Anandghanji Ne Sathvare – Vachana 32

861 Views 26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : આપે આપ વિચારતાં, મન પામે વિસરામ

વિચાર પણ એ જ પદાર્થનો થઇ શકે, જેનો આંશિક અનુભવ તમે કરેલો છે. પુદ્ગલ દ્રવ્યનો અનુભવ તમારી પાસે છે, તો પુદ્ગલનો વિચાર તમે કરી શકો છો. આત્મતત્વનો અનુભવ તમારી પાસે છે જ નહિ, તો એનો વિચાર પણ ક્યાંથી થઇ શકશે?

દુનિયાનો, પુદ્ગલોનો તમે વિચાર કરશો, ત્યાં સુધી મન દોડમ દોડ કરશે. પણ જ્યારે તમે પોતાના સ્વરૂપનો વિચાર શરૂ કરશો, ત્યારે મન કહી દેશે કે આ મારી ક્ષમતાની બહાર છે! મન પામે વિસરામ.

મન ન હોય અને તમે હોવ – એ બહુ જ અદ્ભુત ઘટના છે. મન બાજુમાં સરેલું છે અને તમે છો – એ વખતે આનંદની જે અનુભૂતિ થાય છે, એ જ તમારો પોતાનો અનુભવ. અનુભવ તા કો નામ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદઘનજી ભગવંત પાસે પરમ ચેતનાના અનુભવ પછી પોતાની નિર્મલ ચેતનાના અનુભવની ધારા હતી. આપણે પણ એ જ આત્માનુભુતીની ધારામાં જવું છે. એના માટેનો માર્ગ પૂજ્યપાદ ચિદાનંદજી મહારાજે અધ્યાત્મબાવની માં બતાવ્યો. બહુ મજાનું પદ છે. યાદ રહી જાય તેવું, “આપો આપ વિચારતાં, મન પામે વિસરામ, રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ” અનુભૂતિવાન મહાપુરુષ અનુભૂતિનું કેવું તો સરળ અને સુરેખ વર્ણન આપે છે. આપો આપ વિચારતાં, મન પામે વિસરામ – દુનિયાનો તમે વિચાર કરશો ત્યાં સુધી મન દોડમ દોડ કરશે. પણ જ્યારે તમે પોતાના સ્વરૂપનો વિચાર શરૂ કરશો ત્યારે મન કહી દેશે કે આ મારી ક્ષમતાની બહાર છે. આત્મતત્વનું સ્વરૂપ વિચારી પણ કંઈ રીતે શકાય… જ્યાં સુધી તમારી પાસે એનો આંશિક પણ અનુભવ નથી, ત્યાં સુધી વિચાર પણ સંભવિત નથી.

એટલે જ વિચાર પણ એ જ પદાર્થનો તમને થઇ શકે જેનો આંશિક અનુભવ તમે કરેલો છે. પુદ્ગલ દ્રવ્યનો અનુભવ તમારી પાસે છે. તો પુદ્ગલનો વિચાર તમે કરી શકો છો. આત્મતત્વનો અનુભવ તમારી પાસે છે નહિ, તો એનો વિચાર પણ કેમ થઇ શકશે. એટલે કહ્યું – મન પામે વિસરામ. મન શાંત થઇ જાય. બાજુમાં જઈને સૂઈ જાય. મન ન હોય અને તમે હોવ એ બહુ જ અદ્ભુત ઘટના, મન બાજુમાં સરેલું છે અને તમે છો. એ વખતે આનંદની અનુભૂતિ જે થાય છે એ ભીતરના આનંદની અનુભૂતિ થાય છે.

એક ઝેન કથા છે – એક શિષ્ય ગુરુની ચેમ્બરમાં ગયો. ગુરુને ભાવથી વંદના કરી, અને એણે પૂછ્યું કે ગુરુદેવ! ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો તો પ્રશમ ભાવ હશે… ગુરુએ એનો પ્રશ્ન સાંભળ્યો. શિષ્ય હાથ જોડીને ઉભો છે. ગુરુ પાટ પર બેઠેલા, પાછળ ખુલ્લી બારી હતી જાળી વગરની… ગુરુએ શિષ્યને બોચીથી પકડ્યો અને બારી વાટે નીચે ફેંક્યો. સારું થયું નીચે રેત હતી. રેત પર એ પટકાણો. ૫ – ૧૦ સેકંડ પછી ગુરુ ઉભા થયા. બારી પાસે ગયા, પેલો ચત્તો પાટ રેતમાં પડેલો છે. ગુરુ એને પૂછે છે: ભાઈ! હવે ખ્યાલ આવે છે… કે ભગવાન બુદ્ધ ના ચહેરા ઉપર કેવો પ્રશમ ભાવ હશે. શિષ્યએ હાથ જોડ્યા, ગુરુદેવ ખ્યાલ આવી ગયો. તમને ખ્યાલ નહિ આવ્યો. શિષ્યનો પ્રશ્ન conscious mind ના level નો હતો. કદાચ એ ગુરુને પણ પ્રભાવિત કરવા માંગતો હતો. સદ્ગુરુ એક એવી વિરલ ઘટના છે જે કોઈનાથી પ્રભાવિત થાય નહિ. અને કોઈને પણ પ્રભાવિત કરવા માટે મહેનત કરે નહિ. ન એ કોઈનાથી પ્રભાવિત થાય. ન એ કોઈને પ્રભાવિત કરે. આવા સદ્ગુરુને પ્રભાવિત કરવાનો એનો વિચાર હતો.

એટલે એણે પૂછ્યું કે ગુરુદેવ ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવો પ્રશમ ભાવ હશે… કેવી શાંતિ હશે. ગુરુ સમજી ગયા કે conscious mind ના level નો આ સવાલ છે. અને એ પોતે પણ, શિષ્ય પોતે પણ અત્યારે conscious mind ની ભૂમિકા ઉપર છે. આ પ્રશ્નને conscious mind ના level ઉપર કઈ રીતે સમજાવી શકાય. અમે લોકો સતત કોશિશ કરીએ છીએ… એક જ કામ જો તમે કરી શકો ને તો અમારો પ્રયત્ન સફળ થઇ જાય. જૂત્તા ઉતારીને આવો ને નીચે… એ જ રીતે તમારા conscious mind ને, સંજ્ઞાવાસિત મનને નીચે મૂકીને આવવાનું. માત્ર અસ્તિત્વનું સ્તર તમારી પાસે હશે. આજ્ઞા વાસિત મન તમારી પાસે હશે. અને અમારું કામ શરૂ પણ થઇ જશે. અને પૂરું થઇ જશે. એક વ્યાખ્યાન તો બહુ મોટી વાત થઇ ગઈ. એક વ્યાખ્યાન એટલે નાનકડી વસ્તુ છે?

એક ગુરુ હતા. એ Sudden Enlightenment ના ગુરુ કહેવાતાં. તત્ક્ષણ સંબોધીના.  Sudden Enlightenment એમને શિષ્યો, સાધકો પણ એવા મળતાં. આંખથી આંખ મિલાવે શક્તિપાત થઇ જાય. Sudden Enlightenment…ગુરુ પાસે તમે આવ્યા તત્ક્ષણ સંબોધી.

એક રાજાનો મંત્રી એક ગુરુ નો ભક્ત હતો. એકવાર એણે રાજાને કહ્યું કે મારા ગુરુ બહુ જ મોટા પ્રભાવશાળી છે. તો રાજાએ કહ્યું બોલાવો એમને…. રાજમહેલમાં ઠાઠ – માઠથી બોલાવીએ, રાજા હા પાડે છે, મંત્રી ગુરુ પાસે જાય છે. તારીખ નક્કી કરે છે. મંત્રી તો ભક્ત છે. આખો રાજમહેલ શણગારી નાંખ્યો. સદ્ગુરુ આવી રહ્યા છે…. મંત્રીની ભૂલ એ થઇ ગઈ કે એણે રાજાને એ ન કહ્યું કે આ ગુરુ પ્રવચન નથી આપતા.

તમે તૈયાર થઇ ગયા, તત્ક્ષણ સંબોધી. તરત જ શક્તિપાત. હું કહું છું ને શક્તિપાત કરતાં અમને એક સેકંડ લાગે, પણ શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરતાં જન્મો વીતી ગયા. ગુરુ ચેતના તમારી રાહ જોઈ રહી છે. કેટલી રાહ પણ… ચલો હવે કેટલી રાહ જોવડાવશો… હવે તૈયાર…? એક શક્તિપાત…તમારી સાધના સીધી ઉચકાઈ જાય. શક્તિપાત ને હું lift કહું છું. ૩૫મા માળે તમારે જવું છે. Electricity fail છે. તો ૩૫ દાદર ચડતા નાકે દમ આવશે. પણ Electricity ચાલુ છે. Lift માં બેઠા, બટન દબાવ્યું lift ૩૫ માં માળે જઈને ઉભી રહેશે.  સદગુરુનો શક્તિપાત એ lift છે. તમારે કશું જ કરવું ન પડે. અને સાધનાના શિખર પર તમે બેસી જાઓ. આવી મોટી offer કોણ આપશે બોલો? તમારે કંઈ જ કરવાનું નહિ અને તમે સાધનાના શિખર ઉપર પહોંચી જાઓ.

ગુરુ આવ્યા, પાટ પર બિરાજમાન થયા. બધાની સામે જોયું એમણે… અને પછી ટેબલ પર ૩ મુઠ્ઠી લગાવી. પછી ઉભા થઈને ચાલતાં થયા. રાજા તો આશ્ચર્યચકિત. મંત્રીને કહે છે – ગુરુએ પ્રવચન તો આપ્યું જ નહિ. એક પ્રશ્ન તમને પૂછું. વહેલી સવારે દોડીને આવો છો… સદ્ગુરુના શબ્દો લેવા માટે સદ્ગુરુનો શક્તિપાત લેવા માટે, સદ્ગુરુ પાસેથી સાધના લેવા માટે, તમે શા માટે આવો છો? અમારા શબ્દો – બે કે ચાર – અસ્તિત્વના સ્તર પર પહોંચી જાય… મારું કામ પણ પૂરું. અને તમારું કામ પણ પૂરું. એટલે જ કહું છું પ્રવચન પછી home work કેટલું? રાજાએ મંત્રીને કહ્યું ગુરુએ પ્રવચન તો આપ્યું જ નહિ. મંત્રી તો ભાવવિભોર હતો. એણે કહ્યું મહારાજ! હું તમને કહેવાનું ભુલી ગયેલો, આ સદ્ગુરુ એટલી ઉંચી કક્ષાના સદ્ગુરુ છે કે એમને શબ્દોની જરૂર પડતી નથી. માત્ર તમારા તરફ દ્રષ્ટિ ફેરવે, અને તમારું કામ થઇ જાય. આજે તો એમણે સૌથી પ્રભાવશાળી પ્રવચન આપ્યું કે ૩ મુક્કી લગાવી. બાકી તો આવે, લોકોને જુએ, અને ચાલતાં થઇ જાય.

સદ્ગુરુ પાસે કદાચ તમે શબ્દ લેવા આવો, વાંધો નહિ. પણ એ શબ્દોનું interpretation બરોબર કરવું. એક સાધક ગુરુ પાસે આવેલો. દશેક મિનિટનો સમય એની પાસે હતો. પછી એને જવાનું હતું. તો એણે ગુરુદેવને વિનંતી કરી કે સાહેબ! કંઈક હિતશિક્ષા આપો. ગુરુ બોલ્યા નહિ. કરૂણામય ગુરુ છે. શબ્દો ન આપવા એવું નથી. પણ appropriate moment આવે, ત્યારે જ એમણે શબ્દોને આપવા છે. એમણે લાગ્યું કે અત્યારે એટલી તડપન મારા શબ્દોની એને નથી. આ તો એક routine… ગુરુ પાસે ગયા. હિતશિક્ષા સંભળાવો. દશ મિનિટ એ બેઠો. ગુરુ એક શબ્દ નહિ બોલ્યા. એ ચાલ્યો. ગુરુ તો ગુરુ છે આખરે. તમે શું કરી શકો. ગુરુને પ્રાર્થના કરો, વિનંતી કરો. એથી વધુ તમે શું કરી શકો. પેલો જાય છે. એ ૧૦ – ૧૫ ડગલા ચાલ્યો હશે. અને ગુરુએ કહ્યું “ઉભો રહે… પાછો ફર”. પેલો પહેલા તો સમજ્યો કે ગુરુ મને બોલાવી રહ્યા છે. “ઉભો રહે… પાછો ફર”. પાછો ફર્યો. પણ ગુરુના ચહેરા સામે જોયું ત્યારે એને ખ્યાલ આવી ગયો કે ઉપદેશ તો પૂરો થઇ ગયો છે. હું રાગ – દ્વેષની ધારામાં ચાલી રહ્યો છું. મારે ત્યાં ઉભા રહેવાનું છે અને પાછા ફરવાનું છે. બે જ વાક્યો અસ્તિત્વના સ્તર સુધી ઉતરી ગયા, એ ખરેખર વિભાવ શૂન્ય બની ગયો.

મેં પહેલા કહેલું ને શિષ્યની વ્યાખ્યા શું? જે શૂન્ય બનવા માટે રાજી હોય તે શિષ્ય. તમે પણ temporary શિષ્ય જ છો ને? જે શૂન્ય બનવા માટે રાજી હોય તે શિષ્ય. રાગ દ્વેષ ને અહંકાર તમારા થોડા થોડા ઓછા થતાં જાય, ત્યારે તમે માની શકો કે તમે સાધનાના proper way પર ચાલી રહ્યા છો. ગુરુએ પહેલા શિષ્ય માટે જોયેલું કે એનો પ્રશ્ન conscious mind ના level નો હતો. તો conscious mind ના level નો પ્રશ્ન હતો, જવાબ શી રીતે અપાય? conscious mind… વિચારોની હારમાળા ચાલતી જ હોય. એમાં એક વિચાર વધારે પાછો. તમે પ્રવચન પહેલા દશ મિનિટે આવેલા હોવ, દશ મિનિટ શાંતિથી તમે બેઠેલા હોવ, અને પછી તમે સદ્ગુરુને પીવો, એની એક અનોખી લિજ્જત હોય છે. કારણ એ દશ મિનિટ માં તમે conscious mind ને બાજુમાં મૂકી દીધું. અને પછી અમારા શબ્દો જે છે એ સીધા જ તમારા અસ્તિત્વના પ્રદેશને સ્પર્શ કરશે. અમારી ઈચ્છા આ જ છે. કે સેંકડો, હજારો શબ્દો ભલે આપીએ, બે શબ્દ પણ અસ્તિત્વના સ્તરે પહોંચશે. ત્યારે અમારૂ કામ થઇ જશે.

તો સદ્ગુરુને શાંત ચિત્તે પીવા છે. પેલી વાત કરી – “આપો આપ વિચારતાં, મન પામે વિસરામ” તમે તમારો વિચાર કરવા જાઓ… શું વિચાર કરો… સાંભળેલું હોય એનું ચિંતન કર્યા કરો. You have no experience. આત્મતત્વનો અનુભવ તો તમારી પાસે છે નહિ. તો બહુ સરસ વાત કરી. મન પામે વિસરામ – conscious mind બાજુમાં ખસી જાય. “રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ”… અને એ વખતે જ આનંદ મળી શકે છે. અને એ આનંદ એ તમારો અનુભવ. એ આનંદ જે છે એ જ તમારા ગુણનો અનુભવ. વિતરાગદશાનો અનુભવ થાય. આનંદનો અનુભવ થાય. જ્ઞાતાભાવ – દ્રષ્ટાભાવમાં તમે જાઓ, એ તમારો પોતાનો અનુભવ છે. મન જ્યાં સુધી છે ત્યાં સુધી રતિ – અરતિ છે. મન જે ક્ષણે બાજુમાં ગયું, આનંદની ધારાને તમે અનુભવી શકો. એટલે સાધનામાર્ગમાં, ધ્યાનમાર્ગમાં સૌથી પહેલું કામ નિર્વિકલ્પ દશાના અભ્યાસનો કરવાનો હોય છે.

અને એજ વાત મીરાં એ કહી – “સૂરત નિરત કો દિવલો જોયો, મનસા પૂરન બાતી, અગમ ઘાણી કો તેલ સિંચાયો, બાલ રહી દિન-રાતી”. પૂર્ણ મન…બોલો પૂર્ણ મન જોઈએ? અત્યારે તમારી પાસે અપૂર્ણ મન છે. એની ખાત્રી શું? કે તમે આનંદમાં નથી. જેની પાસે પૂર્ણ મન છે એ જ આનંદમાં હોય, જેની પાસે અપૂર્ણ મન છે, એ આનંદમાં હોઈ શકે નહિ. અપૂર્ણ મનની કેટલી બધી ફરિયાદો હોય… પેલો બરોબર નથી…ને પેલા બરોબર નથી… આ બરોબર નથી. અને આટલી બધી ફરિયાદો જે મનની અંદર હોય એ મન તમને આનંદની ધારામાં લઇ જઈ શકે ખરું? એટલે અત્યારે તમારી પાસે અપૂર્ણ મન છે. જે તમને રતિ – અરતિના ઝૂલે ઝુલાવે છે. એમાં પણ રતિ બહુ ઓછી, અરતિ જ વધારે…. સહેજ મનનું ધાર્યું ન થયું, કેમ આમ થયું? એ ઘટના એક મિનિટ ઘટી હોય, પણ એની પાછળ કલાકો સુધી તમે હેરાન – પરેશાન થાઓ. પૂર્ણ મનની અંદર ઘટનાઓનો સ્વીકાર છે. જે પણ ઘટના ઘટી, સ્વીકારી લો. અનંત કેવલજ્ઞાનીઓ એ જ્ઞાનમાં આ ઘટનાને આ સમયે ઘટતી જોયેલી હતી. અને એ પ્રમાણે જ એ ઘટી છે. તો એ ઘટનાનો હું સ્વીકાર કરી લઉં. તો તમારા અપૂર્ણ મનથી તમે હેરાન – પરેશાન છો?

આપણે ત્યાં ૮૦ થી ૮૫ % લોકો આર્થિક રીતે સંપન્ન છે. પણ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં માનસિક રીતે દુઃખી જ છે. એ સાસુ – વહુનું હોય, દેરાણી – જેઠાણી નું હોય, પિતા – પુત્રનું હોય પણ સંઘર્ષ અવિરત ચાલતો રહે છે. એનું કારણ બીજાઓ બરોબર નથી એવું તમે માની લીધું છે. હકીકતમાં તમે બરોબર નથી. આ વાત આજે બરોબર સમજી લો. અત્યાર સુધી આપણા મનમાં એક જ વાત છે. હું તો સર્વગુણ સંપન્ન છું જ. એમાં તો પૂછવાનું હોય કાંઈ…… બીજા બધામાં તકલીફ છે. પેલાએ આમ કર્યું માટે મને ગુસ્સો આવ્યો. એટલે મને ગુસ્સો આવ્યો એમાં હું જવાબદાર નથી. પેલી વ્યક્તિ જવાબદાર છે. કઈ રીતે જવાબદાર પેલી વ્યક્તિ? તમે જ જવાબદાર છો. તમારું જ એવું કર્મ હતું કે એ વ્યક્તિને એવા શબ્દો બોલવા પડ્યા. તો એ વ્યક્તિ બોલી, પણ શેના કારણે બોલી? તમારા કારણે બોલી… તો તમે શી રીતે કહો છો કે એ વ્યક્તિ ખરાબ? કોઈ uncle વિના કારણે અડધો કલાક કડવા શબ્દો તમને સંભળાવે છે. એ વખતે તમને શું ભાવ આવે? મારું કર્મ કેટલું ખરાબ છે કે આવા સજ્જન વ્યક્તિને પણ ક્રોધની ધારામાં મુકે છે. એ ખરાબ નથી, મારું કર્મ ખરાબ છે. આવું માની શકો?

છ કર્મગ્રંથ ભણેલ હોય, પંચસંગ્રહ, અને કમ્મપયડી કરેલી હોય, અને mood less થઈને બેઠેલો હોય. શું થયું? પેલાએ મને આમ કીધું… પણ તારા કર્મગ્રંથો, તારો પંચસંગ્રહ, તારો કમ્મપયડી બધું ક્યાં ગયું? તો આજે આ વાતને મનમાં સ્થિર કરો. કે બીજા ખરાબ નથી, ખરાબ હું છું. મારું કર્મ છે. એટલે મેં પહેલા કહેલું કે બધા જ સારા જ છે. ખરાબ હોય તો એક માત્ર હું છું. આ વિચારણા તમારા મનમાં સ્થિર થાય ત્યારે જ નિશ્ચયથી પ્રભુ શાસનમાં તમારો પ્રવેશ થયેલો કહેવાય. પછી આનંદ જ આનંદ. કોઈ ખરાબ છે જ નહિ. અત્યાર સુધી તમે હેરાન પરેશાન કેમ થયા? પગેરું તપાસો. બીજાને ખરાબ માન્યા માટે તમે હેરાન – પરેશાન થયા. એક નાનું બાળક હોય ને ૪- ૫ વર્ષનું, દોડતું હોય, અને પડી જાય, આજુબાજુ જોઈ લે કોઈ જોતું તો નથી. ઉભો થાય, ધૂળ – બુળ ખંખેરી ચાલવા માંડે. કારણ પડ્યો તો ખરો પણ કોના ઉપર દોષનો ટોપલો ઢાળવો. અને જાય આગળ અને કોઈ uncle પ્રેમથી આમ ટપલી પણ મારે ને સીધો ભેકણો તાણે. Uncle એ મને માર્યું. પડી ગયો ત્યાં પોતે જ હતો. તો દોષનો ટોપલો કોના ઉપર ઢાળે. આ uncle મળી ગયા એટલે દોષનો ટોપલો ઢાળી દીધો.

એટલે બીજાને તમે ક્યારેય પણ નિમિત્ત ન માનો તો તમારા જેવો સુખી કોઈ ન હોય. એક વાત તમને કહું – ભક્તની dictionary માં, ભક્તની vocabulary માં પાને પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ મને યાદ કર્યો. પ્રભુ મારા કંઠેથી પ્રગટ્યા. હું પ્રવચન આપીને નીચે ઉતરું, મારી આંખો ભીની હોય, અને આંખોની ભીનાશ પ્રભુને કહેતી હોય કે પ્રભુ! તું મારા કંઠેથી પ્રગટ થયો. તારી પાસે અગણિત sound systems હતી છતાં તે મારી sound system ને પસંદ કરી. ખુબ ખુબ તારો આભાર.

તો ભક્તની dictionary પાને પાને નિમિત્ત શબ્દ છે. પણ સાધકની dictionary માં નિમિત્ત શબ્દ છે જ નહિ. મને પેલાએ આમ કર્યું, મને આણે આમ કર્યું આ વાત સાધકના શબ્દકોશ માં છે જ નહિ. Partner રાતોરાત ભાગી ગયો. તમને ૨૦ – ૨૫ લાખના ખાડામાં ઉતારીને ગયો… એ વખતે શું થાય? એ partner યાદ આવે કે તમારું કર્મ યાદ આવે?

મુંબઈની જ ઘટના છે. એક યુવાન ડાયમંડમાં partnership માં business ચાલે. વર્ષોથી પેઢી ચાલતી હતી, બહુ સારા પૈસા કમાયેલા, એક રાત્રે એ યુવાનના partnerની બુદ્ધિ બગડી. ઓફિસની ચાવી બી એની પાસે રહેતી. રાત્રે એણે ઓફીસ ખોલી. પોતાના ભાગના પૈસા તો લઇ લીધા.. વધારાના ૩૦ લાખ રૂપિયા લઇ લીધા. હીરાની અંદર… સવારે યુવાન આવ્યો, ઓફીસ ખોલી, બધું જોયું ત્યારે ખબર પડી ગઈ…પહેલા જ એના મનમાં strike થઇ કે આ ચોરી કોઈ ચોરે કરી નથી. Partner ને ફોન લગાવ્યો પણ એનો ફોન લાગે જ નહિ. એ ક્યાંય દૂર ભાગી ગયેલો. એક મહિના સુધી એનો પત્તો ન લાગે. મહિના પછી આવી ગયો. અને એણે ધંધો શરૂ પણ કરી દીધો. એ યુવાન એની પાસે ગયો. કે ભાઈ તું ૩૦ લાખ મારા વધારાના લઇ ગયો છે. ૩૦ લાખ મને આપી દે. તારા તારી પાસે રાખ, મારા મને આપી દે… પેલો કહે નથી આપવા શું કરીશ તું બોલ… બ્લેકનો વહીવટ છે કોર્ટમાં તો જવાય એવું છે નહિ… નથી આપવા… બન્યું એવું… બેઉ જૈન છે. બેઉ એક area માં રહે છે. અને બેઉ ને સવારની પૂજાનું દેરાસર એક છે. એ યુવાન આવેલો હોય અને પેલા ભાઈ આવે, લાંબી પહોળી કાર લઇને આવે. અને આમ શું પૂજાની પેટીનો ઠાઠ હોય, અને યુવાનના મનમાં આમ ક્રોધનો દાવાનળ ફાટે. સાલો હરામખોર મારા ૩૦ લાખ લઇ ગયો છે એ એને આપવા નથી અને ભગવાનને ઠગવા આવ્યો છે. મહિનો, બે મહિનો, ચાર મહિના… ફરી પૂછ્યું કે ભાઈ પૈસા? તો કહે કે નથી આપવા… એ યુવાનના મનમાં એક વાત… કે હું બીજી કોઈ સાધના કરતો નથી. માત્ર પ્રભુની પૂજા કરું છું. પણ મારી પૂજા તો રોજ બગડી જાય છે. એ area માં દેરાસર એક જ છે. ત્યા જ જવું પડે સવારે અને પેલા ભાઈ એ જ વખતે ત્યાં હોય. તો એક જ આરાધના કરું અને એ પણ સારી ન થાય તો કેમ ચાલે. એમાં રત્નસુંદરસૂરીજી નું એમના સંઘમાં પદાર્પણ થયું. એક પ્રવચન સાંભળ્યું. પછી લાગ્યું કે સાહેબ પાસે બપોરે જાઉં, અને મારી સમસ્યાનો ઉકેલ લાવું. બપોરે ગયો. સાહેબ જોડે બેઠો. બધી વાત કરી. ત્યારે આચાર્ય ભગવંતે પૂછ્યું – કે તારી અત્યારની આર્થિક સ્થિતિ કેવી? તો કહે કે સાહેબ બહુ સરસ. ધંધો સરસ ચાલે છે. આ posh area માં luxurious એપાર્ટમેન્ટ માં રહું છું. એક નહિ પણ બે કાર છે. એક છોકરાઓને સ્કુલે મોકલવા માટે, એક મારા માટે… છોકરાઓ પણ સારામાં સારી સ્કુલમાં અભ્યાસ કરે છે. તો મ.સા. એ કહ્યું કે તારી પૂજા સરસ થાય એનો રસ્તો બતાવું પણ તું ૩૦ લાખ છોડવા તૈયાર છે? સાહેબ! તૈયાર… એક જ ધડાકે ૩૦ લાખ છોડવા તૈયાર છું. મારી પૂજા બરોબર થવી જોઈએ. અને સાહેબે કહ્યું નિયમ લે કે ૩૦ લાખ આપવા આવે તો પણ તારે જોઈએ નહિ. કદાચ એનું મન ક્યારેક ફરે, અને એ પૈસા આપવા આવે તો તું મને પૂછજે. અને હું કહું ત્યાં એને વાપરી નાંખજે. તારો એક પણ પૈસા ઉપર અધિકાર નહિ. છે તૈયારી? સાહેબ! તૈયાર. આપી દો નિયમ. કેટલો બધો ફરક પડી ગયો. પેલો દેરાસરે આવેલો હોય અને પેલાની કાર જુએ ને આમ બળતરા શરૂ થતી. આજે યુવાન આવી ગયો છે. તો પેલા ભાઈની કાર આવી. એટલે યુવાન ત્યાં ગયો. પેલા ભાઈ કારમાંથી બહાર નીકળ્યા. આણે હાથ પકડ્યા. કેમ છો મજામાં? કંઈ પણ કામકાજ હોય તો કહેજો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, રોજ એ જ ભાવ સાથે, આંખો ભીની હોય, મજામાં છો ને? કોઈ પણ કામકાજ હોય તો કહેજો. પૈસાની તો યાદ જ નહિ અપાવાની. અઠવાડિયું થયું ને પેલો પીગળી ગયો. એ કહે રવિવારે આવો ને બપોરે મારા ત્યાં… આપણે ચા – પાણી કરીએ સાથે અને હિસાબ જોઈ લઈએ. પેલો ગયો. પેલાએ ૩૦ લાખ ઉપરાંત આટલા દિવસનું વ્યાજ ઉમેરીને રૂપિયાની થેલી તૈયાર રાખી. એણે કહ્યું હિસાબ કરવો હોય તો તમે કરી લો. બાકી મેં હિસાબ કરેલો છે. ૩૦ લાખ વત્તા આજના દિવસ સુધીનું વ્યાજ આ બધું જ તમને હું આપું છું. યુવાને કહ્યું તમે ભલે મને આપો.. આ મારા પૈસા નથી હવે… સાહેબ પાસે જઈશ. અને સાહેબ કહેશે એ રીતે આને વાપરી નાંખીશ. ૩૦ લાખ છોડ્યા, પૂજા સરસ થઇ. તમે કેટલા છોડી શકો?

તો ફરી આપણી વાત ઉપર આવીએ. અત્યારે સુખ અને દુઃખમાં તમે છો. પૂર્ણ આનંદની સ્થિતિમાં તમારે આવવું છે? અમને લોકોને પૂછો તો ખરા ક્યારેક… સાહેબ ever green, ever fresh છો… શું કારણ? ઉપાશ્રય બી તમારો નથી સંઘનો છે. તમારી પાસે કંઈ છે નહિ અને તમે આટલા સુખી કેમ છો? પૂછ્યું કોઈવાર?  એક કામ કરો. આપણે આવતી કાલથી રોજ તમારી જોડે સંવાદ કરવો છે. સીધું જ તમારા unconscious ની અંદર હથોડા લગાડવા છે મારે… પણ conscious mind ને નીચે મુકીને આવજો.

ઝેન આશ્રમમાં તો તકતી લગાવેલી હોય: no mind please. નો mind please… મનને લઈને અંદર આવતાં નહિ. બુદ્ધિને લઈને અંદર આવતાં નહિ. સદ્ગુરને માત્ર પીજો. તો આ પ્રશ્ન મારો ઉભો છે… આવતી કાલે પણ આ જ પ્રશ્ન રહેશે. કે અત્યારે સુખ ઓછું છે. દુઃખ વધારે છે. એને બદલે પૂર્ણ આનંદમાં તમે રહી શકો એવી situation મહાપુરુષો તમને આપી શકે એમ છે. તમારે એ જોઈએ… ઘણી વાર એવું થાય ને કે જેના આદિ થઇ ગયા હોઈએ ને એના વગર પાછું ચાલે નહિ.

એક station master હતા. ૫૮ વર્ષે નિવૃત્ત થયા. નિવૃત્ત થયા અને એકદમ હાશકારો, પેન્શન મળ્યા કરશે, અને બસ આપણે દીકરાઓ જોડે મસ્તીથી રહીશું. દિવસ તો મજાથી પસાર થયો. રાત્રે સૂતા ઊંઘ જ ન આવે. ૯, ૧૦ , ૧૧, ૧૨, ટકોરા સાંભળ્યા જ કરે. ત્યારે એને થયું ઊંઘ કેમ નથી આવતી પણ. Air – conditioned room છે બધું સરસ છે. ત્યારે એને ખ્યાલ આવ્યો કે station ઉપર ગાડીઓ સતત દોડ્યા કરતી. ખટાખટનો અવાજ આવ્યા કરતો. અને એમાં હું સૂઈ જતો હતો. એટલે ખટાખટ ના અવાજ વિના હવે ઊંઘ નહિ આવે. એને ખરેખર ગાડીમાં બેસીને station એ જવું પડ્યું અને platform ઉપર એક બાંકડા ઉપર સૂતો. સૂતો એવી ઊંઘ આવી ગઈ. એટલે તમને તમારી આ situation ગમી ગઈ છે? તમને જો એમ થાય કે આનંદની ધારામાં જવું છે, તો મહાપુરુષો તમને એ ધારામાં લઇ જવા માટે તૈયાર છે. પહેલા હું આનંદ ઉપર પ્રવચનો આપતો, પણ આનંદ એટલે શું એ મને ખબર નહોતી. પ્રભુની કૃપા થઇ. અનુભૂતિ થઇ, અને અનુભૂતિનો આનંદ મળ્યો ત્યારે ખબર પડી કે આ આનંદ શું છે. ઘણીવાર સુખના extreme point ને આપણે આનંદ માની લઈએ છે. સુખ જુદી સંઘટના છે. આનંદ જુદી સંઘટના છે. સુખ સંયોગજન્ય રતિ ભાવ છે. આનંદ અસંયોગજન્ય સુખ છે. ભીતરથી આવે. કોઈ પદાર્થનો સંયોગ નહિ. કોઈ વ્યક્તિનો સંયોગ નહિ.

ગુરુએ પેલા શિષ્યને પૂછ્યું કે હવે તને ખ્યાલ આવે છે … તો ગુરુને જ્યારે થયું કે conscious mind ના level ઉપર આ છે. હવે એને અસ્તિત્વના લય પર કેમ લઇ જવું… કોઈ એવી ઘટના બને કે જે એને વિચારી જ ન હોય અને હેબતાઈ જાય. તમે એકદમ આશ્ચર્ય ચકિત બનો ને… એ ક્ષણે થોડી સેકંડો માટે મન સ્થિર થાય. Accident થાય ત્યારે જોજો. Accident થાય થોડી સેકંડો મન એકદમ બેર મારી જશે. આવું થયું, શું થયું, તો ગુરુએ એને પટક્યો, આવી તો ધારણા હોય જ નહિ. ગુરુ જવાબ આપે અથવા ન પણ આપે. પણ ગુરુ પટકે એવી તો અપેક્ષા હતી જ નહિ. પટક્યો… અને તરત જ ગુરુએ જોયું તો એ વખતે conscious mind બાજુમાં ખસી ગયેલું, અને એણે પોતે ગુરુને જોયા. અત્યાર સુધી ગુરુનું દર્શન પણ conscious mind ના level ઉપર થયું હતું. આજે ગુરુને જોયા. ગુરુના ચહેરા ઉપર એટલો બધો પ્રશમ ભાવ હતો જેની કલ્પના ન કરી શકાય. ત્યારે એને થયું કે ગુરુના ચહેરા ઉપર આટલો પ્રશમ ભાવ છે. તો બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર તો કેવો હશે. એને જવાબ મળી ગયો. એ ગુરુની રૂમમાં પાછો આવ્યો. ખુબ આભાર માન્યો. કે ગુરુદેવ! આપે સરસ જવાબ મને આપ્યો. અમે આવી રીતે નહિ કરીએ હો… તો આજનો પ્રશ્ન ઉભો છે. તમારી પાસે સુખ – દુખની ઘટમાળ છે. અમારી પાસે આનંદ છે. અમારો આનંદ અમે તમને આપવા માંગીએ છીએ. તમારી પાસે જે સુખ દુઃખ છે એનાથી તમે કંટાળ્યા છો? રાત્રે વિચાર કરજો. શાંત પળોમાં. આવતી કાલે આ જ વિષય ઉપર આપણે આગળ ચાલીશું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *