Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 58

579 Views 24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુજી જઈ અળગા રહ્યા

જ્યારે ઉપયોગ બહારની દુનિયાથી છૂટો પડી જાય, ત્યારે અંત:પ્રવેશ થઈ શકે. બહારની દુનિયા બિલકુલ નિરર્થક લાગે, ત્યારે સાધક પોતાની અંદરની વૈભવી દુનિયામાં પવેશ કરે છે.

એકાંતમાં જવું છે. એકલવાયાપણું અલગ છે અને એકાંત અલગ છે. એકલવાયાપણું તમને લાગે, ત્યારે તમે પીડિત હોવ છો કે કોઈ મારી સાથે નથી; હું એકલો છું. પણ જ્યારે તમે એકાંતમાં એકલા બેઠા હોવ છો, ત્યારે મજામાં હોવ છો! એકાંત એ જ ભીતર ઉતરવાનું પહેલું ચરણ છે.

અંતઃપ્રવેશ દ્વારા ધ્યાનમાં ઊતરી શકાય. અને બીજું, ધ્યાનની તારી લાગી રે નેહ શું – પ્રભુની ભક્તિ દ્વારા પણ ધ્યાનમાં ઊતરી શકાય. પ્રભુને જોતા આંખમાંથી આંસુ છલકવા તૈયાર થઇ ગયા, પ્રભુ સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો; એનાથી પણ ધ્યાનની ધારામાં તમે જઈ શકશો. ભક્તિ કારણ બને; ધ્યાન કાર્ય બની જાય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૫૮

દેવાધિદેવ પરમતારક મહાવીર પ્રભુની સાડાબાર વર્ષની સાધનાની અંતરંગ કથા.

પ્રભુએ સાડા બાર વર્ષ સુધી લગભગ ધ્યાન કર્યું છે. એ ધ્યાનનું સૂત્ર આપણી સામે છે. “से सयं पवेसिया झाई” અંત:પ્રવેશ અને ધ્યાન. અંત: પ્રવેશ ક્યારે થાય… જ્યારે ઉપયોગ બહારની દુનિયાથી છૂટો પડી જાય ત્યારે. બહારની દુનિયા બિલકુલ નિરર્થક લાગે ત્યારે સાધક પોતાની અંદરની વૈભવી દુનિયામાં પવેશ કરે છે.

એક સૂફી સંત હતા. એકવાર એ પદયાત્રામાં ચાલી રહ્યા છે. કાચો રસ્તો એમના રસ્તામાં આગળ બે જણા બેઠેલા હતા. એ લોકો પણ સંત આવે છે ત્યાંથી જ આવ્યા હતા. થાક ખાવા બેઠેલા, બે માંથી એક જણાએ કહ્યું કે આપણે ચાર ગાઉં ચાલ્યા, બીજાએ કહ્યું ચાર નહિ ત્રણ. પેલો કહે ચારથી ઓછું બિલકુલ નહિ. પેલો કહે ત્રણ ગાઉથી વધારે બિલકુલ નહિ. હવે ત્રણ હોય કે ચાર શું ફરક પડ તો…? પણ ફરક અહંકારનો છે. મારી વાત રહેવી જોઈએ. બેઉ જણાએ સંતને આવતાં જોયા. સંતના ચરણોમાં નમસ્કાર કર્યો. અને પૂછ્યું સાહેબ તમે આવો છો, એ ગામ કેટલા ગાઉ થયું અહીં સુધીમાં..? અમારા બે વચ્ચે ટાઈ પડી છે. એક કહે છે ચાર થી ઓછું જરાય નહિ. બીજો કહે છે ત્રણથી ગાઉ સહેજ પણ વધારે નહિ.

એ વખતે સંતે કહ્યું કે તમારા પ્રશ્નનો ઉત્તર તો પછી આપીશ… પહેલા મારા પ્રશ્નનો ઉત્તર આપો. અને સંતે પૂછ્યું કે એક કુતરું હતું… એને એક સુકું હાડકું દેખાયું. એટલે એણે સૂકાં હાડકાને મોમાં પકડ્યું. ત્યાં બીજું કુતરું આવ્યું… એને પણ આ હાડકાનો ટુકડો જોયો કુતરાના મોઢામાં, એને પણ એ લેવાની ઈચ્છા થઇ. તો એને થયું કે હું ઝુટવી લઉં. એટલે એ કુતરાએ પણ હાડકાને ખેચવાની મહેનત કરી. પેલો પણ કંઈ કમ નહોતો. એણે બરોબર હાડકાને દબાવી રાખ્યું. પેલો ખેંચે પણ એક ઇંચ, એક સેન્ટીમીટર પણ હાડકું ખસે નહિ. સંત પૂછે છે પેલા બેઉને… – કે બે કુતરા સામસામે હાડકાના ટુકડાને ખેંચી રહ્યા છે. એ વખતે હાડકાના ટુકડાની feeling શું હોય? બેઉ જણાએ કહ્યું હાડકાને વળી કઈ feeling હોય…! એ તો નિર્જિવ છે. તો સંતે કહ્યું – દુનિયાની બધી જ બાબતો પ્રત્યે હું પણ નિર્જિવ છું. Totally dead છું. ચાલો હું જાઉં છું.

સંન્યાસી નો આનંદ, એક સંતનો આનંદ શેના ઉપર નિર્ભર છે…. એ બહાર નથી, એના ઉપર નિર્ભર છે. તમે સ્વામી શાતા છે જી પૂછો ખરા… પણ ક્યારેય પૂછ્યું કે સાહેબ તમારા જેવી શાતા મને જોઈએ. કઈ રીતે મળે બતાવો. તમે ત્યાં બેઠેલા છો અને ત્યાં પણ અમારા જેવી શાતા તમને મળી જાય… જોઈએ છે…? જોઈએ છે….? બહારની દુનિયાથી તમે બેખબર બની જાવ. બહારની દુનિયા માટે તમે totally dead થઇ જાવ; શાતા આવી ગઈ.

અંતઃપ્રવેશના મજાના સૂત્રો પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે પરમતારક ઋષભદેવ પ્રભુની સ્તવનામાં આપ્યા. ગુજરાતી ભાષામાં બહુ જ સરળ રીતે સમજાય એ રીતે એમણે અંત:પ્રવેશના સૂત્રો આપ્યા. તમારે જો મજા જોઈતી જ હોય, આનંદ જોઈતો જ હોય, તો તમારે આ ચરણોમાંથી પસાર થવું જ પડશે. બહુ મજાના ચરણો છે ગુજરાતી ભાષામાં “પ્રભુજી જઈ અળગા રહ્યા, તિહાં કણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર, કાગળ પણ પહોંચે નહિ, પહોંચે નહિ હો કોઈ પ્રધાન, જે પહોંચે તે તુમ સમો” આટલા સૂત્રો અંતઃપ્રવેશના છે.

પહેલું સૂત્ર અળગા રહ્યા – એકાંતમાં જવું છે. એકલવાયાપણું એ અલગ છે. અને એકાંત એ અલગ છે. એકલવાયાપણું તમને લાગે ત્યારે તમે પીડિત હોવ છો. કે કોઈ મારી સાથે નથી. હું એકલો છું. પણ જ્યારે તમે એકાંતમાં એકલા બેઠા હોવ છો ત્યારે મજામાં હોવ છો. કારણ; એકાંત એ જ ભીતર ઉતરવાનું પહેલું ચરણ છે.

ઈકહાર્ટ  એક મોટા પ્રોફેસર હતા. પ્રોફેસર પણ હતા અને ધ્યાનનો રસ પણ વધારે હતો. એટલે ક્યારેક ક્યારેક જંગલમાં પહોંચી જતાં ગાડી લઈને એકાદ વૃક્ષની નીચે કલાકો સુધી બેસી રહેતા એકલા… અને ભીતર ભીતર ભીતર ઉતરતા. એકવાર એવું બન્યું, ઈકહાર્ટ  વૃક્ષ નીચે બેઠેલા છે. ત્યાં એના જ ગામનો એક માણસ આવ્યો એણે જોયું  – અરે આ સાહેબ તો અહીં બેઠા છે, એ ગયો ત્યાં, અને વાતો શરૂ કરી. શિષ્ટાચાર એવી એક બલા છે કે તમે એનાથી છૂટી ન શકો. એ વખતે તમે એને કહી ન શકો કે જા તું જતો રહે. અથવા હું ઉભો થઈને ચાલ્યો જઉં. એક કલાક સુધી એ માણસ બેઠો રહ્યો. અને ઉભા થતાં શું બોલ્યો તમે એકલા હતા ને એટલે કંપની આપવા માટે બેઠો હતો.

ઈકહાર્ટ  મનમાં કહ્યું કારણ કે પેલાને કહેવાય એવું હતું નહિ… મનમાં કહ્યું.. કે મારી મારા જાત સાથેની કંપની હતી, એને તે તોડી. કંપની આપી નહિ પણ કંપની તોડી. તમે તમારી સાથે આવી રીતે ક્યારે બેસો છો…? મેં પહેલા પણ કહેલું ૨ – ૩ વાર… There should be the introspection.  આંતરનિરીક્ષણ હોવું જ જોઈએ.

યોગશતક ગ્રંથમાં હરીભદ્રસૂરિ મ.સા એ શ્રાવકની દિનચર્યામાં આ કહ્યું છે. કે શ્રાવક એકલો બેઠો વિચાર કરે “को मम पीडेई” મારી સાધનામાં અવરોધક તત્વ કયું..? રાગ છે…? દ્વેષ છે…? અહંકાર છે…? મારી સાધના ખોળંગાઈ રહી છે તો અવરોધ રૂપ કોણ છે, એવું એ એકલો બેસીને વિચાર કરે.

અંગ્રેજીમાં કહેવત છે; Two is the company and three is crowd. પણ આપણી ભારતીય પરંપરાની વાત આખી અલગ છે. આપણે ત્યાં સૂત્ર એવું છે, one is the company and two is the crowd. Two is the company નહિ one is the company and two is the crowd. તો પહેલું ચરણ આપ્યું એકાંતમાં જાવ. મૌન તમારી પાસે હોય, મોબાઈલ નથી. કોઈને પત્રો લખવાના નથી. કે કોઈના પત્રો તમને મળવાના નથી. કારણ તમે એવી જગ્યાએ ગયા છો, જ્યાં કોઈને કોઈ પત્તો લાગે એમ નથી. કદાચ એવું બને કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ બહારની દુનિયાથી તમને મળવા માટે આવે તો પણ તમારે કહી દેવાનું, હું એને મળી શકીશ નહિ. એ minister હોય તો પણ શું છે… સાધક માટે એનું કોઈ પ્રયોજન નથી.

વાલકેશ્વરમાં અમારું ચોમાસું હતું. હાઇપર ટેન્શન, ડાયાબીટીસ, એ બધાને કારણે ડોકટરે મને morning walk નું કહેલું. હું રોજ સવારે hanging garden તરફ ફરવા માટે જતો. ૨ – ૪ ભક્તો પણ જોડે આવતાં. એક ભક્તે એકવાર કહ્યું કે સાહેબ! મહારાષ્ટ્ર રાજ્યના બધા જ પ્રધાનો આ વાલકેશ્વરની ટેકરી ઉપર છે. મારે બધાની જોડે એકદમ ગાઢ પરિચય છે, તમે કહો એ minister ને તમારા વ્યાખ્યાનમાં લઈને આવું. મેં કહ્યું મારે એક પણ minister ન જોઈએ. એ શ્રાવક તરીકે આવતો હોય, જાજમ ઉપર બેસવા તૈયાર હોય, આવી જાય. અને એ પણ જ્યાં આવ્યો ત્યાં બેસી જાય. પાછળ આવ્યો તો પાછળ બેસી જાય. એના માટે ખુરશીની વ્યવસ્થા કરવી કે એને વિશેષ આસન આપવું… એમાં હું સહમત નથી. મારે એક પણ minister ન જોઈએ. આ શ્રોતાઓ જ પૂરતા છે મારા માટે… જેમના હૃદયમાં શ્રદ્ધા છે, એમની સાથે બોલવામાં પણ મજા આવે. હું તો અશબ્દની દુનિયાનો માણસ છું. પણ શબ્દોમાં ઉતરું છું… પણ તમારા જેવા શ્રદ્ધાવાળા માણસો સામે હોય… ત્યારે શબ્દોને ઉચ્ચારવાની થોડી મજા આવે. તો કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ પણ તમને મળવા માટે આવેલી હોય… ના પાડી દેવાની. માત્ર અપવાદ કેટલો… “જે પહોંચે તે તુમ સમો” કોઈ સાધક ઊંડે ઉતરેલો હોય, અને એને માર્ગદર્શન જોઈતું હોય… તો તમે એની સાથે મળી શકો… એકાંતમાં રહેવાનું… મૌન તો થઇ જ જાય. કોઈ સંપર્ક નહિ. કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવે તો પણ મુલાકાત આપવાની નહિ. માત્ર એક જ વાત સાધક હોય તો તમે એને મળી શકો.

અમેરિકાના Kyoto રાજ્યમાં ક્યુંટોમી નામના ગવર્નર આવ્યા. એ સાધક હતા. સાધનામાં એમને ઊંડો રસ હતો. તો ગવર્નર તરીકે આવ્યા પછી પોતાના અધિકારીઓને પહેલી જ આજ્ઞા એમણે એ આપી કે આપણા રાજ્યની અંદર જેટલા સંતો અને સાધકો હોય એ બધાનું લીસ્ટ મારી સામે મુકો. અધિકારીઓ કામે લાગી ગયા. ૩ – ૪ દિવસમાં લીસ્ટ આવી ગયું. એમાં એમણે એક સંત માટે વાંચ્યું કે એ પહાડની ગુફામાં રહે છે અને કોઈને મળતાં નથી. ગવર્નરને થયું કે મારે સૌથી પહેલાં આમને મળવાની કોશિશ કરવી જોઈએ. નથી મળતાં પણ કોઈ પણ રીતે એ મળે એવું કરવું જોઈએ. ગાડી લઈને પહાડ પર ગયા… રોડ હતો. ગુફાનો દરવાજો બંધ. અંદર સાધક છે, બહાર એક માણસ એને પૂછ્યું કે મારે આ સાધકને મળવું છે… મોટો રહેલો કાફલો હતો જોડે.. ૧૫ – ૨૦.. પેલાને પણ લાગ્યું મોટો માણસ છે કોઈ…. તો એના અધિકારીએ કહ્યું, સાહેબ આ રાજ્યના ગવર્નર છે. અને ગવર્નર સાહેબ આ સાધકને મળવા માટે આવ્યા છે. તમે એક કામ કરો અને એમની સાથે મેળાપ કરાવી આપો. ત્યારે પેલા માણસે કહ્યું – સંત કોઈને મળતાં નથી. પણ સાધક હોય તો મળવામાં એમને વાંધો પણ નથી. વિધિ એક જ છે. કે તમારું નામ વિગેરે લખી તમે સ્લીપ અંદર સરકાવો. સાધક ધ્યાનમાં નહિ હોય, અને તમારી સ્લીપ વાંચશે પછી એમની ઈચ્છા થશે તો દ્વાર ખોલશે. બાકી બીજો કોઈ મળવાનો માર્ગ નથી. તો ગવર્નરે પોતાની visiting card અંદર સર્કાયું. Visiting card માં લખેલું ક્યુંટોમી Kyoto ના ગવર્નર. Visiting card અંદર ગયું. સાધક ધ્યાનમાં નહોતા. સ્લીપ ઉપર ચોકડી મારી અને એમણે card બહાર મુક્યું. એટલે કે સંત એને મળવા માંગતા નથી. તમે ગવર્નર હોય તો તમારા ઘરે. કારણ કે સંતને કંઈ જોઈતું જ નથી ને…

ન કોઈ શાસક પાસેથી અમારે જોઈએ છે, કે ન કોઈ સંપત્તિવાન પાસેથી અમારે જોઈએ છે… શું મજાની પરંપરા પ્રભુએ અમને આપી છે! અમારિ પાસે ખુમારી છે. કશું જ નથી જોઈતું. આ ભગવાનની ચાદર ઉપર રોટલી – દાળ મળે છે. ભગવાનની ચાદર ઉપર ઉપાશ્રયમાં રહેવાનું મળે છે. એથી વધારે આ શરીરને શું જોઈએ..! અને અમારે તો કંઈ જોઈતું જ નથી. કોઈ પણ સાધક, કોઈ પણ સંત એને કોઈ શાસક જોડે પડી નથી. એને કોઈ સંપત્તિવાન સાથે પડી નથી. તમે કદાચ પરિચય કરાવો કે સાહેબ આ અબજોપતિ છે, આમ છે તેમ છે… સારું ધર્મલાભ જાવ… અમારે શું કરવા છે તમારા અબજો રૂપિયા…

એ card પર ચોકડી લગાવી, card બહાર મોકલ્યું. પેલા માણસે કહ્યું સાહેબ! સંત આપને મળવા નથી માંગતા. ના પાડે છે… ચોકડી આવી… એ વખતે ગવર્નરને પોતાની ભૂલ સમજાઈ. એને ખ્યાલ આવ્યો કે પોતાની શું ભૂલ છે… હું Kyoto ના ગવર્નર તરીકે એમને મળવા માંગું છું. તો ગવર્નરને મળવા એ તૈયાર ન જ હોય. એ ઊંડે ઉતરેલા સંત છે. તો એમને વળી ગવર્નર કોણ ને બીજો કોણ. ફરીથી પોતાનું visiting card લીધું… Kyoto ના ગવર્નર છેકી નાંખ્યું. ક્યુંટોમી – એક સાધક. devotee .. card અંદર ગયું. બારણું ખુલી ગયું. સંત ગવર્નર ને મળવા નહોતા માંગતા. પણ કોઈ સાધક હોય તો એ સાધકને મળવામાં કોઈ વાંધો નથી. તો “જ પહોંચે તે તું સમો” સાધક કોને મળશે..? સંત કોને મળશે? સાધનામાં જેને માર્ગદર્શન જોઈએ છે; એને મળશે. ક્યાંય પણ તમારી સાધનામાં અવરોધ આવ્યો હોય, અમારી પાસે આવો; માર્ગદર્શન આપીએ.

પણ મેં પહેલા કહ્યું હતું ને તમે બધા નિરુપદ્રવી શિષ્યો છો… અમારા માટે ઉપદ્રવ ખડો ક્યારે થાય… તમે સાધના કરો, ઘૂંટો, અવરોધ આવે, પૂછવા આવો સાહેબ! આ કેમ આમ થયું…? પણ બધા નિરુપદ્રવી શિષ્યો છે. બરોબર… વાચના સાંભળવાની અને પછી જઈને પાછું એ જ ધારામાં પડી જવાનું.

હું ઘણીવાર કહું છું, સંથારાપોરિસીનું સૂત્ર છે. “એગો હં નત્થિ મેં કોઈ, એગો મેં સાસઓ અપ્પા” આ સૂત્ર શું છે…? runners માટેનુ ૧- ૨ – ૩ છે, મેરેથોન દોડ છે. બધા runners એક લાઈન પર આવી ગયા છે, અને રેફરી જ્યારે ૧ – ૨ – ૩ કહે છે, ત્યાં એકી સાથે બધા દોડવા મંડી પડે છે. પણ આપણી આખી વાત જુદી છે. રેફરી ૧ – ૨ – ૩ કહે એટલે પેલા સંથારમાં જઈને સૂઈ જાય.

તો અંતઃપ્રવેશના આ સૂત્રો છે. ધ્યાનમાં ઉતરવા માટેના બે માર્ગોની વાત આપણે કરતા હતા. એક તો અંતઃપ્રવેશ દ્વારા ધ્યાનમાં ઉતરાય. અને બીજો પ્રભુની ભક્તિ દ્વારા પણ અંદર ધ્યાનમાં ઉતરાય. પ્રીતલડી બંધાણી સ્તવનમાં મોહનવિજય મહારાજે આ વાત લખી – “ધ્યાનની તારી લાગી રે નેહશું”  આટલું જ નાનકડું સૂત્ર ગુજરાતી ભાષામાં “ધ્યાનની તારી લાગી રે નેહશું” પ્રભુ સાથે જોડાણ થઇ ગયું. પ્રભુને જોતા આંખમાંથી આંસુ છલકવા તૈયાર થઇ ગયા. પ્રભુ સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો. તો ધ્યાનની ધારામાં તમે જઈ શકશો. એટલે ત્યાં ભક્તિ એક કારણ બને; ધ્યાન એક કાર્ય બની જાય. ભક્તિ અને કૃપાનું એક સર્કલ છે.

પ્રભુની કૃપા સતત વરસી રહી છે. એવી એક ક્ષણ નથી કે એમની કૃપા ન વરસતી હોય. પણ એ કૃપાને તમે ઝીલો શેમાં? ભક્તિના પાત્રમાં… પ્રભુ પ્રત્યેનો જે ભક્તિભાવ છે, એ પાત્ર બની જાય; અને એમાં તમે પ્રભુની કૃપાને ઝીલો. એ પ્રભુની કૃપા; પ્રભુનું દર્શન તમને કરાવે. અને એટલે જ ઉપાધ્યાય યશોવિજય મહારાજે ‘આનંદ કી ઘડી આઈ’ સ્તવનમાં કહ્યું “કર કે કૃપા પ્રભુ દરિશન દિનો” પ્રભુ તે કૃપા કરી અને મને દર્શન આપ્યું. આ મારી આંખોથી તને જોવો એ શક્ય નથી. એટલે જ પ્રભુ ચક્ખુદયાણં છે. શ્રદ્ધારૂપી આંખને આપનાર પ્રભુ છે.

એક એવો માણસ મંદિરમાં જાય જેને પ્રભુ પ્રત્યે ભાવ જ નથી, તો એ જ પ્રભુને જોઇને એને કંઈ મળશે નહિ. પણ જ્યાં તમારી પાસે ભીનાશ આવી ગઈ; તમે એ કૃપાને ઝીલવા માંડો છો.

આચાર્ય રત્નસુંદરસૂરિજીએ કલાપૂર્ણસૂરિ દાદાને પૂછેલું કે દાદા તમે પ્રભુની કૃપાની વાત રોજ કર્યા કરો છો. દાદા કહેતાં, આ હું નથી બોલતો પ્રભુ બોલે છે. તો રત્નસુંદરસૂરીજીએ પૂછ્યું કે દાદા! તમે પ્રભુની કૃપાની વાત કરો છો પણ એનો અનુભવ મારી પાસે નથી. તો શી રીતે અનુભવ થાય.. મેં તો અનુભવ કર્યો નથી… મારે કરવો છે. એ વખતે કલાપૂર્ણસૂરિ દાદાએ એમને પૂછ્યું કે તમારી દીક્ષા શી રીતે થઇ..? તો કહે કે હું શિબિરમાં ગયેલો, ગુરુદેવ ભુવનભાનુસૂરિ મ.સા. ની નજર મારા ઉપર પડી. મને ખેંચ્યો એમણે અને હું અહીં આવી ગયો. ગુરુ ખેંચે…. ખેંચવા પણ તૈયાર.. હું ઘણીવાર કહું છું કે ૧૧ વર્ષની વયે હું બિલકુલ નાસમજ હતો. વૈરાગ્ય એટલે શું મને ખબર નહોતી. એક પરંપરા હતી કે દીક્ષા બહુ સારી કહેવાય. પણ એ પરંપરાને કારણે ગુરુદેવ પાસે જવાનું થયું. ગુરુદેવે ખેંચી લીધો અને હું આવી ગયો. અને મેં દીક્ષા લીધી એમ નહિ. ગુરુદેવે મને દીક્ષા આપી.

તો રત્નસુંદરસૂરિજીએ કહ્યું કે ગુરુદેવ ભુવનભાનુસૂરિ મ.સા. ની નજર મારા ઉપર પડી, એમને ખેંચ્યો; હું આવી ગયો. દાદાએ આગળ પૂછ્યું… કે એ શિબિરમાં કેટલા યુવાનો હતા.. કહે કે ૨૦૦ – ૨૫૦… પછી દાદાએ પૂછ્યું એ ૨૫૦ યુવાનોમાંથી તમારા ગુરુની નજર તમારા ઉપર જ પડી એ શું હતું…? કેમ બીજા ઉપર ન પડી…! તમારા ઉપર પડી… આ તમારા ઉપર ઉતરેલી પ્રભુની કૃપા. કે સદ્ગુરુની નજર તમારા ઉપર જ પડી. આ પ્રભુની કૃપાનો ખ્યાલ આવે છે…. એ પ્રભુની કૃપા ન હોત તો અહીંયા આવવું અશક્ય હતું. પણ જે પ્રભુની કૃપાએ આપણને અહીંયા લાવ્યા તમે પણ શ્રાવકત્વની ભૂમિકા ઉપર આવ્યા, એ પ્રભુના ઋણમાંથી મુક્ત કઈ રીતે થવું? મુક્ત થવાનો ઉપાય એક જ છે; આજ્ઞા પાલન.

તો કૃપા અને ભક્તિનું એક વર્તુળ છે. પ્રભુની કૃપાને, પ્રભુના અનરાધાર પ્રેમને તમે ભક્તિના પત્રમાં ઝીલી શકો. તો ભક્તિ તમારી પાસે આવી. કૃપા ઝીલાઈ ગઈ. એ કૃપાને કારણે પ્રભુનું દર્શન થયું. અત્યાર સુધી તમે આંગીનું દર્શન કરતાં હતા. ભગવાનની મૂર્તિમાં જે સંગે મરમર વપરાયો છે, એનું દર્શન કરતા હતા. શ્યામ ભગવાન છે, બહુ સરસ લાગે છે. મૂર્તિનું દર્શન કર્યું, આંગીનું દર્શન કર્યું, પ્રભુનું દર્શન ક્યાં કર્યું છે…! પ્રભુનું દર્શન ત્યારે જ થાય જયારે પ્રભુની કૃપા આપણા ઉપર ઉતરે… ઉતરે તો છે જ પણ એ ઝીલાય. એટલે સૌથી પહેલો પ્રયત્ન પ્રભુની કૃપાને ઝીલવા માટેનો કરવાનો છે. એકવાર એ ઝીલાઈ ગઈ પછી એ ઝરણું આગળ ને આગળ ચાલતું જ હશે. અને આપણો માર્ગ એ સપષ્ટ થતો જશે. તો હવે પ્રભુનું દર્શન. કેવી રીતે દર્શન કર્યું બોલો… મુનિસુવ્રત દાદાનું દર્શન કેવી રીતે કર્યુ…? નીચે આદેશ્વર દાદા છે, એમનું દર્શન કેવી રીતે કર્યું છે…? પ્રભુના ચહેરા ઉપર, પ્રભુના મુખ ઉપર જે પ્રશમ રસ રેલાઈ રહ્યો છે એનું દર્શન થયું….?

ભક્તામરમાં માનતુંગસૂરિ મહારાજે કહ્યું ‘યૈ: શાન્તરાગ રૂચિભિ: પરમાણુભીસ્તવં’ પ્રભુ શાન્તરાગના જે પરમાણુઓથી આ તમારું સ્વરૂપ બન્યું છે. મન લાગે છે કે દુનિયામાં શાંતરસના પરમાણુઓ આટલા જ હશે. કારણ તમારા રૂપ જેવું પ્રશાંત રૂપ દુનિયામાં કોઈનું નથી. આ રીતે પ્રભુનું રૂપ જોવાયું છે? એક પ્રશમ રસનું ઝરણું પ્રભુના દેહમાંથી નીચે ઝરે છે. પ્રભાસન ઉપરથી નીચે પડે. ગભારામાં આવે અને તમે ત્યાં કને મસ્તકને અડાડો… ભૂમિ ઉપર.. તો એ પ્રશમરસનો અનુભવ તમને થાય.

દર્શન, સ્પર્શન અને અનુભવન પહેલા દર્શન, પછી સ્પર્શ થાય, અને એ સ્પર્શ પછી પ્રશમરસની અનુભૂતિ કરાવે. અનુભૂતિ કઈ રીતે થાય… દર્શન અને સ્પર્શને શું કર્યું; એ પ્રશમરસ તમને બહુ જ ગમે એવો થયો. એક પ્રશમરસનો દર્શન થયું. એનો સ્પર્શ થયો… તમને લાગ્યું કે આ કંઈ અદ્વિતીય ઘટના છે. પણ એક ક્ષણ માટે, એક સેકંડ માટે.. આ પ્રશમરસનો સ્પર્શ થયો. સતત મારી ભીતર મારે પ્રશમરસનો સ્પર્શ જોઈએ. એના માટે અનુભૂતિના ચરણે જવું પડે. તમારી ભીતર પ્રશમરસ અત્યારે છે જ. છે જ. ખ્યાલ નથી ને …? તમારી ભીતર પ્રશમરસ છે જ… માત્ર એનો અનુભવ તમે કરી શક્યા નહિ.

અનુભવ શી રીતે થાય..? મને લાગે છે કે તમને ઈચ્છા તો થઇ જ ગઈ છે. કરેમિ ભંતે સામાયિઅં બોલો ત્યારે શું થાય… પ્રશમ રસનો અનુભવ મારે કરવો છે. હું પ્રશમ રસના અનુભવમાં છું.

ક્યાં અનુભવ છે? પ્રશમરસનો અનુભવ હોય તો એક ક્ષણ માટે તમે વિભાવોમાં જઈ શકો નહિ. વિભાવ અને સ્વભાવ આમને સામને છે. તમે સ્વભાવદશામાં હોવ ત્યારે વિભાવમાં ન જઈ શકો. વિભાવોમાં હોવ રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષ્યામાં ત્યારે તમે સ્વભાવમાં ન જઈ શકો. સમભાવ એ સ્વભાવદશા છે. તો એ સ્વભાવદશાની અનુભૂતિ થાય અને વિભાવો બધા જ બાજુમાં હટી જાય. જ્યાં સુધી પ્રશમરસની અનુભૂતિ હોય, ત્યાં સુધી ન રાગનો અનુભવ થાય, ન દ્વેષનો, ન અહંકારનો, ન ઈર્ષ્યાનો… એક સાધક પણ તમારી જ દુનિયામાં છે. તમે કહો છો, સાહેબ! નિમિત્તો મળે છે માટે ગુસ્સો આવે છે. આમેય છે ને આપણી દુનિયામાં આપણે શું કરીએ… દોષનો ટોપલો બીજા ઉપર જ ઢોળીએ ને … કે એ પણ નિમિત્ત ઉપર… સાહેબ શું કરું… નિમિત્ત જ એવું હતું ને… પણ જો તમને સમજાય જાય કે મારું કર્મ જ નિમિત્ત હતું. મેં જે action કરેલું; એનું reaction આવ્યું છે. બીજો કોઈ આમાં છે જ નહિ નિમિત્ત રૂપે… તો તમારો પ્રશમરસ સતત ચાલે. કોઈ નિમિત્તની અસર તમને ન થય.

પાંચ વર્ષનો બાબો હોય, એકલો ચાલતો હોય… ધૂળિયો રસ્તો છે થોડો.. પડી ગયો… સહેજ ઢીંચણ છોલાનું પણ ખરું… ઉભો થાય. આમ જુએ; કોઈ છે તો નહિ ને …. કોઈ છે નહિ… આમ ખખેરીને હાલતો થઇ જાય. કેમ? વાગ્યું છે, પણ કોના ઉપર દોષનો ટોપલો ઢોળું… ધરતીએ મને પાડ્યો છે, એવું તો કહેવાય નહિ. પોતે જ પડી ગયેલ છે. એમ તમને જો લાગે કોઈ નિમિત્ત નથી તો શું થાય… તમારો પ્રશમરસ જે છે, એ અખંડ ચાલે. કર્મ ફિલોસોફી તમારા ખ્યાલમાં છે. ઘણા બધા મહાત્માઓએ આ સભાની અંદર કર્મ ફોલોસોફીની વાત કરી. તમે એને સાંભળ્યું પણ છે અને અમારા મહાત્મા તો છ કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, બધું ભણી લીધું. કોકે કંઈક કહ્યું, એટલે મને આને કહ્યું. Totally fail.. એકેય માર્ક ન મળે. કમસેકમ ૩૫% હોય તો ય વાંધો ન આવે. પાસ થઇ જવાય. Totally fail.. તારા કર્મે આ કર્યું કે પેલાએ કર્યું? એટલે તમે એકદમ નિર્દોષ માણસો. Innocent. એટલે તમે તો દોષ કંઈ કરો જ નહિ. ગુનો કરો જ નહિ. એટલે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવાનો. નિમિત્તો ઉપર…

તો એ પ્રશમરસનું ઝરણું તમારી ભીતર સતત ચાલુ છે. અનુભવ કરો. ધ્યાન એટલે અનુભવ. ધ્યાનનો બીજો કોઈ અર્થ નથી. તમે તમારો અનુભવ કરો; એનું નામ ધ્યાન. તો “ધ્યાનની તારી લાગી રે નેહશું” પરમાત્મા પ્રત્યેની ભક્તિ આવી ગઈ; કૃપાનું અવતરણ થયું. કૃપા ઝીલાઈ ગઈ. પ્રભુનું સમ્યગ્દર્શન થયું. પ્રભુનો પ્રશમરસ જોયો. ગમ્યો. અને અનુભવાયો. કોઈ પણ વસ્તુ જોવો, અને તમે એને મેળવો, એની વચ્ચે ગમવાનું ચરણ આવે. જુઓ, ગમી ગયું. તમે શ્રીમંત છો, લઇ લો.. તો જોયું, ગમ્યું નહિ, તો લો નહિ. તો પ્રશમરસ પ્રભુનનો જોયો, ગમ્યો; અને મળી ગયો. બોલો મહાત્માઓ પાસે કેટલી વાર ગયા છો… જ્ઞાની આચાર્ય ભગવંતો, પરમસાધકો એમના ચહેરા ઉપર માત્ર આનંદ હોય. એ આનંદને તમે જોયો છો? ત્યારે કહ્યું કે સાહેબ આ આનંદ ક્યાંથી આવ્યો. અમને આપી દો.

તો બે સૂત્રો આપણે જોયા “से सयं पवेसिया झाई” અને “ધ્યાનની તારી રે લાગી નેહશું” કોઈ પણ રીતે અંત: પ્રવેશ દ્વારા પણ અનુભૂતિની દુનિયામાં જવાશે- ધ્યાનની દુનિયામાં, અને પ્રભુની ભક્તિથી પણ ધ્યાનની દુનિયામાં જવાશે. એ રીતે જઈ જીવનને સાર્થક બનાવીએ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *