વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : गानात् परतरं न हि
પોતાના કાન ઉપર અવાજ જાય, એ રીતે બોલીને થાય, તે ભાષ્ય જાપ. હોઠ બિલકુલ બંધ છે અને મનની અંદર જાપ થયા કરે છે, તે માનસ જાપ.
જાપમાં એકાગ્રતા પછી નિર્વિચાર દશાની પૃષ્ઠભૂ પર સમભાવ વગેરે ગુણોનો અનુભવ, તે ધ્યાન. ધ્યાનમાં ધ્યાતા અલગ અને ધ્યેય અલગ. ધ્યાન કરનારી ચેતના ધ્યેયમાં ડૂબી જાય, તે સમાધિ (લય).
લયરૂપ સમાધિ તમારા એકલાની છે. પણ જ્યારે આનંદધનજી ભગવંત જેવા ગાન કરે, ત્યારે એ ગાનને સાંભળનારા સેંકડો લોકો સમાધિમાં ચાલ્યા જાય છે!
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૦
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” પરાવાણીનું મજાનું ગાન આનંદઘનજી ભગવંતના કંઠેથી સરી પડ્યું. ગાન..એક સશક્ત વ્યક્તિત્વ, એક ભક્ત વ્યક્તિત્વ જ્યારે ગાન કરે છે, ત્યારે એ ગાનનું મૂલ્ય બહુ જ વધી જાય છે.
પરંપરામાં એક મજાનો શ્લોક છે: ‘જપ કોટિ સમં ધ્યાનં, ધ્યાન: કોટિ સમો લય:, લય: કોટિ સમં ગાનં, ગાનાત્ પરતરં નહિ’ સેંકડો, હજારો લાખો જપ જેટલું મૂલ્ય એક ધ્યાનનું છે. જપ કોટિ સમં ધ્યાનં, પછી કહ્યું: હજારો ધ્યાન જેટલું મૂલ્ય લયનું, સમાધિનું છે. અને હજારો સમાધિ જેટલું મૂલ્ય ગાનનું છે. અને ગાન પછી આ સંદર્ભમાં બીજું કંઈ આવતું નથી.
જપ તો તમારા ખ્યાલમાં છે, પણ જપ જે છે, એ બે રીતે કરાય. એક ભાષ્ય જાપ. એક માનસ જાપ. હમણાં એક સરસ પ્રયોગ થયો. પીરામીડ આકારની એક hut હતી. એમાં એક સાધક બેઠેલો અને એ ગુરુએ આપેલ મંત્રને જપ્યા કરે છે. પણ સહેજ loudly. પોતાના કાન ઉપર અવાજ જાય એ રીતે… એનાથી શું થયું? મંત્ર જે છે એ છત સુધી અને દીવાલો સુધી પહોંચી. અને એ ધ્વનીએ એવું સુરક્ષાચક્ર આપ્યું કે બહારના કોઈ ખરાબ વિચારો અંદર પ્રવેશી ન શકે. પછી એ સાધક ભાષ્ય જાપમાં આગળ વધે છે. ત્યારે આ છત બની જાય છે. આ ભીંતો બની જાય છે. અંદર ને અંદર એ ધ્વની ટકરાવા લાગે છે. અને એ ધ્વની તમને પૂરા ને પૂરા purify કરી દે છે. ધ્વનીની તાકાતનો ખ્યાલ આપણા મહાપુરુષોને હતો. અને એથી એક શબ્દ નહિ, એક વ્યંજન નહિ, એક અક્ષર નહિ, એની માત્રામાં પણ ફર્ક પડી જાય તો તમને જ્ઞાનનો અતિચાર લાગે. આ એટલા માટે કહ્યું કે ધ્વનીને બરોબર સાચવવો છે.
આપણે બડભાગી છીએ કે નમુત્થુણં ગણધર ભગવંતે જેવું આપેલું એવું જ આપણી પાસે આવ્યું છે. અને એ માટે આપણે પૂર્વાચાર્યોની પરંપરાના ઋણી છીએ કે એમણે કહી દીધું, કે સહેજ પણ ધ્વનિમાં ફેરફાર નહિ થઇ શકે.
સિદ્ધસેન દિવાકરસૂરીજીને વિચાર આવ્યો કે પહેલાની ભાષા પ્રાકૃત હતી. હવેની વિદ્વાનોની ભાષા સંસ્કૃત છે. તો બધા સૂત્રોને સંસ્કૃતમાં ફેરવવા જોઈએ. વિચાર ખોટો નથી. આમાં ગણધર ભગવંતોની આશાતનાનો કોઈ વિચાર નથી. માત્ર ગણધર ભગવંતોએ મૂકેલું છે એ આજના લોકો સમજી શકે એ ભાષામાં મૂકવાની વાત હતી. સદ્ગુરુ પાસે ગયા, સદ્ગુરુને વાત કરી. સદ્ગુરુએ એમને પારાંચિત પ્રાયશ્ચિત આપ્યું. ભારેમાં ભારે પ્રાયશ્ચિત આપ્યું. શા માટે? ધ્વનીને તોડવાની વાત હતી. ‘પંચિદિય સંવરણો’ એક ધ્વની છે. તમે સંસ્કૃત કરો, તો ‘પંચેન્દ્રિય સંવારક:’ થાય. તો ધ્વની દ્વારા તમારી ઇન્દ્રિયોને જે રીતે સંવૃત્ત કરવાની હતી એ રીતે સંવૃત્ત હવે નહિ થઇ શકે. તો ભાષ્ય જાપ, બીજો માનસ જાપ.
હોઠ બિલકુલ બંધ છે, અને મનની અંદર જાપ થયા કરે છે. એ જાપ પછી ધ્યાન આવે છે. હમણાં ઘણા લોકો મને પૂછતાં હોય છે, કે ધ્યાનમાં જવું છે શી રીતે જવું? ત્યારે હું એક જ માર્ગ બતાવું છું. કે પહેલા જાપમાં જાઓ, જાપમાં એકાગ્રતા આવી જાય પછી ધ્યાન આવશે. એ પહેલા ધ્યાન નહિ આવે.
એક નાનકડું પદ તમને સદ્ગુરુ આપે છે. અર્હમ અથવા ‘ૐ હ્રીં અર્હમ નમઃ’. અથવા ‘નમો અરિહંતાણં’. એ સદ્ગુરુ નક્કી કરશે. તમારે એનો સતત માનસ જાપ કરવો છે. એને અજપાજપ કહેવામાં આવે છે.
લગભગ ૬૦ વર્ષ પહેલા ગુરુદેવનું ચાતુર્માસ મહેસાણાની બાજુમાં જોટાણા ગામમાં. ત્યાં જૈનોના ઘર ઓછા, પણ પટેલો બધા જ, ખુબ ભાવથી પ્રવચનોમાં આવતાં. ગામના એક અગ્રણી પટેલ રામભાઈ, એ સતત મૌનમાં રહે. સતત મૌનમાં…. અને ગુરુએ આપેલો રામ નામ નો મંત્ર જપ્યા કરે. રામ, રામ, રામ, રામ… સતત ચાલ્યા કરે. એકવાર બપોરે એ ગુરુદેવ પાસે આવ્યા. પ્રશ્નો પૂછવા, પણ એ તો લખીને જ પ્રશ્નો પૂછવાના હતા. લખીને એમને પ્રશ્નો પૂછ્યા, ગુરુદેવે જવાબ આપ્યો: એ પછી ગુરુદેવે પૂછ્યું કે તમારો અજપા જાપ ચાલુ છે. દિવસે તો બરાબર, તમારો જાપ ચાલુ રહેતો હોય. રાત્રે તમે સૂઈ જાઓ ત્યારે શું થાય? એક ભક્તનો જવાબ કેવો હોય…કેટલો વિનમ્રતાથી ભરેલો. એમણે કહ્યું: ગુરુદેવ! શિયાળાની રાતમાં ચારથી પાંચવાર બાથરૂમ જવા માટે ઉઠવું પડે છે, પણ જે ક્ષણે હું ઉઠું છું એ ક્ષણે જાપ ચાલુ હોય છે. એટલે હું માનું છું કે ઊંઘમાં પણ જાપ ચાલુ રહેતો હશે. બાકી તો ઉપરવાળો જાણે. અને આ બહુ મજાની વાત છે. તમે સૂતા પહેલા તમારા unconscious mind ને સૂચના આપી દો, તો unconscious mind એ સૂચના પ્રમાણે ચાલશે. Conscious mind સૂઈ જશે કારણ કે વિચારો કરીને એ થાકેલું છે. શરીર સૂઈ જશે. પણ તમારી ચેતના, તમારું અસ્તિત્વ એ જાગતું હશે.
મેં દીક્ષા લીધી ને ૧૧ વર્ષની વયે. અષાઢ સુદ ૧૩ સુધી તો વાંધો ન આવ્યો. મારો સંથારો હોય અહીંયા, સવારે નીકળું ૩ ફૂટ દૂર. ગુરુદેવ વિચારમાં પડ્યા કે આને સાલાને પાટ ઉપર સૂવાડશું તો ધબ દઈને નીચે પડશે. રોજ સંથારાની ૩ – ૪ – ૫ ફૂટ દૂર જતો રહે છે. તો નાનકડી પાટ ઉપર રહેવાનું શી રીતે? પણ વિધિ હતી કે પાટ વાપરવાની. તો મારા માટે એકદમ નાની પાટ રાખી ૬ ઇંચની અને બે બાજુ blanket પાથરવી દીધા ગુરુદેવે…. કે હું પડું તો પણ વાંધો ન આવે. પણ એ પૂરા ચોમાસામાં એકવાર પણ હું પાટની નીચે ઉતર્યો નથી. પાટની નીચે મારું શરીર ફેકાયું નથી. શું હતું… unconscious mind ને કહેવામાં આવેલું કે ભાઈ! સૂવાનું નથી. Conscious mind સૂઈ જાય. unconscious mind જાગતું છે. આમ પણ સાધક સતત જાગતો રહેવો જ જોઈએ. સાધક અને ઊંઘી જાય એ પાલવે કેમ!
તો જપમાં એકાગ્રતા તમારી સધાય પછી તમને ધ્યાન મળે. હવે આ કોશિશ કરો તમે…. નાનકડો મંત્ર હોય, ૫ મિનિટ કે ૧૦ મિનિટ એનો માનસ જાપ કરો. પણ એવી રીતે કે એ વખતે એક પણ વિચાર આવેલો ન હોય. નમસ્કાર મહામંત્રની કે લોગસ્સ સૂત્રની માળા તમે ગણશો ને ત્યારે મનને મોટું મેદાન મળી જશે. એટલે એ ફર્યા કરશે. નાનકડો મંત્ર છે એટલે મનને ફરવાની જગ્યા વધારે રહેતી નથી. અર્હમ… અર્હમ… અર્હમ… અર્હમ…કોશિશ એ કરો કે એક પણ વિચાર એ વખતે ન હોય. તમારું ધ્યાન માત્ર ને માત્ર એ જપના શબ્દોમાં હોય. તમારા માટે એ વખતે એ ૫ મિનિટ માટે દુનિયામાં બીજી કોઈ ઘટના નથી. એક જ ઘટના અર્હમ અને એમાં સમાઈ જવું.
આ રીતે જાપ થાય પછી ધ્યાન સરળ છે. ધ્યાનમાં શું કરવું છે, કોઈ જપનું પદ લેવું નથી. પદ લઈએ ને ત્યારે તમારા મનને એક આલંબન મળે છે પણ જ્યારે પદ છૂટી જાય, ત્યારે તમારી જાગૃતિ વધારે જોઈએ. પદ છૂટી ગયું છે. હવે તમારી ભીતર સમભાવનું ઝરણું સતત ચાલી રહ્યું છે. એ સમભાવમાં તમારે તમારા મનને સ્થાપિત કરવું છે. સમભાવમાં મન જાય એટલે મન આનંદમય થઇ જાય. તમે આનંદમય છો, તમે પ્રસન્ન છો. તમારી પ્રસન્નતાને તોડનાર કોઈ પણ હોય તો એ વિચારો છે. એટલે ધ્યાનનું પહેલું સૂત્ર એ છે કે વિચારો ન હોવા જોઈએ. અત્યારે શું થાય છે તમારી મનની, આત્માની પૂરી શક્તિ એ વિચારો તરફ ફંટાઈ જાય છે. એ જ શક્તિને અંદર જવા માટે કામમાં લેવી છે. શક્તિ એ જ છે. પણ એ શક્તિનો ઉપયોગ અંદર જવા માટે કરવો છે.
વિનોબાજી કહેતાં કે એક માણસ હતો, એને બે ખેતર હતા, પણ થોડે થોડે દૂર. કૂવો એક જ, પાઈપલાઈન બે ખેતરમાં બિછાવેલી. એક ખેતરમાં એણે રાઈ વાવી. બીજા ખેતરમાં શેરડી વાવી. પાણી એક જ છે. પાણી એક જ છે. એ જ પાણી રાઈના ખેતરમાં જાય ત્યારે રાઈની તીખાસને ઉબાલે. અને એ જ પાણી શેરડીના ખેતરમાં જાય ત્યારે શેરડીની મીઠાશ ને ઉબાળે. અત્યાર સુધી તમે તમારા મનની શક્તિનીને, એ પાણીને માત્ર અને માત્ર રાઈના ખેતર તરફ વહાવ્યો છે.
હું ઘણીવાર એક પ્રશ્ન બૌદ્ધિકોને પૂછતો હોઉં છું, કે તમે જે વિચારો કરો છો આખા દિવસ દરમ્યાન… એમાંથી કામના કેટલા અને નકામાં કેટલા? બોલો હિસાબ કર્યો છે ક્યારે….કેટલા કામના? કેટલા નકામા? લગભગ તમને લાગશે, કે ૧ – ૨ % કદાચ કામના હોય, ૯૮% તો નકામા જ હતા. એક ઘટના ઘટી ગઈ, હવે એનો વિચાર શરુ થયો, આને કેમ આમ કર્યું? આને આમ કરવાની જરૂર કેમ પડી…. એને મારા પ્રત્યે દ્વેષ છે. આ વિચારોની સાંકળ તમે ચલાવો, પણ એ સાર્થક કે નિરર્થક? મારે તમને આટલું જ પૂછવું છે. ઘટના ઘટી ગઈ છે, હવે વિચારો કરો તો શું થવાનું? માથાનો દુખાવો વધવાનો. થવાનું શું? આ જ થવાનું. તો હવે વાત એ આવી. કે વિચારો નકામા એ તો ખ્યાલ આવ્યો, પણ વિચારોને STOP કેમ કરવા? બરોબર…
અમારા લોકોની પાસે switch board છે અને અમે ધારીએ ત્યારે અમારા વિચારોને STOP કરી શકીએ. આગળ વધીને હું ત્યાં સુધી કહું કે એવા સાધકોને મેં જોયા છે કે જેમણે વિચાર આવતો જ નથી. NO THOUGHTS. પણ તમારા માટે THOUGHT CONDITIONING. AC છે ને, TC નથી ઘરમાં. આ TC તમને આપી દઉં… THOUGHT CONDITIONING. વિચારોને નિયંત્રિત કરવાના. AC શું કરે, બહાર ૫૦ ડિગ્રી ગરમી છે, તમારા રૂમમાં તમે ૧૬ – ૨૦ – ૨૫ ધારો એવું ઠંડકનું વાતાવરણ ઉભું કરી શકો, એવું જ THOUGHT CONDITIONING નું છે. ગમે તેવા નિમિત્તો મળે, તમારું THOUGHT CONDITIONING કામ કરતું હોય તો જ્યારે તમને લાગે કે આ વિચારો નકામાં છે તમે STOP કરી દો.
તમારા વિચારો, તમારી ENERGY કેટલી ખતમ કરે છે અને તમારો સમય કેટલો ખતમ કરે છે એ તમે ક્યારે જોયું છે? કેટલો સમય…આમ બેઠો હોય.. શું કરે છે. એક કલાકથી આમ બેઠેલો હોય. સમય બગડે, ENERGY waste થાય, તો WHY THOUGHTS? વિચારો શા માટે? THOUGHT CONDITIONING અને એ THOUGHT CONDITIONING માટે આ જપયોગ તમને મદદરૂપ બનશે. જ્યાં નકામાં વિચારો આવ્યા, ‘નમો અરિહંતાણં’ ‘નમો અરિહંતાણં’ ‘નમો અરિહંતાણં’ સહેજ loudly ભાષ્ય જાપ તમે કરી દો. ભાષ્ય જાપ વિચારોને તોડે છે.
અમારે ત્યાં સવારે ગોખવાનું હોય, અને પછી ધ્યાન કરવાનું હોય. પહેલા પ્રહરમાં ગોખવાનું, બીજા પ્રહરમાં ધ્યાન કરવાનું. તો સવારે પહેલા ધ્યાન કરવાનું હોય ને… સવારે પહેલા ગોખવાનું? પછી ધ્યાન? તો એ ગોખવાનું એટલા માટે છે કે નિર્વિચાર દશાની એક પૃષ્ઠભૂ તમને મળે. તમે એવી રીતે ગોખો કે એ મંત્રના શબ્દો, એ સૂત્રના શબ્દો તમારા કાન પર પડે. તો કાન પર પડેલા એ શબ્દો, એનો ધ્વની એ વિચારોને STOP કરશે. આ એક પ્રયોગ કરી જોવો. વિચારો બહુ જ આવતા હોય…‘નમો અરિહંતાણં’ ‘નમો અરિહંતાણં’…. તો જપની એકાગ્રતા બરોબર ધ્યાન, ધ્યાનની એકાગ્રતા બરોબર લય. ધ્યાન અને લયમાં શો ફરક? લય એટલે સમાધિ. ધ્યાનમાં ધ્યાન કરનારો હાજર હોય છે. પ્રભુ તરફ આપણે જ્યારે ધ્યાન કરીએ ત્યારે ધ્યેય તરીકે પ્રભુ છે. ધ્યાન કરનાર તરીકે આપણે છીએ અને વચ્ચે ધ્યાનનો પુલ છે.
મહોપાધ્યાયજીએ ૧૨ માં સ્તવનમાં કહ્યું : કે “ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ક્ષીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું.” પહેલા ધ્યાન કરનાર અલગ છે, ધ્યેય અલગ છે. પણ જે ક્ષણે ધ્યાન કરનારની ચેતના ધ્યેયની ચેતનામાં ડૂબી જાય, ધ્યાન કરનારો ક્યાં રહ્યો?
રામકૃષ્ણ પરમહંસ કહેતા: મીઠાની પૂતળી. મીઠાની બનાવેલી પૂતળી એ દરિયામાં ગઈ. દરિયાની ઊંડાઈનું માપ લેવા. બહાર કોણ આવશે… એમ તમારી ચેતના જ્યારે પ્રભુમાં ઓગળી જાય ત્યારે સમાધિ. પણ એ સમાધિ તમારા એકલાની છે.
જ્યારે આનંદધનજી ભગવંત જેવા ગાન કરે, ત્યારે ગાનને સંભાળનારા સેંકડો લોકો સમાધિમાં ચાલ્યા જાય છે. એટલે જપ કરતાં ધ્યાનનું મૂલ્ય વધારે, ધ્યાન કરતાં સમાધિનું મૂલ્ય વધારે, અને સમાધિ કરતાં પણ ગાનનું મૂલ્ય વધારે.
તો આનંદઘનજી ભગવંતે આ ગાન કર્યું: “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” પ્રભુ મારા પ્રિયતમ છે. પ્રિય, પ્રિયતર, પ્રિયતમ. પ્રિયતર COMPARATIVE DEGREE નો શબ્દ છે. અને પ્રિયતમ SUPERLATIVE DEGREE નો શબ્દ છે. આનંદધનજી ભગવંત ક્યાં પહોંચ્યા? એમની ઈર્ષ્યા આવે ને તો બી કામ શરૂ થઇ જાય આજે… કે એમને મળ્યું… પ્રભુએ એમને આપ્યું, તો મને કેમ નહિ.
વીરવિજય મહારાજે પૂજામાં કહ્યું: “સુલસાદીક નવ જણને જિનપદ દીધું રે…” પ્રભુ તે સુલસાને તીર્થંકર પદ આપ્યું, રેવતીજી ને આપ્યું, શ્રેણિક મહારાજાને આપ્યું. મને કેમ નહિ, લાવો મારો ભાગ લાવો… તમે તો શું કરો છો પ્રભુ પાસે જઈને ખબર નથી પડતી. શું કરો છો? FIGHTING આવડે છે આમ? પ્રભુ જોડે FIGHTING કરો… કે એ બધાને તમે આપ્યું મને કેમ નહિ. એ પણ તમારું બાળક છે, હું પણ તમારું બાળક છું.
સ્કુલેથી એક બાળક આવ્યું: એ જુએ છે મોટી બહેન મોઢામાં કંઈક ચગલાવી રહી છે, નાનો ભાઈ પણ મોઢામાં કંઈક ચગલાવી રહ્યો છે. તરત માઁ ને કહેશે. મોટી બેનને આપ્યું, નાના ભાઈને આપ્યું, મને? લાવ મારો ભાગ લાવ…. એમ પ્રભુને કહ્યું?
સ્તવનાકારોએ તો ભગવાનને શું કીધું ખબર છે? ભગવાન તમે પક્ષપાતી છો. ભેદભાવવાળા છો. શ્રેણિક મહારાજા રોજ પેલા સોનાના જવથી તમારી ગહુંલી કરતાં એટલે એને તીર્થંકર પદ આપી દીધું. તમે બી લડો. FIGHTING કરો.
સ્તવનામાં કહ્યું: “મુજ સરીખા મેવાસીને પ્રભુ જો તું તારે, તારક તો જાણું ખરો, જુઠું બિરુદ શું ધારે” ભગવાનને કહે છે, તું મને તારે તો તારક, બાકી વાત ખોટી. સુલસાજીને તાર્યા એ તો તરી જાય એવા હતા. રેવતીજી ને તે તાર્યા તું યશ લે છે પણ તારો એ યશ ખોટો છે. રેવતીજી તો તરી જાય એવા હતા. મારા જેવા પત્થરને તારે તો હું માનું કે ખરેખર તું તારક છે. નમુત્થુણંમાં બોલો તીન્નાણં તારયાણં, તીન્નાણં બોલો સરસ ભાવ આવે, પ્રભુ તરી ગયેલા છે, સંસાર સાગરને પેલે પાર પહોંચી ગયા છે, પણ તારયાણં બોલો ત્યારે તમારી હાલત કેવી હોય, ઉછળો નહિ. તારયાણં, પ્રભુ તારક છે, તારનારા છે, મારે શું કરવાનું… એ તારક છે તો મને તારી દેશે.
ભક્ત તો સ્પષ્ટ શબ્દોમાં કહે હું બેઠો છું સંસારમાં. તારે તારવો હોય તો તાર નહીતર તારી ઈજ્જત જશે કે તારો ભક્ત સંસારમાં છે. નાનું બાળક ૩ – ૪ વર્ષનું માની સાથે ક્યાંક ગયેલું. જ્યાં ગયા ત્યાં નાસ્તો full થઇ ગયો. એ પછી ઘરે જવાનું છે. દીકરો ચાલે એવો, દોડે એવો છે. એટલે માઁ એ દીકરાને કહ્યું ચાલ બેટા! આપણે અહીંથી નીકળીએ. બહાર જઈને રીક્ષા-બીક્ષા પકડીશું. ચાલ! માઁ એ આમ આંગળી દેખાડી ‘ચાલ મારી આંગળી પકડી લે’. પેલો આમ કહે છે ‘પેટ થઇ ગયું છે full. ચલાય એવું છે નહિ’. મમ્મી કહે છે આમ, પેલો કહે છે આમ. જીત કોની થાય? મમ્મીઓને પૂછું જીત કોની થાય? માઁ ને જવું છે. બાળકને ઉપાડી, લઇ ચાલતી થાય. પેલાએ સ્પષ્ટ કહી દીધું હું તારી આંગળી પકડવાનો નથી. મને ઉચકવો હોય તો ઉચક નહીતર મુકીને જા.
તો તારયાણં બોલો ત્યારે હૃદયમાં કયો ભાવ આવે છે. મને તારનારા પ્રભુ મળી ગયા, હવે. હવે મારે શું કરવાનું? હું વારંવાર કહું છું આપણી સાધનાનું composition ૯૯% grace ૧% effort. ૯૯ ટકા માત્ર પ્રભુની અને સદ્ગુરુની કૃપા છે. ૧% effort, ૧ જ પ્રતિશત તમારો પ્રયત્ન છે. અને તમારો પ્રયત્ન શું? પ્રભુ જે પ્રેમ વરસાવી રહ્યા છે, પ્રભુ જે કૃપાને વરસાવી રહ્યા છે એને ઝીલવી. આટલું જ તમારું કાર્ય છે. તમારે બીજું કંઈ જ કરવાનું નથી. એની કૃપા સતત વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક સેકંડ એવી નથી, કે એની કૃપા, એનો અનરાધાર પ્રેમ ન વરસતો હોય.
અમે લોકો મજામાં છીએ ને, કોનાથી… અમે સ્પષ્ટ કહીએ: દેવ – ગુરુ પસાય. પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ સતત વરસી રહ્યો છે, મજામાં જ હોઈએ ને. તમે પણ મજામાં શી રીતે? દેવ – ગુરુ પસાય ને, કે લક્ષ્મીજી પસાય?
તમારે શું છે ભાઈ? તમે પણ સુખી દેવ – ગુરુ પસાય જ થઇ શકો. સુખ પ્રભુની અને સદ્ગુરુની કૃપા વિના ક્યારે પણ મળી શકે નહિ. કરોડો રૂપિયા છે એક માણસ પાસે, પણ એનો school mate એનો bench mate મળ્યો અને કહે ચાલ ને મારે ત્યાં નાસ્તો કરવા… એ bench mate ne ત્યાં નાસ્તો કરવા ગયો, અને એનો ફ્લેટ જોયો, પૂછ્યું કેટલાનો ફ્લેટ? તો કે સવાસો કરોડ નો. અને પછી ૧૫ – ૨૦ કરોડ interior decoration માં ખર્ચ્યા. આનો ફ્લેટ ૭ – ૮ કરોડનો હતો અને એમાં તો એ ફુલાઈને ફાળકો થઇ ગયેલો. આટલો મોટો મારો ફ્લેટ. અને એમાં આ વાત સાંભળી, સવાસો કરોડનો ખાલી ઢાચો, અને ૨૦ કરોડ decoration માં ખર્ચ્યા. શું થાય હવે? શુ થાય? પેલા ૭ કરોડના ફ્લેટનું સુખ ગયું. કેમ? તમારા કરોડોના સુખને અદ્રશ્ય કરતાં વાર કેટલી લાગે? જોયું પેલાની પાસે આટલું છે તરી પાસે શું છે..? ખલાસ, છે એ બધું ગયું.
એક બહુ મજાની વાત તમને આજે કહું. તમારી નજર haves પર છે કે have nots પર છે? Haves પર તમારી નજર નથી. Have nots પર તમારી નજર છે. મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી… પણ તમારી પાસે શું છે એ તો વિચાર કરો. પ્રભુએ તમને મનુષ્ય જન્મ આપ્યો, પ્રભુએ પોતાનું શાસન તમને આપ્યું, પ્રભુએ પોતાની સાધના પદ્ધતિ તમને આપી. કેટલા haves તમારી પાસે છે. અને આટલા haves જેની પાસે હોય, એને have nots નો વિચાર આવે. આટલું બધું મને મળ્યું છે.
કુમારપાળ રાજાએ પ્રભુની સ્તુતિ કરી. ૫૦ – ૫૫ વર્ષની વયે રાજ્ય ગાદી મળી. ૫ – ૧૦ વર્ષ રાજ્યને સ્થિર કરવામાં થયા. ગુરુદેવ હેમચંદ્રાચાર્ય મળ્યા. અને એ પછી ૬૫ – ૭૦ વર્ષની વયે કુમારપાળ મહારાજા સંસ્કૃત વ્યાકરણ ભણવા માટે બેઠા. એમણે થયું કે સંસ્કૃત અને પ્રાકૃત ન ભણું તો મહાપુરુષોની વાણી મૂળ રૂપમાં મને આસ્વાદવા ન મળે. તમારે ક્યારે ભણવાનું છે? ૭૦ વર્ષની વયે કુમારપાળ રાજા સંસ્કૃત વ્યાકરણ ભણવા બેઠા. તમારે ક્યારે બેસવાનું છે? એ પછી એમને સ્તુતિઓ રચી. એ પૈકીની એક સ્તુતિનો આ ગુજરાતી અનુવાદ છે. શું કહે છે કુમારપાળ? “પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ તને, ત્રૈલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષીશિવના નેતા મળ્યા છે મને” પ્રભુ તું મળી ગયો, સદ્ગુરુ મળી ગયા. તારું શાસન મળી ગયું. પછી શું કહે છે, “એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું માંગણી” હવે આવ્યા છે શેના માટે પ્રાર્થના માટે, પણ વિચારમાં પડ્યા, શું માંગવું…. વગર માંગે ભગવાને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપી દીધી. પ્રભુ પોતે મળી ગયા. પ્રભુએ સદ્ગુરુ આપી દીધા. અને સદ્ગુરના ચરણમાં મને ઝુકાવી પણ દીધો. હવે બાકી શું રહ્યું… પણ ભગવાન પાસે આવ્યા કંઈક તો માંગવું પડે ને. છેલ્લે કહ્યું “માંગું આદર વૃદ્ધિ તોય તુજમાં, એ છે ઉરે લાગડે.” બસ જે મળ્યું છે એમાં મારો આદર દિન – પ્રતિદિન વધતો જાય. એટલું જ પ્રભુ તારી પાસે માંગું છું. ફરી સવાલ: Haves પર નજર છે કે have nots પર? જે મળ્યું છે એના પર નજર છે, કે બીજાની સંપત્તિ જોઇને દોડમ – દોડ કરો છો.
એક ભાઈ ઘરે ચાંદીનો cup લઇ દોડતા દોડતા આવે છે. હવે ચાંદીનો cup તો કોઈ રેસમાં વિજેતા હોય એને મળે. તો પત્નીએ પૂછ્યું: તમે રેસમાં વિજેતા બન્યા? તો કે હા હું પહેલા નંબર ઉપર છું. તો કે બીજા નંબર પર કોણ છે? તો કે મકાન માલિક છે, કે જેની દુકાનમાંથી મેં આ ચાંદીનો cup ચોર્યો છે. ઠોકી દીધો છે. રેસ લાગી છે પણ રેસ શાના માટે? દરેક વ્યક્તિને પોતાના સમાજમાં નંબર ૧ કે નંબર ૨ થવું છે. બોલો એક વાતનું તમને પચ્ચક્ખાણ આપું આજે? કે વ્યાજમાંથી આરામથી તમે ખાઓ, પીઓ, જલસા કરો, અને કરોડ રૂપિયા ધર્મમાં ખર્ચી શકો, એટલું તમારી પાસે હોય પછી ધંધો નહિ કરો નવો. બોલો આપું નિયમ?
તમારે નક્કી છે કેટલા ભેગા કરવાના? માણસ રણમાં મુસાફરી કરે ને થાકી જાય. કારણ કોઈ સ્ટેશન આવતું જ નથી. એમ તમારી મુસાફરી રણમાં તો નથી ને? ૫ કરોડ થયા…૧૦ કરોડ, ૧૦ તો ૨૦, ૨૦ તો ૨૫… એક જમાનો હતો લોકો કહેતાં આ અમારા ગામનો લખપતિ છે. પછી જમાનો બદલાયો, આ અમારા ગામનો કરોડપતિ છે. લાખનો હિસાબ ન રહ્યો. હવે કરોડની કોઈ value નથી. આ અબજોપતિ છે, પણ ખરેખર અબજોની પણ value છે તમારી પાસે.
તમારી નજર ક્યાં છે? ૧૦૦ વર્ષ પહેલાની એક ઘટના તમને કહું: ગામડે ગામથી એક માણસ મુંબઈ શહેરમાં આવ્યો. લોકોની નજર મુંબઈ ઉપર પહેલેથી જ હતી. મુંબઈ આવ્યો કંઈક કામ મળી રહેશે. દેશમાં કંઈ કામ મળતું નહોતું. એને નામું લખતા આવડતું હતું. એક શેઠની પેઢી ઉપર નામુ લખવાનું કામ મળી ગયું. પણ પગાર કેટલો એ જમાનામાં? ૫૦ રૂપિયા મહીને. ચાલીમાં એક નાનકડી ખોલીમાં રહેવાનું, એનું ભાડું આપવાનું દર મહીને, પોતાને વીસી માં જમવાનું એનો ખર્ચ, અને વધે એટલું ગામડે પોતાના કુટુંબ માટે મોકલવાનું. મહિનાની છેલ્લી તારીખોમાં એટલી ભીડમાં હોય, કે એક પૈસાનો પણ ખર્ચ કરવો પણ પાલવે નહિ. એમાં એની ચંપલ તૂટી ગઈ. એવી રીતે તૂટી ગઈ કે સંધાય એવી ન રહી. હવે નવી ચંપલ લાવવી પડે એમ છે અને ચંપલના પૈસા નથી. આ મહીને પણ નથી અને આવતાં મહીને પણ કંઈ જોગ થાય એવો નથી. ત્યારે એને થયું, કે સિદ્ધિ વિનાયકના મંદિરે જાઉં….. હિંદુ માણસ હતો, અને બાપાને કહું, કે બીજું કાંઈ નહિ મારે કોઈ મહેલ જોઈતા નથી. ગાડી જોઈતી નથી. એક ચંપલના પૈસા તું મને આપી દે. ગયો સિદ્ધિ વિનાયકના મંદિરે, તો બહાર એક માણસ બેઠેલો, એના બે પગ કપાઈ ગયેલા, પણ એનું મોઢું જોતા પરિચિત માણસ લાગ્યો. એટલે મુનીમ ૧ મિનિટ ઉભો રહ્યો. કે આ છે કોણ? આનો ચહેરો ઘણી વાર જોયેલો છે. પેલો માણસ પણ મુનીમને ઓળખી ગયો. સાહેબ! તમે પેલા શેઠના ત્યાં મુનીમ છો ને? તો કે હા… પણ તું કોણ? સાહેબ! પાટાની પેલી બાજુ ઝુંપડપટ્ટી નથી એમાં હું રહું છું. તમે ઘણી વાર ઉઘરાણી માટે આજુબાજુમાં આવતાં. હું તમને ઠંડું પાણી પણ પાતો, ચા પણ પાતો. હા – હા યાદ આવ્યું. ઓ ઓ ઓ તું, તારે ત્યાં મારી કોઈ ઉઘરાણી નહિ, એક પૈસો મારે લેવાનો નહિ. અને છતાં તું મારી આટલી ખબર રાખતો હતો. મને ચા પીવડાવતો હતો. આ શું થયું? પગ કેમ કપાઈ ગયા..? પેલો કહે કે સાહેબ! એકવાર ઉતાવળ હતી પાટા cross કરવા ગયો, અને એમાં ગાડીના પૈડા ફરી વળ્યા. એક ચેરીટેબલ સંસ્થાએ બધો ખર્ચ ઉપાડી લીધો અને operation વિગેરે થઇ ગયું, પણ જયપૂર ફૂટ પણ લાગે એવા નહિ. એટલે બંને પગ કાપવા જ પડ્યા. ને બેઉ પગ કપાઈ ગયા, કામ શું કરું… એટલે મારી પત્ની રોજ સવારે લારીમાં મને બેસાડી અહીંયા લાવે છે, અને એ કોથળો પાથરી મને અહીં બેસાડીને જાય છે. અહીંયા જે કાંઈ મળે ૨ – ૫ -૧૦ રૂપિયા એ સાંજ સુધીમાં ભેગા કરૂ, સાંજે મારી પત્ની આવશે અને મને લારીમાં બેસાડીને લઇ જશે. મુનીમની આંખમાં આંસુ આવી ગયા. આવું સ્વસ્થ માણસ અને પોતાનું પરિશ્રમ કરીને જીવનારો સ્વાશ્રયી માણસ એને ભીખના ધંધા સુધી આવવું પડ્યું. એના પગ કપાઈ ગયા. એ મંદિરમાં ગયો. આવ્યો તો એટલા માટે કે ચંપલ માટે પૈસા માંગું હવે એણે પ્રભુને કહ્યું કે પ્રભુ! મારા પગ સલામત છે એ બદલ તારો આભાર માનું છું.
તમે બધા ક્યાં નજર રાખશો હવે? Haves ઉપર કે have nots પર…. haves ઉપર રાખશો ને તો ઉપાશ્રય નાનો પડશે. Have nots પર નજર છે ને નાસ્તો કર્યો ન કર્યો ને ભાગો. પણ જ્યાં haves પર નજર આવી મારા પુણ્યમાં હશે એ મને મળવાનું જ છે. બસ, પૂજા કરી લઉં શાંતિથી પ્રભુની અષ્ટપ્રકારી, જિનવાણીનું શ્રવણ કરી લઉં. અને એ પછી આરામથી જવાનું. મારા પુણ્યમાં જે હશે, એ મને મળવાનું જ છે. બોલો શેનાથી મળ્યું તમને..? પરિશ્રમ થી મળ્યું કે પુણ્યથી મળ્યું…? પુણ્યથી મળ્યું બરાબર…
પુણ્યના માલિક કોણ? પરમાત્મા. નવતત્વો કોણે બતાવ્યા? પરમાત્માએ બતાવ્યા. બરાબર. તો તમને જે મળ્યું એ તમારું કે પરમાત્માનું? બોલો કોનું? તમને મળ્યું એ કોનું?
અમારી પાસે જે કાંઈ છે ને એ પ્રભુનું છે. કારણ કે અમે જ પ્રભુના છીએ. પછી મારી પાસે જે હોય એ પ્રભુનું જ હોય ને. તમે સ્તવનમાં તો બોલો જ છો, હું પ્રભુ તારો અને તું પ્રભુ મારો. તો પુણ્યના ઉદયથી મળ્યું, પ્રભુની કૃપાથી મળ્યું, well set છો. મજામાં છો? શાતા પૂછી લવ બરોબર આજે.
તો haves પર નજર રાખો, આનંદઘનજી ભગવંત એમની પરાવાણી દ્વારા આપણને કહેવા માંગે છે કે પ્રભુ જેવા પ્રભુ આપણને મળ્યા છે, આપણે બીજા સામે નજર કેમ રાખીએ છીએ. સંસારમાં છો,કામ કરવું પડે, પણ નજર ક્યાં હોય? ધંધો પણ એવો કરું કે જેની અનુમતિ મારા પરમાત્માએ આપેલી છે. ઓછામાં ઓછું પાપ થાય એવો ધંધો કરવો છે. પૈસા કમાવા પડશે, પણ ધંધો એવો કરીશ કે જેની મારા પ્રભુએ અનુમતિ આપેલી હોય. કર્માંદાનનો ધંધો હું નહિ જ કરું.
તો haves તમારી પાસે આવી ગયું તમે સુખી. અમે તો સુખી છીએ જ. આજે તમને પણ સુખી બનાવી દઉં, તમને કોઈબી મળે કેમ ? મજામાં? જલસામાં.
તો “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” પ્રિય, પ્રિયતર, પ્રિયતમ. તો આનંદઘનજી ભગવંતની મનોભૂમિકા શું હતી એ આપણે સમજવી પડશે.. કે કઈ મનોભૂમિકા હતી? કે પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણોની અંદર ન્યોછાવર કરી શકે છે. અને એટલા માટે જાણવું છે કે આપણે પણ આપણું સર્વસ્વ પ્રભુના ચરણોમાં ન્યોછાવર કરી શકીએ.
Whenever I am reading I feel that sadguru prabhu vachanna for uplifting ur soul if v follow, will reach our destination, dhyanna to samadhi, lucky to have guruvachan everyday with new technology if v use for right things, doesn’t feel v r far from sadguru, always with them, blessing always🙏