વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ચિત્તમેં શ્રુત ઐસે બસે
ચિત્તમેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે. ભક્તની આ વ્યાખ્યા. પ્રભુના શબ્દો ભક્તના મનનો કબજો લઇ લે. પૂરું મન પરમાત્માના શબ્દો તરફ ઢળેલું હોય. કાયા ભોજનની ક્રિયા કરતી હોય, એ વખતે પણ ચિત્ત પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને ઘૂંટ્યા કરે. આજે નાનકડું વાક્ય તમારા મનમાં તમે ઘુમરાવશો : હું આનંદઘન છું. આનંદની એક અવિરત ધારા મારી ભીતર વહી રહી છે.
કોઈકે કંઈક કહ્યું – જરા roughly – અને અણગમાથી સહેજ તમારો ચહેરો બદલાવાની શક્યતા હોય… ત્યાં જ તમને યાદ આવે કે હું આનંદઘન છું. આ શબ્દો તો પૌદ્ગલિક છે; કહેવાયા પણ પુદ્ગલને. પછી મારે એની સાથે શો સંબંધ? હું તો આનંદઘન છું! જો આ શબ્દો ચિત્તમાં ઘુમરાયા કરે, તો પછી કોઈ પણ ઘટના ઘટે, તમે આનંદમાં જ હશો!
સાધકની આ વ્યાખ્યા કે જે સતત આત્મદ્રવ્યનું ચિંતન કરતો હોય અને ઘટનાઓ, પર્યાયોમાં જે ક્યારેય પણ જતો નથી. જે સ્વમાં રહે, પરમાં ન જાય – એ સાધક.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪૩
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
ભક્તિની એક મજાની ધારા. આનંદઘનજી ભગવંત માત્ર પોતે ભક્તિની ધારામાં જાય છે એમ નહિ, આપણને બધાને ભક્તિની ધારામાં તેઓ લઇ જાય છે. ભક્તિની બહુ મજાની વ્યાખ્યા આપણે જોઈ રહ્યા હતા. “ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે” ભક્તની આ વ્યાખ્યા, ભક્તને પ્રભુનું જે હોય, તે બધું જ ગમે છે. “મધુરાધિપતેરખિલં મધુરં” પ્રભુના શબ્દો ભક્ત ને એટલા જ પ્યારા લાગે છે. સાંભળતી વખતે તો પ્રભુના શબ્દો મીઠા મીઠા લાગે. પછી શું થાય છે એની વાત આ પંક્તિમાં કહી.
ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે – એ પ્રભુના શબ્દો મનનો કબજો લઇ લે. પૂરું મન એ પરમાત્માના શબ્દો તરફ ઢળેલું હોય. કાયા ભોજનની ક્રિયા કરતી હોય, યા પાણી પીવાની ક્રિયા કરતી હોય એ વખતે પણ ચિત્ત શું કરે? પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને ઘૂંટ્યા કરે. એટલી બધી મજા આવે. એકવાર નહિ, બે વાર નહિ, ચાર વાર નહિ…. હજારો વાર એ ઘૂંટ્યા કરે.
એક સાધકે એકવાર સાધકની વ્યાખ્યા સાંભળી. ગુરુદેવે પ્રભુના શબ્દોને quote કરીને કહ્યું કે સાધક કોણ? સાધકની વ્યાખ્યા શું? સાધક સાધનામાં પુરેપુરો ઉતરેલો હોય છે. એ સાધકની વ્યાખ્યા એ છે કે, એ સાધક સતત આત્મદ્રવ્યનું ચિંતન કરતો હોય, અને ઘટનાઓ, પર્યાયોમાં એ ક્યારે પણ જતો નથી. એને આ વ્યાખ્યા ગમી ગઈ. તમને ગમી? જે સ્વમાં રહે પરમાં ન જાય એ સાધક. એ સાધકે એ દિવસે પ્રભુના એ શબ્દોને મનમાં ઘુમરાવ્યા. પાંચ – સાત – દશ ઘટનાઓ એ દિવસમાં એના તરફ ખુલી, પણ એ સાધક એક પણ ઘટનામાં ગયો નહિ. હકીકતમાં કોઈ પણ ઘટના ક્યારે પણ તમને પીડા આપી શકતી જ નથી. ઘટના જોડે તમારો જે સંબંધ રચાય છે. એ સંબંધ પીડા આપે છે. તમે ઘટના જોડે સંબંધ એ રીતે રચ્યો કે આ ઘટના મારા તરફ ખુલી રહી છે.
અરે ભાઈ કોઈ પણ ઘટના હોય એ તારા તરફ ખુલે છે કે તારા શરીર તરફ ખુલે છે? ઘટના ઘટી… ચાલતા હતા ને પડી ગયા. ઘટના ઘટી પણ એ ઘટના કોના સ્તર પર ઘટી? શરીરના સ્તર પર ઘટી. તમે શરીરની સાથે હું પણાનો સંબંધ રચ્યો છે. અને સંબંધ જે છે એના કારણે તમને પીડા થાય છે. મહામુનિવરો ને રોગો આવતાં, પણ તમને ખબર ન પડે કે એમને કેન્સર થયેલું હશે. એટલી જ મસ્તી, એટલા જ મજામાં એ રહેતા હોય.
એકવાર ધર્મધુરંધરસૂરિ મહારાજની શાતા પૂછવા હું ગયેલો. સાહેબજી ને કેન્સર થયેલું. હું સાહેબજી પાસે ગયો. મારા મનમાં એક વેદના હતી, કે આવા સમર્થ આચાર્ય ભગવંત જેમનું આધિપત્ય જિનશાસનને મળે એ જરૂરી હતું. એ શું ચાલ્યા જશે??? તો મેં વેદનાના સૂરમાં કહ્યું, કે સાહેબજી! આપને આ કેન્સર થઇ ગયું. મને એ ઝડે છે. યશોવિજય! તારા શબ્દો આ હોય… મને કેન્સર થયું છે કે મારા શરીરને થયું છે… હું તો અમર અને અક્ષય આત્મા છું. મને શું થાય…. હું તો એ જ મસ્તીમાં છું જે મસ્તીમાં પહેલા હતો. અને પછી એમણે કહ્યું – મારી મસ્તી પ્રભુ શાસન મળ્યાને કારણે છે. મારી મસ્તી પ્રભુની સાધના મળ્યાને કારણે છે. અને એ સાધના, એ શાસન, એ શ્રામણ્ય અત્યારે પણ મારી પાસે છે. તો મારી મસ્તી ઓછી કેમ થાય? કેન્સરની કઈ તાકાત કે એ મારી મસ્તીને ઓછી કરી શકે.
પર્યાયો બદલાયા જ કરવાના છે. આપણી દ્રષ્ટિ, આપણે પર્યાયો તરફ નહિ, શુદ્ધ આત્મ દ્રવ્ય તરફ આપવી છે. પ્રભુનો કોઈ પણ શબ્દ તમને ક્યાં સુધી લઈ જાય? આત્માનુભૂતિ સુધી. તમારો અનુભવ પ્રભુ તમને કરાવે. કરવો છે ને??? એ આનંદઘનતા નો અનુભવ થાય પછી તમે લોકો તો પ્રવચન ન સાંભળો તો ય ચાલે. અમારા જેવા સંતોના ચહેરાને જોઈ લો તો પણ ખ્યાલ આવી જાય કે આટલો બધો આનંદ આવ્યો ક્યાંથી? પ્રભુની કૃપામાંથી, પ્રભુના પ્રેમમાંથી તો આપણે પણ ચાલો એ માર્ગ તરફ જઈએ. ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે – અમારી એક કોશિશ હોય છે કે આ શબ્દોને તમારા unconscious mind સુધી પહોંચાડી દઈએ. conscious mindમાં આ ઘટના ઘટેલી હશે – પ્રવચનની, નીચે ઉતરતા બીજી કોઈ ઘટના ઘટશે, તો conscious mind જે છે એ પ્રવચનની ઘટનાને delete કરી નાંખશે. નવી ઘટના ઉપર એનું ચિત્ત focus થશે.
પણ અમારી કોશિશ એ છે કે તમારા unconscious માં અમે આ શબ્દો મૂકી દઈએ. જેથી ક્યારે પણ એ શબ્દો તમને યાદ આવી જાય. બોલો એટલું જ યાદ રહે કે હું આનંદઘન છું. પછી એને પીડાનો સ્પર્શ થાય ક્યારે?
એક માણસ સમ્મેતશિખરની યાત્રાએ ગયો. કરોડોપતિ માણસ. ખિસ્સું કપાઈ ગયું. એક પણ પૈસો એની પાસે અત્યારે નથી. અત્યારે ભલે એક પણ પૈસો એની પાસે નથી. પણ એ છે કોણ? કરોડોપતિ. એ તરત જ પોતાના ઘરે ફોન કરશે ત્યાંથી માણસ લાખ – બે લાખ – પાંચ લાખ જેટલા જોઈએ એટલા લઈને દોડશે. એમ તમને જો ખ્યાલ આવે કે હું આનંદઘન છું. તો પીડાનો સ્પર્શ કઈ રીતે થાય? પેલા માણસને એમ થાય કે હું નિર્ધન થઇ ગયો, દરિદ્ર થઇ ગયો. અને ખિસ્સું કપાયું તો કપાયું… ૧૦,૦૦૦ હજાર રૂપિયા ગયા. ૧૦,૦૦૦ મારે શું વિસાત છે. એક ઈશારો કરું ને ૧૦ લાખ મને મળી જાય.
