વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ગણધરકથા
પ્રભુના કાળમાં કેટલા દર્શનો હતા! ભિન્ન ભિન્ન દર્શનો. ભિન્ન ભિન્ન વિચારધારાઓ. એ વખતે પ્રભુ પધાર્યા અને એમણે પોતાના પૂર્ણ જ્ઞાન દ્વારા બધી જ વાતોને સ્પષ્ટ જોઈને આપણા માટે સ્પષ્ટરૂપે પ્રરૂપિત કરી. સાડા બાર વર્ષ પ્રભુએ સાધના કરી અને એના અંતે પ્રાપ્ત થયેલ અમૃતતત્ત્વ આપણને આપી દીધું! પ્રભુના આ ઋણમાંથી આપણે કેવી રીતે મુક્ત થઇ શકીએ!
દરેક ગણધરની આ વિશેષતા હતી કે એ પ્રબુદ્ધ તો હતા જ, પણ બુદ્ધિ કરતા શ્રદ્ધાનો અંશ વધુ હતો. અને શ્રદ્ધાનો અંશ વધી જાય, એટલે સમર્પણ આવી જ જવાનું! ગણધરકથામાં ગણધર-વાદ નું મહત્ત્વ નથી; ગણધર-સમર્પણનું મહત્ત્વ છે. આ જ્ઞાની પુરુષે ખરેખર મારા મનમાં રહેલ પ્રશ્નને જાણ્યો અને એનો સમુચિત ઉત્તર પણ આપ્યો. બસ, આવા જ્ઞાનીનાં ચરણોમાં જીવન સમર્પણ!
પ્રભુ વેદોને ખોટા નથી કહેતા; પણ કહે છે કે વેદવાક્યોનું તેં કરેલું અર્થઘટન ખોટું છે. સમ્યકદ્રષ્ટિ વ્યક્તિ કોઈ પણ શ્રુતને વાંચે, તો તે સમ્યક શ્રુત બની જાય. અને મિથ્યાદ્રષ્ટિ વ્યક્તિ કદાચ સાચું વાંચી લે, તો પણ તેનું અર્થઘટન ખોટું કરી શકે.