વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : વાર્ષિક કર્તવ્યો
હું જે પ્રભુની આરાધના કરું છું, જે પ્રભુએ કહેલ સાધનાને સાધું છું, એ જ પ્રભુની સાધનાને સાધનાર મારો ભાઈ; મારો સાધર્મિક. એક બાજુ બધા ધર્મોને મૂકીને, બીજી બાજુ સાધર્મિક ભક્તિને મૂકીને બુદ્ધિના ત્રાજવાથી તોલીએ, તો બેઉ પલ્લા સરખા થશે.
સાત ક્ષેત્રમાંથી જે વખતે જે ક્ષેત્રમાં વધુ જરૂરિયાત હોય, એ ક્ષેત્રમાં વધુ ધન તમે વાપરો. તમારો Net profit કેટલો થાય એ તમને ખબર જ છે. તમે જો નક્કી કરો કે એમાંથી આટલા ટકા મારે વાપરવાના જ છે, તો પછી તમારો હાથ સંકોચાય નહિ.
પ્રભુની કૃપાથી લાખો રૂપિયા કે કરોડો રૂપિયા તમને મળ્યા; એમાંથી પ્રભુના કેટલા અને તમારા કેટલા! અમે ક્યારેય પણ તમારા પૈસાનું મહત્વ આંકતા નથી. તમે જ્યારે પૈસાને છોડો છો, દાન ધર્મ કરો છો; ત્યારે તમારા દાનધર્મની અનુમોદના અમે કરી શકીએ.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪૮
થોડા વર્ષો પહેલા પૂજ્યપાદ ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં પરમપાવન પાલીતાણામાં અમારું ચાતુર્માસ. એ વખતે આચાર્ય પ્રવર રત્નસુંદરસૂરીજી પણ અમારી જોડે હતા. પર્યુષણા મહાપર્વમાં સાધર્મિક ભક્તિની વાત આવી. બહુ મોટું ભંડોળ ભેગું થયું. જલ્દીમાં જલ્દી એને વાપરી નાંખવાનું છે. શી રીતે વાપરવું.. એના માટે કુમારપાળભાઈને બોલાવ્યા. એમનો અનુભવ આ ક્ષેત્રમાં ઘણો છે. એમણે એક સલાહ આપી કે પાલીતાણા – અમદાવાદ, પાલીતાણા – શંખેશ્વર આ roots પર કોઈ પણ ગામમાં સાધર્મિકો રહેલા હોય, તો એ ત્યાં રહે, ત્યાંથી બહાર જાય નહિ. એવી વિપુલ ધન રાશી એમને આપી દઈએ…. લાખ – લાખ, બે – બે લાખ આપી દઈએ. બે લાભ – સાધર્મિક ભક્તિ પણ થાય, વિહાર આઠે મહિના ચાલુ હોય તો મહાત્માઓની ભક્તિનો પણ એ રીતે લાભ મળે.
પહેલાં જ એ લોકો ધંધુકામાં ગયા. જ્યાં ગાડી દેરાસર પાસે ઉભી રહી.. અને કુમારપાળ ભાઈ અંદરથી નીકળ્યા અને જોડે ચાતુર્માસના આયોજક હતા. કુમારપાળભાઈને જોતાની સાથે સંઘના અગ્રણીઓ ભેગા થઇ ગયા. કુમારપાળભાઈ એ દર્શન કર્યા. પછી ઉપાશ્રયમાં બધા બેઠા. કુમારપાળભાઈ એ પૂછ્યું કે ધંધુકામાં જેમની ભક્તિ નિતાંત કરવા જેવી લાગે એવા સાધર્મિકોની યાદી આપો. અગ્રણીઓએ કહ્યું… બીજા નામ તો અમે આપીશું… પણ સૌથી પહેલું નામ સામે પેલા મેડા ઉપર જે બહેન રહે છે એનું આપીશ હું… એ બહેન ધાર્મિક નહિ, પરમ ધાર્મિક છે. પતિ expired થયેલા છે. સંતાન છે નહિ… વ્યાજની આવક દિવસે ને દિવસે ઘટતી જાય છે. અને છતાં એટલી તો મસ્તીથી એ રહે છે કે આપણને એ બેનની ઈર્ષ્યા આવે.
એ બહેનને પર્યુષણ પછી પણ અત્યારે સિદ્ધિતપ ચાલી રહ્યો છે. તમે સૌથી પહેલી સાધર્મિક ભક્તિ એ બહેનની કરજો. એ બહેનની ખુમારી એવી છે કે એક પૈસો કોઈની પાસેથી લેતા નથી. અમારા બધાની ઈચ્છા કે સિદ્ધિતપના બેસણા અમારે ત્યાં થાય… એવા ધાર્મિક વ્યક્તિત્વના પગલાં અમારે ત્યાં થાય. પણ એ બહેન માનતા નથી. અત્યારે સાંજે ૪.૩૦ વાગ્યા છે, આજે કદાચ બેસણું હોય, તો બેસણું કરવા માટે જ અત્યારે બેઠેલા હશે. કુમારપાળભાઈ અને આયોજક પરિવારના એક ભાઈ… બેઉ એ દાદર ઉપર ચડ્યા. મકાન ખખડી ગયેલું. નીચેનું મકાન બીજા કોઈનું હતું. માત્ર ઉપરનો ભાગ જ બહેનનો હતો. છાપરું સાવ ગળી ગયેલું. ભીંતો જૂની થયેલી. બહેન બેસણું કરવા બેઠેલા. કુમારપાળ ભાઈને જોયા, બહેન ઓળખી ગયા. કુમારપાળ ભાઈની નજર એ બહેનની થાળી ઉપર પડી. આછું ઘી ચોપડેલી રોટલી, અને મગની દાળ, બે જ વસ્તુ એમના ભાણામાં હતી. બહેને કહ્યું આપ બેસો…. હું બેસણું કરી અને આપની પાસે આવું.
બેસણું કરી અને બહેન આવ્યા… ઉકાળેલા પાણીનો ગ્લાસ બેઉને આપ્યો. ચા માટે પૂછ્યું પણ સ્પષ્ટ ના પાડી કુમારપાળ ભાઈએ…. કે ચા નહિ. તમે બેસો… તમારી જોડે વાત કરવા આવ્યો છું. તમારે સિદ્ધિતપ ચાલે છે… બહેન સમજી ગયા કે બહારથી પૂછીને આવ્યા લાગે છે…. એ કહે કે હા મારે સિદ્ધિતપ છે. આજે કયું બેસણું હતું? કાલથી ૭મી બારી શરૂ થવાની છે. તમે બેસણામાં શું વાપર્યું? જોયું કે આ લોકો જોઈ જ ગયા છે. ખોટું શી રીતે બોલાય… ભાઈ બેસણામાં રોટલી અને મગની દાળ ખાધી. સવારના બેસણામાં શું ખાધેલું? ચા અને ખાખરો. અને કુમારપાળ ભાઈ કહે છે… આ રીતે સિદ્ધિતપ થાય…! એ બહેન સ્વાધ્યાય શીલ હતા. એમણે કહ્યું કુમારપાળભાઈ તમે આ બોલો છો..? ભુવનભાનુસૂરિ મ.સા. ના ચરણોને તમે સેવ્યા છે. તમે કહો છો કે ચા અને ખાખરાથી સિદ્ધિતપ થાય! તું હું તમને સામે પૂછું કે ગુંદરપાક થી સિદ્ધિ તપ થાય છે? દેવ અને ગુરુની કૃપાથી સિદ્ધિતપ થાય છે. આ ખુમારી… એ ઘરનું વાતાવરણ… આ બધું જોયું કુમારપાળભાઈને લાગ્યું કે આ બહેન એક પણ પૈસો અમારો સ્વીકારે એ વાતમાં માલ નહિ.
આપણા સાધર્મિકો એટલે માત્ર માંગનારા આવું ચિત્ર મનમાંથી કાઢી નાંખજો. આપણા સાધર્મિકો ખુમારીવાળા હોય છે. લાગ્યું કે એક પૈસો આ બહેન લેશે નહિ. પણ કુમારપાળભાઈને પણ લાગ્યું કે લાખો રૂપિયા સાધર્મિકોને આપ્યા, પણ આવા સાધર્મિક પહેલીવાર મળ્યા છે. આવા સાધર્મિકનું દર્શન પહેલી વાર થાય છે. પછી એમણે એક જ કામ કર્યું… ફરી બહેનને કહ્યું કે ગરમી બહુ છે. પાણી આપો. બહેન પાણીનો ગ્લાસ ભરવા માટે રૂમમાં ગયા. અને આ લોકોએ પોતાના ખિસ્સામાં જેટલા નોટોના બંડલ હતા એ બધા જ ત્યાં મૂકી દીધા. અને સડસડાટ દાદર ઉતરી ગયા. કે જો પેલી બહેનને ખબર પડી ગઈ… તો રાડો પાડીને અમને ઉભા રાખશે અને અમારા બંડલ અમને પાછા આપશે. નીચે ઉતર્યા. ગાડી તૈયાર હતી. Driver ને કહ્યું ભગાવ જલ્દી…. એ બહેન પાણી લઈને આવ્યા જોયું તો કુમારપાળ ભાઈ મળે નહિ, પેલા ભાઈ મળે નહિ… અને નોટોના બંડલ.
આવા સાધર્મિકો આપણે ત્યાં છે. અને એટલે જ શાસ્ત્રોએ કહ્યું “એગત્ત સવ્વ ધમ્મા, એગત્ત સાહમ્મિ આણ વચ્છલ” એક બાજુ બધા ધર્મોને મૂકી, બીજી બાજુ સાધર્મિક ભક્તિને મૂકી ‘બુદ્ધિ તુલાએ તુલિયા’ બુદ્ધિના ત્રાજવાથી તોલીએ, બેઉ પલ્લા સરખા થશે. સાધર્મિકો હું જે પ્રભુની આરાધના કરું છું. હું જે પ્રભુએ કહેલ સાધનાને સાધુ છું. એ જ પ્રભુની સાધનાને સાધનાર મારો ભાઈ, મારો સાધર્મિક.
કોઈ મને કહે ને કે સાહેબ આ આવ્યા છે… એ અબજોપતિ છે… હું કંઈ રાજી થતો નથી એનાથી. અબજોપતિ જૈનો મુંબઈમાં ઘણા હશે. પણ ઝુંપડપટ્ટીમાં પણ ધારાવી ની ઝુંપડપટ્ટીમાં પણ જૈન પરિવારોને રહેવું પડતું હોય, તો એ કરોડોપતિઓ માટે અબજોપતિઓ માટે લાંછન છે. અમે ક્યારે પણ તમારા પૈસાનું મહત્વ આંકતા નથી. તમે જ્યારે પૈસાને છોડો છો. દાન ધર્મ કરો છો. ત્યારે તમારા દાનધર્મની અનુમોદના અમે કરી શકીએ. તમારા પૈસા ગમે એટલા હોય, એની જોડે અમને કોઈ હરખ પણ નથી, અમને કોઈ શોક પણ નથી. પણ એ તમારા પૈસા વધુમાં વધુ આવા માર્ગમાં વપરાય એવી ઈચ્છા રાખું છું.
પહેલા મેં કહેલું માર્ચ ending એ હિસાબ થાય, આટલા લાખ, આટલા કરોડ… profit છે… net profit…. તમને મળ્યું કોની કૃપાથી… પ્રભુની કૃપાથી… બરોબર ને? well set છો. મજામાં છો… કોની કૃપાથી… તમે પણ કહેશો દેવ – ગુરુ પસાય. તો જે પ્રભુની કૃપાથી લાખો રૂપિયા કે કરોડો રૂપિયા તમને મળ્યા, એમાંથી પ્રભુના કેટલા અને તમારા કેટલા…? પ્રભુના કેટલા ટકા? વચ્ચે મેં વાત કરેલી કે ૫% – ૧૦ % charity માં ખર્ચનાર તો મળે છે, ૫૦% વાળો કોઈ મળતો નથી. મુંબઈના જ એક ભાઈએ આ પ્રવચન સાંભળ્યું… અને એ પ્રવચન સાંભળ્યા પછી એમનો સંદેશો આવ્યો કે સાહેબને કહેજો કે આ પ્રવચન સાંભળ્યા પછી મેં નક્કી કર્યું છે કે ૫૦% charity માં હું વાપરીશ. તમે જો નક્કી કરો ને કે આટલા ટકા મારે વાપરવાના જ છે તો પછી તમારો હાથ સંકોચાય નહિ. મારે આટલા વાપરવાના જ છે. Net profit કેટલો થાય એ તમને ખબર જ છે. અને મારી તો ઈચ્છા એવી ૫% – ૧૦% તમે છોડો. એ પણ નામ વગર છોડો. ટીપમાં લખાવો એ તમારા ખાતામાં… ગુપ્ત રીતે દાન માટેના ૨% – ૫% તમે રાખો, અને ૫ – ૧૦% એવા રાખો… કે જે તમે નામ સાથે લખાવી શકો. તો શ્રી સંઘનું આજે એક મહત્વનું કાર્ય છે સાધર્મિક ભક્તિ.
મને ખ્યાલ છે કે આ સંઘમાં સાધર્મિક ભક્તિનું કાર્ય બહુ સરસ રીતે ચાલી રહ્યું છે…. કાયમી ધોરણે ….. એની ઓફીસ ચાલુ રોજ… સ્કુલ માટે, medication માટે, જેમાં પણ તમારે સહાય જોઈતી હોય, એમાં સહાય યોગ્ય રીતે તમને આપવામાં આવે. અને એ રીતે આપણા સાધર્મિક બંધુઓને બહુ સરસ રીતે સેવા કરતો આ સંઘ, અને સંઘના નેજા હેઠળનો એક સાધર્મિક ભક્તિ ખંડ છે.
પૂજ્યપાદ ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. સંસારી પણે અમદાવાદના નિવાસી. એકવાર સાહેબજી અમદાવાદ પધારેલા. અમદાવાદમાં પણ કાળુશીની પોળમાં સાહેબજી રહેતા હતા. કાળુશીની પોળના અગ્રણીઓને થયું કે સાહેબના પગલાં આપણી પોળમાં પણ થવા જોઈએ. એ અમદાવાદ, એ પાટણ, એ ખંભાત, જ્યાં પોળે – પોળે અદ્ભુત જિનાલયો, અદ્ભુત ઉપાશ્રયો. શું મજાની tradition આપણને મળી છે. જે મુંબઈમાં જમીન ફૂટના ભાવે નહિ, ઇંચના ભાવે વેચાય છે. એ મુંબઈમાં આટલી વિશાળ જગ્યામાં ઉપાશ્રય.
પૂજ્યપાદ ધર્મસૂરિ મ.સા. નું પણ બધા જ ઋણી છીએ. કે એ યુગની અંદર પણ એમણે મોટી – મોટી જગ્યાઓ લઇ જિનાલયો તો બનાવ્યા. ઉપાશ્રયો પણ બનાવ્યા. યાદ રાખો… ઉપાશ્રય વિના ધર્મ ટકતો નથી. આજે જે લોકો ધર્મ ને પામેલા છે. અને એમને નવું ઘર લેવું છે મુંબઈમાં… તો એક જ વસ્તુ જુએ છે… કે ઉપાશ્રય બાજુમાં છે કે નહિ… દેરાસર તો એપાર્ટમેન્ટે એપાર્ટમેન્ટે હોય છે. પણ દેરાસર નજીકમાં હોય, ઉપાશ્રય હોય જ નહિ, ૨ – ૪ કિલોમીટર દૂર હોય, તમે આળસી જાઓ… અને સાધનાનો સ્રોત તમારો અટકી જાય. આ ઘાટકોપર માં કેટલા મોટા સંઘો, કેટલા બધા મોટા ઉપાશ્રયો… તો કાળુશીની પોળમાં પણ ભવ્ય જિનાલય, મોટો ઉપાશ્રય. કાળુશીની પોળના અગ્રણીઓ સાહેબને વિનંતી કરવા ગયા, કે સાહેબ અમારે ત્યાં પધારો.
જન્મભૂમિને તો અમે ય ભુલી શકતા નથી. મારી જન્મભૂમિ ઝીંઝુવાડા. શંખેશ્વર થી થોડી દૂર. ગમે એવો વ્યસ્ત કાર્યક્રમ હોય, પણ શંખેશ્વર થઈને જવાનું હોય, તો ૧ – ૨ દિવસ પણ જન્મભૂમિમાં જઈએ. એ જન્મભૂમિમાં મારા દાદા શાંતિનાથ બિરાજે છે. જે દાદાએ મને સંસ્કારો આપ્યા, જે દાદાએ મને તત્વજ્ઞાન આપ્યું. અને જે દાદાએ મને દીક્ષા આપી, એમને હું કેમ ભુલી શકું! તો જ્યાં સાહેબને વિનંતી કરવા આવ્યા કે સાહેબ પધારો કાળુશીની પોળમાં, સાહેબ કહે કે તૈયાર છું. સાહેબ ત્યાં આવ્યા. આમ લોકોના ઘરે સાહેબ પગલાં નહિ કરતાં, પણ વિશિષ્ટ કોઈ સાધક હોય, તો એના ઘરે પગલાં કરતા.
કાળુશીની પોળમાં એક પતિ – પત્ની, બે જ જણા, ધંધો પતિએ wind up કરી નાંખેલો. ૨૪ કલાક આરાધનામય જીવન. રોજ ઠામ ચૌવિહારે એકાસણું. અમદાવાદની ૫૦ ડીગ્રી ગરમીમાં પણ ઠામ ચૌવિહારે એકાસણું… વાપરવાનું અને પાણી પીવાનું ભેગું. આપણને કલાકે કલાકે તરસ લાગે. પાણી પીવાની ઈચ્છા થાય. એમને વર્ષોથી ઠામ ચૌવિહારે એકાસણું ચાલે. એ સાધકે વિનંતી કરી, કે ગુરુદેવ મારા ત્યાં પગલાં કરો… સાહેબે કહ્યું જરૂર… તમારે ત્યાં તો આવવું જ પડે. સાહેબ ત્યાં ગયા. એ ભાઈ ઠામ ચૌવિહારે એકાસણું કરતાં. ત્રણ જ દ્રવ્યથી. પાણી સાથે ચોથું દ્રવ્ય. રોટલી, મગની દાળ, અને મમરા. વર્ષોથી આ ત્રણ જ દ્રવ્ય.
સાહેબે પગલાં કર્યા. માંગલિક સંભળાયું. ત્યારે એમના શ્રાવિકાએ કહ્યું – સાહેબ જરા એમને કહો કે શરીર સામું તો નજર નાંખે, આ શરીરથી આરાધના કરવાની છે. હવે એ જીદ લઈને બેસી ગયા છે કે ૩ જ દ્રવ્ય, ચોથું દ્રવ્ય નહિ. હવે એક પણ મીઠાઈ નહિ. ગુંદરપાક નહિ. કશું જ નહિ. તો શરીર ચાલે કઈ રીતે. આપ એમના ગુરુ છો, આપ એમને આજ્ઞા કરો..કે એકાદ મીઠાઈ રોજ ખાવાની. એ વખતે પેલા ભાઈ શ્રાવિકાને કહે છે, તું શું બોલે છે પણ તને ભાન છે…. જૈન શાસનના એક મહાન આચાર્યના પગલાં આપણે ત્યાં થયા, અને એ પણ ત્યાગી, વિરાગી આચાર્ય ભગવંતના… એમના પગલાં થાય, તો આપણે કંઈક ત્યાગ કરવાનો હોય! સાહેબજી મને નિયમ આપો, ૩ દ્રવ્ય વાપરું છુ; હવેથી ૨ દ્રવ્ય વાપરવા. મમરા તો ખાલી શોખ માટે છે. ભોજન તો ખાલી રોટલી અને દાળનું જ છે. મમરા પણ સ્વાદ માટે હું ખાતો હોઉં છું. આપના પગલા થયા, આજથી મમરાનો ત્યાગ.
આ પ્રભુનું શાસન છે. એટલે જ વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં પહેલી સંઘપૂજા કહી. સંઘમાં આવા શ્રાવકો હોય છે. આવી શ્રાવિકા માતાઓ હોય છે.
કોલકાતાના કનકબેન, પાલીતાણા આવેલા. પાલીતાણાની સ્થિતિ એમને જોઈ. કે કોઈ પણ સાધ્વીજી મહારાજ આવે, તો ઉતરવા માટે જગ્યા ન મળે. એમણે આખી ધર્મશાળા બનાવી. પણ માત્ર સાધ્વીજીઓ માટે. કોઈ પણ યાત્રિકને ઉતરવાનું નહિ. રસોડું પણ ખોલેલું… કોઈ પણ મહાત્માની ભક્તિનો લાભ મળે. એ કનકબેનને સાધ્વીજીઓની માતાનું બિરુદ આપવામાં આવ્યું. આ યુગ છે. કોઈ સાધ્વીજી નાના છે. ગુરુ સાથે નથી ફાવ્યું. કનકબેન એ સાધ્વીજીના માતા બન્યા. આવી જાઓ મારા ત્યાં… એ યુવાન સાધ્વીજીઓ ને જે પ્રેમથી, જે મર્યાદાથી એ રાખતા. આચાર્ય ભગવંતોના મુખેથી એમના માટે નીકળતું, કે કનકબેન તો સાધ્વીજીઓની માતા. આવા કેટલાય શ્રાવકો. કેટલીય શ્રાવિકાઓ. આપણા સંઘમાં છે.
સાધ્વીજી ભગવતીઓની વાત કરું… તમે લોકો અમારી પાસે વારંવાર આવો. એક કામ કરો આજે… સંઘપૂજાનું વાર્ષિક કર્તવ્ય છે. એનું એક practical approach આપું. દર રવિવારે સાધ્વીજી ભગવતીઓની શાતા પૂછવા જવાનું… ઘાટકોપર ઇસ્ટ કે વેસ્ટ…. જ્યાં જ્યાં સાધ્વીજી ભગવતીઓ રહે છે. ત્યાં રવિવારે પહોંચી જાવ. એમની સુખશાતા પૂછો. અને પૂછો કે ગુરુદેવ કોઈ પણ કાર્ય સેવા હોય, તો મને આપો. ક્યારેક કોઈ સાધ્વીજી ભગવતી કોઈક કામ માટે કહી શકતા ન હોય. તમે દર રવિવારે જતાં હોય, સાહેબજી કોઈ પણ કામ હોય, ૧ થી માંડીને લાખ રૂપિયા સુધીનું મને ફરમાવો.
એવા સાધ્વીજીઓ આપણે ત્યાં છે. જેમણે વર્ધમાન તપની ૯૮મી – ૯૯મી કે ૧૦૦મી ઓળી ચાલતી હોય. ઉનાળાની અંદર. એ ઉનાળામાં વિહાર પણ ચાલતો. સામે ગામ ગયા. ૫ જૈનોના ઘર છે. આયંબિલશાળા તો છે જ નહિ. પણ પોતાને આયંબિલ છે એ કહેવું પણ નથી. કહીએ તમે દાળ અલગ કાઢો… એ અલગ દાળ જે તપેલીમાં કાઢેલી હોય, એને કાચા પાણીથી ધુઓ તો પશ્ચાત કર્મનો દોષ લાગે. તો એ સાધ્વીજી ભગવતી ૧૧.૩૦ -૧૨ વાગે વહોરવા માટે નીકળે… ઉનાળામાં.. ક્યાંય કહ્યું નથી… લુક્ખી રોટલી ક્યાંક મળી જાય તો લઇ લે. ખાખરો એવો મળી જાય તો લઇ લે… નહીતર ચણા મળી જાય તો ચપટી ચણા થી આયંબિલ કરી લઉં. આવા સાધ્વીજી ભગવતીઓ એક નહિ, બે નહિ પણ સેંકડોની સંખ્યામાં આજે આપણી પાસે છે. આવા સંઘની ભક્તિ તમે કરો… કેટલું પુણ્ય, કેટલી નિર્જરા… એ સાધ્વીજી ભગવતીઓ જે સાધના કરે, અનુમોદના દ્વારા તમને એ સાધનાનું ફળ મળે. તો રવિવાર કોના માટે…? વેવાઈ – વેવણ માટે કે સાધ્વીજી ભગવતીઓ માટે?
દેવદ્રવ્યની વૃદ્ધિ એ પણ કર્તવ્ય… પણ એક વાત ખાસ સમજજો સાત ક્ષેત્ર જે છે, એમાં સાધુ – સાધ્વી, શ્રાવક – શ્રાવિકા પણ આવી જાય, જ્ઞાન પણ આવી જાય, જિનમૂર્તિ – જિનાલય આવી જાય, તો સાત ક્ષેત્રમાંથી જે વખતે જે ક્ષેત્રમાં વધુ જરૂરિયાત હોય, એ ક્ષેત્રમાં વધુ ધન તમે વાપરો. આ શાસ્ત્રકાર ભગવંતોની આજ્ઞા. તમે પોતે weekend પર નીકળી જાઓ. એક રૂટ પકડી લો. અને એ રૂટમાં જે સાધર્મિકો આવતાં હોય, એમણે જરૂરિયાત પ્રમાણે આપતાં જાઓ. તમે જાતે આપો… કોઈ વાંધો નથી. વચ્ચે મેં કહેલું કે કુમારપાળભાઈ વી. શાહ એ શંખેશ્વરની આજુબાજુમાં કેટલાય ગામો રહેલા છે. તો એમણે પહેલું એક mission ઉપાડ્યું. શંખેશ્વરની આજુબાજુમાં જેટલા ગામો છે. અને એમાં જેટલા સાધર્મિકો રહે છે. એ બધાને લાખ – લાખ રૂપિયા આપ્યા. એટલે એક કદાચ ઉંચો – નીચો થતો હોય, કે ધંધો બરોબર ચાલતો નથી. માલ લાવવા માટે પૈસા નથી. ઉધારીથી માલ મળતો નથી… સીધા લાખ રૂપિયા મળી જાય કે તરત ટેકો મળી જાય. સાધર્મિક ભક્તિ પણ થઇ જાય. સાધુ – સાધ્વીજી ભગવંતો આવતાં હોય, એમની પણ ભક્તિ થાય. તો આવી રીતે તમે સાધર્મિક ભક્તિનો લાભ લો. તો પણ ચાલે. સાધુ સાધ્વીજી ભગવંતોની પણ ભક્તિ તમને એમાં મળી જાય. અને આવું જે ફંડ છે. આવું જે ટ્રસ્ટ છે, જે બહુ સરસ રીતે જોઇને સાધર્મિકોને ધનનું વિતરણ કરે છે. એને પણ તમે ફંડ આપી શકો.
વચ્ચે મેં એક વાત કરેલી… ચંદ્રશેખરવિજય મ.સા. નું ચોમાસું સુરતમાં… સુરતમાં વાવ પંથકના ઘણા લોકો રહેલા. તો એ લોકો અમુક પ્રવૃત્તિ વાવ પંથકના નામે કરતા હોય, એમાં એક પ્રવૃત્તિ હતી… ચોમાસા પહેલા બધા જ મહાત્માઓને વહોરાવાનું. તો ૧૫ – ૨૦ જણા પૂજ્યપાદ ચંદ્રશેખરવિજય મ.સા. પાસે ગયા. અને કહ્યું કે સાહેબજી અમને લાભ આપો. એ વખતે સાહેબે કહ્યું કે અમે તો પ્રભુની ચાદર પહેરી છે, અને આ ચાદરને કારણે અમારે જોઈએ એના કરતા વધુ આવે છે. તમે આ ભક્તિ કરો એનો વાંધો નથી. પણ ખાસ તમારે શું કરવું જોઈએ… તમારો આટલો મોટો સંઘ છે… તો તમારે સાધર્મિક ભક્તિ માટે કંઈક કામ કરવું જોઈએ.
એ ૨૦ જણા ને વાત જચી ગઈ. એમણે કમિટી માં વાત મૂકી. કમિટીને વાત ગમી ગઈ. પછી સંઘની general meeting બોલાવી અને એમાં કહ્યું કે સાહેબજીનું આ પ્રમાણે સૂત્ર છે. શું કરવું જોઈએ? અને એક suggestion આવ્યું કે ધંધામાં માર્ચ ending એ net profit જે થાય એમાંથી ૧% આપણે સાધર્મિક ભક્તિમાં આપવો. સર્વાનુમતે દરખાસ્ત પસાર થઇ. માર્ચ ending આવ્યું. હિસાબો થઇ ગયા. ૐકારસૂરિ આરાધના ભવન ગોપીપુરામાં એક રૂમમાં એક ભંડાર નાંખવામાં આવ્યો. તમારે રૂમમાં જવાનું થેલી લઈને, થેલીમાં કેટલા પૈસા એ તમે જાણો… એ તમારે ભંડારમાં નાંખી આવવાના. એ દિવસે એટલી મોટી લાઈન લાગેલી… કે ઉપાશ્રયની બહાર ૧૦૦ – ૨૦૦ મીટર સુધી લોકો તડકામાં ઉભેલા. દાન આપવા માટે. સાધર્મિકોને …. મારા સાધર્મિકોને મારે કંઈક આપવું છે. આ ભાવના સાથે…
એ વખતે સુરતના બધા સંઘોએ નોંધ લીધી કે વાવ સમાજ પૈસા આપવા માટે લાઈન લગાવીને ઉભો છે! લાઈન ક્યાં હોય બોલો… લાઈન ક્યાં લાગે? આધાર કાર્ડ કઢાવવામાં? માં કાર્ડ કઢાવવામાં…? ક્યાં લાઈન લાગે…? પૈસા આપવામાં…! હમણાં મેં પણ જોયું, ખુશ થઇ ગયો… તમે એટલી બધી ઝડપથી દાનના આંકડા જાહેર કરતાં હતા કે લખનાર પણ એટલી ઝડપથી લખી ન શકે. તો આ જિનશાસન મળ્યાની એક મજાની નિશાની છે.
તો સંઘપૂજા, દેવદ્રવ્યની વૃદ્ધિ, કુલ વાર્ષિક ૧૧ કર્તવ્યો છે. અને પછી પૌષધ વ્રત. આવતી કાલે બીજા કર્તવ્યો અને પૌષધ વ્રતની વાત જોઈશું.