તો આજે નાનકડું વાક્ય તમારા મનમાં તમે ઘુમરાવશો… હું આનંદઘન છું. આનંદની એક અવિરત ધારા તમારી ભીતરથી નીકળી રહી છે.
૧૦૦ એક વર્ષ પહેલાંની વાત કરું… કે એ વખતના શ્રાવકોના ચિત્ત પ્રભુના શબ્દોને કેવી રીતે સમર્પિત હતા. ૫૦ – ૫૫ ની ઉંમર થાય, દીકરાને ધંધો ભળાવી દે, પોતે નિવૃત્ત થઇ જાય. નિવૃત્તિનો ઉપયોગ સ્વાધ્યાયમાં, ભક્તિમાં. ભરૂચની અંદર ૧૦૦ વર્ષ પહેલા અનુપચંદભાઈ નામના શ્રેષ્ઠી હતા. જૈન શાસ્ત્રોના પારંગત કહેવાય એવા. એકવાર એક ગુરુ ભગવંત વિહાર કરતા ભરૂચ પધાર્યા. જ્ઞાની ગુરુ ભગવંત હતા. અનુપચંદ ભાઈએ અને બીજા શ્રાવકોએ વિનંતી કરી કે ગુરુદેવ માસ કલ્પ અહીંયા કરો. મુનિસુવ્રત દાદાનું ભવ્ય આ તીર્થ અહીંયા આપ માસ કલ્પ કરો. આપને પણ સાધના સઘન બનશે અહીંયા અમને આપનો લાભ મળશે. બીજા જ દિવસથી વાચના શરૂ થઇ. એક ગ્રંથ સામે હતો. અને ગુરુદેવ એની એક – એક પંક્તિને ખોલી રહ્યા છે. ૫૦ એક શ્રાવકો આવતાં. પણ એવા શ્રાવકો કે જે ગુરુદેવના શબ્દ – શબ્દને પી શકે.
પર્યુષણ પહેલાંના મારા પ્રવચનો અલગ હોય છે. પર્યુષણ પછીના અલગ હોય છે. પર્યુષણા પર્વ પહેલાં તમને ખેંચવા માટેના પ્રવચનો હોય છે. પણ જે ક્ષણે લાગે કે તમને પ્રભુના શબ્દોનું સંમોહન લાગી ગયું છે, ત્યારે આખી જ વાચના અલગ થઇ જશે. અત્યાર સુધીની મારી કોશિશ એ હતી કે તમે સમયસર આવતાં થઇ જાઓ. એવુ પ્રભુના શબ્દોનું સંમોહન તમને લાગે. પર્યુષણા પર્વ પછી એવું એક સંમોહન તમને લાગે કે આજ પ્રભુના પ્યારા શબ્દોથી મારે મારા જીવનનું પૂરેપૂરું પરિવર્તન કરવું છે. પ્રભુનો એક શબ્દ જીવનને પલટી નાંખે.
અમે લોકો ભલે હજારો શબ્દો આપીએ તમને, એમાંથી એક વાક્ય પકડાઈ જાય, બસ તમે ન્યાલ થઇ ગયા. આજે તો વાક્ય બરોબર પકડાઈ ગયું ને… ગોખાવું….. હું આનંદઘન છું.
કોકે કંઈક કહ્યું, જરા roughly કહ્યું. સહેજ ચહેરો બદલાવાની શક્યતા હોય, ત્યાં યાદ આવશે હું આનંદઘન છું. આ શબ્દો પૌદ્ગલિક, કહેવાયા પણ પુદ્ગલ ને તો એમાં મારે સંબંધ શું છે? હું આનંદઘન છું. ઘટના ગમે તેવી ઘટશે તમે આનંદમાં હશો.
ઘી ની બરણી શ્રાવિકાથી ઢોળાઈ ગઈ, તમે શું કરવાના? ઘી ની બરણી ઢોળાઈ એની પીડા એને પણ છે. એ life partner છે. એને પણ તમારા જેટલી જ ચિંતા છે. ત્યાં નુકશાન થયું. હવે તમે અડધો કલાકનું લેકચર આપો, શેના માટે… જે ઘટના ઘટી ગઈ છે એ ઘટી ગઈ છે. અને ધૂળમાં જ બરણી ઉંધી પડી હોય, તો એકેય ટીપું એનું પાછું આવવાનું છે નહિ. તો ઘટના ઘટી ગઈ. તમે અડધો કલાક લેકચર આપીને શ્રાવિકાના મનને દુભવ્યું, પણ તમને મળ્યું શું? એના કરતાં તમે પ્રેમથી કહી દો, કોઈ વાંધો નહિ, હું હોઉં તો પણ આ ન થઇ શકે. મારી પણ ઠેસ – બેસ લાગે તો આ થઇ શકે. એટલે આમાં તારો કોઈ વાંક નથી. તે કાંઈ જાણી – જોઇને કર્યું નથી. આવા શબ્દો તમે બોલો તો શ્રાવિકાને કેટલો આનંદ થાય. મારે તો તમારી વ્યવહારની જિંદગી અને નિશ્ચયનું જીવન બેઉ પલટવા છે. જ્યાં ભીતર નિશ્ચયની ધારા આવશે, વ્યવહાર તમારો સુધારી જશે.
તમારા દીકરાઓ ખોટું કેમ બોલે છે? એના હાથે એક રમકડું તૂટી ગયું, તમે જોશથી લાફો મારશો. આટલું કિંમતી રમકડું તોડી નાંખ્યું તે, હવે એને લાગશે પપ્પા તોડી (૨૪.૪૧)નાંખશે. એ જુઠું બોલવાનો… મેં ક્યાં તોડ્યું છે. મને કંઈ ખબર જ નથી ને, આ તો box માંથી કાઢ્યું ત્યારે ખબર પડી કે તૂટેલું છે. એને ખોટું બોલતા કોણે શીખવ્યું? તમે શીખવ્યું.
પ્રભુનો પ્રેમ તમે ઝીલો. અને એ પ્રેમને spread out કરો. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે, કે આજના પતિ કે પત્નીને પૂછો કે આવતાં જન્મમાં આ life partner તમારે જોઈએ? તો ૯૯% ની ના આવશે. પણ ૧% હા માં આવી શકે. એ કેવા હોય? તમારે એવા બનવાનું છે. માત્ર પ્રેમ. દીકરા પણ પ્રત્યે પ્રેમ, દીકરી પ્રત્યે પ્રેમ. શ્રાવિકા પ્રત્યે પ્રેમ. માત – પિતા છે ઘરમાં તો એમની તીર્થની જેમ ભક્તિ, તમારો વ્યવહાર જીવન સુધારી જાય તો તમારા ઘરમાં સ્વર્ગ ઉતરે. બધા ના જ ચહેરા એકદમ ઉલ્લાસમય હોય.
તો વાચના ચાલે છે અગિયારમાં કે બારમાં દિવસે, એક પંક્તિનો અર્થ ગુરુદેવે કર્યો. અનુપચંદ ભાઈએ આ સૂત્ર બે થી ત્રણ વાર સાંભળેલું. એક આચાર્ય ભગવંતે આ પંક્તિનો અર્થ અલગ કરેલો એ એમને ખ્યાલ હતો. પણ કેટલી ગુરુની આમન્યા, મર્યાદા, વિવેક એ વખતે કશું જ બોલવાનું નહિ. હાથ જોડીને સાંભળી રહેવાનું. વાચના પુરી થઇ. ગુરુદેવ આસન ઉપર બિરાજમાન થયા. ત્યારે અનુપચંદભાઈ ત્યાં ગયા. સાહેબને વંદન કર્યું. અને કહે સાહેબજી એક પ્રશ્ન હતો – થોડા સમય પહેલા એક આચાર્ય ભગવંતે આ જ સૂત્રની વાચના આપેલી. અને મને એવો ખ્યાલ છે કે એ આચાર્ય ભગવંતે એ પંક્તિનો અર્થ આ રીતે કરેલો. આજે આપે અલગ રીતે કર્યો. મને ચોક્કસ ખ્યાલ નથી કે આચાર્ય ભગવંતે આમ જ કહ્યું હશે. પણ મને આછો આછો ખ્યાલ છે. તો હું મારા સ્મરણમાં ક્યાંય ચૂકતો તો નથી ને.. હું ચૂકતો નથી એમ કહે છે હો… સાહેબ, તમે ભુલી ગયા એમ નથી કહેતાં. સદ્ગુરુ એટલે સદ્ગુરુ. એમના ચરણોમાં ઝૂકવાનું જ છે. અને ઝૂકવા સિવાય બીજું કંઈ કરવાનું પણ નથી.
ભગવદ્ ગીતામાં કહ્યું કે કોઈ પણ તત્વજ્ઞાન ગુરુ પાસેથી લેવું, કે ગુરુને કોઈ પ્રશ્ન પૂછવો, તો એની વિધિ શું? તો બહુ શ્લોક સરસ આવ્યો. “तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया” ૩ વાત બતાવી. પહેલું પ્રણિપાત – ઝુકી જાવ. હું કંઈક જાણું છું આ ભાવ હોય ત્યાં સુધી તમે ગુરુદેવને કશું જ પૂછી શકો નહિ. હું કાંઈ જ જાણતો નથી. નિપટ અજ્ઞાની માણસ છું. ગુરુદેવ આપ મહાજ્ઞાની છો. મારા સંશયને આપ દૂર કરો. પહેલું પ્રણિપાત – ઝુકી જવાનુ. બીજી વાત બહુ સરસ કહી. પરિપ્રશ્ન – પ્રશ્ન નહિ, પરિપ્રશ્ન. conscious mind માં ખાલી સવાલ આવ્યો. અને પૂછી લીધો એમ નહિ. એક જિજ્ઞાસા થઇ અને પૂછી લીધું એમ નહિ. પરિપ્રશ્ન ક્યારે બને? મુમુક્ષા હોય ત્યારે. એક છટપટાહટ, એક વેદના, આ આત્મ તત્વને હું ન જાણું તો કેમ ચાલે? મારા અનંતા જન્મો વ્યર્થ ગયા, Meaning less ગયા. શું આ જન્મ પણ મારો આવો જ જશે? ગુરુદેવ કૃપા કરો અને મને સમજાવો. એક પ્રશ્ન તમારી પુરી ચેતનાને આવરી લે. ત્યારે એ પરિપ્રશ્ન બને. તો આવો પ્રશ્ન હોય. તમને લાગે જીવન – મરણનો સંગ્રામ. ગુરુદેવ મળ્યા છે એને જાણી લો. પછી કહ્યું સેવયા:. ત્રીજું ચરણ સેવા – પ્રશ્ન તમારે પૂછવાનો ઉત્તર આપવો યા ન આપવો, આપવો તો ક્યારે આપવો…. એ ગુરુ નક્કી કરે. તમે પ્રશ્ન પૂછી લો એટલે કોઈ પણ ગુરુ જવાબ આપવા માટે બંધાયેલા છે એવું નહિ માનતા. એમને લાગે કે આ પ્રશ્ન ખાલી ઉપરના સ્તરનો છે એને એની જિજ્ઞાસા ને સંતોષવી છે. તો એના માટે મારી જરૂરિયાત નથી.
આજે તમારી બધી જિજ્ઞાસાઓને સંતોષવા માટે google તૈયાર છે. પણ મુમુક્ષા હોય તો જરૂર સદ્ગુરુ પાસે. એ google પાસેથી જવાબ નહિ મળે. સેવયા પ્રશ્ન પૂછી લીધો, ગુરુ જ્યારે જવાબ આપે ત્યારે… તમારે સેવા કરે જવાની. આવો પ્રશ્ન જે છે એ અસ્તિત્વના સ્તરનો પ્રશ્ન બને છે. અનુપચંદભાઈ પાસે આ પ્રશ્ન તો હતો પણ એ પ્રશ્ન પૂછવાની વિધિ પણ હતી. ઝુકી ગયા, ગુરુદેવને પૂછ્યું – પણ કેવી રીતે? હું ક્યાંય ચૂકતો નથી ને ગુરુદેવ. હું એ પૂછવા નથી આવ્યો કે તમે ક્યાંક ચુક્યા છો. આપણને તો શું થાય… થોડું ભણેલા હોઈએ અને આ વાત જાણેલી હોય ને બીજી વાત આવે. સાહેબ પેલા સાહેબે આમ કર્યું.
ગુરુદેવ મારે એ ચેક કરવું છે કે હું કયાંય ચૂકતો નથી ને? તમે ચૂકો એ વાત મારા મનમાં છે પણ નહિ. અને ગુરુદેવે કહ્યું કે મેં જે અર્થ કર્યો છે એ બરોબર છે. તહત્તિ કહીને સ્વીકાર કર્યો. એમ નહિ હવે ગુરુદેવ છે કહે એટલે સ્વીકારવું પડે. નહિ…પ્રેમથી. ગુરુદેવ બોલ્યા એટલે વાત પુરી થઇ ગઈ. એ રાત્રે ગુરુદેવને ઊંઘ ન આવી. એમણે બે અર્થ સામે રાખ્યા. પછી એમણે થયું કે મેં અનુપચંદ ભાઈને ના પાડી. પણ ખરેખર એમણે જે અર્થ બતાવ્યો એ પણ આગળ – પાછળ જોડે એકદમ સમબદ્ધ થાય એવો છે. મારો જે ઉત્તર છે એ ઉત્તરને આગળની પંક્તિ જોડે સંબંધ નથી રહ્યો. જયારે આ ઉત્તર જે છે એને આગળ અને પાછળ બે જગ્યાએ સંબંધ રહે છે. તો પછી એમણે કરેલો અર્થ સાચો હોય, અને મેં કીધું કે ના, મેં કરેલો અર્થ બરોબર છે. તો મને તો પ્રાયશ્ચિત આવે. કેવા ભવભીરૂ મહાત્મા… પ્રભુના શબ્દનો સહેજ અર્થ આમ થઇ ગયો તો તરત જ ક્ષમા યાચવાની. અમે લોકો કહીએ ને પ્રવચનને અંતે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. એનો એક અર્થ તો તમારા ખ્યાલમાં છે. કે પ્રભુની આજ્ઞા પ્રમાણે જ એક – એક શબ્દ બોલવાનો છે. પણ ક્યારેક મતિમંદતાથી ખોટું કંઈક બોલાઈ ગયું હોય, તો એનું મિચ્છામિ દુક્કડમ્. બીજો અર્થ એવો છે કે પ્રભુની આજ્ઞા પ્રમાણે હું બોલ્યો હોઉં તો તો એ સારું જ હોય. પણ વચ્ચે એમાં મારી બુદ્ધિ આવી ગઈ હોય, તો કદાચ થોડું બગડી પણ જાય.
એક શ્રાવિકા, મહેમાન આવ્યા, apple છોલેલું છે, ટુકડા કરેલા છે ને આપી દે… દુધની સાથે. મીઠાઈ, દૂધ અને apple. Apple માં એમણે કશું કરવાનું નહોતું. છાલ જ ઉતારી ટુકડા કર્યા. પણ તુરીયાનું શાક કર્યું, અને એમાં મરચું થોડું વધારે પડી ગયું કે તેલ વધારે થઇ ગયું. તો ઘાણ બગડી જાય. એમ પ્રભુના શબ્દો inverted coma માં અમે મુકી દઈએ તો તો એ સરસ જ રહેવાનું છે. Apple ના ટુકડા… apple આખું હતું આખું ખાઈ ન શકાય. અમે ટુકડા કરીને આપીએ. સમજાય એ રીતે આપીએ. પણ તુરિયા શાકમાં તકલીફ થઇ જાય. કાંતો મીઠું વધારે હોય, કાંતો મરચું વધારે હોય, કાંતો મીઠું ભુલાઈ ગયેલું હોય. તો મજા ન આવે. એમ અમારી બુદ્ધિ વચ્ચે આવી ગયેલી હોય, તો આખું પ્રવચન બગડી જાય. એટલે જ અમે લોકો પાટ કોને સોંપીએ? જે પ્રભુ પ્રત્યે અત્યંત શ્રદ્ધાવાન છે. દીક્ષા લીધી એટલે શ્રદ્ધા હોય જ. પણ એની શ્રદ્ધા day by day વિકસતી જાય છે કે નહિ એ અમે જોતા હોઈએ છીએ અને એમાં જેની શ્રદ્ધા એકદમ superbly આગળ વધેલી હોય, એને અમે પાટ ઉપર બેસાડવા માટે પસંદ કરીએ છીએ. કે ભાઈ એના મોઢેથી પ્રભુના શબ્દો એ જ રીતે નીકળશે. એમાં એની બુદ્ધિ, એની અભિવ્યક્તિ કશું જ ઉમેરાશે નહિ.
તો ગુરુદેવને રાત્રે ઊંઘ ના આવી. કે અનુપચંદ ભાઈએ કરેલો અર્થ પણ સાચો છે. બીજી સવારે બધા વાચનામાં આવ્યા. ત્યારે ગુરુદેવે કહ્યું કે અનુપચંદભાઈનો અર્થ પણ બરોબર હોય એવું મને લાગે છે. હવે આપણ એક કામ કરીએ. અહીં મુનિસુવ્રત દાદા છે. એમના અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ છે. તમે ૫૦ જણા છો. આવતી કાલથી શક્ય હોય તો ૩ દિવસનો અટ્ઠમ કરો. અને મુનિસુવ્રત દાદાનો જાપ કરો. અટ્ઠમ ન કરી શકે એ ૩ આયંબિલ. ૩ આયંબિલ ન કરી શકે એ ૩ એકાસણા. જાપ સવાસો માલનો બધાએ કરવાનો. પણ એ જાપની પહેલા સંકલ્પ મુકવાનો, suggestion. કે બંને અર્થમાંથી કયો અર્થ સાચો છે એની પ્રતીતિ અમને કરાવો.
અનુપચંદભાઈની કોઈ ઈચ્છા નહિ… કહે સાહેબ આપનો અર્થ બરોબર છે પણ ગુરુ કહે ત્યાં સામે બોલી પણ શું શકે… ગુરુ કહે એમ કરવાનું જ છે. હું પણ અટ્ઠમ કરવાનો છું. આ એક બહુ સરસ વાત કરી. જાપની પહેલા તમે સંકલ્પ મુકો. Suggestion. કે મારે આત્માની નિર્મળતા જોઈએ. મારે હૃદયની નિર્મળતા જોઈએ. મારે ચિત્ત વિશુદ્ધિ જોઈએ. તમે એક સંકલ્પ કરો. પછી જાપ કરો. તો એ જાપની શક્તિ જે છે ને એ સંકલ્પને સાકાર કરવા તરફ જશે. એમનેમ તમે જાપ કરો, તો આત્મ નિર્મલીકરણ તો થાય પણ જ્યારે વિશેષ હેતુથી આપણે જાપ કરવો છે ત્યારે સંકલ્પ મુકવાનો.
તો ગુરુદેવે કહ્યું પહેલા બધાએ સંકલ્પ મુકવાનો કે બે અર્થમાંથી જે સાચો અર્થ હોય, એનો અમને ખ્યાલ આવે એવું કંઈક કરો. અને ગુરુદેવે ત્યાં સુધી કહ્યું કે ત્રીજી રાત્રે સ્વપ્નની અંદર તમને આભાસ થશે કે આ અર્થ સાચો. આ અર્થ ખોટો. બીજા દિવસે બધાએ સાધના શરૂ કરી. અને ખરેખર ગુરુદેવે કહ્યું તેમ ત્રીજા દિવસની રાત્રિએ ઘણાને પેલો ઉત્તર લખાઈને જોવામાં આવ્યો. આ ઉત્તર સાચો છે. કેટલાક ને સંભળાયું કે અનુપચંદભાઈ એ કરેલો ઉત્તર સાચો છે. મ.સા. ને પોતાને પણ અટ્ઠમ તપના છેલ્લી રાત્રે આભાસ થયો કે અનુપચંદભાઈએ કરેલો અર્થ સાચો છે.
હવેની વાત મજાની છે. ચિત્ત મેં શ્રુત એસે બસે – કઈ રીતે પ્રભુના શબ્દો અંદર બેઠેલા હોય, અને કઈ રીતે એ જીવનને બદલી નાંખે. અટ્ઠમ, ૩ આયંબિલ, ૩ એકાસણા જેને જે હતું એ પૂર્ણ થયું. પારણાની સવારે બધા જ દેરાસરે આવ્યા, દર્શન કર્યું, ભક્તિ કરી, હવે ગુરુ મહારાજ પાસે પચ્ચક્ખાણ લેવા માટે જવાનું. બહાર નીકળ્યા દેરાસરની… તો એક ભાઈ કહે કે અમને આવો સંકેત મળ્યો કે તમે કરેલો અર્થ સાચો છે. બીજાએ કહ્યું મને બી આવો સંકેત મળ્યો. એ વખતે અનુપચંદ ભાઈ કહે છે કે આપણે બધા જ ગુરુદેવ પાસે જઈએ. વંદન કરવાનું, પચ્ચક્ખાણ લેવાનું, ગુરુદેવનું માંગલિક સાંભળવાનું, અને આપણે વિદાય થવાનું અને વાચના વખતે પાછા આવી જઈશું. એક પણ વ્યક્તિએ કહેવાનું નહિ કે મને અ સ્વપ્ન આવે છે. ગુરુદેવનો અર્થ બરોબર નહિ, મારો કરેલો અર્થ સાચો. આ ભૂમિકા જો આવી જાય ને… તો એનું શ્રાવકત્વ તળિયે પહોંચી જાય. ગુરુદેવને કહેવાનું પણ નથી, કે મેં કરેલો અર્થ સાચો છે. અને શાસનદેવે આપણને કહ્યું. બની શકે કે એ આચાર્ય ભગવંતે મને કહે… મેં તો કંઈ અર્થ કર્યો નથી. મારા સ્મરણમાં રહેલો એટલે મેં પૂછ્યું ગુરુદેવને બાકી guru is the supreme boss. આ અર્થ એમણે અલગ રીતે કર્યો એટલે ગુરુ તરીકે મટી જતા નથી.
આપણે જ્ઞાનને કારણે ગુરુ નથી માનતા, પંચમહાવ્રતોને કારણે ગુરુ માનીએ છીએ. જ્ઞાની તો પ્રોફેસરો ઘણા બધા હોય. આજે તો એટલા બધા motivators નીકળી પડ્યા છે. અંગ્રેજી જાણતા motivators અને સંતો. બહુ મોટું કામ – કાજ કરી રહ્યા છે. પણ motivation અલગ છે. સદ્ગુરુ દ્વારા મળતું જ્ઞાન અલગ છે. તો બધાને કહી દીધું, કે કોઈએ પણ કહેવાનું નથી કે મેં કરેલો અર્થ સાચો છે. બધા ગુરુદેવ પાસે ગયા. વંદન કર્યું. પચ્ચક્ખાણ માંગ્યું. બેસણું, નવકારશી, એકાસણું. માંગલિક સંભળાવ્યું ગુરુદેવે… એક સાધક કહેતો નથી કે સાહેબ અનુપચંદ ભાઈએ કરેલો અર્થ સાચો છે એવો આભાસ અમને થયો. બધાની મૌન રીતે વિદાય લેવાની તૈયારીમાં, ત્યારે ગુરુદેવે કહ્યું કે અનુપચંદ ભાઈ તમારો કરેલો અર્થ સાચો છે. એવો મને આભાસ થયો. સદ્ગુરુ પાસે કેટલી frankness હોય, કેટલી નિખાલસતા. તમે કરેલો અર્થ સાચો છે. અનુપચંદભાઈની આંખમાં આંસુ આવે છે. ગુરુદેવ! મેં કરેલો અર્થ કેમ કહો છો? એક આચાર્ય ભગવંતે અર્થ કરેલો, પ્રભુની કૃપા, જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ, કે મને યાદ રહી ગયું. પણ ગુરુદેવ આપ જ કહો છો કે સાધના માર્ગમાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનું કોઈ મહત્વ નથી. મોહનીયના ક્ષયોપશમનું જ મહત્વ છે. આંખમાં આંસુ છે. ગુરુદેવ મેં કાંઈ જ નથી કર્યું. અને હકીકતમાં એમની ઈચ્છા પણ નહોતી. પણ ગુરુ બોલ્યા કે આ રીતે કરવાનું જ છે. એટલે બધાને આભાસ થશે જ. એટલે ગુરુની વાત સ્વીકારવી પડી. પછી એમાં ન નું ન જ કરી શકાતું નથી. ગુરુ આજ્ઞા તહત્તિ કરી પડિવજ્યું નહિ. એ સૂત્ર તમારી તરફ છે. અમારી તરફ સૂત્ર એવું છે – કે તમને આજ્ઞા અમે સમજીને આપીએ. તમે સામાયિક લો, કોઈ પણ આદેશ માંગો, લીલી ઝંડી અમારી ખરી કે નહિ. સંદીસાહું – સંદીસાવેહ, ઠાઉં – ઠાએહ, પણ તમે સામાયિક પારો, મુહપત્તિ પડીલેહું કહ્યું એનો આદેશ અમે આપી દઈએ. પણ તમે કહો ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક પારુ?’ હવે હા તો અમારાથી કહેવાય નહિ. તમે પારીને જાઓ અને જે આરંભ – સમારંભના કામ કરો એની અનુમોદનાનું પાપ અમને લાગે. હા કહેવાય નહિ, ના કેમ ન કહેવાય? આ જ જિનશાસનની મર્યાદા છે. તમને કહીએ ના પારવાનું નથી. પેલો કહે કે ના, મારે તો પારવું જ પડે એમ છે. હું તો જાઉં છું…
એટલે એ ગુરુ આજ્ઞાનો ભંગ કરે, તો એમાં અમે સહભાગી બનીએ. એટલે અમે એવી આજ્ઞા ન આપીએ કે જે પેલો તોડી નાંખે. એટલે તમે જ્યારે પૂછો ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક પારુ?’ ત્યારે અમે શું કહીએ ‘પુણોવીકાયવ્વ:’ ભાઈ આ ફરીથી કરવા જેવું છે. કર એમ પણ નહિ, પાર એમ પણ નહિ. આ ફરીથી કરવા જેવું છે. હવે શ્રાવક વિચારમાં પડે… ગુરુદેવ કહે છે ફરી વિચાર કરવા જેવો છે… પોણો કલાક શું ટાઈમ મળે એમ છે… અગત્યનું કામ ન હોય તો ફરી સામાયિક લઇ લઉં. પણ અગત્યનું કામ છે અને જવું પડે એમ છે. તો બીજો આદેશ માંગે કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક પાર્યું’ તો પણ ગુરુ શું કહે… ‘આયરો ન મુતવ્વો:’ એના પરનો આદર તું મુકતો નહિ. જ્યારે સમય મળે, ફરી પાછો આ કરજે.
એટલે આ લોકો બધા indoor patient. કેમ? એમને તો કોઈ પણ આજ્ઞા આપી દઈએ. કૂવામાં પડ. એટલે કૂવામાં પડી ગયા. બરોબર? indoor patient કેવા હોય, વિચારવા એક મિનિટ ઉભો રહે ને તો indoor patient નહિ રહે. પણ તમે outdoor patient છો, એટલે તમારા માટે એવી આજ્ઞા આપી, કે જે આજ્ઞા તમે પાળી શકો. પણ જે આજ્ઞા પાળી શકો એમ હોય, એ આજ્ઞા પાળવા માટે ઉદ્યમ કરવો જોઈએ.
પ્રભુના શબ્દો, પ્રભુની આજ્ઞા મનમાં સતત ઘુમરાઈ રહેલી હોય, તો આ બને જ… એટલે બહુ પ્યારું સૂત્ર આવ્યું “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે”