વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સમર્પણ
જેના એક–એક સૂત્રમાં શિષ્યનું સમર્પણ અને પરમગુરુનું વાત્સલ્ય જોવા મળે એવું પરમપાવન ભગવતી સૂત્ર. ચાર જ્ઞાનના ધણી એવા પ્રભુ ગૌતમ સામાન્ય કહી શકાય એવા પ્રશ્નોનો જવાબ સ્વયં આપતા નથી!
પ્રભુ મહાવીર દેવની નજીક રહેવાનો ભાવ હોય, પ્રભુનું મુખ જોવાની ઈચ્છા હોય, પ્રભુની ઊર્જા લેવાની ઈચ્છા હોય, પણ કારણ વિના તો પ્રભુ પાસે જવાય કેમ? તો આ પ્રશ્ન એ માટે બહાનું બની જાય!
૫૦,૦૦૦ કેવળજ્ઞાની શિષ્યોનો હું ગુરુ છું – એ વાત એમના હૃદયમાં નહોતી; પણ હું મારા પરમગુરુનો શિષ્ય છું – માત્ર આ વાત હતી. હું જો અનંત જ્ઞાનીના સાનિધ્યમાં છું, તો હું મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું?
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૭
પરમપાવન ભગવતી સૂત્ર.
જેના એક – એક સૂત્રમાં શિષ્યનું સમર્પણ અને પરમ ગુરુનું વાત્સલ્ય જોવા મળે. શિષ્યનું સમર્પણ કેવું હોય. એ ભગવતી સૂત્ર બતાવે છે.
ભગવાન ગૌતમ ગોચરીએ ગયા છે. ૫૦,૦૦૦ કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ ગોચરી માટે જાય છે. શું એ સમર્પણ હશે. એક પણ શિષ્યનો હું ગુરુ છું, એ વાત એમના હૃદયમાં નહોતી. હું મારા પરમ ગુરુનો શિષ્ય છું. ગોચરીએ ગયા, એક જિજ્ઞાસુએ એક પ્રશ્ન પૂછ્યો – કે ભગવન! આનો મને ઉત્તર આપો ને… નાનકડો સવાલ છે, અને ભગવાન ગૌતમ ચાર જ્ઞાનના સ્વામી છે. એ ભગવાન ગૌતમ! પેલા જિજ્ઞાસુ ને કહે છે, કે આનો ઉત્તર પછી આપું તો ચાલે. પેલો કહે કે સાહેબ આપની અનુકૂળતાએ આપજો. હું ત્યાં આપની પાસે આવીશ. આપને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે જ ઉત્તર આપજો. પ્રભુ ગૌતમ વહોરીને પ્રભુ પાસે આવે, પાત્ર બધા યથાસ્થાને મૂકી દે. પ્રભુ પાસે આવે. ૩ પ્રદક્ષિણા આપે. અને પછી પ્રભુને વંદન કરીને આ પ્રશ્ન પૂછે કે પ્રભુ આનો શું ઉત્તર? પહેલી વાર મેં ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે હું Rationalist હતો. પ્રખર rationalist. પ્રખર બુદ્ધિવાદી. તો મને સમજણ ન પડી કે આટલો નાનો સવાલ અને ભગવાન ગૌતમ પોતે એનો ઉત્તર કેમ નથી આપતા. જેનો જવાબ મારા જેવા માણસને ખ્યાલમાં હોય, ભગવાન ગૌતમને તો ખ્યાલમાં જ હોય. તો શા માટે એ પોતે ઉત્તર નથી આપતા. અને પ્રભુની પાસે આવે છે. બીજી વાર શ્રદ્ધાવાદી તરીકે ભગવતી સૂત્ર વાંચ્યું, ત્યારે ખ્યાલ આવ્યો, કે પ્રભુ ગૌતમની મનોદશા કઈ હતી..? there were ૩ reasons. પ્રભુ પાસે ઉત્તર મેળવવા જવાના ૩ કારણો હતા. પહેલું કારણ – હું જો અનંત જ્ઞાનીના સાનિધ્યમાં છું તો હું મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરું? શું મજાની મનોદશા છે. ૪ જ્ઞાનના એ માલિક અને એ અંદર વિચારે છે કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું તો મારે મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કરવાનો? તમે તો ન જ કરો….કરો… તમે તો મેધાવી બની ગયા બધા… તમારી બુદ્ધિને આજે મારે છીનવી લેવી છે તમે ન આપો તો ય… આ લોકો ને ૬ મહિનાના યોગ કરાવીએ… તો તમને ૬ મિનિટનો તો યોગ કરાવું.
