વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : મનનું પ્રતિલેખન
સાધક વારંવાર મનનું પ્રતિલેખન કરે છે. જ્યારે જ્યારે ઘટના ઘટે, એ પછી મનને જોઈ લેવું કે મનમાં ક્યાંય આ ઘટનાને કારણે રાગ–દ્વેષ, અહંકારની ધૂળ તો નથી જામી ને… જામી હોય, તો ખંખેરી નાંખો. સતત આ રીતનું મનનું નિરીક્ષણ તમને પરભાવથી દૂર રાખે; સ્વની દુનિયામાં લઇ જાય.
એમ કરતાં કરતાં તમે આગળ વધો ત્યારે એવી ક્ષણો મળે કે જ્યાં ઘટના ઘટતી હોય, પણ તમે તમારામાં હોવ. ઘટના ઘટનાનું કામ કરે; તમે તમારું કામ કરો. ઘટનાનું કામ ઘટિત થવાનું છે; તમારું કામ એને જોવાનું છે.
મનના પ્રતિલેખનથી તમે ચોખ્ખા થઇ જાવ. તમારું હૃદય, તમારું મન, તમારું ચિત્ત નિર્મળ બની જાય. અને નિર્મળ હૃદય – એ જ પ્રભુની સાધના. જે ક્ષણે તમારું હૃદય બિલકુલ નિર્મળ થયું, પ્રભુ તમારા હૃદયમાં અવતરિત થઈ જશે!
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૨
દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાની અંતરંગ કથા.
મજાનું સૂત્ર આપણી સામે છે – एयाइं से उरालाइं, गच्छ णायपुत्त असरणाए
પ્રભુ એક પણ ઘટનામાં નથી; સ્વમાં છે.
એકવાર સ્વનો આનંદ અલપ – ઝલપ પણ મળી જાય ને તો પરની દુનિયા છૂટી જાય. અમારા માટે પ્રભુએ એક મજાની સાધના આપી. આચારાંગ સૂત્રમાં જ पडिलेहाए णावकखंती, एस अणगारे त्ति पवुच्चइ । સમવસરણમાં પ્રભુ બિરાજમાન હોય, કોઈ ભાવુક પ્રભુને પ્રશ્ન કરે કે – પ્રભુ! તમારો શ્રમણ કેવો હોય? અમારા માટે આ સૂત્ર બહુ જ મહત્વનું છે. મારા પ્રભુએ કહ્યું કે હું કેવો હોઉં… આપણા પ્રભુએ કહ્યું કે આપણે કેવા હોવા જોઈએ – एस अणगारे त्ति पवुच्चइ એને હું મારો અણગાર કહું છું, કોને… पडिलेहाए णावकखंती – પ્રભુ કહે છે કે મારો મુનિ, મારી સાધ્વી વસ્ત્રોનું પ્રતિલેખન તો બે સમય કરે જ છે. મનનું પ્રતિલેખન પણ વારંવાર કરે છે. એ મનનું પ્રતિલેખન થાય; રાગ – દ્વેષની, અહંકારની ધૂળ નીચે ખરી જાય. અને એ ધૂળ, એ રાગ – દ્વેષ અને અહંકાર જેને ન ગમે; એ મારો અણગાર. કચરાને કચરા તરીકે સ્વીકારવો અઘરું છે. બહારનો કચરો, કચરો લાગે છે. પણ અંદરનો કચરો તમારો છે ને… છે કોનો? તમારો. એ તમારું બધું સારું હોય બરોબર ને… કચરો પણ મારો છે ને કહે છે…
એક રાજસ્થાની શેઠ યાત્રાએ ગયેલા. રસ્તામાં ખિસ્સું કપાઈ ગયેલું. બધા જ પૈસા પાકીટમાં હતા. પાકીટ ગયું. હવે શું કરવું…. યાત્રા અધૂરી છે ઘરે જવાના ય પૈસા નથી. એ શહેરમાં આવેલી એક શ્રોફની પેઢી પર એ ગયો. પહેલાના જમાનામાં હુંડીઓ ચાલતી. તો આ રાજસ્થાની શેઠ એ શ્રોફના ત્યાં ગયો. અને એણે કહ્યું કે દસ હજાર રૂપિયા જોઈએ. હું ઘરે જઈ તમને મોકલી આપીશ વ્યાજ સાથે… પેલો શ્રોફ હજારો માણસોને જોઈ – જોઇને face reading નો master બની ગયેલો. ચહેરા પરથી એને ખ્યાલ આવી ગયો કે સજ્જન માણસ છે. પણ એને પૂછ્યું કે તમે શેના ઉપર દસ હજાર રૂપિયા લેવા માંગો છો… એ શેઠ એક પણ દાગીનો પહેરતા નહિ… કરોડોપતિ હોવા છતાં. એક પણ દાગીનો નથી. બીજું કશું જ નથી જે આપી શકાય. ત્યાં પેલા શ્રોફે કહ્યું, તમારી મૂંછનો એક વાળ મને આપો. પેલાએ એક વાળ આપ્યો. શ્રોફ પરીક્ષા કરે છે. એ કહે છે આ વાળ થોડો વાંકો છે, જરા બીજો વાળ આપો ને… અને પેલો રાજસ્થાની શેઠ ગરજ્યો… વાંકો હૈ પણ માંકો હૈ કે નહિ… વાંકો ભલે રહ્યો વાળ પણ કોનો છે, મારો છે. એમ કચરો પણ મારો છે.
તો પ્રભુ કહે છે કે મારો મુનિ, મારી સાધ્વી મનનું પ્રતિલેખન વારંવાર કરે છે, વસ્ત્રોનું પ્રતિલેખન ૨ વાર… મનનું પ્રતિલેખન વારંવાર. જ્યારે જ્યારે ઘટના ઘટે, એ ઘટના ઘટિત થયા પછી મુનિ પોતાના મનને બરોબર ખંખેરી લે, જોઈ લે કે આ ઘટનાની સહેજ પણ અસર રાગાત્મક, દ્વેષાત્મક, કે અહંકારાત્મક ભીતર પડી તો નથી ને… સતત આ રીતનું મનનું નિરીક્ષણ; અમને પરભાવથી દૂર બનાવે. સ્વની દુનિયામાં લઇ જાય. બોલો… આ તો સહેલું કામ ખરું કે નહિ… આમાં કંઈ અઘરું છે…! મનને જોઈ લેવું. મનમાં ક્યાંય આ ઘટનાને કારણે રાગ – દ્વેષ અહંકારની ધૂળ જામી તો નથી ને… જામી હોય તો ખંખેરી નાંખો. વાત પુરી થઇ ગઈ. મન નિર્મળ થઇ ગયું.
એક ઝેન કથા આવે છે. ઝેન પંથ બૌદ્ધ પંથમાંથી જ નીકળેલો છે. ધ્યાનનું પાલી ભાષામાં રૂપ થાય ઝાણ અને ઝાણનું થયું – ઝેન. તો એક ઝેન ગુરુ શિષ્યને બોલાવે છે. શિષ્ય ગુરુના ચરણોમાં ઉપસ્થિત થાય છે, વંદન કરે છે. સમર્પણની આપણી પરંપરા છે. એ સમર્પણને કારણે શું – શું મળે એની ઘણી વાતો કરી છે. આજે એક નવી વાત કરું…
સદ્ગુરુ પ્રત્યેનું સમર્પણ, સદ્ગુરુનું પૂરેપૂરું જ્ઞાન શિષ્યને આપી દે. શિષ્ય કશું જ ભણેલો નથી. સદ્ગુરુ પ્રત્યે સમર્પિત છે તો સદ્ગુરુનું જે પણ જ્ઞાન છે, એ શિષ્યને મળી જાય.
એક ડોક્ટર m.b.b.s થાય. પછી m.d. કે m.s થાય. અને એ પછી પોતાના દર્દના વિષયનો વિશેષજ્ઞ સ્પેશીયાલીસ્ટ બને. કેટલા વર્ષોનો અભ્યાસ. એ પછી એને હજારો દર્દીઓને જોયેલા હોય, એટલે અભ્યાસ + અનુભવ. તમે એ ડોક્ટરની પાસે જાવ… એ ૫ મિનિટમાં તમને કહી દેશે કે આ દર્દ છે; આ એની દવા છે. ૨૦ વર્ષ સુધી અભ્યાસ અને અનુભવ કરીને એણે જે જ્ઞાન મેળવ્યું છે, એ પાંચ મિનિટમાં તમને આપી દે. તમે સદ્ગુરુને સમર્પિત થયા, તો એક પણ શાસ્ત્ર તમે વાંચેલું નથી. એ સમર્પણથી જ તમે આગળ પહોંચી જાવ. તો શિષ્ય સમર્પિત હતો….
મારા જીવનની વાત કરું; તો બાળપણથી દાદા ગુરુદેવ ભદ્રસૂરિ મ.સા ની છાયામાં હું રહેલો. આપણા યુગના બહુ જ મોટા ગજાના ભક્તિયોગાચાર્ય અને સાધનાચાર્ય સાહેબજી હતા. મેં ભગવદ્ ગીતા પણ નહિ વાંચેલી એ વખતે. મેં અધ્યાત્મસાર પણ નહિ વાંચેલો. પણ માત્ર સાહેબના ઉપનિષદથી મને સાક્ષીભાવ અને સમર્પણની મજાની સાધના મળી. એકલો સાક્ષીભાવ કોરો પડી જાય છે. ઘણીવાર મેં જોયું છે; માત્ર સાક્ષીભાવની ધારામાં અમુક લોકો જતાં હોય છે. પણ સમર્પણ નથી એટલે એ સાક્ષીભાવ કોરો થઇ જાય છે. અને પાછળના બારણેથી અહંકાર એમાં ઘુસી જાય છે કે હું સાક્ષીભાવની ટોચ ઉપર પહોંચી ગયો. અલ્યા આ અહંકાર તો સાબૂત છે તારી પાસે… સાક્ષીભાવ ક્યાં આવ્યો…?! એકલુ સમર્પણ હોય, સાક્ષીભાવ વગરનું; તો પણ એટલું બધું કાર્યકર એ ન નીવડે. કારણ સમર્પણનું નથી; કારણ આપણું છે. આપણે જેને સમર્પણ સમજતા હોઈએ… એ સમર્પણ હોય જ નહિ. એ સદ્ગુરુનું સમર્પણ ન હોય, આપણી જાતનું સમર્પણ હોય. સદ્ગુરુ સારા લાગે ક્યારે…? તમારા હું ને પંપાળે ત્યારે… તો આ સમર્પણ કોનું થયું…? સદ્ગુરુ પ્રત્યેનું કે તમારા હું પ્રત્યેનું…? અગણિત જન્મોમાં આ ભૂલ થઇ છે. માની લીધું કે સમર્પણ મારી પાસે છે. ક્યાં છે સમર્પણ…? સમર્પણમાં એક પણ ઈચ્છા ન હોય. તમે totally choiceless હોવ. કોઈ વિચાર નથી. કોઈ ઈચ્છા નથી. બુદ્ધિ બાજુમાં ખરી પડેલી છે. એટલે અગણિત જન્મોની સફર મારે અને તમારે કરવી પડી એનું કારણ એ હતું કે જેને સમર્પણ માનેલું એ સમર્પણ નહોતું. પણ આ જન્મમાં શું છે….
જેને આપણે સમર્પણ માનીએ છીએ એ સમર્પણ છે…? સદ્ગુરુ પ્રત્યે સમર્પણ છે કે તમારી ઈચ્છાઓ પ્રત્યે સમર્પણ છે…? સમર્પણ ક્યાં છે? ગુરુ તમારા હું ને થાબડે તો તમે ખુશ. ગુરુ સહેજ લાલ આંખ કરીને કંઈ કહે તમે નાખુશ. તો આ સમર્પણ કોનું હતું….? જાત પ્રત્યેનું હતું… એટલે આવું નામક સમર્પણ અનંતા જન્મોમાં રહ્યું. પણ એ સમર્પણ જ નહોતું તો એનાથી શું થાય!
તો સમર્પણમાં સાક્ષીભાવ ભળવો જોઈએ. જેમ – જેમ સાક્ષીભાવ વધે તેમ – તેમ નિર્લેપ દશા વધે. તમારો અહંકાર ખરવા માંડે. અને એમ કરતાં કરતાં તમે હોવ જ નહિ… અને માત્ર ગુરુ હોય, ત્યારે સમર્પણ. અમારી તો એ કોશિશ છે; તમને કેન્દ્રમાંથી કાઢવા. લાકડી લઈને જ બેઠા છીએ. પણ તમે બધા હોશિયાર છો. અમે તમારા અહંકારને આમ બાજુમાં ખસેડીએ, દાદર ઉતરતા પહેલા તો અહંકાર પાછો આવી જાય. લાગ આવે તો અહીંયા એ આવી જાય. સાચું હું પકડાયું નથી. એટલે ખોટા હું ને હું માની લીધું.
આનંદઘન આત્મા, આનંદઘન ચૈતન્ય એ સાચું હું છે. પહેલા શરીર અને મન પર હું નું લેબલ લગાડી દીધું. અને પછી સમર્પણ એને કર્યું. આ જે રાખમાં ભળી જવાનું છે; એના પ્રત્યે સમર્પણ તમે કરો… થોડી તો બુદ્ધિ હોય ને…! કોઈ કહે કે આ ભીંત છે ને માથું ફોડ… તમે ફોડો…. ભગવાન હોય તો ઝુકીએ આપણે… ભીંતની સામે ઝૂક… ઝૂકો…? કોની સામે ઝૂકવાનું… સમર્પણ કોના તરફ કર્યું…?! જે નશ્વર છે… જે ખતમ થવાનું છે એના પ્રત્યે…! આવતી ક્ષણે પણ જે ન હોઈ શકે… એના પ્રત્યેનું સમર્પણ!
યાદ રાખો. સાક્ષીભાવ વિનાનું સમર્પણ તમને સાધનામાં એક ડગલું પણ આગળ નહિ પહોંચાડે… કદાચ તમને પાછળ લઇ જશે. પાછળ લઇ જઈ શકે. કારણ, સદ્ગુરુની આશાતના તમે કરી બેસો. તમારા હું ને ગુરુએ ખોતર્યું. તમે નારાજ થયા. તમારા મનમાં ગુરુ પ્રત્યે પણ કદાચ એવો વિચાર આવી ગયો તો તમે કેટલા પાછળ જતા રહ્યા. “આયઓ ગુરુબહુમાણો” સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન. સદ્ગુરુ પ્રત્યેનું સમર્પણ; એ મોક્ષ. અને સદ્ગુરુની આશાતના; એ દીર્ઘ સંસાર.
તો સમર્પણ અને સાક્ષીભાવનું એક મજાનું composition દાદા ગુરુદેવના ઉપનિષદમાં મને મળી ગયું. એક પણ ગ્રંથ મારે ભણવો નથી પડેલો. ત્યારે ખાલી વ્યાકરણ ભણતો, મેઘદૂત ને એવું વાંચતો, એક પણ સાધના ગ્રંથ મારી પાસે નહોતો. અને સાધનાની ટોચ પર ગુરુદેવ મને લઇ ગયા. અમારું commitment… અમારું commitment તમને સાધનાના શિખર ઉપર લઇ જાય. Condition માત્ર એ જ છે; તમારું સમર્પણ સાચું હોવું જોઈએ. પછી તમારે કેન્દ્રમાં રહેવું હશે, તો ગુરુ પરિઘમાં જ રહેવાના છે. હું ને અનુકૂળ એ ગુરુનું વચન બરોબર. હું ને પ્રતિકૂળ એ ગુરુનું વચન બરોબર નહિ.
ગણિતનો નિયમ છે; પરિઘ અને કેન્દ્ર. તો કેન્દ્ર જે છે; એને જ પરીઘે અનુસરવું પડે. કેન્દ્રમાં સદ્ગુરુ હોય, તમે પરિઘમાં હોવ તો તમે સદ્ગુરુને અનુસરશો. પણ કેન્દ્રમાં તમારો હું હશે તો… એટલે અમારી ઈચ્છા એક જ છે; તમારા જીવનના, હૃદયના, અસ્તિત્વના કેન્દ્રમાંથી તમને ઉખાડીને ફેંકી દેવા. અમારું પહેલું કામ માત્ર એક છે, Are you ready? હું આપવા તૈયાર છો? સાહેબ બીજું બધું આપી દઉં પણ હું તો ન આપું.
તો સદ્ગુરુ પ્રત્યેનું સમર્પણ, સદ્ગુરુનું બધું જ જ્ઞાન આપણને આપી દે. મને માત્ર ઉપનિષદથી ગુરુદેવે સાક્ષીભાવ અને સમર્પણનું composition આપી દીધું. પેલો શિષ્ય ગુરુ પાસે આવ્યો. વંદન કર્યું. હાથ જોડીને ઉભો રહ્યો. એ વખતે ગુરુએ આજ્ઞા આપી. કે તારે આ બાજુ એક ગામમાં એક પ્રસંગ છે ત્યાં જવાનું છે. શિષ્યને કંઈ વિચારવાનું નથી. શિષ્યને ખરેખર મજા. તમને લોકોને સજા કેમ છે… વિચારો કરવા પડે છે; શું કરશું શું નહિ… આમ થયું ને આમ થયું. શિષ્યને – શિષ્યાને એક પણ વિચાર નથી. આવતી ક્ષણ માટે એ non – committed છે. જે ગુરુદેવ કહેશે એ કરવાનું છે. તો શિષ્ય હાથ જોડીને ઉભો રહ્યો, ગુરુએ કહ્યું તારે ત્યાં જવાનું છે. ગુરુની આજ્ઞા; તહત્તિ.
પછી હાથ જોડીન્ર ઉભો રહ્યો. કે ગુરુદેવ બીજી કોઈ વાત કરવાના હોય તો… ત્યારે ગુરુદેવે કહ્યું – કે તું અહીંથી જઈશ, ત્રીજા દિવસે સાંજના સમયે railway track પર બાજુમાં તારે ચાલવાનું હશે, અને railway station ની બાજુમાં એક ધર્મશાળા છે, ત્યાં તારે રાતવાસો કરવાનો… ધર્મશાળાનો મુનીમ સંતો માટે બહુ જ ભક્તિવાળો છે. તને રૂમ આપી દેશે. પણ એ મુનીમના ક્રિયા કલાપને તું બરોબર ધ્યાનથી જોજે. પછી ગુરુએ કહ્યું જા. એ શિષ્ય તૈયાર થયો, નીકળી પણ પડ્યો. ગુરુદેવે બે આજ્ઞા આપી છે. પેલા ગામ જવાનું અને વચ્ચે પેલા railway station ના મુનીમને ધ્યાનથી જોવાનો…
અમે લોકો કેટલી આજ્ઞા આપીએ બોલો… એક પ્રવચનમાં કેટલી વાતો આવે…? કરવાની વાત બાજુએ રહી. યાદ પણ ન રહે. એટલે જ હું તત્વજ્ઞાનને વાતોમાં વીંટાળીને આપું છું. મારે તત્વજ્ઞાન જ આપવું છે. પણ એક વાર્તામાં વીંટાળીને આપું વાર્તા યાદ રહે અને તત્વજ્ઞાન યાદ આવી જાય. પણ એવું નહિ કરતાં કે વાર્તા – વાર્તા યાદ રાખીને તત્વજ્ઞાનને ભુલી જાવ….
એક દીકરાને તાવ આવેલો… મમ્મી એને ડોક્ટર પાસે લઇ ગઈ. ડોકટરે દવા આપી. કે આ દવા સવાર, બપોર સાંજ લેવાની. ૧૦ વાગી ગયેલા. દીકરાને સ્કુલે જવાનું હતું. તાવ હતો પણ સામાન્ય હતો. પણ દીકરો અડિયલ હતો. ટીકડી – બીકડી ખાય નહિ. માં એ શું કર્યું, એના ટીફીનની અંદર મમરા મુક્યા. તાવમાં મમરા ખવાય. પેંડો ખવાય નહિ, ભારે પડે. પણ ટીકડી આપવી છે. અને આમ ટીકડી લે એમ નથી. એટલે પેંડો સહેજ ભાંગી, અંદર ટીકડી નાંખી, પેંડો સરખો કરી નાંખ્યો. એટલે મમરા ને પેંડો ટીફીનમાં મૂકી દીધા. સાંજે દીકરો પાછો આવ્યો. માં એ પૂછ્યું, મમરા ખાધા? તો કહે કે હા, પેંડો ખાધો? તો કહે કે હા.. પણ મમ્મી પેંડો ખાધો, અંદર ઠળીયો હતો; એ ફેકી દીધો. તમે આવું નહિ કરતા.
શિષ્યને બરોબર યાદ છે કે મારે પેલા મુનીમના ક્રિયા કલાપને બરોબર જોવાનો છે. સાંજે ૬.૩૦ – ૭ વાગે એ પહોંચી ગયો. મુનીમે સત્કાર કર્યો આવો પધારો. રૂમ ખોલી આપી… પૂછ્યું આપ દૂધ કે કંઈ લેશો…. તો કહે કે ના મારે કશું જ ખાવાનું નથી. પાણી પણ નહિ… માત્ર રૂમમાં હું સૂઈ જઈશ. હવે આમ તો સાંજે એ જ્યાં પણ જાય, તરત જ પ્રાર્થના શરૂ થઇ જાય. પ્રાર્થનામાં થાક ઉતરી જાય હો… અમે સાંજે વિહાર કરીને ગયા હોઈએ તો પ્રતિક્રમણ કરીએ એટલે થાક ઉતરી જાય. ઉભા ઉભા પ્રતિક્રમણ કરો ને તો થાક ઉતરે, બેઠા – બેઠા કરો તો ન ઉતરે. પણ આજે તો એને નક્કી કર્યું… માત્ર મુનીમને જોવાનો છે; એ શું – શું કરે છે… કારણ સદ્ગુરુની આજ્ઞા છે. મુનીમ પોતાની ગાદી ઉપર બેઠો… ઓરડી એવી હતી કે મુનીમ દેખાય એવી હતી. ૯ વાગે છેલ્લે ટ્રેન આવી. એના મુસાફરો આવ્યા. બધાને રૂમ આપી દીધી. કંઈ જોઈએ છે કે નહિ એ પૂછી લીધું. અને પછી મુનીમે પોતાના માટેની ખીચડી કરેલી હતી, એ ખાઈ લીધી. ખીચડી ખાધી. થાળી સાફ કરી. તપેલું સાફ કર્યું. અને લાકડાના કબાટમાં તપેલું, થાળી, ગ્લાસ બધું મૂકી દીધું. અને પછી એ સૂઈ ગયો. ભિક્ષુ હજી સુતા નથી કે હજુ જોઉં વચ્ચે જાગીને કંઈક સાધના કરતો હોય… પણ મુનીમ પાસે એક પણ સાધના ન દેખાઈ. જોકે એનું કાર્ય એ જ એના માટેની સાધના હતી. એ કાર્યમાં વફાદાર હતો. ધર્મશાળા ના શેઠ ક્યાંય હતા. પણ આ એટલી નિષ્ઠાથી કામ કરતો અને દરેક યાત્રિકને એટલા જ પ્રેમથી એ સત્કારતો. સવારે ૫ વાગે એ મુનીમ જાગી ગયા. ભિક્ષુ તો જાગતા જ હતા. જોયું ૫ વાગે મુનીમ જાગ્યા. દૂધવાળો આવેલો તપેલીમાં દૂધ લેવાનું હતું. તો રાત્રે સાફ કરીને મુકેલી તપેલી એને ફરીથી સાફ કરી પાણીથી અને એમાં દૂધ લીધું. દૂધ ગરમ કર્યું. ભિક્ષુને પૂછ્યું તમે દૂધ લેશો…? તો કહે કે ના, હું તો એક જ ટાઈમ જમું છું. અને ૬ – ૬.૩૦ વાગે ભિક્ષુ ત્યાંથી રવાના થયા. હવે આમાં મુનીમની ક્રિયાઓ જોતા; ભિક્ષુને કોઈ સાધના દેખાઈ નહિ. તમને દેખાણી…? કાર્ય તરફની વફાદારી એ એક સાધના હતી. પણ એ સિવાયની કોઈ સાધના દેખાણી…? ભિક્ષુ પેલા ગામ ગયા. પ્રસંગ પતાવીને ગુરુના ચરણોમાં આવ્યા.. ગુરુના ચરણોમાં ઝુક્યા… કહ્યું સાહેબજી હું ત્યાં જઈને આવ્યો. એ વખતે ગુરુએ ફરી પૂછ્યું – પેલા મુનીમને તે બરોબર જોયો હતો. હાજી… જોયો હતો. એ સૂતો નહિ ત્યાં સુધી મિનિટે મિનિટે હું એને જોતો રહ્યો. અને સવારે ઉઠ્યો એની પહેલા હું ઉઠી ગયેલો. સવારે ૪.૩૦ વાગે હું ઉઠેલો. મારે ૬.૩૦ એ નીકળવાનું હતું. તો સવારે પણ ૨ કલાક એ મુનીમની ચર્યા હું જોતો રહ્યો. તો ગુરુ પૂછે છે તને એમાંથી શું જોવાનું મળ્યું… ત્યારે એ કહે છે કે ગુરુદેવ આપ જ કહી શકો, મને ખ્યાલ નથી આમાં… કેટલું એનું સમર્પણ છે! હવે ગુરુ આવા મુનીમને જોવાનું કહે… ભગવાનને જોવાનું કહે કોઈ… સંતને જોવાનું કહે.. આવા સામાન્ય માણસને જોવાનો મારે! હું ભિક્ષુ છું! સમર્પણ હતું.
ઉપનિષદોમાં લખ્યું છે ગુરુ આપે તે જ્ઞાન, બાકીનું અજ્ઞાન. અમારા ત્યાં એક પરંપરા હોય છે; સાધુઓ જ અરસ – પરસ ભણાવતા હોય છે. પણ કોઈ પણ ગ્રંથ નવો ભણવાનો હોય, તો ભણાવનાર અને ભણનાર બધા ગુરુ પાસે આવે, વંદન કરે, અને અનુજ્ઞા માંગે કે સાહેબજી આ ગ્રંથ વંચાવું, પેલા કહે કે વાંચીએ… પછી હું એનો એક શ્લોક પહેલો વંચાવી દઉં.. આજ્ઞા આપું… વાસક્ષેપ આપું… પછી એ લોકો ભણે. એટલે સદ્ગુરુ આપે તે જ જ્ઞાન. બાકીનું અજ્ઞાન.
એના મનમાં કશું જ થતું નથી કે ગુરુએ મુનીમને જોવાનું કેમ કહ્યું… મુનીમને જોયો પણ બીજું કંઈ મને સમજાયું નહિ. ગુરુદેવ આપ સમજાવો. મનમાં એક પણ વિચાર નથી આવ્યો કે આવા મુનીમ માટે મેં આખી રાતનો ઉજગરો કર્યો. સવારે ચાલેલો, સાંજે ચાલેલો… અને આખી રાતનો ઉજાગરો. આવા સામાન્ય માણસને જોવા માટે કર્યો?! એવો પણ વિચાર આવતો નથી. ગુરુદેવ આપ સમજાવો. ત્યારે ગુરુએ કહ્યું – કે રાત્રે એણે ભોજન લીધું. પછી તપેલું સાફ કર્યું. થાળી સાફ કરી. ગ્લાસ સાફ કર્યો. બધું જ બિલકુલ સાફ કરી લાકડાના કબાટમાં મુક્યું. સવારે એણે સૌથી પહેલું કામ શું કર્યું? દૂધ લેવાનું નહિ કર્યું… તપેલીને પાણીથી ધોવાનું કર્યું… બસ આ જ મારે તને કહેવું હતું. લાકડાનું કબાટ રૂમની અંદર છે. છતાં એમાં રજકણ આવી શકે છે; એટલે તપેલું સીધું જ ઉપાડી અને એણે દૂધ ન લીધું, થોડી પણ રજકણ અંદર આવી ગઈ હોય તો… એટલે એણે પાણીથી સાફ કર્યું અને પછી એને દૂધ લીધું.
તું તારા મનના પાત્રને આ રીતે સાફ કરે છે? ગુરુએ પૂછ્યું? તો અમને પ્રભુએ સાધના આપી. તમારા માટે પણ આ સાધના છે. બહુ જ નાનકડી સાધના. કોઈ પણ ઘટના ઘટે પછી તમારા મનમાં રહેલ રાગ – દ્વેષ અહંકારને ખંખેરી નાંખો. ક્યાંક ગયા, ધૂળવાળી જગ્યા છે, બેસવું જ પડ્યું. બેઠા… ઉભા થઈને પહેલું કામ શું કરો… ધૂળ ખંખેરવાનું. એમ ઘટના પુરી થઇ; તરત જ કામ કરવાનું… મનને સાફ કરવાનું… અને એમ કરતાં કરતાં તમે આગળ વધો ત્યારે એવી ક્ષણો મળે… કે ઘટના ઘટતી હોય, તમે તમારામાં હોવ. ઘટના ઘટનાનું કામ કરે, તમે તમારું કામ કરો. ઘટનાનું કામ ઘટિત થવાનું છે; તમારું કામ એને જોવાનું છે.
તમારું involvement જે છે ને એ જ ખતરનાક છે. એટલે જ દ્રષ્ટાભાવની સાધના પ્રભુએ આપણને આપી.
આચારાંગ સૂત્રમાં જ શિષ્યે પ્રશ્ન કર્યો… “किमत्थि उवाहि पासगस्स?” પ્રભુ દ્રષ્ટા ને કોઈ પીડા હોય છે? ત્યારે પ્રભુએ કહ્યું – “णत्थि त्ति बेमि” દ્રષ્ટાને કોઈ પીડા હોતી નથી. તો પ્રભુની આ સાધના સ્વ – પ્રતિષ્ઠિતતા ની હતી. પ્રભુ સ્વમાં જ હતા. અને એટલે ઘટના, ઘટના તરફ ખુલતી, પ્રભુ તરફ ખુલતી નહોતી. તમે ધારો કે એ સ્તર ઉપર નથી. આપણે ન જ હોઈએ. ઘટના ઘટિત થઇ. સહેજ એની અસર થઇ ગઈ. તરત જ મનના કપડાને ખંખેરી નાંખો. અને જે ધૂળ જામી; એને ખેરવી નાંખો. તમે ચોખ્ખા થઇ જાવ. તમારું હૃદય, તમારું મન, તમારું ચિત્ત નિર્મળ બની જાય. નિર્મળ હૃદય એ જ પ્રભુની સાધના. જે ક્ષણે તમારું હૃદય બિલકુલ નિર્મળ થયું; પ્રભુ તમારા એ હૃદયમાં અવતરિત થશે. પ્રભુ તમારા બધાના હૃદયમાં અવતરિત થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. અને એટલે સદ્ગુરુને મોકલે, કે તમે જાવ, એના હ્રદયને નિર્મળ બનાવો. પછી હું એ નિર્મળ હૃદયની અંદર ઉતરી જાઉં.
આજે એક વિશેષ અનુમોદનાનો પ્રસંગ છે; મુનિરાજ તત્વરૂચી વિજયજીની ધર્મચક્રતપની આરાધના, તત્વસાર વિજયજીની બહુ મોટી લાંબી ઓળી, સતત આયંબિલ એમના ચાલે છે. પંન્યાસ શ્રુતરત્ન વિજયજીની ઓળી, આ બધાની અનુમોદના આજે કરવાની છે.
પંચસૂત્રમાં એક બહુ સરસ વાત કરી કે ધર્મ કરવો અપેક્ષાએ સહેલો છે. અપેક્ષાએ… ધર્મ કરાવવો એ પણ અપેક્ષાએ સરળ છે. અનુમોદના અઘરામાં અઘરી છે. તમે ધર્મના તત્વને પામેલા છો, તો તમે એવી રીતે સાધના કરો કે અહંકાર ઉભો ન થાય. તપશ્ચર્યા કરી, પણ સતત જાગૃતિ હોય, કે લોકો મારા તપને જાણી ગયા છે…. એ લોકો અનુમોદના કરે… એ વાત બરોબર છે. પણ મારી ભીતર સહેજ પણ અહંકાર ન ઉછળે. એટલે તમે ધર્મ કરી શકો. શ્રીમંત માણસો ધર્મ કરે પણ ખરા… થાય એટલો… બાકી ધર્મ કરાવે… એવો માણસ હોય… કે એ.સી. વિના રહી જ ન શકતો હોય તો સામાયિક શી રીતે કરે… તો એ નક્કી કરે કે ૧૦ એવા સાધર્મિકો હોય જે એકદમ ધાર્મિક વૃત્તિના છે એમને હું કહી દઉં કે પાછળના બારણેથી તમારા માટે દર મહીને જેટલું જોઈએ એના કરતા વધારે આવી જશે. તમે કોઈ job ન કરો, ધંધો ન કરો, માત્ર આરાધના કરો… તમારી આરાધનાનું પુણ્ય થોડું મને પણ મળે.
દરેક શ્રીમંતની ડાયરીમાં ૧૦ – ૧૫ – ૨૦ – ૨૫ સાધર્મિકોના હોવા જોઈએ. સાધર્મિકો દુઃખી કેમ છે…. હું ઘણી વાર કહું છું… એક બાજુ પર્વતના શિખરો છે, બીજી બાજુ ખીણ છે. એક બાજુ એવા શ્રીમંતો આપણા જૈન સંઘમાં છે કે જેને પોતાની મૂડીનું શું કરવું અથવા ક્યાં સંતાડવી એની તકલીફ છે. આજે તો મુડીને રાખવી ક્યાં.. અરે ભાઈ વાપરી નાંખને પણ… આઈટીવાળા કે ઈડીવાળા ગમે ત્યારે આવવાના જ છે. આવશે ત્યારે હેરાન – પરેશાન કરશે. એના કરતાં જાતે જ કામ કરી લો. તો એક – એક શ્રીમંતની ડાયરીમાં ૧૦ – ૧૫ – ૨૦ સાધર્મિકો ના નામ જોઈએ… તમે એને education થી સહાય આપો. મેડીકલ સહાય આપો. એક – એક શ્રીમત આ કામ ઉપાડી લે…
કોરોના વખતમાં એ સરસ થયું કે દરેક સમાજે પોતાના સાધર્મિકોને ઉચકી લીધા. એક – એક સમાજે… આવું જો દરેક સમાજ કાયમી ધોરણે કરે… દરેક સમાજ પાસે એક મેડીકલ ટ્રસ્ટ હોય, એક એજ્યુકેશન ટ્રસ્ટ હોય, મોઘામાં મોઘા ખર્ચાળ બે જ માધ્યમો છે. શિક્ષણ અને સારવાર. તો બંને માટે દરેક સમાજ પાસે મોટા ભંડોળ જોઈએ. અને કોઈ પણ સમાજની વ્યક્તિ આવે એને તમે અનુદાન આપી શકો. એક – એક સમાજ પોતાના સાધર્મિકોને સંભાળી લે, તો સાધર્મિકોની સમસ્યા જ ન રહે. તો ધર્મ કરી શકાય. ધર્મ કરાવી શકાય… પણ ધર્મની … બીજાના ધર્મની અનુમોદના અઘરી છે.
તમે માસક્ષમણ કર્યું, બીજાએ પણ માસક્ષમણ કર્યું. એ ભાઈએ માસક્ષમણ સંપૂર્ણ મૌનમાં કર્યું. અને તમારું શક્તિ હતી ત્યાં સુધી બોલવાનું ચાલુ રહ્યું.શક્તિ નબળી પડી પછી ધીરે ધીરે મૌનમાં આવ્યા. તો તમે તમારી કોઈ અનુમોદના કરે ત્યારે શું કહો. કે ભાઈ માસક્ષમણ તો મેં પણ કર્યું છે પણ એમનું માસક્ષમણ તમે જુઓ; કેવા અંદર ઉતરી ગયા છે. ૩૦ દિવસમાં એક શબ્દ એ બોલ્યા નથી. શબ્દોનું મૌન તમને વિચારોના મૌનમાં લઇ જાય. આ રીતે અનુમોદના કરવી બહુ અઘરી છે. તમારો જ કોઈ હરીફ છે. શ્રાવકને હોય નહિ… પણ ધારો કે છે અને એણે કોઈ સાધના કરી, તો જાહેરમાં એની અનુમોદના તમે કરી શકશો…?
તો આજે તપશ્ચર્યા એમણે બધાએ કરી.. આપણને અનુમોદનાનો અવસર આપ્યો. પંન્યાસ શ્રુતરત્નવિજયે ૬૩મી ઓળી કરી. તત્વરૂચિવિજયજીએ ધર્મચક્ર તપ કર્યો. તીર્થસિદ્ધિ વિજયજીએ ૬૨મી ઓળી કરી. તત્વસારવિજયજીએ ૧૪૧ થી ૧૪૬ મી ઓળી કરી. અને હજુ પણ આગળ એમની ઓળી આગળ ચાલુ છે. આનંદવત્સલવિજયજીએ ૧૮ – ૧૯ અને આ ૨૦ ત્રણ ઓળી સાથે કરી. આ બધા તપસ્વીઓના તપની આપણે એકસાથે અનુમોદના કરીએ.
અદ્ભભૂત