Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 56

601 Views 21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : से सयं पवेसिया झाइ

પ્રભુ અંત:પ્રવેશ કરીને ધ્યાન કરતા હતા. જ્યાં સુધી ઉપયોગ બહાર હોય, મન બહાર હોય, ત્યાં સુધી પ્રાણાયામ થઇ શકે; ધ્યાન ન થઇ શકે. ધ્યાનનો અર્થ જ છે – પોતાનું પોતાની ભીતર રહેવું. તમે તમારામાં હોવ, એનું નામ ધ્યાન.

એ અંતઃપ્રવેશ ક્યારે થાય? જ્યારે બહારની પૂરી દુનિયા તમને અર્થહીન લાગે ત્યારે. શું અર્થ છે આ બધાનો? આ શરીરનો પણ શો અર્થ છે? એક દિવસ એ રાખમાં ભળી જવાનું છે. આમ બધું જ તમને વ્યર્થ લાગે અને થાય કે ઉપયોગને હવે બહાર ક્યાંય મૂકવો જ નથી; તો અંતઃપ્રવેશ થઈ શકે.

જ્યારે બધું જ અસાર લાગે, ત્યારે માત્ર જોવાનું થાય છે; મન એમાં જતું નથી. પ્રભુ માટે આપણે એવું સમજીએ કે પ્રભુ બધું જુએ છે; બધું જાણે છે; સર્વજ્ઞ છે. હકીકતમાં પ્રભુ કશું જ જાણતા નથી; કશું જોતા નથી. માત્ર જણાઈ રહ્યું છે; જ્ઞાનની અંદર પ્રતિબિંબ પડી રહ્યું છે. પ્રભુનો ઉપયોગ એક સેકંડ માટે પણ એ દ્રશ્યમાં જતો નથી.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૫૬

દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાની અંતરંગ કથા.

પ્રભુએ સાડા બાર વર્ષ સુધીમાં લગભગ ધ્યાન કર્યું છે. આજનું સૂત્ર પ્રભુના ધ્યાનનું સૂત્ર છે. બહુ જ અદ્ભુત સૂત્ર છે. પ્રભુએ ધ્યાન કર્યું, પણ કેવી રીતે કર્યું? એના પરથી આપણને ખ્યાલ આવે કે આપણે ધ્યાન કેવી રીતે કરવાનું છે …સૂત્ર છે –

से सयं पवेसिया झाइ

ચાર જ શબ્દોનું સૂત્ર છે.

से सयं पवेसिया झाइપ્રભુ અંત: પ્રવેશ કરીને ધ્યાન કરતા હતા. જ્યાં સુધી ઉપયોગ બહાર હોય, મન બહાર હોય, ત્યાં સુધી પ્રાણાયામ થઇ શકે. પણ ધ્યાન ન થઇ શકે. ધ્યાનનો અર્થ છે – પોતાનું પોતાની ભીતર રહેવું. તમે તમારામાં હોવ એનું નામ ધ્યાન. બોલો કેટલું સરળ? તમે તમારામાં ક્યારેય હોતા જ નથી. તમારું મન સતત પરમાં દોડતું હોય છે. દેરાસરે ગયા…પરમાત્માનું અપરૂપ રૂપ તમારી સામે છે અને છતાં કોઈ વ્યક્તિ આવે તરત જ તમારી આંખો… તમારું મન એ બાજુ focus થાય છે. તો ઉપયોગ અંદર જાય તો જ ધ્યાન થઇ શકે. અંત: પ્રવેશ અને ધ્યાન.

આપણો ઉપયોગ સતત બહાર રહેતો હોય છે. એને આપણે અંદરની તરફ ફેરવવો છે. અઘરું કામ નથી. ઉપયોગને, મનને બહાર રાખતા તમને આવડે તો અંદર રાખતા કેમ ન આવડે? બહાર રાખો છો હવે અંદર રાખવાનું… પણ એ અંતઃપ્રવેશ ક્યારે થાય? જ્યારે બહારની પૂરી દુનિયા તમને અર્થહીન લાગે ત્યારે. આ બધાનો કોઈ અર્થ નથી. આ શરીરનો પણ શો અર્થ છે? એક દિવસ રાખમાં એ ભળી જવાનું છે. બધું જ તમને વ્યર્થ લાગે.  ઉપયોગને બહાર હવે મુકવો જ નથી. તો ઉપયોગ અંદર જશે.

ઘટના કોઈ પણ હોય, તમારા મનને બહાર લઇ જઈ શકતી નથી. ઘટનામાં એ તાકાત નથી. તમે ઘટનામાં જાવ છો. ઘટના તમને બોલાવતી નથી. વગર બોલાવ્યે ક્યાંય જવાય… માથે પડેલા મહેમાન તરીકે જવાય… કોઈ પણ ઘટના તમારા રાગને, દ્વેષને કે અહંકારને ઊભારી શકે જ નહિ. અવધિજ્ઞાની મુનિ કેટલું જોઈ શકે. કિલોમીટરોની range માં એમનું જ્ઞાન ફેલાયેલું હોય તો એ bed room ના દ્રશ્યો પણ જોઈ શકે. પણ જ્યારે બધું જ અસાર લાગેલું છે ત્યારે જોવાય છે પણ મન એમાં જતું નથી. પ્રભુ માટે આપણે એવું સમજીએ કે પ્રભુ બધું જુએ છે, પ્રભુ બધું જાણે છે. સર્વજ્ઞ છે. પણ એ બાલજીવો માટેની વાત છે. હકીકતમાં પ્રભુ કશું જ જાણતા નથી. કશું જોતા નથી. જણાઈ રહ્યું છે. જ્ઞાનની અંદર પ્રતિબિંબ પડી રહ્યું છે. પ્રભુનો ઉપયોગ એક સેકંડ માટે પણ એ દ્દૃશ્યમાં જવાનો નથી. પ્રભુ સ્વની અંદર પ્રતિષ્ઠિત છે. એટલે પરમાં જવાનું કોઈ કામ જ નથી.

એક મુનિરાજ કાર્યોત્સર્ગ કરતા હતા. કાર્યોત્સર્ગની અંદર મનની એકદમ વિશુદ્ધિ થઇ. અને વિશુદ્ધિને કારણે અવધિજ્ઞાન એમને ઉત્પન્ન થયું. એમના અવધિજ્ઞાનની range પહેલા દેવલોક સુધીની હતી. તો પહેલા દેવલોકનું એક દૃશ્ય એમની સામે આવ્યું. ઇન્દ્રાણી રિસાઈ ગયા છે. ઇન્દ્ર એમને મનાવે છે. ઇન્દ્રાણી બહુ જ ગુસ્સામાં છે. ઇન્દ્ર મનાવે છે. એ વખતે ઇન્દ્રાણી જોશથી પાટું મારે છે ઇન્દ્રને… ૨૨ લાખ વિમાનોનો સ્વામી સૌધર્મેન્દ્ર અને એની ઇન્દ્રાણી એને પાટું મારે છે. એ વખતે સમ્યગ્દ્રષ્ટિ હોવા છતાં મોહાધીન ઇન્દ્ર ઇન્દ્રાણીના પગને પંપાળે છે… કે તારા પગને કંઈ વાગ્યું નથી ને… આ દૃશ્ય જોઇને સામાન્ય વ્યક્તિને હસવું આવે. જ્ઞાનીને હસવું આવે જ નહિ. જ્ઞાની ને ખ્યાલ છે કે પોતે પણ અનંતા જન્મોની અંદર મોહને ધીન બનીને આવું જ કરીને આવ્યા છે. એ મુનિરાજ સહેજ હસી જાય છે. અને અવધિજ્ઞાન છું થઇ જાય છે. મનની વિશુદ્ધિથી જ્ઞાન આવેલુ. મનમાં જ્યાં એ દૃશ્ય પ્રત્યે હાસ્ય પ્રગટ્યું, તિરસ્કાર પ્રગટ્યો… મનમાં અશુદ્ધિ આવી… જ્ઞાન જતું રહ્યું.

અમે લોકો અહિયાં બેઠા છીએ. તમે લોકો ભવઆલોચના લેતા હોવ છો. એક સજ્જનમાં સજ્જન માણસ છે. અને એનાથી ભયંકર અકાર્ય અતિતમાં થઇ ગયું છે. એ અમને લખીને આપે છે કે ગુરુદેવ! આવું અકાર્ય અમારા હાથે થઇ ગયું છે. એ વાંચ્યા પછી અમને એ વ્યક્તિ પ્રત્યે અનુરાગ પેદા થાય છે. કેમ? કે એણે પ્રભુની આજ્ઞા સ્વીકારીને, આલોચના લઈને પોતાના જીવનની ચાદરને સ્વચ્છ બનાવવાનો ઉપક્રમ કર્યો.

બીજી વાત અમને એ પણ થાય કે અત્યારે હું સ્વચ્છ થઈને બેસી ગયો છું. અનંતા જન્મો સુધી મારો સંસાર પણ કેમ ચાલ્યો.. એનું કારણ આ જ હતું… હું રાગ –દ્વેષ અને અહંકારમાં ફસાયેલો હતો. તો આજે હું સ્વચ્છ થઈને બેસી ગયો છું. પણ મારો ભૂતકાળ કેવો હતો… તો એનો કદાચ વર્તમાનકાળ આવો છે. બની શકે કે ભવિષ્યકાળમાં એ મારા કરતાં પણ વહેલો મોક્ષે પહોંચવાનો હોય. તમારે પણ આવું બનેને ઘણીવાર…

પિતા હોયને એ દીકરાને જુએ ને… તારા કપડા તો જો કેવા પહેર્યા છે… તારું મોઢું તો જો સાફ કર્યું નથી. એ વખતે ઘરમાં દાદા હોય તો એ પિતાને ટકોરે તું નાનો હતો ત્યારે આવો જ હતો. હું નાનો હતો ને બાલમુનિ તરીકે ત્યારે મારી memory એટલી નહિ… મેધા ઘણી. memory ઓછી. મગજના બે part છે. એક part બધું જ યાદ રાખે છે. અને બીજા part ની અંદર નવું નવું વિચારવાનો ઉન્મેશ હોય છે. ઘણીવાર તમારા ખ્યાલમાં પણ આ વાત હોતી નથી. દસ ગાથા કોઈ ન કરે, આને કંઈ આવડતું જ નથી. પણ નહિ… એની memory ઓછી ભલે હોય, એણે ગ્રંથોમાં મૂકી દો. ગ્રંથો ભણાવો… વધારે focusing ગ્રંથોના અધ્યયન પર કરો.

તો મારી memory ઓછી. ગુરુદેવે કહેલું રોજ દસ ગાથા કરવાની. ક્યારેક થઇ પણ જાય, ક્યારેક ન પણ થાય. સાંજે બોલવી પડે ગુરુદેવ પાસે. પણ સવારે કરેલી સાંજે કાચી થઇ ગયેલી હોય. એકવાર ગુરુદેવ લડ્યા શું કરે છે આખો દિવસ તું… દસ ગાથા પણ તારાથી થતી નથી. સદ્ગુરુ ગુસ્સે થાયને એણે પુણ્યપ્રકોપ કહેવાય. તમારા ગુસ્સાને ક્રોધ કહેવાય. પણ સદ્ગુરુ ગુસ્સો કરે એણે પુણ્યપ્રકોપ કહેવાય. કે અંદરમાં શિષ્યને સુધારવાની જ બુદ્ધિ છે.

સ્વામી દયાનંદજી હતા. એમના ગુરુ હતા વિરજાનંદજી. વિરજાનંદજી કડક. પુણ્ય પ્રકોપ તરત ઉછળી જાય. એક વાત યાદ રાખો – દરેક સદ્ગુરુઓની શિષ્યો ઉપર કામ કરવાની રીત અલગ હોય છે. હું ગુરુ છું પણ મારી પોતાની ટેકનીક હું વાપરું છું. હું સદાય હસતો જ રહું છું. મારા શિષ્યોની એક જ ફરિયાદ હોય છે કે તમે અમને ટોકતા કેમ નથી. મેં એમને કહ્યું કે ગોળથી કામ પતતું હોય તો ઝેર કોણ વાપરે. હું હસીને તમને કહું કે બેટા! આમ નહિ કરવાનું. અને તમે મારી આજ્ઞા માનતા હોવ તો મારે તમારા ઉપર ગુસ્સે થવાની શી જરૂર. તો દરેક સદ્ગુરુની શિષ્યો ઉપર કામ કરવાની રીત અલગ અલગ હોય છે. આપણી પાસે તો માત્ર સમર્પણ હોય. ગુરુએ શું કરવું… સદ્ગુરુએ કઈ ટેકનીકથી તમને આજ બહાર લાવવા એ સદ્ગુરુ જાણે. તમારે તો માત્ર સદ્ગુરુની આજ્ઞામાં બરોબર જીવનને સમર્પિત કરવાનું છે.

વિરજાનંદજી પુણ્યપ્રકોપવાળા ગુરુ. એકવાર નદીએથી નાહીને આશ્રમમાં આવે છે. આશ્રમને વાળવાનો, સાફ કરવાનો વારો રાખેલો. વારાફરતી વિદ્યાર્થીઓ સાફ કર્યા કરે. એ દિવસે ગુરુ આવ્યા. પહેલો જ જે રૂમ હતો એમાં સહેજ કચરો દેખાયો. આમ પણ ગુરુને કચરો તરત દેખાય ને… કારણ કે તમારા કચરાને રોજ જોવાનો હોય. ગુરુએ પૂછ્યું – આજે આશ્રમને સાફ કરવાનો વારો કોનો હતો? તો કહે દયાનંદનો… બોલાવો દયાનંદને… આ દયાનંદ સરસ્વતીની વાત છે જેમણે આર્ય સમાજ સ્થાપ્યું. પાયામાં તમારી પાસે સદ્ગુણો ન હોય તો તમે આગળ વધી શકતા નથી. કદાચ પાયામાં ગુણો નથી પણ આવા સદ્ગુરૂ મળી જાય તો તમારા ગુણોને ખીલવી પણ આપે. બોલાવો દયાનંદને… દયાનંદજી આવ્યા… ગુરુ સામે હાથ જોડીને ઉભા રહ્યા. ગુરુએ કહ્યું – તે જે સાવરણીથી આશ્રમ વાળ્યો એ સાવરણી લઇ આવ. સાવરણી લઈને આવ્યો. ગુરુના હાથમાં આપી. બીજા શિષ્યો એવું માનતા હતા કે ગુરુ પોતે એ કચરાને સાફ કરી દેશે. અને એ રીતે પાઠ ભણાવશે. પણ ગુરુએ તો સાવરણીને ઉંધી પકડી અને દયાનંદની પીઠ ઉપર ઠોકમઠોક… સાવરણીનો પાછળનો ભાગ એટલો ઠોકયો કે પીઠ આખી લોહી ઝરતી થઇ ગઈ. ગુરુ ગયા…. ૧૫ દિવસ સુધી એના ચકામા રહ્યા. ૧૬માં દિવસે રૂઝ આવી. પણ દયાનંદજી રોજ પોતાનો ખેસ ઉંચો કરી ગુરુ ભાઈઓને બતાવતા… જુઓ ગુરુની પ્રસાદી કેવી મળી છે.

અમારે ત્યાં કહ્યું છે કે ગુરુ ચાર રીતે પ્રસાદી આપે. પહેલી તો સ્મારણા. યાદ કરાવે બેટા! કેટલો સ્વાધ્યાય કર્યો? ધ્યાન કેટલું કર્યું? યાદ કરાવે.. પછી વારણા. ક્યારેક ના પાડે… બેટા! આ નહિ કરવાનું. ત્યાં સુધી તો ગુરુ પ્રેમથી ચાલ્યા. પણ જ્યારે લાગ્યું કે જેની ના પાડી છે એ જ એ કરી રહ્યો છે. ત્યારે ગુરુનું ત્રીજું નેત્ર ખુલે… ચોયણા. ગુરુ કડક શબ્દોમાં ફટકાર આપે… તને મેં કહ્યું હતું… કાન છે કે નહી? સાંભળ્યું હતું કે નહિ… કેમ એમ નથી કરતો. અને એમાં પણ કોઈ ફેલ જાય… તો પડીચોયણા એટલે કે તમારી પીઠ ઠોકી દે. તમને આ ચારમાંથી વધારે શું ગમે બોલો? સ્મારણા, વારણા, ચોયણા, પડીચોયણા. આ ચારમાંથી તમને વધારે શું ગમે? બોલો… ખામણા ના અર્થ તો કર્યા હશે. સારીયો, વારિયો, ચોઈઓ, પડીચોઈઓ. પછી “ચિઅત્તામે પડીચોયણા” – પણ એ ચારમાંથી ગુરુદેવ આપની પડીચોયણા બહુ જ ગમી. કેમ ગમી ખ્યાલ આવ્યો… કેમ ગમી? ગુરુનો સ્પર્શ મળ્યો. ગુરુએ ધોલ ઠોકી એટલે… ગુરુનો સ્પર્શ મળ્યો. અને ગુરુના સ્પર્શથી વધારે શું હોય? મજા જ મજા છે અહિયાં. તમને કેમ ઈર્ષ્યા નથી આવતી અમારી એ જ ખબર નથી પડતી. હવે બધામાં મજા. ગુરુ લડે તો પણ મજા. ગુરુ લાફો ઠોકે તો ય મજા. શિષ્યનો આનંદ ક્યારે પણ ઓછો થતો નથી.

તો આપણી વાત એ હતી કે એક પણ ઘટના તમને રાગ – દ્વેષ અહંકારમાં મૂકી શકતી નથી. તમે ઘટનાને નિમિત્ત બનાવીને રાગ – દ્વેષમાં જાઓ છો. ખ્યાલ આવ્યો આમ બરોબર? એક પણ ઘટના એવી નથી જે તમને રાગ – દ્વેષ અહંકારમાં લઇ જાય. ઘટનાની કોઈ તાકાત નથી. શંકરાચાર્યજીએ કહ્યું चैतन्यः प्रभवति खलु न जडः कदाचित्ઘટના તો જડ છે. તમે ચૈતન્યયુક્ત છો. चैतन्यः प्रभवति खलु न जडः कदाचित्ચૈતન્ય જે છે એનો જ વિજય થાય છે. જડનો વિજય ક્યારેય પણ નથી.

રમણ મહર્ષિને એક ભાવકે પૂછેલું… કે ગુરુદેવ આપ જ્યાં પણ જાવ, ત્યાં ભક્તો આપના ગળામાં ફૂલના હાર પહેરાવે. એ ફૂલના હાર આપને પહેરાવે ત્યારે આપની feelings શું હોય… રમણ મહર્ષિ બહુ જ ઉંચી કક્ષાના સંત છે. એમણે જે જવાબ આપ્યો ને બહુ મજાનો… એમણે કહ્યું કે આપણે રથયાત્રા કાઢીએ, ભગવાનને રથમાં પધરાવીએ… પછી બે બળદ એ રથને જોડાયેલા હોય. એ બળદને લોકો ફૂલના હાર પહેરાવે.. કારણ પ્રભુના રથ સાથે એ જોડાયેલો છે. તમે કોની સાથે જોડાયા છો એનું મહત્વ છે. એ બળદ એમનેમ ત્યાં હોત તો. એનું કોઈ મૂલ્ય નહોતું. આજે રથમાં જોડાયા છો તો એને લોકો ફૂલનો હાર પહેરાવે છે. તમે કોની સાથે જોડાયા છો? બોલો દેવ – ગુરુ સાથે… કોની સાથે… તમે કોની સાથે જોડાયા છો?

શરીર ભલે સંસારમાં હોય, અને conscious mind પણ કદાચ ધંધાની વાતોમાં હોય. પણ unconscious mind અસ્તિત્વનું સ્તર પ્રભુને આપો. શરીર પ્રભુને નથી આપી શકતા. conscious mind પ્રભુને નથી આપી શકતા. Unconscious mind આપી દો. Subconscious mind આપી દો. એ તો પ્રભુને આપી દો.

તો રમણ મહર્ષિ કહે છે કે  એ બળદને ૫ – ૧૦ – ૧૫ ફૂલના હાર પહેરવામાં આવે… તો બળદની feeling શું હોય? વજન વધે. બળદની feeling શું હોય? યોગી પુરુષ માટે બહારની કોઈ ઘટના છે જ નહિ. તમે સન્માન કરો.. તમે એમની પૂજા કરો… એ તમારા તરફ ખુલતી વાત છે. કે એ પૂજા કરીને તમે નિર્મળ બનો. સદ્ગુરુ તરફ આ કોઈ ઘટના ખુલતી નથી. સદ્ગુરુ માત્ર સ્વમાં પ્રતિષ્ઠિત છે. મુનિ બનવું સહેલું છે. મુનિ બની શકાય. પણ સદ્ગુરુ ક્યારે બનાય? આચાર્ય પદ ઉપર આવ્યા પછી પણ સદ્ગુરુ ક્યારે બની શકાય? સદ્ગુરુની વ્યાખ્યા આ છે – જે સ્વમાં જ સંપૂર્ણતયા પ્રતિષ્ઠિત છે એ સદ્ગુરુ છે. એને બહારની દુનિયા જોડે કંઈ લેવા – દેવા નથી. બસ માત્ર સ્વમાં પ્રતિષ્ઠિત. અને એટલો બધો આનંદ. આનંદ તો અંદર જ છે બહાર ક્યાં છે?

રમણ મહર્ષિ તો બહુ મોટા સદ્ગુરુ હતા. બીજી એક વાત કરું આવી… સુરેશ દલાલ આપણી ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ બહુ જ મોટા ગજાના લેખક. એ સુરેશ દલાલને એકવાર જયા મહેતાએ પૂછેલું કે તમે જ્યાં પણ પ્રવચન કરવા માટે જાવ… ત્યાં પ્રશંસકો તમને ઘેરી વળતાં હોય છે. તમારા autograph માટે પડાપડી થતી હોય છે. તો એ વખતે તમારી feeling શું હોય.. સુરેશ દલાલે બહુ સરસ વાત કરી… એમણે કહ્યું કે આપણે નાહવા બેઠેલા હોઈએ… નળમાંથી પાણી વહ્યા કરતું હોય શરીર ઉપર અને આપણે કોઈ બીજા વિચારમાં ખોવાયેલા હોય… આ રોજની પ્રક્રિયા છે કે બાથરૂમમાં જઈએ એટલે પાણી વહ્યા કરે. પણ એની જોડે આપણો સંબંધ, આપણા મનનો સંબંધ રચાતો નથી. એ જ રીતે હું જ્યાં પણ જાઉં ત્યાં આ બધું થતું હોય છે. એટલે આ વરઘોડો રોજનો થઇ ગયો, એટલે હવે એની અસર થતી નથી. અહંકારથી પર બનવું અઘરું છે. બોલો અહંકાર કોના ઉપર આવે છે… હું ઉપર… હું આમ… હું તેમ… મેં આમ કહ્યું ને પેલો impress થયો. પેલો તો થયો કે ન થયો તું impress થયો… તો હવે તમે અહંકાર કરો છો… જે હું ના કારણે એ હું જ ખોટું છે તો… પાયો જ ખોટો છે તો ગણિત કેવું રચાશે…

Computer ને એકમ આપેલો હોય ૨ + ૨ = ૫, = ૪ ને બદલે = ૫. કહે ને પછી બધા જ દાખલા ખોટા આવે કે નહિ? એમ તમારો પાયો ખોટો છે. એટલે બધા દાખલા ખોટા આવે છે. હું આમ ને હું આમ. અનંતા જન્મોથી સંસારમાં આપણે રહ્યા. મોક્ષ મારો અને તમારો ન થયો એની પાછળનું કારણ એક માત્ર અહંકાર છે. સાધનામાર્ગમાં આમ ૩ અહંકાર – રાગ, દ્વેષ, અહંકાર. પણ અહંકાર CENTRE POINT માં છે. હું ને જે ગમે છે ત્યાં રાગ થાય છે. હું ને જે નથી ગમતું ત્યાં દ્વેષ થાય છે. તો આ અહંકારે અનંતા જન્મો નરક અને નિગોદમાં આપણને સફર કરાવી. જે હું આભાસી છે. જે હું રાખમાં ભળી જવાનો છે. તમે બુદ્ધિમાન છો.. તમને ખ્યાલ છે કે આ શરીર એ હું નથી. પણ છતાં અનંત જન્મોથી આ વાત મનમાં જડાઈ ગઈ છે. ‘હું’…  પશુ – પક્ષીમાં અહંકાર રૂપે હું નો બોધ નથી હોતો પણ ભય વિગેરેના સંદર્ભમાં હું નો બોધ હોય છે. કોઈ મને મારી નાંખશે તો… કોઈ આમ આવશે તો… એટલે એને પણ શરીર એટલે હું છે.

એકવાર પ્રબુદ્ધ શ્રોતાઓ મારી સભામાં હતા. મેં એમને પૂછ્યું કે તમને ખ્યાલ છે કે શરીરો બદલાતા રહ્યા છે. ક્યારેક મનુષ્યનું, ક્યારેક પશુનું, ક્યારેક કીડી વગેરેનું રૂપ પણ આપણને મળેલું છે. આટલા રૂપોની બદલાહટ હોવા છતાં આ શરીર પર આટલો બધો અહંકાર કેમ? હું પણાનો ભાવ કેમ? શરીર બદલાતાં જ રહ્યા છે. ત્યાં  પણ ખતમ થવાનું જ છે. એ લોકોને લાગ્યું કે પ્રશ્ન બરોબર છે. પણ જવાબ એમની પાસે નહોતો. એમણે મારી સામે જોયું ત્યારે મેં કહ્યું કે next to soul body છે. આત્મા પછી તરત શરીર છે. આત્મા પકડાતો નથી. એટલે શરીરમાં હું પણાની બુદ્ધિ પકડાઈ ગઈ. એટલે જ આજનું સૂત્ર આવ્યું: અંત: પ્રવેશ કરીને પ્રભુ ધ્યાન કરે છે. से सयं पवेसिया झाइ

અંત: પ્રવેશ. આજ તમે note down કરો. ૨૪ કલાકમાં અંદર તમારા ગુણોમાં, તમારા સ્વરૂપમાં તમારા આનંદમાં, તમારી વિતરાગદશામાં તમે કેટલો સમય હોવ છો. અત્યારે પણ તમે સાંભળી રહ્યા છો. ઉપયોગ તમારો શબ્દોમાં છે. ભલે અત્યારે સાંભળો… ઉપયોગને શબ્દોમાં રાખો. પણ એ પછી તમારે home work જ્યારે કરવું છે.. ત્યારે શબ્દોમાં ઉપયોગ નથી રાખવો. ત્યારે ઉપયોગને ભીતર લઇ જવો છે. સાહેબે કહ્યું હતું કે અમારી પાસે આનંદ જ આનંદ છે તો સાહેબ પાસે જેવો આત્મા છે એવો આત્મા મારી પાસે છે. અને હું પણ આનંદઘન છું. તો મારા આનંદનું પ્રગટીકરણ કેમ નથી થતું? વિચાર કરો.. આનંદ નહિ આવે તો પણ તમે અમને પૂછવા આવશો સાહેબ પા કલાક, અડધો કલાક બેઠો પણ કોઈ આનંદની ધારા પકડાઈ નહિ. શું નડે છે… અવરોધ ક્યાં આવે છે? પૂછ્યું કોઈ વાર.. અમારા બધા student એવા હોય ને કે સાંભળીને પછી આરામથી સૂઈ જાય. બીજે દિવસે ડોલતા ડોલતા પાછા આવે. ૭ એ આવે, ૭.૩૦ એ આવે, ૮ એ આવે…

અંત:પ્રવેશ અને ધ્યાન.

ઉપયોગને અંદર લઇ જવો, મનને અંદર લઇ જવું અઘરું નથી. અઘરું નથી એમ નથી પણ એટલું બધું આનંદદાયક છે કે એકવાર જો તમને trick આવડી ગઈ અને તમે તમારા આનંદનો અનુભવ કરવા માંડ્યા તો તમે રતિ અરતિમાં કેમ જવાના? એ.સી. નહોતું શોધાણું ત્યાં સુધી બરોબર હતું. એ.સી. શોધાઈ ગયું લોકોને ખ્યાલ આવ્યો કે ૫૦ ડીગ્રી ગરમીમાં પણ આપણે ૨૦ ડીગ્રી સેન્ટીમીટરમાં આરામથી સૂઈ જઈએ એમ છીએ. આ ખ્યાલ આવ્યા પછી શક્તિ હોય તો માણસ એ.સી. વસાવી લે. ખ્યાલ આવી ગયો કે એકદમ ઠંડક આ આપે છે, એમ તમને ખ્યાલ આવી જાય કે આનાથી એકદમ આનંદ મળે છે અંદર જવાથી… તો તમે શું કરો? અંદર જતાં રહો.

તો બહુ જ મજાનું સૂત્ર છે. – से सयं पवेसिया झाइ  આ સાધનાના સ્તર પર છે અને એને આપણે ખોલવાનું છે. આવું જ ભક્તિના સ્તર પર એક સૂત્ર અજીતનાથ પ્રભુની સ્તવનામાં મોહનવિજય મહારાજે આપ્યું – “ધ્યાનની તારી રે લાગી નેહશું”  આ બહુ મજાનું ધ્યાન સૂત્ર છે. ધ્યાનમાં જવુ છે. માત્ર ધ્યાનમાં જવું છે એમ નહિ… ધ્યાનના ઊંડાણમાં જવું છે. ધ્યાનની તારીરકાબીનો ‘ર’ છે. લખોટાનો ‘લ’ નહિ. તારી એટલે તન્મયતા. સૂફી ધ્યાન પરંપરામાં તારી, સતોરી, આ બધી ધ્યાનની અવસ્થાઓ છે. તો ‘ધ્યાનની તારી’ એટલે કે ધ્યાનની તન્મયતા. ધ્યાનનું ઊંડાણ… મળે.. શી રીતે મળે? નેહશું. પ્રભુ પ્રત્યેની પ્રીતિથી… “ધ્યાનની તારી રે લાગી નેહશું” માત્ર પ્રભુની પ્રીતિ તમને ધ્યાનનું ઊંડાણ આપી દે. તો ધ્યાનના બે સૂત્રો અપની પાસે આવ્યા. એક સાધનાના સ્તર પર. એક ભક્તિના સ્તર પર. આ બંને સૂત્રોને આપણે આવતી કાલે ખોલીશું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *