Anandghanji Ne Sathvare – Vachana 19

1k Views 29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : તે વિણ જ્ઞાન તે જૂઠો રે

શબ્દો અને વિચાર માત્ર અનુભૂતિ માટે છે. જો અનુભૂતિ તમારી પાસે નથી, તો જ્ઞાન જૂઠું; નકામું. સાધના માર્ગમાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કોઈ બહુ અર્થ નથી; મોહનીયના ક્ષયોપશમનો જ અર્થ છે.

ભક્તના સ્તર પર તમે પરમાત્માના નિર્મલ સ્વરૂપની અનુભૂતિ કરો છો અને એવું જ મારું સ્વરૂપ છે – એ રીતે સ્વાનુભૂતિમાં આવો છો. જ્યારે સાધક સીધો જ પોતાના નિર્મલ આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે મથામણ કરે છે.

જે વિચાર રાગ-દ્વેષથી યુક્ત હોય, અહંકારથી યુક્ત હોય, એ વિકલ્પ. સ્વાનુભુતિ માટેની પહેલી શરત છે કે તમે નિર્વિકલ્પ બની જાઓ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૯

આનંદધનજી ભગવંતની અનુભૂતિ પૂત વાણીમાં નિશ્ચયનો એક ઝંકાર ઉપડે છે. કોરી અભિવ્યક્તિ અને અનુભૂતિ સાથેની અભિવ્યક્તિ એમાં ફરક મોટો છે. અનુભૂતિ સાથેની જે અભિવ્યક્તિ છે. એમાં દ્રઢ નિશ્ચય ઝળકતો હોય છે. આ આમ જ છે.

વિનોબાજી પવનાર ના આશ્રમમાં બેઠેલા, સાંજનો સમય એક ઘી નો દીવો એમના રૂમમાં ટીમટીમાતો હતો. એ વખતે એક યુરોપિયન જિજ્ઞાસુ એમની પાસે આવ્યો. નમસ્કાર કર્યા. અને પછી એને વિનોબાજી ને પૂછ્યું કે ઈશ્વરમાં તમે માનો છો? વિનોબાજી કહે છે કે અત્યારે આપણે દીવાના પ્રકાશમાં બેઠા છીએ. બૌદ્ધ philosophy નો હું સહારો લઉં તો અત્યારે પૂરવાર કરી શકું કે જે દીવાના પ્રકાશમાં આપણે બેઠા છીએ, એ દીવો જ નથી. બૌદ્ધ philosophy દરેક વસ્તુને એક ક્ષણ રહેનારી માને છે, બીજી ક્ષણે તો છે નહિ. તો વિનોબાજી કહે છે જે દીવાના પ્રકાશમાં આપણે બેઠા છીએ, એ દીવો નથી. એવું હું સાબિત કરી શકું. પણ ઈશ્વર તો છે, છે, ને છે. કારણ મેં ઈશ્વર નો અનુભવ કર્યો છે.

વિનોબાજીના જીવનની એક મજાની ઘટના છે. ચંબલના ખૂંખાર ડાકુઓએ એમના ચરણોમાં આત્મસમર્પણ કર્યું. જે કામ સરકાર હજારો પોલીસો દ્વારા નહોતી કરી શકી એ કામ માત્ર વિનોબાજી ના સત્સંગથી થઇ ગયું. બધા જ ડાકુઓએ વિનોબાજી ના ચરણોમાં શસ્ત્રો મૂકી દીધા. આત્મસમર્પણ કર્યું. પૂરા દેશના મીડિયા માં એ વખતે આની ચર્ચા હતી. આટલી મોટી ઘટના ઘટી એટલે દેખીતી રીતે મીડિયામાં એની ચર્ચા હોય જ. વિનોબાજી એ એક પ્રવચનમાં આ ઘટના પછી કહેલું, કે કોઈ માણસ એમ માને કે મારા કારણે ડાકુઓએ આત્મસમર્પણ કર્યું છે તો એ માણસ નરકમાં જાય. પોતાના ઉપર જ વાત હતી. આ કામ ઈશ્વરે કર્યું છે, મેં નથી કર્યું. પ્રભુનો અનુભવ…. કરવો છે? અમે તૈયાર… દીક્ષા લેવી પડશે એવું નથી હો… ત્યાં રહીને તમે પ્રભુનો અનુભવ કરી શકો. કઈ રીતે કરી શકાય એની જ વાત આપણે આજે ચર્ચવી છે. જંબુવિજય મ.સા. બહુ જ મોટા જ્ઞાની પુરુષ હમણાં થયા.

આપણી જૈન philosophy માં, આપણા જૈન તત્વજ્ઞાન માં એક વાત સ્પષ્ટ છે કે ઈશ્વર જગતના કર્તા નથી. કર્મ દ્વારા બધી વિચિત્રતાઓ સર્જાય છે. તો ઈશ્વર જગતના કર્તા નથી. પણ ઈશ્વર સાધનાના કર્તા તો છે જ. એટલે આપણે ત્યાં કહે છે ને કે સૂકાં ભેગું લીલું બળી જાય. એમ પ્રભુ જગતના કર્તા એ નથી, અને સાધના જગતના પણ કર્તા એ નથી. એવું આપણે માની લીધું.

આનંદઘનજી મહારાજે પહેલા સ્તવનમાં પ્રભુના જગત કર્તૃત્વ માટે ઇન્કાર કર્યો. “કોઈ કહે લીલા રે અલખ – અલખ તણી, લખ પૂરે મન આશ, દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ” કોઈ એમ કહે છે કે આ જગતની લીલા પ્રભુએ કરી છે. આનંદઘનજી ભગવંત ના પાડે છે. કે લીલા કરવી, રાગ – દ્વેષમાં જવું એ ઈશ્વર માટે અશક્ય છે. એ જ આનંદઘનજી ભગવંત ચોથા સ્તવનમાં કહે છે – ‘દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ’ પ્રભુના દર્શન હું કરવા જાઉં પણ toughest છે. અઘરામાં અઘરું. પણ એની કૃપા થાય તો આ રહ્યું દર્શન! ‘દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ’ આ જ વાત મહોપાધ્યાય યશોવિજયજી એ આનંદ કી ઘડી આઈ સ્તવનમાં કહી. ‘કરકે કૃપા પ્રભુ દરિશન દિનો.’ મેં પ્રભુનું દર્શન કર્યું એમ નહિ. કરકે કૃપા પ્રભુ દરિશન દિનો – પ્રભુએ કૃપા કરી અને મને દર્શન આપ્યું. તો ૨ statement આવ્યા… જગતના કર્તા ઈશ્વર નથી. સાધના જગતમાં એક ઇંચ, એક સેન્ટીમીટર, તમે એની કૃપા વગર આગળ ચાલી શકતા નથી.

તો જંબુવિજય મ.સા. દાર્શનિક જગતમાં વિદ્વાન હતા. એટલે ઈશ્વર કર્તૃત્વનો વિરોધ વારંવાર કરેલો. એકવાર મહારાષ્ટ્ર માં આવેલા. વિદ્વાનોમાં એમનું બહુ મોટું નામ હતું. એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પ્રોફેસર ને ખ્યાલ આવ્યો કે જંબુવિજયજી અહીંયા આવ્યા છે આ ગામમાં, એ પ્રોફેસર ખાસ એમને મળવા માટે આવ્યા. ગ્રંથોની દર્શન શાસ્ત્રની વાત ચાલી. એમાં જંબુવિજયજી મહારાજે કહ્યું કે ઈશ્વર કંઈ કરતા નથી. આપણા મનમાં પણ આ છાપ છે. ઈશ્વર જગતના કર્તા નથી. આ જૈન દર્શનની philosophy છે. પણ એ જ ઈશ્વર સાધના જગતના માલિક છે. આપણે બહુ જ ઋણી છીએ પંન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકર વિજય મ.સા. ના જેમને ખૂલીને કહ્યું કે પ્રભુની કૃપા વિના તમે એક ઇંચ, એક સેન્ટીમીટર, સાધનાના માર્ગે આગળ ચાલી શકતા નથી.

તો જંબુવિજય મ.સા પાસે દાર્શનિક જ્ઞાન હતું. તો એમણે કહ્યું ઈશ્વર કાંઈ કરે નહિ. ઈશ્વર કર્તૃત્વ નું એમણે ખંડન કર્યું. પેલા પ્રોફેસર ઈશ્વરમાં ખુબ જ શ્રદ્ધા રાખનારા. એમને બહુ ઓછા શબ્દ વાપર્યા. “મહારાજજી, ઈશ્વર ન તો ખંડન કી ચીજ હૈ, ન મંડન કી ચીજ હૈ. ઈશ્વર અનુભવ કા વિષય હૈ.” પછી એ કહે છે હમારે જૈસે અજ્ઞાની માનુષ ઈશ્વર કા ખંડન કર દે તો ઈશ્વર કા ક્યાં બિગડ જાયેગા. ઔર હમ ઈશ્વર કી સ્તુતિ કરે તો ઈશ્વર કો ક્યાં મિલ જાયેગા. ઈશ્વર ન તો ખંડન કી ચીજ હૈ, ન મંડન કી ચીજ હૈ. ઈશ્વર અનુભવ કા વિષય… વર્ષો પછી, પ્રભુનો પરમ અનુભવ થયા પછી જંબુવિજય મ.સા. એ શંખેશ્વરમાં મને કહેલું કે યશોવિજય ખરેખર ઈશ્વર અનુભવનો વિષય છે. અને મેં એ ઈશ્વરને અનુભવ્યો છે!

હવે વાત આપણે થોડી આગળ લઇ જઈએ.. અનુભૂતિ જે છે એને ૨ રીતે કરવામાં આવે, ભક્તના સ્તર પર તમે પરમાત્માના નિર્મલ સ્વરૂપની અનુભૂતિ કરો છો, અને એવું જ મારું સ્વરૂપ છે એ રીતે સ્વાનુભૂતિમાં આવો છો. સાધક જે છે એ સીધો જ પોતાના નિર્મલ આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે મથામણ કરે છે. તો ૨ શબ્દો આવ્યા, પરમ તત્વની અનુભૂતિ અને સ્વાનુભૂતિ. અને ૨ અનુભૂતિના statements મજાના આપણી પાસે આવ્યા. પરમ ચેતનાની અનુભૂતિનું statement આનંદઘનજી ભગવંત આપી રહ્યા છે. સ્વાનુભૂતિનું મજાનું statement મહોપાધ્યાય યશોવિજય મહારાજે શ્રીપાલ રાસમાં છેડી આપ્યું. બહુ જ પ્યારા શબ્દો છે. શુદ્ધ ગુજરાતીમાં આવેલા – ‘તુઠ્યો તુઠ્યો રે મુજ સાહિબ જગનો તુઠ્યો,’ ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા! આ કોણ કહી શકે? ૫૦ વર્ષ પહેલા અમે લોકો અચકાતા હતા. પ્રભુ દુઃખી કરે જ નહિ, પ્રભુ કઈ રીતે રીઝે, રીઝ્વાનું એને થોડુ હોય! એ તો રાગ અને દ્વેષને પેલે પાર છે. પણ પરમ ચેતનાને સમજવી બહુ અઘરી છે. તો સ્પષ્ટ statement ‘તુઠ્યો તુઠ્યો રે મુજ સાહિબ જગનો તુઠ્યો,’ મારા ઉપર પરમાત્માનો એકદમ પ્રસાદ ઉતર્યો છે. લોગસ્સમાં બોલો ને.. શું બોલો? ‘તિત્થયરા મે પસીયંતુ’ એનો અર્થ શું થાય? અનંત તીર્થંકર ભગવંતો મારા ઉપર પ્રસાદ વરસાવો! બરોબર…

હવે પ્રસાદ વરસાવો, એ ક્યારે કહેવાય. જ્યારે પ્રસાદ ન વરસતો હોય ત્યારે. સૂર્ય ઉગ્યો નથી. ૫ વાગ્યા છે ત્યારે કોઈ કહી શકે કે સૂરજ ઉગો, જલ્દી ઉગો. પણ ઉગી ગયા પછી.. એમ પ્રભુનો પ્રસાદ, જો ક્ષણે ક્ષણે વરસી રહ્યો છે તો આ પાર્થના કેમ આવી? ‘તિત્થયરા મે પસીયંતુ’. તીર્થંકર ભગવંતો મારા ઉપર પ્રસાદ વરસાવો! બસ, ત્યાં ભાર ‘મારા’ ઉપર… ત્યાં છે. પ્રભુનો પ્રસાદ વરસી રહ્યો છે પણ હું એને ઝીલી શકતો નથી. એટલે પ્રભુ એવું કંઈક કરો કે તમારા પ્રસાદને હું ઝીલી શકું. એટલે પ્રભુ શું કરે ખબર છે… સદ્ગુરુ ચેતનાને મોકલે કે આ સાલો રેઇનકોર્ટ ઠઠાવીને બેઠો છે. ઉપર પેલી ટોપી લગાવી છે. અને કહે છે ભગવાન તારી કૃપાનું એક પણ બુંદ મને સ્પર્શતો નથી. એનો રેઇનકોર્ટ કાઢી લો.

સદ્ગુરુ મોહ અને માયાનો, રાગ અને દ્વેષનો, તમારો રેઇનકોટ કાઢવા માટે આવે. આમ તો તમે ઉદાર માણસો.. સદ્ગુરુ કે એટલે આપી પણ દો, બહાર જઈને પાછો નવો લઇ પણ લો. ગુરુદેવ કે તો ના પડાય કંઈ… લો સાહેબ આપી દીધો. બહાર નવો મળે જ છે, લઇ લઈશ. આ વાત કેટલાય જન્મોથી ચાલુ છે. કેટલાય જન્મોમાં સદ્ગુરુ ચેતનાએ આપણો રેઇનકોટ લઇ લીધો. ફરી રેઇનકોટ પહેરી લીધો. તમારા બધાનો રેઇનકોટ લઇ લીધો છે, હવે અનુભવ કેવો થાય છે… રેઇનકોટ નથી ને હવે…. ક્યાંય ગમો – અણગમો નથી ને… તો રાગ – દ્વેષ આવે તો પાછો રેઇનકોટ આવી ગયો. તમારી પાસે રેઇનકોટ નથી, પ્રભુની પ્યારી ચાદર છે. આ ચાદર… અગણિત જન્મોમાં ક્યારેક મળે એવી આ ચાદર. એ ચાદર પ્રભુએ આપણને આપી. કેટલા બડભાગી આપણે… એટલે તો આ લોકોને આપણી ઈર્ષ્યા આવે છે આપણી… કેમ બરોબર ને….

તો સદ્ગુરુ ચેતના તમારો રેઇનકોટ લઇ લે ત્યારે પ્રભુના પ્રસાદની તમને અનુભૂતિ થાય! મહોપાધ્યાય યશોવિજય મહારાજ કહે છે કે મને પ્રભુના પ્રસાદનો સ્પર્શ થયો. ‘તુઠ્યો તુઠ્યો રે મુજ સાહિબ જગનો તુઠ્યો,’ પછી સ્પષ્ટ કહે છે ‘એ શ્રીપાલનો રાસ કરંતા, જ્ઞાન અમૃત રસ વુઠ્યો’. શ્રીપાલનો રાસ લખતા લખતા.. શ્રીપાલનો સમભાવ, શ્રીપાલ ઉપરની પ્રભુની કૃપા, આ બધું જ જોતા, ચિત્તતંત્ર વિહ્વળ બની ગયું. કે શ્રીપાલ એક ગ્રહસ્થ – શ્રાવક એના પર પ્રભુની કૃપા આટલી વરસે તો મારા પર કેમ ન વરસે. તરત ખ્યાલ આયો કે પ્રભુની કૃપા તો વરસે છે, હું ઝીલી શકતો નથી! હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રભુ પાસે માંગવામાં શરમ રાખવી જ નહિ.

એક ભાઈ, એક જગ્યાએ ગયેલા, મહેમાન તરીકે, જજમાન ને ત્યાં પલંગ પર બહુ સારા પુસ્તકો પડેલા, કીમતી… coffee table books… થોડા વળી આમ છુટા પડેલા, થોડા અલમારી ઉપર પડેલા, તો પેલા મહેમાને કહયું કે આટલા કીમતી પુસ્તકો તમારી પાસે છે તો એક કબાટ લાવી અને એમાં વ્યવસ્થિત રૂપે રાખો ને… એટલે પેલા ભાઈએ કહ્યું કે જેમની પાસેથી પુસ્તકો માંગીને લાવ્યો છું, એમની પાસેથી કબાટ માંગવાની હિંમત નથી હવે! આપણે હિંમત રાખવાની.. પ્રસાદ વરસાવ પણ તું, ઝીલાવ પણ તું. ‘એ શ્રીપાલનો રાસ કરંતા, જ્ઞાન અમૃત રસ વુઠ્યો’  પણ એ જ્ઞાન એટલે શું? તમે જ્ઞાનનો અર્થ માહિતી જ્ઞાન સમજો છો. જ્ઞાન એટલે શું… જ્ઞાનની વ્યાખ્યા એમણે આપી. ‘પાયસમાં જેમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગુઠો’ પ્રસિદ્ધ ઘટના છે. ગૌતમસ્વામીનો અંગુઠો પાત્રમાં પડ્યો, ખીર વધ્યા જ કરી, વધ્યા જ કરી. ‘જ્ઞાન માંહી તિમ અનુભવ જાણો’ જ્ઞાન પણ સાચું કયું..? જેમાં અનુભવ ભળ્યો હોય છે. આત્મા આવો, આત્મા આવો, આત્મા આવો. સ્વાધ્યાય કર્યો, પણ આસ્વાદ ક્યાં મળ્યો? આત્મતત્વનો… આપણે તો આત્મતત્વનો આસ્વાદ જોઈએ છે.

એકવાર હું સુરતથી ડીસા બાજુ જવાનો હતો. સુરતમાં એક સાધક હતા, બહુ સારા હતા. એમણે મને કહ્યું સાહેબ! આપ ભરૂચ થઈને જવાના… નર્મદા નદીને કાંઠે આપના રોડથી બહુ નજીકમાં એક આશ્રમ છે, અને એમાં જે સંત છે એ આત્મતત્વ ઉપર એટલું સરસ બોલે છે કે આપણે દિગ્મૂઢ થઇ જઈએ. આપની જો ઈચ્છા હોય તો હું બધો જ પ્રોગ્રામ ઘડી નાંખું. આપ કઈ તારીખે આવવાના? એ વખતે સંત ત્યાં હાજર હોય, એકદમ ઔચિત્યપૂર્વક આપનું ત્યાં આગમન થાય. બધી જ વ્યવસ્થા હું કરી આપું. એ ભાઈને તો મેં કહ્યું કે મારે ઝડપથી જવાનું છે એટલે આ મને નહિ ફાવે અત્યારે… પણ ખરેખર વાત એ હતી કે આત્મતત્વની અનુભૂતિ થઇ હવે શબ્દોનું મારે શું કામ હતું! કોઈ કે આત્મા આવો છે ને કોઈ કે આત્મા આવો છે. અરે મેં અનુભવી લીધો! હવે મારે શબ્દોમાં જવાની જરૂર નથી.

શબ્દો અને વિચાર માત્ર અનુભૂતિ માટે છે. જ્યાં સુધી અનુભૂતિ નથી, ત્યાં સુધી શાસ્ત્રના શબ્દો, એના પરના વિચારો. એટલે શબ્દ અને વિચાર એ સીડી છે. આ first floor પર આવ્યા, એ આપણું લક્ષ્ય હતું. કેટલા વર્ષ થયા, સીડીમાં બેઠા છો… અપાશ્રામાં આયા જ નહિ તમે! વચ્ચે પેલું મોટું છે ને બેસવાનું, ત્યાં બેસી ગયા આરામથી.. શબ્દ અને વિચાર એ સીડી, તમે સીડીમાં બેસી ગયા છો. મ.સા. નું પ્રવચન બહુ સારું. અરે! પ્રવચન બહુ સારું, બરોબર.. પણ એથી તને શું મળ્યું? What’s your achievement? તમારી પ્રાપ્તિ શું છે?

એક ભાઈ હતા ને એમને શોખ હતો, મોટા મોટા ડોકટરો હોય ને એમની પાસે જાય, એમનું prescription લખાવે, એ prescriptionની આખી file બનાવે, કોઈ પણ આવે તો પોતાને ત્યાં બતાવે કે આટલા આટલા મોટા ડોકટરોને મળેલો છું. Foreign ના પણ આટલા ડોકટરોને મળેલો છું. જુઓ આ ફાઈલ જુઓ તમે. પણ દવા કેટલી લીધેલી? કહે છે, એકેયની નહિ.. આવા જ એક ભાઈ મારી પાસે આવેલા. વંદન તો જેમ – તેમ કર્યું. પણ વ્યવસ્થિત કેમ બેસવું એનો પણ ખ્યાલ નહોતો. સહેજ પગ પર પગ ચઢાવીને બેસી ગયા. મેં તો સાગરજી મહારાજને સાંભળ્યા. રામચન્દ્રસૂરિ મહારાજને સાંભળ્યા, ભુવનભાનુસૂરિ મહારાજને સાંભળ્યા, હવે આપણે મોટેથી તો કહેવાય નહિ પણ મેં મનમાં કીધું કે ભાઈ સાંભળ્યા તો ખરા પણ કાન સુધી જ રાખ્યા છે… એકે મહાપુરુષને તું અંદર ન લઇ ગયો… તમે કેટલા સાંભળ્યા મહાપુરુષોને… અંદર કેટલાને ઉતાર્યા?

એટલે જ હું સાધના ગુરુની વાત કરું છું. એક સાધના ગુરુ જોઈએ. તમે એમની પાસેથી સાધના લીધી. Suppose તમને રોજના ૩ કલાક સાધના માટે મળે છે. તો તમારી જન્માન્તારીય ધારાને જોઇને, તમે શી રીતે આગળ વધો એનો નિર્ણય કરીને, એ ૩ કલાકની સાધના તમને આપશે. અને પછી જેમ ડોક્ટર કહે ને મહિના પછી મળજો, એમ એ સદ્ગુરુને આપણે ૨ – ૩ -૪ મહીને મળવું જોઈએ. મળ્યા પછી તમે તમારી કેફિયત રજુ કરી શકો. કે ગુરુદેવ પહેલા કરતાં ફરક પડ્યો, આટલો ફરક પડ્યો છે. પહેલા નિમિત્ત મળે ને ગુસ્સો થતો હતો. અત્યારે પણ નિમિત્ત મળે ને ગુસ્સો થાય છે. પણ પહેલા જે ગુસ્સો થાય એ ૧ દિવસ – ૨ દિવસ સુધી સમતો નહોતો. હવે ગુસ્સો થાય છે પણ અડધો કલાક – પોણો કલાક માં શાંત થઇ જાય છે. હવે આગળ શું કરવું. ગુરુ ફરીથી આગળની સાધના આપે. દર ૪ મહીને, દર ૬ મહીને, તમે સાધના ગુરુ પાસે જાઓ. એમને તમારી આખી ધારાનો ખ્યાલ આવી ગયો. એ તમને ઊચકશે.

ડોક્ટર માં પણ તમે નક્કી કરો ને એક family ડોક્ટર હોય. ભલે બીજા ડોકટર પાસે જાઓ પણ એના through જાઓ. એમ એક સાધના ગુરુ હોય. એમાં શું થાય, ગુરુની પણ એક જવાબદારી આવી જાય. દર વર્ષે મ.સા. અલગ આવે ને દર વર્ષે તમે કહો સાહેબજી આમ છે ને સાહેબજી આમ છે. સાહેબજી ચોમાસું ઉતરી જાય પછી તમારે તો કંઈ મળવાનું તો હોય નહિ. નવા વર્ષે, નવા મ.સા… બધા જ મ.સા. વંદનીય, પૂજનીય, પણ સાધના ગુરુ એક. તો એ ગુરુની પણ એક જવાબદારી રહે. કે તમને result આપવાનું. તમે ભલે indoor patient ન રહ્યા, outdoor patient છો, છતાં તમને result આપવા માટે અમે બંધાયેલા. પણ ક્યારે? તમારી પાસે એ સમર્પણ છે ત્યારે… ૩ કલાક પછી અમે કહીએ એમ કરવાનું જ પછી… અને એ જ રીતે કરવાનું… અત્યાર સુધી તમારી ઇચ્છાથી સાધના કરી.

અમારે ત્યાં વાત આવે, આયંબિલ કરવાની ભાવના થાય કોઈ મુનિરાજને, ભાવના ભલે થાય વાંધો નહિ. પણ એ નિર્ણય નથી કરી શકતો. કોઈને કહી પણ નથી શકતો કે મારે ઓળી કરવાની છે. કેમ..? ઓળી કરવી યા ન કરવી, એ તો ગુરુ નક્કી કરશે… શુભ ભાવના, શુભ ઈચ્છા તમે કરી શકો… પણ પછી એ જ પ્રમાણે થાય એવો આગ્રહ ન રાખી શકો. એટલે હું ઘણીવાર કહું છું… આપણી સારી ઈચ્છા હોય ને તો ગુરુના ચરણોમાં મુકવી. માથા ઉપર નહિ મુકવી. એ શિષ્ય ગુરુ પાસે જાય કે સાહેબ મારે આયંબિલ ની ઓળી કરવી છે. ગુરુને લાગે કે એક મહાત્મા બીમાર છે, અને ગ્લાનની સેવાનો અનુભવ આને જ છે, બીજા બધા નવા છે. એમને અનુભવ નથી. આને આયંબિલ અઘરા પડે છે. ભલે એની ભાવના સારી છે. કે આયંબિલ અઘરા પડે, સૂઈને થોડા કરવા પડે. તો પણ ઓળી કરવી છે. પણ એ રીતે આયંબિલ કરે તો ગ્લાનની સેવા ન કરી શકે. અને વૈયાવચ્ચ મોટી વસ્તુ છે. આયંબિલની ઓળી ગમે ત્યારે કરી શકાશે. માંદા મુનિરાજ પડ્યા એની સેવા તો અત્યારે જ કરવાની છે. ગુરુ ના પાડે, અત્યારે તારે નથી કરવાની. એ શિષ્ય, કારણ જાણવા પણ તૈયાર નથી. સાહેબ કેમ ના પાડો છો… guru is the supreme boss. હા કહે તો કરવાનું, ના કહે તો નહિ કરવાનું. આમાં તમે કેટલા નિશ્ચિત થઇ જાઓ…

હું ઘણીવાર કહું, કે શિષ્યોને અને શિષ્યાઓને મજા જ મજા… અને ગુરુ, ગુરુને એ મજા… એ પણ કોઈ ગુરુ નો શિષ્ય જ છે. જે શૂન્ય બનવાની ઈચ્છા રાખે, એ શિષ્ય. એટલે ગુરુ પણ એ અર્થમાં શિષ્ય છે. એટલે કોઈ પણ શિષ્ય, કોઈ પણ શિષ્યા એને મજા જ મજા. કારણ કે કોઈ નિર્ણય લેવાનો નથી પોતાને… નિર્ણય સદ્ગુરુ એ લેવાનો છે. એ નિર્ણય પ્રમાણે કામ જ એને કરવાનું છે.

તમારે ત્યાં પણ શું હોય… એક કંપની હોય, તો CEO જે છે એ જ બધા નિર્ણયો લે. એ air condition chamber માં ખુરશી ઉપર બેઠો રહે, ટી.વી. ઉપર બધું જોતો પણ રહે, ક્યાં શું કામ ચાલી રહ્યું છે. એ માણસને વર્ષે ૫ લાખ – ૧૦ લાખ – ૨૦ લાખનો પગાર હોય. બંગલો અને ગાડી હોય. અને સવારથી સાંજ સુધી મજુરી કરે એને રોજના ૫૦૦ રૂપિયા મળે. તો એને આટલા બધા કેમ મળે છે પૈસા..? કારણ કે એની પાસે બુદ્ધિ છે. એ નિર્ણયો લઇ શકે છે. Loss માં જતી company ને પણ એ નફામાં જતી company માં મૂકી શકે છે. એમ સદ્ગુરુ તમારી સાધનાને એકદમ ઉચકી શકે છે. એટલે સાધના તર્ફી નિર્ણય તમારે ક્યારે પણ લેવાનો જ નથી. સદ્ગુરુ જ લેશે. તો તમે કેટલા નિશ્ચિત,બોલો? મજામાં… મજામાં છો ને બધા…? દેવ – ગુરુ – પસાય. બરોબર .. પ્રભુની કૃપા… સદ્ગુરુની કૃપા. આનંદમાં છીએ. તમે પણ આનંદમાં છો.

તો, ‘પાયસમાં જેમ વૃદ્ધિનું કારણ ગોયમનો અંગુઠો. જ્ઞાન માંહી તિમ અનુભવ જાણ’, જ્ઞાન જે છે એ ખીર છે. અને અનુભવ એ ગૌતમસ્વામીનો અંગુઠો છે. એ ગૌતમસ્વામીનો અંગુઠો પડે તો જ જ્ઞાન વાસ્તવિક બને. અને બહુ ધારદાર શબ્દો આપ્યા, ‘તે વિણ જ્ઞાન તે જુઠ્ઠો રે’, હું તો એકદમ sophisticated language વાપરૂ. Polished.. કે ભાઈ અનુભવ ન હોય તો મુશ્કેલી પડે. અનુભવ વગર જ્ઞાન એકલું કામનું ન થાય. પણ આ તો સીધી વાત.. ‘તે વિણ જ્ઞાન તે જુઠ્ઠો રે’, અનુભૂતિ તમારી પાસે નથી. તો જ્ઞાન જુઠ્ઠું! એ જ્ઞાન નકામું! એટલે કેટલું ભણ્યા છો, એ મહત્વનું નથી. ખાસ યાદ રાખો, સાધના માર્ગમાં જ્ઞાનાવરણીય ના ક્ષયોપશમનો કોઈ બહુ અર્થ નથી. મોહનીય ના ક્ષયોપશમનો જ અર્થ છે.

અમે એકવાર પાલીતાણામાં ચોમાસું હતા. ગુરુદેવની નિશ્રામાં, એ વખતે અભયસાગરજી મ.સા. ની વાચના રોજ બપોરે ગિરિવિહારમાં ચાલતી. અમે લોકો પન્ના રૂપામાં, રોજ સાહેબને સાંભળવા જતા. આવા જે મહાપુરુષો હોય છે ને, એ મીશેનરી મહાપુરુષો હોય છે. એમની પાસે એક મિશન હોય છે. અને એ મિશનની વાત એ વારંવાર કર્યા કરતા હોય છે. તો અભયસાગરજી મહારાજ પાસે એક મિશન હતું. એટલે એ વારંવાર કહેતા, સાધુ – સાધ્વીઓને કે તમે લોકો ભણવા માટે આટલી બધી મહેનત કરો છો. મોહનીય ના ક્ષયોપશમ માટે કેટલી મહેનત કરી? સ્વાધ્યાય ૪ કલાક, વૈયાવચ્ચ કેટલા કલાક? વૈયાવચ્ચથી અહંકાર તૂટે, અને અહંકાર તુટ્યો, એનું નામ મોહનીય નો ક્ષયોપશમ. તો સાહેબ ઘણીવાર સમજાવતા. કે એક મુનિએ ૫૦ ગાથા એક કલાકમાં કરી. તો જ્ઞાનાવરણીય નો ક્ષયોપશમ થયો. પણ એના મનમાં અહંકાર આવે કે કેવો મારો ક્ષયોપશમ, એક કલાકમાં ૫૦ ગાથા કરી લીધી. તો એને શું કર્યું? જ્ઞાનાવરણીય નો ક્ષયોપશમ કર્યો, ને મોહનીય નો ઉદય કર્યો. એટલે સાધના માર્ગમાં, મોહનીય નો ક્ષયોપશમ કરવો છે. મોહનીય નો ક્ષયોપશમ એટલે અહંકાર તમારો તૂટે. અને ‘આ’ (શરીર) હું છું. એ ભ્રમણા તૂટે તો જ વાસ્તવિક હું તરફ તમે જઈ શકો.

ઉપનિષદ પરંપરાની એક બહુ પ્યારી કથા છે. શ્વેતકેતુ ગુરુકૂળમાં ભણવા માટે ગયેલો, ૬ વર્ષની વયે ગયેલો, ૧૮ વર્ષની વય સુધીમાં વ્યાકરણ, સાહિત્ય, છંદ શાસ્ત્ર, અને આ બાજુ અસ્ત્ર – શસ્ત્ર. આ બધામાં એ પારંગત બની ગયા. તો ગુરુએ એને કહ્યું કે હવે તું જા. તારો અભ્યાસ પૂરો થયો. શ્વેતકેતુ ઘરે આવે છે. એને પિતાનું નામ ઉદ્દાલત છે. ઉદ્દાલત પણ બહુ જ્ઞાની છે.

શ્વેતકેતુ ઘરે આવ્યો, પિતાના ચરણોમાં પડ્યો, અને પિતાને નિવેદન કર્યું. કે ગુરુદેવે મને કહ્યું કે તારો અભ્યાસ પૂરો થયો છે. તું જા. એટલે હું આવ્યો છું. હવે મારે શું કરવાનું છે… એ વખતે પિતા એને પૂછે છે… કે તે અભ્યાસ કર્યો, શેનો કર્યો? તો કે વ્યાકરણ, સાહિત્ય. છંદ. પિતા પૂછે છે, કે જે એકને જાણીએ તો બધું જ જણાઈ જાય. અને જે એકને ન જાણીએ તો બધું જ જાણેલું વ્યર્થ છે. એ એકને તું જાણીને આવ્યો? શ્વેતકેતુ કહે છે ના, આવું તો અમને કંઈ શીખવાડ્યું નથી. પિતા કહે છે, પાછો જા, ગુરુ પાસે જા. અને ગુરુને કહે કે ‘જે એકને જાણીએ તો બધું જણાય જાય છે’, એ એકને મારે જાણવાનો… મારા પિતાજીએ કહ્યું છે. જા… ગુરુની પાસે આવ્યો… ગુરુ કહે કેમ? હમણાં તો ગયો છે ને, પાછો કેમ આવ્યો..? ત્યારે એણે વાત કરી. ગુરુ સમજી ગયા, કે આત્મતત્વની અનુભૂતિની વાત કરી રહ્યો છે. અનુભૂતિની આખી પ્રક્રિયા કેવી હોય, એની વાત આ કથામાંથી આપણને મળે છે.

તો ગુરુને ખ્યાલ છે. કે અનુભૂતિ આત્મતત્વની કરવા માટે વિચારોથી પર થવું પડે. અત્યારે વિચારો ઉપર તમારું નિયંત્રણ નથી. કોઈ પણ શુભ યોગમાં બેઠેલા હોય, કોઈ ઘટના, પ્રિય કે અપ્રિય તમારી સામે આવે, તરત તમે એ વિચારોમાં વહી જાઓ. એટલે વિચારો પર નિયંત્રણ ન હોવાને કારણે તમારી એક પણ ક્રિયા સમ્યક્ થતી નથી. ધ્યાનમાં જવું છે. ધ્યાનમાં આત્મ તત્વનો અનુભવ કરવો છે. અખંડાકાર જે ચેતના છે. નિર્મલ જે ચેતના છે, આનંદઘન જે ચેતના છે. વિતરાગદશા યુક્ત જે ચેતના છે એનો અનુભવ કરવો છે. પણ એનો અનુભવ કરવા માટેની પહેલી શરત આ છે, તમે નિર્વિકલ્પ બની જાઓ. ૨ શબ્દો આપણી પરંપરામાં છે. વિકલ્પ અને વિચાર. જે વિચાર, રાગ – દ્વેષથી યુક્ત હોય, અહંકારથી યુક્ત હોય, એ વિકલ્પ. અને એમને એમ ઉઠેલો વિચાર. એ વિચાર.

કોઈ વ્યક્તિ તમારા રૂમમાં આવી, અણગમતી વ્યક્તિ હતી. તમને ગુસ્સો આવ્યો, તો એ જે ગુસ્સાનો વિચાર જે છે એ વિકલ્પ કહેવાય. પણ અજાણી વ્યક્તિ કોઈ આવી, તમે એને ઓળખતા જ નથી, તો જિજ્ઞાસા, કુતુહલતા થાય કે કોણ છે, કેમ આવ્યો હશે, એમાં રાગ -દ્વેષ નથી ભળેલા, એ વિચાર છે. તો ધ્યાનમાં જવું હોય યા કોઈ પણ શુભ ક્રિયામાં પણ જવું હોય તો પહેલા નિર્વિકલ્પ બનવું પડે. પછી નીર્વિચારતા આવી જાય.

સવાસો ગાથાનું સ્તવન મહોપાધ્યાય યશોવિજય મહારાજે ગુજરાતીમાં લખ્યું છે. ગુજરાતીમાં આવેલો એ એક શ્રેષ્ઠ સાધના ગ્રંથ છે. એમાં એક કડી આવે છે, ‘નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો.’ તમે જ્યારે નિર્વિકલ્પ દશામાં હોવ ત્યારે કર્મનો પ્રવેશ નથી. કઈ રીતે, સત્તામાં પડેલું કર્મ છે, ક્રોધ છે, રાગ છે. નિમિત્ત મળ્યું અને ઉદયમાં આવ્યું. પણ એ ક્રોધ ઉદયમાં આવ્યો. ત્યારે ક્રોધમાં કોણ જાય છે? તમારું મન જાય, તમારું ચિત્ત જાય, તમારી લેશ્યા જાય. તમારે જવાનું પ્રયોજન નથી. તમે તમારામાં જ રહો, તમે ક્રોધમાં શા માટે જાવ? એટલે મારું અને તમારું નિર્મલ સ્વરૂપ અત્યારે ઢંકાયેલું છે. પણ અંદર જ છે. મને કે તમને કેવલજ્ઞાન મળશે. ત્યારે કેવલજ્ઞાન બહારથી આવવાનું નથી. આપણી ભીતર જ છે પણ એ ઢંકાયેલું છે.

તો હવે વાત એ છે કે ઉદય ક્યાં સુધી? તમે છે ને મન સાથે તમારી જાતને એકાકાર કરી ચુક્યા છો. મન યોગમાં આવે, તમે ઉપયોગમાં આવો છો. બેઉ અલગ છો, પણ અજ્ઞાન ને કારણે બેઉ ભેગા થઇ ગયા છે. તો તમને ક્રોધ આવે ક્યારે? બોલો? તમને? તમારા મનને ભલે ને આવે… જેમ તમારે ખાવાનું ખરૂ કયાંય? આત્મા ખાય કયાંય? ભોજન કોણ લે? શરીર ભોજન લે. એમ ક્રોધ કોણ કરે? મન કરે. તમે ક્યાં કરો. એટલે તમારું જે મૂળભૂત સ્વરૂપ છે એનો ખ્યાલ તમને રોજ હોવો જોઈએ.

આપણે ત્યાં કહ્યું છે, ‘પ્રભાતે કર દર્શનમ્’. સવારમાં સૌથી પહેલા બે હથેળીઓને ભેગી કરવાની. સિદ્ધશિલા નો આકાર થાય. એને નમસ્કાર કરો. અને નક્કી કરો કે મારી મંઝિલ તો આ જ છે. સિદ્ધશિલા. તો સિદ્ધશિલામાં જેવો હું જઈશ, હોઈશ એવો જ તો હું અત્યારે છું. ફરક એટલો જ છે, કે ત્યાં કર્મો નથી, મારા ઉપર કર્મો, રાગ – દ્વેષ એ આવી ગયેલું છે. ફરક આટલો જ છે.

એક માણસ રુષ્ટ – પુષ્ટ સ્વસ્થ શરીરવાળો હોય, ભમરાઓ ડંખ્યા, જંગલમાં ગયો, સેંકડો, હજારો ભમરાઓ તૂટી પડ્યા. માંડ માંડ તો સાજો થયો પણ ભમરાઓના ઝેરના કારણે આખું શરીર સૂજી ગયું… શરીર સૂજી ગયું છે પણ તમને ખ્યાલ છે આ માણસ handsome છે, આ માણસ રૂપાળો છે. અત્યારે ભલે બેડોળ લાગે, પણ સોજો ઉતરશે એટલે એકદમ રૂપાળો લાગવાનો છે.

એમ તમે બધા નિર્મળ છો. અત્યારે રાગ – દ્વેષનો આ સોજો ચડી ગયો છે. એ સોજો ઉતરે એટલે તમે સ્વસ્થ. તો શ્વેતકેતુ કહે છે, ‘જે એક ને જાણીએ તો બધું જણાઈ જાય’, એ એકને જાણીને આવવાનું મારા પિતાજીએ કહ્યું છે. કેવો એના પિતા ઉપરનો ભાવ. હવે કદાચ વર્ષો લાગે તો પણ વાંધો નથી મારા પિતાજીએ કહ્યું છે.

આચારાંગ સૂત્રમાં પણ પ્રભુએ કહ્યું, ‘જો એગં જાણઈ, સો સવ્વં જાણઈ.’ એક આત્મતત્વને પકડી લો, નવતત્વ એમાં મુખ્ય બે, જીવ અને અજીવ. એમાં પણ એક આત્મતત્વ એને જાણી લો. તો એ આત્મતત્વની અનુભૂતિ શ્વેતકેતુને કરવી છે. અને ગુરુ એને કરાવવા છે. બરોબર… શ્વેતકેતુને અનુભૂતિ કરવી છે અને ગુરુ એને કરાવે છે. આપણે પણ બરોબર… આપણે પણ આમ જ છે… તમારે બધાને આત્મતત્વની અનુભૂતિ કરવી છે? કેટલા ય મહાત્માઓ એ વાત કરી. પણ તમે માત્ર શબ્દો સુધી જ રહ્યા. આ વખતે અનુભૂતિનો સ્પર્શ કરવો છે.

તો શ્વેતકેતુ ને ગુરુ અનુભૂતિના માર્ગ ઉપર લઇ જાય છે. શ્વેતકેતુ તૈયાર છે, ગુરુ તૈયાર છે, અહીંયા પણ હું તૈયાર અને તમે તૈયાર બરોબર? એટલે જેટલા તૈયાર હશે એ કાલે ટાઇમસર આવી જશે. તૈયાર નહિ હોય એ ડોલતા ડોલતા ડોલતા ૧૦ – ૧૦.૩૦ આવી જશે. આઠ વાગે આવી જશે…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *