વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સદ્ગુરુ ઉપનિષદ
નિરંતર સ્મૃતિનું કોડિયું. પૂર્ણ મન રૂપી વાટ. પ્રભુની પ્રસાદી રૂપી તેલ. આ ત્રણ મળી જાય, પછી જીવંત સદ્ગુરુ જોઇશે કે જેમની ભીતર આંતર દીપ પ્રગટેલો છે. તમે એમના ઉપનિષદમાં બેસો અને એમની ઊર્જાથી તમારો દીપ પણ પ્રજલી ઊઠે.
સદ્ગુરુના ચરણોમાં ઝૂકવા માટે હું જાઉં છું – આ ભાવ જ્યારે હશે, ત્યારે રાગ, દ્વેષ, અહંકાર સુષુપ્ત હશે; અહોભાવ જાગૃત હશે. બસ આટલી જ આપણી સજ્જતા અને સદ્ગુરુની ઊર્જા મળવા લાગે.
આપણે અનંત જન્મોમાં પ્રભુની મોટામાં મોટી બે આશાતના કરી છે – જડ પ્રત્યે રાગ કર્યો અને ચેતના પ્રત્યે શત્રુભાવ કર્યો. આ જન્મમાં એ આશાતનાના પાપમાંથી મુક્ત થવું છે. જડ પ્રત્યે ઉદાસીન દશા અને ચૈતન્ય પ્રત્યે મૈત્રીભાવ.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩૨
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
આંતરયાત્રામાં ઉતરેલા એક મહાપુરુષની આ અભિવ્યક્તિ. આંતર યાત્રા માં તમે ચાલો, ત્યારે બહારનો પ્રકાશ કામ નહિ આવે. પ્રકાશ આંતરદીપ નો જોઈશે. એ આંતર દીપની વાત આપણે જોતા હતા. નિરંતર સ્મૃતિનું કોડિયું, પૂર્ણ મન રૂપી વાટ અને પ્રભુની પ્રસાદી રૂપી તેલ; આ ૩ તો મળી ગયું. પછી જીવંત સદ્ગુરુ જોઇશે કે જેમની ભીતર આંતર દીપ પ્રગટેલો છે. તમે એમની ઉપનિષદમાં જાઓ. એમના ચરણોમાં બેસો. એમની ઉર્જા મળે. અને થોડી વારમાં તમારો દીપ પણ પ્રજલી ઉઠે.
એક સદ્ગુરુનું ઉપનિષદ અને તમારા દીપનું પ્રાગટ્ય. સદ્ગુરુનું ઉપનિષદ કઈ રીતે લેવાનું…. બિલકુલ ખાલી થઈને આપણે આવીએ. અહોભાવથી ભરાઈને સદ્ગુરુના ચરણોમાં આપણે આવીએ. બસ. આપણી સજ્જતા આટલી જ છે. જે ક્ષણે તમે સદ્ગુરુના ઉપનિષદમાં આવ્યા, એ ક્ષણોમાં રાગ, દ્વેષ, અહંકાર આમ પણ દ્રશ્ય રૂપે હોવાનો નહિ. સદ્ગુરુના ચરણોમાં ઝૂકવા માટે હું જાઉં છું. આ ભાવ જ્યારે હશે. ત્યારે રાગ, દ્વેષ, અહંકાર સુષુપ્ત હશે. અહોભાવ જાગૃત હશે. બસ આટલી જ તમારી સજ્જતા. અને સદ્ગુરુની ઉર્જા તમને મળે.
પણ મીરાંની પાસે નિરંતર પ્રભુની સ્મૃતિ હતી. મીરાંની પાસે પૂર્ણ મન હતું. મીરાં પ્રભુની પ્રસાદીને accept કરી શક્તિ હતી. આ ૩ બને પછી તમે સદ્ગુરુના ચરણોમાં બેસો. અને યાત્રા શરૂ. આંતર દીપ પ્રગટી ગયો. આંતર યાત્રા ચાલુ. પૂર્ણ મન. ઉપનિષદનો એક મંત્ર છે. “ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते” ઉપનિષદ ના ઋષિ પાસે પૂર્ણ મન છે. તો એ પૂર્ણ મન વાળી વ્યક્તિ જગતનું દર્શન કઈ રીતે કરે. એની વાત આ મંત્રમાં આવી. ॐ पूर्णमद: पूर्णमिदं – આ પણ પૂર્ણ છે. પેલું પણ પૂર્ણ છે. કોઈ વ્યક્તિ અપૂર્ણ નથી. पूर्णात् पूर्णमुदच्यते -એક પૂર્ણ વ્યક્તિ છે, તમે એના ચરણોમાં બેસો, તો તમે પણ પૂર્ણ બની જાઓ. અને પૂર્ણમાંથી પૂર્ણ ને લઇ લો. તો પણ પૂર્ણ બચવાનું છે. પૂર્ણ પછી અનંત બની જાય છે. તમે ગમે એટલું પૂર્ણ લો. છતાં પણ એ મહાપુરુષનું પૂર્ણ ખતમ થવાનું નથી. આવું પૂર્ણ મન હોય છે, ત્યારે બધા જ પૂર્ણ લાગે છે.
