વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પરમપ્રેમ
પ્રતિક્ષણ વર્ધમાન. પ્રભુનો પ્રેમ તો એકસરખો જ વરસી રહ્યો છે. પણ તમને અનુભવ એ થાય કે day by day પ્રભુના પ્રેમનો હું વધારે માત્રામાં અનુભવ કરી શકું છું.
જેમ–જેમ આપણી સજ્જતા, આપણી પાત્રતા ઊંચકાય, તેમ–તેમ પ્રભુના પ્રેમને વધુ પ્રમાણમાં આપણે ઝીલી શકીએ છીએ. જો કે અંદરની કે બહારની સજ્જતા પણ તમારે ઊભી કરવી પડતી નથી; પ્રભુનો પ્રેમ જે ઝીલાય છે, એ જ સજ્જતાને ઊભી કરે છે.
અવિચ્છિન્ન. દુન્યવી બધા જ પ્રેમો ખંડિત પ્રેમો છે. તમારું મન એક વસ્તુ ઉપર કે એક વ્યક્તિ ઉપર અખંડ પ્રેમની ધારામાં વહી શકતું નથી; આજે એ ગમે છે, કાલે નહિ ગમે. પણ પ્રભુના પ્રેમની ધારા અખંડિત છે. એ પ્રેમ ક્યારેય તૂટતો નથી. ક્યારેય છૂટતો નથી. અખંડ ધારા એની વહ્યા કરે છે.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪૫
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”
ભક્તિની એક મજાની ધારા. આજે વિશ્વમાં ભક્તિની ધારા બહુ જ spread out થઇ છે. Christianity ને કારણ અમેરિકા અને યુરોપમાં પણ પ્રાર્થનાનું એક વાવઝોડું આવ્યું છે. ભક્તિની એક મજાની રસધારા ચાલુ થઇ છે.
San Francisco માં એક મંદિર છે, જેને temple of prayer કહેવામાં આવે છે. પ્રાર્થનાનું મંદિર. પુરા દેશમાંથી લોકોનો પ્રાર્થનાનો પ્રવાહ એ મંદિર તરફ વળતો હોય છે. મંદિરના પ્રાંગણમાં ૫૦ એક કર્મચારીઓ બેઠેલા હોય છે. એક ફોન આવ્યો કે પ્રભુને કહો ને કે મારા દીકરાની તબિયત બરાબર નથી. સારી થઇ જાય. એ કર્મચારી ઉઠીને મંદિરમાં જાય અને પ્રભુને કહે, કે અમુક વ્યક્તિ તરફથી આ પ્રાર્થના આવી છે. આપણા ચિંતક શશીકાંતભાઈ ત્યાં ગયેલા – San Francisco… એમણે ઊંડાણથી આ પ્રક્રિયાને જોઈ. કારણ કે પંન્યાજી ભગવંતના ભક્ત હોવાને કારણે શશીકાંતભાઈની પણ ભક્તિની જ ધારા હતી. તો એમણે જોયું કે એક fax ઉતર્યો એમની હાજરીમાં. એ એક બહુ મોટા માણસ છે એ ખ્યાલ હતો, એટલે fax એમને વાંચવા પણ મળ્યો. ૮૦ વર્ષના એક માજીએ એ fax કરેલો, અને એમાં લખેલું કે, પ્રભુ! મારા દીકરાએ આજે મને કહ્યું છે કે, માં મારા દીકરા હવે મોટા થયા, એ દરેકને અલગ bedroom આપવો પડશે. એટલે તારા માટે ઘરમાં જગ્યા રહેતી નથી. તારા માટે સરસ guest house માં વ્યવસ્થા કરી છે. પણ પ્રભુ મારે એ રીતે રહેવું નથી. મારે મારા પરિવાર સાથે જ રહેવું છે. અને મારો દીકરો ખુબ શ્રીમંત છે. બાજુનો ફ્લેટ પણ લઇ શકે એમ છે. કોઈ નવી બિલ્ડીંગમાં મોટો ફ્લેટ પણ લઇ શકે એમ છે. માત્ર એના મનમાં આવવું જોઈએ. તો પ્રભુ એના મનમાં આ વસ્તુ ઉગે એવું તમે કરજો. આ fax માં લખેલું છે. એ fax પ્રભુને touch કરવામાં આવ્યો. સંભળાવવામાં આવ્યો. Fax માં ફોન નંબર પણ હતો.
એ કર્મચારીઓ પણ બધા નિષ્ઠાવંત હતા. એ ફોન નંબર ઉપર એણે માજીને ફોન કર્યો કે, તમારો fax મળી ગયો છે. અને પ્રભુને તમારો fax touch બી કરી દીધો, સંભળાવી પણ દીધો. અને એ વખતે ફોનમાં માજીનો આનંદભર્યો અવાજ આવે છે. કે તમે તો હમણાં પ્રભુને fax touch કર્યો, મેં તો લખ્યો ને એ જ ક્ષણે પ્રભુને મળી ગયો. મારા દીકરાએ કહી દીધું કે માં આપણે બાજુનો ફ્લેટ લઇ રહ્યા છે અને એટલે તારે ક્યાંય જવાનું નથી. તારે અમારી જોડે રહેવાનું છે.
એક ફરક એ પડ્યો, દીકરાએ શું કહ્યું? માં, તારે અમારી સાથે રહેવાનું… જગ્યા થઇ ગઈ એટલે, જગ્યા ન હોત તો માં ને જ guest house માં મોકલવાની હતી. આપણી પરંપરામાં શું છે? આપણો એક પણ દીકરો નથી કહેતો કે માત – પિતા મારી જોડે છે. એ કહેશે હું માત – પિતાની જોડે છું. એક છત્રછાયા.
અરવિંદસૂરિદાદા જ્યાં સુધી હતા, એક છત્રછાયા હતી કે, માથે એક સદ્ગુરુ છે. એ ગયા, રીતસર feel થયું કે, આપણે બિલકુલ અનાથ બની ગયા હોઈએ. એટલે માત – પિતાની ભક્તિ ક્યારેય પણ છોડો નહિ. એ જીવંત તીર્થ છે. એમનો આશીર્વાદ મળે તમારું કોઈ કામ અધૂરું ન રહે.
મહર્ષિ કર્વે મહારાષ્ટ્રના બહુ મોટા શિક્ષણશાસ્ત્રી. એમને ૧૦૦ વર્ષ થયા. મિત્રોએ, પ્રશંસકોએ, જન્મ શતાબ્દી ની ઉજવણી જેવો કાર્યક્રમ કર્યો. આ માણસ બધાથી બેપરવાહ છે. એને માત્ર શિક્ષામાં જ રસ છે. એ શતાબ્દી ઉત્સવનું પ્રવચન હતું. એક પત્રકારે પૂછ્યું કે, ૧૦૦ વર્ષે પણ તમે આટલા સ્વસ્થ છો એનું કારણ શું? ત્યારે મહર્ષિ કર્વેએ કહ્યું કે, મારા માતાજી અને પિતાજી મારી નાની વયમાં expired થયેલા. પણ અમારે ત્યાં વર્ષોથી જે માં કામ કરે છે ઘરનું બધું એને અમે માં નો જ દરજ્જો આપ્યો છે. હવે એની પાસેથી બધું કામ લઇ લીધું છે. બીજા નોકરો રાખ્યા છે. એ માં ને એટલું જ કહ્યું છે કે, તમારે અહીંયા રહેવાનું અમને આશીર્વાદ આપવાના. હું ૧૦૦ વર્ષનો થયો… અને સ્વસ્થ છું એની પાછળનું કારણ આ માં ના આશીર્વાદ છે.
“ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે” એ પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. કેવો છે એ પ્રેમ? કામના રહિતં કુળ રહિતં, પ્રતિક્ષણ વર્ધમાનં અવિચ્છિન્નં સૂક્ષ્મતરમ્ પ્રતિક્ષણ વર્ધમાનં – એ પ્રેમ પ્રભુનો! એક – એક ક્ષણે વધતો હોય એવો તમે અનુભવો. પ્રભુનો પ્રેમ એકસરખો વરસી રહ્યો છે. પણ તમને અનુભવ એ થાય કે day by day પ્રભુના પ્રેમનો હું વધારે માત્રામાં અનુભવ કરી શકું છું. આ શું હોય છે? જેમ – જેમ આપણી સજ્જતા, આપણી પાત્રતા ઉચકાય, તેમ – તેમ પ્રભુના પ્રેમને વધુ પ્રમાણમાં આપણે receive કરી શકીએ.
એક શ્રાવક હોય, એ પ્રભુની પૂજા કરવા જાય, એ દ્રવ્ય પૂજા કરતી વખતે પણ ભાવવિભોર બની જાય. એને પ્રભુનો પ્રેમ મળે જ. પણ એક શ્રાવક મુનિ બને તો પ્રભુના પ્રેમને વધુ માત્રામાં એ ઝીલી શકે. શ્રાવક પણામાં પણ તમારી ભક્તિની ધારા જેટલી વધુ એટલો પ્રભુનો પ્રેમ તમે વધારે ઝીલી શકો. એક બીજી વાત એ છે અંદરની કે તમારે સજ્જતા ઉભી કરવી પડતી નથી. પ્રભુનો પ્રેમ જે ઝીલાય છે એ જ સજ્જતાને ઉભી કરે છે. મારી, આ મુનિવરોની, કે આ સાધ્વીજી ભગવતીઓની સજ્જતાને ખોલનાર પણ પ્રભુ છે.
એટલે જ નંદીષેણ મુનિએ અજીતશાંતિના છેડે કહ્યું કે, પ્રભુ તારી કૃપાથી રત્નત્રયી મળી. હવે રત્નત્રયીની પ્રાપ્તિનો આનંદ દિવસે – દિવસે વધતો જવો જોઈએ. એ આનંદ વધે કઈ રીતે? પ્રભુનો પ્રેમ વધુ માત્રામાં મળે ત્યારે… તમે ૨૦ વર્ષથી પૂજા કરો છો… પહેલા દિવસે તમે પૂજા કરી.. અને આજે તમે પૂજા કરો છો. શું ફરક પડ્યો? ભાવાવેશ…આમ પ્રભુને જોતા આંખો ભીની થઇ જાય, ગળામાં ડૂસકાં આવે… આવી ભક્તિ થઇ છે? અહીં સુધી આપણને લાવનાર માત્ર ને માત્ર એક પ્રભુ છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્રમાં કહે છે: “ભવત્પ્રસાદે નૈવાહ, મિયતિમ્ પ્રાપિતો ભુવં” પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી આવ્યો છું. એ પ્રભુનું દર્શન થાય, આંખો વહી ન વહે… આંખો છલકાઈ ન જાય… મેં એકવાર કહેલું કે કેટલીય સ્તવનાઓ તમે ગાઓ, ભાવ પૂર્ણ સ્તવનાઓ, અને બે – ચાર સ્તવનાઓ ગાયા પછી કદાચ ભાવ આવે.
તમારો દીકરો અમેરિકા રહે છે, ભણવા માટે ગયો છે. એ દીકરો પાછો આવવાનો છે. તમે airport પર ગયા છો. વિમાન land થાય છે. સીડી પરથી દીકરો ઉતરે છે. એ વખતે તમારે કેટલી વાર ગોખવું પડે દીકરો આવે છે મારે એને ભેટવાનું છે. દીકરો… કશું જ નહિ. દીકરો આવ્યો સીધો જ બાહોમાં સમાઈ ગયો. અહીંયા કેમ….
પ્રભુને જુઓ ભાવાવેશ છલકાઈ ન જાય? ઘણીવાર તો પૂછીએ ને કે આજે પ્રભુને આંગી કઈ હતી? તો કહે કે આંગી તો હશે… મહોત્સવ ચાલે છે હમણાં… એટલે પણ કઈ આંગી હતી એ ખબર નથી. અને દર્શન કરીને આવ્યો, ચૈત્યવંદન કરીને આવ્યો, તો એણે પ્રભુને શું જોયા? મૂર્તિને જોઈ નહિ, આંગીને જોઈ નહિ, તો પ્રભુ ને શું જોયા? આપણે પ્રભુને જોવા છે. બસ એ પ્રભુની વિતરાગદશા, એ પ્રભુની પરમ ઉદાસીનદશા એનું દર્શન થઇ જાય, અને એ જ ઉદાસીનદશા મારી ભીતર છે, એ ખ્યાલ આવે તમે ઉદાસીન બનવા લાગો. જ્ઞાતાભાવ – દ્રષ્ટાભાવ ચોથે ગુણઠાણે આવી જાય, પાંચમે પણ એ જ્ઞાતાભાવ – દ્રષ્ટા ભાવ. છટ્ઠે ગુણઠાણે પણ અને સાતમે પણ એ… ફરક શું પડ્યો? ઉદાસીનદશા એમાં ઉમેરાતી જાય. તમે શ્રાવકત્વને પામ્યા એટલે દેશચારિત્ર ને પામ્યા. અમારી પાસે સર્વચારિત્ર છે. તમારી પાસે દેશચારિત્ર. Partiality છે… તો દેશચારિત્ર એટલે શું? થોડીક ઉદાસીનદશા. સંસારમાં રહેવા છતાં તમે એનાથી થોડા ન્યારા રહો.
એટલે કહ્યું ને “જિમ ધાવ ખેલાવણ બાણ” baby sitter હોય એ ૧૦ કલાક શેઠને ત્યાં રહે. એના દીકરા જોડે કદાચ કલાક જ રહી શકતી હોય, પણ એનો પ્રેમ ક્યાં છે? એમ તમે સંસારમાં વધુ રહેતા હોવ, પણ તમારો પ્રેમ ક્યાં છે? ચારિત્ર ઉપર છે. અને એટલે જ તમને દેશચારિત્રી કહ્યા છે. એ ઉદાસીનદશા છટ્ઠા ગુણઠાણે વધી, અને સાતમા ગુણઠાણે તો એકદમ top most stand પર આવી. તો પ્રભુની ઉદાસીનદશાને જોઇને આપણી ઉદાસીનદશાને આપણે પુષ્ટ કરવાની છે.
બોલો એક નાનકડો સવાલ કરું… રાગમાં કે દ્વેષમાં મજા આવે… કે ઉદાસીનદશામાં મજા આવે? એક વસ્તુ ગમી ગઈ… mall માં ગયા, વસ્તુ ગમી ગઈ. નીચે prize વાંચી. તમારા બજેટની બિલકુલ બહાર હતું એ… ગમી ગયું છે, તમે લઇ શકતા નથી. તો એ કમાઈ ને શું કર્યું? પીડા ઉભી કરી… આપણે તો શું કમાણા…. આપણે તો શું કર્યું… ટી.વી એ ડોઘલા જેવું… સ્લીમ ટી.વી ક્યાં છે આપણી પાસે… તો રાગ પીડા આપે, દ્વેષ તો પીડા આપે જ છે સીધું જ છે. તમે એકદમ ગુસ્સે થઇ જાવ ને… સામેવાળો કદાચ હસતો પણ હોય, પણ તમારે તો લમણાં દુખવા આવશે. અને એકદમ વધારે ગુસ્સો આવી જાય તો મગજની નસોને પણ નુકશાન થઇ શકે છે. તો રાગ અને દ્વેષમાં પીડા છે. ઉદાસીનદશામાં આનંદ છે.
અમારી પાસે જે આનંદ છે. એ ઉદાસીનદશાનો આનંદ છે. કશું જ જોઈતું નથી. અને આ જિનશાસન! જેને કશું જ જોઇતું નથી, એવા સંયમીઓ છે, અને સામે સાહેબનું નામ કોઈ પણ રીતે મળે એની ઈચ્છા કરનારા ભક્તો છે. કેટલું મજાનું આ સાઈડ જે છે અમારે કંઈ જોઈએ નહિ, અને તમારી ઈચ્છા શું હોય… સાહેબની ભક્તિમાં કંઈ પણ આવી શકતું હોય, તો મને લાભ મળે.
હરીભદ્રસૂરિ મ.સા. એક સવારે વિચાર મુદ્રામાં લલ્લીક શ્રાવક આવ્યો. ગુરુદેવ વિચાર મુદ્રામાં હતા. એટલે એ વખતે વંદન કરી શકાય નહિ… પા કલાક બેઠા રહ્યા, ગુરુદેવ બહાર આવ્યા વિચારમાંથી… વંદન કર્યું અને એક જ વાત પૂછી કે, સાહેબ! આપ બહુ મોટા આચાર્ય ભગવંત છો, શાસનની ઘણી બધી ચિંતા આપને હોય, મારો એ જાણવાનો અધિકાર નથી. પણ મને કંઈક લાભ મળે એવું ખરું? અને જ્યારે ગુરુદેવે કહ્યું કે, દિવસ આખો શાસનપ્રભાવનાની વ્યસ્તતામાં જાય છે. રાત્રે લખી શકાતું નથી. બસ પછી લલ્લીક શ્રાવક ઘરે ગયા. શું કરું… શું મારા ગુરુદેવ છે. રાત્રે પણ એમને લખવાની ઈચ્છા છે… પણ રાત્રે ફાનસનો ઉપયોગ કરવા તૈયાર નથી. No compromisation. અને એ રત્નદ્વીપમાંથી અચિત હીરો મંગાવે. ગુરુના ઉપાશ્રયમાં એ લગાડે અને ગુરુદેવ એના અચિત પ્રકાશમાં રાત્રે ગ્રંથો લખે. હરીભદ્સૂરિ મહારાજને વાંચો ત્યારે લલ્લીક શ્રાવકને યાદ કરજો, એની ભક્તિને યાદ કરજો. અને આ આચાર્ય ભગવંતે અમારા કલ્યાણ માટે પોતાની રાતની નિદ્રાને બાજુમાં મુકીને આ ગ્રંથો લખ્યા છે. આ ભાવ કરજો.
હું ઘણીવાર કહું કે વિદેશમાં આવી સ્કુલ હોય, હરીભદ્ર સ્કુલ, યશોવિજય સ્કુલ તો એમાં કેટલાય સ્કોલરો કામ કરતા હોય… હરીભદ્રસૂરિના બધા જ ગ્રંથો ઉપર એક સર્વગ્રાહી ચિંતન થતું હોય. Work shop થતાં હોય, સ્કોલરો કામ કરતાં હોય, આપણે ત્યાં આ સાધુ સંસ્થા બધું જ કામ કરે છે. હરીભદ્રસૂરિ મહારાજના ગ્રંથોને અમે સૌથી પહેલા વાંચીએ છીએ. પછી ઉપાધ્યાયજીના, પછી સિદ્ધસેન દિવાકરજીના, પછી આગમગ્રંથો, આ રીતે અમે ક્રમથી અભ્યાસ કરીએ છીએ.
તો લલ્લીક શ્રાવકના મનમાં એક જ ઈચ્છા હતી, કે ગુરુદેવની ભક્તિમાં મને કંઈક લાભ મળી શકે… એ મુનીમ જ્યારે ગયો ને રત્નદ્વિપમાં, ત્યારે શેઠે શું કહેલું ખબર છે? એ મુનીમ એક પૈસે શેર ભીંડો મળતો હોય એ જમાનામાં, બે પૈસે લઇ આવે, શેઠ ધૂળ કાઢી નાંખતા… કેમ? એક પૈસો વધારાનો આવે છે… એક પૈસામાં ભીંડો મળે, બે પૈસામાં કેમ લાવ્યો… એ કહે સાહેબ એક પૈસામાં પણ મળતો હતો. પણ એ સાવ સુકાયેલો, જેનો કોઈ ટેસ્ટ જ ન આવે એવો… અને આ એકદમ તાજો ભીંડો… અને શાક market માં બીજા કોઈની પાસે હતો નહિ. એટલા માટે હું આ બે પૈસે લઈને આવ્યો. તો શેઠ કચવાતે મને હા પડી કે ઠીક છે. એક પૈસા માટે જે આટલી રકઝક કરે. એ માણસ ગુરુદેવ માટે જ્યારે લેવા જવાનું છે ત્યારે કહે છે લાખ – બે લાખ, ૫ લાખ – ૧૦ લાખ, ૨૫ લાખ જે પણ કિંમત થાય, પૈસા સામું જોતો નહિ. ગુરુદેવની ભક્તિનો અવસર પહેલી વાર મળ્યો છે.
તો આ એક સાઈડ જે આપણે ત્યાં છે… જિનશાસનના મુનિવરોને કશું જ જોઈતું નથી. એ અકિંચન છે. પ્રભુ મળી ગયા બીજું શું જોઈએ પછી… અમારે કશું જ જોઈતું નથી. રોટલી – દાળ પણ આ શરીર ને જોઈએ છે. અમારે કશું જ ન જોઈએ. ઉપાશ્રય તમારો…રોટલી તમારી તમે વહોરાવો વાપરી લઈએ.. ઉપાશ્રયમાં તમે કહો સાહેબ ઉતરજો… ઉતરી જઈએ… અમે અકિંચન. અને એની જ મજા છે અમારી પાસે. તમારી પાસે ઘણું બધું છે એટલે ચિંતા છે.
બોલો એક ratio કરો… તમે ratio ઉંધો પકડ્યો છે. કે જેમ વધુ પૈસા એમ સુખ વધારે… સાચો ratio તમને આપું… જેમ પૈસા વધારે એમ ચિંતા વધારે. બોલો બરોબર… જીવન જરૂરિયાત માં જોઈએ એ જોઈએ.
એક યુગ હતો ૨૫૦૦ વર્ષ પહેલાંનો… જયારે શ્રેણિકરાજાને ખ્યાલ આવ્યો, કે જે એક રત્નકંબલ હું ન લઇ શક્યો મગધનો સમ્રાટ… મારી રાણીએ કાલાવાલા કર્યા કે મારે એક સાલ જોઈએ છે મને અપાવો. હું ન લઇ શક્યો એક સાલ. રાજાઓ પણ તિજોરીને વફાદાર હતા. કે એક પૈસો પણ તિજોરીમાંથી બિનજરૂરી કેમ લઇ શકાય… મારા જ નગરના એક શ્રેષ્ઠીએ ૧૬ સાલો લઇ લીધી… અને ઉપરથી પૂછે છે કે ૧૬ જ છે તારી પાસે… મારે તો મારા દીકરાની પુત્રવધુ ૩૨ છે. ૩૨ હોય તો ઠીક રહે… એટલે ૧૬ છે તો શું કરવાનું… એકેક સાલના બે ટુકડા. અને એ પુત્રવધુઓ પગ લુંછી – લુંછીને ગટરમાં ફેંકી દે. એ ગટરમાં ફેકાયેલું હતું. એ ૨ – ૩ એ લઈને આવે છે. ૨ ટુકડા ભેગા કર્યા… સાલ થઇ ગઈ. રત્ન કંબલ… અને એ ઓઢી અને રાજમહેલમાં વાળવા માટે આવી. રાણી ઝરૂખામાં બેઠેલા. એ કહે આ શું..? આ રત્નકંબલ આની પાસે ક્યાંથી… ૧ લાખ સોનામહોરની એ… તને ક્યાંથી મળી…? કહે પેલા શાલિભદ્ર શેઠ છે ને એમના ત્યાં ગટરમાં આવા તો કેટલાય ટુકડાઓ પડ્યા છે. શ્રેણિક રાજાને આ ખ્યાલ આવ્યો ત્યારે રાજા ખુશ થાય છે. આજે તો પ્રધાનને કંઈ બતાવાય નહિ હોં… રાજા ખુશ થઇ ગયો કે મારી નગરીમાં આવા શ્રેષ્ઠીઓ રહે છે. અને એ શ્રેષ્ઠીએ મારી નગરીનું નામ રાખ્યું. નહીતર પેલો માણસ બહાર જઈને કહેત કે રાજગૃહી… અરે શું છે રાજગૃહીમાં… મારી એક પણ સાલ ખપી નહિ. એના બદલે સોળે સોળ સાલ લઇ લીધી. મારે એના ત્યાં જવું છે. તો આવો એક યુગ હતો કે રાજા એક શ્રેષ્ઠી ને ત્યાં આવવાની ઈચ્છા રાખે. અને એ શ્રેષ્ઠીના વૈભવને જોઇને ખુશ થાય. આજે એ યુગ રહ્યો નથી. એટલે હવેનું સૂત્ર શું છે? સંપત્તિ વધારે એમ ચિંતા વધારે. બરોબર ને…
એક ceiling બધે હોય છે, રોટલી બપોરે કેટલી ૪ – ૫ – ૬… Ceiling આવી ગઈ. બહુ જ ઠંડી છે. એક blanket, બે blanket ceiling આવી ગઈ. પૈસામાં પણ આ ceiling કરો… આજનો યુગ છે. ભલે ૫ કરોડનો flat થતો હોય, ગાડીઓ ૨ – ૩… આટલો ખર્ચો દર મહીને… આ બધું જ વ્યાજમાંથી આવી શકે એમ હોય, તો ધંધો wind up ને… આ ૮ દિવસ પર્યુષણ ના… એમાં તો રોજ રવિવાર… કે રવિવાર એક જ… તો દરેક વ્યક્તિએ નક્કી કરવું છે આટલું કમાવવું છે બસ. પછી દીકરાઓ તૈયાર થઇ ગયા, સોંપી દો. તમે શાસનની સેવામાં લાગી જાઓ.
તો કામના રહિતં કુળ રહિતં, પ્રતિક્ષણ વર્ધમાનં – એ પ્રભુનો પ્રેમ દરેક ક્ષણે વધતો જતો હોય, એવો અનુભવ. એટલે જેમ જેમ સજ્જતા વધી એમ પ્રભુના પ્રેમને આપણે sharply, તીવ્રતાથી માણી શકીએ. અને એ પ્રભુનો પ્રેમ જ્યારે તીવ્રતાથી મણાય ત્યારે બધું જ છૂટી જાય. આને છોડો ને આને છોડો એમ નહિ, બધું છૂટી જાય… એક ઝાટકે…
ધન્નાજી એ એક ઝાટકે છોડી દીધેલું ને… એ કહે કે આ વળી છોડવામાં હપ્તો શેનો હોય… આજે એક ને કાલે એક… એમ તમે પણ પ્રભુ પ્રેમની ધારામાં આવો. અને પ્રભુનો પ્રેમ અત્યંત ગમી જાય, પ્રભુની સાધના ગમી જાય. પ્રભુના શબ્દો ગમી જાય. પછી મનને પ્રભુના શબ્દોમાં, પ્રભુની સાધનામાં, પ્રભુની ભક્તિ ધારામાં તમે રાખો. બીજું બધું છૂટી જાય.
એક દીકરો હોય તમારો ૧૨ – ૧૩ વર્ષનો અને ટી.વી ઉપર cricket match જોતો હોય, બહુ જ મોટી પ્રતિષ્ઠા ની match છે. ૧૨ – ૧૨.૧૫ બપોરના થઇ ગયા છે. એની મમ્મી એને હાક મારે, ચાલ બેટા જમવા, ચાલ બેટા જમવા… દીકરો સાંભળતો જ નથી. કારણ એનું ધ્યાન ટી.વી માં છે. એનો પ્રિય ખેલાડી ૯૦ સુધી પહોંચી ગયો છે. હવે ૨ four મારે અને ૨ run કરે એટલે century. એટલે દીકરાનું ધ્યાન ટી.વી ઉપર છે. માં આવી, માં એ એનો હાથ પકડ્યો, સાંભળે છે કે નહિ, હું કહું છું એ… જમવા ચાલ. પેલો કહે કે નથી જમવું. જમવું નથી. મારે જમવું હશે ત્યારે આવી જઈશ. માં સમજી ગઈ… આ ટી.વી ના રસમાં જમવા નહિ આવે.
રોટલી – શાક એ બધું ભાણામાં તૈયાર કરી એ ભાણું દીકરાની પાસે મુક્યું. પાણીનો ગ્લાસ મુક્યો. એ દીકરો ખાતો જાય છે, ને ટી.વી. જોતો જાય છે. હવે ટી.વી. માં બરોબર એનું ધ્યાન છે. જમ્યા પછી કોઈ એને પૂછે કે શાક શેનું હતું? એ શું કહે… મમ્મી ને પૂછો મને ખબર નથી. કયા ખીલાડીએ કેટલા run કર્યા એ કહો તો બોલી જાઉં.
જ્યાં રસ છે ત્યાં સ્મરણ છે. જ્યાં રસ છે, ત્યાં તમારું મન બિલકુલ sharply પકડાઈ રહ્યું છે. પ્રભુનો પ્રેમ વરસી રહ્યો છે. આટલી મોટી ઘટના પણ આપણને જાણે કે કંઈ ખ્યાલ જ નથી. કેવલી સમુદ્ઘાત તો ૬ મહીને થાય સમજો અને સિદ્ધ ભગવંત આપણને મળવા આવે. પણ પ્રભુનો પ્રેમ તો હર ક્ષણે આવે છે. એ પ્રભુના પ્રેમમાં પેલા દીકરાની જેમ તમે ડૂબી ગયા હોવ તો શું ખાધું એ ખબર પડે…? આ મોઢાએ ખાધું એણે પૂછો મેં ક્યાં ખાધું છે….
એક division પડી જાય, શરીર અલગ, મન અલગ. તો પ્રતિક્ષણ વર્ધમાનં પછી કહ્યું – અવિચ્છિન્નં – એ પ્રેમની અખંડ ધારા ચાલે. દુન્યવી બધા જ પ્રેમો ખંડિત પ્રેમો છે. એક ગીત પહેલીવાર તમે સાંભળ્યું, તમે સંગીતના રસિયા પણ છો. તમને એ ગીત ગમ્યું. બીજીવાર પણ ગમ્યું, ત્રીજી વાર પણ ગમ્યું…પણ નવરાત્રીમાં તમારા ઘરની બાજુમાં ગરબો હોય, mike ચાલુ થઇ જાય. અને એમાં આજ ગીત હોય, આખી રાત એકનું એક ગીત વાગ્યા કરે … કેટલું ગમે બોલો…
એક રાજાની વાત આવે છે જમવા બેઠા, મંત્રી જોડે છે. એ દિવસે ભીંડાનું શાક હતું. ભીંડો તાજો હશે. રાજાને ભૂખ લાગી હશે. રાજાને બહુ ભાવ્યું શાક, એટલે રાજાએ મંત્રીને કહ્યું કે ભીંડા જેવું તો શાક નહિ… મંત્રી કહે કે સાહેબ ભીંડો તો શાકની દુનિયામાં બાદશાહ કહેવાય બાદશાહ. તમે જેમ રાજા છો ને એમ શાકની દુનિયામાં એ રાજા કહેવાય. પછી મંત્રીએ રસોઈયા ને કહ્યું: કે રોજ બપોરે અને સાંજે ભીંડાનું શાક હમણાં બનાવજે, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ તો ચાલ્યું… સવારે ભીંડાનું શાક, સાંજે ભીંડાનું શાક. પાંચમાં દિવસે બપોરે એ જ ભીંડાનું શાક રાજાની થાળીમાં આવ્યું, રાજાની કમાન છટકી…. શું માંડ્યું છે આ… કોઈ શાક જ બીજું મળતું નથી. થાળી પટકી. મંત્રી બાજુમાં બેઠેલો… હા સાહેબ ભીંડો તો સાવ બત્તર, ખવાય જ નહિ. એટલે રાજાને હસવું આવી ગયું. રાજા કહે તું જ મને કહેતો હતો કે, ભીંડો શાકની દુનિયામાં રાજા કહેવાય ને આજે તું જ કહે છે ભીંડો ખવાય નહિ. એટલે મંત્રી કહે, સાહેબ હું ભીંડાનો નોકર નથી, તમારો નોકર છું. મારે ભીંડા જોડે શું લેવાદેવા… તમે કહો કે સારો તો હું કહું સારો. તમે કહો કે ખરાબ તો હું કહું ખરાબ.
એક શાક પણ અઠવાડિયું બપોર અને સાંજ થાળીમાં આવે તો ચાલે નહિ. કંટાળી જાઓ ને… કેટલો પ્રેમ તમારો… આમાં શું છે તમારા મનના contradictions હોય છે. ચા રોજ સારી, પૌઆ રોજ ન ચાલે, એક દિવસ પૌઆ, એક દિવસ ઉપમાં, એક દિવસ કેળાપૌઆ…અલગ અલગ વાનગી જોઈએ… કેમ એમ? ઉપર રોટલી એક ની એક હોય તો વાંધો નહિ શાક અલગ જોઈએ. કેમ આમ… તો તમારું મન એક વસ્તુ ઉપર, કે એક વ્યક્તિ ઉપર અખંડ પ્રેમની ધારામાં રહી શકતું નથી. આજે ગમે છે કાલે નહિ ગમે.
વિદેશમાં આપણે સાંભળીએ કે જેની સાથે લગ્ન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા, એનાથી divorce લેવા માટે ૫૦ – ૬૦ – ૭૦ કરોડ આપવા પડે. કે ભાઈ તું જા હવે… પેલી કહે એમનેમ તો કેમ જાઉં..? કોર્ટમાં કેસ લડે, અને કોર્ટ નક્કી કરે કે ૭૦ કરોડ આપવા પડશે એ ૭૦ કરોડ લઈને છૂટી કરે.
પ્રભુના પ્રેમની ધારા અખંડિત છે. એ પ્રેમ ક્યારેય તૂટતો નથી. ક્યારેય છુટતો નથી. અખંડ ધારા એની વહ્યા કરે છે. તમારી પાસે અખંડ ધારા નથી. પણ એનું કારણ એ છે કે ખરેખર તમે પ્રભુના પ્રેમનો અનુભવ નથી કર્યો. પેંડો છે માવાનો, ખાંડ બહુ ઓછી છે, એકદમ tasty છે,પણ તાવ ૪ ડીગ્રી જેને છે એને તમે પેંડો આપો એ કહે કે કડવો છે ફેંકી દો. પેંડો ખરાબ નથી. એ જે situation માં લે છે એ situation બરોબર નથી. એમ પ્રભુનો પ્રેમ જે છે તમે કઈ situation માં લો છો. બધા પ્રત્યે પ્રેમ છે અને પ્રભુ પ્રત્યે પ્રેમ છે. આ પહેલી ભૂમિકા. સંસાર પણ એટલો ગમે છે પ્રભુ પણ ગમે છે. બે એકસરખા. Comparative degree માં ગયા, ત્યાં સંસાર કરતા પ્રભુ સહેજ વધારે ગમે છે. અને superlative degree માં જાવ ત્યારે જ એક વસ્તુ આવે કે માત્ર પ્રભુ ગમે છે બીજું કાંઈ જ નહિ. એ superlative degree માં થોડી મિનિટો માટે પણ તમે રહી શકો તો એ પ્રેમનો અનુભવ થાય. અને એ પ્રેમનો અનુભવ એવો હોય, નારદઋષિએ કહ્યું તેમ, તમે પણ કહી દો “અનિર્વચનીયં પ્રેમ સ્વરૂપં” excellent, અદ્ભુત. શબ્દોમાં એને વર્ણવી ન શકાય એવું…
“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” આ superlative degree નો શબ્દ છે. પ્રિયતમ એનાથી બીજું વ્હાલું કોઈ નથી. એમ નહી… બીજું કોઈ વહાલું જ નથી. એ જ માત્ર ગમે બીજું કાંઈ જ ન ગમે. આવી થોડીક ક્ષણો મળી જાય, આ પર્યુષણા પર્વ શેના માટે છે? આના માટે છે. આવી થોડીક ક્ષણો મળી જાય. અને એના પ્રેમનો અનુભવ થઇ જાય, તો બીજા બધા પ્રેમોને તમારે છોડવા નહિ પડે, એ છૂટી જશે. અવિચ્છિન્નં – પ્રભુનો પ્રેમ અખંડ રૂપે ચાલુ જ છે.