વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો
નરક અને નિગોદમાંથી પ્રભુ જ આપણને અહીં સુધી લઈને આવ્યા છે. એક ક્ષણ એવી નથી કે જ્યાં પરમાત્માનો પ્રેમ આપણી ઉપર વરસી ન રહ્યો હોય. આખું આપણું જીવન એ પ્રેમની અનુભૂતિ માટે છે અને પ્રભુના ઋણમાંથી કેવી રીતે મુક્ત થવું એની અનુપ્રેક્ષામાં જવા માટે છે.
પરમાત્માનો પરમપ્રેમ એ કોઈ પણ સાધકનું રક્ષાકવચ છે. એ પ્રેમને તમે માણો, અનુભવો એટલે તમને એક સુરક્ષાચક્ર મળી જાય. એવું સુરક્ષાચક્ર કે પછી એક ક્ષણ માટે પણ રાગ, દ્વેષ, અહંકાર તમારી ભીતર પ્રવેશી ન શકે.
સદગુરુ તમારી અંદર રહેલી સંભાવનાઓને જુએ છે. સદગુરુ વિભાવોનો બિનજરૂરી કચરો દૂર કરે, એટલે તમારી ભીતર રહેલી સાધના અનાવૃત્ત થઇ જાય.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૪
Michelangelo નું એક સશક્ત શિલ્પ છે, Pieta. બહુ જ મજાનું એ શિલ્પ છે. ૨૦૦૦ વર્ષ થયા એ શિલ્પ કોરાયા ને, છતાં શિલ્પોની દુનિયામાં આજે એનો ડંકો વાગે છે. એ શિલ્પમાં માઁ મેરી સિંહાસન પર બેઠેલા છે. અને એમના ખોળામાં વધસ્તંભેથી ઉતારાયેલ ઇસુનો દેહ છે. માઁ મેરીના ચહેરા ઉપર જે કરુણાનો ભાવ છે. ઈસુના ચહેરા ઉપર જે પરમ ઉદાસીનદશાનો ભાવ છે, એ ભાવ અદ્ભુત છે. Facial expression ની દ્રષ્ટિએ એ શિલ્પ બહુ જ પ્રખ્યાત બનેલો છે. આજે પણ લોકો વિદેશમાં Michelangelo ના museum માં જાય, તો આ શિલ્પ જોયા વગર રહે નહિ. આ શિલ્પ જ્યારે કોરાયું અને ખુલ્લું મુકાયું, ત્યારે એક મિત્રે Michel ને પૂછેલું – કે આટલું અદ્ભુત શિલ્પ તમે શી રીતે કોર્યું? Michel નો મજાનો જવાબ હતો, એમણે કહ્યું કે શિલ્પ તો અંદર તૈયાર જ હતું. બિનજરૂરી આરસને મેં તોડી નાંખ્યો.
સદ્ગુરુનું કામ કેટલું સહેલું છે બોલો, તમારી અંદરની સંભાવનાઓને અમે જોઈએ છીએ. આ જન્મનાં અંત સુધીમાં તમારી સાધના કયા પડાવે પહોંચી શકે એમ છે, એ અમે જોઈ શકીએ છીએ. એ સાધના તમારી ભીતર પડેલી જ છે. અમારે તો માત્ર વિભાવોનો બિનજરૂરી કચરો છે, એ તોડી પાડવાનો છે. તમને બધાને હું સિદ્ધાત્માં તરીકે જોવું છે. તમે બધા ભવિષ્યના સિદ્ધાત્માં છો. એક સદ્ગુરુ તમારી ભીતર રહેલા સિદ્ધાત્માં ને પ્રગટ કરે. આ વાત એટલા માટે યાદ આવી કે સદ્ગુરુએ ગુરુદેવ ભદ્રસૂરિદાદાએ, ગુરુદેવ ૐકારસૂરિદાદાએ, અને ગુરુદેવ અરવિંદસૂરિદાદાએ મારી ભીતર રહેલી સંભાવનાઓને જોઈ હશે. ૧૧ વર્ષની વયે મને દીક્ષા મળી. બિલકુલ હું ભક્તિમાર્ગથી અણજાણ. સાધનાનો કક્કો મને આવડતો નહોતો. પણ સદ્ગુરુની દ્રષ્ટિ, સદ્ગુરુનું vision, એમણે મારી ભીતર રહેલી સંભાવનાઓને જોઈ લીધી.
આજે તમને પૂછું ૪ ભાગ્યશાળીઓ મૂહુર્ત લેવા હમણાં આવવાના છે, અને મારે એમને મૂહુર્ત આપવાનું છે. તમે બધા આજે કોરો check બની શકો એમ છો..? કે ગુરુદેવ! મારી ભીતર તમને પ્રબળ સંભાવના લાગતી હોય, તો જે પણ સાધના તમારે આપવી હોય એ મને આપી દો.
હું બે સવાલ પૂછતો હોઉં છું, તમને ગમે તે અમારે આપવાનું? કે અમને તમારા માટે ઠીક લાગે એ અમે તમને આપીએ? બોલો ભાઈ… તમને ગમે તે હું આપું? કે અમારા પર શ્રદ્ધા છે, ગુરુદેવ મારી યોગ્યતા પ્રમાણે તમને જે પણ ઠીક લાગતું હોય તે મને આપી દો. આજ જીવનમાં દીક્ષા લીધા પછી સૌથી પ્રબળ અનુભૂતિ પરમાત્માના પ્રેમની રહી. એ પરમાત્માનો પ્રેમ સતત વરસી રહ્યો છે. એક સેકંડ એવી નથી કે પરમાત્માનો પ્રેમ આપણા ઉપર ન વરસતો હોય. પણ અગણિત જન્મોથી હું પણ કોરો – કોરો હતો. ભીંજાયો નહોતો…
ગુરુદેવે રજોહરણ આપ્યું, સાધના અને ભક્તિની ધારા આપી. અને સૌથી શ્રેષ્ઠ અનુભૂતિ મળી તે મળી. એ પરમાત્માના પરમ પ્રેમની. એ પરમાત્માનો પરમ પ્રેમ એ જ કોઈ પણ સાધકનું રક્ષાકવચ હોય છે. એ પરમાત્માનો પ્રેમ તમે માણ્યો, અનુભવ્યો, એક સુરક્ષાચક્ર તમને મળી ગયું. એવું સુરક્ષાચક્ર કે એક ક્ષણ માટે રાગ, દ્વેષ, કે અહંકાર તમારી ભીતર પ્રવેશી ન શકે. પ્રભુની પાસે જવું છું ત્યારે પ્રભુને કહું છું કે પ્રભુ! મારી પાસે શબ્દો નથી. તારો આભાર માનવા માટે. મારી પાસે શક્તિ નથી, તારા ઋણમાંથી મુક્ત થવા માટે….. તે જે મને આપ્યું છે, એટલું તો અદ્ભુત આપ્યું છે, જે કોઈ ન આપી શકે.
પ્રભુએ તમને પોતાનું શાસન આપ્યું, ક્યારેય પ્રભુને તમે thanks કહ્યું છે… કયારેય…. એ શાસન મળ્યું કેટલું મોટું રક્ષાકવચ તમને મળ્યું છે. પ્રભુને કહો કે પ્રભુ! તે જે આપ્યું છે, એ અદ્ભુત આપ્યું છે. તારા ઋણમાંથી હું મુક્ત કેમ થાઉં? આખું જ આપણું જીવન એના પ્રેમની અનુભૂતિ માટે છે. અને એના ઋણમાંથી મુક્ત કેમ થવું એની અનુપ્રેક્ષામાં જવા માટે છે . પહેલી વાત પરમ પ્રેમનો અનુભવ, પરમ પ્રેમનો મતલબ એ છે – કે ઈશ્વર પાસે જે પ્રેમ છે, એ પ્રેમ અત્યંત વિશાળ છે.
એક માઁ ની પાસે પ્રેમ છે. અને હું પણ કહું કે માઁ ના પ્રેમની તુલના દુન્યવી કોઈ પણ પ્રેમથી કરી ન શકાય. માઁ નો પ્રેમ અજોડ, અદ્વિતીય, અતુલનીય. પણ માઁ નો પ્રેમ પોતાના એક – બે કે ત્રણ દીકરા ઉપર છે. પ્રભુ રૂપી માઁ નો પ્રેમ અગણિત બાળકો ઉપર છે. આપણે નરકમાં હતા. નરકમાંથી આપણને અહીં સુધી કોણ લાવ્યું?
મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું “ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો”, પ્રભુ તું જ મને અહીં સુધી લઈને આવ્યો છે. એકવાર એ સ્તવન ઉપર હું બોલતો હતો, “ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો”, હી એટલે જ. પ્રભુ તું જ મને નરકમાંથી ઉઠાવીને મનુષ્યલોકના દ્વાર સુધી લઇ આવ્યો છે.
એક ભાવક મારી સામે બેઠેલો, મને એણે પૂછ્યું – કે ગુરુદેવ! પ્રભુની કૃપા જરૂર, પણ સાધના તો અમે કરીએ ને… તો ‘પ્રભુ જ’ અમને અહીં સુધી લઈને આવ્યા એ ‘જ’ કેમ વપરાય? હું જરા હળવા મૂડમાં હતો, મેં કહ્યું કે એ ‘જ’ એટલા માટે આવ્યો છે, કે પાછળના બારણેથી પણ આપણો હું દાખલ ન થઇ જાય. નહીતર આપણે તો partnership કરનારા માણસો ને…. થોડું પ્રભુએ કર્યું, થોડું સદ્ગુરુએ કર્યું, અને ઘણું મેં કર્યું. તમારી partnership તો આવી જ છે ને? થોડી પ્રભુની કૃપા, થોડો સદ્ગુરુનો આશીર્વાદ, અને બાકી મેં સાધના કરી…. અને થોડું – થોડું ભગવાનનું અને ગુરુનું, ઘણું – ઘણું મારું.
એ વખતે મેં એક રૂપક કથા આપેલી. કે એક હાથી હતો, રોડ પરથી જતો હતો. વચ્ચે નદી આવી. નદી પર પુલ હતો. પુલ થોડો જૂનો થઇ ગયેલો. હાથીભાઈની સવારી પુલ ઉપર ચાલે એટલે પુલ થોડો ધ્રુજવા લાગ્યો, હાલવા લાગ્યો. સદ્ભાગ્ય પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો. રોડ ઉપર હાથી ચાલે છે. એ વખતે હાથીને તો ખબર બી નહોતી. એક માખી હાથીના કાન પાસે બેઠી. એ માખીએ હાથીને કહ્યું – કે હાથીભાઈ! હાથીભાઈ! આપણે બેઉ એ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો? સમજ્યા…. માખી કહે છે કે હાથીભાઈ આપણે બેઉ એ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાંખ્યો…. પણ કમસેકમ એણે ૫૦% – ૫૦% રાખ્યા. પોતાના ૫૦% અને હાથીના પણ ૫૦%.. તમારે ફેરફાર આવી ગયો થોડો…. ૫% પ્રભુના, ૫% ગુરુના અને ૯૦% મારા.
એટલે આપણો હું સાધના માર્ગમાં પ્રવેશે નહી, એટલા માટે મહોપાધ્યાયજીએ કહ્યું – “ઇતની ભૂમિ પ્રભુ તુમ હિ આણ્યો,” પ્રભુ તમે જ મને અહીં સુધી લઈને આવ્યા. તારું શાસન તે આપ્યું. તારું શ્રામણ્ય, તારી આ મજાની ચાદર તે આપી. એક વાત આજે જરૂર કહું. – કે તમારા બધાની પાસે આ ચાદર પરનો જે અહોભાવ છે? એ એટલો તો તીવ્ર છે,કે અહોભાવ તમને ઊંચકીને આગળ લઇ જશે. એક માત્ર આ ચાદર પરનો અહોભાવ તમારી સાધનાને ઉચકી લેશે.
આપણા યુગના શ્રેષ્ઠ ગુરુ પંન્યાસપ્રવર ભદ્રંકરવિજય મ.સા. પાસે લોકો દૂર દૂરથી ચેન્નાઈ થી, બેંગલુરૂથી, ઉડી – ઉડીને, દોડી – દોડીને આવતાં. માત્ર નમસ્કાર મહામંત્ર લેવા માટે. ગુરુદેવે એ મંત્રને સિદ્ધ કરેલો હતો. એ મંત્ર આપતાં પહેલા ગુરુદેવ એક નિયમ આપતાં – કે તારે કોઈ પણ પંચમહાવ્રતધારીની નિંદા નહિ કરવી. બીજો કોઈ નિયમ નહિ એક જ નિયમ.
એકવાર એમના પટ્ટ શિષ્યે પૂછ્યું – કે ગુરુદેવ આપ બીજો કોઈ નિયમ નથી આપતા, માત્ર એક જ નિયમ આપો છો, શું કારણ? ત્યારે ગુરુદેવે કહ્યું – હું નમસ્કાર મહામંત્ર આપીશ. એમાં પાંચમાં પદમાં આવશે ‘નમો લોએ સવ્વસાહૂણં’ લોકમાં રહેલા સર્વ સાધુ – સાધ્વીઓને નમસ્કાર. એક બાજુ એ આ ચાદર પહેરે, મહાવ્રતધારીઓની નિંદા કરતો હશે, અને બીજી બાજુ બોલશે ‘નમો લોએ સવ્વસાહૂણં’ તો મારો આપેલો નમસ્કાર મહામંત્ર પણ એને ફળશે નહિ. આજે આ પવિત્ર અવસરે એક નિયમ બધા લઇ શકો તો લઇ લો. કે ક્યારે પણ સાધુ – સાધ્વી ભગવંતોની નિંદા સાંભળવી નહિ. કરવી નહિ.
બે તિથિ, એક તિથી, ત્રણ થોય, ચાર થોય જ્યાં પંચ મહાવ્રત છે, ત્યાં ઝુકી જાવ. અને નિંદા સાંભળવી પણ નથી. કોઈ કહે – આ મહાત્મા પ્રવચન તો બહુ સરસ આપે, પણ એમનો આચારમાં આમ… તરત જ તમે કાન બંધ કરી દો… please મારે નિયમ છે. હું કોઈ પણ મહાત્માની નિંદા ક્યારે પણ સાંભળી શકતો નથી.
તમે શ્રાવક છો. ૧૮ પાપસ્થાનકના ત્યાગમાં પર-પરિવાદ નો ત્યાગ આવે છે, રોજ બોલો ને પ્રતિક્રમણ માં સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધ્યું હોય, એનું મિચ્છામિ દુક્કડમ્. એટલે તમે એમ બોલો છો કે નિંદા કરી હોય, કરાવી હોય, કે કોઈ કરતું હોય એને support આપ્યો હોય તો પણ એ મારી ભૂલ છે. તો કોઈની નિંદા કરવાની નથી.
તો હવે પંચમહાવ્રતધારીઓની નિંદા તો કેમ થઇ શકે… એટલે એવું નહિ કરતા કે સગાં – સંબંધીઓના સગપણે દીક્ષાઓમાં જઈ આવો. મુહુર્ત વધાવવામાં જઈ આવો. અને ક્યાંક પેલો મહાત્માની નિંદા કરતો હોય તો એ ગાડીમાં પણ ચડી જાઓ પાછા. આવું કયારેય પણ કરતા નહી. તો પ્રભુનો પરમ પ્રેમ તમને પણ મળ્યો છે. અમને પણ મળ્યો છે.