Anandghanji Ne Sathvare – Vachana 46

808 Views 15 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરમપ્રેમ

અવિચ્છિન્ન. આ જન્મની અંદર પ્રભુનો રંગ તમારા અસ્તિત્વ ઉપર લાગી ગયો, તો આવતા જન્મમાં, એના પછીના જન્મમાં, એના પછીના જન્મમાં… પ્રભુ સિવાયનો કોઈ રંગ તમારા અસ્તિત્વ ઉપર ચડવાનો નથી. મહેનત માત્ર થોડા દિવસોની અને પ્રભુ જન્મો–જન્મો આપણને સાથે રાખશે!

એક ભક્તને ક્યારેય પણ શંકા નથી થતી કે આવતા જન્મમાં પ્રભુ મળશે કે કેમ? કોઈ પૂછે કે પ્રભુ મળશે? તો એ કહેશે કે પ્રભુ મળશે એમ નહિ; મળશે જ!

રાગ સ્થૂળ છે. કોઈ વ્યક્તિના ગુણો જોઇને એના પર પ્રેમ થાય, એ સૂક્ષ્મ છે. અને પ્રભુનો જે પ્રેમ વરસે છે એ સૂક્ષ્મતર છે. એ સૂક્ષ્મતર પ્રેમને ઝીલવા માટે સજ્જતા ઘણી બધી જોઇશે. અનંતા જન્મોમાં મેં અને તમે અસંખ્ય કાર્યો કર્યાં પણ એક જ કામ ન કર્યું જે ખાસ કરવાનું હતું એ… પ્રભુના પ્રેમનો સ્પર્શ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪૬

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

ભક્તિની એક મજાની ધારા, જે ધારામાં તમે વહો, અને સતત ભીના ભીના… “ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે” એ પ્રભુનો પ્રેમ વરસતો હોય, આપણે કઈ રીતે એને ઝીલીએ. પરમાત્મા એમ કહે કે, હું તને ચાહું છું. You are beloved one, my child. ખુદ પ્રભુ જ્યારે કહે કે, હું તને ચાહું છું ત્યારે આપણી feelings કઈ હોય?

પરમતારક સીમંધર પ્રભુના સ્તવનમાં ચૈત્યવંદનમાં માનવિજય મહારાજે આ વાતને સરસ અંદાજમાં મૂકી છે. “સકલ ભક્ત તુમે ધણી, જો હોવો અમ નાથ, ભવોભવ હું છું તાહરો, નહિ મેલું સંગાથ” એમને આશ્ચર્ય થાય છે મેં હમણાં તમને કહ્યું અને મહિનાથી કહેતો આવ્યો છું કે પ્રભુ તમને ચાહે છે. શું થયું…? રોમાંચ ખીલ્યા? ગળે ડૂસકાં આવ્યા? આંખોમાંથી આંસુની ધારા પ્રગટી? શુ થયું? માનવિજય મહારાજ કહે છે: સકલ ભક્ત તુમે ધણી – તમે આખા જગતના લોકોના નાથ હોઈ શકો. અને છો. પણ શું મારા નાથ ખરા?

જો હોવો મુજ નાથ – જો પ્રભુ તમે એમ કહી દો કે તું મારો આશ્રિત છે, તું મારો પ્રીતિપાત્ર છે, હું તને ચાહું છું. તો એ જ ક્ષણે બધું જ મુકીને તારા ચરણોમાં હું બેસી જઈશ. ક્યાં સુધીનું promise આપ્યું ભક્તે… ભવોભવ હું છું તાહરો, નહિ મેલું સંગાથ –  આ જન્મમાં જ નહિ, જ્યાં સુધી તું મને મોક્ષમાં ન લઇ જાય ત્યાં સુધી એક – એક ભવની અંદર હું તાહરો જ છું. એક સવાલ થાય… કહેનાર એક બહુ જ વિદ્વાન મુનિરાજ છે. એક ભક્ત ઈચ્છા કરી શકે, કે જન્મો જન્મમાં પ્રભુ તમારા ચરણોની સેવા મળો. પણ વચન કઈ રીતે આપી શકાય? પ્રાર્થના કરી શકાય… વચન કઈ રીતે આપી શકે? ભવોભવ હું છું તાહરો…. બહુ જ ઊંડી વાત અહીંયા છે. આ જન્મની અંદર પ્રભુનો રંગ તમારા અસ્તિત્વ ઉપર લાગી ગયો તો આવતાં જન્મમાં, એના પછીના જન્મમાં, એના પછીના જન્મમાં… પ્રભુ સિવાયનો કોઈ રંગ તમારા અસ્તિત્વ ઉપર ચડવાનો નથી. મહેનત ખાલી થોડા દિવસોની અને જન્મો – જન્મોનું promise આપણું ગણો, અથવા ભગવાનનું ગણો, કે પ્રભુ આપણને સાથે રાખશે.

તો શું કરવું છે? એ જે પ્રભુનો પ્રેમ વરસી રહ્યો છે. એને હૃદયમાં ભરી દેવો છે. પુરા અસ્તિત્વને એ પરમ પ્રેમના રંગથી રંગી દેવો છે. એક ભક્તને ક્યારે પણ શંકા નથી થતી કે આવતાં જન્મમાં પ્રભુ મળશે કે કેમ.? કોઈ પૂછે પ્રભુ મળશે? તો એ કહેશે કે પ્રભુ મળશે એમ નહિ મળશે જ.

ઉદયરત્નજી મહારાજ ખેડાથી સંઘ લઈને શંખેશ્વર આવી રહ્યા છે. શંખેશ્વર નજીક આવી ગયું. એ વખતે દાદાની મૂર્તિ એક ભાઈના કબજામાં, એણે પેટીમાં દાદાને રાખેલા. એની ઈચ્છા હોય ત્યારે દાદાના દર્શન કરાવે. એમાં પણ કોઈ મોટા મહારાજ આવે ત્યારે તો એટલો બધો ભાવ ખાય હમણાં નહિ હમણાં મારે નાસ્તો કરવાનો છે. કલાક પછી આવજો…. કલાક પછી આવે તો કહે કે મારે સ્નાન કરવાનું છે…કલાક પછી આવજો. તો શંખેશ્વરના પરિસરમાં ઉદયરત્નજી મહારાજ ચાલી રહ્યા છે. આંખોમાં પ્રભુ છે, હૃદયમાં પ્રભુ છે. એ વખતે એક ભક્તે પૂછયું કે ગુરુદેવ! આપણે સંઘ લઈને તો જઈએ છીએ, પણ પ્રભુનુ દર્શન તો થશે ને? એ વખતે એ મોટા ગજાના ભક્તિયોગચાર્યે કહ્યું દર્શન થશે એમ નહિ, થશે જ.

અને એક ગણિત સમજાયું, મજાનું ગણિત છે. ઉદયરત્નજી મહારાજે કહ્યું – કે he is ever ready. પ્રભુ તો તૈયાર જ છે. તમે જે ક્ષણે તૈયાર થાવ, પ્રભુનું મિલન થઇ જાય. પરમ ચેતનાને આપણે અવકાશ કલ્પીએ તો એ અવકાશ ઝળુંબીને અહીં સુધી આવી ગયું છે. તમારા હાથને ખાલી દોઢ ફૂટ તમારે ઉચકવાનું છે. અને એટલું પણ તમે ઉચકી ના શકો. તો સદ્ગુરુ તમારા હાથને ઉચકી અને પરમ ચેતના સાથે તમને જોડી આપશે.

તો બહુ મજાનું ગણિત સમજાવ્યું કે પ્રભુ તો તૈયાર હતા જ… છે જ… આપણે તૈયાર થયા છીએ તો મિલન થવાનું જ છે. જે ક્ષણે તમે તૈયાર થયા, તમારી વિરહ વ્યથા sharply ઘૂંટાઈ બીજી ક્ષણે પ્રભુનું મિલન. વિરહ વ્યથાનું જે extreme બિંદુ છે એની બાજુમાં જ મિલનનું પ્રારંભિક બિંદુ છે.

પ્રભુ માટે છાતીફાટ રડ્યા તમે, પ્રભુ તમને બાહોમાં લઇ લેશે. પ્રભુ તમને ઉચકી લેશે. તો પ્રભુ તૈયાર છે. અને પ્રભુએ જ મને મોકલ્યો છે, કે ભાઈ આ મૂરતિયા બધાને તૈયાર કરો. મારે આ બધાના હૃદયમાં અવતરિત થવું છે. તો initial stage માં એમના હૃદયને અહોભાવથી ભીનું ભીનું થોડુક નિર્મળ બનાવી દો. અને એ નિર્મળ હૃદયમાં મારો વાસ થાય.

ઉત્તરાધ્યયન સૂત્રના બે સૂત્રો છે, “સોહી ઉજ્જુઓ ભુવસ્સ, ધમ્મો શુદ્ધસ્સ ચિટ્ઠે” હું એનું મુક્ત અનુવાદ એવી રીતે કરું છું કે, પ્રભુ કહે છે કે તું તારા હૃદયને નિર્મળ કર. મારે તારા હૃદયમાં આવવું છે. અને જે ક્ષણે તમારું હૃદય નિર્મળ થઇ ગયું. એ ક્ષણે જ on that very moment પ્રભુ આવી જશે. અને એકવાર પ્રભુ મળી ગયા, અસ્તિત્વના સ્તર પર પ્રભુનો રંગ ચડી ગયો, પછી આવતાં જનમમાં બીજું કંઈ નહિ ગમે.

આજે પણ એવા દીકરાઓ છે ૬ કે ૭ વર્ષની ઉંમર હોય એ કહે છે મારે દીક્ષા લેવી છે. એના સંબંધીઓ, એના માતા – પિતા એને જાત – જાતની સામગ્રી બતાવે કે આ ખાવાથી મજા આવે. આને આ રીતે વાપરવાથી મજા આવે. એ જ દીકરો સ્પષ્ટ કહી દે છે કે હું આના માટે જન્મ્યો જ નથી. માત્ર ને માત્ર પ્રભુનો રંગ મારા અસ્તિત્વ ઉપર ચડેલો છે, એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણે જ મારું જીવન વ્યતીત થશે. આ વાત માનવિજય મહારાજે કીધી. ‘ભવોભવ હું છું તાહરો’ એક જન્મમાં પ્રીતિની ગાંઠ બંધાઈ ગઈ, જન્મો જનમમાં અખંડ રીતે એ પ્રીતિની દૌર ચાલશે. એટલે જ કહ્યું હતું ‘અવિચ્છિન્નં’ પ્રભુનો વરસતો પ્રેમ કેવો છે? અવિચ્છિન્નં – અખંડ. એકવાર એ મળી ગયો. તમારા હૃદયને સ્પર્શી ગયો. પછી બસ બીજા કોઈનાય માટે તમારા હૃદયમાં પ્રવેશ બંધી થઇ જશે.

એક ક્ષણ એ મળે… અલપ – ઝલપ. અને આપણું મન wavering છે. પાછો પદાર્થોમાં, વ્યક્તિઓમાં જતું રહે, એ પ્રીતિની દૌર તૂટી જાય શરૂઆતમાં. તો પ્રારંભિક ભક્તની હાલત એવી હોય છે કે એકવાર એનો આસ્વાદ માણ્યો બીજું કંઈ જ ગમતું નથી. અને એ મળતો નથી. વિરહ વ્યથાની sharpness આ ક્ષણોમાં આવે છે.

આ જીવન માત્ર પ્રભુને સોંપી દો. અરે જીવન પણ નહી થોડા દિવસો. બસ પ્રભુનો રંગ તમારા અસ્તિત્વના સ્તર પર લાગી જાય. ૮ દિવસ અહીંયા બેસી જાઓ, રંગ લગાડી દઈએ. કોઈ Discount offer તો કરવી જ પડે ને, અહીંયા છે ને અમારે ગરજ છે તમારે નથી. અમારે કેમ ગરજ છે? પ્રભુની આજ્ઞા છે માટે. પ્રભુની આજ્ઞા છે કે આ બધાના હૃદયોને નિર્મળ બનાવો. મારે એમાં અવતરિત થવું છે. એટલે અમને ગરજ છે. તમને નિર્મળ બનાવવા માટેની…

તમને એક ઝંખના પેદા થઇ જાય ને કામ શરૂ અને પૂરું. ઉદયરત્નજી મહારાજે કહ્યું કે પ્રભુ તો તૈયાર જ છે. તમે બધા આજે તૈયાર થઇ ગયા છો. તો પ્રભુ દર્શન આપશે જ.

શંખેશ્વર ગામમાં ગયા સીધા જ પેલા ભાઈને ત્યાં,  જેના ત્યાં પેટીમાં પરમાત્મા છે. પેલા ભાઈને સમાચાર મળી ગયા. આજે મોટા મ.સા. આવે છે. અને જોડે આખો સંઘ છે. આજે તો ભાવ બરોબર પૂછું, એમને એમ દર્શન કરાવું જ નહિ. પણ એવી રેવડી એની થઇ ગઈ. ઉદયરત્નજી મહારાજ અંદર આવ્યા. પેલા ભાઈને અપેક્ષા તો એ હતી કે મારી પાસે આવશે. મને કહેશે ભઈલા પેટી ઉઘાડ. પ્રભુના દર્શન આપ. પણ ઉદયરત્નજી મહારાજે પેટી જોઈ.. સીધા પેટી પાસે બેસી ગયા. પેલા ભાઈ વિચારે પેટી ઉપર ખંભાતી તાળું ઠોક્યું છે. ચાવી મારી પાસે છે. મહારાજ ત્યાં જઈને કેમ બેઠા…? પણ એ direct dialing ના પુરુષ હતા. સીધી જ સ્તવના શરૂ કરી. “સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા, દેવકા એટલી વાર લાગે” અમે આટલે દૂરથી તારા દર્શન માટે આવ્યા. અને તું વિચારે છે કે દર્શન આપવા કે ન આપવા… “કોડી કર જોડી, દરબાર આગે ખડા, ઠાકુરા ચાકરા માન માંગે” તું ભાવ પુછાવે છે અત્યારે… કે દર્શન આપું કે ન આપું.? અને એ ભક્તની પ્રાર્થના…એ જ ક્ષણે તાળું તૂટી ગયું. પેટીનું ઢાંકણ ઊંચું થઇ ગયું. અને પરમાત્મા ઉપર આવી ગયા.

એક પ્રાર્થના તમે કરી દો, કે પ્રભુ! તું મારા હૃદયમાં અવતરિત થા, અને એ પ્રાર્થના સઘન બનશે એટલે એક જ વાત થશે કે મારા પ્રભુને શું ગમે? અમારા લોકોની દીક્ષા કેમ થઇ.. એક જ વાત પ્રભુ પ્રત્યેનો રાગ પેદા થયો. અને પછી થયું કે મારા પ્રભુને શું ગમે..? હું સંસારમાં રહું એ ગમે કે હું એના ચરણોમાં હોઉં એ ગમે. મારા પ્રભુને આ ગમશે. સંસાર છૂટી ગયો.

તો પાંચ વિશેષણો પરમ પ્રેમને આપેલા. છેલ્લું વિશેષણ છે સૂક્ષ્મતરમ્. એ પ્રભુનો પ્રેમ કેવો છે? સૂક્ષ્મતર. રાગ સ્થૂલ છે. કોઈ વ્યક્તિના ગુણો જોઇને એના પર પ્રેમ થાય, એ સૂક્ષ્મ છે. અને પ્રભુનો આ જે પ્રેમ વરસે છે એ સૂક્ષ્મતર છે. રાગ સ્થૂળ છે. નાના બાળકને પણ રમકડું ગમે છે. આસક્તિ આવી ગઈ, રાગ આવી ગયો. કારણ કે રાગ જન્માન્તરીય ધારા છે. કોઈ ગુણી વ્યક્તિને જોઈ, અને એના ગુણ ગમી ગયા, અને એ ગુણો ઉપર તમને પ્રેમ થયો, એ વ્યક્તિ ઉપર પ્રેમ થયો. એ સૂક્ષ્મ પ્રેમ. પણ એટલું યાદ રાખો કે એ વ્યક્તિ પરનો પ્રેમ ગુણાધારિત છે. નહીતર ગોટાળો શું થાય… એક વ્યક્તિ તમને ગમે છે. તમે પછી એના ગુણોની વાતો કર્યા કરો. ઓહ! એનામાં આ ગુણ છે…એનામાં આ ગુણ છે… પણ એ વ્યક્તિ તમને જે ગમે છે એ એના ગુણોને કારણે ગમે છે કે એ તમારા અહંકારને પંપાળે છે માટે તમને ગમે છે. એટલે વ્યક્તિ પરનો પ્રેમ… ગુણી વ્યક્તિ પરનો પ્રેમ… ગુણાધારિત જોઇશે.

અને પ્રભુનો જે પ્રેમ છે એ સૂક્ષ્મતર છે. એ સૂક્ષ્મતર પ્રેમને ઝીલવા માટે સજ્જતા ઘણી બધી જોઇશે. વિચાર કરો અનંતા જન્મોમાં મેં અને તમે અસંખ્ય કાર્યો કર્યા. પણ એક જ કામ ન કર્યું જે ખાસ કરવાનું હતું એ…. પ્રભુના પ્રેમનો સ્પર્શ. દુનિયા આખી ને જોઈ લીધી. દુનિયા આખીને પગ તળે ખુંદી નાંખી. બધું જ કર્યું પણ પ્રભુનો સ્પર્શ ક્યાં?

Eliot ની એક સરસ કવિતા છે. Much is your building, but not the House of God, much is your writing, but not the word of God. Much is your building, but not the house of God – ભાઈ તે ઘરો બાંધ્યા, પ્રભુના મંદિરો કેટલા બાંધ્યા? તે ખુબ લખ્યું પણ એમાં પ્રભુને સંબોધીને લખાયેલા પત્રો કેટલા? પ્રભુને એકેય વાર પત્ર લખ્યો છે?? તમે તો સમજી બેઠા કે પત્ર લખીએ તોયે શું… પત્ર ક્યાં ત્યાં પહોંચવાનો છે. તો ખોટી મહેનત કોણ કરે..? પણ તમે લખો ત્યારે એ અંતર્યામી પ્રભુ એના જ્ઞાનમાં એ વાત ઉપસી આવે છે. સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં કોઈ વસ્તુ બાકાત રહેતી નથી. તો હવે પ્રભુને પત્ર લખવાનો બરોબર… પ્રાર્થના શું છે? પ્રભુને પત્ર જ છે ને… ભલે તમારા શબ્દો જેવા તેવા હોય વાંધો નહી. કંઠ બસૂરો હોય, વાંધો નહિ. ભાવ મધુરો જોઈએ.

એક ૩ – ૩|| વર્ષનો દીકરો. પપ્પા બહાર ગયેલા. પપ્પાનું letterhead ને pen પડેલા, એણે તો લીધા. હજી તો K.G માં ગયો નથી. ABCD આવડતી નથી. પણ લીટા અને ચોકડા તો આવડે ને… લીટમ્ – લીટા, ચોકડમ્ – ચોકડા. એક પાનું, બીજું પાનું, ત્રીજું… ત્યારે પપ્પા આવ્યા શું કરે છે? સાડા ૩ વર્ષનો દીકરો, આજના જમાનાનો, નીડર હતો. મારા મિત્રોને પત્ર લખું છું. પણ તને ક્યાં લખતા આવડે છે… હા પણ એને વાંચતા એ ક્યાં આવડે છે…

અહીં તો તમે ન લખો તો પણ એ અંતર્યામી તમારા ભાવોને સમજી જાય છે. એ ત્રણ પત્તા દીકરાએ ફાડી દીધા. ઘડી વાળી ખિસ્સામાં મૂકી દીધા. અને યોગાનુયોગ બીજા જ દિવસે જે એનો મિત્ર હતો જેને એ પત્ર લખતો હતો એ એની મમ્મી સાથે અહીં આવ્યો… એટલે આને બતાવ્યું જો કાલે જ મેં તને આ letter લખ્યો જો… પેલો પણ ખુશ થઇ ગયો… તાળી પાડી… વાહ…

આપણી પ્રાર્થના એટલે શું..? આ લીટમ્ – લીટા, ચોકડમ્ – ચોકડા. પણ એ અંતર્યામી છે. એ આપણા ભાવોને સમજે છે. તો “ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે” અને છેલ્લે કહ્યું “સાંઈ સેવન મેં દેહિ શીર, કછુ વિલયન કીના રે” અહંકાર ને પ્રભુના ચરણે મૂકી દીધો. અને પ્રભુને આખા ને આખા પામી જઈએ. તમે તમારો કચરો આપો અને સામે તમને સોનું મળે. તમે તમારા અહંકારને આપો, અને પ્રભુ પુરા ને પુરા તમને મળી જાય.

તો પર્યુષણા પર્વમાં એવી આરાધના કરજો કે તમે પ્રભુને પામી જાઓ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *