વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે અનુભવ પ્રકાશ
પ્રભુનું દર્શન થાય, તો અનુભૂતિનો ઝબકારો મળે જ. એ દર્શન કયું? પ્રભુનું સ્વરૂપદર્શન, પ્રભુનું ગુણદર્શન. પ્રભુની વીતરાગદશાનું દર્શન. પ્રભુના પરમઆનંદનું દર્શન. પ્રભુના પ્રશમરસનું દર્શન.
જ્યાં સુધી પ્રભુનો એક ગુણ ન દેખાય, ત્યાં સુધી દર્શન થયું ન કહેવાય. આજથી નક્કી કરો કે પ્રભુના અનંત ગુણોમાંથી કોઈ એક ગુણ રોજ જોવો છે. દેરાસરમાં પ્રભુનો ગુણ ન દેખાય અને હૃદય ન ભરાય ત્યાં સુધી પાછા ફરવું નથી.
સવાલ થાય કે આજે પ્રભુનો કયો ગુણ જોવો? શરૂઆત ક્યાંથી કરવી? તો એના માટે શાસ્ત્રોમાં કહ્યું કે જે દોષ તમને વધુ માત્રામાં પીડે છે, એના વિરુદ્ધ ગુણનું ચિંતન કરો. તમને રાગ / આસક્તિ પીડે છે, તો પ્રભુનો વીતરાગતાનો ગુણ જુઓ.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૩
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો”
આનંદઘનજી ભગવંત માટે આ શબ્દો નહોતા, અનુભૂતિ હતી. અને એ અનુભૂતિ સુધી આપણે કેમ પહોંચી શકીએ એ આપણે જોવું છે. There should be the experience.
અત્યાર સુધી સાધનાને, ભક્તિને શરીરના સ્તર પર ઉતારી. કાનના સ્તર પર ઉતારી. બહુ બહુ તો conscious mind ના level સુધી ઉતારી. પણ અસ્તિત્વનું સ્તર; જ્યાં રાગ, દ્વેષ, અહંકાર અનંત સમયથી ગુંચડું વાળીને પડેલા છે ત્યાં સાધના ન ગઈ. આ જન્મમાં એ કામ કરીએ, કે જ્યાં રાગ, જ્યાં દ્વેષ, જ્યાં અહંકાર, ત્યાં આ સાધના. ત્યાં આ ભક્તિ.
પ્રભુની ભક્તિ આવી ગઈ, એક સમર્પણ આવ્યું. અહંકાર ક્યાંથી રહેશે! પરમાત્મા પર તમને પ્રેમ, પરમ પ્રેમ ઉપજ્યો. હવે તમે કોઈ પણ પદાર્થ ઉપર, કોઈ પણ વ્યક્તિ પર રાગ કઈ રીતે કરી શકો. તમે રાગ ન કરો એમ નથી કહેતો. રાગ કરી ન શકો! રાગ કરી ન શકો. You can’t do it. આ અનુભૂતિ ની તાકાત. તો અત્યાર સુધી અનુભૂતિ નથી થઇ. હવે અનુભૂતિ કરવી છે….?
મેં પહેલા પણ કહેલું કે દુશ્મન બંકરમાં હોય – ભોંયરામાં, અને કોઈ સૈનિક બહાર બંદુકના ભડાકા કરે તો શું થાય? આપણે શું કર્યું… રાગ, દ્વેષ, ને અહંકાર એવા ને એવા રહ્યા. અને આપણે કહીએ સાધના કરી. સાધના જેમ જેમ કરતા જાવ, તેમ તેમ જોતાં જાવ કે રાગ, દ્વેષ, અહંકાર ઓછા થયા કે નહી…
એક મસ્જિદના હોજમાં કુતરું આવ્યું હશે પાણી પીવા, પગ લપસ્યો ને હોજમાં પડ્યું. રાતનો સમય, ગૂંગળાઈ ને મરી ગયું. સવારે મુસ્લિમ ભક્તો આવ્યા. એમને નમાજ પહેલા વજુ કરવાની હોય, હાથ – પગ, મોઢું ધોવાના હોય. હોજ પાસે ગયા, દુર્ગંધ જ દુર્ગંધ… જોયું તો કુતરું મરી ગયેલું અંદર. મુસ્લિમ ભક્તો મૌલવી પાસે ગયા, કે સાહેબ કુતરું મરી ગયું છે હોજમાં. હવે શું કરવું? મૌલવી એ વિચાર્યું – કે મડદું તો આ લોકો બહાર ફેંકી દેશે. પણ પછી પણ હોજનું પાણી શુદ્ધ નહિ થાય. બંધિયાર પાણી છે. એટલે એમણે કહ્યું – ૧૦૦ બાલટી પાણી બહાર ફેંકી દો. એમનો આશય એ હતો, કે ૧૦૦ બાલટી પાણી લેવા માટે હોજનું આખું પાણી આમથી આમ થઇ જાય. દુર્ગંધી પરમાણુઓ નીકળી જાય. અને પાણી સ્વચ્છ બની જાય. ભક્તો તો મંડી પડ્યા. ૧૦૦ ને બદલે ૨૦૦ બાલટી. પાણી કાઢીને ફેંકી દીધું બહાર. કુતરાને ફેંક્યું નહિ. થોડી વારે મૌલવી ત્યાં આવ્યા. દુર્ગધ તો એટલી કે માથું ફાટી જાય. મૌલવી એ પૂછ્યું ભક્તોને – શું કર્યું તમે? અરે સાહેબ તમે કહ્યું હતું ૧૦૦ બાલટી પાણી બહાર કાઢો. અમે ૨૦૦ બાલટી પાણી બહાર કાઢ્યું. અલ્યા પણ કુતરું બહાર નથી કાઢ્યું એનું શું? સાહેબ એ તો તમે ક્યાં કહ્યું હતું….! પણ હું તો હવે કહી દઉં છું હો…
માત્ર ૧૦૦ પ્રતિક્રમણ કરવાના એમ નહિ. માત્ર ૧૦૦ પૂજા કરવાની એમ નહિ. There should be the result. વિતરાગ પરમાત્માની ભક્તિ કરો અને રાગ હટે નહિ તો ચાલે કેમ..! પૂજ્યપાદ ચિદાનંદજી મહારાજે પરમ તારક નેમિનાથ ભગવાનની સ્તવના માં બહુ જ મજાની વાત કરી છે. એમણે કહ્યું ‘પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે અનુભવ પ્રકાશ, અનુભવ અભ્યાસી કરે,’ ગુજરાતી માં આવેલું એક સશક્ત સાધના સૂત્ર આ છે. ‘પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે અનુભવ પ્રકાશ,’ જેને હું અલપ – ઝલપ અનુભવ કહું છું. એક flash.. એક ઝબકારો… એની વાત પહેલા કરીએ. પ્રભુનું દર્શન કરો… એક ક્ષણ થાય, જે પ્રભુમાં છે એ મારામાં છે. સત્તા રૂપે હું અને પ્રભુ બિલકુલ જુદા નથી. ઓહ! તો આત્માનુભૂતિ મને મળી જ ગઈ. પ્રભુ નિર્મળ ચેતનાથી યુક્ત છે, હું પણ જો નિર્મલ ચેતનાથી યુક્ત હોઉં તો આત્માનુભૂતિ મને મળી ગઈ.
એક flash, એક ઝબકારો, આનંદનું વેદન, વિતરાગદશાનું વેદન, આનંદના સંવેદનમાં ફેરવાય છે. અમે લોકો આનંદમાં કેમ? વૈરાગ્ય તીવ્ર બન્યો. અને પ્રભુની વિતરાગદશાને રોજ જોવાનું થાય છે. અને એના કારણે અમારો આનંદ પ્રગાઢ બની ગયો. સમવસરણમાં ઘણીવાર આપણે જઈ આવ્યા, પણ પ્રભુના મુખ પરની આ પરમ ઉદાસીનદશાને જોઇને જે જોવાનું હતું એ છૂટી ગયું. ૬૪ ઇન્દ્રોને જોઈ લીધા, પ્રાતિહાર્યોને જોઈ લીધા, પાછા ફર્યા! કંઈ વાંધો નહિ. દેરાસરમાં સાક્ષાત્ પ્રભુ જ છે. સમવસરણ અને દેરાસર કોઈ ફરક નથી. અત્યારે પ્રભુના ચહેરા ઉપર જે પરમ ઉદાસીન દશા છે, એનો અનુભવ કરો. તમે સોનાની આંગી ચઢાવી કે હીરાની આંગી ચઢાવી… ત્યાં કોઈ ફરક પડતો નથી. પરમ ઉદાસીન દશા છે. એ પ્રભુની પરમ ઉદાસીન દશા, તમે જુઓ એક ક્ષણ, એક flash, ઝબકારો થાય કે હું પણ ઉદાસીન જ છું. ઉદાસીન દશા એ મારો સ્વભાવ છે.
ગુજરાતીમાં બે શબ્દો છે – ઉદાસ અને ઉદાસીન. ઉદાસ એટલે બેચેન. જેનુ મોઢું પડી ગયું છે. ઉદાસીનનો અર્થ બહુ મજાનો છે. ઉદાસીન શબ્દ બે શબ્દોના મિશ્રણથી બન્યો છે. ઉદ્ + આસીન. જે ઉંચે બેઠેલ હોય. તમે નદીના કાંઠા ઉપર બેઠેલા હોવ, ઉંચે જ બેઠેલા છો, નદીના પ્રવાહને જોઈ રહ્યા છો. નદીના પ્રવાહમાં વહેવું, એ અલગ ઘટના છે. કાંઠે બેસીને નદીના પ્રવાહને જોવો એ અલગ ઘટના છે. તમે માત્ર જુઓ છો, પાણી વહી રહ્યું છે. એ પાણીની અસર તમને થતી નથી. એ પાણીની છોળો ઉછળે છે. પણ એને કારણે તમારું શર્ટ ભીંજાતું નથી. તો ઉદાસીન નો મતલબ એ થયો કે ઘટનાઓ ને જાણવા છતાં ઘટનાઓથી એ અપ્રભાવિત છે.
એક મુનિ પણ ઉપાશ્રયમાં રહે છે. તમારા ઘરોમાં વહોરવા માટે આવે છે. પણ એ ઉદાસીન છે. એને તમારા ઘર જોડે, flat જોડે કે બંગલા જોડે કોઈ સંબંધ નથી. એ એની પરમ ઉદાસીન દશામાં મજાથી રહેલો છે.
એક હિંદુ ગુરુ પૂનમની રાત્રે નદીની ભેખડ ઉપર બેઠેલા. સામે શિષ્યો હતા. વાર્તાલાપ ચાલતો હતો… અચાનક ગુરુએ પૂછ્યું કે આ ભેખડ તૂટી જાય તો શું થાય? શું થાય? ભેખડ તૂટી જાય જેના ઉપર એ લોકો બેઠા છે. ધબાક લઈને નદીમાં, અને નદીમાં ક્યાં જવાય એ ખબર પડે નહિ. શિષ્યો સમજી ગયા, કે જવાબ તો સીધો છે. ભેખડ તૂટે એટલે આપણે નદીમાં જઈએ. પણ ગુરુ પૂછી રહ્યા છે… એટલે પ્રશ્નમાં કંઈક ઊંડાણ છે. એટલે શિષ્યોએ જવાબ નહિ આપ્યો….. ગુરુના મુખ સામે જોઈ રહ્યા છે. આમેય તમે ‘તદ્ દિટ્ઠી એ’ જ હોવ ને…. ગુરુ મુખ પ્રેક્ષી, પ્રભુ મુખ પ્રેક્ષી… તો ગુરુએ કહ્યું કે શું થાય, કંઈ થાય નહિ… ભેખડ ઉપર આપણે છીએ. નદીમાં આપણે હોઈશું, આપણું being એમ ને એમ રહેવાનું છે ફરક શો પડશે. તમે તો એના એ રહેવાના છો. અહીંયા પણ તમારું being છે, નદીમાં તમારું being હશે. Being ક્યારે આવે, ઉદાસીનદશા હોય ત્યારે આવે. નહીતર માત્ર doing હોય, હું આ કરી નાંખું. ઘણા માણસો હોય ને એને ધખારો હોય, હું દુનિયાને સુધારી નાંખું. અલ્યા ભાઈ તું તારી જાતને સુધાર પહેલા…
એકવાર એક મહાત્મા બીજા વૃંદના મારી પાસે ભણવા માટે આવેલા. નાનું ગામ હતું. તો કહ્યું કે તમે પણ થોડી વાર વ્યાખ્યાન વાંચો. એ વક્તા હતા. અડધો કલાક એ બોલતા, અડધો કલાક હું બોલતો. યોગાનુયોગ એ મહાત્માનું પોતાનું ગામ એ હતું. સંસારી પણામાં.! દોઢેક મહિનો થયો, પર્યુષણ પૂરું થયું. હું morning walk માટે સવારે જતો હતો. ડોકટરે કહ્યું ડાયાબીટીસ છે, હાઇપર ટેન્શન છે. Morning walk કરો. હું morning walk માટે નીકળતો હતો. પેલા મહાત્માએ કહ્યું સાહેબ હું આપણી જોડે આવું? મેં કહ્યું આવો. અમે ૨ ગામની બહાર ગયા. ત્યારે મહાત્માએ પૂછ્યું – સાહેબ મારે જરાક જાણવું છે. મેં કહ્યું બોલો – મને કે સાહેબ મારી શૈલી જોર – જોરથી પ્રવચન આપવાની છે. ૫૦૦૦ માણસની સભા હોય, તો પણ મારો અવાજ પહોંચે અને જોરથી પ્રવચન આપું… આપની શૈલી આખી જુદી છે. પહેલી જ વાર આવી શૈલી મેં જોઈ. ધીરે ધીરે વાતો કરતા જાઓ અને આગળ વધતા જાઓ. પણ એમને પૂછવું એ હતું કે આ મારુ ગામ છે ઘણા બધા લોકો મને મળી ગયા. કે સાહેબના પ્રવચનની બહુ ઊંડી અસર થાય છે. અને તમે બોલો છો ને એની કાંઈ અસર થતી નથી. એટલે કહે કે મારે જાણવું છે. મેં કહ્યું જ્યાં સુધી તમે પરમ ઉદાસીન ભાવમાં નહિ આવો ત્યાં સુધી તમારી પાસે આ સજ્જતા નહિ આવે.
By the way એક વાત કરું. એકવાર યુવા પ્રવચનકારો મારી પાસે આવેલા; ૧૦ – ૧૫. એમણે મને કહ્યું – સફળ પ્રવચનકાર કોણ આપની દ્રષ્ટિએ? તો મેં કહ્યું કે મારી ૨ – ૩ વ્યાખ્યાઓ છે. સફળ પ્રવચનકાર તરીકે તમે હોવ તો તમારી પહેલી સજ્જતા એ હોવી જોઈએ. કે તમે બોલતા નથી. તમારા કંઠેથી પ્રભુ પ્રગટે છે. એક તો આ મનોદશા જોઈએ. બીજું કે તમારે સૂક્ષ્મની સાધનામાં જવું જોઈએ. ધ્યાન વિગેરે તમારે રોજ કરવું જોઈએ. અને એનાથી તમારી સજ્જતા વધુ નીખરશે. અને ત્રીજું ભક્તિ દ્વારા એક એવો ઉદાસીન ભાવ કેળવો. કે પ્રવચન આપીને તમે ઉભા થયા. સર્વમંગલ થયું. શું બોલાયેલું તમને ખબર ન હોય. પ્રભુ બોલેલા ને..? તમને ખબર ક્યાંથી હોય? તો મેં પેલા મહાત્માને કહ્યું – કે જોર – જોરથી બોલો એની કોઈ અસર થવાની નથી. ભીતરથી જે અવાજ નીકળશે એની જ અસર થશે. તમે કોઈ પણ સંગીતકાર પાસે ગળાનો test આપવા જાઓ તો એ, એ નથી જોતો કે ગળામાં કર્કશતા છે, મધુરતા છે, પહેલું એ, એ જોવે છે કે અવાજ નાભિથી ઉઠે છે કે માત્ર કંઠમાંથી આવે છે. નાભિમાંથી અવાજ ઉઠતો હોય, તો સંગીતકાર તરીકેની પહેલી પરીક્ષામાં તમે પાસ થઇ જાઓ.
તો બહુ સરસ વાત કરે છે ચિદાનંદજી મહારાજ ‘પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે અનુભવ પ્રકાશ,’ એટલે વાત એ થઇ કે પ્રભુનુ દર્શન થાય તો અનુભૂતિનો ઝબકારો મળે જ. અને અનુભૂતિનો flash નથી મળ્યો, તો દર્શન ચિદાનંદજી મહારાજ કહે છે, એવું નથી થયું. એ દર્શન કયું છે? પ્રભુનું સ્વરૂપદર્શન, પ્રભુનું ગુણ દર્શન. પ્રભુની વિતરાગદશાનું દર્શન. પ્રભુના પરમ આનંદનું દર્શન, પ્રભુના પ્રશમરસનું આનંદન.
ભક્તામરમાં કહ્યું ને – ‘યૈ: શાન્તરાગ રુચિભી: પરમાણુભિસ્તવં’, પ્રભુ પ્રશમરસના જેટલા પરમાણુઓથી તમારી આ મૂર્તિ બની છે. મને લાગે છે કે દુનિયામાં પ્રશમ રસના પરમાણુઓ એટલા જ છે! કારણ આવો પ્રશમરસ કોઈ પણ વ્યક્તિમાં મેં જોયો નથી. તો એ પ્રભુના પ્રશમ રસને જુઓ. જ્યાં સુધી પ્રભુનો એક ગુણ ન દેખાય ત્યાં સુધી દર્શન થયું નથી. માત્ર દેરાસરમાં જવાથી દર્શન થઇ જાય…
સવારે સંઘની નવકારશી હોય અહીંયા… પછી તમે શું નક્કી કરો… નીચે જાઉં… ૧૦ મિનિટ માં પાછો બહાર નીકળી જઈશ. પણ એકેય ખુરશી ખાલી નથી. ૧૦ મિનિટ ઉભા રહેવામાં ગઈ. ખુરશી ખાલી થઇ તમે બેઠા. ઈડલી, મેંદુવડા બધું આવવા માંડ્યું. હવે એમાં તમે શું નક્કી કરો… એક ઈડલી ખાઈને ઉભા થઇ જવાનું એમ… ત્યાં તમારો નિયમ એવો હોય છે કે પેટ ન ભરાય ત્યાં સુધી ખાવું. તો દેરાસરમાં નક્કી કરો ને પ્રભુનો ગુણ ન દેખાય અને હૃદય ન ભરાય ત્યાં સુધી પાછા ફરવું નહિ. આજથી નક્કી કરો, એક ગુણ પ્રભુનો રોજ જોવો છે. અનંત ગુણ પ્રભુના છે.
શાસ્ત્રોમાં એક સવાલ થયો કે suppose આજથી કોઈએ પ્રભુના ગુણોને જોવા છે. તો પહેલો ગુણ એ કયો જોશે..? મૂંઝવણ થાય ને… કે આજે પ્રભુનો કયો ગુણ જોવો..? શરૂઆત ક્યાંથી કરવી? તો એના માટે કહ્યું કે જે દોષ તમને વધુ માત્રામાં પીડે છે. એના વિરુદ્ધ ગુણનું ચિંતન કરો. પ્રભુમાં રહેલા એ દોષથી વિરુદ્ધ ગુણને જોવો. રાગ તમને પીડે છે, બધે આસક્તિ… કપડાં સરસ જોઈએ… flat સરસ જોઈએ. કાર સરસ જોઈએ. બધે જ આસક્તિ છે. રાગ જ રાગ છે. તો પ્રભુનો વિતરાગ ગુણ જોવો. મારા પ્રભુ વિતરાગ, એ પ્રભુનો ભક્ત હું, હું રાગી હોઉં તો ચાલે ખરું? રાગની માત્રા ઓછી થશે.
રાધનપુરમાં કમર્શીભાઈ શેઠ હતા. એ જમાનાના જૈન શ્રેષ્ઠીઓમાં ધુરંધર. માતાજી બીમાર પડ્યા. તો એ વખતે એમણે માતાજીને પૂછ્યું – કે માઁ ૨૦૦ તોલા સોનાના દાગીના તારા છે એની વ્યવસ્થા શું કરવી એ તું મને કહે? કમર્શીભાઈના પત્ની ખુબ સેવા કરતા હતા. તો માઁ એ કહ્યું એને આપી દેજે બધું. પોતાને મળી રહ્યું છે. ફરીથી કમર્શીભાઈએ કહ્યું માઁ ને- કે માઁ ! તારી આજ્ઞા અત્યાર સુધી ક્યારે પણ લોપી નથી. અને લોપવાનો પણ નથી. તારી આજ્ઞા મારું જીવન. પણ તને વિચારવા માટે એક મુદ્દો આપું છું. તારા આ સોનાના દાગીના તું મારી ધર્મપત્નીને આપી દઈશ. એ આ જુના દાગીના, આ જૂની ફેશનના દાગીના પહેરવાની નથી. એ સોનું ગળાવી નાંખશે. નવી ફેશનના દાગીના બનાવશે. એ દાગીના બનાવશે, અને એના ઉપર એને રાગ થશે. એને બદલે આ જ સોનું ગળાવી – શુદ્ધ કરી અને પ્રભુની સોનાની આંગી બનાવીએ. હજારો લોકો પ્રભુનું એ રીતે દર્શન કરશે… અને સમ્યક્દર્શન સુધી પહોંચશે. વીતરાગતા નો એક માર્ગ હજારો લોકોના મનમાં ખુલ્લો થશે. હવે તું કહે એમ કરું. માં એ વિચાર્યું અને માઁ એ કહ્યું, દીકરા તારી વાત સાચી છે. ભગવાનની સોનાની આંગી એમાંથી બનાવો.
પણ એક વાત ફરીથી કહું, તમે જાઓ છો સોનાની આંગીના દર્શન માટે નહિ. પણ આ બધું હતું અને પ્રભુ પરમ ઉદાસીન હતા. એ જોવા માટે આપણે જઈએ છીએ. પ્રભુ તીર્થંકર બન્યા પછી, કે દીક્ષા લીધા પછી ઉદાસીન બન્યા એવું નહિ સમજતા. તીર્થંકર તરીકેના જન્મમાં, તીર્થંકરો જન્મથી ઉદાસીન હોય છે. એટલે જન્મથી એમને છટ્ઠી દ્રષ્ટિ હોય છે. પાંચમું ગુણઠાણુ નથી પણ છઠ્ઠી દ્રષ્ટિ એમની પાસે છે.
તો ‘પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે અનુભવ પ્રકાશ,’ હવે એ અનુભવને પ્રગાઢ બનાવવો હોય તો શું કરવું? તો એના માટેનું પણ સૂત્ર આપું. દર્શન કરીએ એક અનુભવની જ્યોતિ પ્રગટે, એક ક્ષણ… શરૂઆતમાં એ વધારે રહેતી નથી. એક ક્ષણ એ ભાવ આવે હું પણ પ્રભુ જેવો છું. પ્રભુ જેવો આનંદ મારી પાસે પણ છે. પણ જ્યાં તમે રોજીંદી જીંદગીમાં જાઓ ત્યાં એ જ રતિ અને એ જ અરતિ. આનંદ છું થઇ ગયો. તો હવે એ આનંદનો અનુભવ ૨૪ કલાક રાખવો છે. એ ઉદાસીન દશાનો અનુભવ ૨૪ કલાક રાખવો છે તો શું કરવાનું? તો સૂત્ર આપ્યું; ‘અનુભવ અભ્યાસી કરે,’ જેમ જેમ તમે એને ઘૂંટો… જેમ જેમ અભ્યાસને વધારો.. તેમ અનુભવ પ્રગાઢ બને. કોઈ પણ જગ્યાએ અભ્યાસ વિના ચાલે છે? ભીમસેન જોશી હોય કે ઓમકારનાથ ઠાકુર હોય, એ બધાએ એક કેફિયત કહેલી. કે અમે લોકોએ ‘સા’ ને ૧૦ વર્ષ સુધી ઘૂંટ્યો છે. સાત સૂરો, સા રે ગ મ પ ધ ની પણ અમારા ગુરુઓએ એક ‘સા’ ને દશ વર્ષ સુધી ઘૂંટાવ્યો છે. હું ઘણીવાર વાચનામાં પૂછું કે ઈર્યાસમિતિને, કે ભાષાસમિતિને દશ વર્ષ સુધી લગાતાર જેને ઘૂંટી હોય એવા કેટલા મળે આપણને? કેટલા મળે….?
ભીમસેન જોશીને અનુરાધા પૌંડવાલે પૂછેલું – કે કોઈ ભી દિગ્ગજ સંગીતકાર હોતે હૈ, વે અપને નામ સે નયે રાગ કા સર્જન કરતે હૈ. આપ ને કૌન સે રાગ કા સર્જન કિયા.. એ વખતે ભીમસેન જોશી મહારાષ્ટ્રના દિગ્ગજ સંગીતકાર. એ કહે છે – બેટી ! રાગ કે સર્જન કી બાત ક્યાં કરતી હો તુમ, હમ તો ‘સા’ સે ‘રે’ તક ભી નહિ પહુંચે. એક ‘સા’ ને દશ વર્ષ સુધી ઘૂંટેલો હોય પછી…. અડધી રાત્રે બોલો… માલકૌશ.. ઊંઘમાં હોય, માલકૌશ શરૂ થયી જાય, ઘૂંટાયેલો છે.
તમે કઈ સાધનાને ઘૂંટી છે બોલો… દર્શનની, પૂજાની, સામાયિકની, પ્રતિક્રમણની…. કઈ સાધના પર તમારી માસ્ટરી… કે આ સાધના કરવા હું બેસું ત્યારે તો કોઈ વિચાર હોય જ નહિ, હું સાધનામાં ડૂબી જાઉં. અને એના માટે હું ૧૦ – ૧૦ મિનિટ ની એક સાધના આપું છું. માત્ર ૧૦ મિનિટ. એ જો તમે કરો… તો વિચારો ઉપર તમારું નિયંત્રણ આવે. અને એક સાધનાને તમે ઘૂંટી શકો? કારણ સાધનાને ઘૂંટી કેમ શકતા નથી… વિચારો આવી જાય છે. તમારું મન બીજે ફંટાય જાય છે.
૧૦ મિનિટની સાધના… આંખો બંધ કરવાની, શરીર ટટ્ટાર. એક મિનિટ કે બે મિનિટ માત્ર ‘નમો અરિહંતાણં’ પદનો જાપ કરવાનો. પદ જેટલું નાનું હોય એટલું વધારે સારું. ‘નમો અરિહંતાણં’ અથવા ‘અર્હમ’ આ પદનો જાપ એક કે દોઢ મિનિટ એટલા માટે કે મન એ પદ પર સ્થિર થઇ જાય. એ પદ પર સ્થિર થઇ ગયું પછી પદને છોડી દેવાનું. પછી માત્ર તમે છો. અત્યાર સુધી તમે હોતા જ નહોતા ને… બોલો અત્યારે તમે છો..? તમે અહીં છો? are you here? મનમાં વિચાર ઓફીસના ચાલતા હોય તો… તમે ઓફિસે પહોચી ગયેલા કહેવાઓ. અહીંયા તમારું શરીર હાજર છે. તમે totally હાજર ખરા? આ શબ્દોને પીવાનું થાય? એ શબ્દો પર home work થાય. અને એ home work કર્યા પછી તમે કાલે આવો. ફરી આપણે આગળ વધીએ, તો શું થાય? તો એક work shop ના રૂપમાં આપણે સાધનાને માણી શકીએ. તો એક કે દોઢ મિનિટ પદની અંદર મનને સ્થિર કર્યું. પછીની સાડા આઠ મિનિટ જે છે, એમાં વિચાર નહિ, પદ પણ નહિ. પદ હોય તો શું થાય.. તમારું મન એ પદમાં સ્થિર થઇ જાય. આપણે મનને, ઉપયોગને ભીતર લઇ જવો છે. એકવાર તમારો અનુભવ તમને થાય ને તમે બહાર જવાના નથી. કરવો છે અનુભવ..?
એક મુનિ માટે બહારની દુનિયા છૂટી ગઈ. મહર્ષિ પતંજલિ એ યોગસૂત્રમાં લખ્યું કે જ્યાં સુધી દ્રષ્ટાનું દ્રશ્યોમાં રસ છે ત્યાં સુધી જ દ્રશ્ય જગત છે. પછી દ્રશ્ય જગત જેવું કંઈ છે જ નહિ. તમારા માટે આ બધું છે.
એક સાધક ગુરુ પાસે આવેલો સાધના લેવા માટે… હવે એને ઊંડાણની સાધના લેવી છે – આત્મ વિદ્યા ની, તો ગુરુ એને પૂછે છે, કે તું શહેરમાં થઈને આવ્યો, પૂરા શહેરને વીંધીને તું આવ્યો. શહેરમાં તે શું જોયું. ત્યારે એણે કહ્યું – માટીના પૂતળા માટી માટે દોડતા હતા એ મેં જોયું… બરોબર… હમણાં શું ચાલુ થશે… વ્યાખ્યાન પૂરું થયા પછી… દોટ પણ શેના માટેની? એ શિષ્ય કહે છે માટીના પૂતળા માટી માટે દોડતા હતા એ મેં જોયું. આ તો બરોબર… હવે ગુરુને જાણવું છે કે બીજાઓ માટે તો એની દ્રષ્ટિ બરોબર છે. પોતાની જાત માટે એ શું સમજે છે….. સાધના જગતમાં એક મોટો અવરોધ છે over estimation નો કે તમારી સાધના હોય ત્યાંથી એને બહુ જ આગળ તમે માની બેઠા હોવ. તમારી સાધના કયા પડાવે છે એ સદ્ગુરુ જ નક્કી કરી શકે. તમે નક્કી ન કરી શકો. તો સાધનામાં over estimation ક્યારે પણ ન ચાલે. અને over estimation ન હોય તો જ તમે સદ્ગુરુ પાસે આવો. આંખોમાં આંસુ હોય, ગુરુદેવ આટલા વર્ષોથી સામાયિક કરું છું છતાં ગુસ્સો આવે છે… આટલા વર્ષોથી વિતરાગ પરમાત્માની પૂજા – ભક્તિ કરું છું અને છતાં રાગ મારો સહેજ પણ ઓછો થયો નથી. ગુરુદેવ! હું ક્યાં ચૂકું છું મને બતાવો…
તો ગુરુને જાણવું હતું કે એ પોતે પોતાના માટે શું માને છે. એટલે ગુરુએ પૂછ્યું કે આ રૂમમાં અત્યારે શું થઇ રહ્યું છે? ત્યારે એણે કહ્યું એક માટીનું પૂતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે બેઠું છે. પોતાની જાતને પણ એણે માટીના પૂતળા તરીકે લીધી. મેં હમણાં એક વાચનામાં કહેલું કે માટીના પૂતળા તો ખરા જ… આ માટી જ છે. અને રાખમાં ભળી જશે. માટીના પૂતળા તો ખરા…. પણ એક શિલ્પી માટીનું પૂતળું બનાવે, પણ એમાંથી દુર્ગંધ ન આવે. આ માટીના પૂતળા દુર્ગંધથી ભરેલા પાછા…. અને છતાં આપણને આપણા શરીર ઉપર રાગ થાય, અહંકાર થાય, આપણી પાસે જે કોઈ શક્તિ નથી. એ શક્તિ હોવાનો ભ્રમ કરીને એનો અહંકાર આપણે ઉભો કરીએ. એને સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે જ્યારે જુઓ ત્યારે તમારી ભૂલ તમને પકડાય.
એક વાત કરું છેલ્લે, તમે કેટલાય નું interview અને appointment લીધી હશે. કેટલાયની appointment લીધી હશે તમે… તમે તમારી appointment લીધી છે? તમારી… રાતના ૧૧ વાગે, તમારા બેડરૂમમાં, નિરવ શાંતિમાં તમે તમારી જાતનો appointment લો, અને પૂછો કે આજે બપોરે પેલા ભાઈ જોડે આટલો ગુસ્સો કર્યો, એ ગુસ્સો જરૂરી હતો? એના બદલે પ્રેમથી વાત કરી હોત, તો કદાચ result વધુ સારું આવત. તમે તમારી જાત સાથે એકાંતમાં બેસો. રાત્રે ૨ કામ કરવાના છે. બહુ જ સરળ છે. અને બહુ જ અગત્યના છે. પહેલું તો આ મેં બતાવ્યું તે… introspection. આંતર નિરીક્ષણ. હવે ટી.વી. ના ટચુકડા પડદે આખી દુનિયા ને જોવી નથી. તમારે તમને જોવા છે. તમારે તમારી જોડે વાત કરવી છે. અને જે – જે ભૂલ થયેલી દિવસ દરમ્યાન એનો હિસાબ લેવો છે. અને જો ખ્યાલ આવે કે બપોરે ગુસ્સો કર્યો, એથી result ખરાબ આવ્યું, પ્રેમથી વાત કરેલી હોત તો result સારું જ આવવાનું હતું. આ introspection માં પકડાય તો એક નક્કી થાય કે હવેથી કોઈ વિશિષ્ટ કારણ ન હોય, તો ગરમીથી બોલવું નહિ. શાંત રીતે બોલવું.
બીજું એક કામ ખાસ કરવું છે, એ પણ બહુ જરૂરી છે. મહાનગરોમાં સવારે દોડધામ હોય છે. બહેનોને છોકરાઓને સ્કુલે મોકલવાની દોડ હોય છે, તમારે ઓફિસે જવાની દોડ હોય છે. બડભાગી છો કે આવી દોડની વચ્ચે પણ અહીંયા આવો છો. તો રાત્રે તમે આવો બધા જ ૮ – ૯ – ૯.૩૦ એક સમય નક્કી કરો. એ સમયે કુટુંબનું કોઈ પણ સભ્ય ગેરહાજર ન હોવું જોઈએ. ઘર દેરાસર છે, તો પ્રભુની સ્તવના, ચૈત્યવંદન કરો. એ પછી બેસો. ક્યારેક તમે પ્રવચનમાં આવેલા હોય તો પ્રવચનની વાત કરો. નાનકડા દીકરા – દીકરીઓને પુત્ર -પુત્રીઓને જૈન ધર્મ એટલે શું એની તમે વાત કરો. દીકરીઓના નામ શું પાડો… સુલસા, મયણા…. ક્યાં ને ક્યાંથી નામ લઇ આવે આ લોકો… અમે લોકો વિચાર કરીએ આ નામ આવ્યું કઈ રીતે? સંસ્કૃત ભાષા પ્રમાણે વ્યુત્પત્તિ જ નથી થતી. એ તમે સુલસા કે મયણા નામ રાખેલું હોય એ દીકરી પૂછે કે મમ્મા મારું નામ સુલસા છે… તો સુલસા નામ કેમ પાડ્યું? ત્યારે તમે કહો કે પ્રભુ મહાવીરના સમયમાં એક મહાસતી થયેલી સુલસા… અને એની યાદ તને વારંવાર આવે માટે તારું નામ સુલસા પાડ્યું છે. અને પછી તમે કહી શકો કે પ્રભુ મહાવીરે કોઈને પણ નહિ અને સુલસા ને યાદ કરેલી, સુલસાને ધર્મલાભ પાઠવેલા. અને પ્રભુના ધર્મલાભ મળ્યા, શું હાલત સુલસાની થયેલી.
કોઈ તમારા ગુરુદેવ પાસે ગયેલું હોય, અને ગુરુદેવે યાદ કર્યો હોય, કે ફલાણા ભાઈને ધર્મલાભ કહેજો… પેલો ભાઈ આવીને તમને કહે કે ગુરુદેવે તમને યાદ કરેલા. ત્યારે તમારી હાલત શું થાય…. સુલસાજી કહે છે પ્રભુએ મને યાદ કરી. પ્રભુ જે દિશામાં બિરાજમાન એ દિશામાં ઘૂંટણે પડી જાય, ડૂસકાં જ ડૂસકાં છે ગળામાં…. ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડૂસકાં માંથી ચળાઈને આવતાં શબ્દો હતા. પ્રભુ ક્યાં તું! ક્યાં હું… તું ત્રિલોકેશ્વર! અખિલ બ્રહ્માંડેશ્વર! પૂરા જગતનો માલિક તું, હું તારા ચરણોની એક નાચી દાસી, તું મને યાદ કરે! પ્રભુ! આ મારું કેટલું મોટું સૌભાગ્ય! એક પ્રભુનો ધર્મલાભ શબ્દ મળે. અને સુલસાજી નાચી ઉઠે..
ધર્મક્રિયા તમે કેટલા સમયની કરો છો એની જોડે નિસબત નથી. તમે કેવી રીતે કરો છો. ૫ મિનિટ દર્શન માટે ગયા, પણ આમ ભગવાનને જોઇને ઉછળ્યા છો? મારા ભગવાન… ઘાટકોપરવાળાએ – આ સંઘ વાળાએ મુનિસુવ્રત દાદા અમારે ત્યાં છે એમ નહિ કહેવાનું, મુનિસુવ્રત દાદા નહિ મારા દાદા. ઘરમાં દાદા હોય કોકર્શી દાદા કે બીજા કોઈ દાદા તો તમે શું કહો મારા દાદા, એમ આ દાદા, મારા દાદા છે. પ્રભુ સાથે attach થઇ જાઓ.
ગઈ કાલે પણ કહેલું આ જન્મ એના માટે મળ્યો છે કે પ્રભુનું અવતરણ આપણી ભીતર થાય, જ્યાં સુધી પ્રભુનું અવતરણ આપણી ભીતર ન થાય ત્યાં સુધી આપણે કોરા – કોરા છીએ. આપણું જીવન totally meaning less છે. જે ક્ષણે પ્રભુનું અવતરણ આપણા હૃદયમાં થયું, આપણી આંખોમાં થયું, આપણે ખરેખર બડભાગી બનીએ.
તો તમને બધાને આશીર્વાદ કે આ દિશામાં તમે જાઓ.