વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : धर्मश्चित प्रभव:
ધર્મની ગંગાનું ગંગોત્રી point શું? ચિત્ત. એ ચિત્તને આપણે બદલવું છે; મનને બદલવું છે. સંસારે આપેલું મન તમારી પાસે છે. એના બદલે જો પ્રભુએ આપેલું મન આવશે, તો જ ધર્મની શરૂઆત થશે.
ધર્મ ચિત્તમાં જન્મે છે અને કાયાના સ્તર પર લહેરાતો અનુભવાય છે. પરમાત્માના દર્શન વખતનો આનંદ કોઈના ચહેરા ઉપર જુઓ, ત્યારે લાગે કે ભીતર જે આનંદ છે એ બહાર તરવરી રહ્યો છે.
અત્યારે મનના કેન્દ્રમાં હું છે. હું ને જે બરોબર થાબડે, એ સારા માણસો અને હું ને ખોતરે, એ ખરાબ માણસો. એના બદલે મૈત્રીભાવ લાવવો છે – બધા જ મારા મિત્ર છે. મન બદલાય, ત્યારે જ આ થઈ શકે.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૬
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
આનંદઘનજી ભગવંત પાસે પ્રભુની અનુભૂતિ હતી. અને સ્વની અનુભૂતિ હતી. જેને – જેને આત્માનુભૂતિ મળી એ આત્મસ્થ થઇ જાય. એકવાર આત્મતત્વની અનુભૂતિ થોડાક લાંબા સમયગાળા માટે મળી. તમે ભીતર ખોવાઈ જાઓ.
આપણે પણ અનુભૂતિ પ્રાપ્ત કરીને આત્મસ્થ બનવું છે. ઘણીવાર હું પૂછતો હોઉં છું કે ક્ષમાનો અનુભવ તમારી પાસે નથી. પણ ક્રોધનો અનુભવ તમારી પાસે ખરો? ખરેખર જો ક્રોધનો અનુભવ તમારી પાસે હોય તો ક્રોધ છૂટ્યા વગર રહે નહિ. તમારો દીકરો કે દીકરી હોય, એને તમે કહેશો પ્રેમથી એ અલગ વાત છે. પણ બીજી કોઈ વ્યક્તિ પર તમે ક્રોધ કરશો; એથી શું થશે…! એને તો તકલીફ થાય કે ન થાય; તમને તકલીફ થવાની જ છે. તો ક્ષમાનો અનુભવ નથી. પણ ક્રોધનો પણ અનુભવ નથી.
એ જ રીતે સ્વની અનુભૂતિનો સ્વાદ તમે ચાખ્યો નથી. પણ પરને પણ તમે બરોબર અનુભવ્યું છે? પરને સમ્યક્ રીતે તમે અનુભવ્યું હોય; તો પર પણ છુટી જાય. પછી શું થાય તમને સમજાવું, અત્યારે એક – એક પદાર્થ ઉપર રાગ થયા કરે, આ chair સારી, આ પાટ સારી. આ ફલાણું સારું. પછી ઉપયોગીતા વાદ આવે છે. અમારામાં અને તમારામાં ફરક આ પડે છે. પ્રભુના મુનિ પાસે ઉપયોગીતા વાદ છે. બેસવું છે, પગની તકલીફ છે; પાટ પર બેસી જાઓ. એ પાટનો કલર કયો છે એની જોડે સંબંધ નથી. એ પાટ સારી છે એ વાત પણ નથી. પાટ મારા માટે જરૂરી છે; તો હું વાપરી લઉં છું.
શાસ્ત્રમાં એક સરસ પ્રસંગ આવે છે. સદીઓ પહેલાં પાત્રની અંદર જ ગોચરી લવાતી. હવે એ જમાનામાં અણઘડ લાકડાના પાત્ર રહેતાં. પણ લાકડાના પાત્રમાં પાણી લાવો, પ્રવાહી લાવો; એટલે લીલ – ફૂલ થઇ જાય. એ વિરાધના તો ચાલી શકે નહિ. એના માટે શું કરાતું ‘ગાડાની મોળી’ હોય ને; એ સાધુ યાચી લાવતાં. હવેની પેઢીને તો ખબર એ નહિ પડે, ગાડું શું હોય…? ગાડાના પૈડા ને oiling માટે જે દ્રવ્ય વપરાય એ પછી નકામું થઇ જાય એને ‘મોળી’ કહેવાય. એમાં પણ તૈલીય અંશો હોય છે. તો એ સાધુ યાચી લાવે. અને પાત્રા ઉપર એનો લેપ કરી લે. એ લેપને કારણે પાણી અંદર ન જાય; એટલે વિરાધના ન થાય. પણ થોડો સમય થાય એટલે એમાં તિરાડો પડે. તિરાડો પડે એટલે પાણી પાછું અંદર જાય. પાછી વિરાધના. એ વખતે આખો લેપ ફરીથી ઉખાડી નાંખવો પડે. અને નવેસરથી ફરી લેપ આપવો પડે.
કેવી જાગૃતિ અમારે ત્યાં હતી. એક મુનિરાજને લાગે છે કે મારા પાત્રમાં એક – બે તિરાડો પડી ગઈ છે. પાણી અંદર જાય એમ છે. વિરાધના થાય એમ છે. તો આ મોળી કાઢી નવી મોળી લગાવી દઉં. પણ એના માટે એ ગુરુ પાસે જાય છે. પાત્ર લઈને… ગુરુદેવને પાત્ર બતાવે છે. કે સાહેબ આ પાત્ર, આમાં ફરીથી લેપ આપું કે ન આપું? ગુરુ કહે કે હા, ફરીથી લેપ આપવાની જરૂર છે. તો લેપ આપે. જાગૃતિ એ હતી – કે સહેજ પણ મારું પાત્રું સારું લાગે એના માટે હું લેપ ન આપું. અણઘડ લાકડાનું પાત્ર એના ઉપર ગાડાની મોળી લગાડેલી છે. છતાં એમાં પણ રાગ ન થઇ જાય. એની જાગૃતિ હતી. તો અમારી પાસે ઉપયોગીતા વાદ છે. પગની તકલીફ છે; પાટ પર બેસો. ગામડામાં પાટ ન મળે; ખુરશી મળી ખુરશી પર બેસો. ઉપયોગીતા વાદ. જે કાંઈ મળે એનાથી ચલાવી લેવું. સારામાં સારું જોઈએ એમ નહિ. જે પણ મળે એનાથી ચલાવી લઉં. અને સાધુને માટે તો મહત્વની વાત એ હોય, કે નિર્દોષ જે મળે તે સ્વીકારવું છે.
તો મારો પ્રશ્ન એ હતો – કે આત્માનુભુતિમાં કેવો આનંદ આવે એ તો પછી ખ્યાલ આવશે. કેમ આ ચોમાસામાં નક્કી ને..? ચોમાસું પૂરું થાય એ પહેલાં આત્માનુભુતિનો આનંદ તો માણવાનો છે ને…? પણ એ પહેલા પરની અનુભૂતિ થઇ છે? પરનો થાક લાગ્યો છે? રાગનો થાક લાગે, દ્વેષનો થાક લાગે.
Russian લેખક Gorbachev અમેરિકાની મુલાકાતે આવેલો. Gorbachev નું બહુ મોટું નામ હતું. અમેરીકન અધિકારીઓ પૂરું અમેરિકા Gorbachev ને બતાવે છે. એક મોટો mall હતો, જેમાં લાખો ચીજો મળતી. Gorbachev ને એ બતાવવામાં આવ્યું. Mall માંથી બહાર નીકળ્યા, અધિકારીએ પૂછ્યું – sir mall જોઇને તમારી feeling શું થઇ? તો Gorbachev કહે છે મને બહુ આનંદ આવ્યો. Mall જોઇને મને આનંદ આવ્યો. એટલે અધિકારી તો ખુશ ખુશ થઇ ગયો. પણ એને આગળ પૂછ્યું – સાહેબ શેનો આનંદ આવ્યો? ત્યારે Gorbachev એ કહ્યું – મારા દેશમાં આ પૈકીની લગભગ કોઈ વસ્તુઓ નથી. અને અમે લોકો આરામથી જીવીએ છીએ. એનો આનંદ આવ્યો. મારા દેશ રશિયામાં આવી ભોગ – વિલાસની સામગ્રી એક પણ નથી. અને છતાં અમે મજાથી આનંદથી જીવીએ છીએ. એનો મને આનંદ આવ્યો.
તો પરથી શું સુખ મળે? આપણે પહેલા વિચારેલું કે તમે ભૂખ્યા છો, જમવા માટે બેઠા; ગરમા – ગરમ રોટલી શાક આવ્યા; સુખની અનુભૂતિ એ વખતે તમને થાય છે. થાય છે ને… સુખની અનુભૂતિ કેમ થઇ…? આ રોટલી અને શાક હું ખાઈ રહ્યો છું એનાથી મને સારું લાગે છે. એટલે તમને સુખ આપનાર કોણ? રોટલી અને શાક. બરોબર. તો ચાર રોટલી ખાધી, પાંચ રોટલી ખાધી. તમે કહો છો કે બસ. પછી કોઈ છટ્ઠી રોટલી આપે, સાતમી આપે, આઠમી આપે, એ રોટલી તમને કેવી લાગે…. કેવી લાગે ભાઈ… ચાર રોટલી સુધી કે પાંચ રોટલી સુધી એ જ રોટલી દ્વારા તમને સુખની અનુભૂતિ થતી હતી. તો છટ્ઠી રોટલીમાં તકલીફ શું પડી તમને? પાંચ રોટલી ખાઓ ને આનંદ મળે. તો દશ રોટલી ખાઓ તો એનાથી ડબલ આનંદ મળે.
એક નાનકડા બાબાને માથું દુખતું હતું. મમ્મા એ એને Saridon ની ટેબલેટ આપી. એક ટેબલેટ લીધી; એકદમ માથું હળવું ફૂલ… હકીકતમાં છે ને માથાની પીડા જતી નથી. પણ એ પીડાને વહી આવનાર જે nervous system છે, એ nervous system ને નિષ્ક્રિય બનાવી દેવામાં આવે છે. અત્યારે એક દર્દ થયું છે કે જેમાં તમને કોઈ પણ સ્પર્શની અનુભૂતિ ન થાય. તો એ દર્દ ભયંકરમાં ભયંકર છે. નાનું બાળક હોય, અને આગ કદાચ આવી જાય એના હાથ પાસે, એનો હાથ- એની આંગળીઓ બળવા લાગે તો પણ એ બાળકને ખબર પડતી નથી. કારણ કે એ જે nervous system હતી. એ નિષ્ક્રિય થઇ ગયેલી છે. તો પેલા બાબાને થયું, કે એક ટીકડી મેં લીધી અને આટલું બધું સુખ મળ્યું તો દશ ટીકડી ભેગી લઉં તો કેટલું બધું સુખ મળે. ત્યાં તમને ખબર છે કે દશ ટીકડી ન લેવાય. અને એક ટીકડીથી પણ દુખાવો ઉતર્યો નથી. સુખ મળ્યું નથી. nervous system નિષ્ક્રિય બની જાય. તો અહીંયા તમારું સમીકરણ કેમ બદલાઈ જાય છે. ત્યાં tablet થી સુખ ન મળે. સુખ મળે…? તો રોટલીથી સુખ શી રીતે મળે….? હકીકતમાં ભૂખની જે પીડા હતી એ પીડા સમી એટલે તમને સુખનો ભ્રમ થયો.
એટલે ઉપાધ્યાય યશોવિજય મહારાજે બે શબ્દો, શબ્દમાં આપ્યા. એક શબ્દ, અશબ્દમાં આપ્યો. અને એ રીતે ૩ ચરણો આપ્યા. સુખાભાસ, સુખ, અને આનંદ. તમારી ઇન્દ્રિયો અને તમારું મન પર પદાર્થોનો ભોગ કરે, એટલે તમે જે સુખની અનુભૂતિ ને માનો છો. એ સુખની અનુભૂતિને જ્ઞાની પુરુષોએ સુખાભાસ કહ્યું. સુખનો આભાસ. તો સુખ ક્યારે મળે. “મુખ દીઠે સુખ ઉપજે” ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય; ત્યારે સુખ નામની સંઘટના નો જન્મ થાય. અને આનંદ ક્યારે… જ્યારે તમે ઇન્દ્રિયો અને મનની પણ પેલે પાર જાઓ. અને તમારા પોતાના આત્મતત્વ દ્વારા તમે પ્રભુની વિતરાગદશા વગેરેનો અનુભવ કરો; ત્યારે આનંદ નામની સંઘટના નો જન્મ થાય છે. તો મારે તમને સુખાભાસમાંથી આનંદમાં મુકવા છે. મારી ઈચ્છા છે, તમારી ઈચ્છા ખરી?
તો સુખાભાસ ગમી ગયો છે બોલો… તમે જ્યાં છો ત્યાં સંતુષ્ટ છો કે અસંતુષ્ટ? બોલો .. ભૌતિક જગતમાં તમે સંતુષ્ટ નથી. હજુ વધારે જોઈએ છે… હજુ વધારે સંપત્તિ જોઈએ છે.. આધ્યાત્મિક જગતમાં તમે સંતુષ્ટ બની ગયા! આપણે તો આયંબિલ – એકાસણા કરીએ. આજે પાંચમ છે આજે અટ્ઠમ કરીશું. વ્યાખ્યાન સાંભળીશું. પ્રતિક્રમણ કરીશું. સંતુષ્ટ થઇ ગયા?! અરે! પહેલી દ્રષ્ટિ મળી નથી! સંતુષ્ટ ક્યાંથી થવાય? પહેલું પગથિયું નથી મળ્યું સાધનાનું; આપણે સંતુષ્ટ કઈ રીતે થઇ શકીએ…?
હરીભદ્રસૂરિ મ.સા. મનોવૈજ્ઞાનિક આયામના આચાર્ય છે. એમણે એક બહુ સરસ વાત કરી, “ધર્મશ્ચીત્ત પ્રભવ:” ધર્મની ગંગાની ઉત્પત્તિ સ્થાન ગંગોત્રી point કયું? ચિત્ત. ધર્મ ચિત્તમાં જન્મે છે અને કાયાના સ્તર પર લહેરાતો તમને અનુભવાય છે. કોઈના ચહેરા પર આનંદ જુઓ; પરમાત્માના દર્શન વખતે, ત્યારે લાગે કે ભીતર જે આનંદ છે, એ બહાર તરવરી રહ્યો છે. તો ધર્મની ગંગાનું ગંગોત્રી point શું? ચિત્ત. કાયાના સ્તર પર તો પછી લહેરાય છે ખાલી. તમારી પાસે જે પણ સાધના છે એ ચિત્તના સ્તરની છે? એક સાધના પહેલી કરો કે જે ચિત્તના સ્તરની હોય. સામાયિક કરવા માટે બેઠા તો પૂરું ચિત્ત સમભાવથી યુક્ત બની જવું જોઈએ. અને એ સમભાવ એક સામયિકમાં એટલો બધો ભરાય જાય, કે સામાયિક પાર્યું, ગમે તેવું નિમિત્ત મળ્યું અને છતાં ગુસ્સો આવે નહિ. સમભાવનો અનુભવ હતો.
તો તમારી પાસે કઈ સાધના એવી છે, જે ચિત્તમાં જન્મેલી હોય? પ્રતિક્રમણ કર્યું; પાપોનો તિરસ્કાર કેટલો? પર – પરિવાદ; એ ૧૮ પાપ સ્થાનક પૈકીનું એક પાપ સ્થાનક. પર – પરિવાદ એટલે નિંદા. તમે બોલો સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોધ્યું હોય. એનું મિચ્છામિ દુક્કડમ્.
આજે એક જ પાપ સ્થાનક ની વાત કરું, નિંદા કરવી નહિ. નિંદા કરાવવી નહિ. કરાવવી નહિ એટલે કોઈ કરતો હોય એને પ્રોત્સાહન આપો હા બરોબર, હા બરોબર… મેં પણ આવું જોયેલું છે કહે છે અને કોઈ કરે છે એને સારું માનવું નહિ. આ ભૂમિકામાં આજે તમે આવી શકો એમ છો. Now and hear. સૌથી પહેલા તો નિયમ એ જોઈએ કે પંચ મહાવ્રતધારી કોઈ પણ મહાત્માની નિંદા કોઈ સંયોગોમાં હું નહિ કરું. કદાચ કોઈ મહાત્માનું આચરણ બરાબર ન લાગે, તો તમે એને ખાનગીમાં સમજાવી શકો… કે સાહેબ આ ચાલે નહિ. પણ જાહેરની અંદર તો તમે નિંદા કરી શકો જ નહિ.
શ્રીપાલ રાસની એક મજાની ઘટના આવે છે. લગ્ન પછીની સવારે શ્રીપાળ ને લઈને મયણા દેરાસરે જાય છે. એ વખતે અદાણી લોકો કહેતાં હોય છે. જોયું આ ધર્મનું ઢીંગલુ ધર્મ, ધર્મ ધર્મ ધર્મ કરતી રહી, એના બાપે કોઢીયો વર લટકાળી દીધો. મયણા સુંદરી સાંભળે છે. દર્શન કર્યા, ગુરુદેવ પાસે ગઈ. ગુરુદેવને વંદન કરતાં રડી પડી. જે મયણા ચોરીમાં શ્રીપાલનો હાથ પકડીને બેઠેલી અને આનંદ એના ચહેરા ઉપર હતો. એ મયણા ગુરુદેવ પાસે અત્યારે રડે છે. શું કહે છે, “પણ જિનશાસન હેલના, સાલે લોક અબૂઝ,” ગુરુદેવ મયણાને કોઈ કૂળ – કલંકીની કહે મયણા ને વાંધો નથી. મયણા ને ખરાબ કહે કોઈ વાંધો નથી. પણ મારા નિમિત્તે, મારા પ્રભુના શાસનની નિંદા થાય; એ કોઈ સંયોગોમાં હું સહન ન કરી શકું. આવી મયણા સુંદરીઓ જોઈએ છે.
જિનશાસનની નિંદા… મારા નિમિત્તે થાય? હરગીજ ન થાય… હું જિનશાસન ના કોઈ પણ અંગની નિંદા કરું નહિ. અને મારા નિમિત્તે જિનશાસન ના કોઈ પણ અંગોની નિંદા થાય એવું કરાવું નહિ. તો આપણી વાત એ હતી. કે સ્વની અનુભૂતિ નથી થઇ. પરની છે તમારી પાસે બોલો? આ એક કલાક નિંદા કદાચ કોઈની કરો, એથી શું થાય..? મળે શું? પાપ બંધાય એ તો તમને ખ્યાલ છે. બીજું શું મળે?
ગુર્જિયેફની એક સરસ ઘટના છે. આજના યુગના એ યોગાચાર્ય હતા. એક મિત્રે કહ્યું – કે Mr. Y તમારી બહુ જ નિંદા કરતા હતા. તો ગુર્જિયેફ હસતા હસતાં કહે છે. Mr. Y કેવી નિંદા કરતા હશે, મને ખબર નથી. પણ મારી ટીકા, મારી નિંદા એકદમ લિજ્જત થી સાંભળવી હોય, તો Mr. X પાસે જાઓ. તમારી તબિયત ખુશ થઇ જશે કહે છે. પછી ગુર્જિયેફ કહે છે એકવાર હું coffee house ગયેલો. ત્યાં અંધારામાં બેઠેલો. ખાલી ચિંતન કરતો. અને ત્યાં Mr. X અને તેમના મિત્રો આવ્યા. અને Mr. X એ મારી છોલવાની શરૂઆત કરી. દોઢ કલાક non – stop એમને મારી નિંદા કરી. પણ મજા આવી ગઈ. મજા આવી ગઈ! શું એની અભિવ્યક્તિ! શું એની બોલવાની આખી જે છે ને નવી જ રીત – ભાત! હું તો ખરેખર ખુશ થઇ ગયો કહે છે. એટલે તમારે પણ મારી નિંદા સાંભળવી હોય તો Mr. X પાસે જવાનું. તમે આવું કહો ખરા..? અને એક philosopher ને કહેવામાં આવ્યું, કે ફલાણો તમારી નિંદા કરતો હતો, તમે તો હતા નહિ, ગેરહાજર હતા. અને તમારી નિંદા કરતો હતો. એટલે philosopher શું કહે, મારી ગેરહાજરીમાં મને મારી નાંખે તો યે શું ફરક પડે છે..? મારી ગેરહાજરીમાં મારી નિંદા કરતો હતો. પણ મારી ગેરહાજરીમાં મને મારી નાંખે તો યે શું ફરક પડે છે… એટલે એકદમ lightly જોવાનું છે. તમારી કોઈ નિંદા કરે, તો એને એકદમ lightly – હળવાશથી જુઓ.
બુદ્ધ એકવાત બહુ સરસ કહેતાં – એ કહેતાં કે જીવન એક પરપોટો છે. અને ઘટનાઓ પરપોટાના પણ પરપોટા છે. હવે એ પરપોટા ઉપર કેટલું ધ્યાન આપશો? એ પરપોટા થયા જ કરવાના છે…. અહીંયા થયો, અહીંયા થયો, અહિયાં થયો… કેટલા પરપોટા ઉપર ધ્યાન આપશો તમે… જીવન જ પરપોટો છે. ક્યારેક વિલીન થશે ખબર નહિ પડે. તો ઘટનાઓ તો પરપોટાના પણ પરપોટા છે. જરૂર આના તરફ નજર જાય છે, પણ કેમ જાય છે? લક્ષ્ય નથી માટે..
તમે આ જીવનમાં શા માટે આવ્યા છો..? અથવા પરમચેતના તમને આ જન્મમાં શા માટે લાવી છે? એનો તમને ખ્યાલ છે? શા માટે અહીંયા આવ્યા છો? મનુષ્ય જન્મમાં આવ્યા, પ્રભુનું શાસન મળ્યું, શા માટે મળ્યું? એક મજૂર છે અનપઢ… પ્રભુ શાસનનો એને ખ્યાલ પણ નથી. એને કોઈ કહે તે કામ બહુ સરસ કર્યું, thanks to you. ત્યારે એ ખુશ થશે. એને કોઈ ગાળ આપશે તો એ નારાજ થશે. તમે આટલા ઉંચે આવેલા. પ્રભુ શાસનમાં આવેલા. તમને પણ કોઈ કહે તમે બહુ સરસ છો. તમે રાજી રાજી થઇ જાઓ. કોઈ કહે કે તમારામાં આમ બધું ઠીક પણ આ બરોબર નથી એટલે ફુગ્ગામાં ટાંકણી ખુંચાઈ. કેમ?
તમારું સુખ સ્વાધીન કે પરાધીન બોલો…? આજે આપણે પર ઉપર જ જવું છે કે તમારું સુખ સ્વાધીન કે પરાધીન…? બધા કહે કે તમે સારા એટલે તમે સારા. કેમ? તમે સારા છો. એનું લક્ષણ શું? બધા મને સારો કહે માટે હું સારો. એટલે શું થયું… તમારું સુખ પરાધીન થઇ ગયું. તમારું સુખ તમારા હાથમાં ન રહ્યું. અમે લોકો જઈએ આ uniform પહેરીને કોઈને ખરાબ પણ લાગે… લાગે તો લાગે. એ એના તરફ ખુલતી વાત છે. મને તો મારા પ્રભુએ આપ્યો છે એ પહેરું છું. મારે દુનિયાનું certificate જોઈતુંપણ નથી. મારું સુખ સ્વાધીન સુખ છે.
Public meeting ના સ્થાનો હોય hall વિગેરે… એમાં switch box ઉપર ઢાંકણ હોય અને એને lock કરવામાં આવે. એ જરૂરી હોય છે. કારણ; એક hall ભાડે આપ્યો, એક દિવસ માટે, meeting માં ૪ જ ખુરશીની હાર ભરાઈ. પાછળની હાર ખાલી છે. તો એટલા જ પંખા જે છે એ વોચમેન શરૂ કરશે. Light પણ જોઈએ એટલી જ બાળશે. પણ જો switch box ઉપર ઢાંકણ ન હોય એટલે કે lock ન હોય, તો નાના છોકરાઓ આવેલા હોય તો ખોટે ખોટી switch on કર્યા કરે. અને સંસ્થાએ electricity નું bill ભરવું પડે.
તમારું જે switch box છે. એના ઉપર ઢાંકણ ખરું આમ? Lock ખરું? જેને પણ on કરવું એ on કરી શકે. જેને off કરવું હોય એ off કરી શકે. કોઈને કામ જ કઢાવવું હોય તમારી પાસે, ઓહો.. શું તમે તો બહુ સરસ… શું તમારી વાત સાંભળી છે આમ… એક -એક અલબે લાખ, ૨ લાખ, ૫ લાખ તમે આપી દો… અને આ બોલે એટલે શું થાય? switch on થાય. એટલે તમારી switches બીજાના હાથમાં. અને પાછું પેલો તો કહી દે તમે તો દાનવીર છો. જગડૂશા જેવા.
આજે તો આ પરંપરા ચાલી છે. કોઈને કુમારપાળ ની કોઈને જગડૂશા ની… પદવી આપો. અરે ભાઈ પણ તમે કઈ રીતે પદવી આપો… ક્યાં જગડૂશા અને ક્યાં તમે… તમારી સંસ્થાને દાન મળ્યું, એટલે તમે આ કરી શકો નહિ. કુમારપાળ, કુમારપાળ હતા. તમે કોઈ કુમારપાળ થઇ શકો નહિ. કુમારપાળને હેમચંદ્રાચાર્ય એ પરમઆર્હત નું બિરૂદ આપેલું. આર્હત એટલે ભગવાનનું, અને પરમ આર્હત એટલે માત્ર ભગવાનનું. તમે માત્ર ભગવાન ના છો…. તો કુમારપાળ કઈ રીતે બનો? એટલે આ પરંપરા અટકવી જોઈએ. કોઈ કુમારપાળ નહિ. કોઈ જગડૂશા નહિ. દાન તમે આપ્યું, તો એનો સત્કાર કરી લીધો. વાત પૂરી થઇ ગઈ. અને એમાં પણ વગર તકતીનું દાન હોય, તો તમને વધારે આનંદ આવે, કેમ બરોબર ને..? તકતી વાળા દાનમાં આનંદ આવે કે તકતી વગરના દાનમાં? સાચું બોલજો… આજે મારી જાણમાં મારા ભક્તો એટલા બધા છે કે જેમણે કરોડ, ૨ કરોડ, ૫ કરોડ વગર નામે ખર્ચવા છે. કોઈ પણ સંસ્થા સારી હોય આપી દઉં. નામ? નામ નહિ…
તો switches તમારા હાથમાં કે બીજાના હાથમાં… એટલે તમારું સુખ પરાધીન થઇ ગયું. તો ખરેખર તમે સુખી ક્યાં છો એ તો મને બતાવો… અમે તો સુખી છીએ જ. કારણ કે અમે આત્માનુભૂતિ યુક્ત છીએ. તમને અમારા સુખની ઈર્ષ્યા આવે છે? સાચું બોલો તો… મુકેશ અંબાણી ની ઈર્ષ્યા આવે કે મુનિરાજ ની ઈર્ષ્યા આવે? બોલો ..હમણાં એના દીકરાનું pre – wedding, wedding બધું ચાલતું હતું, ઘણા લોકો કહે કે સાહેબ જુઓ તો ખરા, pre – wedding માં આટલો ખર્ચો. કરોડો રૂપિયા, અબજો રૂપિયા. શું છે પૈસા છે તો દેખાડો કરે… પણ તમને શું ગમે? સંપત્તિ વાળો સુખી કે ત્યાગી હોય તે સુખી. સુખી કોણ…
એક રાજા એક સદ્ગુરુ પાસે આવેલા, સદ્ગુરુને વંદન કર્યું પછી એણે કહ્યું સાહેબ બહુ દુઃખી છું. રાજા કહે છે બહુ દુઃખી છું. કંઇક રસ્તો આપો. સંત કહે તને શું તકલીફ છે? તો કહે કે સાહેબ જુઓ તો ખરા મારું રાજ્ય આટલું નાનકડું, બાજુવાળાનું આટલું મોટું. પેલાનું આટલું મોટું. આનું આટલું મોટું. અને મારું ખાબોચિયા જેટલું જ રાજ્ય. હું તો રાત – દિવસ હેરાન થઇ જાઉં છું. સદ્ગુરુ ખ્યાલ છે સુખી ક્યારે થવાય, બધું છોડી દે તો… પણ સમજ્યા કે આને અત્યારે ત્યાગની વાત કહીશું તો કપડા ખંખેરીને ઉભો થઇ જશે. ગુરુ પણ મનોવૈજ્ઞાનિક આયામના આચાર્ય હોય ને…. તમે પકડી તો રાખવા ને… છટકી જાવ તો પાછા… આમેય પર્યુષણ પછી છટકી જવાના છો ને..? ત્યાં સુધી તો પકડી રાખીએ…
તો ગુરુએ કહ્યું કે તારું રાજ્ય કેટલું જરા આમ બતાવ મને કાગળમાં દોરીને… પેલાએ બતાવ્યું. ઠીક છે… પૂર્વ પશ્ચિમ માં તો ઠીક છે, પણ ઉત્તર દક્ષિણ આટલું નાનું… આટલું નાનું ચાલે નહિ. પહેલા દક્ષિણ તરફનું રાજ્ય જે છે એના થોડા ગામડા પડાવ. પછી ઉત્તર બાજુના…. પેલાને લાગ્યું વાત બરોબર છે. સેનાપતિને કહ્યું તૈયારી કરો. પહેલા રાજ્ય ઉપર હુમલો કર્યો. પહેલા રાજ્યની રાજધાની બહુ દૂર હતી. ત્યાંથી સૈન્ય આવતાં વાર થઇ ત્યાં સુધીમાં એણે ૫૦ એક ગામોનો કબજો કરી લીધો. હવે રાજ્ય થોડું વધ્યું એનું.. ઉત્તર બાજુ જે રાજા હતો એ સાવ નબળો હતો. એની પાસે સૈન્ય પણ એટલું નહોતું. એટલે એનું પણ અડધું – પડધુ રાજ્ય પડાવી લીધું. રાજ્ય થઇ ગયું મોટું. બોલો હવે સુખી બની ગયો ને આમ… સુખી બની ગયો ને… તકલીફ ઘણી થઇ કારણ કે આને ત્યાં કરવેરા ઘણા હતા. પેલા લોકો જ્યાં આ રાજ્યમાં દાખલ થયા. એ તો હેરાન થઇ ગયા. કે આટલા કરવેરા હોય… એ લોકો બળવો પોકારે… કે અહીં લશ્કર મોકલે ને અહી બળવો. અહીં ઠારે તો અહીં સળગે.
રાજા સદ્ગુરુ પાસે પાછો આવ્યો. સદ્ગુરુ કહે કેમ હવે તને શું વાંધો છે? સાહેબ હેરાનગતિનો તો કોઈ પાર નથી કહે છે… ગુરુએ રાજાના ચહેરા સામે જોયું – કે ઠેકાણે આયો કે નથી આયો. ઠેકાણે આયો નથી. અચ્છા, અચ્છા કેટલું વધ્યું… ઉત્તરમાં તો તે ઘણું વધારી નાંખ્યું, દક્ષિણમાં થોડું ઓછું વધ્યું છે. દક્ષિણમાં થોડો હુમલો કર. એ રાજા પણ નબળો છે તને મળી જશે. એ બાજુ હુમલો કર્યો. થોડું રાજ્ય મોટું કર્યું. સુખ વધ્યું ને પછી…
ફરી આવ્યો, બાપજી હેરાન – પરેશાન છું, અરે પણ હવે શું પણ….. એટલું રાજ્ય તારું વધી ગયું, મોટું થઇ ગયું. હવે રાજાને ખબર પડી એ કહે કે સાહેબ એના કરતા પહેલા સુખી હતો. પહેલી વાર રાજ્ય વધાર્યું ત્યારે વધારે દુઃખી થયો. હવે બીજી વાર વધાર્યું ત્યારે ઓર દુઃખી થયો. ગુરુ કહે હવે આ ઠેકાણે આયો. એ કહે કંઈક સમજ્યો તું… જેમ રાજ્ય વધે એમ દુઃખ વધે. રાજ્ય છોડી મારી પાસે આવી જા ઝુંપડીમાં… સુખી જ સુખી. તમે તો કેટલા બડભાગી છો. કે ગળથુથીમાંથી સંસ્કાર મળ્યા છે. કે ત્યાગમાં જ સુખ હોય. ભોગમાં સુખ હોય જ નહિ.
મેં એક ગામડામાં એવા એક ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીને જોયેલા, ચાર દીકરા એમને, ઘરમાં જ દેરાસર, સાધર્મિકોની ભક્તિ એટલી ઘરમાં, સદ્ગુરુઓની ભક્તિ એટલી, વિહારનું ક્ષેત્ર, રોજ મ.સા નું આગમન હોય, ચાર દીકરા જે દિવસે ધંધા માટે તૈયાર થઇ ગયા. એ જ દિવસે શેઠે ચારેય દીકરાઓને, દીકરાઓની વહુઓને, પોતાની પત્નીને ભેગા કર્યા. અને કહ્યું કે અમારી તબિયત બરોબર નથી. એટલે દીક્ષા લઇ શકતા નથી અમે… પણ અમારે આ જ ઘરમાં સંન્યાસી તરીકે જીવવું છે. એટલે એક bed room જે અમે વાપરીએ છીએ. એ bed room અને એની જોડે connected દેરાસર છે. એટલું જ અમારે વાપરવાનું, એ સિવાય તમારા બંગલાનો એક પણ room અમારે વાપરવાનો નહિ. બે ટાઇમ અમારા માટે ભોજન, એક ટાઇમ ચા – નાસ્તો અમને પહોચાડી દેજો. દીકરાઓને કહ્યું, કે તમે બહુ જ વિનીત છો. કદાચ રોજ સવારે અમારા બેઉ ના ચરણ સ્પર્શ માટે આવશો તમે… રાત્રે પણ ચરણ સ્પર્શ માટે આવશો. પણ એક વાત કહી દઉં, તમારા ધંધામાં શું નફો થયો… કેટલું વધ્યું, કેટલું ઘટ્યું એની વાત તમારે ક્યારે મને કહેવાની નહિ. અમે મનથી આ બધું જ છોડી દઈએ છીએ. હવે અમે બે પ્રભુની ભક્તિ કરીશું, સ્વાધ્યાય કરીશું, સામાયિક કરીશું, પ્રતિક્રમણ કરીશું. તમારા ઘર સાથે હવે અમારે કોઈ નિસ્બત નથી. જ્યારે ધર્મ ચિત્તમાં દાખલ થાય; ત્યારે જ આ વાત પાલવી શકે.
એટલે હરીભદ્રસૂરિ મ.સા. એ કહ્યું “ધર્મશ્ચીત્ત પ્રભવ:” ધર્મની ગંગાનું ગંગોત્રી point શું? ચિત્ત. તો ચિત્તને બદલવું છે. મનને બદલવું છે. અમારી સાધુ – સાધ્વીજીઓની વાચનામાં પણ હું એક વાત ઉપર બહુ જ ભાર મુકું છું. કે પ્રભુનો પ્યારો વેશ તમને મળ્યો. પણ પ્રભુનું આપેલું પ્યારું મન તમારી પાસે છે…? મન જો તમારી પાસે એ જ છે જે સંસારમાં હતું એ જ. તો માત્ર કપડા બદલવાથી મોક્ષ થવાનો નથી. મન બદલવું પડશે. જે મનમાં; રાગ અને દ્વેષ હતા – અમુક માણસો સારા, અમુક ખરાબ; ત્યાં મૈત્રી ભાવ આવી જશે. બધા ની જોડે મિત્રતા નો ભાવ. બધાજ મારા મિત્ર છે; આ મન બદલાય ત્યારે થાય. નહીતર અનાદિકાળથી સંજ્ઞા વાસિત મન તમારી પાસે છે; અને એની પાસે સીધું ગણિત છે, હું કેન્દ્રમાં છું. તમારા મનનું ગણિત શું છે? કે હું કેન્દ્રમાં છું. મારા હું ને જે બરોબર થાબડે એ સારા માણસો, મારા હું ને ખોતરે એ ખરાબ માણસો. તો અનંતા જન્મોથી આ વાત ચાલી આવી છે. એ તમારી પ્રશંસા કરે; એ તમને સારા લાગે. તમારી નિંદા કરે; એ તમને ખરાબ લાગે. પણ આ મન; પ્રભુએ આપેલું મન નથી.
સંસારે આપેલું મન તમારી પાસે છે. પ્રભુએ આપેલું મન જોઈએ છે હવે…? અને એ પ્રભુએ આપેલું મન આવશે તો જ ધર્મની શરૂઆત થશે. જેમ દા.ત. ધ્યાનમાં કોઈ જાય.. હવે અધૂરો માણસ શું સમજે..? કે આંખો બંધ કરવી. શરીર ટટ્ટાર રાખવું. એ ધ્યાન. ભાઈ એ ધ્યાન નથી. એ તો ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. શ્વાસ બરોબર લેવા; એ પ્રાણાયામ માં આવશે. સ્થિર આસને બેસવું; એ આસનમાં આવશે. છેલ્લે પ્રત્યાહાર કરવા. પ્રત્યાહાર કરવા એટલે; મન અને ઇન્દ્રિયો બહાર જઈ રહી છે, એને રોકવી- આ પ્રત્યાહાર. અને એ પ્રત્યાહાર પછી ધારણા, ધ્યાન અને સમાધિ. આ ૩ આવે એટલે અષ્ટાંગયોગ થાય. મહર્ષિ પતંજલિ એ અષ્ટાંગયોગ આપણને આપ્યો. અને એ અષ્ટાંગ યોગને હરીભદ્રસૂરિ મહારાજે યોગદ્રષ્ટિ સમુચ્ચય માં લઇ લીધું. તો ધ્યાન એટલે શું? આત્માની અનુભૂતિ… આંખો બંધ કરીને બેસવું; એ ધ્યાન નથી.
એમ ધર્મ એટલે શું? ચિત્તની વિશુદ્ધિ. તમારું મન કેટલું વિશુદ્ધ બન્યું? રાગ અને દ્વેષ શિથિલ થયા…? અહંકાર શિથિલ થયો? આ અનુપ્રેક્ષણ આપણે કરવું છે. અને એ અનુપ્રેક્ષણ કર્યા પછી આપણે અનુભૂતિ તરફ જઈ શકીશું.
આજે નેમિનાથ પ્રભુનું જન્મ કલ્યાણક. સિદ્ધિતપ તો ચાલી રહ્યા છે સરસ રીતે… આજથી અટ્ઠમ તપ પણ શરૂ થાય છે. જેણે નવકારશી ન પાળી હોય, અને વિચાર થઇ જાય કે અટ્ઠમમાં ઝુકાવીએ… અને પછી છે ને માસક્ષમણ, આમ બહુ મોટું નામ રાખ્યું માસક્ષમણ.. એ બહુ ભારે પડે. આપણે તો ખાલી એક અટ્ઠમ થાય, પછી ૯ અટ્ઠમ કરવાના. બસ વધારે નહિ. પહેલા ૧ અટ્ઠમ, પછી ૯ અટ્ઠમ. બસ..
તો પર્વો જે છે એ પણ આપણને બહુ મજાની અનુપ્રેક્ષાની સામગ્રી પૂરી પાડે છે. નેમિનાથ ભગવાનનો જન્મ થયો. પણ એ મારા ચિત્તમાં જન્મ થયો કે નહિ… મારે પ્રભુનું અવતરણ મારા ચિત્તમાં, મારા હ્રદયમાં કરવો છે. જન્મ કલ્યાણક નો સંદેશ આ જ છે… કે પ્રભુનું જન્મ, પ્રભુનું અવતરણ મારા હૃદયમાં થાય.
તો મન બદલવું છે ને…આપણે classes રાખીશું એના વિશે. મન બદલવું અઘરું છે જ નહિ. તમારી તીવ્ર ઝંખના થાય પછી બહુ અઘરું નથી કેમ… પ્રભુની કૃપાનું અવતરણ છે, અમારો આશીર્વાદ છે.
તો કોઈ પણ સાધનાને સિદ્ધિમાં પલટવી હોય તો ૩ તત્વો જોઈએ; પ્રભુની કૃપા, સદ્ગુરુના આશીર્વાદ, અને સાધકની તીવ્ર ઝંખના.
બે તો તૈયાર છે. પ્રભુની કૃપાનું અવતરણ ચાલુ છે. અમારો આશીર્વાદ પણ ચાલુ છે.
તમારી તીવ્ર ઝંખના થાય તો માસક્ષમણ પણ થઇ જાય…
અટ્ઠમ પણ થઇ જાય ..
અને મન પણ બદલાઈ જાય…