Anandghanji Ne Sathvare – Vachana 42

677 Views 8 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરમચેતના પરમ સક્રિય

આપણે કહીએ કે પ્રભુની કૃપાથી બધું થયું; એના પ્રેમથી બધું થયું. પણ પ્રભુ તો વીતરાગ છે; શું વીતરાગ પ્રભુ આપણને ચાહી શકે?

વીતરાગ પ્રભુ ભલે અત્યારે સિદ્ધશિલા ઉપર છે; પણ એમનું આર્હન્ત્ય, પરમચેતના, પરમશક્તિ અત્યારે પણ સક્રિય છે. એ જ લયમાં આપણે કહી શકીએ કે હા! પ્રભુ મને ચાહે છે!

દોડત દોડત દોડિયો; જેતી મનની રે દોડ. સાધનામાર્ગે તું દોડી શકે છે; અરે! એક ડગલું પણ જો તું સાધનામાર્ગે ભરી શકે છે, તો એનું કારણ છે કે પ્રભુ તને ચાહે છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪૨

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

સંત દાદુ ભક્ત રૈદાસના આંગણે ગયા. રૈદાસ પોતાના કામમાં ડૂબેલા છે. જૂત્તા સંધી રહ્યા છે. સદ્ગુરુ દ્વારે આવીને ઉભા છે. રૈદાસને ખ્યાલ નથી. એક મિનિટ, બે મિનિટ, અઢી મિનિટ. રૈદાસને ખ્યાલ આવતો જ નથી. નજર નીચી છે. સદ્ગુરુ પાછા ફરતાં નથી. અઢી મિનિટ થઇ. રૈદાસને ખ્યાલ નથી આવ્યો પણ સદ્ગુરુ પાછા ફરતાં નથી.

મારા લયમાં કહું તો સદ્ગુરુ પાછા ફરી શકતા નથી. સદ્ગુરુને પરમચેતનાએ જે કામ ભળાવ્યું છે એ કરવાનું છે. પરમ ચેતના પરમ સક્રિય અને ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. We have not to do anything absolutely. અમારે અમારી ઈચ્છાથી કશું જ કરવાનું નથી. એની આજ્ઞા હોય એ પ્રમાણે અમારે ચાલવાનું છે. પરમ ચેતના પરમ સક્રિય, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. અઢી મિનિટ થઇ રૈદાસ ને ખ્યાલ નથી આવતો, કરૂણામય સદ્ગુરુ ખોખારાનો અવાજ કરે છે. એ અવાજ અને રૈદાસે પલકોને ઉંચે ઉઠાવી. જોયું…. સદ્ગુરુદેવ. પછી તો સોય – દોરો એક બાજુ, જૂત્તા બીજી બાજુ, સાષ્ટાંગ દંડવત થઈને એ ગુરુના ચરણોમાં પડ્યો. ગુરુને આસન પર બિરાજમાન કર્યા. એમના ચરણોને પંપાળતો રૈદાસ નીચે બેઠો. પણ એ વખતે રૈદાસની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. ગળે છે ડૂસકાં, અને એ ડૂસકાંમાંથી ચળાઈને આવતાં શબ્દો હતા.. ગુરુદેવ ગુરુદેવ… આપ ક્યારના આવ્યા હશો. મને ખ્યાલ શુદ્ધા ન રહ્યો. હું કેટલો તો પ્રમાદી.

ગુરુને આજે જલસો પડી ગયો. એવું નહોતું કે રૈદાસ ગુરુના આશ્રમે પહેલા ન ગયા હોય. એવું પણ નહોતું કે સદ્ગુરુ રૈદાસને આંગણે ન આવેલા હોય. પણ આજે રૈદાસે ભીની ભીની ક્ષણોને આપી. તમારી ભીની ક્ષણો, અમારું કામ શરૂ, અને પૂરું.

ભીનો માટીનો લોંદો કુશળ શિલ્પીના હાથમાં આવ્યો. એને શિલ્પમાં બદલાતા વાર કેટલી લાગે. રૈદાસ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એ વખતે ગુરુએ કહ્યું કે બેટા! હું તો અઢી મિનિટ થઇ, તારા દ્વારે આવેલો. પણ પ્રભુ તારે દ્વારે આવીને ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે. તને ખ્યાલ છે? ચોંકવાનો વારો રૈદાસનો હતો. પ્રભુ મારી પ્રતિક્ષા કરે??? ગુરુ કહે છે હા, પ્રભુ તારી પ્રતિક્ષા કરી રહ્યા છે. પ્રભુ તારી રાહ જોઈ રહ્યા છે. એ જ ક્ષણે રૈદાસ ખુલ્લી દુકાનને છોડીને ગુરુની પાછળ પાછળ પ્રભુને ભેટવા માટે નીકળી પડે છે. બહુ મજાની સદ્ગુરુની વાત હતી. He is waiting for you.

Munisuvrat dada is waiting for you. આ વાત મને એટલા માટે આવે યાદ કે આવો જ એક પ્રસંગ હતો, પત્રિકા લેખનનો… પહેલી પત્રિકાઓ પ્રભુને લખવામાં આવી. પછી સદ્ગુરુઓને, એક યુવાને પાછળથી મને પૂછ્યું, કે સાહેબ આપણે કોઈ વ્યક્તિને આમંત્રિત કરીએ તો એ એની અનુકૂળતા હોય તો મહોત્સવમાં આવી પણ જાય. પ્રભુ ક્યાં આવવાના હતા…. પ્રભુને પત્રિકા શા માટે લખવાની? ત્યારે મેં કહ્યું કે he is waiting for you. તું બોલાવે યા ન બોલાવે… પ્રભુ તારી રાહ જોઈ રહ્યા છે. મુનિસુવ્રતદાદાને પત્રિકા લખી. કે પ્રભુ! તમે અમારા મહોત્સવમાં પધારજો. પ્રભુ હસતાં હશે અત્યારે કે અલ્યા તારો ઉત્સવ કે મારો ઉત્સવ… પત્રિકા તો મારે તને લખવાની હોય. એમના સાનિધ્યમાં જે પણ થાય એ એમનું. સિદ્ધિતપ કોણે કરાવ્યા?? દાદાએ કરાવ્યા. એક પણ શુભ કાર્ય દાદા જ કરાવે. અને એ જ લયમાં આપણી પરંપરામાં નિમિત્ત શબ્દ આવ્યો. પ્રભુ એ આ શુભ આ કાર્યમાં મને નિમિત્તરૂપ બનાવ્યો. ૪૦૦ સિદ્ધિ તપ ઘાટકોપર માં થવાના જ હતા.  મેં ન કર્યા હોત બીજો કોઈ કરત. પણ હું પ્રભુનો ઋણી છું કે પ્રભુ એ મને નિમિત્ત બનાવ્યો. ૪૩૩માં મારો નંબર પ્રભુએ લગાવી દીધો.

સાધનામાર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર તમે ચાલો, એ માત્ર ને માત્ર એની કૃપાથી. એની કૃપા વિના તમે એક ડગલું ચાલી ન શકો.

આનંદઘનજી ભગવંતને એક ભક્તે પૂછેલું, કે ગુરુદેવ! અમે તો પ્રભુને પ્રાણાર્પણથી ચાહીએ છીએ. પણ પ્રભુ અમને ચાહે છે ખરા? આ ઘાટકોપર વાળાને સવાલ થયો હશે?  કે હું તો મુનિસુવ્રત દાદાને બરોબર ચાહું છું. પણ દાદા મને ચાહે છે? થોડું ભણેલા હોય ને એ કહી દે, પ્રભુ તો વીતરાગી છે, એમને વળી ચાહત ક્યાંથી હોય.

આનંદઘનજી ભગવંતને પૂછ્યું – કે પ્રભુ અમને ચાહે છે.? એમણે કહ્યું હા. પ્રભુ તને ચાહે છે. પેલો થોડું ભણેલો હતો… પ્રભુ તો વિતરાગ છે. એ વિતરાગ પ્રભુ મને ચાહે શી રીતે? આપણે કહીએ ને એની કૃપાથી બધું થયું. એના પ્રેમથી બધું થયું. આ શું છે?  પ્રભુ સિદ્ધશિલા ઉપર, પણ આર્હન્ત્ય, પરમચેતના, પરમશક્તિ એ અત્યારે પણ સક્રિય છે. જ્યાં સુધી પ્રભુ મહાવીરદેવનું શાસન રહેશે ત્યાં સુધી પ્રભુ મહાવીર દેવનું આર્હન્ત્ય, એમની પરમચેતના, એમની પરમશક્તિ સક્રિય રહેવાની છે. તો આ લયમાં આનંદઘનજી ભગવંતે કહ્યું  – કે હા પ્રભુ તને ચાહે છે. પેલો કહે સાહેબ proof ખરું કોઈ? પ્રભુ મને ચાહે છે. ત્યારે એમણે ૧૫માં સ્તવનમાં કહ્યું, દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ, પ્રેમ પ્રતિત વિચારો ઢુકડી” પ્રભુના પ્રેમની પ્રતીતિ તને હમણાં જ થાય.

મુનિસુવ્રત દાદાની ભક્તિ કરી છે તમે, તમારા તરફથી તમે બધું કર્યું છે પણ દાદા તમને ચાહે છે આ વાત પર તમે ક્યારે ગયા છો? સિદ્ધિતપના તપસ્વીઓને કહું કે દાદાએ તમને ચાહ્યા માટે જ તમે સિદ્ધિતપ કરી શક્યા. એની ચાહત વિના, એના પ્રેમ વિના એક પાંદડું પણ હલી શકતું નથી.

સંત હરિદાસે વ્રજ ભાષામાં એક પદ મુક્યું છે “તીનકા ભુયારી કે બસ” એક તણખલું સાવરણી ને અધીન હોય છે, એમ હું પ્રભુ તને અધીન છું. ભક્ત ગૌરાંગ એનાથી પણ એક ડગ આગળ વધ્યા છે. ગૌરાંગજી કહે છે કે, ક્યારેક તણખલું સાવરણીને વશ ન રહે. હવામાં પણ ઉડી જાય. तृणादपि सुनीचेन भवितव्यम् પ્રભુ હું તણખલા થી પણ નીચો છું. બસ મારે માત્ર તારા ચરણોમાં રહેવું છે.

પેલી વ્યક્તિ પૂછે છે proof શું? પ્રભુ મને ચાહે છે? ત્યારે એમને આ કહ્યું, “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ” તો સાધનામાર્ગે વ્યક્તિ દોડી શકે છે. એક ડગલું પણ જો ભરી શકે છે એનું કારણ એ છે કે પ્રભુ તને ચાહે છે. આ પ્રભુની, મુનિસુવ્રત દાદાની ચાહત આપણને ખુબ ખુબ મળી. એ દાદાની કૃપાથી સિદ્ધિતપ થયો. અને સિદ્ધિ તપના ટેકામાં જેની જેની શક્તિ છે. એ પર્યુષણમાં અટ્ઠાઈ કરવાના બરોબર… અને અટ્ઠાઈ પણ દાદાના પ્રેમથી જ થવાની છે. તો ખુબ સરસ આજનો પ્રસંગ ઉજવાયો. પ્રભુની કૃપાને આપણે આ રીતે માણી. પ્રભુના પ્રેમને આ રીતે આપણે માણ્યો. પ્રભુને કહીએ કે તમારા પ્રેમમાં મને સતત ભીંજાતો રાખો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *