Anandghanji Ne Sathvare – Vachana 41

651 Views 21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે

તીવ્ર તડપન + સદ્ગુરુ યોગ = પરમાત્મા મિલન. સદ્ગુરુ ન મળે, ત્યાં સુધી પ્રભુ ક્યાં મળવાના છે?! માટે પ્રભુ મિલનની તડપન સદ્ગુરુ મિલનની તડપનમાં ફેરવાય.

ભારતીય રહસ્યવાદનો સિદ્ધાંત છે કે તમારા ગુરુ નક્કી થયેલા હોય છે અને ગુરુને પણ ખ્યાલ હોય છે કે તમે એમના શિષ્ય છો.

આપણી અનંત જન્મોની સફરમાં કેટલીય વાર સદ્ગુરુ મળ્યા, પણ આપણે એમના ચરણોમાં ઝૂક્યા નહિ; સદ્ગુરુયોગ થયો નહિ. સદ્ગુરુયોગ થઈ જાય, પછી You have not to do anything absolutely!

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪૧

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદઘનજી ભગવંતની એક પ્રસિદ્ધ સ્તવના છે. એના પ્રારંભમાં એમણે આપણી વેદનાને શબ્દોમાં બાંધી છે. “નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે” આખો જ ભાર ‘કૈસે’ શબ્દ ઉપર છે. કઈ રીતે, કઈ વિધિ, કઈ ટેકનીક પ્રભુ મને મળે. “નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે” એ સ્તવના ની છેલ્લી કડી છે: “આનંદઘન કહે જસ સુનો બાતા, એહી મિલે તો મેરી ફેરી ટળે” આનંદઘનજી ભગવંતના ચરણોમાં મહોપાધ્યાય યશોવિજય મ.સા. આવેલા ત્યારે આ સ્તવના ની રચના થઇ છે. એટલે છેલ્લે કહ્યું, “આનંદઘન કહે જસ સુનો બાતા, એહી મિલે તો મેરી ફેરી ટળે” કે પ્રભુ મળે તો જન્મ મરણના ચકરાવાને પેલે પાર આપણે જઈ શકીએ…

એ ઘટના કઈ હતી કે આનંદઘનજી ભગવંત અને મહોપાધ્યાય યશોવિજય મહારાજનું મિલન થયું. એ ઘટના ને જોતા આપણને પ્રભુ મિલનનો એક મજાનો માર્ગ મળે એવું છે. ૩૦૦ વર્ષ પહેલાંની ઘટના એક વહેલી સવારે મહોપાધ્યાય યશોવિજય મહારાજ પોતાના શિષ્ય વૃંદની સાથે ગુજરાતથી રાજસ્થાન મેડતા તરફ વિહારને પ્રારંભે છે. રાજસ્થાન જવું છે, એમાં પણ મેડતા બાજુ જવું છે. કારણ એક જ હતું. આનંદધનજી ભગવંત મેડતાની આજુબાજુ વિચરતાં હતા. અને એ યુગમાં એ એક જ ગુરુ એવા હતા કે જે પ્રભુનો સાક્ષાત્કાર કરાવી શકે. મહોપાધ્યાય યશોવિજય મ.સા. ની એક તડપન હતી. પ્રભુ ક્યારે મળે.. ક્યારે મળે…

પણ ખ્યાલ હતો કે સદ્દગુરુ વિના પ્રભુ મળવાના નથી. સદ્દગુરુના ચરણોમાં મારે જવું જોઈએ. ગુજરાતથી વિહાર કરીને મેડતા પહોંચી ગયા. ફલ વૃદ્ધિ પાર્શ્વનાથનું એ તીર્થ. દેરાસરની બાજુમાં આવેલ ઉપાશ્રયમાં એ ઉતર્યા… થોડી વાર થઇ એક શ્રાવકજી વંદન માટે આવ્યા. એમનું વંદન પૂરું થયું ત્યારે મહોપાધ્યાયજીએ પૂછ્યું કે આનંદધનજી ભગવંત કયા ઉપાશ્રયમાં બિરાજમાન છે? મેડતા શહેર મોટું હતું. દેરાસરો ઘણા હતા. ઉપાશ્રયો પણ ઘણા હતા. એ વખતે એ શ્રાવકજી એ કહ્યું ગુરુદેવ! આનંદઘનજી ભગવંત એકેય ઉપાશ્રયમાં નથી. જંગલમાં છે. કેટલી તડપન સદ્દગુરુ ને મળવાની. અને જંગલમાં. જંગલમાં પણ ક્યાં છે? મને એડ્રેસ આપ. મારે જલ્દી જલ્દી એમને મળવું છે. શ્રાવકજી એ કહ્યું, ગુરુદેવ! હવાનો પત્તો લાગે, તો આનંદઘનજી નો પત્તો લાગે. આજે અહીં હોય, કાલે ક્યાંય હોય… આપ ક્યાં ફરો… જંગલમાં…. પણ મહોપાધ્યાયજીની સીધી વાત છે, મારે જલ્દીમાં જલ્દી એમને મળવું છે. પ્રભુની તડપન, સદ્દગુરુની તડપનમાં ફેરવાઈ ગઈ. સદ્દગુરુ ન મળે ત્યાં સુધી પ્રભુ ક્યાં મળવાના છે…

તમને પુછુ સદ્દગુરુ માટે કેટલું તડપ્યા તમે? હમણાં એક ઘટના વાંચેલી, એક ભક્ત પ્રભુ મિલનની તીવ્ર ઈચ્છા. પણ સદ્દગુરુ વિના પ્રભુ નહિ મળે એ ખ્યાલ હતો. એ જંગલમાં જાય છે. જંગલમાં એક વૃક્ષ નીચે એક સદ્દગુરુ બેઠેલા છે. આ ભક્તે વંદના કરી અને પૂછ્યું કે ગુરુદેવ! મને મારા ગુરુદેવ ક્યાં મળશે? ભારતીય રહસ્યવાદનું આ એક બહુ મોટો સિદ્ધાંત છે. કે તમારા ગુરુ નક્કી થયેલા હોય છે. ગુરુને પણ ખ્યાલ હોય છે કે તમે એમના શિષ્ય છો. તો આને પૂછ્યું કે આ પણ ગુરુદેવ જ છો, પણ મારા ગુરુદેવ મને ક્યાં મળશે. તો આ સંતે કહ્યું કે જંગલમાં એક વૃક્ષ છે. એને પીળા ફૂલ આવે છે, લાલ એના પત્તા હોય છે. પત્તા અણીદાર હોય છે. આવા વૃક્ષની નીચે તને તારા સદ્દગુરુ મળશે.

પેલાની તડપન તો એવી કે ભાગ્યો. કેટલું રખડ્યો ગુરુ માટે, ખબર છે? પાંચ વર્ષ. જંગલના ઝાડ – ઝાડને, પત્તા  – પત્તાને છાણી નાંખ્યું. આવું વૃક્ષ મળે નીચે કોઈ હોતું નથી. કોઈ સદ્દગુરુ દેખાય તો ઉપર આવું વૃક્ષ હોતું નથી. પાંચ વર્ષ થયા. એને થયું કે મારી કોઈ misunderstanding તો થઇ નથી. પણ misunderstanding થઇ હોય તો એ પૂછવું કોને? જે ગુરુએ મને કહેલું એ તો વૃક્ષ નીચે હતા. અને વૃક્ષ નીચે કોઈ સદ્દગુરુ પાંચ વર્ષ સુધી બેઠેલા રહે. વરસાદની જળીઓ, ઠંડી, ગરમી… પણ એને થયું for a chance એકવાર ત્યાં જઈ આવું… જ્યાંથી મેં journey શરૂ કરી છે. એ ગયો… એની નવાઈ વચ્ચે એ ગુરુ ત્યાં જ બેઠેલા હતા. અને બીજી નવાઈની વાત એ હતી કે ગુરુએ કહ્યું હતું, એવા વૃક્ષ નીચે ગુરુ બેઠેલા હતા. એટલે કે જ્યારે ગુરુએ કહ્યું કે આવા વૃક્ષ નીચે તારા સદ્દગુરુ છે, એ વખતે પોતે જાણતા હતા કે આ મારો શિષ્ય છે. પેલો કહે કે બાપજી હું તો નિપટ અજ્ઞાની માણસ છું. તમે તો મહાજ્ઞાની છો. તમને ખબર હતી કે હું તમારો શિષ્ય છું. તમારે મને કહી દેવું જોઈએ ને કે બેસી જા. હું તારો ગુરુ છું. પાંચ વર્ષ હું રખડ્યો. ટાટીયાની કઢી થઇ ગઈ. ગુરુ હસ્યા કે હરામખોર તું તારી માંડે છે. મારી સામે તો જો… પાંચ વર્ષ તારા માટે મારે અહીંયા બેસી રહેવું પડ્યું. અને પછી ગુરુએ કહ્યું કે ૫ વર્ષ નહિ, ૫૦૦ વર્ષ નહિ, ૫૦૦ જન્મે પણ સદ્દગુરુ મળે તો સોદો સસ્તામાં છે.

આપણી સફર અનંત જન્મોની થઇ. સદ્દગુરુ મળ્યા, પણ આપણે એમને મળ્યા નહિ. આપણે આમ રહ્યા ટટ્ટાર. સદ્દગુરુના ચરણોમાં આપણે ઝુક્યા નહિ. તો ગુરુ કહે છે, ૫૦૦ જન્મે પણ સદ્દગુરુ મળી જાય તો સોદો સસ્તામાં છે. કારણ સદ્દગુરુ મળી ગયા પછી, you have not to do anything absolutely. તમારે કશું જ કરવાનું નથી. જે પણ કરવાનું છે, એ સદ્દગુરુએ કરવાનું છે.

મહોપાધ્યાય યશોવિજય મહારાજ ને ત્યાં ખ્યાલ હતો અને એટલે એમની તડપન હતી. ત્યારે આનંદઘનજી ભગવંત મળ્યા. જંગલમાં ક્યાં મારે એમને જલ્દી મળવું છે. અચાનક પેલા શ્રાવકજીને યાદ આવ્યું. કે સાહેબ! હું તો ભુલી જ ગયો. હમણાં મેડતાની બાજુના જંગલમાં આનંદઘનજી ભગવંત હોય એવું લાગે છે. કારણ ૫ – ૭ દિવસે ફલવૃદ્ધિ દાદાના દર્શન માટે પોતે પધારે છે. બે દિવસ પહેલા પધારેલા… આપ અહીંયા જ રહો. ૪ – ૫ – ૬ દિવસમાં અહીંયા જ આપને એમનો મેળાપ થશે. મહોપાધ્યાયજીને પણ લાગ્યું કે અહીંયા જ મળશે. ઉપાશ્રયમાં રોકાયા.

મેડતા ના શ્રાવકોને ખ્યાલ આવ્યો કે મહોપાધ્યાય યશોવિજયજી અહીંયા આવ્યા છે. પૂરા જૈન સમાજમાં એ વખતે એમનું બહુ મોટું નામ હતું. મેડતાના શ્રાવકો ચમકી ગયા. અરે આટલી મોટી વિભૂતિ આપણે ત્યાં… અગ્રણી શ્રાવકો ગયા અને કહ્યું ગુરુદેવ! અમને પ્રવચન આપો. ગુરુદેવે હા પાડી. રોજ સવારે પ્રવચન ચાલુ થઇ ગયું. અને એમાં બરોબર પાંચમો દિવસ, પ્રવચન ચાલુ થયું, મંગલાચરણ અને આનંદધનજી ભગવંત દેરાસરમાં આવ્યા. ચૈત્યવંદન કર્યું. પ્રભુની ભક્તિ કરી. અને પછી આનંદઘનજી ભગવંત દેરાસરની બહાર નીકળ્યા. જ્યાં સુધી પરમાત્માનો ખ્યાલ હતો, ત્યાં સુધી મંગલાચરણનો અવાજ પણ સંભળાયેલો નહિ.

દેરાસરમાંથી બહાર નીકળ્યા, અને એ વખતે બાજુના ઉપાશ્રયમાંથી ભગવાનની વાણીનો ઘોષ આવવા માંડ્યો. અને આનંદધનજી ભગવંત વિચારે છે કે ચાલો પ્રવચનમાં જાઉં. મેં જ્યારે આ ઘટના વાંચી ને ત્યારે પહેલા તો મને ખ્યાલ જ ન આવ્યો. આનંદધનજી ભગવંત એ યુગની શીર્ષસ્થ વિભૂતિ. એમનાથી ચડિયાતું કોઈ હતું જ નહિ. મુનિગણમાં. બધા જ મુનિવરો કે ઉપાધ્યાયો પણ એમની પાસે માર્ગદર્શન લેવા આવે. એમને કોઈની પાસેથી માર્ગદર્શન લેવાનું હતું નહિ. એમનું કામ જ પૂરું થઇ ગયેલું. પ્રભુ મળી ગયા. બાકી શું રહ્યું. એ આનંદઘનજી ભગવંત વિચારે છે કે ચાલો પ્રવચનમાં જાઉં. એ પ્રવચનમાં આવે છે પણ યશોવિજયજી ને સાંભળવા નહિ, પ્રભુને સાંભળવા. આનંદઘનજી ભગવંતને પણ ખ્યાલ હતો, કે યશોવિજયજી બહુ મોટી વિભુતિ છે. અને જે પણ ઉંચે ચડેલી વિભૂતિ હોય એ કર્તૃત્વ શૂન્ય હોય, તમારે ત્યાં કે અમારે ત્યાં… કોઈ પણ વ્યક્તિ ઉચકાય ક્યારે? પ્રભુ પર તમે બધું છોડી દો ત્યારે. જ્યાં સુધી તમે તમારા ઉપર મદાર રાખો છો, ત્યાં સુધી તમારી સાધના એક ઇંચ પણ આગળ વધી શક્તિ નથી.

એટલે મેં કહેલું કે સાધના જગતમાં આગળ વધવાનું પહેલું સૂત્ર છે: અસહાય દશા. પ્રભુ હું કશું જ કરી શકું એમ નથી. બધું જ તારે કરવાનું છે. નાનો દીકરો કહી દે ઉચકી લે માં, હું ચાલી નહિ શકું, માં ઉચકી લેશે. એ જ લયમાં ભક્ત કહે છે કે હું એક ડગલું પણ ચાલી શકું એમ નથી. એટલે ભક્ત તો ઘણીવાર કહી દે, તારે ન ઉચકવું હોય ને તો અહીં બેઠો છું. સંસારમાં જ બેઠો છું, લાજ જશે તો તારી જશે. મારે શું… મારી કઈ પ્રતિષ્ઠા છે કે જવાની છે. પ્રતિષ્ઠા તારી છે, ત્રણે લોકને તારવાનો તું ઈજારો લઈને બેઠેલો છે. અને તું મને ન તારે તો તારી પ્રતિષ્ઠા ભયમાં પડશે. જે ક્ષણે ભક્ત અસહાય દશામાં આવે, સંપૂર્ણ સમર્પિત થઇ જાય પ્રભુને. પછી એને કંઈ કરવાનું રહેતું નથી. અસહાય દશા એટલે જ સંપૂર્ણ સમર્પણ. હું કાંઈ જ નહિ કરી શકું.

નંદીષેણ મુનિ પરમ પાવન શત્રુંજય પર ગયા. નવટૂંક માં એમણે જોયું અજીતનાથ પ્રભુની દેરી, શાંતિનાથ પ્રભુની દેરી, સામસામે. એક જગ્યાએ દર્શન કરવા જાઓ, બીજી જગ્યાએ આશાતના થાય. નંદીષેણ મુનિ બંને પ્રભુની પ્રાર્થના કર્યા પછી બે મંદિરોના ચોકમાં બેસી જાય છે. અને કહે છે કે પ્રભુ મારી તો કોઈ તાકાત નથી કે હું સાવરણી ની સળી પણ તોડી શકું.

અનંતા જન્મોમાં મારી અને તમારી પાસે અહંકાર હતો. હું આમ કરું અને હું આમ. એ હું જ્યાં સુધી કેન્દ્રમાં રહ્યું, પ્રભુ આપણાથી દૂર રહ્યા. જે ક્ષણે તમારો હું પરિઘમાં જતો રહે; પ્રભુ કેન્દ્રમાં આવી જાય. નંદીષેણ મુનિ કહે છે, પ્રભુ હું કાંઈ જ કરી શકું એમ નથી. પણ તારી શક્તિનો કોઈ ઓર – છોર નથી. હું ઈચ્છું છું કે તારી અપાર શક્તિથી આમને – સામને રહેલા મંદિરો, આજુ – બાજુમાં આવી જાય. અને આમને – સામને રહેલા મંદિરો, આજુ – બાજુમાં આવી ગયા.

આ જ પરમ પાવન શત્રુંજય તીર્થ પર મોતીશા શેઠ ગયો. એમને એક દેરાસર બનાવવું હતું. બધી જમીનો જોઈ. એક બાજુ નવટૂંકની થોડી ટૂંકો, આ બાજુ દાદાની ટૂંક વચ્ચે કુંતાસર ની ખીણ હતી. એટલી ઊંડી ખીણ કે તમે નજર નાંખો તો તમ્મર આવી જાય. મોતીશા શેઠને લાગ્યું કે આ જ જગ્યા બરોબર છે. શિલ્પીને જોડે લઈને ગયેલા. શિલ્પીને કહ્યું, ભાઈ  અહીંયા દેરાસર બનાવવાનું. પેલો કહે શેઠ! ગાંડા છો? જમીન ઉપર આટલી ખીણ પૂરવી હોય ને તો ય આપણે વિચારમાં પડીએ. આ તો પર્વત ઉપર અને એમાં અહીનો એક કાંકરો આપણે લઇ ન શકીએ, અહીંની ધૂળ આપણે લઇ ન શકીએ. નીચેથી કેટલી તમે રેત લાવો. કેટલા પથ્થર લાવો અને ખીણ પૂરો. એ વખતે મોતીશા શેઠે જે કહેલું ને એ યાદ રાખજો. એમણે કહ્યું કે ભાઈ! જે પ્રભુની કૃપા હોય તો અનંતા જન્મોની વિષય અને કષાયની ખીણો પૂરાઈ જાય, અહંકાર ની ખીણો પૂરાઈ તો એ પ્રભુની કૃપા હોય, તો આ ખીણ પૂર્વી કયા વિશાત માં છે. ખીણ તો પૂરાઈ પૂરાઈ… પણ દેરાસર કેટલું ઊંચું ઉઠવણી નું. એક જ વાત હતી, હું કાંઈ જ ન કરી શકું. પણ પ્રભુની કૃપાથી કશું જ અશક્ય નથી. પ્રભુની કૃપા થાય બધું જ શક્ય છે.

તો આનંદઘનજી ભગવંત ને થયું હું પ્રવચન સાંભળવા જાઉં…. ગયા અંદર, આખો પ્રવચન હોલ ભરાયેલો. ઠેઠ બારણાં પાસે થોડી જગ્યા હતી. આનંદઘનજી ભગવંત ત્યાં બેસી ગયા. નિરહંકારી વ્યક્તિત્વ છે. હું આટલો મોટો આ વાત એમના હૃદયમાં ક્યારે પણ આવી ન શકે.

ગૌતમ સ્વામી મહારાજ ૫૦,૦૦૦ કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ અને ગોચરીએ જાય. શું હતું… હું મારા પ્રભુનો શિષ્ય. હું ગુરુ છું એ ભાવ જ નહોતો. બેસી ગયા બારણાં પાસે, શિયાળાનો સમય હતો. કારતક સુદ ૧૫ પછી નીકળેલા. માગસર માં પહોંચી ગયેલા. શિયાળો હતો. એ બાજુ બિકાનેરી સાલ બહુ પ્રસિદ્ધ. White હોય, લગભગ બધા લોકો એ સાલ ઓઢીને આવેલા. આનંદઘનજી ભગવંતે પણ એવી જ સાલ ઓઢેલી. અને દાઢીને પણ આમ સાલથી ઢાંકી દીધેલી. ઓઘાથી જમીન પાથરી પૂંજી બેસી ગયા.

લોકો – બધા શ્રોતાઓ એટલા બધા પ્રવચનના સંમોહનમાં હતા કે પાછળ શું થાય છે, એનો ખ્યાલ નહતો રહેતો. તમે બધા લબ્ધિવાળા હો… આમ કોણ આવ્યું, આમ કોણ આવ્યું… પાછળ કોણ આવ્યું… બધી તમને ખબર પડી જાય. કેમ totality નથી આવતી? There should be the totality. સંપૂર્ણ તયા પ્રભુને સાંભળો, પીઓ. તો એવી રીતે લોકો પ્રભુના શબ્દોમાં સંમોહિત થયેલા કે આગળ – પાછળ કોઈ ઘટના ઘટે તો પણ એમને ખબર પડતી નહોતી. આનંદધનજી ભગવંત બેસી ગયા.

અચાનક ઉપાધ્યાયજી ભગવંત આમ બેઠેલા પાટ પર, વ્યાખ્યાન આપે. બારણા પાસે નજર ગઈ. આનંદઘનજી ભગવંત ને પહેલા જોયેલા નહિ. એ જમાનામાં ફોટા વિગેરે હતા નહિ. કે ફોટાથી પણ પહેલા પરિચય લીધેલો હોય. આકૃતિ પૂરી દેખાતી નહોતી. માત્ર બે આંખો દેખાય છે. એ બે આંખોને જોઇને ઉપાધ્યાયજી નક્કી કરે છે, ઓહ! આનંદધનજી તો આવી ગયા. તરત જ ઉભા થઇ ગયા. હવે લોકો બધા નવાઈમાં પડ્યા. કે સાહેબ ઉભા કેમ થયા સર્વમંગલ પહેલા અને સીધા ramp પર ચાલ્યા, આનંદઘનજી ભગવંત બેઠેલા હતા, સીધા એમના ચરણોમાં પડ્યા. આંખોમાંથી આંસુની ધારા. ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ કેટલી પ્રતિક્ષા મને કરાવી. કેટલી રાહ જોવડાવી. તમારા માટે શું છે આમ… મેં પહેલા કહ્યું હતું ને કે તમે ગુરુને રાહ જોવડાવો એવા છો. ગુરુ તૈયાર છે. તમે તૈયાર નથી. કેટલાય જન્મોથી ગુરુ ચેતના તમારા ઉપર કામ કરી રહી છે.

પણ જ્યાં તમે નિમિત્તો ની દુનિયામાં જાવ રાગ – દ્વેષથી હૃદય ભરાઈ જાય છે. સદ્દગુરુ તમારા હૃદયને ખાલી કરે, પ્રભુની કૃપાથી હૃદય ભરાઈ જાય. પણ સદ્દગુરુ ખાલી કરે છે. કદાચ એમના સાનિધ્યમાં થોડોક ખાલીપો, થોડીક vacancy અનુભવાય… જ્યાં બહાર ગયા નીમીત્તોની દુનિયામાં પાછા રાગ – દ્વેષથી છલકાઈ ગયા. ચરણોમાં પડ્યા. ડૂસકાં જ ડૂસકાં, આંખોમાંથી અનરાધાર આંસુ. ગુરુદેવ, ગુરુદેવ, ગુરુદેવ બસ આપ મળી ગયા. હવે કંઈ બાકી ન રહ્યું. પછી વિનંતી કરી, આપ પધારો…

ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે આનંદધનજી ભગવંત આવી ગયા છે. આગળ આનંદઘનજી ભગવંત ચાલે, પાછળ ઉપાધ્યાયજી.  ઉપાધ્યાયજી ભગવંતે આનંદઘનજી ભગવંતનું આસન પાથર્યું. શિષ્યો ઘણા હતા પણ લાભ મારે લેવો છે. આનંદધનજી ભગવંત પાટ પર બિરાજમાન થયા. અને ઉપાધ્યાયજી નીચે બેસી ગયા. સાહેબ ફરમાવો. જે પંક્તિ ઉપર મહોપાધ્યાયજી બોલતા હતા, એ જ પંક્તિ પર બોલવાનું આનંદઘનજી ભગવંતે શરૂ કર્યું. ઉપાધ્યાયજી પાસે ઉન્મેશ હતો. વિદ્યા હતી, શાસનપ્રભાવિતતા હતી. ઘણું બધું હતું પણ અનુભૂતિ નહોતી.. આનંદઘનજી ભગવંત પાસે અનુભૂતિ છે. અને એ અનુભૂતિ થી પાવન થયેલા શબ્દો નીકળવા માંડ્યા. એકેક શબ્દે જાણે શબ્દ શક્તિપાત થતો હોય, એવો અનુભવ ઉપાધ્યાયજી ભગવંત ને થયો.

એક પ્રશ્ન તમને થયો…. કે આનંદઘન ભગવંતની બે આંખો જ ખુલ્લી હતી. ઉપાધ્યાયજી એ શી રીતે નક્કી કર્યું કે આજ આનંદઘન? બધાના જેવી સાલ છે. દાઢી સાલમાં છે. અને એ વખતે દાઢીવાળા શ્રાવકો પણ ઘણા રહેતા. તો કઈ રીતે નક્કી કર્યું? માત્ર આંખો જોઇને. ભક્તની આંખમાં પ્રભુ માટેની તડપન હોય, અને સદ્દગુરુની આંખમાં પ્રભુ પોતે હોય. આનંદઘનજી ભગવંતની આંખોમાં પ્રભુ હતા. એક વાત નક્કી છે, હૃદયનું સીધું પ્રતિબિંબ આંખો પાડે છે. હૃદયનો જે ભાવ છે એ આંખોમાં તરી આવતો હોય છે. તો હૃદયમાં પરમાત્મા હતા. એ ભાવ આંખોમાં છલકાઈ આવ્યો છે. અને એ બે આંખો જોઈ અને નક્કી કર્યું, આ જ આનંદઘનજી ભગવંત. પ્રવચન પૂરું થયું. લોકો વિખેરાયા. ઉપાધ્યાયજી ભગવંતે વિનંતી કરી, સાહેબ પ્રભુનો સાક્ષાત્કાર કરાવો. અને આનંદઘનજી ભગવંતે એવો શક્તિપાત કર્યો કે ઉપાધ્યાયજી ભગવંતને પ્રભુનો સાક્ષાત્કાર થઇ ગયો.

તો ઘટના આપણને ૨ સૂત્રો આપે છે પ્રભુ મિલનના: તીવ્ર તડપન + સદ્દગુરુ યોગ = પરમાત્મા મિલન. એકલી તીવ્ર ઝંખના કામ નથી આવતી. સદ્દગુરુ યોગ મળ્યો. સદ્દગુરુના ચરણોમાં તમે ઝૂકેલા હોવ, તો બસ પ્રભુ મળી જાય. ઉપાધ્યાયજી ભગવંતને પ્રભુ મળ્યા. તમને કેમ ન મળે એ મારે પૂછવું છે. જોઈએ… પ્રભુ જોઈએ… જોઈએ કે જોઈએ જ? ઠીક છે, શોપિંગ કરવા ગયા મળે તો લઇ લીધું….જોઈએ જ? તો તમારી આંખોમાં વેદના છલકાય. ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ ગમે તેવો કઠણ રસ્તો હોય મને બતાવો. આ જન્મમાં પ્રભુ મળવા જ જોઈએ. પ્રભુ ન મળે તો આ જન્મ વ્યર્થ છે.

આજનો આ પ્રભુ મિલનનો કાર્યક્રમ, સાક્ષાત્ દાદા પધારી ગયા છે. ક્ષત્રિયકુંડના જે મહાવીર પ્રભુ છે, એમની જ આ અનુકૃતિ છે. પરમાત્મા આવી ગયા છે, કેમ આવ્યા ખબર છે? એ કહે હું તૈયાર છું. હું અહીંયા આવી ગયો કેમ કે હું તૈયાર છું. Now are you ready?

૫૦૦ આયંબિલ ની તપશ્ચર્યા. એક આયંબિલ પણ અઘરું પડતું હોય, આમ બેઠો હોય, શું થયું? માથું દુઃખે, કેમ પણ? આયંબિલ કર્યું છે માટે. ૫૦૦ આયંબિલ અને એ પ્રભુના ચરણોમાં આજે સમર્પિત કરે છે. કે પ્રભુ તારી કૃપાથી આ તપ થયો છે, આ તપની સાધનાનું પુષ્પ તારા ચરણોની અંદર આજે સમર્પિત કરું છું. એટલે આજનો મહોત્સવ સમર્પણનો મહોત્સવ છે. જે કંઈ થયું એ તારી કૃપાથી થયું છે. તું એને સ્વીકારી લે. પ્રભુના ચરણોમાં તપસ્વીની બેન પ્રાર્થના કરે છે કે પ્રભુ આ તપશ્ચર્યા ની સાધના તારી કૃપાથી થઇ છે. તું એને સ્વીકારી લે. તપશ્ચર્યા નું પુણ્ય કે નિર્જરા ભલે આપણી પાસે રહે, પણ એનું કર્તૃત્વ આપણી પાસે ન રહે. કોઈ પણ સાધના કર્યા પછી એને પ્રભુને સમર્પિત એટલા માટે કરવી છે કે એ સાધના મેં કરી એવું કર્તુત્વ ન રહે. નહીતર આપણી સાધના હોય નાનકડી અને અહંકાર હોય મોટો.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે અરનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું “તપ જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને” એમણે કહ્યું પ્રભુ સંસારમાં હતો ત્યારે તો અહંકાર બહુ જ હતો. ફુગ્ગો ફૂલાયેલો ને ફૂલાયેલો રહે. અમારા જેવા ટાંકણીવાળા મળે જ નહિ ને સંસારમાં… એટલે જ કહું છું, ગુરુ કેવા જોઈએ…? ટાંકણી ઘોચે એવા. કેવા જોઈએ… તમારા ફુગ્ગાને પંપાળે એવા..! તો મહોપાધ્યાયજી કહે છે પ્રભુ સંસારમાં હતો, ત્યારે તો અહંકાર હતો. સાધનામાર્ગમાં આવ્યો, તપ કર્યું, જપ કર્યું, અને એનો અહંકાર આવ્યો… મેં ૧ કરોડ નવકાર ગણ્યા. હું વજનદાર થઇ જાય. શું શબ્દો વાપર્યા છે! તપ જપ મોહ મહાતોફાને, મોહ એટલે અહંકાર. તપ અને જપનો જે અહંકાર… એનું એક તોફાન ઉપડ્યું અને એ તોફાન ઉપડ્યું તો સાધનાની નાવ ચાલે શી રીતે… મારા ચિત્તની અંદર સાધનાની નાવ મારે ચલાવવી છે. પણ મારો ચિત્ત સમુદ્ર ખળભળી ઉઠયો છે. તોફાન ચાલી રહ્યું છે. એમાં નાવ શી રીતે ચાલે. પણ એ પછી કહ્યું “ પણ નવિ ભય મુજ, હાથો હાથે તારે તે છે સાથે રે” પણ મને કોઈ બીક નથી કારણ કે તારનારો તું બેઠો છે. એટલે સમર્પણ આવી ગયું.

તો આજનો પર્વ સમર્પણ નો પર્વ. ગરાંબડી વાવ પંથકના નિવાસીઓ, આમ સુરત મુંબઈમાં. પણ પ્રભુ પ્રત્યેની નિષ્ઠા એવી કે કંઈક કામ હોય અને એ બાજુ જવાનું થાય એટલે મારા દાદાની પૂજા કરી આજે.. મારા દાદાની ભક્તિ આજે… આ તમારી ભક્તિ ખુબ ખુબ આગળ વધે એવા ખુબ આશીર્વાદ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *