વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : *તપધર્મની અનુમોદના*
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩૪
ચાતુર્માસમાં એક ગામમાં ગુરુ ભગવંત પધારેલા એમની નિશ્રામાં આરાધનાની ધારા શરુ થઇ ગઈ. પહેલો જ સમૂહ અટ્ઠમ તપ આવ્યો. અટ્ઠમના ત્રીજા દિવસે બધા જ આરાધકોનું સન્માન કરવાનું હતું. ચડાવાની શરૂઆત થઇ? એક ભાઈએ બહુ જ મોટી રકમનો ચડાવો લઇ એ લાભ લીધો. એક પછી એક આરાધકો આવતાં ગયા. એ ભાઈ એમનું સન્માન કરતા ગયા. એમાં એક ૫ વર્ષની દીકરી આવી. એને પણ અટ્ઠમ કરેલો. અટ્ઠમનો ત્રીજો દિવસ પણ એના ચહેરા ઉપર કોઈ તપશ્ચર્યા ની અસર ન દેખાય. ફૂલ ગુલાબી એનો ચહેરો. પ્રભુની કૃપાથી સાધના થાય છે. સદ્ગુરુના આશીર્વાદથી સાધના થાય છે. તમારે તો માત્ર સંકલ્પ જ કરવાનો હોય છે. એ દીકરી સન્માન માટે આગળ આવી. એ ભાઈ અને એમના પત્ની બેઉ સન્માન માટે ઉભેલા હતા. એ ભાઈએ એ દીકરીને ઊંચકી લીધી. અને કહ્યું બેટા! મારા માથા ઉપર હાથ મુક. મને આશીર્વાદ આપ. દીકરી બહુ શાણી હતી. એણે કહ્યું uncle તમે તો બહુ મોટા છો. તમે મને આશીર્વાદ આપો કે અત્યારે અટ્ઠમ કર્યો છે, પર્યુષણમાં હું અટ્ઠાઈ કરું. આશીર્વાદ તો તમારે આપવાનો હોય, હું શી રીતે આપું. પણ એ ભાઈએ દીકરીનો હાથ પકડી પોતાના માથા ઉપર રખાવી દીધો. એ વખતે એ ભાઈની આંખોમાં આંસુ, ગળે ડૂસકાં કે બેટા! અટ્ઠાઈ ઘરનો દિવસ હોય કે સંવત્સરી મહાપર્વ નો દિવસ હોય મારે નવકારશી જ કરવાની હોય છે. શરીરથી પણ નબળો છું. મનથી પણ નબળો છું. તારો આશીર્વાદ એટલા માટે ઈચ્છું છું કે તપ આડેનો મારો જે અવરોધ છે, અંતરાય છે એ તૂટી જાય.
આ બનેલી ઘટના છે. અને જે ભાઈ સંવત્સરી મહાપર્વ ના દિવસે બિયાસણું પણ કરી શકતા નહોતા… માત્ર નવકારશી કરતા હતા. એમણે એ પર્યુષણમાં અટ્ઠાઈ કરેલી.
આજે સિદ્ધિતપના તપસ્વીઓના સન્માન વગેરેના ચડાવા છે. પણ એ ચડાવાની પાછળ ઉદેશ્ય એક જ છે. કે તમે તપધર્મને સારી રીતે કરી શકો. સંઘની ઉદારતા કે સંઘે બધાના માટે આ ચડાવા ખુલ્લા મૂકી દીધા છે. બસ તમે લાભ લો. અને તપધર્મને આડે કોઈ તમારો અંતરાય હોય, તો એ અંતરાય તૂટી જાય. અને નાની નાની તપશ્ચર્યા કરતા હોવ, તો મોટી તપશ્ચર્યા સુધી પહોંચી જાવ એના માટે આ ચડાવા છે.
અને હવેનું વ્યાખ્યાન તમારું.
Good lesson