તમારી બુદ્ધિને આજે મારે છીનવી લેવી છે. અહંકારની સાથેની વિચારસરણી એ બુદ્ધિ. અને શ્રદ્ધાની સાથેની વિચારસરણી એ મેધા, એ પ્રજ્ઞા. તમને બધાને મારે મેધાવી રૂપે, પ્રજ્ઞાવાદ રૂપે જોવા છે. બુદ્ધિ હોય ને ત્યાં અહંકાર આવી જવાનો.
વ્યાખ્યાનમાં કોઈ પદાર્થ આવ્યો, પોતાને આવડતો હોય તો બાજુવાળાને કહે હવે આમ આવશે. ક્યારેક વાત કરીશ કે મેધાવી શ્રાવકો કેવા થયા… તો પહેલું કારણ આ હતું, કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું રહું છું તો મારે મારા જ્ઞાનનો ઉપયોગ શા માટે કરવાનો હોય? અમારા શિષ્યોની પાસે આ સમર્પણ હોય છે. એટલે જ અબ્ભુટ્ઠિયો માં તમે પણ બોલો છો, અંતરભાષાએ, ઉવરિભાષાએ,… સદ્ગુરુ દેવ બોલતાં હોય, વચ્ચે કોઈ બોલે હા સાહેબ મેં પણ આવું સાંભળેલું હતું. અરે ભાઈ તારે કહેવાની જરૂર ક્યાં છે. મેં અનુભવેલું છે. તે સાંભળેલું છે. તો હું જ્યારે અનુભૂતિની વાત કરું, ત્યારે તું વાત લઈને મંડી પડે કે સાહેબ મેં સાંભળ્યું તું આવું… તો એ અંતરભાષા કહેવાય, વચ્ચે બોલવું તે. ઉવરીભાષા એટલે શું? ગુરુદેવ બોલી રે ને પછી summing up કરે, તમે સમજ્યા ગુરુદેવે શું કહ્યું… એમ કહીને પણ પોતાની બૌદ્ધિકતા નું પ્રદર્શન કરે.
શિષ્યોની પાસે સમર્પણ હોવાને કારણે આ નથી હોતું. ત્યાં તો એક જ વાત સદ્ગુરુ જે બોલે એને માત્ર પીવાનું. તો પહેલું કારણ આ હતું. ઘણીવાર તો સુંઠના ગાંગળે ગાંધી થયેલા હોય. અને શાસ્ત્રની ચર્ચામાં મંડી પડે પાછા… આ મ.સા. સાચા અને આ મ.સા ખોટા. આ તિથી સાચી ને આ તિથી ખોટી. અરે પણ આ તારો વિષય નથી. એ મહાપુરુષોનો વિષય છે. આપણે એમાં ચાંચ ઘાલવાની હોય જ નહિ.
હું તો વારંવાર કહું કે કોઈને પણ તમે વિરાધક ન કહો. એક તિથી હોય, બે તિથી હોય, ત્રણ થોય હોય, કોઈને વિરાધક ન કહો. શનિવારે જેમણે સંવત્સરી કરી એ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કરે છે. રવિવારે સંવત્સરી કરી, એ પણ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કર એછે. તો બંને આરાધક છે. એટલે મહેરબાની કરીને શાસ્ત્રોની વાતમાં, મહાપુરુષોની વાતમાં તમારી બુદ્ધિને ક્યારે લાવતાં નહિ.
તો ભગવાન ગૌતમ કહે છે અનંતજ્ઞાનીના સાનિધ્યમાં હું છું તો મારા જ્ઞાનનો ઉપયોગ શા માટે કરું? બીજું કારણ એ હતું કે પ્રભુ દેશના આપે ત્યારે સમવસરણમાં હોય. આરામ કરે ત્યારે દેવછંદમાં હોય. હવે વિના કારણે તો પ્રભુ પાસે જઈ શકાય નહિ. પ્રભુની નજીક રહેવાનો ભાવ હોય, પ્રભુનું મુખ જોવાની ઈચ્છા હોય, પ્રભુની ઉર્જા લેવાની ઈચ્છા હોય, પણ કારણ વિના તો પ્રભુ પાસે જવાય કેમ? આ પ્રશ્ન એ બહાનું બની જાય.
તમને પણ કહું કોઈ નાનકડો પ્રશ્ન જાગ્યો, રવિવાર છે આવી જાઓ, હું બેઠો હોઉં, કોઈની જોડે વાતો કરતો હોઉં, તમારે બેસી જવાનું. હું free પડું, ધીરેથી પ્રશ્ન પૂછી લેવાનો. એ પ્રશ્ન સદ્ગુરુ પાસે આવવાનું એક બહાનું બની ગયું.
શાસ્ત્રોમાં આયાહિણં, પયાહિણં, એ શબ્દો આવે છે. એટલે સદ્ગુરુને, પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવાની વાત છે. પ્રદક્ષિણા તમે પણ આપો છો… આપો છો પ્રભુને? શા માટે આપો છો? એના પણ ૨ કારણ છે. પ્રદક્ષિણા તમે આપો છો. એની વિભાવના એ છે કે કેન્દ્રમાં પ્રભુ છે અને પરિઘમાં હું છું. કેન્દ્રમાં કોણ… પ્રભુ. પરિઘમાં આપણે. ગણિતનો નિયમ એ છે કે કેન્દ્રને જ બધાએ અનુસરવું પડે. તો કેન્દ્રમાં પ્રભુ છે, કેન્દ્રમાં સદ્ગુરુ છે. તો એમની આજ્ઞા પ્રમાણે આપણે આગળ વધીશું. પહેલું કારણ આ.
બીજું કારણ એ છે કે આપણે પ્રભુની સામે દેરાસરમાં ઉભા રહીએ ત્યારે પ્રભુની મૂર્તિમાંથી જે ઉર્જા નીકળે છે જે raise નીકળે છે, એ raise સીધા આપણને મળશે. પણ સામી બાજુથી raise નીકળે છે એ આપણને મળશે. પાછળની બાજુથી જે raise ફેંકાય છે એ કઈ રીતે મળે… બાજુમાંથી raise નીકળે છે એ કઈ રીતે મળે. એના માટે પ્રદક્ષિણા.
ચારે બાજુ ફરો એટલે દરેક angle થી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા પકડાય. શત્રુંજય ગિરિરાજ ઉર્જાનું કેન્દ્ર છે. આપણે જય તળેટી થી ચડીએ અથવા ઘેટી બાજુથી ચડીએ.. પણ બે બાજુની ઉર્જા મળે. પૂરા ગિરિરાજની ઉર્જા લેવા માટે આપણે પરિક્રમા કરીએ છીએ. ૧૨ ગાઉં ની. કે ગિરિરાજના એક – એક angle માંથી જે raise નીકળે છે એ raise આપણને મળે. એક વાત તમને કહું, શત્રુંજય ગિરિરાજની યાત્રાએ જાઓ પૂરા ગિરિરાજમાંથી આંદોલનો નીકળી રહ્યા છે. ઉર્જા નીકળી રહી છે. પણ એ ઉર્જાને પકડવા માટે તમારે તમારા ચિત્તને એકાગ્ર બનાવવું પડશે. પણ સૌથી વધુ સશક્ત ઉર્જાનો પ્રવાહ ૨ જગ્યાએ છે. ઘેટી પગલે અને રાયણ પગલે.
પ્રભુ આદિનાથ દાદા ઘેટી પગલે જ રોકાયેલા છે. અને ઘેટી પગલેથી ઉપર રાયણ વૃક્ષ નીચે આવી અને એમને ધ્યાન કર્યું છે. તો પ્રભુના ધ્યાનની પૂરી ઉર્જા રાયણ વૃક્ષે પીધેલી છે. વૃક્ષ પાસે receptivity બહુ મોટી છે. એટલે પ્રભુની ધ્યાન સાધનાના આંદોલનોને રાયણ વૃક્ષે પીધેલા છે. એ રાયણ વૃક્ષ નીચે તમે ધ્યાન કરો એટલે પ્રભુના એ આંદોલનો તમને મળતા જાય. અને તમે અનાયાસ ધ્યાનમાં પહોંચી જાઓ. ઘેટી પગલે પણ તમે એ રીતે ધ્યાનમાં પહોંચી શકો.
તો બીજું કારણ હતું ભગવાન ગૌતમનું, પ્રભુની નજીક જવાનું… વિના કારણે પ્રભુ પાસે જઈ શકાય નહિ. કંઈક બહાનું તો જોઈએ. ઘણા માણસો ભક્તો હોય ને એમને બહાનું જોઈએ… ભગવાનની આટલા મી વર્ષગાંઠ છે, સાલગીરી… ઓઓહો ૬૮મી છે, તો ૬૮ લાખ મારે ખર્ચવા છે. એના માટે આ એક બહાનું. ભક્તિ કરવી છે, પૈસા ખર્ચવા છે. બહાનું જોઈએ બસ. તો ભગવાન ગૌતમ બહાનું શોધી લેતા કે પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે પ્રભુની પાસે જઈ શકાય.
અને ત્રીજી વાત હતી, કે મારો પ્રશ્ન ભલે સામાન્ય રહ્યો. પણ ઉત્તરદાતા પ્રભુ અનંત જ્ઞાની છે. એટલે મારા સામાન્ય પ્રશ્નનો ઉત્તર પણ પ્રભુ વિશિષ્ટ રૂપે મને આપશે. તો કેવી મનોદશા પ્રભુ ગૌતમની. આ ભગવતી સૂત્રના યોગ કરાવશે. યોગ એટલે શું? જોડાણ. ૬ મહિના આ સાધના ચાલશે. ભગવતી સૂત્ર વંચાવાનું થશે. અને એ વખતે એમનો સમર્પણ યોગ એકદમ સશક્ત બનશે. દીક્ષા લીધી ત્યારથી સમર્પણ હોય જ. અને આ યોગ કરાવાના હોય ત્યારે તો ગુરુ વધુ સજ્જતાની અપેક્ષા રાખે.
તો એવા સુયોગ્ય શિષ્યોને પણ સમર્પણની ધારામાં અત્યંત વેગથી જોડી દેવા માટે આ ૬ મહિનાના યોગ. કેવું સમર્પણ સદ્ગુરુ ઈચ્છતા હોય છે.
૧૦૦ વર્ષ પહેલાંની એક ઘટના. મુક્તિવિજય મ.સા. છાણી માં ચોમાસું. છાણી ધર્મની પીઠ ગણાતી. એમના શિષ્ય વિનોદવિજય વડોદરામાં ચોમાસું. જાની શેરીમાં. ભાદરવો મહિનો ચાલે, છાણીમાં વ્યાખ્યાન પૂરું થયું. ૧૦ – ૧૦.૧૫ વાગે. એક ભાઈએ પૂછયું, કે ગુરુદેવ! વડોદરા જાઉં છું. વિનોદવિજય મહારાજ પાસે પણ જવાનો છું, કોઈ સંદેશ આપને આપવાનો હોય તો. એ વખતે ગુરુદેવે કહ્યું – હા એને કહેજે ગુરુદેવ યાદ કરે છે. પેલા ભાઈ ૧૧ – ૧૧.૧૫ વાગે પહોંચ્યા. વિનોદવિજય મ.સા. નું વ્યાખ્યાન પૂરું થઇ ગયેલું. એકાસણું કરતા. પુરિમટ્ઠ કરે કયારેક સાઢપોરસી કરે. બહુ જ ગરમી હતી. સાઢપોરસી એ પચ્ચક્ખાણ પારવાનું વિચારેલું. ત્યાં પેલા ભાઈ આવ્યા. કે ગુરુદેવ આપને યાદ કરે છે. આંખોમાં અહોભાવના આંસુ, ગુરુદેવ મારા જેવાને યાદ કરે છે. બોલાવે છે. તરસ લાગેલી હતી ભયંકર… હવે પાણી પીવા ન રોકાવાય. એક શિષ્યને લઇ છાણી જવા નીકળ્યા. ૧૨.૩૦ – ૧૨.૪૫ વાગે પહોંચ્યા. ભાદરવો મહિનો.. ધોમધખતી ધરતી. આવ્યા ગુરુદેવને વંદન કર્યું. પચ્ચક્ખાણ માંગ્યું, પુરિમટ્ઠ એકાસણું… ગુરુદેવે કહ્યું પચ્ચક્ખાણ પારી લે. પચ્ચક્ખાણ પાર્યું. પાણી વાપર્યું, ગોચરી વાપરી, પડીલેહણ થયું. ૩ વાગે ગુરુદેવની વાચના હતી. ૩ થી ૪ વાચના ચાલી. ૪ વાગે ગુરુદેવે કહ્યું વિનોદવિજય હવે તું જા. ત્યાં પણ તારે સંઘ સંભાળવાનો છે. ધોમધખતા તાપમાં બોલાવ્યા, શિષ્ય માને છે કોઈ અગત્યનું કારણ હશે. ગુરુ કોઈ વાત જ નથી કરતા. તું જા હવે… તહત્તિ ગુરુદેવ. ગુરુ બોલાવે તો હાજર થવાનું. ગુરુ કે જા તો જવાનું. પહેલાં તમારે ત્યાં આ વિનય અને વિવેકની મર્યાદા હતી. અને અમારા ત્યાં સમર્પણ ઝડપી આવી જતું. આજે તમારે ત્યાં મુશ્કેલી બહુ થઇ ગઈ છે. એટલે અમારું કામ થોડું વધી ગયું છે હવે .
પહેલાં તમારે ત્યાં કેવું હતું ખબર છે દક્ષિણ ભારતમાં એક કવિ થયા, Thiruvalluvar. લગ્ન વખતે એમને પત્નીને કહ્યું – કે હું જમવા માટે બેસું ત્યારે એક સોયો મૂકજે. દક્ષિણ ભારતમાં દાળ – ભાતનો ખોરાક. સવારે ૧૦ વાગે, સાંજે ૫ વાગે. એ પત્ની રસોઈ કરે, ગારમાટીનું લીંપણ હોય ત્યાં આગળ પાટલો મૂકે, પતિને બેસવા માટે આસન મૂકે. થાળીમાં ભાત હોય, વાટકીમાં દાળ હોય. ગ્લાસમાં પાણી હોય. અને ચમચો પણ અને સોયો પણ મુકેલો હોય. હવે સોયાનો ઉપયોગ થાય કે ન થાય… ફરી લો ત્યારે ગરમ પાણી થી ધોવું પડે. ફરી સાંજે ગરમ પાણીથી ધોઈને પાછું મુકવું પડે…. પત્ની જોડે બેસીને જમાડે છે. લગ્ન જીવનને ૫૦ વર્ષ પૂરા થયા. એકેવાર સોયાનો ઉપયોગ નહિ થયો. તમે આવું કરો તો શું થાય સાચું કહેજો. પણ છે શું એ તો કહો… આમ મારે ૨ time મહેનત કરવી પડે છે. તમારે તો ઠીક છે બોલી દીધું… સોયો મૂકી દેજે. ઉપયોગ શું? ૫૦ વર્ષની અંદર એક વાર સોયાનો ઉપયોગ થયો નથી. છતાં પત્ની પૂછતી નથી. શા માટે સોયો મૂકવાનો? ૫૧ મું વર્ષ લગ્ન જીવનનું શરુ થયું, પતિએ પૂછ્યું – કે સોયો હું મુકાવું છું, ઉપયોગ તો કંઈ થતો નથી, તો તને થતું નથી કે શા માટે મુકાવું છું. ત્યારે એ પત્ની કહે છે કે તમારી આજ્ઞા એ મારું કર્તવ્ય. મારે વળી વિચાર કયો કરવાનો હોય. તમને ચટપટી થઇ હશે. શું કારણ? પત્ની ની ઈચ્છા નહોતી જાણવાની છતાં પતિએ કહ્યું, આપણે બ્રાહ્મણ છીએ, હિંદુ છીએ, આપણા માટે અન્ન એ દેવતા છે. હવે આપણે જમવાની ભૂમિ લીંપણ કરેલી હોય, ગારવાળી હોય, ભાતનો દાણો એક નીચે પડી જાય તો આંગળીને સીધી ગારવાળી ધરતી ઉપર કેમ અડાડી શકાય. એટલે વિચારેલું કે સોયો રાખવો. સોયામાં ભાતનો દાણો પરોવી લેવો, ગ્લાસમાં એને નાંખી ચોખ્ખો કરી મોઢામાં મૂકી દેવો. પણ પચાસ વર્ષમાં એકેવાર ભાતનો દાણો નીચે ન પડ્યો. આ બની શકે, જમતાં આવડે તો.. પણ ૫૦ વર્ષ સુધી સવારે ને સાંજે સોયો મૂકવાનો ગરમ પાણીમાં ઉકાળીને, ફરી ગરમ પાણીમાં ઉકાળવાનો, અને છતાં કોઈ ઉપયોગ નહિ, અને વિચાર ન આવે. આ દાંપત્ય તમારે ત્યાં હતું. અને એવા લોકો અમારે ત્યાં આવે ત્યારે અમારું કામ કેટલું સહેલું હોય.
મુનિરાજ ગયા.. અઠવાડિયા પછી ફરી એ જ ટાઇમ વ્યાખ્યાન પૂરું થયું. એક ભાઈ કે સાહેબ વડોદરા જાઉં કંઈ કામકાજ? હા, મારા શિષ્યને કહેજે હું બોલાવું છું. સવારે કોઈ જાય ને ૬ વાગે તો બોલાવે નહિ. સાંજે બોલાવે નહિ. આ જ ટાઈમે બોલાવે. સમાચાર મળ્યા ૧૧ વાગે, સીધા દોડ્યા, ૧૨.૩૦ – ૧૨.૪૫ વાગે આવ્યા. ગુરુને વંદન કર્યું. પચ્ચક્ખાણ લીધું, પચ્ચક્ખાણ પાર્યું, પાણી વાપર્યું, ગોચરી વાપરી. પડીલેહણ કર્યું. ગુરુની વાચના થઇ. ૪ વાગે ગુરુએ કહ્યું, હવે તું જા. અઠવાડિયા પછી ત્રીજી વાર બોલાવ્યા, એ જ આખી પરંપરા ચાલી અને ૪ વાગે ગુરુએ કહ્યું, હવે તું જા. એ વખતે શિષ્ય હાથ જોડીને કહે છે ગુરુદેવ! આપ મને ૩ વાર નહિ ૩૦૦ વાર બોલાવો. મારુ સદ્ભાગ્ય છે. પણ મને લાગે છે કે કોઈ કારણ માટે આપ મને બોલાવતાં હશો. અને છતાં આપ કારણની વાત કહેતા નથી. આજે તો મને સેવાનો લાભ આપો કોઈ. ત્યારે ગુરુ કહે છે આજે તું નાપાસ થયો. મારી ઈચ્છા હતી, કે ચોમાસું ઉતરે અમદાવાદ જાઉં અને ત્યાં તને ભગવતીજીના જોગ કરાવવા. આવતું ચોમાસું પણ અમદાવાદ છે. એટલે ૬ મહિનાના જોગ આરામથી અમદાવાદમાં થઇ જાય. ૨૦ વર્ષનો દીક્ષા પર્યાય થાય પછી જ આ યોગ કરાવાય. તો ૨૦ વર્ષનો દીક્ષા પર્યાય થયેલો. ગુરુએ કહ્યું – કે મારી ઈચ્છા હતી કે તને ભગવતીજીના જોગ કરાવવા. અને એના માટે મેં નક્કી કરેલું કે ૩ વાર તને બોલાવવો… અને ૩ વાર તને પાછો મોકલવો. તારા મનમાં કોઈ વિચાર ન આવે, તો પાસ. નહીતર નાપાસ. આજે તું નાપાસ થયો. શિષ્યના મનમાં એ કોઈ રંજ નથી. યોગ ગુરુદેવને કરાવવાના છે જ્યારે પણ કરાવે. એ ગુરુદેવના હાથની વાત છે. મારે તો માત્ર સેવા કરવાની છે. પણ હું બોલ્યો, એ મારી ભૂલ થઇ ગઈ. જો કામ હોત તો ગુરુદેવ મને કહેત. મારે તો ગુરુની આજ્ઞાને અનુસરવાનું હતું. એ કહે આવી જા. તો આવી જવાનું હતું. એ કે જા તો જવાનું હતું. હું વચ્ચે બોલ્યો કેમ…! એટલે શિષ્યને પોતાને લાગે છે કે ગુરુએ મારા ઉપર મોટો ઉપકાર કર્યો, હું એમ માનતો હતો, કે ગુરુની આજ્ઞાને હું સમર્પિત છું. પણ આજે હું ગુરુની આજ્ઞાને સમર્પિત ન થઇ શક્યો. ગુરુની આજ્ઞા હતી કે જા તો મારે જવાનું હોય, પૂછવાનું કેમ હોય. બરોબર ને… તમારે ત્યાં દાદાની, પિતાની, માતાની, આજ્ઞા આ રીતે પળાય છે..?
જે ઘરની અંદર માતા – પિતાની સેવા બરોબર થતી હોય, દાદા – દાદી ની સેવા થતી હોય એ ઘરને હું સ્વર્ગ કહું છું. દાદા ને દાદી ઘરમાં હતા ને એ બહુ મોટી વાત હતી. આખી આપણી સંસ્કરણની પ્રક્રિયા દાદા ને દાદી ના હાથમાં હતી. નાના દીકરાઓ છે, ૨ વર્ષનો – ૩ વર્ષનો, ૪ વર્ષનો… પિતા ધંધો કરે છે એટલે ટાઈમ મળે નહિ, માતા ઘરનું કામ કરે, દાદા ને દાદી free હોય, એ દાદા ના ખોળામાં, એ દાદીના ખોળામાં છોકરાઓ રમે, દાદા મજાની વાતો કરે, પૂર્વજોની વાત કરે, અને એ રીતે એમના બાળ મનમાં એક સંસ્કરણનો પાયો રોપાય. એટલે દાદા અને દાદી જે ઘરમાં હોય, એ ઘર સ્વર્ગ છે.
તો આજે ૩ મુનિરાજો ને ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ થયા. ખૂબ ખૂબ આશીર્વાદ કે યોગ મંગલમય રૂપે પરિપૂર્ણ થાય.