Sadhana – Param Sparshi Varshavas – Vachana 71

229 Views 21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ભાવન

ચિંતનની એક મર્યાદા છે. વિચારની ભૂમિકા ઉપર કોરાપણું જ રહેવાનું. ભીતરની જે ભીનાશ છે, એ તો ભાવનના સ્તરે જ આવવાની છે. પણ ચિંતનમાં જે નહિ હોય, એ ભાવનમાં ક્યાંથી આવશે?! એટલે મૈત્રી આદિ ચારેય ભાવનાઓનું આંશિક સ્વરૂપ ચિંતનની અંદર ઊભરવું જોઈએ.

દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ. જેટલા પણ પરિચિત સાધકો છે, એ બધા ઉપર પ્રમોદભાવ. કોઈ વ્યક્તિ પાપી છે, અધર્મી છે, તો એના ઉપર કરુણા. અને જ્યાં તમારી કરુણાનો પ્રવેશ નથી થતો, ત્યાં પ્રભુને પ્રાર્થના કે પ્રભુ! તું તારી કરુણાનો પ્રવેશ, તારા પ્રેમનો પ્રવેશ એ વ્યક્તિમાં કર – આ માધ્યસ્થભાવ.

પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિ દાદા વારંવાર કહેતાં કે નિર્મળ હૃદય વિના ધ્યાન છે જ નહિ. એ વિના તમે માત્ર પ્રાણાયામ કરી શકો; પણ તમારે ધ્યાન કરવું હોય, તો નિર્મળ હૃદય તમારી પાસે જોઈએ જ. ચિંતનથી વિચારોની પ્રક્રિયા સમ્યક્ બને. ભાવનથી લાગણીની, હૃદયની પ્રક્રિયા બરોબર થાય. એ પછી જ ધ્યાનની પ્રક્રિયા શરૂ થાય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૧

ચિંતન, ભાવન અને ધ્યાન. ભાવન આપણા હૃદયને નિર્મળ-નિર્મળ બનાવે છે. પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિ દાદા વારંવાર કહેતાં કે નિર્મળ હૃદય વિના ધ્યાન છે જ નહિ. તમે માત્ર પ્રાણાયામ કરી શકો. પણ તમારે ધ્યાન કરવું હોય તો નિર્મળ હૃદય તમારી પાસે જોઈએ જ.

ભાવન હૃદયને નિર્મળ બનાવે છે. પણ ભાવનની પહેલા ચિંતન છે. વિચારોની પ્રક્રિયા સમ્યક્ બનાવીએ પછી લાગણીની હૃદયની પ્રક્રિયા બરોબર થાય. અને એ પછી ધ્યાનની પ્રક્રિયા શરૂ થાય. ગઈ કાલે આપણે ચિંતન કેવું હોય, એની વાત કરતા હતા.

તત્વચિંતનને બે વિશેષણો આપેલા – પહેલું વિશેષણ વચનાર્થ. જે પણ તત્વચિંતન તમે કરો, એ પ્રભુના વચનને અનુસારનારૂ હોવું જોઈએ. એના મૂળમાં પ્રભુનો કોઈ શબ્દ હોવો જ જોઈએ. અને બીજું વિશેષણ આપે છે મૈત્ર્યાદી ભાવના. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આ ચારેય ભાવનાઓનું આંશિક સ્વરૂપ ચિંતનની અંદર ઉભરવું જોઈએ.

ચિંતનની એક મર્યાદા છે, એ વિચારની ભૂમિકા ઉપર કોરાપણું જ રહેવાનું. જે ભીતરની ભીનાશ છે એ તો ભાવનના સ્તરે જ આવવાની છે. પણ ચિંતનમાં જે નહિ હોય, એ ભાવનમાં ક્યાંથી આવશે?! એટલે ચિંતનની અંદર મારે મૈત્રીભાવ તરફ જવું છે. મારે પ્રમોદ ભાવ તરફ જવું છે. મારે કરુણા અને માધ્યસ્થ તરફ જવું છે, આ વિચાર હોવો જોઈએ. તમને ખ્યાલ છે દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ કેળવવાનો. પ્રમોદ ભાવ ગુણાધિકો ઉપર, ગુણાધિકની મારી વ્યાખ્યા અલગ છે… જેટલા પણ પરિચિત સાધકો છે એ બધા જ ગુણાધિક છે. અને એમના પર આપણે પ્રમોદભાવ કરવો છે. તમને બધા જ ક્રિયા કરનારા તમારાથી શ્રેષ્ઠ લાગવા જોઈએ.

પ્રભુની કૃપા હોય ત્યારે જ આ ભૂમિકા મળે છે. કારણ કે પ્રમોદભાવ બહુ અઘરો છે. ત્યાં સિદ્ધિ તમારા અહંકારને ચોટ લાગે છે. પ્રમોદભાવ કરવો તો દુષ્કર, સાંભળવો પણ દુષ્કર છે. તમે આયંબિલના આરાધક હોવ, ઓળી ઉપર ઓળી કરતા હોવ, અને તમારી પાસે કોઈ વાત મુકે, મેં એક સાધક જોયેલા, શું એમની સાધના, આયંબિલશાળામાં જાય, પૂછે, શું છે? સાહેબ! બધું પતી ગયું છે. અરે! પણ કંઈક તો હશે ને…. સાહેબ આ ૫ – ૬ રોટલી ઠંડી છે અને કરીયાતાનું પાણી છે. Ok મારે એ ચાલશે. આવી કોઈ સાધકની વાત તમારી સામે કરે તો તમારું મોઢું કેવું હોય? સહેજ પડી જાય… કારણ? તમારા અહંકાર ઉપર સિદ્ધિ ચોટ લાગી… સાધક પાસે પણ અહંકાર ન જ જોઈએ. અને અહંકાર ન હોય તો જ પ્રમોદ ભાવના આવે.

એકવાર શંખેશ્વર તીર્થમાં પૂજ્યપાદ જંબુવિજય મ.સા. પાસે હું બેઠેલો. એ વખતે એક શ્રાવક આવ્યા, એમણે સાહેબને વંદન કર્યું. અને પછી પોતાની સાધનાની વાત કરી. ગુરુ પાસે તમે તમારી સાધનાની વાત કરી શકો. પણ એ સંદર્ભમાં કે ગુરુદેવ! મારી સાધનામાં ત્રુટી ક્યાં છે એ બતાવો… હું ક્યાં ચૂકું છું…. પેલા ભાઈએ તો મોટી અહંકારની વાતો શરૂ કરી. મારું આયંબિલ એટલે કોઈ એવું આયંબિલ ન કરી શકે. આટલો જ જરાક લોટ લેવાનો, એની રોટલી બનાવાની, અને એકલી રોટલી પાણી સાથે ખાઈ જવાની. બીજી કોઈ વ્યક્તિ એના તપની અનુમોદના કરે એ બરોબર છે પણ એ પોતે પોતાની સાધનાની બડાઈ હાંકે એ તો કેમ ચાલે? એકવાર, બે વાર, ત્રણવાર એની રેકોર્ડ ચાલુ જ રહે. હું આમ… ને હું આમ…ને હું આમ… શિષ્ટાચાર એવો છે કે આપણે વાત સાંભળવી પણ પડે. એમ તો કહે નહિ ભાઈ! રવાના થાવ…

પેલા ભાઈ ગયા, પછી જંબુવિજય મહારાજ બગડયા, મને કહે પેલો શું ઠોક ઠોક કરતો હતો… અલ્યા! તારા કરતાં કબૂતરો ઊંચા, એકલા દાણા ખાઈ જાય. તું તો ઘઉંને પિસાવીને, આટો કરીને, એની રોટલી ખાઈ જાય છે. પેલા સીધા જ ઘઉંના દાણા ખાઈ જાય છે, તારા કરતા મોટો તપસ્વી કબૂતર છે. બીજાના તપની, બીજાની સાધનાની અનુમોદના કરો, પ્રમોદ ભાવ કરો. તમારી સાધના તમને નાનકડી જ લાગવી જોઈએ… તમારી સાધના પ્રત્યે તમને ક્યારે પણ અહંકાર ન આવે. પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા, ગયું, મેં કાંઈ કર્યું નથી. તો મારી દ્રષ્ટિએ જેટલા પરિચિત સાધકો છે, એ બધા જ ગુણાધિક છે.

પછી કરુણા. કોઈ વ્યક્તિ પાપી છે, અધર્મી છે, એના ઉપર તમને કરુણા આવે. કે આ વ્યક્તિ પાપ કરીને ક્યાં જશે…!

અને છેલ્લે માધ્યસ્થ ભાવ. એ બહુ જ ઉંચી વસ્તુ છે. કોઈ વ્યક્તિ શાસ્ત્ર વિરુદ્ધ કામ કરે છે, શાસ્ત્ર વિરુદ્ધ બોલે છે… તમે એને પ્રેમથી સમજાવી શકો… પણ એ કહી દે, બેસ બેસ હવે તારું જ્ઞાન કેટલું! હું ભણેલો છું. આપણે કહીએ ભાઈ! શાસ્ત્રના આ શબ્દોનો અર્થ આમ થાય. તું કરે છે એમ ન થાય. મારે તમારી વાત સાંભળી નથી… મેં ઘણા બધા શાસ્ત્રો વાંચેલા છે. તમે મને સમજાવનાર કોણ? એ વખતે તમે શું કરો? ત્યાં પણ તમને ગુસ્સો ન આવવો જોઈએ, એમ કહ્યું છે… કારણ? તમારી પ્રશસ્ત અને અપ્રશસ્ત ક્રોધની ઊંડી વ્યાખ્યાની સમજુતી નથી. તમે પ્રશસ્ત ક્રોધના નામે અપ્રશસ્ત માં પણ પહોંચી જાવ. પ્રશસ્ત ક્રોધમાં શું થાય… એ વ્યક્તિના દોષોમાંથી તમે એને મુક્ત કરવાની કોશિશ કરો. પણ એ વ્યક્તિ પ્રત્યે તમને દ્વેષ ન થાય. વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય ત્યારે માનવાનું કે પ્રશસ્તમાંથી તમે અપ્રશસ્તમાં જતા રહ્યા. એટલે માધ્યસ્થ ભાવ એમ કહે છે કે ત્યાં કને પણ આપણે ઉપેક્ષા કરવાની. મારા લયમાં હું એનો અનુવાદ એવો કરું છું કે પ્રભુ! મારી કરુણાનો પ્રવેશ આ વ્યક્તિમાં નથી થતો. તું તારી કરુણાનો પ્રવેશ… તારા પ્રેમનો પ્રવેશ એ વ્યક્તિમાં કર.

તો ૨ વિશેષણો આપ્યા, તત્વચિંતન. પ્રભુના શબ્દોને અનુસારે થતું હોવું જોઈએ. અને મૈત્રી વગેરે ભાવનાથી એ યુક્ત છે. કોરા ચિંતન નો શું મતલબ..? તમે ભીના ભીના થાવ, તો જ તમારી સાધના આગળ વધે.

હવે વાત એ આવી… આ જે અધ્યાત્મ યોગ છે એને કોણ કરી શકે… આપણા કલાપૂર્ણસૂરિ દાદાને અધ્યાત્મ યોગી કહેતાં. એ અધ્યાત્મની આ વ્યાખ્યા છે. દાદા તો બહુ આગળ હતા. આજ્ઞા યોગ, ધ્યાન યોગ, અને સમતા યોગ સુધી પહોંચેલા હતા. પણ આવા મહાપુરુષો બિલકુલ અહંકારથી પર હોય છે. કોઈએ એમને અધ્યાત્મયોગી કહ્યા… તો એ વિશેષણ રહી ગયું. એમને એ વિશેષણ જોડે કોઈ સંબંધ નથી. હું તો મારા માટે એક પણ વિશેષણ વાપરવાનો નિષેધ કરતો હોઉં છું. પણ બહુ ઈચ્છા થાય કોઈને… કે એક વિશેષણ વાપરવું છે… તો એ વિશેષણ હોય શાસન પ્રભાવિત. શાસનના પ્રભાવક મહાપુરુષો છે. પણ હું તો શાસનથી પ્રભાવિત થયેલો માણસ છું.

એકવાર પ્રદ્યુમ્નસૂરિ મ.સા. મારા ખાસ મિત્ર. Close friend મારી પાસે આવેલા. વાતમાંથી વાત નીકળી. ત્યારે એમણે મને પૂછ્યું કે તમે આટલું બધું વાંચી રહ્યા છો તો તમે કોઈની અસર નીચે તો આવતાં નથી. આલ્બર્ટ કામુની વાંચો, લીત-સે ને વાંચો… બધા જ લેખકોને વાંચો તમે, તો કોઈનાથી પ્રભાવિત નથી થતાં ને…? ત્યારે મેં હસતાં હસતાં કહેલું… કે આપણે તો શાસન પ્રભાવિત છીએ. પ્રદ્યુમ્નસૂરિ મ.સા. પણ શાસન પ્રભાવિત જ હતા. મેં કહ્યું… આપણે બેઉ શાસન પ્રભાવિત છીએ, આપણને બીજું કોણ પ્રભાવિત કરી શકે!

તમે બધા શાસન પ્રભાવિત બનો. પ્રભુ શાસનથી એ રીત impressed બનો કે દુનિયાની કોઈ વ્યક્તિ, દુનિયાનો કોઈ પદાર્થ, તમને પ્રભાવિત ન કરી શકે. કરોડોપતિ કે અબજોપતિ હોય તમે, તો તમારા ઘરે. અમારે શું…? પ્રભુએ અમને એટલી મજાની પરંપરા આપી છે કે મારી ચાદર ઓઢી લે, મારી ચાદર ઉપર તને રોટલી – દાળ મળી જવાના. તને બધું જ મળી જશે. તારે એક પણ વ્યક્તિના પરિચયમાં જવાની જરૂર નથી. શાસન પ્રભાવિત… તમે પણ બધા પ્રભુ શાસનથી પ્રભાવિત બની જાવ. શાસનની વાત આવે તમે નાચતા હોવ કૂદતા હોવ… અને એ શાસન પ્રભાવીતતા નું સીધો અર્થ એ છે કે પ્રભુ શાસનના કોઈ પણ અંગોની ટીકા ટીપણ કે નિંદા તમે ક્યારે પણ ન કરો. શાસનની પ્રભાવના આપણે કરી શકવાના નથી. પણ આપણા કારણે શાસનની નિંદા થાય એવું આપણે હરગીજ ન કરીએ.

ધારો કે પડતો કાળ છે, ને કોઈ સંયમી મહાત્મા તમે એવા જોયા, કે જેમનામાં પૂરેપૂરું સંયમ તમને દેખાતું હોય, તો તમારે શું કરવાનું… તમને લોકોને સાધુઓના માત- પિતા કહ્યા છે. એક પિતા હોય, અને એનો દીકરો શરાબ પીતો હોય, પિતાને દર્દ ઘણું હોય, એ સમજાવાની કોશિશ કરે પણ બહાર ઢંઢેરો પીટે…? મારો દીકરો જુગારિયો છે, મારો દીકરો શરાબી છે. એમ તમે ઢંઢેરો પીટો? આ મ.સા. આવા, આ મ.સા. આવા… તમે પ્રેમથી એ મહાત્માને સમજાવો કે સાહેબ! અમને નથી મળ્યું… અને અમે જેની ઝંખના સતત કરીએ છીએ એ શ્રામણ્ય તમને મળી ગયું… હવે આપ થોડા માટે આપના આચારોથી નીચે ઉતરો, એ બરોબર નહિ. એમના સદ્ગુરુને પણ કહી શકાય કે સાહેબજી! આ મુનિરાજ પર આપ થોડું ધ્યાન આપજો. એટલે શાસનના કોઈ પણ અંગોની નિંદા તમે ક્યારે પણ ન કરતા. બરોબર…? શું લાગે છે… નિયમ આપું… જેને હાથ જોડવા હોય એ જોડી દો.  પચ્ચખાણ ….

તમે બધા આજે શાસન પ્રભાવિત બની ગયા. આપણે પ્રભાવક નથી બનવું. એ બીજા મહાપુરુષો છે. આપણે તો શાસન પ્રભાવિત જ બનવું છે. તો આવું કોઈનામાં જોયું કે શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરે છે, સમજાવ્યું… સમજવા તૈયાર નથી. ત્યાં પણ ગુસ્સો કરવાની ના પડી છે. ત્યાં માધ્યસ્થ ભાવ.. કે પ્રભુ! તારી કરુણા આના ઉપર ઉતરો. કેવું આ શાસન મળ્યું છે! બોલો…

મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં કહ્યું “શાસન તાહરું અતિ ભલું, જગ નહિ કોઈ તસ સરીખું રે, તિમ તિમ રાગ વધે ઘણો, જિમ જિમ જુગતિ શું પરખું રે” ષડદર્શનના એ પ્રકાંડ વક્તા હતા. બધા જ દર્શનોનો અભ્યાસ કર્યા પછી પ્રભુના શાસન પરનો અહોભાવ વધી ગયો, કે વાહ! મારા પ્રભુએ જે વાતો કરી છે એવી વાતો તો દુનિયામાં કોઈએ નથી કરી. શાસન તાહરું અતિ ભલું, જગ નહિ કોઈ તસ સરીખું રે, – જગતમાં આવા ધર્મ શાસન જેવું બીજું કોઈ ધર્મ શાસન નથી. તિમ તિમ રાગ વધે ઘણો, જિમ જિમ જુગતિ શું પરખું રે – જેમ જેમ હું ઊંડો ઉતરતો જાઉં છું તેમ મારો રાગ વધતો જાય છે.

હરિસત્ય ભટ્ટાચાર્ય કોલકાતા યુનીવર્સીટીના પ્રોફેસર, એ દર્શન શાસ્ત્રના પ્રોફેસર હતા. સાંખ્ય, નૈયાયિક, બૌદ્ધ, આ બધા દર્શનોનો અભ્યાસ એમને કરેલો. જૈનધર્મનો અભ્યાસ બાકી હતો. એમાં કોર્ષની અંદર, એ વર્ષના કોર્ષમાં, પ્રમાણ-નય-તત્વલોકાલંકાર નામનો જૈન ગ્રંથ ભણાવવાનું આયું… વિદ્વાન હતા, ખાલી જોવાનું જ હતું… નૈયાયિકો એમ કહે છે- શબ્દગુણકમઆકાશં… શબ્દ જે છે એ અરૂપી છે… આકાશ અરૂપી છે. શબ્દ અરૂપી છે. પ્રમાણ નય તત્વ ગ્રંથ ભણાવે છે, અને એમાં વાત આવી કે શબ્દ પુદ્ગલ છે અને એને પણ રૂપ અને બધું જ હોય છે. આ વાંચીને ચોંક્યા, કે આ વાત કોઈએ નથી કહી… કોઈ દર્શનકારે નથી કહ્યું કે શબ્દ રૂપી છે અને ટેપરેકોર્ડરમાં આજે આપણે શબ્દને પકડી શકીએ છીએ. અરૂપી હોય તો પકડાય નહિ. એક સૂત્ર કે શબ્દ પૌદ્ગલિક છે, આના ઉપરથી એ જૈન ધર્મના એ પૂરા ભક્ત બની ગયા, જૈન શાસ્ત્રનો અભ્યાસ કર્યો. અને પછી પુરા જૈન એ બની ગયા.

એક જર્મન બાઈ હતી, crowling કે એવું કંઈ એનું નામ હતું… એ જૈન ધર્મ ભણવા માટે વિજય ધર્મસૂરિ મ.સા. પાસે આવેલી. સાહેબે એનું નામ સુભદ્રા દેવી રાખ્યું. કે તારું આ નામ બરોબર નથી. તારા આ નામનો કોઈ અર્થ થતો નથી, crawling નો શું અર્થ? ગુરુદેવની સાથે સાધ્વીજીઓ હોય, સાધ્વીજીઓ પાસે અભ્યાસ કરે, આચાર્ય ભગવંતની વાચના વિગેરે સાંભળે. એકવાર એવું બન્યું… વિહાર કરતાં એક સાહેબ ગામમાં ગયા, લોકોને તો અહોભાવ હોય, અને એમાં ખબર પડી કે આ જર્મન બાઈ છે. અને જૈન તરીકે અભ્યાસ કરે છે, એટલે એક ભાઈએ કહ્યું, મારે ત્યાં એમને જમવાનું રાખો. જેટલા મહેમાન હોય, બધાનું જમવાનું મારે ત્યાં… સવારે ચા- નાસ્તો થઇ ગયો. બપોરે જમણવાર. એ જૈન ભાઈ છે પણ એને ખબર નથી કે આદ્રા નક્ષત્ર ગયું અને એટલે હવે કેરી ન ખવાય. આદ્રા નક્ષત્ર આવે એટલે કેરી બંધ થઇ જાય. તો આદ્રા નક્ષત્ર બેસી ગયેલું, અને પેલા ભાઈને થયું કે આજે તો બરોબર જમાડું બધાને… રસ, પુરી, ભજીયા, બધું જ એણે બનાવ્યું… સુભદ્રા દેવી જમવા માટે ગયા, રસ આવ્યો વાટકીમાં એ કહે કે ન ચાલે… આદ્રા નક્ષત્ર બેસી ગયું. હવે કેરી અભક્ષ્ય થઇ ગઈ. જે વાત પેલા જૈન ને ખબર નહોતી, એ આ જર્મન બાઈને ખબર હતી. એટલે જૈન ધર્મ વ્યાપક ધર્મ છે. કોઈ પણ વ્યક્તિ જૈન ધર્મને અનુસરી શકે છે, પાળી શકે છે, પામી શકે છે.

તો હવે વાત એ આવી… આ અધ્યાત્મ યોગને પામી કોણ શકે? ઔચિત્યાત્ વૃત્ત: યુક્તસ્ય. શ્રાવક અથવા સાધુ જે વ્રતધારી છે કે મહાવ્રતધારી છે. એ આ અધ્યાત્મયોગને પામી શકે પણ એની પહેલા વ્રતધારી અને મહાવ્રતધારી કહેતાં પહેલા એક શબ્દ વાપર્યો. ઔચિત્યાત્ – ઔચિત્યપૂર્વક. એટલે કોઈ પણ સાધક પાસે એક third eye – ત્રીજું નેત્ર ઔચિત્યનું ખુલ્લું હોવું જોઈએ.

એક શિષ્ય હોય, ૧૫ વર્ષ ગુરુના ચરણોમાં રહ્યો, ગુરુએ જ એને બહાર મોકલ્યો કોઈ મહોત્સવ માટે… પછી એક પરિસ્થિતિ આવી તરત યાદ કરે, આવું બનેલું ત્યારે ગુરુ મહારાજે શું કરેલું… આ ઔચિત્ય… કે એ વખતે એને ખ્યાલ આવે કે મારા પૂર્વ પુરુષોએ કર્યું હોય એ પ્રમાણે હું કરું. અથવા તો નાનું છોડવાનું હોય અને મોટો લાભ મળતો હોય તો નાનું ક્યારેક છોડી પણ શકાય.

એક મુનિરાજની વાત આવે છે, આપણે ત્યાં ૨ જાતની સાધના, એક ગીતાર્થની, બીજી ગીતાર્થની નીશ્રાની… ગીતાર્થ હોય એ એકલા વિચરી શકે. પણ અગીતાર્થે તો ગીતાર્થની નિશ્રામાં જ રહેવું પડે. ગીતાર્થ હોય તો તમારી સાધના certified થઇ શકે. એ મહાત્મા ગીતાર્થ હતા, એકલા વિચરતાં હતા, જંગલની અંદર થોડોક તાકીની વિભાગ આવ્યો, શિલાનો વિભાગ… ધીરે ધીરે ચાલી રહ્યા છે, એમાં ૮ – ૧૦ હરણોનું ટોળું જોશથી આ બાજુથી આ બાજુ ગયું. અને ઝાળીમાં અદ્રશ્ય થઇ ગયું. એના પગલે પગલે દબાવતાં શિકારીઓ આવ્યા, હવે આમ તો ધૂળમાં પગલાં પડે હરણના, પણ આ શીલાનો વિસ્તાર… આમ પણ શિલા…. આમ પણ શિલા…. આમ પણ શિલા…. એટલે હરણ ક્યાં ગયા હશે, હવે ખબર પડતી નથી. ઝાડીમાં ગયા,  દેખાતા નથી. એટલે એમણે આ મહાત્માને પૂછ્યું કે હરણ હમણાં ગયા, કંઈ બાજુ ગયા? મહાત્મા બોલ્યા, સમજ્યા, કઈ કહેવાય થોડું….હરણ આમ ગયા… કોઈ ભલે પછી પૂછડું પકડી રાખે આપણે સાચું જ બોલવાનું… એ ન ચાલે. અસત્ય બોલો પણ અહિંસા માટે છે તો અસત્ય પણ એ વખતે ધર્મ બની જાય.

મુનિરાજ અસત્ય બોલવા ય તૈયાર હતા, પણ એમને બીજી trick વાપરી. પેલા લોકોએ પૂછ્યું હરણ ક્યાં ગયા?  એટલે મુનિરાજ પૂછે છે કે આ પાટલીપુત્રનો રસ્તો નથી? મને તો હમણાં કોકે કહ્યું કે આ પાટલીપુત્રનો રસ્તો છે… આ રસ્તો પાટલીપુત્રનો નથી? મને કહેજો હો… મારે પાટલીપૂત્ર જવાનું છે. પેલા સમજ્યા કે આ મ.સા. બહેરા છે, નજીક આવ્યા પાટલીપુત્રની કોણ માંડે છે, હરણ ક્યાં ગયા? હરણ? મ.સા. ને time wait કરવો હતો, જેટલો વધારે સમય મળે એમ હરણ દૂર જતાં રહે… એટલે ધીરે થી કહ્યું….ભાઈસાબ હું સાંભળતો નથી, બહેરો છું, મને કહો ને પાટલીપુત્રનો રસ્તો છે કે નહિ… હોય તો આમ માથું ધૂણાવો ન હોય તો આમ માથું ધૂણાવો. એમ ધીરે ધીરે વાત કરી ૫ – ૭ મિનિટ કાઢી નાંખી. પેલા સમજ્યા કે આ તો બહેરા છે આપણી વાત જ જ સાંભળે એમ નથી તો જવાબ શું આપશે? પછી મૂંઝાયા આમ જવું કે આમ જવું… ૫ – ૧૦ મિનિટ મૂંઝવણમાં ગઈ. હરણો બચી ગયા. તો ઔચિત્યાત્ વૃત્તિ: યુક્તસ્ય ઔચિત્યપૂર્વક જે વ્રતધારી છે. મહાવ્રતધારી છે, એ જ આ અધ્યાત્મ યોગના અધિકારી છે.

તો પહેલા તમારા વિચારોને સમ્યક્ બનાવો. પહેલા વિચારોને નિર્મળ બનાવો. હવે જે છે ને મન અને ચિત્ત નિર્મળ બન્યા એટલે હૃદય – પૂરું અસ્તિત્વ નિર્મળ બનશે. તમારી તકલીફ ક્યાં છે કે વિચારો ઉપર તમારું નિયંત્રણ નથી. નિયંત્રણ હોય તો શું થાય. તમે પણ નિર્મળ વિચારોના સ્વામી બની જાવ. સારા વિચારો આવી રહ્યા છે, આવવા દો. જે ક્ષણે વિચાર અશુભના થઇ જાય, switch off કરો. તમારી પાસે એકેય switch નથી. તમારા સુખ – દુઃખની switch પણ બીજાની પાસે, વિચારોના નિયંત્રણની switch એ પણ બીજા પાસે.. તો તમારી પાસે શું છે…

Public meeting નું સ્થાન હોય ને ત્યાં switch board ઉપર box હોય, અને એને lock કરેલું હોય, કારણ કે hall વારંવાર ભાડે આપવાનો હોય, ક્યારેક ૫૦ જણા જ છે તો એટલી જ ખુરશીમાં બેસેલા હોય માણસો, એના ઉપર વોચમેન પંખો ચલાવે, એટલું જ એ.સી. ચલાવે, એટલી જ light ચલાવે, જેથી સંસ્થાને electricity નું bill વધારે ના આવે. પણ જો switch બોર્ડ ઉપર box ન હોય, નાના છોકરાઓ આવેલા હોય, અને ગમે તેમ switch પાડ્યા કરે, અને electricity નું bill વધી જાય. તમારા મનમાં switches ઘણી છે. ઉપર box નથી. એટલે switch બધી બીજાના હાથમાં… તમે બહુ સરસ બોલ્યા હો આજે, switch on… એકદમ અહંકાર આવી જાય, હું સરસ બોલ્યો… અને ૩ જણા પાછળથી મળે, અરે શું બોલ્યા તમે… યાર… કંઈ ધડ – માથું કંઈ સમજાતું નહોતું.. switch off. તો આ switch પણ બીજાના હાથમાં. વિચારોની switch પણ બીજાના હાથમાં, અશુભ વિચાર ચાલુ થયો. સાહેબ શું કરીએ બોલો…? સાહેબ શું કરીએ નહિ… switch off કરો. એ વખતે નમો અરિહંતાણં સહેજ loudly એનો જાપ કરો. મનને એમાં પરોવી દો.

મન ખરેખર ગુનેગાર નથી. ગુનેગાર તમે છો. મન તો તમે કહો ત્યાં જવા તૈયાર છે. તમે એને સારી જગ્યાએ મોકલો તો મન ના નથી પાડતું. પણ તમે મનને order કરતા નથી. એટલે ગુનેગાર કોણ? આ તો મન પર ઠોકી દીધું, સાહેબ શું કરીએ…

એક ભાઈ મને મળેલો, મને કહે સાહેબ! આનંદઘનજી મહારાજે પણ કહ્યું ‘મનડું કિમ હી ન બાજે’ તો અમારું તો ક્યાંથી ઠેકાણે પડવાનું… મેં કહ્યું, આનંદધનજી ભગવંતે એમના માટે નથી કહ્યું, તારા માટે કહ્યું છે. એમનું મન તો સ્થિર થઇ ગયેલું. અને સ્થિર થયું તો જ એ પરાવાણી એ ઝીલી શક્યા. અને પરાવાણી એમના મુખમાંથી નીકળી. તમારું મન અસ્થિર હોય તમે પરાવાણી ને ઝીલો શી રીતે…? એટલે એમનું મન તો સ્થિર હતું જ… આ તો આપણા માટે એમને પ્રાર્થના કરી છે.

તો પહેલું ચરણ તત્વચિંતન એને આપણે આજે જોયું. બીજું ચરણ છે ભાવન. વિચારો પર નિયંત્રણ મેળવવા માટે એક નાનકડી સાધના છે, કરવી છે…?

તો practical એક સાધના કરીએ જેના કારણે વિચારો ઉપર તમારું નિયંત્રણ સ્થપાય. શરીર ટટ્ટાર… આંખો બંધ… 

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *