Anandghanji Ne Sathvare – Vachana 13

1.2k Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : એક તુજ આણ લહે થકે રે

પ્રભુની આજ્ઞાપૂર્વકના તપ, જપ, ક્રિયાઓ દ્વારા જ પ્રભુની અનુભૂતિ મળી શકે. કોઈ પણ સાધના આજ્ઞાપૂર્વકની ક્યારે કહેવાય? જ્યારે વ્યવહાર સાધના નિશ્ચયને touch થતી હોય ત્યારે.

નમસ્કાર મહામંત્રનો જાપ તમે કરો અને ઝૂકવાનું ઘટિત થઈ જાય. કોઈ વિના કારણ તમારા પર ગાળોનો વરસાદ વરસાવે, તો પણ તમે એના ચરણોમાં પડીને કહી શકો : નમો સિદ્ધાણં !

જે બાહ્ય તપ અભ્યંતર તપની અંદર પરિણત થાય, તે પ્રભુની આજ્ઞા પૂર્વકનો તપ. પ્રાયશ્ચિત દ્વારા રાગ અને દ્વેષ ઓછાં થાય. વિનય અને વૈયાવચ્ચ થી અહંકાર ઓછો થાય. સ્વનું અધ્યયન તે સ્વાધ્યાય. સ્વાધ્યાય દ્વારા જે આત્મતત્વને જાણ્યો, એની અનુભૂતિ તમે ધ્યાન અને કાર્યોત્સર્ગ દ્વારા કરી શકો.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૩

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

યોગીરાજ કહે છે કે પ્રભુ મારા પ્રિયતમ છે. માત્ર એજ મને ગમે. એના સિવાયનું બીજું કશું, બીજું કોઈ મને ન ગમે, આ ભૂમિકા એક પ્રિયતમની ભૂમિકા છે. આપણે એ ભુમિકા ઉપર જવું છે. આ જન્મ આપણો સાર્થક ત્યારે જ થાય જ્યારે આપણે પ્રભુને પ્રિયતમ બનાવી શકીએ. તો પહેલા તો ઈચ્છા થવી જોઇશે. માર્ગ બહુ અઘરો નથી. માર્ગ ક્યારે પણ અઘરો નથી હોતો. મંઝીલની ઈચ્છા થવી એ જ અઘરી હોય છે. તમારા મનમાં એક પ્રબળ ઝંખના પ્રગટે કે મારા મનમાં પણ એવી એક ભૂમિકા પેદા થાય કે પ્રભુ જ માત્ર મને ગમે. પ્રભુની જેવી નિર્મળ ચેતના છે એવી જ મારી નિર્મળ ચેતના છે. તો પ્રભુ મને ગમે. મારી સ્વરૂપદશા મને ગમે. અને એ સિવાયનું બીજું કાંઈ ગમે નહિ.

તૈતરીય ઉપનિષદમાં ઋષિ કહે છે, “રસો વૈ સઃ”. રસ માત્ર એક છે, પરમરસ . બાકીના બધા કૂચ્ચાં. એ પરમરસ પીવા શી રીતે મળે? પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે ચોથા સ્તવનનો પ્રારંભ ભક્તની પરમરસને પીવાની ઝંખનાથી શરૂ કર્યો. “કયું જાણું કયું બની આવશે અભિનંદન રસ રીત”. મને પરમરસ ક્યારે ચાખવા મળશે? જે રસને ચાખ્યા પછી માનવિજય ઉપાધ્યાયે કહ્યું કે અગણિત જન્મોની અંદર આવો રસ મેં ચાખ્યો નથી. એ પરમરસ મને ક્યારે ચાખવા મળશે! “કયું જાણું કયું બની આવશે અભિનંદન રસ રીત” અને એક કડીના ઉતરાર્ધમાં કહ્યું ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત’ દેવચંદ્રજી મહારાજ, આનંદઘનજી મહારાજ અનુભૂતિની દુનિયાના મહાપુરુષો છે.

તમે એમને કહેશો કે સાહેબ પરમરસ પીવો છે. એ પૂછશે, ખરેખર પીવો છે? તો બેસી જા, પીવડાવી દઉં. ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત’. પરમરસ પીવાનો છે. અને માર્ગ કેટલો નાનકડો shortcut, shortest cut. શું માર્ગ બતાવ્યો પુદ્ગલ અનુભવ ત્યાગ. પુદ્ગલ ત્યાગ નહિ. આ મોટું પુદ્ગલ લઈને બેઠા છીએ; શરીરનું, એટલે એના માટે નાના પુદ્ગલો જોઇશે.

એટલે પુદ્ગલોના ત્યાગની વાત નથી કરતા. શું કહે છે ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત.’ પુદ્ગલના અનુભવનો ત્યાગ કરો. ભોજન શરીરને જરૂરી હતું તમે આપી દીધું. પણ એ ભોજન સારું હતું, ખરાબ હતું, એમાં રાગ એમાં દ્વેષ થાય. તો એ પુદ્ગલોનો અનુભવ તમારા મનમાં થયેલો કહેવાય. પુદ્ગલને પુદ્ગલ જોઈએ છે. એમાં તમે વચ્ચે ક્યાંથી આવ્યા? પહેલા તો એ નક્કી કરો કે તમે કોણ છો? Who are you? ક્યારે તમે તમારી જાતને પૂછ્યું , who am I? હું કોણ છું? માત – પિતા દ્વારા જેને શરીર મળ્યું છે અને જે શરીર રાખમાં ભળી જવાનું છે એ હું છું? કે આનંદઘન જ્યોતિ હું છું?

Who are you? એકવાર identity તમારી નક્કી નહિ થાય ને ત્યાં સુધી આગળ વાત ચાલશે પણ નહિ. હું એટલે આનંદઘન જ્યોતિર્મય તત્વ છું. હું સ્વયં સંપૂર્ણ છું. હું પોતે મારી જાત માટે કહી શકું કે આજે હું પ્રભુની કૃપાથી સ્વયં સંપૂર્ણ છું. મારા શરીરને થોડા પદાર્થો જોઈએ છે. જે આપવામાં આવે છે. મને પોતાને કશું જ જોઈતું નથી. મારા મનને, મારા ચિત્તને, મારા હૃદયને કશું જ જોઈતું નથી. અને જેને કંઈ પણ ન જોઈએ એ સ્વયં સંપૂર્ણ.

સ્વામી રામ હિમાલયમાં રહેતા. અને હિમાલયની એ ઠંડીમાં માત્ર એક નીચે કોપીનનું નાનકડું વસ્ત્ર લંગોટી જેવું ધારણ કરતા. એક યુરોપિયને એમને પૂછ્યું ‘આપ કૌન હો?’ ‘તો સ્વામી રામ કહે છે – હમ બાદશાહ હૈ’. તો પેલો પૂછે છે આપકે પાસ દુસરા કુછ હૈ તો નહિ. સિર્ફ એક કોપીન હૈ, ઔર આપ કહતે હો મેં બાદશાહ હું, તો સ્વામી રામે કહ્યું ઇતની તો બાદશાહત મેં કમી રહ ગઈ હૈ કી એક કૌપીન રહ ગયા હૈ. વો ભી છૂટ જાયેગા તો પૂરે બાદશાહ હો જાયેગે. શું મસ્તી એ લોકોની હોય છે.

હિંમતભાઈ બેડાવાળા, ચન્દ્રકાંતભાઈ, પ્રાણલાલભાઈ દોશી, આ બધા ભક્તો બદ્રીની યાત્રાએ જતા હતા. વચમાં જ્યાં પણ સંતો મળે, ત્યાં જતાં, પ્રણામ કરતા એમની શાતા પૂછતાં. એક જગ્યાએ ખ્યાલ આવ્યો કે રોડની બિલકુલ બાજુમાં એક ગુફામાં સંત છે. એ લોકો બધા ત્યાં ગયા. એટલી નાનકડી ગુફા કે એક માણસ બરોબર સૂઈ પણ ન શકે. ટૂટ્યુ વાળીને સૂઈ જવું પડે. હવે હિમાલયમાં ગુફાઓનો તોટો નથી. તો સહેજે સવાલ થયો કે આટલી નાનકડી ગુફામાં આ સંત કેમ છે? તો પૂછ્યું આપ ઇતની શંકરી ગુહા મેં કયું હો? હિમાલય મેં તો બહોત બડી બડી ગુહાએ હૈ, આપ ઇતની શંકરી ગુહા મેં કયું હો? તો સંત સામે હસે છે અને કહે છે – કયું બડી ગુહા કા ક્યાં કામ હૈ? મેં ઔર મેરે ભગવાન દો તો યહાં રહતે હૈ, ફિર તીસરે કા કામ ભી ક્યા હૈ…! શું આ ખુમારી હશે…! મેં ઔર મેરે ભગવાન દો તો યહાં રહતે હૈ, ફિર તીસરે કા કામ ભી ક્યા હૈ…! તો તમે પણ સ્વયં સંપૂર્ણ છો.

શરીર તમે નથી. શરીરને જોઈએ તે આપી દેવામાં આવે, તમને કશું જ જોઈતું નથી. આ ભૂમિકા ઉપર જ્યારે તમે આવો, ત્યારે તમે પણ સ્વયં સંપૂર્ણ બની જશો. હું તો આ ભૂમિકા ઉપર પહોંચ્યો છું. એટલી બધી મજા આવે છે, કશું જોઈતું જ નથી. અબજોપતિ આવે છે. સાહેબ! કંઈ કામ સેવા? કોઈ કામ સેવા નથી. સાહેબ! ક્યાંય પૈસા આપવાના હોય, ૨ – ૫ લાખ, ૨ – ૫ કરોડ, હું કહું પૈસા તારી પાસે રાખ. અહીંયા કોઈ જરૂર નથી. કશું જોઈતું જ નથી. માટે અમે સ્વયં સંપૂર્ણ છીએ. તમારે બનવું છે?

નક્કી કરો કે એટલા પૈસા મળી જાય કે વ્યાજમાંથી મજાથી જીવી શકો એમ છો, એ દિવસે ધંધો wind up કરી દેવો. કેટલા બધા કલાક પછી તમને સાધના માટે મળી જાય. એક future planning બનાવો. ૫ વર્ષ, દશ વર્ષ તમે જે રીતે કામ કરો છો, એ રીતે કામ કરો તો તમારી પાસે કેટલા પૈસા ભેગા થાય? અને એટલા પૈસા ભેગા થાય કે વ્યાજમાંથી મજાથી તમે જીવન પસાર કરી શકો એમ હોય ત્યારે ધંધો wind up કરી દેવો. પછી અમારી પાસે આવી જવાનું. અને સ્વયં સંપૂર્ણ તમને બનાવી દઈએ પછી. તો એક મસ્તી, એક ખુમારી, સ્વયં સંપૂર્ણતા માં છે.

એક ગીત મજાનું છે – ‘મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ, જહાં મેરે અપને સિવા કુછ નાહી.’ તો જ્યારે પરમાત્માનો પરમ પ્રેમ મળે છે, પરમાત્મા પરમ પ્રિય બને છે. ત્યારે જ આ સ્વયં સંપૂર્ણતા આવે છે. તો હવે તમને ઈચ્છા થઇ ગઈ હશે, કે આનંદઘનજી ભગવંત માટે પ્રભુ પ્રિયતમ હતા. મારા માટે પણ પ્રિયતમ બની જાય.

તો ગઈ કાલે કહેલું, there are ૩ stages. ૩ ચરણો છે. પહેલું ચરણ અલપ – ઝલપ પરમાત્માનું દર્શન, બીજું ચરણ વિરહ વ્યથાની sharpness, અને ત્રીજા ચરણે પ્રભુ પરમ પ્રિય રૂપે. પ્રિયતમ રૂપે મળી જાય. બે જ ડગ ચાલવાના તમારે, ત્રીજા ડગલે પ્રભુ તમને બાહોમાં સમાવી લે. આવી જા.

તો પહેલું ચરણ પરમાત્માનું અલપ – ઝલપ અનુભવ. અનંતનાથ ભગવાનના સ્તવનમાં માનવિજય મ.સા. એ અનુભવની એક સરળ વાત કરી છે. ગઈ કાલે વાત કરેલી. પણ એ ધ્યાનની કક્ષાની હતી. “જ્યોત શું જ્યોત મિલત જબ ધ્યાવત,” ધ્યાન જેને ન ફાવે, એના માટે માનવવિજય મ.સા. એ easeation – સરલીકરણ કરી આપ્યું. એમણે પ્રભુને પૂછ્યું કે પ્રભુ તારી અને મારી વચ્ચે અંતર કેટલું? આમ જુઓ તો કોઈ અંતર નથી. તારી જેવી નિર્મળ ચેતના છે, એવી જ નિર્મળ ચેતના મારી છે.

સત્તા રૂપે મારામાં અને તારામાં કોઈ ફરક નથી. પણ હા, મારુ જે મૂળ સ્વરૂપ છે, નિર્મલ સ્વરૂપ, એની આડે કર્મોની આવરણની ભીંત આવી ગયી છે. એ ભીંત જે ક્ષણે તોડી નાખો, એ  ક્ષણે તારામાં અને મારામાં કોઈ ફરક નથી. એટલે કે જે ક્ષણે ભીંત તૂટી ગઈ સંપૂર્ણ તયા એ વખતે પ્રભુ સાથે સંપૂર્ણ અભેદાનુભૂતિ. અને થોડી – થોડી ભીંત તૂટી ત્યારે થોડા સમય માટેની અભેદાનુભૂતિ. તો હવે ભીંતને તોડવાની રહી. બરોબર…

બહુ જ પ્યારી કથા છે – ગુજરાતી ભાષાની અંદર મહાપુરુષોએ સાધનાની કથાઓ કેટલી મજાથી કરી છે. તમને તો ગુજરાતી હજી આવડે છે. નવી પીઢીને નથી આવડવાનું. તમને તો આવડે છે. તો ગુજરાતી ભાષામાં સ્તવનની એકાદ કડીમાં સાધનાની મજાની કથા ખુલતી હોય છે. તો બહુ પ્યારી કડી છે. “તપ – જપ કિરિયા મોગ રે, ભાંગી પણ ભાંગી ન જાય, એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી જાય.” “તપ – જપ કિરિયા મોગ રે, ભાંગી પણ ભાંગી ન જાય,’ ભીંત ને તોડવી છે શું કરવું પડે? હથોડો લેવો પડે. તપનો હથોડો લીધો, જોરથી લગાવ્યો, ભીંતનું પ્લાસ્ટર પણ ખરતું નથી. જ્યાં હજારો વાર કર્યો, લાખો વાર કર્યો, જપના હથોડા થી એ ભીંતને તોડવાની કોશિશ કરી, ભીંત નહિ તૂટી. ક્રિયાઓ કરી, પણ ક્રિયાના હથોડા થી પણ ભીંત તૂટી નહિ, હવે શું કરવું? “તપ – જપ કિરિયા મોગ રે, ભાંગી પણ ભાંગી ન જાય,’ પછી કહે છે, ‘એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી જાય.” પણ જ્યાં તારી આજ્ઞાને હાથમાં લીધી, અને ભીંતને touch કરી, ભીંત તુટવા લાગી.

તો હવે ૨ પ્રકારો થયા. એક તપ – જપ ક્રિયા આજ્ઞા વગરની, અને એક તપ – જપ ક્રિયા આજ્ઞા પૂર્વકની. આજ્ઞા વગરની તપ – જપ અને ક્રિયાથી કર્મો તૂટ્યા નથી અને તૂટશે પણ નહિ. આજ્ઞા પૂર્વકના તપ – જપ અને ક્રિયાથી એ ભીંત તૂટી જશે. તો હવે આપણે જે તપ કરીએ છીએ, આપણે જે જપ કરીએ છીએ, આપણે જે ક્રિયા કરીએ છીએ, એ આજ્ઞા પૂર્વકની છે કે કેમ એ આપણે જોવું પડશે.  બરોબર .. તો કોઈ પણ સાધના આજ્ઞા પૂર્વકની ક્યારે કહેવાય… જ્યારે વ્યવહાર સાધના નિશ્ચયને touch થતી હોય ત્યારે. વ્યવહાર સાધના નિશ્ચયને touch ન થાય, તો એ આજ્ઞા પૂર્વકની સાધના કહેવાય નહિ.

જપ કર્યો નવકારમંત્રનો. એક લાખ નવકાર મંત્ર તમે ગણ્યા, ધન્યવાદ તમને, આ ક્રિયા કરી. આ જપ કર્યું. બહુ સરસ કર્યું. યાદ રાખો. ક્રિયા પ્રભુએ આપેલી. તપ અને જપ પ્રભુએ આપેલા સારા જ છે. એટલે કોઈ એમ કહી દે કે તપ આટલો કર્યો. જપ આટલો કર્યો. ક્રિયા આટલી કરી. શું થયું? સંસાર તો ચાલુ રહ્યો… આ બધું મુકો હવે… અને ધ્યાનમાં આત્મજ્ઞાનમાં આવી જાઓ. આવી કોઈ વાતોમાં આવી નહિ જતા. પ્રભુએ કહેલ તપ, પ્રભુએ કહેલ જપ, પ્રભુએ કહેલ ક્રિયા, composed છે. માત્ર પ્રભુએ કહેલ જપ, પ્રભુએ કહ્યું છે, એ રીતે કરવાનું. તો હવે આપણે જોઈએ, ૧ લાખ નમસ્કાર મહામંત્રનો જાપ તમે કર્યો. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો – ઝૂકવાનું, ઝુકી જાવ…. તો હવે આપણે આપણી જાતને પૂછવું પડે, કે એક લાખ નવકાર મંત્ર ગણ્યા, કે એક કરોડ નવકાર મંત્ર ગણ્યા, ઝૂકવાનું કેટલું પ્રતીત થયું? નમો સિદ્ધાણં આ બધા જ આત્માઓ ભવિષ્યના સિદ્ધ ભગવંત છે. એમને નમસ્કાર કરી શકશો…?

કોઈ uncle કોઈ કારણ વિના ગાળો નો વરસાદ વરસાવે અને તમે એમના ચરણોમાં પડો અને નમો સિદ્ધાણં કહો. આ ભૂમિકા આવી છે….

જપાનનો સમ્રાટ ગુરુ પાસે ગયો. ગુરુના ચરણોમાં ઝૂક્યો. ગુરુએ પૂછ્યું તું બહારથી ઝૂક્યો કે ભીતરથી ઝૂક્યો? કેવી એ સમ્રાટની નમ્રતા છે, એ કે છે ગુરુદેવ! હું તો નિપટ અજ્ઞાની માણસ છું. મને શું ખ્યાલ આવે કે હું બહારથી ઝૂક્યો કે ભીતરથી ઝૂક્યો? કોઈ પણ સદ્ગુરુ face reading ના master હોય છે. હું ઘણીવાર કહું, તમે તમારી સાધનાને કહો એ તમારી તરફ ખુલતી વાત છે. સદ્ગુરુ તો તમારા ચેહરાને જોઇને તમારી સાધનાનું stand point નક્કી કરી શકે છે. તો સદ્ગુરુ face reading ના master, forehead reading ના master, third eye reading ના master. તો ગુરુને ખ્યાલ છે કે ભીતરથી ઝૂક્યો કે બહારથી? ગુરુ પૂછે છે એટલા માટે કે બીજા લોકોને ખ્યાલ આવે. તો સમ્રાટ કહે છે ગુરુદેવ! હું તો નિપટ અજ્ઞાની માણસ છું, મને શું ખ્યાલ આવે… કે હું ભીતરથી ઝૂક્યો કે બહારથી?

ત્યારે ગુરુએ કહ્યું – હું તારી પરીક્ષા કરીશ. અને પરીક્ષામાં તું પાસ થાય તો જ તું ભીતરથી ઝુકેલો કહેવાય. સમ્રાટ હાથ જોડીને ઉભો છે. ગુરુદેવ બોલો… ત્યારે ગુરુએ કહ્યું તારા જૂત્તા ને હાથમાં લેવાના, જૂત્તાથી કપાળને કૂટવાનું. અને અહીંથી દોડતા તારા રાજમહેલ પાસે જઈ, રાજમહેલને આટો લગાવી પાછું અહિયાં આવવાનું. એ વખતે હું નક્કી કરીશ કે તું બહારથી ઝૂક્યો કે ભીતરથી. હવે આ જપાનનો સમ્રાટ, આખા દેશનો સમ્રાટ. એ મહેલમાં ચાલે તો પણ red કાર્પેટ ઉપટ ચાલે, બહાર નીકળે મહેલની, તરત જ હીરા જડિત મોજડી એના પગમાં હોય, અને સોનાના રથમાં બેસીને એને જવાનું. એ સમ્રાટ જૂત્તા ને હાથમાં રાખી કપાળને ફૂટતો – ફૂટતો રસ્તા ઉપર દોડી રહ્યો છે. મંત્રીઓને ખબર પડી, ‘દોડતા સોનાનો રથ લઈને આવ્યા. મહારાજ!  તમારે ક્યાં જવું છે? બેસી જાઓ રથમાં. રાજા બોલતો નથી. દોડ્યા કરે છે. નાના છોકરાઓ તો રાડો પાડે છે, કે રાજા ગાંડો થઇ ગયો, પાગલ થઇ ગયો. એ પાંચ કિલોમીટરનું અંતર કાપી, સમ્રાટ ગુરુ પાસે આવ્યો. ગુરુના ચરણોમાં પડ્યો. અને કહ્યું ગુરુદેવ! આપે બહુ મોટી કૃપા કરી. મેં ભલે આપને કહ્યું નહોતું પણ અંદરથી હું માનતો હતો કે હું સદ્ગુરુને ઝુકું છું એ totally ઝુકું છું. મારા પૂરા અસ્તિત્વથી ઝુકું છું આવું હું માનતો હતો. કે મારું પૂરું અસ્તિત્વ, મારું મન, મારું ચિત્ત, મારું હૃદય, મારું અસ્તિત્વ બધું જ ગુરુના ચરણોમાં ન્યોછાવર થયેલું છે. એવું હું માનતો હતો. પણ આપે મારી ભૂલ પકડી આપી. શું કહે છે સમ્રાટ, અત્યાર સુધી હું માનતો હતો, કે હું અસ્તિત્વના સ્તરથી ઝુકું છું. પૂરેપૂરો ઝુકી જાઉં છું.

પૂરેપૂરા ઝૂકવું મતલબ તમે રહો જ નહિ. તમારો હું ન રહે. તમારો અહંકાર ન રહે. તો જ totally ઝુકી શકાય. તમે ક્યારે આવો વિચાર કર્યો છે? આમ સવારે ઉઠો, એક રણઝણાતી હોય, સદ્ગુરુના ચરણોમાં જઈને સંપૂર્ણ તયા ઝુકી જાવ. તમારો કચરો અમને આપો ને અહંકારનો…. વાંધો નહિ. કચરાની bag મોટી છે અમારી પાસે. સવારના પહોરમાં એક રણઝણાતી થતી હોય, કે ગુરુના ચરણોમાં જાઉં, પભુના ચરણોમાં જાઉં, અને સંપૂર્ણ તયા ઝુકી જાઉં.

તો સમ્રાટ કહે છે, કે અત્યાર સુધી હું માનતો હતો કે હું સંપૂર્ણ તયા આપને ઝુકું છું, પણ આજે જ્યારે નાના દીકરાઓ બૂમ પાડતાં હતા, કે રાજા પાગલ થઇ ગયો, એ વખતે મારા અહંકારને ઠેસ લાગેલી. કે ગુરુએ આવી પરીક્ષા કેમ આપી…..

બે વાત છે, તમારો અહંકાર તમને ગમે તો ગુરુ તમને ન ગમે, અને ગુરુ તમને ગમે તો અહંકાર ન ગમે. કોણ ગમે છે બોલો? યાદ રાખો આ ચાદર અગણિત વાર પહેરાઈ પણ સંપૂર્ણ તયા ઝૂકવાનું ન થયું. માટે પ્રભુની ચાદર મળી. અને છતાં મોક્ષ દૂર રહ્યો. સંપૂર્ણ તયા ઝુકી જાઓ. તમે રહો જ નહિ. દીક્ષાનો મતલબ હું શું કરું ખબર છે, ૧ + ૧ = ૧. તમે ગયા અને ગુરુ રહ્યા એનું નામ દીક્ષા. તમે હોવ જ નહિ. તમારો હું હોય જ નહિ. એનું નામ દીક્ષા. તો સમ્રાટ કહે છે – જ્યારે નાના દીકરાઓ બૂમ પાડતાં હતા કે સમ્રાટ પાગલ થઇ ગયો, એ વખતે મને થતું ગુરુદેવે આવી પરીક્ષા કેમ આપી? એટલે સહેજ આપના તરફ વિચાર આવી ગયો. અણગમો નહિ. ગુરુ પ્રત્યે તિરસ્કાર નહિ. અભાવ નહિ. પણ એક વિચાર આવી ગયો. કે ગુરુદેવે આવી પરીક્ષા કેમ આપી? મને વિચાર પણ આવવો ન જોઈએ. “આજ્ઞા ગુરુણાં ય વિચારણીય” સદ્ગુરુની આજ્ઞા મળે, તમે વિચારની ચાદર ઉપર એને ઝીલો તમે નાપાસ છો. તમે અહોભાવની ચાદર ઉપર તમે એને ઝીલો તો તમે પાસ છો. તો સમ્રાટ કહે છે કે આટલો વિચાર મને આવી ગયો એ બતાવે છે કે મારો અહંકાર હજુ સાબુત છે. ગુરુદેવ મારાથી અહંકાર મારો દૂર નહિ થાય, આપ અહંકારને છીનવી લો. ક્યારેક તમે સદ્ગુરુને કહ્યું કે ગુરુદેવ મારા અહંકારને મારા હું ને હું છોડી શકતો નથી. પણ હું તો અશક્ત છું, આમેય.. તમે શક્તિમાન છો. તો તમે મારા અહંકારને છીનવી લો. કહ્યું કોઈવાર…

અહંકાર જાય સાધના શરૂ થાય. નહીતર શું થશે…. અહંકાર હશે તો મેં સાધના કરી. મેં આટલું કર્યું. તો કર્યું તો ઓછું હશે, અહંકાર એથી વધારે હશે. તો ફરીથી પૂછું, નવકારમંત્રનો એક લાખ વાર જાપ કર્યો. સરસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર આપણો. અને એનું chanting તમે એક લાખ વાર કર્યું. પણ હવે તમારે જોવાનું, કે એ લાખ વારના રટણથી – chantingથી અંદર શું ફરક પડ્યો? ડોકટરે કોર્સ બતાવ્યો કે ૧૦૦ ટીકડી લેવાની છે. તમે ૧૦૦ ટીકડી ગળી પણ લો, પણ રોગમાં ફરક ન પડે, તો તમે ડોક્ટરને પૂછો ને કે સાહેબ ૧૦૦ ટીકડી ગળાઈ ગઈ, પણ દર્દમાં કોઈ ફેરફાર થયો નથી. એમ અમારી પાસે આવો કે સાહેબજી એક લાખ નવકાર મંત્ર જપ્યા, પણ ઝૂકવાનું હજી ઘટિત થતું નથી. હજી મારો અહંકાર તો ટટ્ટાર ને ટટ્ટાર છે. હું શું કરું? અમે રસ્તો બતાવશું. અમે તૈયાર…. તપ કરવો છે પ્રભુની આજ્ઞા પ્રમાણે આજથી સિદ્ધિતપની શરૂઆત. ઘણા બધા ભાવુકો જોડાયા છે. જેમને પાસ ના લીધો હોય એમને પણ પાસ કરી દઈશું…

તપશ્ચર્યા તમારે ક્યાં કરવાની છે, તમારે કરવાની? જુના વખતમાં ફોટોગ્રાફરો કહેતાં smile please, હસતું મોઢું રાખો… બાકીનું બધું હું સંભાળી લઈશ. એમ સદ્ગુરુનું પચ્ચક્ખાણ, પ્રભુની કૃપા, સદ્ગુરુનો વાસક્ષેપ એમાં એટલી બધી તાકાત છે. કે તમારે તો ખાલી પચ્ચક્ખાણ લઇ લેવાનું, કામ તમારું પૂરૂ થઇ ગયું. એટલે તમારે બહુ કરવાનું નથી આમાં, હાથ જ જોડવાના છે ખાલી. બાકીનું બધું પ્રભુ અને ગુરુએ કરવાનું.

બડભાગી છીએ આપણે કે પ્રભુનું શાસન મળ્યું. આટલી મજાની વાતો જાણવા અને સાંભળવા મળી. એક પ્રવચનની પાછળ ઘણા મહાપુરુષો ૫ – ૧૦ ગ્રંથોનો સાર આપી દેતાં હોય છે. સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો તમે ન ભણી શકો, કંઈ વાંધો નહિ. તમારી ભાષામાં તમે સમજો એ રીતે સરલીકરણ કરીને અમે શાસ્ત્રોની વાતો તમારા સુધી પહોચાડી રહ્યા છીએ. તો કેટલા બડભાગી છો તમે… બરોબર જો તમે home work કરો, એક કલાક કે દોઢ કલાક પ્રવચન સાંભળ્યું, વધુ નહિ એમાંથી એક જ point લો. અને એ point ને તમે તમારા જીવનમાં ઉતારી શકો કે નહિ… એને વિચારવા લાગો. પ્રવચનના મુદ્દા તમારા ખ્યાલમાં આવી ગયા. એક મુદ્દો જે છે એ તમે પકડી લો, એક જ વાત વધારે નહિ. અને એ પ્રમાણે હું કરી શકું કે કેમ? એ વિચારો .. તો જીવનની એક કાયા પલટ થઇ જશે. તો ચોમાસા પહેલાના તમે. અને ચોમાસા પછીના તમે. એટલો બધો ફરક પડી જાય. પહેલા સહેજ ગુસ્સાથી તમે કોઈની જોડે બોલી પણ લેતા હોય. પ્રભુના શબ્દો મળ્યા પછી એટલો બધો પ્રેમ તમારા જીવનમાં વણાઈ જાય કે કોઈની પણ સાથે બોલો તો, માત્ર પ્રેમથી, માત્ર નમ્રતાથી. અહંકારની તમારી ભાષા બિલકુલ છીનવાઈ જાય. તમારી ભાષામાં. તમારી રહેણી કરણી માં બધામાં ફરક પડી જાય. એક માત્ર પ્રવચન દ્વારા. તો તપ પ્રભુની આજ્ઞા પૂર્વકનો, પ્રભુની આજ્ઞા પૂર્વકનો તપ એ છે કે જે બાહ્ય તપ, અભ્યંતર તપની અંદર પરિણત થાય છે.

એટલે ઉપવાસ કરો ત્રણ ટાઇમ ખાવાનો સમય બચી જાય, એટલો સ્વાધ્યાય વધારે કરો. એટલે બાહ્ય તપ દ્વારા તમે અભ્યંતર તપમાં પહોંચી ગયા. તમને ખ્યાલ છે, પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ. આ એક ત્રિપદી છે અભ્યંતર તપની. તો પ્રાયશ્ચિત શું કરે? તમે રાગ અને દ્વેષથી કોઈ પાપ કર્યું છે. તમે ગુરુદેવ પાસે આલોચના લેવા આવો, તમારી આંખમાંથી આંસુ વહેતા હોય, ગળે ડૂસકાં હોય, ગુરુદેવ…  ગુરુદેવ… ગુરુદેવ…મારાથી આ પાપ થઇ ગયું. તમે પ્રાયશ્ચિત લો, તો એ પ્રાયશ્ચિત દ્વારા શું થાય? રાગ અને દ્વેષ તમારો ઓછો થાય. હવે રાગ અને દ્વેષ તો ઓછા થયા. પણ અહંકાર નું શું? સૌથી મોટો અવરોધ અહંકારનો છે. અહંકારને દૂર કરવા માટે બે તત્વો આપ્યા વિનય અને વૈયાવચ્ચ. પહેલું આપ્યું વિનય. મોટાઓનો વિનય કરવો. પણ એવું બની શકે, વિનય આપણા ભારતીય લોકોના લોહીમાં વણાયેલો છે. તો મોટા હોય તો એનો આદર – સત્કાર કરવો. તો વિનયની પરિભાષામાં આપણે હોઈએ. વિનયને આચરતા હોઈએ. અને અહંકાર રહી જાય તો…. એટલે વૈયાવચ્ચ આવે. કે કોઈએ તપશ્ચર્યા કરી છે, તો એના પગ દબાવો. કોઈએ સાધના કરી છે, તો એની સેવા કર. તો વૈયાવચ્ચ શું કરે? તમારા અહંકારને તોડે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધીની વૈયાવચ્ચ – સેવા, સાચી સેવા નથી. હું એની સેવા કરું, એ મારી સેવા કરશે. એ સોદાબાજી છે, એ સેવા નથી. વૈયાવચ્ચ તો એ છે, જેમાં માત્ર ને માત્ર નિર્જરા છે. અને જેમાં માત્ર ને માત્ર અહંકારનું શિથિલીકરણ છે.

તો હવે પ્રાયશ્ચિતથી રાગ – દ્વેષ ઓછા થયા. વિનય અને વૈયાવચ્ચથી અહંકાર ઓછો થયો. હવે સ્વાધ્યાય આવશે. સ્વનું અધ્યયન હું કરું, હું કોણ છું, અત્યાર સુધી હું ‘આ’ જ હતું. પણ અહંકાર ગયો, હું ગયો એટલે હવે આ, હું નહિ. તો હું કોણ? એના માટે સ્વાધ્યાય. હું આત્મતત્વ છું. હું આનંદઘન છું. હું આમ છું. હું આમ છું….. અને એ સ્વાધ્યાય દ્વારા જે આત્મતત્વને જાણ્યો, એની અનુભૂતિ તમે ધ્યાન અને કાર્યોત્સર્ગ દ્વારા કરી શકો. તો ગઈ કાલે ધ્યાન દ્વારા અલપ – ઝલપ અનુભૂતિ કેમ થાય એની વાત કરેલી. આજે આજ્ઞા ધર્મના પાલન દ્વારા તમને અનુભૂતિ કેવી રીતે મળે એની વાત કરવી છે. તો તપ, જપ, અને ક્રિયા પ્રભુની આજ્ઞા પૂર્વકના છે. તો પ્રભુની અનુભૂતિ અને તમારી નિર્મળ ચેતનાની અનુભૂતિ, આ રહી… ક્યાં દૂર છે. અમને કોઈ કહે ને કે આત્માનુભૂતિ કરાવી આપો, હું કહું બેસી જા, કરાવી આપું. તમને તમારો અનુભવ કરાવવો છે બોલો… કેવી વાત છે, તમે કોણ એ જાણતા નથી તમે… એટલે તમારો અનુભવ મારે તમને કરાવવાનો.

એક બૌદ્ધ ભિક્ષુક રડતા હતા, કોકે પૂછ્યું કેમ રડો છો? ત્યારે એમને કહ્યું – સાંજે હું બુદ્ધ ભગવાન પાસે જઈશ. બુદ્ધ ભગવાન કદાચ પૂછશે મને કે તું આનંદ જેવો વિરાગી સાધુ કેમ ન બન્યો. તો હું કહીશ કે પ્રભુ તમે મને જેવો બનાવો એવો હું બનું ને… શિષ્ય છે ને પાણી જેવો છે પાણી હોય એને ટેન્કરમાં નાંખો તો પણ વાંધો નહિ. ગ્લાસમાં નાંખો તો ય વાંધો નહિ. કોઠીમાં નાંખો તો ય વાંધો નહિ. કારણ એને કોઈ આકાર નથી. એટલે કોઈ પણ આકારમાં એ ભળી જાય. પણ કેટલાક શિષ્ય બરફની પાટ જેવા હોય, એટલે એને ગ્લાસમાં નાંખવા હોય તો તોડવા પડે પછી. તો ભિક્ષુ કહે છે – હું બુદ્ધ ભગવાનને કહીશ કે પ્રભુ તમે મને જેવો બનાવો એવો હું હોઉં ને. પણ પ્રભુ જો મને પૂછશે, કે તારું ચિત્ત સ્થિર કેમ નથી, તો હું શું જવાબ આપીશ, એના કારણે હું રડું છું. કારણ દીક્ષા વખતે પ્રભુએ મને સ્થિરચિત્ત નામ આપેલું છે. હવે જેનું નામ સ્થિરચિત્ત હોય, એ અસ્થિરચિત્તવાળો  હોય એ ચાલે કેમ? તો ભિક્ષુની વેદના હતી કે હું, હું ન હોઉં તો શું હોઉં? તમારી પાસે આ વેદના આવી જાય તો ઘણું કામ થઇ જાય. ‘આ’ હું એ હું નથી તો ખરેખર હું કોણ છું? Who am I? આજે પૂછજો. હું કોણ છું?

રમણ મહર્ષિ કહેતાં કે ડુંગળી નો દડો કોઈના હાથમાં હોય તો ડુંગળી શું? ઉપર તો ફોતરું છે. એક ફોતરું કાઢ્યું, નીચે પાછું ફોતરું આવ્યું, પાછું ફોતરું આવ્યું. જાવ અંદર… એમ તમે પણ પડો ને બિંદુ. નામ, નામ તો સોસાયટીએ આપેલું, એની જોડે મારે શું સંબંધ હોય? શરીર, એ તો પૌદ્ગલિક છે, હું તો જ્યોતિર્મય છું. મારે અને શરીરને શું સંબંધ? I am the bodyless experience, I am the nameless experience, I am the mindless experience, તો હું કોણ છું? ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે કોણ છો. તો આવતી કાલે નક્કી કરીને આવશો કે તમે કોણ છો? તમારી શોધ કરવાની છે? તમે જ ખોવાઈ ગયા છો.

એક કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. કુંભાર માટે ગધેડા એટલે મોટી સંપત્તિ ગણાય. એ ગધેડો ખોવાઈ ગયો, એટલે બીજા બધા કુંભારો એના ત્યાં આવ્યા કે બહુ ખોટું થયું કે ગધેડો ખોવાઈ ગયો. પેલો કુંભાર હસે છે, પેલા કહે કે અમે તારા દુઃખમાં ભાગ પડાવા આવ્યા તું હસે છે. એટલે પેલો કહે છે કે ભગવાનની કૃપા હું રોજ માટી લેવા માટે જાઉં ને વળતાં એ જ ગધેડા ઉપર બેસતો હોઉં. આજે પ્રભુની કૃપા થઇ કે હું એ ગધેડા ઉપર બેઠો ન હતો. નહીતર હું જ ખોવાઈ જાત.

એ તો ખોવાઈ નહોતો ગયો, પણ તમે ખોવાઈ જ ગયા છો. તો કાલે નક્કી કરીને આવો, who am I? 

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *