સનો આવ્યો… ક્યારેક પ્રતિક્રમણ પછી પૂછીએ કે સ્તવન કોણે ગાયેલું? તો કે હા સ્તવન તો ગવાયેલું જ ને…. એ તો ગવાય જ …. પણ કોણે ગાયેલું? ખબર જ ના પડે. તો પ્રતિક્રમણ શુદ્ધ ક્યારે થાય?
જ્યારે આપણે આપણા વિચારોને એક જગ્યાએ સ્થાપિત કરી શકીએ ત્યારે! નિર્વિકલ્પ દશાનો અભ્યાસ તમને થાય. તો તમે વિચારોને switch off કરી શકો.
શુભ વિચારો છે! આવી રહ્યા છે, તમે આવવા પણ દો, જે ક્ષણે તમને લાગે કે અશુભ વિચાર શરુ થઇ ગયો, એ જ ક્ષણે તમે switch off કરી શકો. આ switch off કરવાની કળા નિર્વિકલ્પદશાનો અભ્યાસ છે.
ઈરિયાસમિતિનો શરત એ છે કે તમે ચાલો ત્યારે નવકારવાળી ન ગણી શકો, શુભ વિચાર પણ કરી ન શકો. માત્ર તમારું ધ્યાન એ માર્ગને જોવામાં રહેલું હોવું જોઈએ. આ વાત મેં સમજાવી ૧૫ દિવસ પછી એક ભાઈ આવ્યા, એ ભાઈની આંખમાં આંસુ એમણે કહ્યું ગુરુદેવ! આપે ઈરિયાસમિતિની વાત ૧૫ દિવસ પહેલા કરેલી, એ જ દિવસથી મેં નક્કી કર્યું કે ઘરથી ઉપાશ્રય આવું ઈરિયાસમિતિ પૂર્વક જ આવવું. ઓફીસ તો દૂર છે એટલે ગાડીમાં જવું પડે છે. પણ ઘર નજીક છે ઉપાશ્રયથી. એટલે નક્કી કર્યું કે ઘરેથી ઉપાશ્રય આવું, ઉપાશ્રયથી ઘરે જવું, બીજું પણ થોડુક morning walk વિગેરે કરવાનું હોય, એ બધું જ ઈરિયાસમિતિ પૂર્વક કરવાનું. અને એમણે કહ્યું કે સાહેબ! નિર્વિકલ્પદશાના અભ્યાસ માટે વર્ષોથી મારી મથામણ હતી, હું એ કરી શક્યો નહોતો, પણ માત્ર ઈરિયાસમિતિના કારણે નિર્વિકલ્પદશાનો અભ્યાસ મને મળી ગયો.
કેટલી મજાની સાધનાઓ પ્રભુએ આપી છે. અમે લોકો ever fresh, ever green. કારણ શું અમારી પાસે વર્તમાન યોગની સાધના છે. એક ક્ષણ, એક મિનિટ, વર્તમાનકાળની અમારી પાસે છે. ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ આવશે ત્યારે… અત્યારે વર્તમાનકાળની એક ક્ષણ આપણી પાસે છે, એક ક્ષણને પ્રભુની આજ્ઞાથી ભરી દઈએ, આનંદથી ભરી દઈએ… મજા જ મજા. અને બીજી વાત તમને કહું, એક ક્ષણ જો આનંદથી ભરાઈ ગઈ, તો એના પછીની ક્ષણ આનંદથી ભરાઈને આવશે. એ વર્તમાનયોગ અમારી પાસે છે.
બહુ પ્યારી કથા આપણી પરંપરામાં નાગાર્જુનની આવે છે. નાગાર્જુન પ્રખર બૌદ્ધ આચાર્ય હતા. એ જયારે હોય ત્યારે બીજું કોઈ પ્રવચન આપે નહિ. બધા એક જ વાત કરે, પ્રવચન તમારું સાંભળવું છે, ૫૦૦૦ ભિક્ષુઓની સામે એ પ્રવચન આપતા. આટલા જ્ઞાની આચાર્ય. છેલ્લે એમને થયું, કે ક્યાંક ગુફાની અંદર, ક્યાંક જંગલમાં એકાંતમાં જઈને સાધના કરી લઉં. આટલા મોટા આચાર્ય સંઘની અનુમતિ લઈને એકલા ચાલ્યા. સાંજે એક ગામ આવ્યું, ગામમાં કોઈ ધર્મશાળા નહોતી. કોઈ મંદિર નહોતું. ખુલ્લો ચોહરો લોકોએ બતાવ્યો, કે આ ખુલ્લો ચોહરો છે એમાં બધા સંતો ઉતરે છે. નાગાર્જુન ત્યાં ઉતર્યા, રાતના ૧૨ સુધી ધ્યાન ચાલ્યું.
તમને ખ્યાલ છે અમારો દિવસ જ્ઞાનમાં જાય, અને રાત્રિ ધ્યાનમાં જાય. આપણે શું હોય… દિવસ જ્ઞાનમાં જાય, રાત્રિ ધ્યાનમાં જાય. ૧૨ વાગ્યા સુધી ધ્યાન કર્યું, થોડીવાર આરામ કર્યો, ૩ વાગે પાછા જાગી ગયા, અને સાધના શરુ થઇ ગઈ.
એકવાર સાધનાનો આનંદ પકડાઈ ગયો પછી તમને સાધના માટે અમારે કાંઈ જ કહેવાનું રહેતું નથી. કે ભાઈ! તું આ કર. ભાઈ! તું આ કર. તમને એટલો બધો આનંદ સાધનામાંથી આવતો હશે, કે તમે એને કર્યા વગર રહી શકશો નહિ. પ્રભુની પૂજા કરો! કેટલો આનંદ આવે બોલો! તમે જ્યારે પૂજા કરો છો ત્યારે કોનો સ્પર્શ કરો છો?
અમે લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા વખતે વૈવ્શ્વિક પરમ ચેતનાને મૂર્તિમાં આરોપિત કરી દીધી. એ વૈશ્વિક ચેતનાનો એક ઝરણું ચાલુ થયું, કે ઉપરથી વૈશ્વિક ચેતના મૂર્તિમાં દાખલ થતી જાય અને, નવ ચૈતન્ય કેન્દ્રોમાંથી એ બહાર આવતી જાય. તમે જ્યારે પ્રભુના નવ અંગોને સ્પર્શો છો, ત્યારે એ વૈશ્વિક પરમ ચેતના જોડે તમારો સંપર્ક થાય છે.
એકવાર અમે લોકો પાલીતાણામાં હતા. એક જર્મન વિદ્વાન પાલીતાણા આવેલા. જૈન ધર્મના ઘણા પુસ્તકો એમણે વાંચેલા. પાલીતાણા એટલા માટે આવેલા, કે પાલીતાણા જૈન ધર્મનું મોટામાં મોટું તીર્થ ત્યાં સંતો પણ ઘણા બધા બિરાજિત હોય, તો સત્સંગ થઇ જાય,
પહેલા દિવસે એ પ્રોફેસર ઉપર ગયા, યાત્રા કરી, પ્રભુનું દર્શન કર્યું, ખુબ ભાવથી. પછી બીજા દિવસથી મોટા મોટા આચાર્ય ભગવંતો હતા એમની જોડે સત્સંગ કરવા માટે એ જતા.
ગુરુદેવ ૐકારસૂરિ મ.સા. પન્નારૂપા યાત્રિક ભવનમાં. એક બપોરે જર્મન વિદ્વાન સમય માંગીને આવી ગયા, વંદના કરી. પહેલો જ પ્રશ્ન એમણે પૂછ્યો, કે તમારી પૂજા પદ્ધતિ મેં જોઈ. તમે લોકો ચરણથી પૂજાની શરૂઆત કરો છો. મસ્તિસ્ક પણ હિંદુ સંસ્કૃતિમાં બહુ જ પ્રધાન અંગ ગણાય છે… તો તમે લોકો મસ્તિસ્કથી પૂજાની શરૂઆત કેમ નથી કરતા?
હું સાહેબ જોડે બેઠેલો હતો, સાહેબે મને કહ્યું યશોવિજય! હજારો ભક્તો આપણને મળ્યા હશે. એકેય ભક્તે આવો સવાલ કર્યો હશે? કે પૂજાનો પ્રારંભ ચરણથી કેમ? મસ્તિસ્ક કેમ નહિ? ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે અમે લોકો મૂર્તિને સાક્ષાત્ પ્રભુ માનીએ છીએ. વૈશ્વિક પરમચેતના અંદર દાખલ થાય છે, અને એ નવ અંગોમાંથી બહાર નીકળે છે. પણ એ નવ અંગોમાં પણ ચરણમાંથી ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. એટલે અમે લોકોએ ચરણથી પૂજાનો પ્રારંભ કરવાનું વિધાન કર્યું છે.
તકલાદી શરીરવાળો માણસ એણે પૂજા શરુ કરી અને છાતીમાં દુખવા આવ્યું, તરત જ એ બહાર નીકળી જાય, પણ ચરણનો સ્પર્શ કર્યો હોય તો એને maximum લાભ મળી જાય. એના માટે ચરણથી પૂજાનો પ્રારંભ અમે કરવાનું વિધાન કર્યું. એ પ્રભુનો સ્પર્શ તમે કરો છો ત્યારે શું થાય છે બોલો તો! કંઈ ખલબલાટી, કંઈક રણઝણાટી, કંઈ થાય છે!
લીક થયેલો વાયર હોય, સહેજ touch થઇ જાય ને, તો પણ એકદમ short લાગે.
પ્રભુમાંથી આ વિદ્યુત પ્રવાહ, આ ઉર્જા, આ શક્તિ પ્રતિ પળે નીકળી રહી છે. અને તમે એનો સ્પર્શ કરો છો. તો તમને કોઈ ખલબલાટી કેમ થતી નથી?
એક પ્રવચનમાં મેં આ પ્રશ્ન પૂછેલો તો સામેથી ભાઈએ કહ્યું સાહેબ! આપ જ જવાબ આપો! અમને ખ્યાલ નથી આવતો. તો મેં કહ્યું, કે electric technician હોય, એને વાયરો જોડે કામ પડતું હોય, એ અવરોધક પહેરી અને લીક થયેલા વાયરને touch કરશે, તો પણ એને કોઈ અસર નહિ થાય. કારણ – એના શરીર અને વિદ્યુતપ્રવાહની વચ્ચે અવરોધક તત્વ આવી ગયું.
તમે પૂજા કરો છો ત્યારે તમારી અને પ્રભુની ઉર્જા વચ્ચે એક અવરોધક તત્વ આવ્યું છે. અને એ તત્વ છે વિચાર. મન વિચારોમાં ખોવાયેલું હોય છે. મન totally વિચારોની બાજુ હોય છે. માત્ર આંગળી દ્વારા જ સ્પર્શ થાય છે. તમે તો ત્યાં ગેરહાજર છો તો તમને અનુભવ ક્યાંથી થાય?
વ્યાખ્યાનમાં તો હાજર ને! અહીંયા તો બધા હાજર છો ને!
નાગાર્જુન રાત્રે ૩ વાગે ઉઠી ગયા, સાધના શરુ થઇ. સવારે ૬.૩૦ વાગ્યા. જોયું તો ખ્યાલ આવ્યો કે પોતાનું લાકડાનું પાત્ર જેમાં ભોજન લાવવાનું હોય એ અને પાણી પીવાનું પાત્ર બે અદ્રશ્ય છે. રાત્રે કોઈ હાથ મારી ગયું. નાગાર્જુન રોજ એકાસણું કરતા. ૧૨ – ૧૨.૩૦ વાગે ભિક્ષા માટે જવાનું. ૬.૩૦ વાગે જોયું કે ભિક્ષાનું પાત્ર અદ્રશ્ય છે, પાણી પીવા માટેનું પાત્ર અદ્રશ્ય છે.
વર્તમાનયોગની એવી સાધના હતી કે કોઈ વિચાર નથી આવતો. ૧૨.૩૦ વાગે ભિક્ષાએ જવું છે ને… ૧૨.૩૦ ની વાત ૬.૩૦ વાગે કેમ વિચારાય? ન જ વિચારો ને તમે કોઈ! આવતીકાલની વાત આજે વિચારો ખરા? એટલે અમારા આનંદનું કારણ આ વર્તમાન યોગ છે.
તમને પણ પૂછું એક ઘટના ઘટી ગઈ, ઘટી ગઈ તો ઘટી ગઈ. હવે તમે એટલા વિચારો કરો એ ઘટના બીજી રીતે ઘટિત થવાની ખરી? તો જે પણ ઘટના ઘટી ગઈ, એના માટે સ્વીકાર સિવાય કયો માર્ગ છે?
મને એકવાર એક પ્રવચન સભામાં પૂછવામાં આવેલું, કે પ્રભુની પૂરી સાધનાને એક શબ્દમાં મુકવી હોય, તો એના માટે કયો શબ્દ વાપરી શકાય? ૪૫ આગમ ગ્રંથોમાં ફેલાયેલી પ્રભુની સાધનાને એક શબ્દમાં મુકવી હોય તો એ એક શબ્દ કયો હોય? ત્યારે મેં કહેલું, કે સર્વસ્વીકાર. એ એક શબ્દ એવો છે જે પ્રભુની પૂરી સાધનાનું પ્રતિનીધિત્વ કરે છે.
ભગવાન પોતે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫માં અધ્યયનમાં કહ્યું “जो कशीणं अहिआ सए, स भिक्खू” જે બધે બધાનો સ્વીકાર કરે એ જ મારો ભિક્ષુ છે. ઘટના ઘટી ગઈ સ્વીકાર. કોઈ ફરિયાદ નથી.
ભક્ત હોય ને એની પાસે શું હોય? ફરિયાદ ન હોય. ફરી – ફરી પ્રભુની યાદ હોય. ભક્ત પાસે ફરિયાદ હોય ખરી? કેમ ના હોય? આ વર્તમાનયોગ હોવાને કારણે.
૬.૩૦ વાગ્યા છે ભિક્ષા પાત્ર નથી ખયાલ આવી ગયો. કોઈ વાંધો નથી. કોઈ વાંધો નથી. વહોરવા જવાનું ૧૨.૩૦ છે. ત્યાં સુધી કોઈ આવી ગયું અને મૂકી ગયું તો ઠીક છે. સાધનામાં લીન. ૧૨.૩૦ વાગ્યા… કોઈ આવ્યું જ નથી, નથી ભિક્ષા પાત્ર. નથી જલ પાત્ર.
નાગાર્જુન નીકળ્યા… પહેલો જ એક બંગલો આવ્યો, બંગલાની બહાર એનો માલિક ઉભેલો. એ બૌદ્ધ ધર્મી હતો. અને આગળ પડતો હતો. એણે નાગાર્જુનને જોયા, ચમકી ગયો. આટલા મોટા આચાર્ય અને એ અહીંયા મારા નાનકડા ગામમાં અને એકલા?
એને નાગાર્જુનને કેટલાય વાચના સત્રોમાં સાંભળેલા હશે. ૧૦૦૦ ભિક્ષુઓ હોય, ૫૦૦૦ ભિક્ષુ – ભિક્ષુણીઓ હોય, અને નાગાર્જુન જે રીતે વાચના આપતા, એ એને સાંભળેલું. ખ્યાલ આવી ગયો. કે એ આચાર્ય એકાંતમાં સાધના માટે જાય છે. માટે એકલા છે. હાથ જોડીને કહ્યું, ગુરુદેવ! મારે ત્યાં પધારો. એના ત્યાં ગયા, એણે વંદન કર્યું, મંગળ પાઠ સાંભળ્યો. પછી કહે કે સાહેબ! મને ભિક્ષાનો લાભ આપો! પાત્ર તો છે નહિ. એ ગ્રહસ્થના ત્યાં પણ લાકડાનું પાત્ર નહોતું, એણે એક સોનાનું પાત્ર, રત્નોથી મઢેલું ગુરુને આપ્યું, કે આમાં આપ ગોચરી લો, બીજું એક લોટા જેવું પાત્ર આપ્યું કે આમાં આપ પાણી લો, બેય સોનાના….
નાગાર્જુનની એ ભૂમિકા હતી જ્યાં માટી અને સોનું બે એકસરખા હતા.
અમારે ત્યાં પંચસૂત્ર – ચોથા પંચસૂત્રમાં હરિભદ્રસૂરિ મ.સા. એ કહ્યું કે નવદીક્ષિત મુનિ, નવદીક્ષિત સાધ્વી પણ કેવા હોય? “સમલેટ્ઠૂંમણિકાંચણે” એને માટીના ઢેફામાં અને સોનામાં કોઈ ફરક દેખાતો નથી. તમે ૨૦૦૦ની નોટ મૂકો કે સુવર્ણ મુદ્રા મુકો અમે કહીશું કે ભાઈ! પેટીમાં નાંખી દે. અમારે એનું કોઈ પ્રયોજન નથી.
તો નાગાર્જુનની આ ભૂમિકા હતી, સોનાનું પાત્ર લઇ લીધું, એમાં રોટલી – શાક લીધા. પાણી પણ લઇ લીધું બીજા પાત્રમાં… ચાલ્યા ખુલ્લા ચોહરા ઉપર. શ્રેષ્ઠીએ વિનંતી કરી કે સાહેબ! મારો મોટો બંગલો છે. એ બંગલાનો એક રૂમ ખોલી આપું, આપ ત્યાં ભોજન કરો, ગુરુએ ના પડી. ખુલ્લા ચોહરા પર ગયા, ત્યાં એક ચોરની નજર પડી. ચોર ગામમાં રેકી કરવા આવેલો. ત્યાં એની નજર પડી, સોનાના બે પાત્રો ઉપર. રત્નોથી જડેલા, ચોર કહે કે આ બે મળી જાય, તો મારું તો આખી જિંદગીનું કામ થઇ જાય. હવે બીજે ક્યાંય જવું નથી. આજે બાપજીની જોડે ને જોડે… ચોહરાની પાછળ ભીંત હતી, એ ભીંતને અઢેલીને એ રહ્યો. તડકો પડે તો તડકો. ને વરસાદ પડે તો વરસાદ. પણ આજે ખસવાનું નથી. બાપજી દિવસે નહિ સૂતા હોય, રાત્રે તો સૂશે. ખુલ્લો ચોહરો છે, લઈને રવાના. એનો એક ધ્યેય હતું આ લેવું છે. તમારું ધ્યેય શું છે?
તમારું લક્ષ્ય શું ? સાધના પ્રભુની મજાની મળી, એવી સાધના કે જે રાગ – દ્વેષને સંપૂર્ણતયા ખતમ કરી શકે, આવી સાધના મળી ગઈ. પણ તમારું ધ્યેય શું? આજે નક્કી કરો, જેમ – જેમ સાધનાપથમાં હું આગળ ચાલુ, તેમ – તેમ મારો રાગ – દ્વેષ ઘટવા જોઈએ. પછી જુઓ કે એવું નિમિત્ત મળ્યું અને ગુસ્સો ઓછો આવ્યો. તો તમે માની શકો કે હું સાધનામાર્ગમાં properly અને perfectly ચાલી રહ્યો છું.
દવા સારી! સારામાં સારી! પણ એ દવા લેવાનું લક્ષ્ય હોય છે, એક માણસને શ્વાસ ચડતો હતો, બે ડગલા ચાલે અને શ્વાસ ચડે… ડોક્ટર પાસે ગયો, ડોકટરે દવા આપી કે આ ૧૦૦ ટીકડી ગળી જાઓ. પેલો ૮૦ ટીકડી ગળી ગયો, પણ કોઈ ફરક પડ્યો નહિ. તો એ ડોક્ટર પાસે જશે. કે સાહેબ તમે ૧૦૦ ટીકડી ગળવાનું કહેલું, ૮૦ ટીકડી ગળાઈ ગઈ પણ કોઈ ફરક પડતો નથી. તમે ક્યારેય સદ્ગુરુ પાસે આવ્યા, કે સાહેબ! આટલા સામાયિક થયા, પણ ક્રોધ ઓછો નથી થયો. પ્રભુની આટલી ભક્તિ કરી. વિતરાગ પ્રભુની પણ રાગ ઓછો થયો નથી. તમે ક્યારેય આવ્યા?
કારણ શું…. લક્ષ્ય નથી હવે લક્ષ્ય સાથે સાધનાને જોડી દેજો.
ચોરનું લક્ષ્ય છે. ગમે તેમ થાય આ બે પાત્રોને પડાવી લઉં, નાગાર્જુન તો બહુ જ ચકોર છે, બહુ જ પ્રબુદ્ધ છે. એમને જોઇને તો ચોર પાછળ આવે છે. અને ભીંતની પાછળ સંતાયેલો છે. ભોજન પૂરું થઇ ગયું. પાણી પી લીધું, હવે કાલે. ભોજન અને પાણી. ભોજન પૂરું કર્યું. પાત્ર સાફ કર્યા, જે બાજુ ચોર હતા એ બાજુ નાંખ્યા. કે લે ભાઈ લઇ જા હવે તું, પેલો તો આભો થઇ ગયો.. સોનાના પાત્રો. હીરે જડેલા મને આપી દે છે. આખરે તો ભારતનો ચોર હતો. લઇ તો લીધા. પણ પછી બાપજીના પગમાં પડ્યો. અંદર આવ્યો ચોહરામાં, પગમાં પડ્યો અને પછી એણે કહ્યું સાહેબ! ચોર છું. ચોરી ન કરવાનો નિયમ તમે ન આપતા, બાકી કોઈ પણ નિયમ આપી દો, કારણ કે સંત પાસેથી કોઈ પણ નિયમ લીધા વગર ખાલી હાથે જવાય નહિ. એ વખતે નાગાર્જુને એક નિયમ આપ્યો, કે જે પણ કામ તું કરે, એ હોંશપૂર્વક, જાગૃતિપૂર્વક, awareness પૂર્વક કરજે. પેલાએ નિયમ લીધો. પેલા બે પાત્રો વહેચાઈ ગયા. કરોડો રૂપિયા મળી ગયા. પણ ચોરીની તો આદત પડેલી. ૩ દિવસ પછી ફરી પાછો ચોરી કરવા માટે નીકળ્યો.
શ્રીમંતના ઘર પાસે પહોંચી ગયો, ત્યાં અચાનક નિયમ યાદ આવ્યો, કે જે કરવું તે હોંશપૂર્વક કરવું…. એને વિચાર કર્યો કે કરોડો – અબજો રૂપિયા મળી ગયા છે, હવે મારે ચોરી કરવાની જરૂર શું છે? હવે તો કોઈ ગામમાં પહોંચી જાઉં, મોટો બંગલો લઇ લઉં, ખેતીવાડી મોટી હોય. અને શાંતિ અને ઈજ્જતથી ન જીવું. એક નિયમ હોંશપૂર્વક બધું કરવું, ચોરી છૂટી ગઈ. અને ચોર સાહુકાર બની ગયો.
તો નાગાર્જુન પાસે વર્તમાનયોગ હતો, અને જ્યાં વર્તમાનયોગ છે ત્યાં આનંદ જ આનંદ છે. પ્રભુની આવી સાધના આપણને મળી છે. એ સાધનાના ઊંડાણમાં આ ચાતુર્માસમાં આપણે જવું છે. આપણે નાચી ઊઠશું, કે આવી સાધના મને મળી છે. આજે ચૌમાસી ચૌદસ, આજથી ચાતુર્માસ યાત્રા શરુ થઇ ગઈ. જેટલી બને એટલી વિરાધના ઓછી કરવાની. આરાધના શક્ય હોય એટલી વધારી દેવાની. આ ચાતુર્માસ યાત્રાનો સંદેશ છે. વિરાધના જેટલી બને એટલી ઓછી કરજો. આરાધના જેટલી બને એટલી વધારે કરજો. મુંબઈની અંદર આટલી બધી મોટી સંખ્યામાં આજના દિવસે પૌષધ હોય, એ સંઘ કદાચ નવરોજી લેન સંઘ છે. ૫૦ થી ઉપર ભાઈઓમાં પૌષધ, ૧૨૫ થી ઉપર બહેનોમાં પૌષધ, આ જે પરંપરા છે એ અદ્ભુત પરંપરા છે, અને એ જ પરંપરામાં આપણે આગળ વધવું છે.
Mathenvandami Gurudev.
પૂજ્યશ્રીને મત્થયેણ વંદામિ. સાહેબજી શાતા માં હશો.
Amazing Vyakhyan, mind blowing speech style and matter. Matthen vandami Sahebji