ગીતાર્થ મૂર્ધન્ય જયઘોષસૂરિ દાદા, એક સવારે જાપ કરવા માટે બેઠેલા. સૂરિમંત્રનો પટ હતો. પંચપરમેષ્ઠી નો પટ હતો. હ્રીં કાર નો પટ હતો. પટ પથરાઈ ગયા. વાસક્ષેપનો વટવો મુકાઇ ગયો. નવકારવાળી હાથમાં આવી ગઈ. જાપ શરૂ થવાનો છે, એ જ ક્ષણે એક મુનિરાજ સાહેબની ચેમ્બરમાં આવે છે. વંદન કર્યું અને પાછા જાય છે. સાહેબે કહ્યું ઉભો રહે, મહાગીતાર્થ હતા. એ મુનિરાજ ના ચહેરા પરથી સાહેબજી ને ગયેલો કે કંઈક પૂછવા માટે આવેલો છે. એટલે સાહેબજી એ કહ્યું, બોલ તારે શું પૂછવું છે? એ વખતે મુનિરાજે કહ્યું, સાહેબ! આપ પટ ગણવાનું શરૂ કરી રહ્યા છો, હું પછી આવીશ. મુનિરાજે સીધી વાત કરી. એ વખતે સાહેબજી એ કહ્યું, તું જીવંત પરમેષ્ઠી છે. એક મુનિ માટે આટલા મોટા ગીતાર્થ મહાપુરુષની દ્રષ્ટિ કઈ છે… તું પરમેષ્ઠી છે. પાંચ પરમેષ્ઠીમાં, પાંચમો પરમેષ્ઠી તું છે. તું જીવંત પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠી ને હું આ રીતે મૂકી દઉં તો મારા પટમાં રહેનારા પરમેષ્ઠી રહેશે ખરા..? એ બધા જતા રહેશે. જીવંત પરમેષ્ઠીની આશાતના થી પટમાં રહેલા પરમેષ્ઠીઓ રહી શકે ખરા? શું એ દ્રષ્ટિ હતી… પ્રશ્ન પૂછાઈ ગયો. ઉત્તર અપાઈ ગયો. પણ એ ઘટનાએ, એ મુનિરાજના પૂરા જીવનને બદલી નાંખ્યું.
પ્રભુનું રજોહરણ મળેલું છે, એનો આનંદ હતો. પણ જ્યારે સદ્ગુરુ એ કહ્યું કે તું જીવંત પરમેષ્ઠી છે. એટલા બધા અહોભાવના આંસુ આંખોમાંથી સર્યા, મને ગુરુદેવ જીવંત પરમેષ્ઠી કહે છે! એમને ખ્યાલ હતો કે પરમેષ્ઠી શબ્દનો અર્થ શું થાય. “परमे तिष्ठति इति परमेष्ठि” જે સતત પરમમાં જ રહે, પરમની આજ્ઞામાં જ રહે એ પરમેષ્ઠી. એ મુનિરાજની ચેતનાની એવી તો કાયા પલટ થઇ ગઈ. કે ૨૪ કલાક માટે એમનું મન પ્રભુમય, પ્રભુ આજ્ઞામય બની ગયું. એક ઘટના તમારા હૃદયને જો જગઝોળી જાય, તો એક ઘટના તમને પુરેપુરા બદલવા માટે કાફી છે. હું તમને જીવંત પરમેષ્ઠી કહું આજે, અને તમે એના ઉપર વિચાર કરો, કે ગુરુદેવ કહે છે કે તું પરમેષ્ઠી છે. જીવંત પરમેષ્ઠી છે. ખરેખર, મારું મન ૨૪ કલાક પ્રભુમય હોય છે. પ્રભુ આજ્ઞામય હોય છે. આ વિચાર ચાલુ થાય અને તમારું મન પ્રભુમય – પ્રભુ આજ્ઞામય બની જાય.
આજનું આખું વ્યાખ્યાન ભુલી જજો. એક જ શબ્દ યાદ રાખજો. તમે જીવંત પરમેષ્ઠી છો. કેવો આ દ્રષ્ટિકોણ?
શ્રીપાલ મહારાજા, ધવલ શેઠ રાતના સમયે વહાણની રેલિંગ પાસે એમને બોલાવે. અને કહે છે જુઓ જુઓ જુઓ…. પેલું શું દેખાય છે, ચાંદનીના પ્રકાશમાં ચળકતું? શ્રીપાલ જોવે છે, પણ કંઈ દેખાતું નથી. સહેજ નીચા ઝુકે છે, ધવલ એમને દરિયામાં પાડી દે છે. એ શ્રીપાલ, વિમલવાહન દેવની ભક્તિથી કાંઠે આવી ગયા. પુણ્ય એટલું જબરદસ્ત કે ત્યાંના રાજાના અધિકારી પણ થઈને બેસી ગયા. અને ધવલ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. એ બંદરનો વેપાર કરવો હતો, તો રાજાની આજ્ઞા વિના વેપાર થાય નહિ. રાજાની પાસે આવ્યા, આજ્ઞા લેવા માટે… ત્યાં જુએ બાજુના સિંહાસન ઉપર શ્રીપાલ બેઠેલ છે અને પેટમાં તેલ રેડાળું. આ માણસ… આ અહીંયા આવી ગયો… કઈ રીતે આવ્યો. પણ એ વખતે, એ ધવલ શેઠને જોતા, શ્રીપાલ કુમારની આંખોમાં લાલાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. શ્રીપાલ, ધવલ શેઠને પોતાના ઉપકારી ગણે છે. બોલો કંઈ રીતે… શ્રીપાલ, ધવલ શેઠને પોતાના ઉપકારી ગણે છે. લોકો કહી દે છે કે સાહેબ એમના વહાણમાં બેસીને ગયેલા ને… હું કહું ચાલો accepted. તમારી વાત સ્વીકારી લીધી. એથી વધુ ઉપકાર કયો…..
બહુ જ મજાની આ અંતરંગ કથા છે આ… શ્રીપાલજીના મનમાં હતું કે સમ્યગ્દર્શન આ જન્મમાં મને મળવું જ જોઈએ. જો સમ્યગ્દર્શન ન મળે, તો આ જીવનનો કોઈ અર્થ નથી. તમે શું નક્કી કર્યું છે …. શું જોઈએ… આ જીવનમાં શું જોઈએ. સમ્યગ્દર્શન. મોટા – મોટા સ્તવનાકારો, મુનિવરો, મહામુનિઓ, ૬ટ્ઠે ગુણઠાણે રહેલા અને ૭માં ને touch કરનારા, એ પ્રભુની પાસે સમ્યગ્દર્શન માંગે છે. “સમકિત દાતા સમકિત આપો” જરૂર એ નિશ્ચય સમ્યક્ત્વ ની વાત છે. જે ૭માં ગુણઠાણે જ મળે છે. પણ તમારું લક્ષ્ય શું છે….
તો શ્રીપાલ કુમારનું લક્ષ્ય નક્કી હતું, સમ્યગ્દર્શન મારે પામીને જ જવું છે. પણ સમ્યગ્દર્શન ની હું નજીક છું કે નહિ. ખબર શી રીતે પડે… જ્ઞાની ભગવંતોને જ ખબર પડે. પણ સમ્યગ્દર્શન ના લક્ષણો બતાવ્યા છે અને એમાં મુખ્ય છે સમભાવ. તો શ્રીપાલ કુમારને થયું કે મારામાં સમભાવ જો ગાઢ પ્રમાણમાં હોય તો હું સમ્યગ્દર્શન ની નજીક છું, એવું માની શકાય. અને એમાં આ ઘટના ઘટી. ધવલ શેઠે દરિયામાં નાંખ્યા. એ ધવલ શેઠ રાજાની સભામાં મળે. છતાં એમને જોતા સહેજ પણ તિરસ્કાર આવતો નથી. ત્યારે શ્રીપાલ કુમાર માને છે કે મારામાં સમભાવ થોડો છે.
પણ મારામાં સમભાવ છે, એની પરીક્ષા કોણે કરી.. ધવલશેઠે કરી. તો પરીક્ષક હોય, એટલે ગુરુ કહેવાય. ગુરુ તો ઉપકારી જ કહેવાય. શું દ્રષ્ટિ હતી! અને એથી પણ આગળ જાઓ… કશું જ ધવલશેઠે ન કર્યું હોય, કોઈ પણ વ્યક્તિએ કશું જ ન કર્યું હોય, તો પણ એના પ્રત્યે પ્રેમ, એના પ્રત્યે આદર ઉભરાય.
જેના માટે પંન્યાસજી ગુરુદેવ શબ્દ વાપરતાં: reverence for the life. ચૈતન્ય પ્રત્યેનું સમાદર. એક કીડીને જોતા, કરુણાનો ભાવ આવે છે. પ્રેમનો ભાવ છલકાય છે… એ કીડી તમારા કરતાં વહેલા મોક્ષે ન જવાની હોય, સામાન્યતયા આપણે ત્યાં એક વાત છે કે દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ. અને ગુણોથી જે અધિક હોય, એમના પ્રત્યે પ્રમોદભાવ. હું પ્રમોદ ભાવનું વિસ્તરણ કરું છું. કે જેટલા પણ સાધકો તમારા પરિચિત છે, એ દરેક પર તમને પ્રમોદ ભાવ થવો જોઈએ. કે આમની સાધના કેટલી સરસ. આમની વૈયાવચ્ચની સાધના, આમની સ્વાધ્યાયની સાધના. આમની જપયોગની સાધના. કેટલી કેટલી સાધના, આ બધાની કેટલી સરસ છે.
તો શ્રીપાલ કુમારના મનમાં; reverence for the life છે. ચૈતન્ય પ્રત્યેનો સમાદર. પંન્યાસજી ગુરુદેવ કહેતાં કે અનંત કાળથી પ્રભુની આશાતના આપણે ૨ રીતે કરી છે. એમની આજ્ઞાઓ ન માની એ તો છે જ.
પણ એક વિશેષ લયમાં પંન્યાસજી ગુરુદેવ કહે છે કે આપણે પ્રભુની ૨ આશાતના કરી છે. જડ પ્રત્યે રાગ કર્યો, ચેતના પ્રત્યે શત્રુભાવ કર્યો. આ આપણે કરેલી પ્રભુની મોટામાં મોટી ૨ આશાતના. પ્રભુની આજ્ઞા છે, દરેક પર તું મૈત્રીભાવ કર, એ પ્રભુની આજ્ઞા ન માની; આશાતના થઇ ગઈ. તો અનંત જન્મોથી પ્રભુની આશાતના આપણે કરતા આવ્યા છીએ. આ જન્મમાં એ આશાતના ના પાપમાંથી મુક્ત થવું છે. જડ પ્રત્યે ઉદાસીન દશા. ચૈતન્ય પ્રત્યે મૈત્રીભાવ.
જ્યાં ચૈતન્ય છે, ત્યાં તમારો મૈત્રીભાવ. એક માણસ, એની કાયા કોડથી કદાચ કોધથી કદાચ વ્યાપ્ત થઇ ગયેલી હોય. કુષ્ઠ રોગી હોય, ઘરમાં એને કોઈએ રાખેલો ન હોય, બહાર મૂકી દીધો હોય, એવા ને પણ તમે જુઓ, ત્યારે તમને એના પ્રત્યે પ્રેમ ઉપજે. કરુણા ઉપજે એમ નહિ, પ્રેમ ઉપજે. અને તમે તમારાથી બનતી બધી જ સેવા એની કરો. તો reverence for the life. જ્યાં ચૈતન્ય છે; ત્યાં સમાદર. આ જ પૂર્ણ મન.
અપૂર્ણ મનમાં બીજાનો સ્વીકાર નથી. જેની – જેની પાસે અપૂર્ણ મન છે, એની પાસે એનો હું એટલો તો પહોળો ને લાંબો હોય છે કે એના હૃદયમાં હું સિવાય બીજા કોઈ માટે જગ્યા રહેતી જ નથી. એ ગમે ત્યાં આવે મેં આમ કર્યું ને મેં આમ કર્યું. હું આમ હતો ને હું આમ હતો. એના હૃદયમાં બીજા કોઈનો પ્રવેશ છે જ નહિ. આપણે એ ભૂમિકાએ જવું છે, જ્યાં બધાનો પ્રવેશ આપણા હૃદયમાં છે. અને આપણે કેન્દ્રમાંથી હટી અને પરિઘ માં જતા રહીએ.
બાકી હું કેન્દ્રમાં અનંતા જન્મોથી રહ્યો. એક નાનકડું કામ સારું તમારાથી થયું હોય, એને record કેટલી વગાડો તમે…. મેં સંઘ કઢાવેલો ને આમ હતું. મેં સંઘ કઢાવેલો ને આમ હતું. મેં ઉપધાન કરાવેલા ને આમ હતું. અરે ભાઈ હું ને મુક ને પણ…..
એટલે જ જ્યાં સુકૃતના અનુમોદના ની વાત આવી ને, ત્યાં હરીભદ્રસૂરિ મહારાજે પંચસૂત્ર ટીકામાં સ્પષ્ટ લખ્યું, “પરકૃત સુકૃતાનાં અનુમોદના.” બીજાએ કરેલી સુકૃતોની અનુમોદના કરવાની. તમે કરેલ સુકૃતોની નહિ. કારણ આખી તમારી દ્રષ્ટિ અલગ છે. તમારા દ્વારા થયું કંઈક તો તમે માનો છો કે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. પ્રભુએ મારા હાથે આ કામ કરાવ્યું. મારું કર્તૃત્વ તો છે જ નહિ. તો તમારું કર્તૃત્વ જ નથી, તો હું ક્યાંથી આવશે.
એના માટે હું એક નાનકડો practical approach આપું છું. ૧૦ ગાથા તમે કરી, ૧૦ ગાથા કર્યા પછી ભગવાનનો ફોટો છે કે ઘર દેરાસર તમારે ત્યાં છે, ત્યાં જાઓ અને પ્રભુને કહો, કે પ્રભુ તે ૧૦ ગાથા કરાવી, તને અર્પણ કરું છું. પણ ધારો કે એક કલાક તમે ગોખ્યુ, એક પણ ગાથા ન થઇ. તમે કોઈ વિચારોમાં ખોવાયેલા હતા, mood less હતા, એક કલાક ગોખ્યું એક ગાથા ન થઇ. તો પણ તમે પ્રભુની પાસે જશો. અને પ્રભુનો આભાર માનશો. કે પ્રભુ તે જ્ઞાનાચાર નું પાલન તો કરાવ્યું. અતિચારમાં બોલો છો… અકાળે ભણ્યા, કાળે ભણ્યા નહિ. બરોબર ને. સ્વાધ્યાય માટે જે વિકાળ પીરીયડ છે, એમાં ભણવાનું નથી. પણ જે સમયે સ્વાધ્યાય કરવાનું કહ્યું છે, એ સમયે તમે રોજ ન ભણો, તો રોજ તમને જ્ઞાન નો અતિચાર લાગે. જેમ પ્રભુનું દર્શન ન કરો તો ચાલે… એમ જ્ઞાન ન ભણો તો જ્ઞાનનો અતિચાર રોજ લાગે તમને. ૧૦ – ૧૫ મિનિટ પણ તમારે ગોખવું જોઈએ. તો ૧૦ ગાથા થઇ, તો પ્રભુને અર્પણ કરો. સિદ્ધિતપ થયો, પ્રભુને કરીશું. છેલ્લા દિવસે એ વિધિ રાખશું જેમાં આપણે બધા જ સિદ્ધિ તપના તપસ્વીઓ ની સાથે જઈશું અને મુનિસુવ્રત દાદાના ચરણોમાં આ તપને અર્પણ કરીશું.
શક્રસ્તવમાં લખ્યું છે છેડે, “गृहाणास्मत्कृतं जपम्” ૧૦૮ વાર જપ કરવાનો હોય છે: “ॐ ह्रीं श्रीं अर्ह नमः” એ જપ કર્યા પછી શું કહે છે, “गृहाणास्मत्कृतं जपम्” – પ્રભુ મેં જે જપ કર્યો છે, એને તું સ્વીકારી લે. એટલે તમે જે કરો છો, એમાં તમારો અહંકાર નહિ ઉછળે. કારણ; પ્રભુએ તમને નિમિત બનાવ્યા. તમે કંઈ કર્યું છે નહિ. પણ બીજાના સુકૃતો જોવો, ત્યાં તમે એની અનુમોદના કરી શકો કે વાહ! તમે બહુ સરસ કર્યું. સિદ્ધિતપ ના તપસ્વીઓ ની અનુમોદના કરી શકો. સંઘ ઉદાર છે અને એટલે સંઘે નક્કી કર્યું છે કે સિદ્ધિતપના તપસ્વીઓનું બહુમાન વિગેરે કોણ કરે… એનો ચડાવો બોલાવવામાં આવશે. જે ચડાવો લે, એને એ લાભ મળે. બીજા બધાને અનુમોદના દ્વારા લાભ મળે. ચડાવો લે એને સીધું જ તિલક કરવાનો કે હાર પહેરાવાનો લાભ મળે. તો એ શું છે.. હું તપશ્ચર્યા કરી શકતો નથી, પણ તમે તપશ્ચર્યા કરી છે, તમારું હું બહુમાન કરું છું અને એટલા માટે કે તપ ધર્મ આડેનો મારો અવરોધ તૂટી જાય. હું તપ કરી શકતો નથી. પણ તપસ્વિની ભક્તિ એવી રીતે કરું કે મારો તપધર્મનો અવરોધ દૂર થઇ જાય.
અમારા ત્યાં ઘણા મહાત્મા એવા હોય છે, જેમનો જ્ઞાનાવરણીય નો ક્ષયોપશમ તીવ્ર હોય. કલાકમાં ૧૦૦ ગાથા કરે એવા. કેટલાક એવા પણ હોય, કે જેમનો જ્ઞાનાવરણીય નો ક્ષયોપશમ તીવ્ર ન હોય. તો જેમનો જ્ઞાનાવરણીય નો ક્ષયોપશમ મંદ છે, એ મહાત્માઓ શું કરે..? તીવ્ર ક્ષયોપશમ વાળાની ભક્તિ કરે. અને એ તીવ્ર ક્ષયોપશમ વાળાની ભક્તિથી, એનો પણ ક્ષયોપશમ મંદ માંથી તીવ્ર બની જાય. વૈયાવચ્ચને તો હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના કહું છું. હું સ્વાધ્યાય કરું, એમાં હું એકલો છું. પણ હું વૈયાવચ્ચ કરું છું, એક કે બે કે ચાર મહાત્માની, તો એ મહાત્માઓનો આશીર્વાદ મારી સાધના ને મળે છે. અને મારી સાધના ઉચકાય છે. પેલામાં મારે જાતે મહેનત કરવી પડતી હતી. આમાં એ મહાત્માઓનો જે આશીર્વાદ છે, એ જ આપણી સાધનાને uplifted કરી દે.
તો પૂર્ણ મન. બરોબર… પૂર્ણ મન થયું એટલે બધા પૂર્ણ દેખાય. કાલે આપણે વાત કરતા હતા ને, આનંદ… અત્યારે સુખ – દુખની ઘટમાળ માં છો. જવું છે ક્યાં… આનંદમાં… તો એના માટે શું કરવું પડે… પૂર્ણ આનંદમય જે સદ્ગુરુઓ છે, એમના ઉપનિષદમાં જવું પડે.
એક બહુ પ્યારી કથા છે. એક માણસ એક નગરમાં રહે, ઝુંપડપટ્ટીમાં. કોઈ નોકરી કે ધંધો એને મળતો નથી. ખાવાના સાશા છે. એકલો જ છે. એકવાર એને થયું કે આવા જીવનનો શું અર્થ… ન રહેવાનું ઠેકાણું, ન ખાવાનું ઠેકાણું, ત્યાં એને સમાચાર મળ્યા, કે નગરથી દૂર ૩ કી.મી. જંગલ છે. અને જંગલમાં એક યક્ષ છે. યક્ષ બહુ પ્રભાવશાળી છે. ૩ દિવસ તમે ભૂખ્યા, તરસ્યા ત્યાં બેસી રહો, આપણી ભાષામાં અટ્ઠમ કરે, તો યક્ષ પ્રસન્ન થાય. આને થયું આમેય ખાવાનું મળતું નથી. તો હાલો ત્યારે, બેઠા કરતા બજાર ભલી. એ ત્યાં પહોંચ્યો. પહેલો દિવસ ન ખાવું ને ન પીવું. યક્ષને કહી દીધું હતું કે તુ પ્રસન્ન થઇ જા. ત્રીજી રાત્રે યક્ષ પ્રસન્ન થયો. અને એણે કહ્યું કે માંગ, માંગ માંગે તે આપું.. તમારી પાસે અડધી રાત્રે આવો કોઈ દેવ આવે, અને કહે માંગ માંગ માંગે તે આપું… લીસ્ટ તૈયાર. શું માંગો… શું માંગો… મને મહાવિદેહમાં લઇ જા. સીમંધર ભગવાનનું દર્શન કરાવ. એ યાદ આવ્યું… આ ફ્લેટમાં ઠેકાણું નથી. મોટો luxurious flat અપાવી દે. કરોડ બે કરોડ રૂપિયા આપી દે. યક્ષ કહે છે માંગ, માંગ માંગે તે આપું.. પેલાને એ વખતે મુશ્કેલી થઇ. કારણ કે મનમાં પહેલા હતું કે યક્ષ પ્રસન્ન થાયે ખરો, ન પણ થાય. પણ પ્રસન્ન થાય તો શું માંગવું? એ નક્કી નહિ કરેલું… કારણ ચાલો પૈસા માંગી લઈએ, પણ તબિયત બરોબર ન હોય તો પૈસાનું શું કરવાનું… બટકા ભરવાના. તો પૈસા પણ જોઈએ, અને સ્વાસ્થ્ય પણ જોઈએ. એ ૨ હોય પણ સમાજમાં પ્રતિષ્ઠા ન હોય તો શું કરવાનું…? એ ૩ હોય અને સંતાન ન હોય તો શું કરવાનું… એટલે મૂંઝાણો કે યક્ષ માંડ માંડ પ્રસન્ન થયો છે, ૩ દિવસ ભૂખ્યો તરસ્યો રહ્યો, ત્યારે યક્ષ પ્રસન્ન થયો છે. હવે એવું માંગવું કે આખી જિંદગી બીજું માંગવું ન પડે. એટલે યક્ષને ને કહ્યું, મને ૧૫ દિવસની મુદત આપો ૧૫માં દિવસે તમારી પાસે આવીશ અને માંગીશ. યક્ષ કહે તથાસ્તુ. પેલો તો ગયો સવારે પોતાને ગામ.
હવે એના મનમાં એક જ વાત છે કે નગરમાં સુખીમાં સુખી જે માણસ હોય, એને બરોબર ધ્યાનથી જોઈ લઉં. અને એ ખરેખર સુખી હોય, તો એના જેવું readymade સુખ માંગી લઉં. એટલે કંઈ બાકી ન રહે. એટલે નગરના નંબર ૧ કહેવાતાં શ્રેષ્ઠીને ત્યાં ગયો, મોટી દુકાન, ઘર પણ સાત માળની હવેલી જેવું, એક ટંકે ૮ – ૧૦ મહેમાનો જમતા હોય સાથે, દુકાનમાં પણ ૨૫ – ૫૦ મુનિમો ચોપડા ચીતરતાં હોય, મજુરો માલ પટકતા હોય, શેઠ ખાલી બેઠેલા હોય, બે જણા પંખો નાંખતા હોય, એને થયું કે આ શેઠ બરોબર સુખી લાગે છે. હવે એને અંદર તો પ્રવેશ મળે નહિ. કપડા ફાટેલાં… મુફ્લીશ જેવો માણસ. એટલે દુકાનના ઓટલે બેઠો બેઠો જોવે છે. શેઠની નજર પડી. શું એ જમાનાના માણસો હતા. શેઠે જોયું, કોઈ ગરીબ માણસ છે. અને મારી દુકાનના ઓટલે બેઠો છે. મારા ઘરે કે મારી દુકાને કોઈ પણ વ્યક્તિ આવે, એ ખાલી હાથે પાછો ન જવો જોઈએ. નક્કી છે ને…
તો શેઠે એક મુનીમ ને કહ્યું, પેલા ભાઈને જરા બોલાઈ લાવો ને… પેલો તો અંદર ગયો… શેઠની સામે બેઠો હાથ જોડીને… શેઠ કહે કે તારે શું જોઈએ બોલ… જમવાનું જોઈએ તો જમવાનું આપી દઉં. તો કે હા સાહેબ જમવાનું બાકી છે. તરત જમાડી દીધો… એને… હવે શું જોઈએ બોલ… ૨૦૦૦ – ૫૦૦૦ રૂપિયા જોઈતા હોય ધંધા માટે તો એ આપું. તારે જે જોઈતું હોય એ બોલ. મારે આંગણે થી કોઈ ખાલી હાથે પાછું જતું નથી. એટલે પેલાએ કહ્યું, સાહેબ ગઈ કાલે તમે પૂછ્યું હોત ને તો માંગી જ લેવાનો હતો. પણ હવે માંગવાનું નથી. કેમ કે યક્ષરાજ મારા ઉપર પ્રસન્ન થયા છે, અને એ મને હું જે માંગું, તે આપવા તૈયાર છે. મારે તો એટલું જ જાણવું છે, કે તમે ખરેખર સુખી છો ને…? શેઠને ખ્યાલ આવી ગયો, કે બહારથી મારો વૈભવ સરસ દેખાય છે અને એટલે આને ઈચ્છા થઇ ગઈ છે કે આવું સુખ માંગી લઉં. શેઠે ના પાડી.
શેઠે કહ્યું, મારા જેવું સુખ નહિ માંગતો. સાહેબ પણ તમારા ઘરે જઈને આવ્યો, સાત માળની હવેલી. હાથી ઝૂલે, તમારા ઘરના આંગણે… મહેમાનો આમ જતાં હોય, ને આવતાં હોય, શું તમારા ઘરનો ઠાઠ. શું તમારી દુકાનનો ઠાઠ. હવે બાકી શું છે આમાં. આજના યુગમાં સર્વશ્રેષ્ઠ ગણાય, એ બધું તમારી પાસે છે. ત્યારે એમણે કહ્યું ભાઈ! આ બધું હોવા છતાં સંતાન નથી. સંતાન નથી, ત્યાં સુધી ય વાંધો નથી. કારણ કે હું જૈન છું, કર્મ માં માનું છું. કે મારા કર્મમાં નહિ હોય, તો નહિ મળ્યું હોય મને. એટલે મને એનું પણ કોઈ દુઃખ નથી. આ મારી સંપત્તિ છે, એને ધર્મ માર્ગમાં હું વાપરી જ રહ્યો છું. લાખ, બે લાખ, પાંચ લાખ, દશ લાખ વાપરતો જ જાઉં છું. તો સૌથી મોટી તકલીફ એ છે કે મારે સંતાન નથી. અને સગાં – વ્હાલા બહુ છે. બધાની નજર મારી સંપત્તિ ઉપર છે. એટલે બધા એક જ વિચાર કરે છે કે આ ડોશો ક્યારે મરે. અને ક્યારે એની સંપત્તિ અમે વહેંચી લઈએ.. એકવાર તો રસોઈયા ને ફોડીને મારા ભોજનમાં ઝેર પણ નાંખવામાં આવેલું. પણ સદ્ભાગ્ય કે એ દિવસે મેં ઉપવાસ કરેલો. એટલે હું બચી ગયેલો. ખબર એ રીતે પડી કે કુતરું ભૂલથી એ થાળી પાસે ગયું અને કુતરાએ થોડું ખાધું ને મરી ગયો. એટલે ખ્યાલ આવી ગયો કે એમાં ઝેર નાંખેલું હશે. ત્યારથી હું બહુ સચેત રહું છું. ૩ time મારે જમવાનું હોય, ત્યારે પહેલા કુતરા જે છે એ ભોજનનો test કરી લે, એમને કંઈ ન થાય પછી જ એ ભોજન મારે જમવાનું હોય છે. રાત્રે પણ નિરાંતે ઊંઘ નથી આવતી, કે એ લોકો કોઈ ગુંડા ને મોકલશે તો રાત્રે…. ૪ કુતરા પલંગ ના ૪ પાયે બાંધી રાખું છું. કોઈ માણસ ઉપર હવે મને વિશ્વાસ નથી. આ કુતરા ઉપર થોડો વિશ્વાસ છે. પણ છતાં કુતરા પણ જે છે એને કોઈ બેભાન બનાવી દે, અને મને મારી નાંખે તો…એટલે આખી રાત ફફળાટમાં કાઢું છું, એટલે મારા જેવું સુખ માંગતો નહિ. ચાલો તમારા નામ ઉપર ચોકડી.
નંબર ૨ નો શેઠ એને ત્યાં પહોચ્યો… એની પણ દુકાનની બહાર ઓટલે બેઠો. એનું પણ બધું જોવે છે. ટોપ મોસ્ટ લાગે છે. શેઠની નજર પડી બોલાવ્યો. અંદર ગયો, વાત કરી કે યક્ષ પ્રસન્ન થયા છે અને હું જે માંગું તે મને આપવાના છે. હવે મને એમ થાય કે આ માંગું ને આ રહી જાય, આ માંગુ ને આ રહી જાય. એના કરતા તમારા જેવું સુખ માંગી લઉં. કે આ મગનલાલ શેઠ છે કે એના જેવું સુખ મને મળો. એટલે મારે કંઈ બાકી ન રહે. શેઠને જ્યારે ખબર પડી કે આ મારા જેવું સુખ માંગી રહ્યો છે. કેટલા એ લોકો હમદર્દ હશે. પોતાની ખાનગી વાત એક સામાન્ય માણસને કહેવી શક્ય ખરી…. માંગે તો માંગે, મારા બાપનું શું જાય.
અત્યારે છે ને મોટામાં મોટો દુષ્કાળ પડ્યો હોય, તો સંવેદના નો પડ્યો છે. આજનો માણસ સવારના ટી.વી. ના પ્રોગ્રામ માં જોઈ રહ્યો છે. કે ધરતીકંપ થયો છે ક્યાં? Sky scraper buildings નીચે પડી રહી છે. Ambulance દોડી રહી છે. લોકોની ચિચિયારીઓ સંભળાય છે. કેટલાય લોકો દટાઈ ગયા છે. Building ના કાટમાળમાં. એ જોતો રહે છે અને ચા ની ચૂસકી લેતો રહે છે. ક્યાં ગઈ સંવેદના….
એ જમાનો હતો, ૧૦૦ વર્ષ પહેલાનો, એક યુવાન માણસ અકાળે મરી જાય, આખા ગામમાં કોઈ જમી ન શકે. એટલો હ્રદયમાં શોક લાગતો. આજે હૃદય સંવેદના હીન બની ગયું. તમે શું આપો, શું ન આપો એ મહત્વનું નથી. પણ સંવેદના તમારી પાસે હોય, એ મહત્વનું છે.
એક બહુ શ્રીમંત માણસ, morning walk માટે નીકળેલો. રસ્તામાં એક ભિખારી મળ્યો. એની ટેવ હતી. જે પણ ભિખારી મળે, નોટોનું બંડલ ખિસ્સામાં હોય જ, જે પણ નોટ પહેલી હોય, એ આપી દેવાની. જોવાનું નહિ, ૨૦૦૦ ની હોય, ૨૦૦૦ ની આપી દેવાની. તો ભિખારી સામે મળ્યો. રોજના નિયમ પ્રમાણે એણે ખિસ્સામાં હાથ નાંખ્યો. પણ morning walk માટે નીકળેલો. Morning walk નો dress પહેરેલો. એમાં નોટોનું બંડલ હતું નહિ. છતાં એણે તપાસ કરી. આ ખિસ્સામાં હાથ નાંખ્યો ન મળ્યું, આ ખિસ્સામાં ન મળ્યું, કોર્ટમાં ખિસ્સામાં હાથ નાંખ્યો ન મળ્યું… એ વખતે ભિખારીએ બહુ સરસ કહ્યું, એ કહે કે સાહેબ! તમારો આપવાનો ભાવ છે ને મને સ્પર્શી ગયો છે. અને પછી એ ભિખારીએ કહ્યું, સાહેબ કેટલાક લોકો આવે છે, અમે બેઠા હોઈએ ક્યાંક મંદિરની બહાર થાળીમાં ઘા કરે છે પૈસા… એ ઘા થાળીમાં નહિ, અમારા હૃદયમાં થાય છે. શું અમે માણસ નથી. તમે અમને માણસથી પણ હીન માનો છો. પણ આજે આનંદ આવ્યો, ભલે આપ એક પૈસો ન આપી શક્યા, પણ તમારો જે આપવાનો ભાવ હતો. એ આપવાનો ભાવ મને સ્પર્શી ગયો.
પેલો નંબર ૨ ના શેઠ પાસે બેઠો. એણે પણ કીધું મારે તકલીફ મોટી છે. દીકરો ૧૬ વર્ષનો છે. ભણવા માટે મુક્યો અને એના માટે ખાસ શિક્ષકો રોક્યા, પણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ બિલકુલ નથી. એટલે માંડ કક્કો બારખડી લખતાએ આવડતું નથી. અને આમ પણ સાવ ભોળો ભટ્ટ છે. એટલે મને એટલી બધી ચિંતા એની છે કે હું મરી જાઉં… અચાનક મરી જાઉં કદાચ, કરોડો રૂપિયા એના હાથમાં આવશે. પણ એના હાથમાં એક પણ પૈસો નહિ રહે. બધા આજુબાજુવાળા એના friends છે, એ લઇ જશે. કારણ કે સાવ ભોળો છે. એટલે સતત મારા દીકરાની ચિંતાથી વ્યગ્ર છું. એટલે બહારથી સારું લાગે છે. મારા મનમાં ૨૪ કલાક સતત સતત સતત મારા દીકરા માટેની ચિંતા ઉછળી રહી છે. ૧૪ દિવસ સુધી એ માણસ ફર્યો. એકેય શ્રેષ્ઠી એવો ન મળ્યો કે જેણે કહ્યું કે હું સુખી છું. ઘાટકોપર વેસ્ટમાં એ નહિ આવેલો હોય, એ માણસ ઘાટકોપર વેસ્ટમાં આવેલો. કદાચ તમારી પાસે આવેલો હોય તો તમે શું કહેત. હું સુખી છું, એમ કહેત.
૧૪ દિવસ થઇ ગયા… કારણ કે ૧૫માં દિવસે તો યક્ષ પાસે માંગવાનું છે, તો કહે કે બીજા નગરમાં જાઉં એ નગરની બહાર નીકળ્યો, જંગલ આવ્યું. જંગલમાં એક મુનિરાજ. એક વૃક્ષ નીચે બેઠેલા. એક આ વસ્ત્ર. એક આ વસ્ત્ર. રજોહરણ બાજુમાં. ધ્યાનમાં બેઠેલા. એકાદ પાત્ર બાજુમાં હતું. પેલા માણસને હવે ચહેરા જોવાની કળા પ્રાપ્ત થઇ ગયેલી. કે ચહેરો જોઇને ખબર પડી જાય. એટલે એને લાગ્યું કે આ માણસ સુખી છે. એનો ચહેરો કહે છે કે પરમ સુખમાં છે. બેસી ગયો ત્યાં. મ.સા. નું ધ્યાન પૂરું થયું આંખ ખોલી. ત્યારે એણે પૂછ્યું સાહેબ, તમે સુખી છો..? મુનિરાજ કહે છે, પરમ સુખી. પેલો કહે, કે હા મને પણ લાગે છે તમે પરમ સુખી છો. પછી એણે પૂછ્યું, તમે મૂળ ક્યાંના આમ…? અને તમારો બંગલો ક્યાં? તમારી દુકાન ક્યાં? તમારી વાડીઓ ક્યાં? કારણ કે એના મનમાં પેલી વાત તો હતી જ. કે પૈસા જેટલા વધારે એટલું સુખ. તમારા મનમાં આવી વાત તો છે જ નહિ….
યાદ રાખો, અહીંયા પૈસાની કોઈ કિંમત નથી. તમારા પૈસાની કિંમત અહીંયા નથી. આગળ કોણ બેસશે. સામાયિક લઈને બેઠેલા. તમે પાછળ. મારી સભામાં કરોડપતિ આવે કે અબજોપતિ આવે, પાછળ આવ્યો તો પાછળ જ બેસી જાય. અહીંયા અબજોપતિની કોઈ કિંમત નથી. પણ હા, તમે જ્યારે દાન કરો છો કે ભાઈ કરોડ રૂપિયા આ સંસ્થાને, કરોડ રૂપિયા આ સંસ્થાને,…. ત્યારે તમને અમે લોકો ધન્યવાદ આપીએ પણ એ પૈસાને કારણે નહિ. ત્યાગને કારણે…
પણ હું ખાસ ઈચ્છું છું કે હવે તમારે પૈસાનો વિન્મય ક્યાં કરવો જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે. કે સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્ર સીદાતું હોય, એ ક્ષેત્રમાં જ શ્રાવકે પોતાના ધનનો ઉપયોગ કરવો જોઈએ. તમને ખ્યાલ ન આવે તો ગુરુદેવને પૂછો. તમારે કરોડ રૂપિયા ખર્ચવા છે. તો સાહેબ મારે કરોડ રૂપિયા ખર્ચવા છે. મારે સારામાં સારો લાભ કંઈ રીતે મળે. કયાંક કોઈ ઉપાશ્રય બનાવવાનો હોય, કે ૧૨ મહિના લોકો આરાધના કરતા હોય, તો એનો મને લાભ મળે. ક્યાંક વિહારધામ બનાવાવનું હોય, ક્યાંક સાધર્મિકોની સેવામાં મારે આપવાનું હોય.
ગુરુદેવ નામ કેવી રીતે આવે, એની જોડે મારે કોઈ સંબંધ નથી. નામ વગરનું દાન કરવું છે. પણ એવી રીતે કરવું છે કે properly એ પૈસા વપરાય. એટલે દાન કરો, પણ સદ્ગુરુને પૂછી ને કરો. તમારી ઈચ્છાથી નહિ. અને તમારી ઈચ્છાથી કદાચ કરવું હોય, તો પણ શું કરવાનું, એક ગુરુદેવ છે તમારે ઉપધાન કરાવવા છે એમની નિશ્રામાં, ઉપધાન કરાવો ૫ – ૭ કરોડ તમે એવા વાપરો. પણ તમે ગુરુદેવને કહો કે સાહેબ આ ૫ – ૭ કરોડ તો વાપરું છું, પણ મારે એક કરોડ એ રીતે વાપરવા છે કે નામ વગર… કે જ્યાં બહુ જ એનો ઉપયોગ થતો હોય. એટલે ૭ કરોડ ભેગા ૮ કરોડ… પણ ૧ કરોડ ગુપ્ત રીતે મારે વાપરવા છે. મને વધુમાં વધુ લાભ મળે એ રીતે… પૂરું દાન ગુપ્ત રીતે કરી શકો તો better. આવી રીતે કરો તો પણ ૧૦%, ૨૦% એવું રાખો કે સદ્ગુરુ કહે એ રીતે મારે વાપરવા છે.
તો પેલાનો ભાવ એકદમ વધી ગયો, પૂછે છે મ.સા. તમારી દુકાન ક્યાં? હવેલી ક્યાં? વાડીઓ ક્યાં? તો કહે કે બધું આમાં આવી ગયું. બધું આમાં આવી ગયું. શું કહો છો, તમારી પાસે આટલું જ છે. બે કપડા, બે પાત્ર, અને આ તમારું ઉપકરણ. બીજું કંઈ જ તમારી પાસે નથી. સાચી વાત…. તો કહે કે સાચી વાત. અને તો ય તમે સુખી? મ.સા. કહે એટલે જ સુખી. એટલે જ સુખી છું.
અને એ માણસ, એને અનુભવ થઇ ગયો. કે અબજોપતિઓને મળ્યો. કરોડોપતિઓને મળ્યો. બધા દુઃખી છે. સુખી આ મ.સા. એક જ છે તો કે સાહેબ મને તમારા જેવો બનાવી દો. હવે મારે યક્ષ પાસે જવાનું કામ નથી. ગુરુ મહારાજ કહે એમ કંઈ દીક્ષા આપી ન શકાય. તારે અમારી જોડે રહેવું પડે ૧ -૨ વર્ષ. અભ્યાસ કરવો પડે. તમે કહો એમ કરું, પણ હવે મારે ક્યાંય જવાનું નથી. હવે તમારા જ ચરણો એ જ મારું શરણું છે. એને ૧૫ દિવસમાં અનુભવ થઇ ગયો.
તમને…..
હવે અનુભવ કરજો…