વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ભક્તિ કા મારગ ઝીણા, ઝીણા રે
અત્યારે કેન્દ્રમાં હું છે. એટલે હું ને ગમે, ત્યાં રાગ થાય. હું નો અણગમો છે, ત્યાં દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર થાય. ભક્તિમાં આ Centre point માં જે હું છે, તે ઊડી જાય. પછી નહિ અચાહ, નહિ ચાહના.
ચરનન લયલીના રે. એના ચરણોમાં ઝુકી જવું છે. સમર્પણ. સમર્પિત વ્યક્તિના ચિત્તમાં સતત પ્રભુના શબ્દો, પ્રભુની આજ્ઞા એવી ઘુમરાતી હોય, જૈસે જલ મીના રે.
ભક્તના સંદર્ભમાં નિર્મળ દર્શન એટલે આંસુભીની આંખોથી થતું દર્શન. અને સાધકના સંદર્ભમાં નિર્મળ દર્શન એટલે નિર્વિકલ્પતાના સ્તર પર થતું દર્શન. સમર્પણ પહેલાંનું ચરણ છે અહોભાવ. અને સમર્પણ પછીનું ચરણ છે નિર્વિકલ્પ દશા.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ४०
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
ભક્તિની એક મજાની ધારા, ભક્તિ પદારથ અદ્ભુત છે. એક બહુ મજાનું પદ કબીરજીએ આપ્યું છે. ભક્તિના મહિમાને ઉજાગર કરતું. પ્રારંભ જ મજાનો છે. ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે…. ભક્તિનો માર્ગ અઘરો છે. માર્ગની એ દુર્ગમતાની ચર્ચા આનંદઘનજી ભગવંતે પણ ૧૪માં સ્તવનના પ્રારંભમાં કરી છે. “ધાર તલવારની સોહીલી, દોહીલી ચૌદમાં જિનતણી ચરણસેવા” તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ પ્રભુની ભક્તિ કરવી, પ્રભુની સેવા કરવી એ અઘરું છે. તલવારની ધાર પર તમે ચાલો; આંગળીઓ ઉડી જાય, પગમાંથી લોહીની ધારા વહે. પણ પ્રભુની ભક્તિ કરવી હોય તો પૂરા હું ને તોડી નાંખવું પડે. હું તૂટે નહિ; સમર્પણ મળે નહિ, પ્રભુની સેવા શી રીતે થઇ શકે? “ભક્તિ કા માર્ગ ઝીણા, ઝીણા ઝીણા રે; નહિ અચાહ, નહિ ચાહના, ચરનન લય લીના રે” બે જ ધારાનો પરિચય આપણને હતો. યા તો કોઈના પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર, દ્વેષ, યા તો કોઈના પ્રત્યે રાગ. કેન્દ્રમાં હું હતું. એટલે હું ને ગમે; ત્યાં રાગ થયો. હું નો અણગમો હતો; ત્યાં દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર છલકાયો.
તો બહુ સરસ વાત કરે છે. ભક્તિમાં શું છે; નહિ અચાહ, નહિ ચાહના – ત્યાં ચાહત પણ નથી, અચાહત પણ નથી. ક્યાંય ગમો નથી, કયાંય અણગમો નથી. તો શું કરવાનું… ગમો ઉડ્યો. અણગમો ઉડ્યો. કારણ; Centre point માં જે હું હતું, એ ઉડ્યું. જ્યાં સુધી હું છે; ત્યાં સુધી ગમો અને અણગમો રહેવાનો જ છે. હું સાધકોને એક નાનકડું સૂત્ર આપું છું. તમને પણ આજે સૂત્ર દીક્ષા આપું. સામાન્યતયા અગણિત જન્મોથી તમે લોકો એક સૂત્ર બોલતા આવ્યા છો. મને આ ફાવશે, મને આ નહિ ફાવે.. નહિ આ તો મને ચાલશે જ નહિ. મને આ ગમશે, મને આ નહિ ફાવે. આ સૂત્ર અગણિત જન્મોથી ઘૂંટાયેલુ છે.
તમારું સૂત્ર હું એમનેમ રાખું હું… એક કાનો ઉમેરી દઉં મારા તરફથી… ના નહિ પાડો ને…? તમારું તો ભલું પૂછવું પાછુ. મને આ ગમે. મને આ ન ગમે. મને એક કાનો ઉમેરી દેવો છે; માને આ ગમે, માને આ ના ગમે. તમારામાં અને અમારામાં એક કાના નો જ ફરક છે. તમે કહેશો; મને આ ગમે, મને આ નહિ ગમે. એક સાધુ શું કહેશે, તમે કોઈ સારી વસ્તુ વહોરાવા માટે જાઓ, તો એ કહેશે, ના, મારા ભગવાને ના પાડી છે. માં ને આ નહિ ગમે, અને માં ને જે ન ગમે એ મારે કરવું નથી. હું ગુસ્સો કરું, મારી માં ને નહિ ગમે. મારી પ્રભુમાંએ – મારી ગુરુમાંએ સંયમી તરીકે મારું એ જે ચિત્ર દોર્યું છે; એમાં ગુસ્સો આવતો જ નથી. તો હું ગુસ્સે થાઉં, એ માં ને નહિ ગમે. તો માં ને ન ગમે, એ મારે નહિ કરવાનું. બોલો માં નો કાનો સ્વીકારી લીધો? હવે ક્યારેય એવું નહિ આવે ને, મને આ નહિ ગમે, મને આ નહિ ફાવે.
સહેજ આસક્તિ થાય એવો પદાર્થ તમે વહોરાવા આવો; મુનિ ના પડશે. પૂજ્યપાદ ડહેલાવાળા રામસૂરિ મહારાજા, બહુ જ ઉત્કૃષ્ટ સંયમી મહાત્મા. ચશ્માની એક દાંડી તૂટી ગયેલી, તો ત્યાં દોરી લગાવી અને કાન પર દોરી વીંટી દીધી. આત્મા મોટા ગચ્છાધિપતિ. સેકંડો સાધુ – સાધ્વીઓના નેતા. દાંડી તૂટી ગઈ તો તૂટી ગઈ. એક શ્રાવક જોઈ ગયો આ… એણે નાના મહાત્માને કહ્યું – સાહેબના ચશ્માનો નંબર આપો તો… નંબર આપ્યો. પેલો એકદમ મજાના સોનેરી ફ્રેમ ના ચશ્મા બનાવીને લઈને આવ્યો. સાહેબના ચરણોમાં અર્પણ કર્યા. કે સાહેબ આપ પહેરો છો, એ જ નંબરના આ ચશ્મા છે. એક મારી નાનકડી ભક્તિ આપ સ્વીકારો. એ ગચ્છાધિપતિ એ ના પાડી દીધી. આનાથી ચાલે છે અને મને આના ઉપર રાગ નથી આવતો. આ તારા ચશ્મા પહેરૂં, મને એ ગમી જાય, મને એના ઉપર રાગ થઇ જાય. તો કેમ ચાલે… મને ગમે એવું કશું જ મારે કરવાનું નથી. એક પરમ વિરાગી ગચ્છાધિપતિ મહાત્મા છે. રાગ થવાનો એમના માટે સંભવ નથી. અને છતાં એ કહે છે કે મારા પ્રભુને આ નહિ ગમે; માટે મારે નહિ ચાલે.
નહિ અચાહ, નહિ ચાહના, તો શું… ‘ચરનન લય લીના રે’ બસ પ્રભુના ચરણોની અંદર ઓગળી જવાનું છે. આપણો હું રહ્યો એના કારણે અનંતકાળથી આપણો સંસાર ચાલુ છે. જે ક્ષણે હું પીગળ્યો; એ ક્ષણે સાધના શરૂ. આમ સાધના સરળ નથી. હું તો સાધનાને, પ્રભુની સાધનાને easiest, shortest અને sweetest કહું છું. Sweetest…. પણ તમે એ રીતે આસ્વાદી નથી હો… કારણ; વિકલ્પો ચાલતા હોય, અને તમારી ક્રિયા પણ ચાલતી હોય, એ વખતે ક્રિયાનો આસ્વાદ તમને મળી શકે નહિ.
એટલે પદ્મવિજય મહારાજે કહ્યું, “પ્રભુ નિર્મળ દરિશન કીજીએ” પહેલી વાર સમ્યક્દર્શન પદની પૂજા વાંચી. શરૂઆત આ પંક્તિથી થઇ. “પ્રભુ નિર્મળ દરિશન કીજીએ” તો એ વખતે થયું કે આ નિર્મળ દર્શન એટલે શું? પ્રભુનું દર્શન કરો, એમ નથી કહ્યું. “પ્રભુ નિર્મળ દરિશન કીજીએ” તો નિર્મળ દર્શન એટલે શું? નિર્મળ દર્શનના બે અર્થ છે. એક ભક્તના સંદર્ભમાં, બીજો સાધકના સંદર્ભમાં… ભક્તના સંદર્ભમાં નિર્મળ દર્શન એટલે શું..? આંખોમાંથી આંસુ વહેતા હોય, ગળેથી ડૂસકાં પ્રગટતાં હોય. મારા પ્રભુ, મારા પ્રભુ કેટલા જન્મોની સફર પછી તું મને મળ્યો. આમ પ્રભુને જોતા જઈએ, આંખોમાંથી આંસુની ધારા વહેતી જાય. તો ભક્તના સંદર્ભમાં આંસુ ભીની આંખોથી થતું દર્શન એ નિર્મળ દર્શન અને સાધકના સ્તર પર નિર્વિકલ્પતા ના સ્તર પર થતું દર્શન એ નિર્મળ દર્શન છે. કોઈ જ વિચાર ન હોય.
આટલી મોટી ઘટના તમારી સામે હોય, અને એ વખતે તમને બીજો વિચાર આવે! અણધારી કોઈ પણ ઘટના ઘટી જાય, મનને એકદમ શોક લાગે છે- ઓહ! એ ક્ષણોમાં conscious mind બાજુમાં જાય છે, અને conscious mind બાજુમાં ગયું; એટલે વિકલ્પો પણ બાજુમાં ગયા. conscious mind ની ચાદર ઉપર વિચારો છે, એ ચાદર આમ ખસી; એટલે વિચારો આમ ખસી ગયા. એક પણ વિચાર નથી, અને તમે પ્રભુના રૂપને જોઈ રહ્યા છો; તો એ સાધકના સ્તરનું નિર્મળ દર્શન. તો ક્રિયાનો આસ્વાદ તમને અત્યાર સુધી મળ્યો નથી. કારણ કે નિર્વિકલ્પતાનું સ્તર તમારી પાસે હતું નહિ . માત્ર ઓગળી જવું છે. માત્ર પીગળી જવું છે. એનો આનંદ મળવા માંડે. આંખોમાંથી આંસુની ધાર રેલાય. એ આંસુ વાટે તમારો અહંકાર નીકળી રહ્યો છે. અને કોઈ પણ ક્રિયા નિર્વિકલ્પ રીતે કરો ને, ત્યારે ક્રિયાનો પૂરો આનંદ તમને મળે. તો અત્યાર સુધી સાધના તો થઇ. પણ સાધના નો આનંદ ક્યાં મળ્યો છે? એ આનંદ નથી મળ્યો એનું કારણ આ છે કે આપણે પ્રભુના ચરણોમાં સમર્પિત થયા નથી.
સમર્પણનું આગળનું ચરણ એ અહોભાવ. અને સમર્પણનું પાછળનું ચરણ એ નિર્વિકલ્પ દશા. નહિ અચાહ, નહિ ચાહના, ચરનન લય લીના રે… માત્ર એના ચરણોમાં ઝુકી જવું છે – સમર્પણ. “ચિત્તમેં શ્રુત એસે બસે જૈસે જલ મીના રે” “ચિત્તમેં શ્રુત એસે બસે જૈસે જલ મીના રે” મનની અંદર- સમર્પિત વ્યક્તિના ચિત્ત ની અંદર પ્રભુના શબ્દો સતત ઘૂંટાતા હશે. એટલી appropriate ઉપમા આપી; “ચિત્ત મેં શ્રુત એસે બસે જૈસે જલ મીના રે”. માછલું જેમ પાણીમાં તર્યા જ કરતું હોય, તર્યા જ કરતું હોય, એ રીતે સમર્પિત વ્યક્તિના ચિત્તમાં પ્રભુના શબ્દો ઘુમરાતા હોય, ઘુમરાતા હોય… શરીર તમારું વિભાવની ક્રિયા કરતું હોય, એ વખતે પણ તમારા મનની અંદર પ્રભુના શબ્દો રમતાં હોય.
અહીંયાથી જઈને રસોઈ કરવાના, એ રોટલી વણતા વણતા શું કરશો, સાચું કહેજો….. તમે રોટલી વણતી વખતે નવકાર ગણો કે પ્રભુના શબ્દોને મનમાં ઘૂંટો તો રોટલી પણ ખાવા જેવી બને; બાકી તો ખાવા જેવું કંઈ રહ્યું જ નથી. એવા રાસાયણિક ખાતરો અનાજ ઉપર છીડકવામાં આવે છે કે અનાજ ઝેર બની જાય. તમે કહો છો અમે સુખી બન્યા. શ્રીમંત બન્યા. કરોડપતિ નહિ અબજોપતિ બન્યા. દૂધ સાચું તમારી પાસે છે? Dairy વાળા ફેટ કાઢી નાંખે, પછી એમાં કચરો ઉમેરી નાંખે થોડો, પાવડર – બાવડર નો એ દૂધ તમારી પાસે છે. ઘી કયું તમારી પાસે છે… તમે માની લો, ચોખ્ખું ગાયનું ઘી.
એક ભઈઓ હતો ને એ કહેતો ચોખ્ખી ભેંસનું દૂધ આપજો… ચોખ્ખા ભેંસનું…. પછી લોકો કહે સાલું દૂધ તો પાણી જેવું આવે છે. અને આ કહે છે, ભેંસનું દૂધ. ચોખ્ખું પાછુ… તપાસ કરી તો ખબર પડી કે ભેંસને પહેલા નવડાઈ દેતો. ચોખ્ખી ભેંસ… અને એનું દૂધ આપું.
એક સ્વામીજીનો આશ્રમ પેટલાદ પાસે છે. એકવાર સ્વામીજી બહાર નીકળ્યા, તો આશ્રમની બહાર ૫ – ૭ પાણી પીવા માટેના વ્યવસ્થા રાખેલી. લોટા હતા, પ્યાલા હતા, નળ હતો… એ નળમાંથી પાણી લઇ સવારના પહોરમાં પેલા દુધવાળા દુધના તપેલામાં નાંખતા હતા. સ્વામીજી કહે, શું કરો છો આ પણ? આવું દૂધ તમે વહેચવાના લોકોને, દુધમાં પાણી નાંખીને… અને આ આશ્રમનું પાણી, એનો ઉપયોગ આ કર્યો તમે… પેલા લોકો કેટલા હોંશિયાર… અને એ કહે બાપજી,… પાણી અમારા ઘરે ક્યાં નથી. રસ્તામાં તળાવમાં એ ક્યાં નહોતું… પણ તમારા આશ્રમનું પાણી એટલે ચોખ્ખું પાણી. પવિત્ર પાણી. એ લોકોના પેટ સુધી જાય તો કેટલો આનંદ. શું ચોખ્ખું તમારી પાસે છે… કશું જ નથી. પણ એ રોટલી વણતી વખતે નવકાર ગણાયેલો હોય તો નવકારની energy રોટલીમાં ઉતરે; અને રોટલી ખાવા જેવી બને.
એટલે રસોઈની ક્રિયા ચાલુ હોય, શરીર એ ક્રિયામાં હોય, મન ક્યાં હોય….. બરોબર… આ તો હા પાડે છે લો… તમારે બરોબર…? ઓફિસે જવાના, ચાલો buyer આવ્યો એની જોડે વાતચીત કરો. કોઈ વાંધો નહિ. એક buyer ગયો, બીજો buyer આવવાનો છે. વચનો કાળ જે છે, એમાં શું કરવું. Free પડ્યા હોવ તો…
પેથડમંત્રી ઘરેથી રાજાને ત્યાં જતા, કારોબારીની બેઠક માટે. પાલખીમાં જતાં. પાલખી માણસો ઉચકે. એ પા કલાક કે અડધો કલાક થાય, એ વખતે પેથડમંત્રી શું કરતા? ગુજરાતનો બેતાજ બાદશાહ, પુરા ગુજરાતની ચિંતા રાજાએ જેના માથા ઉપર મુકેલી એ પેથડમંત્રી, પ્રભુનો એટલો ભક્ત; બધી જ ચિંતા પ્રભુને ભળાવી દે. અને પાલખી ચાલતી હોય, ત્યારે ઉપદેશમાળા ગ્રંથ પાલખીમાં પડેલો હોય, એનો સ્વાધ્યાય કરતા હોય. તમારી કારમાં શું મળે? કયા પુસ્તકો મળે? તમારા ઘરે કયા પુસ્તકો મળે? સ્વાધ્યાય રોજ કરવો જોઈએ. કાળે ભણ્યા, અકાળે ભણ્યા નહિ. સ્વાધ્યાય માટે જે અકાળ પીરીયડ છે; એમાં ભણવાનું નથી, પણ એ સિવાયના સમયમાં રોજ તમારે સ્વાધ્યાય કરવાનો છે. પ્રભુનું દર્શન ન કરો, તો શું થાય? ચાલે? દર્શનનો અતિચાર લાગે. એમ રોજ સ્વાધ્યાય ન કરો, તો જ્ઞાનનો અતિચાર તમને લાગે. એક સામાયિક ભણવા માટે કરો તો તો બહુ સારું, એટલું ન કરી શકો તો ૧૫ – ૨૦ મિનિટ પણ સ્વાધ્યાય માટે રાખો.
ચૈત્યવંદન સૂત્રોનો અર્થ જાણી લો. પછી બે પ્રતિક્રમણ સૂત્રોનો અર્થ. પછી પાંચ પ્રતિક્રમણ સૂત્રોનો અર્થ. લોગસ્સ નો તમે અર્થ કરો… કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા. લોગસ્સ તમે બોલ્યા ત્યારે તમે શું કર્યું, ખાલી બોલ્યા નહિ, તમે ૩ પ્રક્રિયામાંથી પસાર થયા. કીર્તન, વંદન, અને પૂજન. ઉસભમજિઅં ચ વંદે – બોલ્યા એટલે શું થયું; કીર્તન થયું. પ્રભુનું નામસ્મરણ- એ કીર્તન. પછી જ્યાં વંદે કે વંદામિ આવે ત્યાં તમારું મસ્તક ઝુકે કે એ પૂજન, કાયા દ્વારા થઇ રહ્યું છે. અને એ વંદે કે વંદામિ આવે ત્યારે મન પણ ઝુકે; એ મહન. કિત્તિય વંદિય મહિયા મેં કીર્તન કર્યું; જીભ દ્વારા, વચનયોગ દ્વારા. મેં પ્રભુને વંદન કર્યું; કાયયોગ દ્વારા, અને મહન કર્યું; મન દ્વારા. પ્રભુને ઝૂકવા દ્વારા. આ તમને ખ્યાલ આવે …. તમે કેવી રીતે લોગસ્સ બોલો… જ્યાં વંદે કે વંદામિ આવે ત્યાં મસ્તક ઝુકે, માત્ર મસ્તક ઝુકે એમ નહિ; મન પણ ઝુકે.
એ જ રીતે ‘એવં મએ અભિથુઆ’, આવી રીતે મેં પ્રભુની સ્તવના કરી. પણ એના માટે, ‘એવં મેં થુઆ’ કહી શકાય- ‘એવં મયા સ્તુતા:’ પણ ‘એવં મએ અભિથુઆ’ કેમ લખ્યું… ‘અભિથુઆ’ એટલે શું? અભિ એટલે સન્મુખ, જાણે આ પરમાત્મા ચોવીસે મારી સન્મુખ હોય અને હું એમને જોતો હોઉં, એ રીતે મેં એમની સ્તવના કરી છે. એટલે મનથી જ્યારે વંદન થતું, ત્યારે પરમાત્માનું એક માનસ દર્શન થતું. ઋષભદેવ પ્રભુ, અજીતનાથ પ્રભુ, સંભવનાથ પ્રભુ એક – એક પરમાત્માનું માનસ દર્શન થતું. તો રોજ સ્વાધ્યાય કરવાનો છે. પ્રવચનને પણ સ્વાધ્યાય ના સ્તર પર તમે સાંભળો… તો ખરેખર મજા આવે તમને…
એક આપણા મનમાં શ્રદ્ધા છે; જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ. અને એ શ્રદ્ધા ને કારણે આ સભા દેખાય છે. હવે આપણે એમાં ઉમેરો કરવો છે. કે મારે સ્વાધ્યાય કરવો છે. સ્વાનુ અધ્યયન. હું કોણ છું? તો એવી રીતે મહાપુરુષના શબ્દોની અંદર હું ઉતરું કે મારું દર્શન મને થાય. પ્રભુનું દર્શન શેના માટે? આપણું દર્શન થાય એના માટે. સોહમ. સોહમ એટલે શું? સ: અહં. તે પ્રભુ જે છે; એ જ હું છું. શક્રસ્તવમાં આવ્યું, ‘યો જિન: સોહમેવ ચ’. આમ કંઈ બોલતા ખુમારી આવે… ‘યો જિન: સોહમેવ ચ’ પ્રભુની જે નિર્મળ ચેતના છે; એવી જ નિર્મળ ચેતના મારી છે. પ્રભુની નિર્મળ ચેતનામાં રાગ, દ્વેષ, અહંકાર નથી, તો મારી શુદ્ધ ચેતનામાં પણ રાગ, દ્વેષ, અહંકાર નો એક પણ ડાઘ નથી. હું મારા મનને અને ઉપયોગને એક કરી નાંખું છું. એથી કરે છે, મન. રાગ કરે; મન. દ્વેષ કરે; મન. પણ તમે ઉપયોગની અંદર એનું પ્રતિબિંબ પાડો છો. ઉપયોગને બિલકુલ અલગ રાખો, યોગને અલગ રાખો.
શુભયોગોમાં જ રહેવું છે. અશુભ યોગોમાં જવું નથી. અને શુભ યોગો પણ ધીરે ધીરે ધીરે અટકતા જશે. અને તમે શુદ્ધમાં – ઉપયોગમાં પહોંચી જશો. તો પ્રભુનું દર્શન કરો ત્યારે આવો કોઈ વિચાર આવે છે? વર્ષોથી જિનવાણીનું શ્રવણ કરનાર હોય, અને એને કોઈ કહે તારો આત્મા તો શુદ્ધ છે, તું ક્યાં રાગ અને દ્વેષ કરે છે. તો તમે વિચારમાં પડી જવાના- કેમ હું રાગ નથી કરતો…? હું તો રાગ કરું છું. Division પાડવું પડે: મન રાગ કરે છે, ચિત્ત અને લેશ્યા રાગથી રંગાય છે; પણ તમે નહિ. તમારું જે શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ જ રહેવાનું છે. સ્ફટિક સ્ફટિક જ રહેવાનું છે. માત્ર પાછળ લુઘડું છે-કાળું; તો કાળાશ ને એ પ્રતિબિંબિત કરશે. પણ લુઘડું લઇ લીધું; તો સ્ફટિક white છે. તમે સ્ફટિક જેવા નિર્મળ છો. આ કર્મ: રાગ – દ્વેષ, એનું આરોપણ તમે તમારામાં કરો છો; એ તમારો હિસ્સો નથી, કાપડ અલગ છે. સ્ફટીકની માળામાં દોરો હોય, તો એ દોરો પણ અલગ છે, મણકાથી. પણ દોરો કાળો છે, તો સ્ફટિક ના મણકા પણ કાળા દેખાય છે; પણ સ્ફટિક કાળું થતું નથી. એ દોરાને કાઢી લો; મણકા white છે. એમ જે ક્ષણે રાગ દ્વેષ અહંકાર ગયા; તમે વીતરાગ બની ગયા. ૧૩મે ગુણઠાણે આવી ગયા.
તો આવી રીતે સ્વાધ્યાય કરવો છે. ચિત્ત મેં શ્રુત એસે બસે જૈસે જલ મીના રે.
એક ઘટના યાદ આવે… જંબુવિજય મ.સા. બહુ જ જ્ઞાની પુરુષ. પુણ્યવિજય મહારાજ પાસે જ આગમોનું આખું સંપદાન કસ્તુરભાઈ શેઠે એમને સોંપ્યું. એકેક શબ્દ ઉપર એ વિચાર કરતા હોય, આ શબ્દને બદલે આ શબ્દ હોય તો કેવું રહે, ૩ પાઠ મળ્યા પણ ૩ પાઠમાંથી ઉપર કયો મુકવો સાચો. એકવાર મારી જન્મભૂમિ ઝીંઝુવાડામાં એમનું ચોમાસું. ભાગ્યેશવિજયસૂરિ ઝીંઝુવાડાના, એટલે સંઘની ઈચ્છાથી મેં એમને મોકલેલા. કે જંબુવિજય સાહેબ જોડે એનો અભ્યાસ પણ થાય. એકવાર પાઠ વાંચતા વાંચતા જંબુવિજય મ.સા. એ પૂછ્યું કે ભાગ્યેશવિજય તને અહીંયા કયો પાઠ સાચો લાગે છે? ભાગ્યેશવિજયે જોયું પછી કહે કે સાહેબ મારી ચાંચ તો આમાં ડૂબતી નથી, આપ જ્ઞાની પુરુષ છો. જંબુવિજય મ.સા. કહે જ્ઞાનનો ઈજારો એકલો મેં લીધો છે…? તું પણ અનંતજ્ઞાની જ છે ને- કેવલજ્ઞાની જ છે. તું જોજે આખા દિવસમાં, વિચાર કરજે. ભાગ્યેશવિજયે મગજનું દહી કરી નાંખ્યું, પણ બરોબર ખ્યાલ નહિ આવ્યો.
રાત્રે ૯ – ૯.૩૦ વાગ્યે સ્વાધ્યાય વિગેરે કરી ભાગ્યેશવિજય સૂઈ ગયા. લગભગ ૧૦.૩૦ – ૧૦.૪૫ વાગે જંબુવિજય મ.સા. ભાગ્યેશવિજયની પાટ પાસે આવ્યા. હાથમાં દંડાસન હતું, એટલે સહેજ અડાડ્યું કે ભાગ્યેશવિજય જાગે છે કે ઊંઘે છે? જાગ્યા તો ખરા… પણ અત્યારે રાત્રે સાહેબ અહીંયા… ઉભા થયા પગમાં પડ્યા, તો સાહેબ કહે; ભાગ્યેશવિજય પેલો પાઠ સાચો મળી ગયો, કહે છે. રાત્રે ૧૦.૪૫ વાગે સૂતા નહોતા. “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” અને ૧૦.૪૫ વાગે સાચો પાઠ મળી ગયો, તો એની ખુશાલી બીજાને આપવી. કદાચ એ ચિંતામાં ને ચિંતામાં સૂતો હશે. રાત્રે સપનું એનું આવશે, એના કરતાં એને કહી દઉં. તો આ સ્વાધ્યાય શું કરે… આપણા ચિત્તને પલટી નાંખે.
પ્રભુના શબ્દોમાં એ તાકાત છે કે તમને આખા ને આખા ફેરવી નાંખે. અમારી કોશિશ એ હોય છે કે તમારા unconscious સુધી અમે throw કરીએ. શબ્દોને, પ્રભુના શબ્દોને અમે એ રીતે throw કરવા માંગીએ છીએ કે તમારા conscious mind માં નહિ, unconscious mind સીધી જાય. અને unconscious માં જે કચરો છે, એ કચરાને કાઢી નાંખે.
તો આ ભક્તિની ધારા છે. “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે” અને જ્યાં સમર્પણ આવ્યું; પછી એના શબ્દોનું ચિંતન, એની જ આજ્ઞાનું પાલન.
“ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” પદ મજાનું છે; આગળ પણ આપણે એને ચલાવશું.