Anandghanji Ne Sathvare – Vachana 36

893 Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : મંત્ર ચૈતન્ય

આનંદઘનજી ભગવંત જેવી વિરલ વિભૂતિ જ્યારે શબ્દો આપે છે, ત્યારે એ શબ્દો મંત્રમાં ફેરવાઈ જાય છે. આનંદઘન ચોવીશી એ શબ્દોનો સમૂહ નહિ, મંત્રોનો સમૂહ છે.

મંત્ર આખરે તો શબ્દ જ છે. પણ સદ્ગુરુ તત્ત્વ એમાં ચૈતન્યને અવતરિત કરે છે. કદાચ સીધી સાદી ભાષાનું કોઈ વાક્ય હોય – ન સંસ્કૃત, ન પ્રાકૃત – પણ જ્યારે કોઈ યોગી પુરુષ એ શબ્દો આપે છે, ત્યારે એ શબ્દો માત્ર શબ્દો ન રહેતા મંત્ર ચૈતન્ય બની જાય છે.

મૂર્તિની અંદર ચૈતન્યને લાવનાર પણ સદ્ગુરુ તત્ત્વ છે. જે ક્ષણે બ્રહ્માંડવ્યાપી પરમ ચૈતન્યને સદ્ગુરુ પોતાની ચારિત્ર શક્તિથી, મંત્ર શક્તિથી મૂર્તિમાં અવતરિત કરે છે, એ ક્ષણે એ મૂર્તિ માત્ર મૂર્તિ ન રહેતા સાક્ષાત ભગવાન બની જાય છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદઘનજી ભગવંત જેવી વિરલ વિભૂતિ જ્યારે શબ્દો આપે છે. ત્યારે એ શબ્દો મંત્રમાં ફેરવાઈ જાય છે. આનંદઘન ચોવીશી એ શબ્દોનો સમૂહ નહિ, મંત્રોનો સમૂહ. આપણી પરંપરામાં બે શબ્દો છે. મંત્રચૈતન્ય, મૂર્તિચૈતન્ય.

મંત્ર આખરે શબ્દ જ છે. પણ એમાં ચૈતન્યને લાવનાર સદ્ગુરુ તત્વ છે. એ જ રીતે મૂર્તિની અંદર ચૈતન્યને લાવનાર સદ્ગુરુ તત્વ છે. જયપુર થી લાવો, ત્યાં સુધી મૂર્તિ. જે ક્ષણે સદ્ગુરુએ પ્રાણપ્રતિષ્ઠા કરી, એ ભગવાન બની ગયા. જે બ્રહ્માંડ વ્યાપી પરમ ચૈતન્ય છે, એને સદ્ગુરુ પોતાની ચારિત્ર શક્તિથી, મંત્ર શક્તિથી પ્રતિમા માં અવતરિત કરે છે. જે ક્ષણે બ્રહ્માંડ વ્યાપી પરમ ચૈતન્ય મૂર્તિમાં દાખલ થયું, એ ક્ષણે મૂર્તિ, મૂર્તિ ન રહી ભગવાન બની ગયા.

મહાવિદેહ માં રહેલા સીમંધર દાદા, અને અહીંયા દેરાસરમાં રહેલા સીમંધર એકસરખું aura આપી શકે. કારણ; એમની જ ચેતનાને મૂર્તિની અંદર અવતરિત કરવામાં આવ્યું છે.

એક philosopher એ મૂર્તિ ચૈતન્ય ની વાત બહુ જ સરસ રીતે સમજાવી. આદિવાસી લોકોમાં અને બીજાઓમાં પણ એક વિદ્યા હોય છે. એ આદિવાસી લોકો કોઈના ઉપર ગુસ્સો આવ્યો એટલે સીધું એને ખતમ કરવાની વાત હોય. પણ સામેની વ્યક્તિ સમર્થ હોય, સીધી રીતે ખતમ થાય એવી ન હોય, ત્યારે એ લોકો એક પ્રયોગ કરે. માટીનું એક પુતળું બનાવે. શિલ્પી કલાકાર પણ મૂર્તિમાં facial expression લાવી શકતા નથી હોતા. સદ્ગુરુ ની મૂર્તિ જ્યારે બનાવવી હોય છે, ત્યારે ખ્યાલ આવે છે કે કુશળ શિલ્પીઓ પણ એકાદ – બે રેખા મુખની ચુકી જાય, એટલે facial expression બરોબર ન આવે.

તો આ આદિવાસી લોકો ભીની માટી કરે અને એમાંથી માણસનું પુતળું બનાવે. facial expression તો કોઈ આવવાનું નથી. પણ એમાં એ લોકો કલ્પના કરે કે આ પેલો માણસ. અને એ પછી પુતળા ઉપર જે કાંઈ કરે, એની અસર સામેની વ્યક્તિને થાય. પુતળાનું ગળું કાપી નાંખે, તો પેલી વ્યક્તિ ખતમ થઇ જાય. એનો હાથ તોડે તો accident માં પેલાનો હાથ ક્યાંય તૂટી જાય. તો માત્ર એક કલ્પના કરી, કે આ ફલાણી વ્યક્તિની મૂર્તિ છે; અને એ મૂર્તિ અને જીવંત વ્યક્તિ એ બે વચ્ચે અનુસંધાન રચાઈ જાય.

એ જ વાત અહીંયા છે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઇ, ત્યારે મૂર્તિ અને પરમાત્મા સાથે અનુસંધાન રચાઈ ગયું. તો કેટલા બડભાગી છીએ આપણે કે આ પંચમકાળમાં પણ આપણને સાક્ષાત્ પ્રભુ મળ્યા છે. હું તો મૂર્તિ શબ્દનો ઉપયોગ ક્યારે કરતો જ નથી. ભક્તની dictionary માં, ભક્તની vocabulary માં મૂર્તિ શબ્દનું અસ્તિત્વ નથી. ભગવાન.. મારા ભગવાન…

હવે મૂર્તિનું પરમાત્મા સાથે અનુસંધાન થયું. અને તમારું એ મૂર્તિ સાથે અનુસંધાન થવું જોઈએ. મારા દાદા, મારા ભગવાન એટલે તમારું એ મૂર્તિ જે ભગવાન બનેલ છે, એની જોડે અનુસંધાન થઇ ગયું. સદ્ગુરુ બધું જ કરવા તૈયાર. કેટલી કૃપા સદ્ગુરુની કે સાક્ષાત્ પ્રભુ એમણે આપણને આપ્યા. અને એ પરમાત્મા સાથે આપણું અનુસંધાન પણ સદ્ગુરુએ કરાવી આપ્યું. તો મૂર્તિ ચૈતન્યમાં સદ્ગુરુ તત્વ પ્રધાન રૂપે છે. આવું મંત્ર ચૈતન્ય નું છે. સિદ્ધયોગી પુરુષ હોય, એની પાસે કોઈ વ્યક્તિ ગઈ… સાહેબ દુઃખી છું આમ છું, તેમ છું… એ એક વાક્ય જ આપી દે. ન સંસ્કૃત હોય, ન પ્રાકૃતમાં એ વાક્ય હોય, સીધી સાદી ભાષામાં વાક્ય હોય, પણ જ્યારે આવા યોગી પુરુષ આપે છે, ત્યારે એ શબ્દ, શબ્દ ન રહેતા મંત્ર ચૈતન્ય બની જાય છે.

ઉવસગ્ગહરં સ્તોત્ર અત્યંત પ્રભાવશાળી. પહેલા પાઠ સિદ્ધ વિદ્યા એવી એમાં મુકાયેલી કે ઉવસગ્ગહરં બોલો અને દેવ હાજર થાય. પણ એ જ્ઞાની પુરુષે જોયું કે લોકો આનો દુરુપયોગ કરી રહ્યા છે, એટલે એમણે ઉવસગ્ગહરં માંથી એ શક્તિ ખેંચી લીધી. ઉવસગ્ગહરં સ્તોત્ર તરીકે રહ્યું. શ્રેષ્ઠ સ્તોત્ર. પ્રભુ મને બોધિ આપો. “તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ” પ્રભુ મારે બીજું કાંઈ ન જોઇએ. મને બોધિ – સમ્યગ્દર્શન, જિનદર્શનની પ્રાપ્તિ મને આપી દે. તો સ્તોત્ર તરીકે ઉવસગ્ગહરં શ્રેષ્ઠ રહ્યું. પણ એમાં જે શક્તિ હતી, એ શક્તિને ખેંચી લેવામાં આવી. એટલે સદ્ગુરુઓ મંત્ર ચૈતન્ય લાવી પણ શકે શબ્દોમાં અને એ ચૈતન્યને ખેંચી પણ શકે.

Living with the Himalayan masters માં સ્વામી રામે એક પ્રસંગ આલેખ્યો છે. એકવાર ગુરુ અને સ્વામી રામ જંગલમાં ફરી રહ્યા છે. ત્યાં ગુરુએ એક વૃક્ષ ઉપર એક ઔષધી જોઈ. એવી ઔષધી હતી કે જે ઘણા દર્દોમાં કામ લાગે એવી હતી. ૫૦ વર્ષ – ૧૦૦ વર્ષ પહેલાનો યુગ હતો, જ્યારે માત્ર આપણી આજુબાજુ મળતી વનસ્પતિઓ દ્વારા દવાનું આખું તંત્ર ચાલતું હતું. આખું medication ચાલતું હતું.

તો ગુરુએ જોયું; એક ઔષધી છે, ક્યારેક મળે એવી… rarest of rare. ગુરુ વૃક્ષ ઉપર ચડ્યા. એક ડાળી પાસે બેઠા અને ધીરેથી ઔષધી ચુંટવા લાગ્યા. તો સ્વામી રામે ઉપર જોયું, તો ગુરુ જે ડાળી ઉપર બેઠેલા એની બાજુની ડાળી ઉપર ભમરાઓનો મધપૂડો હતો. સ્વામી રામ ગભરાઈ ગયા. સહેજ ડાળી હલે બાજુની અને ભમરાઓ છંછેડાય તો શું…. સેંકડો હજારો ભમરાઓ તૂટી પડે. પણ નીચેથી કહેવું પણ શી રીતે? સહેજ અવાજ થાય અને ભમરાઓ જે છે એ જાગૃત થઇ જાય તો…. પણ ગુરુ ઉપર રહ્યા – રહ્યા શિષ્યના મનનો વિચાર જાણે છે. બે વાત હું ઘણીવાર કરતો હોઉં છું.

તમારી સાધનની કેફિયત, તમારે સદ્ગુરુને કહેવાની જરૂર નહિ. તમારા ચહેરાને જોઇને તમારી સાધનાનું અત્યારનું stand point ગુરુ નક્કી કરશે. અને તમે જો સમર્પિત થઇ ગયા, તો આ જન્મના છેડા સુધીમાં તમને ક્યાં પહોંચાડી શકાય, એ પણ અમારા ખ્યાલમાં હોય છે. માત્ર તમારું સમર્પણ જરૂરી છે.

જે પણ સદ્ગુરુ પ્રત્યે તમારું હ્રદય ઝુકેલું છે, એ સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણતયા ઝુકી જાવ. પછીની બધીઓ જ જવાબદારી સદ્ગુરુની છે. તમને મોક્ષ આપવાની જવાબદારી સદ્ગુરુની છે. તમારી પાસે માત્ર સમર્પણ જોઈએ. તો સદ્ગુરુ તમે ન કહો તો પણ તમારી અત્યારની સાધનાનું stand point જાણે છે. એ જ રીતે તમારા વિચારોને પણ જાણે છે. અંતર્યામી છે ને ગુરુ…. એવી એક વિરલ ઘટના- સદ્ગુરુ ચેતના રૂપે, આપણી વચ્ચે આવેલી છે, એ જેને કયા શબ્દોમાં વર્ણવી એની મુશ્કેલી પડે. એક વિરલ ઘટના – સદ્ગુરુ ચેતના – એવા સદ્ગુરુ જે પ્રભુના ચરણોમાં ઝૂકેલા છે.

આજે કોઈએ દીક્ષા લીધી. એ નવદીક્ષિત મુનિનો હાથ પ્રભુને touch થાય. કારણ, જે ગીતાર્થ ગુરુ છે આપણા, એ ગીતાર્થ ગુરુ પ્રભુની આજ્ઞાને પૂર્ણતયા વફાદાર છે. એમનું પૂરું જીવન પ્રભુમય, પ્રભુ આજ્ઞામય છે. એમનો શિષ્ય જે છે, આચાર્ય પદે હોય કે પંન્યાસ પદે હોય, એ ગીતાર્થ ગુરુ ને વફાદાર છે, અને એ ગુરુનો જે આ શિષ્ય બન્યો યુવાન – નવદીક્ષિત મુનિ, એ પોતાના ગુરુને વફાદાર. એટલે વાયા – વાયા એ નવ દીક્ષિત મુનિનો હાથ પ્રભુને touch થયો.

તમે પણ પ્રભુનો સ્પર્શ કરો છો. મેં પહેલા પણ તમને પૂછેલું કે એ સ્પર્શ કરતી વખતે શું થાય છે… સાક્ષાત્ પ્રભુનો સ્પર્શ થતો હોય, એવી feeling આવે છે? જો કે આપણા લોકોએ તો શું કર્યું, આંગીયા ચાંદીના મૂકી દીધા. હવે અમે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં કરેલી છે. ચાંદીના આંગીયા માં નથી કરેલી. તો નવ અંગમાંથી જે raise નીકળે – જે ઉર્જા નીકળે, એને તમે દબાવી દીધી. ૫૦૦ વર્ષ પહેલાંની મૂર્તિ જમીનમાંથી નીકળે છે, બિલકુલ અક્ષર… ચહેરો એટલો સરસ, અને શરીરમાં પણ ક્યાંય ડાઘ નહિ.

એક અવિધિ થઇ, એટલે બીજી અવિધિ શરૂ થઇ. ચંદન ની જ પૂજા હતી. કેસરની પૂજા હતી નહિ. ચંદન ઠંડું છે. તમે બીજી પૂજામાં પણ દુહો શું બોલો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ, આત્મ શીતલ કરવા ભણી” પ્રભુને ચંદનથી હું અર્ચું છું કેમ…? પ્રભુ તો ઠંડા છે જ, મારી જાતને મારે ઠંડી પાડવી છે. તો ચંદનની જ પૂજા હતી. પણ ક્યાંક કેસરની પૂજા ચાલુ થઇ… પછી આપણા ભક્તો, કેસર તો ઊંચામાં ઊંચું ગણાય, ચંદન તો સાવ લાકડું છે, એકદમ લાલ ઘૂમ કેસર બનાવો. એ કેસર વાપરવાને કારણે મૂર્તિની અંદર જે છે સહેજ ખાડો પડ્યો. અસર તો થાય જ, એ કેસરની ગરમીની… એ સહેજ ખરબચડું થયું, એટલે કોક બુદ્ધિશાળીએ વિચાર કર્યો કે આ ખરબચડું તો સારું લાગતું નથી. તો અહીંયા ભગવાનને તો શું મઢાય? ચાંદી સોનાથી મઢી નાંખો. અહીંયા આગળ તમે શું કરો છો..? મુગટ તો ઠીક છે, પણ અહીંયા (ગળા આગળ).. કંઠમાં હાર હોય, એ તો બરોબર છે. પણ અહીંયા આખું જાડું તમે લપેટી નાંખો છો તમે શ્રીમંત થયા, એ તો બરોબર. દેવદ્રવ્યના કરોડો રૂપિયા તમારી પાસે છે, એ પણ બરોબર. પણ પ્રભુની ભક્તિ કેમ કરવી, એ તો અમને પૂછો.

આંગી ક્યારેક કરવાનો વિચાર આવે, તો પણ એ એકદમ પવિત્ર હોવી જોઈએ. ચાંદીનું ખોખું હોય કે સોનાનું હોય… અને એ પણ આ ભાવના ભાવવા માટે કે આ બધું હોવા છતાં પ્રભુ પરમ ઉદાસીન હતા. બાકી આંગી ચડાવીએ, પછી પ્રભુનું એ રૂપ આપણને દેખાતું નથી, જે રૂપ આપણને ઉદાસીન દશાની ધારામાં મૂકી શકે. એટલે ઘણી જગ્યાએ હું દર્શન કરવા જાઉં, ત્યારે પ્રભુની આંગી જે છે એ કઢાવી નાંખું. કે ભાઈ મારે આંગી વગરના ભગવાનનું દર્શન કરવું છે. એટલે આંગી કરો, તો પણ હલકા દ્રવ્યોથી ન કરો. વરખ સીધો ચોટાડી ન દો પ્રભુના અંગ ઉપર… એ વરખ નીકળતો નથી. એ ત્યાં જ ચોટી જાય છે. કાલાંતરે પ્રભુની મૂર્તિને નુકશાન પહોંચે છે. અને એ વરખ સાચો આવે છે કે ખોટો, એ પણ આપણને ખબર નથી.

તો પ્રભુની ભક્તિ જરૂર કરો, પણ ભક્તિ વિવેક પૂર્ણ રીતે કરો. પહેલા પુષ્પ પૂજા કઈ રીતે થતી ખબર… આગળની સાંજે ફૂલોનો બગીચો હોય, એમાં શુદ્ધ કપડું પાથરી, જે ફૂલ સવારે કુદરતી રીતે નીચે પડી જાય, એ લઈ લે …. કારણ કે શુદ્ધ વસ્ત્ર ઉપર પડેલું છે, અને એ ફૂલ પ્રભુને ચડાવે. કદાચ એકદમ પાકી ગયેલું લાગતું હોય, તો આમ ધીરેથી તમે એને ચૂંટી લો. તો તમે પુષ્પ પૂજા તો કરો છો, શા માટે કરો છો? શેના માટે કરો છો? કુમારપાળ રાજાને અઢાર દેશ આપ્યા, તો મને પણ પ્રભુ કંઈક આપજે.

સ્નાત્ર પૂજામાં અભિષેક પૂજા અને પુષ્પ પૂજા બે જ આવે છે. અને એટલે બહુ સરસ પંક્તિ સ્નાત્ર પૂજામાં આવે છે. “આતમ નિર્મલ હુઈ સુકુમાલી” “આતમ નિર્મલ હુઈ સુકુમાલી” – પ્રભુના અભિષેક દ્વારા, મારો આત્મા નિર્મલ બને. એ પ્રભુની પૂજા કરતા હોવ તમે, મારા ભગવાન.. મેરૂ પર્વત ઉપર મેં પ્રભુનો અભિષેક કરેલો કે નહિ, મને ખબર નથી. પણ એ સાક્ષાત્ ભગવાન મારી પાસે આવી ગયા છે, અને એ પ્રભુનો હું અભિષેક હું કરી રહ્યો છું. એટલો બધો ભાવ તમારા હૃદયમાં હોય, આંખો ભીની – ભીની બનેલી હોય, તો શું થાય… તમારો અભિષેક થઇ જાય; તમે નિર્મલ બની જાવ. અને પુષ્પ પૂજાથી શું થાય- તમારી જાત કોમળ બને. પ્રભુ આ ફૂલ કોમળ છે, એને તારા ચરણોમાં એટલા માટે મુકું છું કે હું પણ એના જેવો કોમળ બનું. તો આવી રીતે પૂજા થાય, તો શું થાય. તમે પૂજા કરીને નીચે ઉતરો ને તમારો ચહેરો જોઈને કોઈને ખ્યાલ આવી જાય કે પ્રભુનો સ્પર્શ કરીને આવ્યો છે; આખો ચહેરો બદલાઈ જાય.

પ્રવચન સાંભળવા તમે બેઠેલા ૭ વાગે. ૮.૩૦ અહીંથી ઉઠશો. તો તમે આવ્યા ત્યારે ચહેરો જુદો હતો. જશો ત્યારે ચહેરો જુદો હશે. બરોબર… વહેલી સવારથી એક રણઝણાટી હોય, ક્યારે ૭ વાગે, ક્યારે સદ્ગુરુના શબ્દો મને મળે. અને એ સદ્ગુરુના શબ્દોને, તમે અસ્તિત્વના સ્તર પર ઝીલો. ભલે થોડા શબ્દો યાદ રહે. એકાદ જ point યાદ રહે. પણ એ થોડા શબ્દો, તમારા અસ્તિત્વને બદલી નાંખશે. હૃદયનું પ્રતિબિંબ આંખો અને ચહેરો પાડે છે. હૃદયની નિર્મળતા ચહેરા ઉપર દેખાય છે, આંખોમાં દેખાશે. તો હૃદયની અંદર જે ફેરફાર થયો, એ આંખોમાં દેખાશે, ચહેરા પર દેખાશે.

એક સદ્ગુરુ પાસે તમે જાઓ. એમનો પવિત્ર ચહેરો જુઓ, શું થાય.. એમના હૃદયની નિર્મળતા નો અનુભવ, એ મુખ જોતા તમને થાય. અને એથી આગળ તમે વધેલા હોવ, તો સદ્ગુરુની ઉર્જાને પકડી શકો.

હિંમતભાઈ બેડાવાળા, શશીકાંતભાઈ, પ્રાણલાલ ભાઈ આ બધા બદ્રીની યાત્રાએ જતા હતા. વચ્ચે કહેવામાં આવ્યું કે રોડથી ૫૦ એક મીટર દૂર એક ગુફા છે અને એમાં એક સંત છે. તો બધા એ સંત પાસે જાય છે. હિંમતભાઈ બેડાવાળા ધીરે ધીરે ચાલી શકે છે. તો પ્રાણલાલભાઈ, શશીકાંતભાઈ બધા ગયા, સંતના ચરણમાં ઝુક્યા. અને કહ્યું બાબા હમારે અગ્રણી અભી આ રહે હૈ, ઉનકે આને કે બાદ આપકી અનુકુળતા હો તો થોડે શબ્દ કી પ્રસાદી હમે દે દો. એવામાં હિંમતભાઈ આવ્યા, એ ગુફામાં enter થયા. સંત ઉભા થઇ ગયા. સંત ઉભા થઇ ગયા, સામે આવ્યા. હિંમતભાઈનું નામ એમણે સાંભળ્યું નહોતું, હિંમતભાઈને જોવાનો કોઈ સવાલ નથી. સંત સામે આવ્યા, હિંમતભાઈનો હાથ પકડ્યો અને કહ્યું આપ યહાં કયું આયે? આપ તો મુજસે ભી બડે સંત હો. આપ તો મુજસે ભી બડે સંત હો…કઈ રીતે ખ્યાલ આવ્યો? જ્યાં એ ગુફામાં પ્રવેશ્યા… અને હિંમતભાઈની ઉર્જા touch થઇ, સંત ઉભા થઇ ગયા. એમણે મુખ જોવાની પણ જરૂર નહોતી, સીધી ઉર્જાનો સ્પર્શ અનુભવી શકતા હતા. તો એક પ્રવચન સાંભળો, તો હૃદયમાં પરિવર્તન આવે તો ચહેરા ઉપર પણ આવશે, ચહેરો આનંદથી છલકાતો હતો, સદ્ગુરુ ના શબ્દો મળ્યા.

એક પ્રવચનકાર મહાત્માએ મને કહેલું કે ઉનાળામાં શિબિર હોય ક્યારેક, ૩ એક કલાકની, સવા કલાક બોલી અને હું રૂમમાં જાઉં. અને સંગીતકાર સંગીત વગાડે. એ વખતે મારો કપડો, literally નીચોવાય એવો થઇ ગયો હોય. લોટા જેટલું પાણી પરસેવાનું એમાંથી નીકળે. તો વિચાર કરો, આ મહાપુરુષો તમને કઈ રીતે શબ્દો આપી રહ્યા છે, એમના પોતાના શરીરની પણ પરવા નથી કરતા. બસ માત્ર એક વાત છે, પ્રભુની આજ્ઞા છે – સિદ્ધિ છે, તો વિનિયોગ કરવો જોઈએ, મારે બીજાને આપવું છે- આ એક ભાવને કારણે, શબ્દો તમારા સુધી આવે છે. નહીતર હું વારંવાર કહું છું તેમ, અનુભૂતિવાન જે પણ સદ્ગુરુ હોય, એ મૌનમાં જ હોય.

આજની હિંદુ પરંપરામાં પણ તમે જુઓ- રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, આનંદમયી માં… જેટલા પણ ઊંચા સંતો થયા, બોલવાનું બહુ ઓછું થઇ ગયું. એકાદ શબ્દ, એકાદ વાક્ય, ક્યારેક કોઈને આપી દે. એ પોતે પોતાની ભીતર જ હોય. અંદર એટલો બધો આનંદ મળતો હોય, કે બહારની દુનિયામાં આવી કેમ શકાય. એ અંદરનો રસ, તમને ચતાડવો છે. તમને પણ એકવાર અંદરનો રસ ચાખવા મળી જાય, બહાર કંઈ છે નહિ.

ઋષિ કહે છે તૈતરીય ઉપનિષદમાં, “રસો વૈ સ:”.. “રસો વૈ સ:”- રસ માત્ર એક છે, જે તમારી અંદર છે. બહાર તો કુચા છે. પણ શું થયું- you have no options. હજુ સુધી તમારી પાસે વિકલ્પ નથી. ખરેખર મને તો નવાઈ લાગે… પ્રભુ શાસન જેને મળે, એણે વિકલ્પ મળી જાય કે અંદર સુખ છે. બહાર તો સુખ – દુખની ઘટમાળ છે. કંઈક સારું મળ્યું, કંઈક સારું થયું; તો સુખની લાગણી. કંઈક અણગમતું થયું; તો દુખની લાગણી. પણ અંદર આનંદ છે. એક પણ ઘટનામાં આનંદ આપવાની તાકાત નથી. આનંદ માત્ર તમારી ભીતર છે અને તમે ભીતર જતા જ નથી.

મજાની હિંદુ કથા આવે છે કે ભગવાનને વિચાર આવ્યો, કે અમૃત તત્વ જે છે એને એવી રીતે મુકું સંતાડીને, એ અધિકારી માણસની જ દ્રષ્ટિ જાય. તો હવે શું કરું નીચે આકાશમાં મુકું? માણસ તો ત્યાં ય પહોંચવાનો છે. નીચે પાતાળમાં મુકું? માણસ ત્યાં ય જવાનો છે. ક્યાં મુકું અમૃત તત્વ… છેલ્લે પ્રભુએ વિચાર કર્યો કે એના હૃદયમાં મૂકી દઉં. એ એના હૃદયમાં ક્યારેય જવાનો નથી. એટલે અમૃત તત્વ તમારી ભીતર છે, અને તમે બહાર ફાંફા માર્યા કરો છો.

હવે એક વાત તમને પૂછવી છે, ચાલો તમને સ્વનો અનુભવ નથી, પરનો અનુભવ છે ને… કરોડ રૂપિયા હોય, ત્યારે જે સુખ હોય, આનંદ નહિ, સુખ. ૫ કરોડ થાય ને ૫ ગણું થઇ જાય? પૈસા વધે; એમ સુખ વધે. તમારું ગણિત શું છે? તમારો ratio શું? પૈસા વધે; એમ સુખ વધે. તો જેમ – જેમ પૈસા વધતા ગયા, એમ એમ સુખ વધતું ગયું…? તમે પોતાના જ જીવનને જોવો. તમારા જ મનને જોવો કે તમારા મનમાં પૈસા વધ્યા, એમ શાંતિ વધી કે અશાંતિ વધી? સુખ વધ્યું કે દુઃખ વધ્યું? આજે તો જેની પાસે ઘણા બધા થઇ ગયા છે, એને ક્યાં મુકવા એની ચિંતા. હવે એ જો ધર્મને પામેલો હોય, તો તો સાધર્મિકો માં અને ગરીબોમાં કરોડો રૂપિયા વહેંચી શકે છે. પણ હવે એ તો છૂટતા ન હોય પૈસા, એ તો તમારી પાસે શાસન છે, એટલે છૂટી રહ્યા છે પૈસા.

અમારા વિરલભાઈ મને કહે, શું પ્રભાવ છે શાસનનો, હવે એક કંકોત્રી લખવાની, પેનથી. બે – ચાર કંકોત્રી ઉપર લખવાનું- આ ભગવાનને મળે, આ ભગવાનને મળે… અને એના ૨૦ લાખ રૂપિયા.. આ શાસન મળ્યું છે, તો તમે છોડી શકો છો. પણ મારે તમને આગળ લઇ જવા છે. આ રીતે છોડો છો, એ તો બરોબર છે. તમારા ઘરમાં સિદ્ધિતપ હોય, તમને ભાવના થાય જ. એ દીકરાએ – દીકરીએ સિદ્ધીતપ કર્યો, તો એના માટે હું શું કરું..? કંઈક હું કરું, એ ભાવ તો બરોબર છે. પણ એની સાથે સાથે નામ ન આવે એ રીતે મારે પૈસા ખર્ચવા છે.

ક્યારેક પાલીતાણા, શંખેશ્વર રૂટ ઉપર પહોંચી જાવ, week and પર, કોઈ ગામમાં સાધર્મિક રહેલો હોય, મહાત્માઓની અવર – જવર ખુબ હોય. તમે એ સાધર્મિક ની ભક્તિ કરો. તો સાધર્મિકની ભક્તિ પણ થાય. અને જે સંતો આવી રહ્યા છે, એની ભક્તિ એ સરસ કરશે. એટલે વૈયાવચ્ચ નો લાભ પણ તમને મળશે. એવા સાધર્મિકો આપણા જ છે. જેણે એક ટંક ખાધું, બીજા ટંકમાં શું ખાશું એની ચિંતા છે. હું તો ઘણીવાર કહું છું, આપણે ત્યાં શ્રીમંતો ઘણા છે. એટલે શિખરો ઘણા છે. પર્વતના… એ શિખરોને ગબડાવી દઈએ ને તો ખીણ પૂરી જાય. તમારો pocket expense કેટલો? Week and પર બહાર જાઓ ત્યારે ખર્ચ કેટલો? અને એની સામે સાધર્મિકો માટે ખર્ચ કેટલો.

દાનની પરંપરા જે છે, બહુ સરસ છે. અને એ ચાલુ જ રાખવાની છે. દેવદ્રવ્યમાં, સાધારણદ્રવ્યમાં, બધી જ જગ્યાએ. પણ એની સાથે તમે બીજું શું કરી શકો, એ તમે વિચારી શકશો. દા.ત. આ સંઘમાં તમે છો, તો આ સંઘના સાધારણમાં જે પણ જોઈએ, એમાં તમે સહયોગ આપો, એ તો તમે duty perform કરી કહેવાય, એ દાન ન કહેવાય. આ તો તમારી નૈતિક ફરજ છે. કે સંઘના સાધારણમાં તોટો ન હોવો જોઈએ. મારે તો છે ને એક – એક સંઘમાં એવા ભાગ્યશાળીઓ જોઈએ છે, જે કહી દે ટ્રસ્ટીઓને ખર્ચ ઉદારતાથી કરો. જેટલો સાધારણમાં તોટો લાભ મને આપજો. હું આમેય ૧૦ – ૨૦ – ૨૫ લાખ ખર્ચું છું. તો મારા સંઘના સાધારણ માં કેમ ન ખર્ચું. ૨૦૦ માણસો ભલે નાના સંઘમાં સાધના કરતા આવતાં હોય, એ સંઘમાં સાધારણનો તોટો કેમ પડે. તમારી duty છે. તો duty perform તો કરવી જ છે. પણ એની સાથે સાથે તમારી સંપત્તિનું એકાદ ટકો પણ ગુપ્ત દાન માટે રાખવું.

મેં પાવાપુરી ચોમાસું કર્યું, રાજસ્થાનમાં. બાબુભાઈ મારી રૂમમાં બેસતાં સામાયિક કરવા. એમને સામાયિકનો નિયમ. બહાર જવાનું હોય તો પણ સામાયિક  કરીને જ જવાનુ. એકવાર મારી રૂમમાં સામાયિક કરવા બેઠેલા. મેં એમણે પૂછ્યું, બાબુભાઈ જૈન સંઘમાં શ્રીમંતો નો કોઈ તોટો નથી. પણ આટલી ઝડપથી પૈસા ખર્ચનાર બહુ ઓછા દેખાય. તમે આટલી ઝડપથી પૈસા કેમ ખર્ચી શકો… કોઈ પણ પાંજરાપોળ, ૫ લાખ મારા. દેરાસરમાં ટ્રસ્ટીઓને બોલાવીને પ્રેમથી પૈસા આપવાના. ત્યારે એમણે મને કહ્યું કે સાહેબ નક્કી કરેલું છે કે દેવદ્રવ્યમાં આટલા ટકા, સાધારણમાં આટલા ટકા, જીવદયામાં આટલા ટકા. મને ખબર છે, હું કેટલું કમાવું છું. એટલે વર્ષને અંતે હિસાબ થાય, એની રાહ નથી જોતો. મને ખ્યાલ છે, આટલા હું કમાવાનો છું. અને ટકા લેખે દેવદ્રવ્યમાં ૨ કરોડ આવે છે, સાધારણમાં ૧ કરોડ આવે છે, જીવદયામાં ૧ કરોડ આવે છે તો પહેલેથી વાપરી નાંખું છું. કારણ કે મારા નથી. ખરેખર દાનની એક મજાની પરંપરા આપણને મળી છે.

હરીભદ્રસૂરિ મહારાજે એમના યોગગ્રંથમાં લખ્યું, “धर्मस्य आदि पदं दानम् ” ધર્મનું પહેલું પગથિયું દાન છે. દાન એટલે હૃદયની ઉદારતા. તમે હાથથી કેટલું આપો છો, એ બહુ મહત્વનું નથી. તમારી શક્તિ પ્રમાણે આપો. શક્તિને ગોપવો નહિ. પણ હૃદયની ઉદારતા. અને આ હૃદયની ઉદારતા આપણી પાસે જ મળશે. હિંદુ પરંપરા માં પણ મળશે. જેને માથે સદ્ગુરુ છે, જેની પાસે ધર્મની પરંપરા છે. એને જ આ મળશે.

અમદાવાદમાં વરસાદ બહુ પડેલો. વરસાદ રહી ગયો. પછી એક કાકા કોઈ કામ માટે બહાર નીકળેલા. રોડ ઉપર અડધો – અડધો ફૂટ પાણી છે. રોડ ઉપર ચાલે છે. એમાં વચ્ચે ગટરનું main હોલ આવ્યું. અને main હોલ ખુલ્લું હતું. હવે પાણી એવું ચાલતું હતું અને મેલું પાણી હોય વરસાદનું, એટલે main હોલ ખુલ્લું છે, એ દેખાણું નહિ. કાકા પડ્યા અંદર. અહીં સુધી અંદર જતા રહ્યા. હવે એમની મેળે બહાર આવે એવું હતું નહિ. ત્યાં એક ભાઈ આવ્યો, એણે જોયું કાકા અંદર પડ્યા. એટલે એણે કહ્યું, કાકા હાથ આપો, હું તમને બાહર કાઢું. કાકા તો ઠાણેણં, મોણેણં, ઝાણેણં હાથ ઉંચો કરે જ નહિ. પેલા ને થયું, કાકા સાંભળતા ઓછું હશે. એટલે એણે જોરથી કહ્યું, કાકા તમારો હાથ આપો તમને બહાર કાઢું. તોય ઠાણેણં, મોણેણં, ઝાણેણં. ત્યાં કાકાનો પાડોશી નીકળ્યો. એ તાલ સમજી ગયો. એણે પેલાને કહ્યું, તારે કાકાને બહાર કાઢવા છે. તો કે હા, uncle પડી ગયા છે તો… અને તું કહે છે, હાથ આપો એમ? કાકાએ જીંદગીમાં કોઈને કંઈ આપ્યું છે તો તને હાથ આપે! હું કાકાનો પાડોશી છું. મને તો રોજ વિચાર આવે કે આ કાકી કઈ રીતે લઇ આવ્યો. કે હાથ આપવો પડે… એટલે કાકા આપે કરે એ વાતમાં માલ નહિ. જો, હું શું કરું જો તું… એ ગયો, કાકા મારો હાથ પકડો… કાકા મારો હાથ પકડો. કાકાએ પકડ્યો, બહાર નીકળી ગયા. ગટરમાં પડ્યા, શું થશે એની ચિંતા છે. અને પેલો કહે છે કે હાથ આપો, આપું નહિ. આ આપવાની વાત તમને મળી છે. જૈન સંઘો દર વર્ષે કરોડો નહિ – અબજો રૂપિયાનું દાન કરે છે. મુંબઈમાં તો સાધર્મિક ક્ષેત્રે પણ બહુ જ સરસ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એટલે જે છે એ સરસ ચાલે છે. માત્ર તમે વધારામાં શું કરી શકો, એ તમારે વિચારવાનું છે.

તો આજે આપણે જોતા હતા કે બે ચૈતન્યનું પ્રવાહ આપણી પાસે છે. મૂર્તિ ચૈતન્યનો, અને મંત્ર ચૈતન્યનો. સદ્ગુરુના શબ્દો, મંત્ર કઈ રીતે બને છે એની વાત સ્વામી રામે લખી. તો સ્વામી રામ નીચે છે. ગુરુ ઉપર ઝાડ ઉપર છે. સ્વામી રામના મનમાં ચિંતા છે કે બાજુની ડાળ સહેજ હલશે અને ભમરાઓ તૂટી પડશે તો… ગુરુ માટે તો પ્રેમ હોય જ.

એક ભક્તિ, શ્રી સંઘ પાસે કેવી ગુરુ ભક્તિ છે. અમદાવાદથી મુંબઈ વિહારધામોની એક ચેનલ છે. ગામોમાં ઘરો ન રહ્યા. તો વિહારધામો બની ગયા. આજે એવા ઘણા ભાગ્યશાળીઓ છે, જે કહે છે મારે વિહારધામ બનાવવું છે. સાહેબ appropriate જગ્યા મને આપો. જ્યાં મને વધુ લાભ મળી શકે.

એટલે તમે બધી જ રીતે દાનની પરંપરા વહાવી રહ્યા છો. પણ એમાં ગુપ્ત દાન, એ મારી વાત છે. કે તમને પણ ખબર ન પડે એ રીતે દાન અપાય. તમારા ઘરમાં પણ કોઈને ખબર ન પડે અને દાન જતું રહે.

એક બહુ જ મહત્વ પૂર્ણ વ્યક્તિ માંદગી ના બિછાને હતી. દીકરાઓ સક્ષમ. કરોડોપતિ. અને પિતાની આજ્ઞામાં. પિતાને જેટલા વાપરવા હોય એટલા વાપરે. એ પિતાને પુત્રોને પૂછવા જવાનું નહિ. માંદગીના બિછાને પડ્યા પિતા, ત્યારે એમને થયું કે કદાચ હું બહાર આવીશ કે નહિ આવીશ… તો એમણે દીકરાઓને બોલાવીને કહ્યું કે દર મહીને આટલા સાધર્મિકોને, આટલી રકમ આપણે પહોંચાડીએ છીએ. તમને હજી સુધી ખ્યાલ નથી. આજે તમને ખ્યાલ આપું છું. હું હોઈશ ત્યાં સુધી હું સંભાળીશ. હું ન હોઉં ત્યારે પણ આ ચાલુ રહેવું જોઈએ. તો સદ્ગુરુ પ્રત્યેની ભક્તિ સ્વામી રામમાં છે. સ્વામી રામ અકળાય છે શું થાય છે, એ આપણે કાલે જોઈશું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *