વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સમર્પણ
અગણિત જન્મોની યાત્રામાં કેટલીય વાર પ્રભુનુ શાસન મળ્યું, પ્રભુની સાધના મળી અને પ્રભુનું શ્રામણ્ય પણ મળ્યું. અને છતાં મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? આપણે સમર્પિત ન થઇ શક્યા માટે.
અનંત જન્મોમાં આપણે બચી બચીને ચાલ્યા છીએ : “મારી identity ખતમ થાય તો મારું મૂલ્ય શું? પછી હું જીવું શી રીતે?” આપણને એ ખ્યાલ નહિ આવ્યો કે બિંદુ તરીકેની આપણી identity ભૂંસાય છે, ત્યારે જ અસ્તિત્વનો આખેઆખો સમંદર આપણો પોતાનો થઇ જાય છે!
ભક્તિયોગનું એક ગૂઢ તત્ત્વ એ છે કે પ્રભુ તમારી ભીતર અવતરિત થવા માટે તૈયાર બેઠા છે; માત્ર તમારે તમારા હૃદયનું સિંહાસન ખાલી કરવાની જરૂર છે. એક માત્ર સમર્પણ. પછી પ્રભુ આ રહ્યા; પ્રભુ ક્યાં દૂર છે!
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩૯
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
સવારનો સમય, મીરાં સદ્દગુરુના આશ્રમે ગઈ છે, દ્વાર બંધ છે; મીરાં ટકોરા લગાવે છે. અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાએ કહ્યું, હું મીરાં -પ્રભુના ચરણોની દાસી, પ્રભુના ચરણોની ભક્તા. દ્વાર ખુલ્યો; મીરાં અંદર ગઈ. ગુરુના ચરણો પર સાષ્ટાંગ દંડવત્ થઈને ઝુકી પડી. કેટલી તો સરસ રીતે મીરાંએ પોતાને introduce કરાવી હતી; હું મીરાં – પ્રભુના ચરણોની દાસી, પ્રભુના ચરણોની ભક્તા.
ગુરુના ચરણોમાં નમસ્કાર કર્યા પછી મીરાં ગુરુના ઉપનિષદમાં બેઠી. એ વખતે ગુરુએ પૂછ્યું કે મીરાં આ બે બાબત એકસાથે કઈ રીતે હોઈ શકે? કે તું મીરાં પણ હોય, અને પ્રભુના ચરણોની ભક્તા પણ હોય. મીરાંને ખ્યાલ નહિ આવ્યો કે સદ્દગુરુ શું કહેવા માંગે છે. એણે કહ્યું, ગુરુદેવ મને સમજાવો. એ વખતે ગુરુ કહે છે, ભક્તિ એટલે શું?
વરસાદનું એક ટીપું દરિયામાં પડ્યું, કોઈ કહે ફરીથી એ ટીપાને બહાર કાઢો તો…. એક ટીપું, એ પાણીનું બિંદુ, જે ક્ષણે સાગરમાં પડ્યું; એ જ ક્ષણે identity less થઇ ગયું. અને એણે પોતાની identity ગુમાવી અને પ્રભુને મેળવ્યા. સિદ્ધિ આ કામ કરવા જઈ રહી છે. Identity ભૂંસીને પ્રભુને મેળવવા છે. આપણા જીવનમાં પણ ઘણીવાર આ તકો આવી ગઈ. પહોંચી ગયેલા સાગર કિનારે, ગુરુ એક ધક્કો મારે એટલી જ વાર હતી. પણ આપણે બચી – બચીને ચાલ્યા છીએ. મારી identity ખતમ થાય તો હું જીવું શી રીતે? મારી identity ન હોય તો મારૂ મૂલ્ય શું? પણ એ ખ્યાલ નહિ આવ્યો કે બિંદુ તરીકેની identity ભૂંસાય છે; પણ આખો ને આખો દરિયો પોતાનો થઇ જાય છે.
એ બિંદુ પાણીનું, દરિયામાં પડ્યું; એ નાનકડા બિંદુમાં દરિયાના બધા જ ગુણધર્મો આવી ગયા. સિદ્ધિ કહે છે કે ગુરુદેવ! મારી identity ને ભૂંસી કાઢો. કેન્દ્રમાં તમે નહિ; તો પ્રભુ હાજર છે.
ભક્તિયોગનું એક નિગુન તત્વ છે કે પ્રભુ તમારી ભીતર અવતરિત થવા માટે તૈયાર બેઠા છે. માત્ર તમારે સિંહાસન ખાલી કરવાની જરૂર છે.
એક ભાઈ મને એકવાર કહે સાહેબ! “મન મંદિર આવો રે, કહું એક વાતલડી” કેટલીય વાર પૂજામાં ગાયું, પ્રભુ આવ્યા જ નહિ….. હું જરા હળવા mood માં હતો. મેં કહ્યું પ્રભુ આવી ગયેલા, પણ પાછા ફર્યા. મને કહે કે કેમ? મેં કહ્યું, સિંહાસન ઉપર તું ચઢીને બેઠેલો. સિદ્ધિ સિંહાસનને ખાલી કરવા જઈ રહી છે.
એક માત્ર સમર્પણ; પ્રભુ આ રહ્યા. પ્રભુ ક્યાં દૂર છે! અગણિત જન્મોની યાત્રામાં કેટલીય વાર પ્રભુનુ શાસન મળ્યું, પ્રભુની સાધના મળી અને પ્રભુનું શ્રામણ્ય પણ મળ્યું; અને છતાં મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? આપણે સમર્પિત ન થઇ શક્યા માટે.
સિદ્ધિ નું ગણિત છે- total surrender. હું ઘણીવાર કહું કે પ્રભુને કહીએ ને કે પ્રભુ ૯૯% હું તારો, ૧% મારો. તો પ્રભુ કહેશે કે મને ઉતાવળ નથી, હમણાં તું ભીડ નહિ કરતો અહીંયા. ૧૦૦% surrender જો તું થઇ શકે ત્યારે જ મારી પાસે આવજે.
ગુરુએ કહ્યું કે તું જો મીરાં પ્રભુની ભકતા હોય તો identity less થઇ ગઈ, name less થઇ ગઈ, પછી મીરાં ક્યાંથી ઉભી રહી…? મીરાંને એ વાત એટલી તો જચી ગઈ, એ જ ક્ષણે મીરાંએ નક્કી કર્યું કે મીરાં કેન્દ્રમાંથી હટી રહી છે, પરિઘમાં જઈ રહી છે; અને પ્રભુ કેન્દ્રમાં આવી રહ્યા છે.
આ ઘટના ઘટી એ પહેલા મીરાં એ ભજનો રચેલા પણ એમાં મીરાં લખતી છેલ્લે મીરાં કે ગીરધર ગોપાલ. પણ આ ઘટના પછી ભજનો રચાયા પણ મીરાં ન રહી. કાર્ય રહે કોઈ વાંધો નથી. કર્તા તરીકે તમે ન રહો. Doing એ જ સંસાર. Being એ જ સાધના.
પૂરું શ્રામણ્ય એટલે શું being. અહીંયા કાર્ય છે, પણ કર્તૃત્વ મુક્ત કાર્ય છે. એક શિષ્ય ગોચરી વહોરીને આવે પણ એ ભિક્ષા પરની માલીકીયત સદ્દગુરૂની, પોતાની નહિ. કાર્ય કરો; કર્તૃત્વ ન મળે.
પુરી જિનશાસનની આ એક મજાની સાધના છે. તમે પણ કાર્યો કરો સારા, વાંધો નહિ; પણ હું નિમિત્ત છુ, એ રીતે કાર્યો કરો. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો. આ સંઘ નીકળવાનો જ હતો. આ ઉપધાન થવાના જ હતા. આ તપશ્ચર્યા થવાની જ હતી. હું હોત કે ન હોત પણ પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો.
સાપુતારામાં મારો શિબિર હતો. એ વખતે મેં કહેલું કે પ્રભુની ઈચ્છા હતી કે સાપુતારામાં ૪૦૦ – ૫૦૦ સાધકો આવે અને એમને સાધના દીક્ષા મળે. પણ પ્રભુની પાસે તો અગણિત sound systems છે. કોઈ પણ sound systems ને લાવી શક્યા હોત. પ્રભુએ મારી sound systems ને પસંદ કરી; હું પ્રભુનો બહુ આભારી છું. એકેક પ્રવચન આપીને જ્યારે હું નીચે ઉતરું છું, ત્યારે મારી આંખો ભીની હોય છે. અને મારી આંખોની એ ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ! તું મારા કંઠેથી પ્રગટ્યો. અગણિત sound systems તારી પાસે અને તે મારા જેવા નાચીજ માણસની sound systems use કરી.
એટલે સિદ્ધિ જે માર્ગ ઉપર જઈ રહી છે. એ માર્ગને આંશિક રૂપે તમારે પણ પાળવાનો છે. ખાલી તાળીઓ વગાડીને ઉભા ન થઇ જતાં. આજે નક્કી કરો સારા કાર્યો એક નહિ, બે નહિ, ચાર કરવાના; કર્તૃત્વ ન જોઈએ. મેં કર્યું એ વાત નહિ; પ્રભુની કૃપા- પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો.
Oxford dictionary દર વર્ષે નવા શબ્દોનો ઉમેરો કરે છે. કેટલાક શબ્દો એવા છે કે જે European culture માં છે જ નહિ. તો એ શબ્દોને મૂળ રૂપે જ એ લોકો દાખલ કરી દે છે. નિમિત્ત શબ્દ પૂર્વે પશ્ચિમને આપેલી ભેટ છે. તમે માત્ર નિમિત્ત છો; પ્રભુનો organ.
શશીકાંતભાઈ મહેતા આપણા બહુ સારા ચિંતક. અમેરિકા ગયેલા. છાતીમાં દુખાવો ઉપડ્યો, angiography થઇ. ૩ – ૪ નળીઓ block છે ખ્યાલ આવ્યો. Heart ની surgery કરવાનું નક્કી થયું. એ વખતે surgery risky ગણાતી. તો operation theater માં જ્યારે જવાનું છે ત્યારે શશીકાંતભાઈએ પ્રભુને કહ્યું કે if I die, I am coming to you. જો હું મરી જાઉં છું તો ભગવાન તારી પાસે આવું છું. અને જો હું જીવતો રહ્યો તો તારી વાતો કર્યા કરીશ. તારું જ sound box છું. Operation success ગયું એ પછી ઘણા બધા પ્રવચનોમાં એ હસતાં હસતાં કહેતાં કે પ્રભુને પણ થયું કે આ બખાલીયો ઉપર આવશે તો મારા કાન દુખાડશે, એના કરતાં નીચે જ ચાલશે.
આપણે પ્રભુનું organ છીએ. વાજિંત્ર. વગાડનારો એ છે. રવીન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ માં કહે છે: પ્રભુ હું તો બાંસુરી છું, ચુપ ચુપ થઈને પડી રહેનારી. તે હવા ફૂંકી અને સંગીત સર્જાયું. પણ જે સંગીત સર્જાયું; એની માલીકીયત તારી છે. જીવનની બાંસુરી અને એના હોઠ આ બે નું મિલન થાય એટલે બાંસુરી અદ્ભુત રીતે સંગીતને રેલાવે.
સિદ્ધિ પોતાની બાંસુરી ને નેમિનાથ પ્રભુના હોઠને touch કરવા માટે મૂકી રહી છે. કે પ્રભુ ! હવે મારે કંઈ કરવાનું નથી. I am not to speak a single word now. હવે મારે કંઈ બોલવાનું નથી; તું ફૂંક માર.
તો આપણે માત્ર નિમિત્ત છીએ. જે ક્ષણે મીરાં ના જીવનમાં ઘટના ઘટી એ પછી જે ભજનો રચાયા એમાં મીરાં નથી. મેં તો રાવરી દાસી. મીરાં ગઈ છે અને એક વાત તમને કહી દઉં… મીરાં ગઈ પ્રભુ પ્રગટયા. તમે ન હોવ તો પ્રભુ હોય.
આજે ૨ તમને options આપું. કાં તો તમે કેન્દ્રમાંથી હટો, અને પ્રભુ કેન્દ્રમાં આવે. કાં તો તમારી બાંસુરી ને એના હોઠ સાથે touch કરી દો. જે option તમને ફાવે એ લઇ લો. પણ એકલી જો બાંસુરી પડી રહી ને, તો ઘોંઘાટ જ સર્જાશે. અત્યારે જીવનમાં શું છે… ઘોંઘાટ જ ઘોઘાટ… એનો હોઠ તમારી બાંસુરીને touch ન થાય ત્યાં સુધી સંગીત રેલાવાનું નથી.
મીરાં બિંદુમાંથી સિંધુ બની ગઈ. મીરાનું વ્યક્તિત્વ અસ્તિત્વમાં બદલાઈ ગયું. વ્યક્તિ રૂપે બહુ રહ્યા, ઘણા જન્મોમાં… હવે વ્યક્તિ રૂપે નથી રહેવું. અસ્તિત્વના સમંદરની એક લહેર બની જવું છે. પણ તમારા વ્યક્તિત્વમાંથી તમને અસ્તિત્વની દુનિયામાં કોણ લઇ જાય. સદ્દગુરુ લઇ જાય. એટલે આજે ૨ પ્રસંગો આવ્યા.
સિદ્ધિની બાંસુરી નેમિનાથ ને touch થવાની. બરોબર, બીજા કોઈને નહિ પાછી હો… અને એ બાંસુરી ને touch કરનાર સદ્દગુરુ મહાન સદ્દગુરુ બાપજી મ.સા. ના ગુરુ મંદિરો માટેના મૂહુર્તો પણ અત્યારે આપવાના છે. એની દીક્ષાની સાથે પ્રભુની અંજનશલાકા. પ્રાણ પ્રતિષ્ઠા. એનામાં ય પ્રાણ પુરાશે અને પ્રભુમાં ય પ્રાણ પુરાશે.
વૈશ્વિક જે પરમ ચેતના છે પુરા વિશ્વમાં, પુરા બ્રહ્માંડમાં પરમ ચેતના છવાયેલી છે. બ્રહ્માંડનો એક tiniest portion એવો નથી; જ્યાં પ્રભુનું signature ન હોય- પ્રભુના હસ્તાક્ષર ન હોય. તો એ જે બ્રહ્માંડવ્યાપી પરમચેતના છે, એને સદ્દગુરુ પોતાની ચારિત્ર શક્તિથી, મંત્ર શક્તિથી મૂર્તિમાં અવતરિત કરે છે.
એટલે તમે જયપુર થી લાવ્યા; ત્યાં સુધી મૂર્તિ. જે ક્ષણે પ્રાણ પ્રતિષ્ઠા થઇ; એ ક્ષણે ભગવાન. પછી મૂર્તિ નહિ- ભગવાન. એ જ રીતે સદ્દગુરુ. જો કે મારો તો એક લય જુદો છે. હું વારંવાર કહું છું કે સદ્દગુરુ આવે ખરા. જાય નહિ. જાય કઈ રીતે…
બાપજી સાહેબ ૧૦૪ – ૧૦૫ વર્ષની આયુવાળા. બાપજી સાહેબનું શરીર તો સ્વસ્થ હતું. પણ એવા કોઈ મહાત્મા હોય, કે જેમનો હાથ પણ ઉંચો થઇ શકતો ન હોય. અને તમને વાસક્ષેપ ન આપી શકતા હોય. જે માંગલિક પણ સંભળાવી ન શકતા હોય, એવા સદ્દગુરુ પાસે આપણે જઈએ, કેમ એમના દેહમાંથી જે ઉર્જા નીકળે છે, એ ઉર્જાનો સ્પર્શ ત્યાં થાય. તો જે ગયા, એ ગુરુ નથી ગયા. ગુરુના દેહને આપણે અગ્નિ ને સમર્પિત કર્યો. ગુરુની ઉર્જા ત્યાં જ છે. એટલે એ વિદ્યાશાળા એ જમાલપુરનું સમાધિ તીર્થ ઉર્જાથી સભર છે. ત્યાં બેસીએ, ખાલી થઈને અને ભરાઈ જઈએ. બહુ સારું વચન છે.
Vacant your vessel and I’ll fill it… ગુરુ ચેતનાનું બહુ મજાનું આ વાક્ય છે: Vacant your vessel and I’ll fill it… તારા હૃદયના પાત્રને તું ખાલી કરી દે; હું ભરી દઈશ. ખાલી ન કરી શકો તો ય આવજો; તો ય ગુરુ ખાલી કરી આપશે.
તો આજે આ બંને મૂહુર્તો… કુલ ચાર મૂહુર્તો આપવાના છે એક પછી એક મુહુર્ત આપું.