Sadhana – Param Sparshi Varshavas – Vachana 70

272 Views 25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : તત્ત્વચિંતન

જીવનનું લક્ષ્ય એક જ છે – સમ્યગ્દર્શનની પ્રાપ્તિ. એ માટેની તમારી સજ્જતા શું? એક તીવ્ર ઝંખના. એક ઘમ્મરવલોણું હૃદયમાં સતત ચાલ્યા કરતું હોય કે મને ક્યારે સમ્યગ્દર્શન મળશે… એ ઝંખના ચિંતન અને ભાવનમાં થઈને અનુભૂતિમાં ઊતરી જશે.

ચિંતન, ભાવન અને ધ્યાન – આ આપણો સાધનાક્રમ. અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગ. Thinking, rethinking and meditation.

તત્ત્વનું ચિંતન વચનાનુસારી – પ્રભુના વચનને અનુસારનારું – અને મૈત્રી આદિ ભાવોથી યુક્ત હોવું જોઈએ: બધા જ આત્માઓ મારા જેવા જ છે. મને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે, એવી સુખ-દુઃખની અનુભૂતિ બધાને થાય છે; માટે હું કોઈને પણ પીડા ન આપું. મૈત્રી, પ્રમોદ, કરુણા, અને માધ્યસ્થ – આ ચાર ભાવો તમારા મનને ધ્યાન માટે સજ્જ કરે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૦

ચિંતન, ભાવન અને ધ્યાન. આ આપણો ક્રમ છે. અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગ. Thinking, rethinking, and meditation.

પાયો ચિંતન. અનુપ્રેક્ષા. તમે લોકો શ્રવણે અટકી જાવ છો. અહીંયા શરૂઆત જ ચિંતનથી કરવાની છે. પહેલું step ચિંતન, બીજું ચરણ ભાવના, ત્રીજું ચરણ ધ્યાન, ચોથું ચરણ સમતા, અને પાંચમું ચરણ વૃત્તિસંક્ષય. આપણા લયમાં કહીએ તો વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ.

ચિંતન – તત્વનું ચિંતન, પણ એ કેવું હોવું જોઈએ? એના ૨ વિશેષણો આપ્યા, પહેલું વિશેષણ વચનાર્થ. પ્રભુના વચનને અનુસરનારૂ એ ચિંતન જોઈએ. અમે લોકો ચિંતન કરીએ પણ એના મૂળમાં પ્રભુના પ્યારા શબ્દો છે. ૨ કે ૪ પ્રભુના શબ્દો હોય, એને લઈને અમે લોકો યાત્રા કરીએ. ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યું ‘આણાએ મામગં ધમ્મં’ આજ્ઞામાં જ મારો ધર્મ છે. અહિંસામાં મારો ધર્મ છે એવું પ્રભુએ નથી કહ્યું. આજ્ઞામાં મારો ધર્મ છે. આજ્ઞાનું પાલન કરીએ તો શું થાય? રાગ – દ્વેષ – અહંકાર શિથિલ બને. એટલે પ્રભુના આ ૩ શબ્દો ઉપર આપણું ચિંતન એ ચાલે, કે મારી ભીતર રાગ – દ્વેષ  – અહંકાર ઓછા થયા… પહેલા તમારે તમારી જાતને જોવાની કે અંદર શું થયું? અંદર કેટલો ફેરફાર થયો? પછી તમે સદ્ગુરુ પાસે આવો. અને સદ્ગુરુને કહો કે સાહેબજી! ગુરુદેવ મને એવું લાગે છે કે હું રાગમાંથી, દ્વેષમાંથી, અહંકારમાંથી થોડો પાછળ હટ્યો છું. પણ આપ જોઈ આપો આપને શું લાગે છે…

એ જ લયમાં હું કહું છું કે એક સાધના ગુરુ જોઈએ… એ સાધના ગુરુએ તમને સાધના આપી. તમે દર ૬ મહિને એમની પાસે જાવ. એ તમારા ચહેરાને જોઇને નક્કી કરશે, કે તમે કેટલું આગળ વધ્યા છો, ‘વચનાત્ તત્વ: ચિંતન’ જે પણ ચિંતન થાય, એ પ્રભુના વચનોને અનુસરનારૂ હોવું જોઈએ. ખાલી બુદ્ધિ વિલાસ નહિ, યાદ રાખો, આપણી પાસે સમય ઓછો છે. અને એથી જલ્દીમાં જલ્દી આત્મતત્વની અનુભૂતિને આપણે મેળવવી છે. ખ્યાલ નથી કેટલું આપણું આયુષ્ય છે. પણ આજન્મ છોડતા પહેલા સ્વાનુભૂતિ કરવી જ છે. નક્કી? નક્કી? આ જન્મ છોડતા પહેલા સમ્યગ્દર્શન મને પ્રાપ્ત થયેલું હોવું જ જોઈએ. આવો નિધાર તમારો ખરો? લક્ષ્ય નક્કી હશે ને તો લક્ષ્ય પ્રમાણે યાત્રા શરૂ થશે. હું ઘણીવાર કહું છું કે આપણે ત્યાં સાધના કરનારા ઘણા, પણ એમાંથી ૯૦% – ૯૨% – ૯૫% સાધકો લક્ષ્યને સામે રાખીને ચાલનારા નથી. પ્રતિક્રમણ કરવાનું, સામાયિક કરવાનું… but why? શા માટે?

જીવનનું લક્ષ્ય એક જ છે – સમ્યગ્દર્શનની પ્રાપ્તિ. પ્રભુ તૈયાર છે સમ્યગ્દર્શન આપવા માટે, સદ્ગુરુ તૈયાર છે… તમે તૈયાર થાવ એટલે કામ શરૂ અને કામ પૂરું. તમારી તૈયારી એટલે શું? બીજું કાંઈ જ નહિ, એક તીવ્ર ઝંખના. મને ક્યારે સમ્યગ્દર્શન મળશે…. એક ઘમ્મર વલોણું હૃદયમાં સતત ચાલ્યા કરતું હોય…

ભાડાનો flat હોય, તો રોજ મનમાં શું વિચાર આવે? ક્યારે મારો flat બને? ક્યારે મારો flat બને? એવું જ ઘમ્મર વલોણું ચાલે કે મને સમ્યગ્દર્શન કયારે મળશે. એ જ તમારી તીવ્ર ઝંખના પ્રભુ અને સદ્ગુરુ તમને સમ્યગ્દર્શન આપી દેશે. તમે કદાચ કહી પણ શકો, કે સાહેબજી! સમ્યગ્દર્શન માટે ઝંખના છે પણ કેવી ઝંખના છે… મળે તો ઠીક છે ન મળે તો આગલા જનમમાં… યાત્રા તો લાંબી કરવાની છે. એવી એક તીવ્ર ઝંખના થઇ કે now and here સમ્યગ્દર્શન મળવું જ જોઈએ. તમારી તીવ્ર ઝંખના, સમ્યગ્દર્શન આ રહ્યું. આખી દુનિયાને અનુભવનારા તમે, તમારી જાતને અનુભવી શકો… કઈ અઘરી બાબત છે એમાં… માત્ર એના માટેની ઝંખના થવી જોઈએ. એ ઝંખના ચિંતન અને ભાવનમાં થઈને અનુભૂતિમાં ઉતરી જશે. ત્રીજા જ ચરણે અનુભૂતિ, અને ત્રીજા ચરણે જ ધ્યાન. ધ્યાન એટલે બીજું કાંઈ જ નહિ, તમને તમારો અનુભવ એનું નામ ધ્યાન.

પૂરી દુનિયાનો અનુભવ તમને છે, પણ તમારો અનુભવ તમને નથી. અને જો અનુભવ તમને થઇ જાય, તો તમે પણ ever fresh, ever green, બની જાવ. ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ આવશે ત્યારે વર્તમાનકાળની ક્ષણોને આનંદથી ભરી દેવાની. આત્માનુભૂતિ મળી છે કે નથી મળી એનો પહેલો પુરાવો આ કે તમે સતત આનંદમાં રહો.

ઘટના, ઘટના છે. તમે, તમે છો. ઘટનાને અને તમારે સંબંધ કયો? કોઈ સંબંધ નથી. તો ચિંતન કેવું જોઈએ? વચનાનુસારી. પહેલાના શ્રાવકો ગ્રંથોને ભણતા. હરિભદ્રસૂરિ મ.સા. ના, મહોપાધ્યાય યશોવિજય મહારાજના ગ્રંથોને ભણતા. ભગવાનના જમાઈ જમાલી મુનિ, પરમાત્માનો એક સિદ્ધાંત છે, ‘કડે માણે કડે’ જે વસ્તુ શરું થઇ ગઈ હોય, એ અપેક્ષાએ પુરી થયેલી કહેવાય આ પ્રભુનો સિદ્ધાંત. એકવાર જમાલી મુનિ માંદા પડ્યા. સાંજે તાવ, પ્રતિક્રમણ અપ્રમત્ત રીતે કર્યું. અને પછી શિષ્યોને કહ્યું જલ્દી સંથારો પથરો, હું સૂઈ જઉં. શિષ્યો એ જમીનને દંડાસન થી પૂંજી, સંથારાને ફેલાવી રહ્યા છે, પણ આમનાથી રહેવાતું નથી. એટલો તાવ, એટલી પીડા, એમને પૂછ્યું કેટલી વાર પણ… એક સંથારો પાથરવામાં કેટલી વાર? બહુ જ વિનયથી જવાબ મળ્યો, સાહેબજી! ગુરુદેવ! અમે એ જ કામ કરીએ છીએ. એ વખતે મિથ્યાત્વનો ઉદય થયો, અને આવા જ્ઞાની મુનિને થયું કે ભગવાનની બધી વાત સાચી પણ આ એક વાત ખોટી. સંથારો ક્યારનો પાથરી રહ્યા છે, પથરાઈ ગયો નથી. એટલે કડે માણે કડે આ પ્રભુની વાત ખોટી. જે વસ્તુ પુરી થઇ જાય, એને જ પુરી થયેલી કહેવાય. શરૂઆત થઇ એને પુરી થયેલી કેમ કહેવાય? સાજા થયા, અને પછી એમણે કહ્યું કે ભગવાનનું આ વચન ખોટું છે. બીજા બધા મુનિઓએ પ્રેમથી સમજાવ્યું, પણ મિથ્યાત્વનો એવો ઉદય, એ માનવા તૈયાર નહિ.

આપણે ત્યાં એક વાત છે, અમુક fundamental principles હોય છે. એ fundamental principles જે છે એના માટે બુદ્ધિને ચલાવવાની હોતી નથી. હા, એ સિદ્ધાંતો જે સ્થાપિત થયા છે, એના સમર્થનમાં તમે દલીલ આપી શકો. પણ એ સિદ્ધાંતો ખોટા છે એવું તમે કહી ન શકો. કોઈ એમ કહે ૨ + ૨ = ૪ આવું કેમ? = ૫ કેમ નહિ… એવું કોણે નક્કી કર્યું કે = ૪ થાય… = ૫ કેમ ન થાય? ત્યારે તમારે કહેવું પડે કે ભાઈ આ fundamental principles છે અને આમાં બુદ્ધિ ચલાવવાની હોય નહિ. આને સ્વીકારી લેવાનું.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે ૮ દ્રષ્ટિની સજ્ઝાયમાં કહ્યું ‘શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ’ શાસ્ત્રો ઘણા છે, અને આપણી બુદ્ધિ બહુ નાનકડી છે. એટલે એમાં બુદ્ધિને દખોડવાની ચેષ્ટા કરવાની નહિ. શિષ્ટ કહે તે પ્રમાણ – આપણા પૂર્વ પુરુષો જે કહે એને આપણે સ્વીકારી લેવાની. કેવા જ્ઞાની પુરુષો… એમની સામે ૨ વાતો આવી. એક આચાર્ય ભગવંત આમ કહે છે, બીજા આમ કહે છે. તમે શું કહો? સાહેબજી! Opinion difference આવે. અમે શું કરીએ? એ વખતે એ જ્ઞાની પુરુષ બંનેના મતને ટાંકે છે અને લખે છે, ‘તત્વં તુ કેવલી ગમ્યમ્’ આનું રહસ્ય આમારી બુદ્ધિ જે છે એ સમજી શકતી નથી. આનું તત્વ કેવલી ભગવાન જાણે. પણ આ આચાર્ય ખોટા અને આ આચાર્ય સાચા આવું કોઈ જ્ઞાની પુરુષે કહ્યું નથી.

તો જમાલી સમજ્યા નહી. ભગવાનની વાત ૧ પ્રતિશત પણ તમે ન માનો, તો તમને સાધુપણામાંથી બહાર મુકવામાં આવે. ગચ્છમાંથી બહાર કાઢવામાં આવે. અહીંયા ૯૯% નહિ, ૧૦૦% જોઇશે. માન્યતાના ક્ષેત્રે ૧૦૦% પ્રભુની આજ્ઞા પ્રત્યે આદર જોઇશે. આ યુગની અંદર એકાસણા ન થઇ શકે, સંઘયણ નબળું છે એવું બોલી શકાય નહિ. પ્રભુની એક આજ્ઞા માટે પણ તમારા હૃદયમાં અસ્વીકાર હોય તો તમે પ્રભુનો અસ્વીકાર કર્યો.

જમાલીને ગચ્છ બહાર મૂકવામાં આવ્યા. ભગવાનના પુત્રી પ્રિયદર્શના એ પણ પતિના મોહને કારણે પતિ જોડે ગયા. એ પ્રિયદર્શનાજી એકવાર એક નગરમાં જાય છે. નગરના દરવાજા સાંજે બંધ થઇ ગયા. ત્યારે દરવાજાની બહાર એક કુંભારનું ઘર હતું ત્યાં પ્રિયદર્શનાજી ઉતર્યા, સવાર થઇ બીજી… એ કુંભાર પ્રભુના વચનનો અનુરાગી અને પ્રભુના વચનનો જ્ઞાતા હતો. એને ખબર પડી ગઈ કે આ પ્રિયદર્શનાશ્રીજી છે… અને એમને પ્રભુની એક આજ્ઞા સ્વીકાર્ય નથી. એકદમ પ્રેમ ઉભરાયો… તો થયું કે આમને હું સન્માર્ગે વાળું. કુંભાર હતો… ધુમાડો ચાલુ હોય, રસોડામાં પણ અંગારા હોય. એક અંગારો ચીપિયાથી પકડ્યો. અને પ્રિયદર્શનાજી જતાં હોય છે, પાછળથી છેડા ઉપર અંગારાને દૂરથી touch કર્યો… આપણો સ્પર્શ ન થાય એ રીતે. પ્રિયદર્શનાજીનું વસ્ત્ર સહેજ સળગ્યું. એટલે એમણે બુમ મારી… અરે મારો કપડો સળગ્યો… સળગ્યો… એટલે કુંભાર તરત આવ્યો, કે તમારા વચન પ્રમાણે તો બોલી ન શકાય. કપડો આખો સળગી જાય પછી તમારે કહેવાય  કે કપડો સળગ્યો. આ તો છેડો સળગ્યો છે. કપડો ક્યાં સળગ્યો છે? સાધ્વીજીઓ બીજા આવી ગયા, આગ ઓલવાઈ ગઈ. પણ એ કુંભારના વચને પ્રિયદર્શનાજી પ્રભુના માર્ગ ઉપર આવ્યા. એ વખતે પ્રભુને જે – જે સાંભળતા, પ્રભુનું દર્શન જે લોકો કરતા, એ પ્રભુના સંમોહનમાં આવી જાય. એક પ્રભુનું સમોહન, બીજું સદ્ગુરુનું સંમોહન આ ૨ સંમોહન તમારી પાસે આવી જાય તો દુનિયાનું સંમોહન તમને કાંઈ કરી શકે નહિ . અનંત જન્મોથી જે દુનિયાનું સંમોહન તમારા ઉપર રાજ્ય ચલાવે છે. એ કહે એમ તમારે કરવું પડે છે. એ દુનિયાના સંમોહનમાંથી રાગ – દ્વેષના, અહંકારના સંમોહનમાંથી તમારે મુક્તિ જોઈતી હોય તો ૨ જ કામ કરવાના… પરમાત્માનું સંમોહન તીવ્રતયા હૃદયમાં જામી જવું જોઈએ, અને સદ્ગુરુનું સંમોહન પણ હૃદયમાં આવી જવું જોઈએ.

અમારા લોકોની દીક્ષા કેમ થઇ? સંસાર નહોતો ગમતો એવું કંઈ નહોતું. બિલકુલ નહોતો ગમતો એવું નહોતું… પણ શું થયું? પ્રભુ પરનું એક સંમોહન. પ્રભુના વચનો પરનું સંમોહન. એક જ છલાંગ અને આ મળી ગયું. આજે કોઈ અતીન્દ્રિય જ્ઞાની પુરુષ કહે અમે લોકોએ દીક્ષા લીધી, દર વર્ષે સેંકડો સાધકો દિક્ષાના પથ પર આવી રહ્યા છે, શેના કારણે? માત્ર પ્રભુના શબ્દોને કારણે, અમે પણ અજ્ઞાની જ છીએ. અને વિશિષ્ટ જ્ઞાની અત્યારે કોઈ છે નહિ. સામાન્ય શ્રુત જ્ઞાની બધા છે. પણ પ્રભુના વચનના બળ પર આ સંસાર છૂટી ગયો. તમને કોનું સંમોહન છે? કોનું સંમોહન… પ્રભુ જ ગમે આમ… પ્રભુ ગમે છે માટે તો તમે ઠંડી, ગરમી, પરીષહો, આ બધું enjoy કરો છો. સહન કરી છો એમ નહિ… enjoy કરો છો. કેમ..? મારા પ્રભુને આ ગમે છે માટે મને ગમે જ ને… મારા સદ્ગુરુ ને આ ગમે છે માટે મને ગમે જ… અને એની સામે મારા પ્રભુને જે નથી ગમતું,  મારા સદ્ગુરુ જે નથી ગમતું એ મને ન ગમે.

એક પ્રભુનું સંમોહન, એક સદ્ગુરુનું સંમોહન, પેલે પાર પહોંચી જવાય.  અનંત જન્મોની સંસારની સફરનો અંત આવી ગયો. તો ‘વચનાત્ તત્વ ચિંતન’ આપણે ત્યાં કુંભારની વાત કરી, હિંદુ પરંપરામાં પણ કુંભારો તત્વજ્ઞાની હતા. એવી વાત આવે છે… મહારાષ્ટ્રના ૩ સંતો – જ્ઞાનદેવ, નામદેવ, અને મુકતાબાઈ.

જ્ઞાનદેવ પ્રખર સંત હતા. મુક્તાબાઈ પણ પ્રખર સંત હતા. નામદેવે હમણાં દીક્ષા લીધેલી, એટલે એ હજુ ઘડાઈ રહ્યા હતા. ૩ એ સંતો યાત્રા માટે ચાલ્યા, વચ્ચે એક ગામમાં ગોરા કુંભારનું ઘર આવતું હતું. ગોરો કુંભાર તત્વજ્ઞાની હતો. ૩ એ સંતો એમના ઘરે ગયા. ખુબ આદર – સત્કાર કર્યો. જ્ઞાનદેવ અને મુકતાબાઈ  એ બે તો પ્રખર સંતો હતા. આત્મનિષ્ઠ હતા. એટલે જ્યાં પણ જાય ત્યાં ધ્યાનમાં બેસી જાય. કોઈ પણ ગામમાં જાય, એક ટાઇમ શરીરને ભાડું આપી દેવાનું… ભોજન લઇ લેવાનું… બાકી આખો દિવસ ધ્યાનમાં એમનો જતો રહે… પણ નામદેવ નવા નવા હતા. એટલે થોડું કુતુહલ પણ હોય. એ ફરતા હોય છે… એ કુંભારને ત્યાં, કુંભારના બધા ઓજારો હોય એમાં ટપલું હોય, ઘડો તૈયાર થાય માટીનો પછી એને આકાર આપવા માટે ઉપરથી ટપલા થોકે… આમ પણ ગુરુનું કામ તો એ જ…

કબીરજીએ કહેલું ‘ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોક’ તમે ઘડો હોવ તો ગુરુ કુંભાર બનવા રાજી છે. ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ – સરસ મજાનો આકાર આપે છે. પણ એ આકાર આપવા માટે ઉપરથી એને ટપલા ઠોકવા પડે. તો જ આકાર સરખો આવે. પણ એ જોશથી ઠોકે અને માટીનો લોંદો નીકળી જાય તો? પાછો મહેનત ઉભી થાય. એટલે અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોક – જ્યાં ટપલો મારવાનો હોય ત્યાં અંદર હાથ મુકે. ગુરુ પણ આ જ રીતે કરે હો… ભાઈ! કેમ છો… કેટલા સામાયિક કર્યા… પછી પૂછે કેમ? સામયિકમાં મન કેવું રહ્યું સ્થિર? તો નામદેવ ટપલાને હાથમાં લે છે. અને પછી પૂછે છે આનાથી શું થાય? એટલે કુંભારે કહ્યું, ઘડો કાચો છે કે પાકો એની ખબર પડે એનાથી… અને પછી ઓરા કુંભારે કહ્યું – કે શિષ્ય પણ કાચો થયો કે પાકો એની ખબર આનાથી પડે. ભાઈ ઘડાની તો ખબર પડે, શિષ્યની ખબર કઈ રીતે પડે…ટપલાથી? એવામાં મુકતાબાઈ ત્યાંથી પસાર થાય છે એટલે ગોરો કુંભાર સહેજ ટપલુ મુક્તાભાઈના માથે touch કરે છે. નામદેવ એકદમ ગરમ થઇ જાય છે. હમણાં જ દીક્ષા લીધી છે. ગરમ થઇ જાય છે. તમે… તમે… એક સંતને આ રીતે કરો? ત્યારે ગોરો કુંભાર કહે છે નામદેવ, તું કાચો ઘડો છે. ટપલુ એને touch કર્યું એટલા માટે કે તું કાચો થયો કે પાકો એની મને ખબર પડે. તો તત્વ ચિંતન પ્રભુના વચનને અનુસારે કરવાનું.

બીજી શરત આપી, મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત: ખાલી કોરું કોરું તત્વજ્ઞાન હોય તો એ તમારા કામમાં નહિ આવે. એ બીજાને આપવામાં કામમાં આવશે. કોરું કોરું તત્વજ્ઞાન હોય ને એ બીજાને આપી શકાય. બીજો કદાચ એનાથી પલળી પણ જાય, તમે કોરા ધાકોર હોવ…

અભવિ નો આત્મા આત્મતત્વ ઉપર ઊંડાણથી બોલે ને ત્યારે મારા જેવો માણસ હલી જાય… કે વાહ શું જ્ઞાન છે આમનું….પણ એ અંદરથી કોરું ધાકોર હોય કે આ મુર્ખાઓ આત્માના નામે ઠગાય છે. તો આપણે નામે વેપાર કરીએ… એ કોરો ધાકોર  હોય. એમ તમારી પાસે તત્વજ્ઞાન કદાચ છે, તો પણ એ ભીનું ભીનું છે કે કોરું કોરું છે? ઘણા લોકો બીજાને ઉપદેશ આપતા હોય છે. પણ બીજાને ઉપદેશ નથી આપવો અમારે ત્યાં તો સ્પષ્ટ પરંપરા છે. કે પહેલા સ્વ-કલ્યાણ, પછી પર-કલ્યાણ.

એક સાધુ, એક સાધ્વી પહેલા સ્વ-કલ્યાણ કરી લે, રાગ-દ્વેષથી થોડીક એ પર બની જાય, અહંકારથી થોડાક એ ઊંચા ઉઠેલ હોય, લોકો ગમે તેમ એના પ્રવચનની પ્રશંસા કરે, એને સહેજ પણ અહંકાર ન આવતો હોય, પ્રભુ મારા કંઠેથી બોલ્યા, હું ક્યાં બોલ્યો છું… આવી જેની ભૂમિકા હોય, એને જ પ્રવચનની પાટ આપી શકે. એટલે પહેલા સ્વ-કલ્યાણ પછી પર-કલ્યાણ.

બૌદ્ધ પરંપરામાં એક સરસ ઘટના આવે છે. બુદ્ધ ભગવાન વિચરતાં હતા ત્યારની એ ઘટના…. અંક્માલ નામનો એક ભિક્ષુ છે. એના મનમાં સહેજ અહંકાર વધારે ઉઠે છે. એને થાય છે કે આ ૧૫ – ૨૦ વર્ષ થયા દીક્ષા પર્યાય ને, કોઈ મને ઓળખતું નથી. કોઈ ન ઓળખે તો મજા ને? કોઈ આવે તો સ્વાધ્યાયમાં વિક્ષેપ પડે, કોઈ ન આવે તો… તો એને થયું મને કોઈ ઓળખતું નથી. હવે એને થયું લોકો મને ઓળખે ક્યારે? હું સ્વતંત્ર ચાતુર્માસ માટે જાઉં, પ્રવચનો આપું, ૨ – ૫ – ૧૦  ગામોમાં ચાતુર્માસ કરું એટલે આપણે સેંકડો ભક્તો થઇ જાય. બહારથી સંસાર છોડવો સહેલો છે. અંદરથી સંસાર છોડવો બહુ અઘરો… બહારથી તો છોડી દેવાય… છોડી દીધો. અંદરથી રાગ – દ્વેષ  – અહંકાર શિથિલ બનેલા હોય, તો અંદરથી સંસાર શિથિલ બનેલો કહેવાય. તો આ ભિક્ષુ બન્યો, ૧૫ વર્ષ સ્વાધ્યાય કર્યો. પણ મનમાં અહંકાર પડેલો છે. એટલે એ બુદ્ધ ભગવાન પાસે ગયો. વાત તો પાછી નમ્રતાથી વાત કરે ને… અહંકારી માણસ હોય ને એ બહુ નમ્ર દેખાય બહારથી… કારણ કે એને એના અહંકારને છૂપાવવો હોય છે. એટલે એણે બુદ્ધ ભગવાનને કહ્યું કે ભગવાન! આપની પાસે ચાતુર્માસની વિનંતીઓ ઘણી બધી આવતી હોય છે. ક્યારેક આપને લાગે કે આ ગામમાં કોઈ જનાર નથી તો મને કહી દેજો હું કોરો Cheque છું. કોરો Cheque… સદ્ગુરુનું સંમોહન તમને અહીં સુધી લાવી દે. તમારું મન કોરો Cheque બની જાય. કોરો Cheque છો ને બધા? કે ભરેલો cheque છો? કોરો Cheque છે રકમ અમારે લખવાની, signature અમારું, cheque જ તમારો.

બુદ્ધ તો જ્ઞાની છે. એમને એના ચહેરા પરના ભાવો જોઈ લીધા. અંદરના ભાવોનો પણ ખ્યાલ આવી ગયો. સારું… એ જ સાંજે બુદ્ધને આમ્રપાલીને ત્યાં જવાનું છે. આમ્રપાલી એ યુગની બહુ મોટી નર્તિકા હતી. પણ બુદ્ધના ઉપદેશો સાંભળી બુદ્ધની પરમ ભક્તા બની ગઈ બીજું બધું એને છોડી દીધું. માત્ર ભક્તિ, માત્ર ઉપાસના, એકલીન. એક ઉપાસિકા, શ્રાવિકા બની ગઈ હતી. તો એ સાંજે આમ્રપાલીને ત્યાં પ્રભુની ભક્તિનો કોઈ કાર્યક્રમ રાખ્યો હશે. એમાં બુદ્ધને જવાનું હતું. તો એ વખતે બુદ્ધે અંક્માલ ને કહ્યું, કે ચાલ આજે તું મારી સાથે… અંકમાલ ને લઈ ને ગયા. હવે આમ્રપાલી એ યુગની રૂપવતી નારીઓમાં પણ ઉંચી કક્ષાએ હતી. બુદ્ધ તો એકદમ રાગથી ઉપર ઉઠેલા છે. એમના માટે બધા માંસ અને ચરબીના લોચા છે. જ્ઞાનીને શું દેખાય? તમને પણ શું દેખાય બોલો?  આ છે શું આમાં… સહેજ કંઈક વાગે એટલે શું નીકળે? લોહી અંદર હાડકાં છે, ચરબી છે, જેનું કોઈ મૂલ્ય જ નથી. આ શરીર સાધનામાં કામ આવે તો તો ઠીક છે બાકી એના માટે જેટલો આરંભ સમારંભ કરો એ નકામો થવાનો.

તો અંક્માલ ની નજર વારંવાર આમ્રપાલી ઉપર જાય, એક ભિક્ષુની આંખ, એક સાધુ કે સાધ્વીની આંખ ત્યાં દ્રષ્ટિ સંયમ હોય છે. આંખ નીચી ઝુકેલી હોય, પ્રભુને જોવાના હોય ત્યારે ઉંચી આંખ થાય. બાકી નીચી આંખ. દ્રષ્ટિ સંયમ. પણ પેલો વારંવાર જોયા કરે. પછી પાછા ફર્યા. બીજી સવારે અંક્માલ બુદ્ધ ભગવાન પાસે આવ્યો. વંદન કર્યું, ત્યારે બુદ્ધે કહ્યું તને એકલો ક્યાંય મુકાય એવો છે? તું મારી જોડે હતો છતાં તારી આંખોને સંયમ નહોતો, તો મારી ન હોય ત્યારે તારું થાય શું?

એક ગુરુ હતા ને, એક શિષ્યને પોતાની જોડે ને જોડે રાખતાં. તો શિષ્યએ એના ઉપર પણ અહંકાર કર્યો. એકવાર સંબંધીઓ આવેલા, અને એ કહેતો હતો અહંકારી છે પણ શબ્દો નમ્ર છે. ગુરુ મહારાજની એવી કૃપા કે બીજા કોઈને પણ ગમે ત્યારે બહાર મોકલે મને તો બસ એમની સેવામાં જ રાખે. મને તો એમની જોડે જ રાખે. એનું બોલવું અને ગુરુનું ત્યાંથી પસાર થવું. પણ ગુરુ હતા, ગંભીર હોય, સાંજે પેલો વંદન કરવા આવ્યો, એકલો હતો ત્યારે ગુરુએ કહ્યું, શું સવારે તું શેખી વગાડતો હતો પેલા લોકોની જોડે… ગુરુ મહારાજ મને બીજે ક્યાંય મોકલે નહિ, તને બીજે મોકલાય એવો નથી. Critical patient હોય તો એને medical supervision માં જ રાખવો પડે. તું એવો Critical patient છે કે મારી હાજરી વગર તને એક મિનિટ રખાય એવો નથી.

તો તત્વચિંતન પ્રભુના વચનને અનુસારે હોય, અને મૈત્ર્યાદી ભાવથી યુક્ત હોય. એ ચિંતનની અંદર મૈત્રીભાવ ટપકતો હોય, આત્મતત્વને જાણ્યું, જાણ્યા પછી બધા જ આત્માઓ જે છે એ મારા જેવા જ છે. મને સુખ – દુઃખની અનુભૂતિ થાય છે, એવી સુખ – દુઃખની અનુભૂતિ બધાને થાય છે, માટે હું કોઈને પણ પીડા ન આપું. અને જેટલા જીવોને બચાવી શકાય એટલાને બચાવું. અને મનુષ્યમાત્ર ઉપર મૈત્રીભાવ રાખું.

મૈત્રી, પ્રમોદ, કરુણા, અને માધ્યસ્થ આ ચાર ભાવો તમારા મનને ધ્યાન માટે સજ્જ કરે. હરિભદ્રસૂરિ મ.સા. એ યોગબિંદુની અંદર આ આખી વાત કરી છે. જેવી રીતે ચૌદ ગુણસ્થાનક, આઠ દ્રષ્ટિ, એ જ રીતે આ પાંચ યોગો છે. કે પાંચમાં ગુણઠાણા થી તમને ચૌદમાં ગુણઠાણા સુધી લઇ જાય. વૃત્તિસંક્ષય સુધી.

તો મનને પહેલા તૈયાર કરવું છે. મનને બિલકુલ તૈયાર કર્યા પછી મનને પેલે પાર જવું છે. ધ્યાનની ક્ષણોમાં તમે મનની પેલે પાર હશો. અને ધ્યાન નહિ હોય ત્યારે તમારું મન પ્રભુને સમર્પિત હશે. અત્યારે ધ્યાન નથી. એટલે મન પ્રભુને સમર્પિત બરોબર…. તમારું મન તમને સમર્પિત તો રહેવાનું નથી ને… તમારું મન તમારું કહ્યું કરવાનું? નથી કરવાનું… તો ભગવાન ને  સોંપી દો ને… હા, તમારું કહ્યું કરતું હોય તો અમે માનીએ કે ઠીક છે… તમારું કહ્યું તો કરવાનું નથી.

પેલા એક ગામમાં એક ડોશીમાં હતા, દીકરો બહુ સારું ભણ્યો, શહેરમાં એને બહુ સારો ધંધો જામ્યો… કરોડો રૂપિયા કમાયો, સરસ મજાનો લક્ઝુરીયસ flat લઇ લીધો… માં ને કહ્યું હવે તું ગામમાં રહે એ બરોબર નહિ. તે મારા માટે ખુબ કર્યું છે. હવે મારે તારી સેવા કરવી છે, તું આવી જા શહેરમાં… માં આવી તો ખરી પણ ૧ – ૨ દિવસમાં મૂંઝાઈ ગઈ, કે મને અહીંયા નહિ ફાવે… મારે તો મારું ગામ જ બરોબર. પાછી એ ગામ જતી રહી. દીકરાને થયું, કે જો માં શહેરમાં ન આવે, તો ગામમાં ઝુંપડામાં રહે એ બરોબર નહિ. એટલે પોતાના ઝુંપડાની બાજુમાં એક પ્લોટ હતો, એક party ને કહી દીધું, પ્લોટ ખરીદી લીધો એણે, અને ત્યાં મોટો બંગલો બની ગયો. બંગલો બન્યા પછી દીકરો આવ્યો, કે માં આ તારો બંગલો છે. તારે એ બંગલામાં રહેવા જવાનું છે. વાસ્તુ કર્યું, માં બંગલામાં રહેવા ગઈ. અને હવે પેલી જૂની ઝુંપડી એનું તો કંઈ મહત્વ હતું નહિ, કંઈ સાજ – સરંજામ પણ નથી. એમાં એક રાત્રે એ ઝુંપડીમાં લાગી આગ… માજીએ જોયું… હવે ગામડામાં બંબાવાળા એ ક્યાંથી હોય, એટલે બંબાવાળા ને બોલાવા જેવું સાજુ કંઈ હતું નહિ ઝુંપડીમાં… પણ માજી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, તો માજીને થયું, કે ભગવાનને હજી સુધી કંઈ અર્પણ નથી કર્યું, એ કહે કે…હે કૃષ્ણ ભગવાન! આ બળતું ઘર તમને અર્પણ. 

એમ તો તમે કરો કહું છુ, કે પ્રભુ મારું મન મારા કબજામાં નથી. તને સોંપું છું. છો તૈયાર? ધ્યાન –  being… doing સરી જાય. Being માત્ર રહે એ ધ્યાન. ખરેખર એટલી બધી મજા આવે છે કે એકવાર તમને એ આનંદ ધ્યાનનો સ્પર્શી જાય, તો જ્યારે પણ સમય મળે ધ્યાનમાં જવાનું મન થાય. મને ઘણા બધા સાધકો મળ્યા, જેમણે એક સરસ વાત કરી, કે સાહેબ! ઘરમાં છીએ, અણગમતા નિમિત્તોની વચ્ચે જ છીએ, એવું નિમિત્ત મળ્યું કે ગુસ્સો થાય એવો છે, પણ એ જ વખતે અમે આમ ધ્યાનમાં બેસી જઈએ છીએ, ગુસ્સો છુ થઇ જાય. આ ધ્યાનનો આનંદ આપણે લેવો છે આવતી કાલથી આ ધ્યાનની theoretical અને practical બેઉ વાતો આપણે જોઈશું.  

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *