વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ક્ષમાપના
સાધનાને પ્રગાઢ બનાવવા માટે પર્યુષણા પર્વના આ દિવસો. અસ્તિત્વને પ્રભુમય બનાવવા માટેના આ દિવસો. આઠ દિવસ પરમાત્માના રંગે એવા તો રંગાઈ જઈએ, કે બીજો રંગ ગમે નહિ!
ક્ષમાપના એટલે કોમળ હૃદય. પ્રભુ પ્રત્યે અહોભાવ આવ્યો એટલે પ્રભુ જોડે તમે જોડાયા. હવે એક જ વાત થાય કે મારા પ્રભુને શું ગમે? મારું હૃદય કઠોર હોય એ મારા પ્રભુને ગમે? કે મારું હૃદય કોમળ હોય એ મારા પ્રભુને ગમે?
જે માફી માંગી શકે અને માફી આપી શકે છે – એ જ આરાધક. જે માફી માંગી ન શકે અને માફી આપી ન શકે – એ આરાધક નથી. આ વખતનું સાંવત્સરિક મહાપર્વ એ રીતે થાય કે તમારા મનમાં એક પણ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર, સહેજ પણ અણગમો ન હોય.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪७
પર્યુષણા પર્વના પવિત્ર દિવસો.
સાધનાને પ્રગાઢ બનાવવા માટેના આ દિવસો. પ્રભુમય અસ્તિત્વને બનાવવા માટેના આ દિવસો. ૮ દિવસ પરમાત્માના રંગે એવા તો રંગાઈ જઈએ કે બીજો રંગ ગમે નહિ.
લીચી એક યુવા, સદ્ગુરુના ઉપાશ્રયમાં ગયો, વંદન કર્યું. સદ્ગુરુ face reading ના master હતા. face readingના master, eyebrow reading ના master, third eye reading ના master. ગુરુએ લીચીના ચહેરાને જોયો અને નક્કી કર્યું કે જન્માન્તરીય વૈરાગ્યની ધારામાં ઝૂમી આવેલું આ વ્યક્તિત્વ છે. લીચીનું વંદન પૂરું થયું, ગુરુ એને પૂછે છે, દીક્ષા ક્યારે લેવી છે…? પહેલી જ વાર મળેલો એ સદ્ગુરુને મળેલો એ યુવાન… અને ગુરુ કહે છે, દીક્ષા ક્યારે લેવી છે? લીચી કહે છે ગુરુદેવ! વિચારું તો છું પણ ક્યાં લેવી, કેવી રીતે લેવી, ક્યારે લેવી, આ બધી અવઢવમાં છું.
એ વખતે સદ્ગુરુએ એક master stroke લગાવ્યો. ગુરુએ કહ્યું કે વાહ! તું પણ મજાનો માણસ! જે તારી બુદ્ધિએ અનંતા જન્મોમાં રખડાવ્યો, નરક અને નિગોદની સફર કરાવી. એ બુદ્ધિને તું પૂછે છે, કે ક્યાં દીક્ષા લેવી? ક્યારે લેવી? કેવી રીતે લેવી? Stroke લાગી ગયો. બુદ્ધિ અને અહંકારની રજ ખરી ગઈ. લીચી સદ્ગુરુના ચરણોમાં ઝૂક્યો. એણે કહ્યું ગુરુદેવ! હવે મારી કોરી સ્લેટ છે. આપને હું સંપૂર્ણ તયા સમર્પિત છું. જ્યારે પણ દીક્ષા આપવી હોય મને આપજો. હવે મારે કશું જ નક્કી કરવાનું નથી. You have to decide. ગુરુએ એ જ વખતે એને દીક્ષા આપી. દીક્ષા પછી પોતાની પરંપરા પ્રમાણે ગુરુએ પોતાની ચાદર એ નવદીક્ષિત લીચીને ઓઢાડ્યો. ગુરુની ચાદર! એનો સ્પર્શ થાય, રહ્યા સહ્યા વિભાવો પણ ખરી પડે. ગુરુએ પોતાની ચાદર એને ઓઢાડી. પરંપરામાં બહુ જ મોહક રીતે કહેવાયું…. કે લીચીએ ગુરુને ઓઢ્યા હતા.
આપણે પ્રભુને ઓઢવા છે. પૂરું અસ્તિત્વ પ્રભુમય બની જાય. મીરાંએ કહેલું “જો પહનાવે સો હી પહનું, જો દે સો ખાઉં, જીત બીઠાવે તિતહી બેઠું, બેચે તો બિક જાઉં” જો પહનાવે સો હી પહનું, – જે વસ્ત્ર તું આપે પહેરવા માટે એને હું પહેરું…. એક શિષ્ય પણ આવો જ છે. ગુરુએ જે વસ્ત્ર આપ્યું એને પહેરે છે. જો દે સો હી ખાઉં – ગુરુ આપે એ જ એ વાપરે છે. જીત બીઠાવે તિતહી બેઠું – ગુરુ જ્યાં એને બેસાડે ત્યાં બેસી જાય છે.
અહંકાર નથી એની પાસે. અબજોપતિ હતો, અને દીક્ષા લીધી અને ગુરુ કહે કે તારો ક્રમ ઠેક છેલ્લે આવે… છેલ્લે બેસી જાય. એ પ્રેમથી છેલ્લે બેસી જાય છે, કેમ? જીત બીઠાવે તિતહી બેઠું…અને છેલ્લી વાત તો કેટલી અદ્ભુત – બેચે તો બિક જાઉ – હવે મારું વ્યક્તિત્વ રહ્યું જ નથી. હવે ગુરુના હાથનું એક રમકડું હું છું. એ જે ધારે તે કરે… બેચે તો બિક જાઉ – મીરાં કહે છે, પ્રભુ મને વેચી દે વેચાઈ જાઉં….. એ જે કરે એમાં હું રાજી છું. એનું વરદાન… એની અનુગ્રહ કૃપા પણ મજાની. એની નિગ્રહ કૃપા પણ મજાની. લાફો પડે… પણ એનો હોય ને ત્યારે મીઠો મીઠો લાગે… પ્રભુનો…. એ જ નિગ્રહ કૃપા. તો આ ૮ દિવસો આપણા અસ્તિત્વને પ્રભુમય બનાવવા માટેના છે.
આપણી સાધનાને સઘન બનાવવી છે, પ્રગાઢ બનાવવી છે. આપણી સાધનાના ૩ આયામ – લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ. સ્વાધ્યાય એ લંબાઈ. અનુષ્ઠાન એ પહોળાઈ. અને અનુભૂતિ એ ઊંડાણ.
તમે સામાયિક કરો. લોગસ્સ સુધીના સૂત્રો તમને આવડે છે… અર્થ સાથે. તો સાધનાની લંબાઈ એ થઇ. કેવી રીતે ખમાસમણ દેવું, કેવી રીતે કાઉસ્સગ કરવો એ તમારા ખ્યાલમાં છે. અને એ રીતે તમે ખમાસમણ દો છો. એ રીતે કાઉસ્સગ કરો છો. તો સાધનાની પહોળાઈ બરોબર થઇ. પણ where is the depth? ઊંડાણ ક્યાં છે? ઊંડાણ અનુભૂતિમાં. સમભાવની અનુભૂતિ તમને થાય તો એ ઊંડાણ થયું.
એક સામાયિક તમે કરો, એવો સમભાવ ઘૂંટાય, અનુભવમાં ઉતરે, કે સામાયિક પાર્યા પછી અડધો – પોણો કલાક, કલાક સુધી તમે નિમિત્ત મળવા છતાં રાગ – દ્વેષની ધારામાં જઈ ન શકો. તમને સમભાવ સ્પર્શ્યો કે નહિ એની પારાશીશી આ. તો આપણે આપણી સાધનાના ઊંડાણમાં જવું છે. વિતરાગ પ્રભુનો સ્પર્શ તમે કર્યો, વીતરાગતાનો અનુભવ તમારી ભીતર આવે જ. નથી આવતો તો કંઈક ગરબડ છે. There is some fault. તો પગેરું શોધીએ…
સમભાવમાં જવું એટલે શુદ્ધમાં જવું. શુદ્ધ એ first floor છે. તો શુભ એ સીડી છે. Staircase. સીડી દ્વારા તમે પહેલા માળે ચડી શકો. સીડી ન હોય તો પહેલા માળે જઈ ન શકો. તો સીડી શું છે – શુભ. અહોભાવ. શરૂઆતની અંદર તમારી સાધના શરૂ થશે અહોભાવથી… અને એને પહોંચાડવી છે શુદ્ધની અંદર – અનુભૂતિમાં. તો એકેક ક્રિયા કરો અને આંખો ભીની બને. મારા પ્રભુએ કેટલી સરસ સાધના મને આપી છે. પ્રવચન સાંભળો અને આંખમાંથી આંસુ વહેતા હોય. ગળે ડૂસકા પ્રગટતાં હોય. મારા ભગવાને personally for me આ વાત કરી છે!
સમવસરણમાં હજારો લોકો બેઠેલા હોય, પ્રભુની દેશના ચાલે દરેકને લાગે કે પ્રભુ personally for me બોલી રહ્યા છે. પ્રવચનમાં પણ તમે એકદમ સ્થિર થઈને પ્રવચનને માણતા હોય તો તમને આ અનુભવ થઇ શકે.
ચલો ૮ દિવસના પ્રવચન, કેવી રીતે સાંભળશો…? કાયા ડોલતી હોય, એક પગ આમ થાય અને બીજો પગ આમ થાય. એવી રીતે સાંભળશો કે ટટ્ટાર બેસીને, હાથ જોડીને અથવા હાથ આમ રાખીને, સદ્ગુરુ સામે આંખ રાખીને અથવા તો આંખો બંધ કરીને તમે પ્રવચન સાંભળી શકો. શરીર જો સ્થિર ન હોય, તો તમે મનને સ્થિર કેવી રીતે કરશો…? અહોભાવ કેમ નહિ આવ્યો.. આ જ કારણ, નહીતર એક પ્રવચન પૂરું થાય, તમે સદ્ગુરુ પાસે આવો અને કહો ગુરુદેવ! બસ આપે જે કહ્યું, એ પ્રમાણે જ ચાલવાની મને શક્તિ આપો. પ્રવચન ઉઠે તમે એટલા માટે આવો છો કે ગુરુદેવ! તમે જે આજે કહ્યું એ મારા હૃદયમાં ઉતરે એવી શક્તિ તમે મને આપો. એવો શક્તિપાત કરી દો કે આજનું આખું પ્રવચન અંદર ઉતરી જાય.
અહોભાવનું આપણું સ્તર પ્રગાઢ બને એના માટે વાર્ષિક કર્તવ્યો બતાવ્યા. કે વર્ષની અંદર આ – આ કરવું જોઈએ. શા માટે બતાવ્યું… તમારા અહોભાવને ઉદ્દીપ્ત કરવામાં… ચૈત્ય પરિપાર્ટી તમે કરો, એ શું છે… અહોભાવ. પ્રભુની કૃપાથી બહુ જ સરસ રીતે પર્યુષણા મહાપર્વની સાધના થઇ. તો એ પ્રભુની પાસે સમુહમાં જઈ અને ભક્તિ કરી. એકલા એકલા તો રોજ ભક્તિ કરતા જ હતા. આ બધા સાથે જઈને પ્રભુના ઋણનો સ્વીકાર કરીએ કે પ્રભુ તું ખુબ ખુબ વરસ્યો. રોજ વરસે છે. અને પર્યુષણા પર્વમાં તો તું ખુબ વરસ્યો. તારા ઋણમાંથી મુક્ત થવા માટે આજે તારી ભક્તિ કરવા માટે હું આવ્યો છું. એટલે ચૈત્યપરિપાર્ટી એ શું થયું… અહોભાવનો લય.
અટ્ઠમ તમે કરો, એ અટ્ઠમ તમે કરો અને આંખો ભીની ન બને તો નવાઈ. પર્યુષણમાં જે અટ્ઠમ આપણે કરીએ એ અટ્ઠમ દંડ રૂપે છે. પ્રાયશ્ચિત રૂપે.. વર્ષ દરમ્યાન અજાણતા જે પણ પાપ થઇ ગયું, એ બધાનું આપણે ગુરુ પાસે પ્રાયશ્ચિત માંગીએ છીએ. અને ગુરુએ માત્ર અટ્ઠમ તપ આપ્યો. સાહેબ અટ્ઠમની તાકાત ન હોય તો છુટા ૩ ઉપવાસ કરજે. ૬ આયંબિલ, ૧૨ એકાસણા, ૨૪ બેસણા, એ પણ ન થાય તો નવકારવાળી ગણજે. સ્વાધ્યાય કરજે. પણ અટ્ઠમ નો દંડ તું ભરપાઈ કરી દેજે. તો અટ્ઠમ કરતાં આંખો ભીની બને એટલા માટે કે વર્ષ દરમ્યાન અજાણતા પાપો તો કેટલા બધા થયા છે. જાણીને પાપો થયા એનું ગુરુ પાસે તમે આલોચના લેશો. અજાણતા કેટલા પાપો થાય. તમે ઘરેથી અહીંયા આવ્યા, ઈરિયાસમિતિ પૂર્વક ન આવ્યા હોવ, કેટલાય જીવોની વિરાધના થઇ ગઈ હોય, કારમાં, તમે ટ્રેનમાં કે મેટ્રો માં ઓફિસે જશો, કેટલી બધી વિરાધના થશે. એક વર્ષમાં કેટલી વિરાધના… એની સામે દંડ કેટલો… ૩ દિવસ. ૩ દિવસ તું ઉપવાસ કર. એ પણ ચૌવીહારો ન કરો તો ચાલે. પાણી પીવો તો ચાલે. આ અટ્ઠમ કરતા આંખો સતત ભીની ન હોય?! કે મારા પ્રભુની આવી કૃપા! આટલું મોટું મારું અકાર્ય. અને એની સામે આટલો જ નાનકડો દંડ!
આ જે અહોભાવ છે. એ અહોભાવ કોમળ ભાવમાં ફેરવાય છે. અહોભાવ કોમળ ભાવમાં કેવી રીતે ફેરવાય? અહોભાવ આવ્યો એટલે પ્રભુ જોડે તમે જોડાયા. હવે એક જ વાત થાય મારા પ્રભુને શું ગમે છે? મારું હૃદય કઠોર હોય એ મારા પ્રભુને ગમે… કે મારું હૃદય કોમળ હોય એ મારા પ્રભુને ગમે. પ્રભુને શું ગમે? અત્યાર સુધી અનંતા જન્મોમાં તમે એક જ વાત રાખી છે…. મને શું ગમે… મને આ ગમે ને મને આ ન ગમે. મને જે ગમે એ જ કર્યું છે.
એક જન્મ પ્રભુને સોંપવો છે…? પ્રભુને ગમે તે કરવાનું. શું પ્રભુની ઉદારતા, કરુણા… પ્રભુએ કેટલી કરૂણા કરી, પ્રભુએ એમ ન કહ્યું કે જે સંસારને છોડીને સાધુ અને સાધ્વી બની જાય, એને મારા ધર્મ સંઘમાં સ્થાન આપું… જેને સંસારમાં રહેવું છે. સંસારને માણવો છે. એને મારા ધર્મ સંઘમાં સ્થાન કેમ હોય…આવું પ્રભુએ કહ્યું નથી. પ્રભુએ તમને પણ સ્થાન આપ્યું છે. પ્રભુએ કહ્યું – કે શરીરથી જે સંસારમાં છે, પણ મનથી જે સાધુ પણામાં છે, જેનું મન સતત આ શ્રામણ્યની ઝંખના કરે છે. એને હું મારા ધર્મ સંઘમાં સ્થાન આપું છું. શ્રાવકપણું તો પાંચમાં ગુણઠાણે, તમે ચોથા ગુણઠાણે આવો, સમ્યગ્દ્રષ્ટિ બનો ત્યારે પણ ભાવ દીક્ષિત બની જાવ.
પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં કહ્યું, “સંયમ કબ મિલે, સસ્નેહી પ્યારા હો, યું સમકિત ગુણઠાણ ગવારા, આતમસેં કરત વિચાર હો” સમ્યગ્દર્શન મળ્યું એટલે એ ચિંતન કરે છે કે મને સંયમ ક્યારે મળશે. …ક્યારે મળશે… એટલે વિચારમાં દીક્ષા આવી ગઈ. આચારમાં સંસાર છે. વિચારમાં દીક્ષાછે. તો તમે ભાવદીક્ષિત બન્યા. તો આ પ્રભુની કરૂણા કે પ્રભુએ તમને પણ ધર્મ સંઘમાં સ્થાન આપ્યું. હવે એ પ્રભુને કોમળ ભાવ બહુ ગમે છે. ૩ – ૩ જન્મ સુધી આ પ્રભુએ એક જ ભાવના ભાવી…. “સવિ જીવ કરૂ શાસન રસી” મારામાં એવી શક્તિ ક્યારે પ્રગટે હું તીર્થંકર બનું.. શાસન સ્થાપુ… અને બધા લોકોને શાસન ની અંદર ઓતપ્રોત બનાવું. તો પ્રભુને કોમળ હૃદય ગમે છે; અને એટલે તમારું હૃદય કોમળ કોમળ થઇ જાય.
ક્ષમાપના શું છે… કોમળ હૃદય. તમે જોઈ લો… કોઈની પણ સાથે અણબનાવ બનેલો… કોઈની પણ સાથે કંઈક બોલવા – ચાલવાનું થયું હોય, અને એ પણ એ વર્ષનું જ વર્ષની ઉપરનું હોય ને તો તો ક્રોધ અનંતાનુંબંધી નો થઇ જાય; સમ્યક્ત્વ રહે નહિ. એક વર્ષ પહેલાનું યાદ હોય કોઈને… કોઈએ કંઈ તમારું બગાડેલું, દોઢ વર્ષ પહેલાં એ તમને યાદ હોય કે delete થયેલું હોય. શ્રાવકપણું રાખવું હોય, તો વર્ષ પહેલાનું બધું તો delete કરવું જ પડે.
હું ઘણીવાર કહું છું, એક શ્રીમંત માણસ ૧૦ – ૧૫ જણા સાથે યાત્રા એ ગયેલ. એમાં એ શ્રીમંતનું ખિસ્સું કપાઈ ગયેલ. પાકીટ માં જે રૂપિયા હતા, હજારો રૂપિયા એ ગયા. પણ એટલો મોટો શ્રીમંત હતો કે ૨૦ – ૨૫ હજાર જાય તો એને કંઈ ફરક પડતો ન હતો. પણ અત્યારે તો યાત્રામાં છે, યાત્રામાં તો પૈસા જોઈએ. ક્યાંક લખાવવું છે. સાધારણમાં, ક્યાંક અહીં. ક્યાંક અહીં…
એક વાત તમને કહું… સાધારણમાં, તમારા સંઘના સાધારણમાં તમે લખાવો છો, એ દાન નથી; એ ફરજ છે. That’s the duty. And you have to perform your duty. આયંબિલશાળા ચાલે છે, શેનાથી ચાલે છે..?. આ સાધારણ દ્રવ્યથી ચાલે છે. તમે પ્રવચનમાં આવો એ પહેલા આ hall સાફ થયેલો હોય, ખુરશીઓ બધી જ ગોઠવાયેલી હોય, જાજમ ગોઠવાયેલી હોય તમારા માટે, એ બધું કર્મચારીઓ કરે છે અહીંયા… અને એનો પગાર સાધારણમાંથી ચૂકવાય છે. તો એક સાધારણમાં તમે તમારી શક્તિ પ્રમાણે દ્રવ્ય આપો ત્યારે શું થાય… તમને બધા જ ખાતાનો લાભ મળે. એટલે સાધારણમાં… સંઘના સાધારણમાં તોટો તો ક્યારે હોય જ નહિ.
હું તો પહેલા પણ કહી ચુક્યો છું કે દરેક સંઘમાં મારે બે – ચાર વ્યક્તિઓ એવા જોઈએ છે જે ટ્રસ્ટીઓને કહી દે કે તમે એક કરજો લોકોને લાભ મળે એટલા માટે… બાકી વાર્ષિક સાધારણમાં જેટલું ખૂટે એનો લાભ અમને આપજો. ૧૦ લાખ ખૂટે, ૨૦ લાખ ખૂટે કે ૫૦ લાખ ખૂટે… તમે ખર્ચ જોરશોરથી કરજો… ક્યાંય ખર્ચ કરવામાં કસર રાખતા નહિ. આયંબિલશાળા, પાઠશાળા, પાઠશાળામાં મોટા મોટા ઇનામો આપો. આયંબિલશાળામાં રોજ આયંબિલ કરે ને રોજ ૧૦૦ રૂપિયાની પ્રભાવના. જે કરવું હોય એ કરો. સાધારણમાં જે પણ તોટો આવે, લાભ અમને મળવો જોઈએ. અને એવા લોકો છે, જેમને ગયા વર્ષે ૩૦ લાખ નો લાભ મળેલો… આ વખતે ૨૫ લાખનો જ લાભ મળ્યો તો એ અફસોસ કરે છે, સાહેબ! ગઈ સાલ તો ૩૦ લાખ રૂપિયા સાધારણમાં અમે આપેલા. આ વખતે ખાલી ૨૫ લાખ જ અપાયા. સાહેબ ૫ લાખ વધ્યા. આપ કહો ત્યાં આપી દઉં. બીજો કોઈ સંઘ હોય સામાન્ય તો ત્યાં આપી દઉં… ૫ લાખ. આ નવરોજી સંઘમાં તો એક – બે નહિ, ૫ – ૨૫ આવા હોય…
ચડાવા બોલો… એ તમારી ઈચ્છાની વાત છે. આ duty છે. ચડાવો લાખનો બોલો, કરોડનો બોલો, એ તમારી ભાવનાથી બોલો… પણ આ તો તમારી duty છે. એ સંઘનું સાધારણ એ છલકાઈ જ જવું જોઈએ. જે દિવસે મુકાયું એ દિવસે છલકાઈ જાય. આ કેટલી compony ના શેર છલકાઈ જતા હોય… Hoarder કેટલું હોય… ૧૦૦૦ કરોડનું, ૨૦૦૦ કરોડનું… ૫૦૦૦ કરોડનું… ૫૦૦૦ કરોડનું મુક્યું ને ભરાઈ ગયું. ત્યાં આપનારા કોણ હોય છે… એક જ વાત જો મનમાં આવી જાય કે પ્રભુની કૃપાથી મળ્યું છે. અને પ્રભુની ભક્તિમાં મારે વાપરવું છે. તો સાધારણનું ભંડોળ ક્યારેય ઓછું ન હોય.
પ્રભુની ભક્તિ તમે કરો છો. પણ કદાચ દૂર રહેતા હોવ, નજીકમાં બીજું દેરાસર હોય, ત્યાં પૂજા કરતાં હોવ, પણ મુનિસુવ્રત દાદાની ભક્તિનો લાભ તમને શી રીતે મળે? એ સાધારણ દ્રવ્યમાંથી મળે. જે પણ કેસર વિગેરે વપરાય, જે પણ ખાડો પડે, એ બધું જ સાધારણ દ્રવ્યમાંથી લેવાનું. અને પ્રભુની ભક્તિનો લાભ પણ તમને સાધારણ દ્રવ્યમાંથી મળે. કોઈ પણ મહાત્મા પધારે, એમની જોડે મુમુક્ષુઓ હોય, એમની ભક્તિનો લાભ પણ તમને સાધારણમાંથી મળે. મહાત્માઓ પધારે અને સંઘ આગતા – સ્વાગતા કરે, એનો પણ લાભ તમને સાધારણ દ્રવ્યમાંથી મળે. એટલે સાધારણનું ભંડોળ તો છલકાયેલું જ હોય.
તો કોમળ ભાવ. ક્ષમાપના માં શું છે… કોમળ ભાવ. તો હું કહેતો હતો કે એ શ્રીમાંતનું ખિસ્સું કપાઈ ગયું… એને બીજા એના colleague ને કહ્યું, ૧૦ હજાર લાવજો, ક્યાંક તીર્થમાં લખાવવા કરવા હોય. ૧૦ હજાર પેલાએ આપ્યા. ઘરે આવ્યા પછી ૧૦ હજાર વ્યાજ સાથે પાછા આપી દીધા. હવે પેલા ભાઈ એક reception માં મળે છે અને આમને કહે છે, પેલા ૧૦ હજાર તમે ક્યારે આપવાના…? આ કહે, ભાઈ તમે ભુલી ગયા.. આ તારીખે ૧૦ હજાર વ્યાજ સાથે મેં આપ્યા છે, તમે ભુલી ગયા? આવું બને ખરું આમ…? ન બને ને… ચૌથ [૪] ના દિવસે સર્વ આત્માઓની જોડે ક્ષમાપના કરજો. સર્વને કે કોકને બાકી રાખ્યું…? બધા આત્માઓની જોડે ક્ષમાપના કરજો. અને છટ્ઠ ના તમે કહો કે પર્યુષણ પહેલા તું મને આમ બોલેલો…! હિસાબ close થઇ ગયો. પછી ફરીથી પૈસા મંગાય…?! ક્ષમાપના…
હમણાં બનેલી એક ઘટના કહું, ભાઈ અને બહેન વચ્ચે અબોલા હતા. કારણ સામાન્ય પણ એક અહંકાર. ભાઈના મનમાં વધારે અહંકાર હતો. બહેન પણ ઝૂકવા તૈયાર નહોતી. વર્ષોથી અબોલા. બહેન પિયર ક્યારેય જતી નહિ. ભાઈ બોલાવે નહિ. પપ્પા હતા નહિ. એમાં બહેને માસક્ષમણ શરૂ કર્યું. એણે હતું કે માસક્ષમણ મેં કર્યું સમાચાર મળશે… એટલે શાતા પૂછવા તો આવશે. ૨૦ દિવસ – ૨૫ દિવસ… ૨૯ દિવસ શાતા પૂછવા નહિ આવ્યો. બહેને નક્કી કર્યું કે મારું માસક્ષમણ સાચું ત્યારે જ કે જ્યારે અમારા અબોલા તૂટી જાય. નહીતર તો લાંઘણ કહેવાય. પ્રભુની આજ્ઞા પ્રમાણે નો તપ હોય, તો પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે.
ભાઈ નજીકના ગામમાં જ હતો. ચાર – પાંચ ગાઉ છેડે… પહેલા એ રીતે ઘરો હતા નજીક નજીક… તો બહેને એક માણસ મોકલી ચિટ્ઠી લખી આપી ભાઈ ઉપર.. કે આજે મારો ૩૦મો ઉપવાસ છે. માસક્ષમણ છે, આવતી કાલે પારણું આમ આવે, પણ મારો અભિગ્રહ છે કે તું પારણું કરાવીશ ત્યારે જ પારણું થશે. એટલે કાલે પારણું છે, એવું નક્કી નથી તું જ્યારે આવીશ ત્યારે જ પારણું થશે. અને મારા ઉપવાસ ખેંચાયા જશે. મારો નિર્ધાર મક્કમ છે કે તારા હાથે જ પારણું થાય. ભાઈ ઝુકી ગયો, ઝૂકવું જ પડ્યું… બહેન છે સામે… અને માસક્ષમણ કર્યું છે. અને તું ન આવે તો પારણું નહિ. ૩૧માં દિવસે ભાઈ આવ્યો. પછી કંઈ બોલવા – ચાલવાનું હતું નહિ… ભાઈની આંખમાં આંસુ, બહેનની આંખમાં આંસુ. બંને ભેટી પડ્યા. પારણું થયું. કેવી ક્ષમાપના થઇ ગઈ. કે પછી જીંદગીમાં ક્યારે પણ એ મૈત્રીભાવ તુટ્યો નહિ.
તો તમારે પણ નક્કી કરવું છે કે કોની કોની જોડે અણબનાવ થયો… એ બધાની જોડે રૂબરૂ જઈને યા તો ફોન દ્વારા તમે માફી માંગી લો. કે મારી ક્ષમા છે, હું માફી માંગું છું.
કલ્પસૂત્રમાં છેલ્લું નવમું વ્યાખ્યાન જે છે. એ સંવત્સરી મહાપર્વના દિવસે સંભળાવાનું. અર્થથી નહિ મૂળથી… એમાં ભગવાને કહ્યું છે “જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા, જો ન ઉવસમઈ તસ્સ નત્થિ આરાહણા” જે માફી માંગી શકે છે અને માફી આપી શકે છે. એ જ આરાધક છે. જે માફી માંગી ન શકે, માફી આપી ન શકે એ આરાધક નથી.
આ વખતનું સાંવત્સરિક મહાપર્વ એ રીતે થાય કે તમારા મનમાં એક પણ વ્યક્તિ પ્રત્યેનો સહેજ પણ તિરસ્કાર, સહેજ પણ અણગમો ન હોય.
We respectfully say Guruvandan and promise to follow the path he suggested to have Dev Kripa 🙏🏻🙏🏻