વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ભાવન
વિચાર, ભાવના અને ધ્યાન. વિચાર ભાવનામાં રૂપાંતરિત ક્યારે થાય? બે શરત છે – કોઈ પણ શુભ વિચાર તમારા હૃદયને સ્પર્શી જાય અને એ વિચારને તમે વારંવાર ઘૂંટો – તો એ વિચાર ભાવનાના રૂપમાં અંકિત થાય.
આ વિચાર આપણે ઘણી વખત સાંભળ્યો કે : અનંત કાળથી આપણે પ્રભુના બે મોટા અપરાધો કરતા આવ્યા છીએ – જડ પ્રત્યે રાગ અને ચેતના પ્રત્યે દ્વેષ. આ જન્મમાં એનું પ્રાયશ્ચિત્ત કરવું છે – જડ પ્રત્યે ઉદાસીનભાવ અને ચેતના પ્રત્યે મૈત્રીભાવ.
આ વિચાર તમને સ્પર્શી ગયો, પછી તમે એને ઘૂંટો: મેં સ્વાર્થીય કે રાગાત્મક મિત્રતા તો ઘણી કરી. પણ હવે – એ માત્ર આત્મા છે – એ દૃષ્ટિથી મિત્રતા કરવી છે. ચેતના પ્રત્યેનો સમાદર. Reverence for life. આ રીતે વિચારને ઘૂંટો, તો એ ભાવનામાં પલટાય.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૨
વિચાર, ભાવના અને ધ્યાન. વિચાર ભાવનામાં રૂપાંતરિત ક્યારે થાય… બે શરત છે – કોઈ પણ વિચાર, શુભ વિચાર તમારા હૃદયને સ્પર્શી જાય, અને એ વિચારને તમે વારંવાર ઘૂંટો, તો એ વિચાર ભાવનાના રૂપમાં અંકિત થાય. કોઈ પણ વિચારને, શુભ વિચાર…
આપણા યુગના સાધના મહિષી પંન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકર વિજયજી મ.સા એ કહેલું કે આપણે પ્રભુના ૨ મોટા અપરાધો કર્યા. જડ પ્રત્યે આપણે રાગ કર્યો, ચેતના પ્રત્યે આપણે શત્રુતા કરી. આ પ્રભુના આપણે કરેલા ૨ અપરાધો છે. એ અપરાધોમાંથી મુક્તિ મેળવવી હોય તો શું કરવાનું…. જડ પ્રત્યે ઉદાસીનભાવ કેળવવાનો, અને ચેતના પ્રત્યે મૈત્રીભાવ કેળવવાનો. આ વિચાર સાંભળ્યો તો ઘણીવાર… પણ ક્યારેક મોહનીયનો ક્ષયોપશમ થયેલો હોય, અને આ વિચાર તમારા હૃદયને સ્પર્શી જાય કે પ્રભુના અપરાધો અનંતા જન્મોથી હું કરી રહ્યો છું. આ જન્મમાં તો પ્રભુના અપરાધોમાંથી મુક્તિ મેળવવી છે. આ વિચાર તમને સ્પર્શી જાય, પછી તમે એને ઘૂંટો કે જ્યાં ચેતના છે ત્યાં મિત્રતા… મૈત્રીભાવનો તમારો વિસ્તાર ક્યાં સુધી… જ્યાં ચેતના છે ત્યાં મૈત્રીભાવ. Reverence for the life.
શ્રીપાળ મહારાજા પાસે આ….. ધવલ શેઠે એમને દરિયામાં પાડ્યા, પછી શ્રીપાળકુમાર તો બીજી જગ્યાએ રાજાના અધિકારી થઈને બેસી ગયા. ધવલ શેઠ ત્યાં આવ્યા, એ વખતે ધવલશેઠને જોતા રતાશનો ટીસ્યો પણ ફૂટતો નથી. ત્યારે શ્રીપાળકુમારને થયું કે મારી અંદર સમભાવ છે. પણ મારી અંદર સમભાવ છે એની પરીક્ષા કોણે કરી…? ધવલ શેઠે કરી. માટે એ મારા ગુરુ છે, એ મારા ઉપકારી છે. પણ કદાચ આ જ ભૂમિકામાં શ્રીપાળ કુમાર રહ્યા હોય, તો બહુ મોટી વાત નથી. કારણ જ્યાં જયાં ઉપકાર દેખાય ત્યાં આપણે ઝુકી જઈએ. શ્રીપાળકુમાર એથી પણ આગળ વધ્યા, એમની પાસે Reverence for the life હતું. જ્યાં ચૈતન્ય ત્યાં સમાદર. શ્રીપાળકુમારને એક જ ગુરુ હતા, ધવલશેઠ. તમારે ગુરુ કેટલા હોય બોલો..?
હિંદુ પરંપરામાં ગુરુ દત્તાત્રયના ૨૪ ગુરુઓની વાત આવે છે. દત્તાત્રય બહુ જ શ્રીમંત ઘરે અવતર્યા છે. પિતાએ બધા જ પંડિતો અને શિક્ષકોને ઘરે બોલાવીને દત્તાત્રયને શિક્ષણ આપ્યું છે. દત્તાત્રય પંડિત બની ગયા છે. પણ દુનિયાનો કોઈ અનુભવ એમની પાસે નહિ.
એકવાર એક માણસે ચોરી કરેલી, રંગાયેલા હાથે પકડાઈ ગયો, એણે ફાંસીના માંચડે ચડાવવા માટે રાજકર્મચારીઓ જઈ રહ્યા રહ્યા છે. ગધેડા ઉપર એને બેસાડ્યો છે. એનું માથું કાળું કરી નાંખ્યું છે મેશથી… આગળ ફૂટેલો ઢોલ વાગે છે. દત્તાત્રય પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલા, એમણે આ જોયું, જોઇને પોતાના એક કર્મચારીને પૂછ્યું કે આ કયો વરઘોડો છે? તો કહે કે સાહેબ! આ વરઘોડો ન કહેવાય, આ માણસે રાજાનો અપરાધ કર્યો તેથી એને ફાંસીના માંચડે લઇ જાય છે. પણ લોકોને ખબર પડે એટલા માટે આગળ ઢોલ વગાડે છે. આ એક જ ઘટના; દત્તાત્રય ચોંકી ગયા. એમને થયું કે રાજાનો અપરાધ કરે એને આટલી સજા મળે, તો પ્રભુનો અપરાધ કરે એને કેટલી સજા મળે…..!પ્રભુએ મને અહીંયા મોકલ્યો છે સાધના કરવા માટે, વૈરાગ્યને ઘૂંટવા માટે, હું શું કરું? એ ચોરને જોતા વૈરાગ્ય થયો, એ સંન્યાસી બન્યા, અને પછી એ કહેતાં કે મારા પહેલા ગુરુ તરીકે એ ચોર છે. એ પછી એ સંન્યાસી બન્યા છે.
એકવાર એવું બન્યું કે એક શિલા ઉપર બેઠેલા, ધ્યાન પૂરું થઈ ગયેલું, ખાલી બેઠા છે, ત્યાં એક સમડી આવી. એના મોઢામાં પુરી કે એવું કંઈક ખાવાનું હતું, બીજી સમડીની નજર પડી એણે પણ એ પુરી જોઈતી હતી. ત્યાં ત્રીજી, ચોથી, પાંચમી સમડીઓ આવી ગઈ. અને બધી સમડીઓ પેલી સમડી ઉપર તૂટી પડી. પેલી સમડી સમજી કે પુરી ખાવા ગઈ તો જીવનથી હાથ ધોવા પડશે , એને પુરી ફેંકી દીધી. એણે ફેંકી એટલે બીજી સમડીએ ચાંચમાં પકડી. બીજીએ પકડી એટલે બીજી સમડીઓ એના ઉપર તૂટી પડી. દત્તાત્રયે બીજા ગુરુ તરીકે આ સમડીને કલ્પી છે કે જેની પાસે ભોગો છે, જેની પાસે આસક્તિ છે એને માર ખાવો પડે છે. તમે આવી કેટલીય ઘટનાઓ જોઈ હશે. પણ ક્યારેક વૈરાગ્ય સ્ફૂર્યો? ક્યારેક કોઈ આંતરજ્ઞાન તમને સ્પર્શ્યું? તો ૨૪ ગુરુઓ એ રીતે દત્તાત્રયના હતા. સહેજ પણ ઉપકાર કોઈએ કર્યો; એ ગુરુ.
તમને કોઈ ગાળ આપે, અને તમે શાંતિથી રહો એટલે ગાળ આપનાર તમારો ગુરુ. બરોબર…? બરોબર ? Reverence for the life. ચૈતન્ય પ્રત્યે સમાદર. તો પંન્યાસજી ભગવંતની આ વાત આપણને સ્પર્શી જાય, કે અનંતકાળથી પ્રભુનો અપરાધ હું કરતો આવ્યો છું; જ્યાં ચૈતન્ય ત્યાં દ્વેષ, જ્યાં ચૈતન્ય ત્યાં શત્રુતા. હવે મારે સૂત્રને બદલવું છે, જ્યાં ચૈતન્ય ત્યાં મૈત્રીભાવ.
એક નાનકડી ઘટના કહું, એક ભાઈ એક તીર્થમાં ગયેલા, તીર્થમાં ગયા પછી દર્શન કર્યું, પ્રભુનું. એક દિવસ રોકાવાનું હતું. ધર્મશાળાની રૂમ લીધી, ભોજનશાળામાં ચા- નાસ્તો કરી આવ્યા, ૯.૩૦ – ૧૦ વાગે એ ભાઈનો એક મિત્ર પરિવાર સાથે આવ્યો. નીચેની બધી રૂમો ભરાઈ ગયેલી એટલે એને ઉપર મોકલી દીધા. લગભગ ૧૧ વાગે ઉપરવાળા મિત્રનો નીચેવાળા મિત્ર ઉપર ફોન આવ્યો. કે આપણે એક conference meeting કરવી છે આપણા business માટેની તો તું ઉપર આવી જા. બીજા બધા પૂજા કરવા ગયા છે, રૂમમાં શાંતિ છે અને સારી રીતે વાતચીત થશે. પેલો ઉપર જાય છે. ૧૦ રૂમ આમ – ૧૦ રૂમ આમ વચ્ચે સીડી. સીડી થોડી અંદર હતી. પેલો કોરીડોરમાં દોડે છે. અને એ વખતે એક વ્યક્તિ સીડી પરથી ઝડપથી નીચે ઉતરે છે. કોર્નર પર બે અથડાયા…હવે આમ જુઓ તો એકેયનો વાંક છે ખરો..? આને પેલો દેખાયો નથી. પેલાને આ દેખાયો નથી. પણ આ નીચેની રૂમવાળો ગરમ થઇ ગયો. જુઓ છો કે નહિ, દેખાતું નથી. આ રીતે ભટકાઈ જાવ છો. ગુસ્સો આવ્યો… પેલો શાંત હતો, ચુપચાપ નીકળી ગયો. આ ભાઈ ઉપર પણ ગયો, conference meeting પણ પતી ગઈ. દિવસ પૂરો થઇ ગયો. રાતના દસેક વાગ્યા હશે અને એને બાથરૂમ જવું છે. Attach બાથરૂમ રૂમમાં નહોતું, બાથરૂમ અલગ હતા બધા… અને યોગાનુંયોગ electricity fail થઇ. અંધારામાં એ બાથરૂમ તરફ – toilet તરફ જાય છે. એટલે અંધારૂ ઘોર છે, અને અંધારાની practice નથી. અમને practice હોય હો… તમને તો સહેજ અંધારૂ થાય એટલે મૂંઝાઈ જાવ… તો પેલો માણસ જાય છે wash room તરફ… ત્યાં વચ્ચે એક પિલ્લર આવતો હતો મોટો … નવું કન્સ્ટ્રકશન ચાલુ કરેલું એનો એક પિલ્લર ભરાયેલો હતો. અંધારામાં પિલ્લર દેખાયો નહિ. White હોય તો હજુ ય દેખાય… પણ સિમેન્ટ નો જ પિલ્લર હતો. આ માણસ દોડતો હતો, જોશથી ભટકાણો થાંભલામાં… સવારે વાગ્યું હતું એના કરતા વધારે વાગ્યું છે. થાંભલા ઉપર કેટલો ગુસ્સો આવે…? કેટલો આવે…? કેમ? કેમ ન આવે…?
બસ આ જ આપણા મન સાથેનું આપણું cheating છે. તમે પણ આ રીતે ક્યાંક અથડાશો ભીંત સાથે તો ભીંતને લાકડી લઈને મારવા નહિ દો. પણ કોઈ વ્યક્તિ સામે આવી ગઈ, અને ભટકાઈ તો તમને ગુસ્સો આવવાનો જ છે. આના મૂળમાં શું છે? ચેતના પ્રત્યેનો દ્વેષ. અનંત જન્મોથી ચેતના પ્રત્યેનો દ્વેષ એટલો બધો કર્યો છે કે કોઈ પણ માણસ હોય, સહેજ આગળ આવીને બેસી ગયો કે મોઢું બગડી જાય. અરે! પણ તને ખબર ક્યાંથી પડી કે કોઈ આગળ આવ્યું કે કોઈ પાછળ આવ્યું….! તારી નજર તો સદ્ગુરુ ઉપર હોય. યા તો બંધ આંખે પ્રવચન સાંભળો, યા તો સદ્ગુરુ ઉપર આંખો તમારી સ્થિર હોય. તો ચેતના પ્રત્યેનો દ્વેષ અનંતા જન્મોનો છે.
રેલવેના કમ્પાન્ટમેન્ટમાં ગયા, પછી દસ જણા હોય ને, ૫૦ જણાની જગ્યા હોય એવું કમ્પાન્ટમેન્ટ છે, તમે દસ જણા હોવ અંદરથી બંધ કરી નાંખો. બહારથી પેલા લોકો ધક્કા મારે છે ખોલો… ખોલો… ખોલો… તમે અંદર હસતાં હોવ. કેમ…? એ બહારવાળા દુઃખી થાય એમાં તમે રાજી થાવ!
એક સૂક્ષ્મ વાત છે, સહેજ પણ તમને કોઈના પર તિરસ્કાર છે. એ વ્યક્તિ માટે તમે સાંભળ્યું, કે દાદર પરથી લપસી ગયો, પડ્યો, અને હાથે પગે ફેકચર આવ્યું… આ સાંભળ્યા પછી શું થાય બોલો…? કહેજો… એ પડી ગયો! આવો ભાવ આવે છે? કે આ પડી ગયો….! ચેતના પ્રત્યેનો દ્વેષ કેટલો ઊંડો ગયો છે!
પંન્યાસજી ભગવંત આખી જિંદગી મૈત્રીભાવ ઉપર બોલ્યા. મેં નાની વયમાં પંન્યાસજી ભગવંતના પુસ્તકો વાંચેલા. પછી ગુરુદેવ સાથે રાજસ્થાનની યાત્રાએ જવાનું થયું. મૂળાવામાં સાહેબજી બિરાજમાન, પંન્યાસજી ભગવંત. એમની નિશ્રામાં ઉપધાન ચાલતા હતા. અમે ત્યાં ગયા, ગુરુદેવ જોડે તો સાહેબને ચર્ચા થાય, પણ મેં સમય માંગ્યો. અને સાહેબજીએ પ્રેમથી મને સમય આપ્યો. જેમ તમે ઉંચે જાવ ને એમ ઉદારતા આવે જ છે. ભૌતિક ઉંચાઈ નહિ, આધ્યાત્મિક ઉંચાઈ. ભૌતિક ઉંચાઈમાં તો અહંકાર કેટલો વધે! હું… અબજોપતિ છું.
મને સમય આપેલો, એ સમયે હું ગયો સાહેબ પાસે… વંદન કર્યું.. પછી મેં પૂછ્યું કે સાહેબ! આપના પુસ્તકો આપ માત્ર મૈત્રીભાવની વાતો કેમ કરો છો? ભગવાને તો અસંખ્ય યોગો કહ્યા છે તો આપ એક જ યોગની વાત કેમ કરો છો..? એમણે એટલા બધા પ્રેમથી મને કહ્યું કે ભાઈ! બેટા! સદ્ગુરુ ડૉક્ટર તરીકે છે. ડૉક્ટર વ્યક્તિની નાળ પારખે છે. અને રોગ નક્કી કરે છે. સદ્ગુરુ પુરા સમાજની, પુરા સંઘની નાળ પરખે છે. સદ્ગુરુ face reading ના master છે. તમને બધાને જોઇને અને સંઘની, સમાજની નાળ પારખે છે. તો એમણે કહ્યું કે દાન ખુબ વધ્યું છે, શીલ ધર્મ ખુબ વધ્યો, દિક્ષાઓ ખુબ વધી. તપધર્મ પણ એટલો વધ્યો. પણ ભાવધર્મ વધ્યો નથી. આપણા દરેક સંઘોમાં ટુકડા જ ટુકડા છે. મૈત્રીભાવ નથી. એટલે ડૉક્ટર જે તત્વ ખૂટતું હોય એ તત્વ દર્દીને આપે. વિટામીન એ ખૂટે છે તો એ આપે. ડી ખૂટે છે તો ડી આપે. મિનરલ્સ ખૂટે છે તો મિનરલ્સ આપે. એમ મને લાગ્યું કે સમાજની અંદર, સંઘની અંદર મૈત્રીભાવ બહુ જ ઓછો છે. અને એ મૈત્રીભાવ ઓછો છે, એના કારણે આપણી સાધના બરોબર ચાલતી નથી. એટલે હું મૈત્રીભાવની વાતો કરું છું.
એટલે સાહેબજી એ આપણી નાળ પારખી હતી. કે આ માણસ લાખો રૂપિયા ખર્ચી શકશે ખરો. આ માણસ ગ્રહસ્થ હશે તો ૧૨ વ્રત પણ લઇ શકશે ખરો. દીક્ષા લેશે તો પંચમહાવ્રતધારી બની જશે. તપશ્ચર્યા પણ એ કરી શકશે. પણ એની પાસે અહંકાર હશે એ અહંકાર ને કારણે એ બીજાનો આદર નહિ કરી શકે. આ ત્રુટી એમણે જોઈ અને એથી એમને કહ્યું કે મૈત્રીભાવ સૌથી પહેલા જોઇશે. તમારા બધા અનુષ્ઠાનો ને મૈત્રીભાવથી અણુરંજિત કરી દો.
એક ઘટના યાદ આવે, ઝેન કથા છે. લીચી બહુ મોટા સંત હતા. એકવાર નદીના કિનારે ગયા, ત્યાં એક નાવ ધીમે ધીમે વહી રહી હતી. નાવિક કોઈ નહોતું. પણ પ્રવાહની અંદર ધીમે ધીમે નાવ જતી હતી. લીચી એ નાવમાં બેસી ગયા. પણ એ ધ્યાનની ધારામાં એટલા બધા આગળ વધેલા કે બે મિનિટ મળે એટલે આંખો બંધ કરી અને ધ્યાનમાં જતાં રહે. નાવ એની મેળે ચાલતી હતી. તો લીચીએ આંખો બંધ કરી દીધી અને ધ્યાનમાં જતા રહ્યા. તમારે ધંધા માટે train માં રોજ દૂર જવું પડતું હોય તો શું કરો…? કમ્પાન્ટમેન્ટ માં બેઠા આંખો બંધ કરી જાપ શરૂ, ધ્યાન શરૂ. ૧૦ – ૧૫ મિનિટ પછી લીચી બેઠા હતા એ નાવને જોરથી ધક્કો લાગ્યો. સારું થયું કે નાવ ઉથલી ન પડી. આમ – આમ થઇ અને પછી સીધી થઇ ગઈ. એ વખતે લીચી જેવા સંતને વિચાર આવ્યો, કે મારી આંખો તો બંધ હતી તો સામેવાળાની આંખ પણ બંધ હશે. એણે જોયું નહિ હોય કે આ નાવ આવી રહી છે. એની નાવ એણે ભટકાડી. સહેજ ગુસ્સો આવી ગયો…સહેજ… આંખ ખોલી, ખોલી અને જે દ્રશ્ય દેખાણું એ જોઇને હસી પડ્યા… સામેથી કોઈ નાવ આવી નહોતી. પાછળથી એક નાવ આવી હતી અને એ નાવિક વગરની હતી. દોરડો છૂટી ગયો હશે. પણ નાવ મોટી હતી એટલે પ્રવાહમાં તરતી આવી. અને એનો ધક્કો લીચીની નાવને લાગેલો… લીચી હસ્યા. અને પછી એમણે ખાલી નાવ એ શબ્દને પોતાના જીવનમાં વણી લીધી. ખાલી નાવ. એમણે વિચાર્યું કે જો એ નાવમાં કોઈ નાવિક હોત, ખલાસી હોત તો મને ગુસ્સો થવાનો જ હતો… પાછળથી આવે કે આગળથી આવે… પણ નાવ ખાલી જ હતી તો ગુસ્સો ન આવે.
તો આ બધા ક્રોધ કરનારા જે છે એ નાવિકવાળા નાવવાળા કે નાવિક વગરની નાવવાળા? ક્રોધ ક્યારે થાય…? હોંશ ચુકાઈ જાય ત્યારે… એટલે ખાલી નાવ. તમે ક્રોધ કરો ત્યારે તમે ખરેખર જાગ્રત હોવ…? તમે એટલે આત્મતત્વ. તમે એટલે જાગૃતિ. જાગૃતિ હોય તો ગુસ્સો આવે ખરો? જે ક્ષણે જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ. એમાં વળી વિચાર પણ શું કરવાનો? ગુસ્સાની વાત તો દૂર, વિચાર પણ કરવાની જરૂર નથી.
તો પંન્યાસજી ભગવંતની આ વાત હૃદયને સ્પર્શી જાય, કે અનંત જન્મોથી પ્રભુનો અપરાધ કર્યો છે. આ જન્મમાં પ્રાયશ્ચિત કરવું છે. અને પ્રાયશ્ચિત એ કે બધાના પ્રત્યે હું પ્રેમ જ પ્રેમ દાખવતો હોઉં. તો આ વિચાર તમને સ્પર્શી ગયો એક, તો હવે તમે એને ઘૂંટો. કે મારે બધાની સાથે મૈત્રીભાવ કરવો છે. મારે બધાની સાથે મિત્રતા રાખવી છે. સ્વાર્થીએ મિત્રતા ઘણી કરી.. રાગાત્મક મિત્રતા ઘણી કરી. એ નહિ. જેમાં સ્વાર્થ નથી. કોઈ રાગ નથી, એવી મિત્રતા. એ માત્ર આત્મા છે. એ દ્રષ્ટિ એ મિત્રતા. એ મને લાભકારી થશે માટે મિત્રતા નહિ, એ મારો friend છે માટે મિત્રતા નહિ. એ આત્મા છે માટે મિત્રતા. આવી મિત્રતા કરવી, એવો વિચાર આવ્યો, એને ઘૂંટ્યો; તો એ ભાવ થઇ ગયો. અને એ ભાવના થઇ જાય, તો ભાવના જે છે ને એ કાર્ય કરે છે. વિચાર કાર્ય કરે પણ ખરો ન પણ કરે. ભાવના તો અચૂક કાર્ય કરશે. તો આપણે એકદમ practically આજે થઇ ગયું. આ વિચાર તમને સ્પર્શે એવો છે…? બાકી તો એક કલાકમાં અમે ગમે એટલું કહીએ ને ઘણું તમે ભુલી જતાં હોવ છો. બે વાર – ત્રણ repeat કરીને કહીએ ત્યારે માંડ યાદ રહે.
બુદ્ધ ભગવાન દરેક વસ્તુને ૩ વાર repeat કરીને કહેતાં… આપણે ત્યાં પણ આ વાત છે. કરેમિ ભંતે વિગેરે અમને આપવામાં આવે, ઉપધાનમાં તમને આપવામાં આવે ત્યારે ૩ વાર આપવામાં આવે છે. ૩ વાર કેમ? સૂત્રોની દીક્ષા તમને આપીએ ઉપધાનમાં તો પણ ૩ વાર.
તો એકવાર પટ્ટશિષ્ય આનંદે બુદ્ધને પૂછ્યું કે ભગવાન! તમે એક વાત ૩ વાર કેમ કહો છો? બુદ્ધ હસ્યા… બુદ્ધ કહે તમારા જેવા માણસો માટે ૩૦૦ વાર એક વાત કહેવી પડે. ૩ વાર તો બહુ સંક્ષેપમાં હું કહું છું. બાકી તમારા જેવા માણસો માટે એક વાત ૩૦૦ વાર કહેવી પડે. કારણ? શરીર અહીં બેઠું હોય, મન તો ક્યાંય હોય. તો કાનમાં તો ખાલી શબ્દો જાય, એ શબ્દોને interpretation તો મન કરવાનું છે. એ મન જ બહાર ભાગેલું હોય, ચાલો આજે જ તમારા શ્રાવિકાજી વ્યાખ્યાનમાં નથી આવ્યા, તમે ઘરે ગયા ને પૂછ્યું, આજે વ્યાખ્યાનમાં શું આવ્યું હતું? શું આવ્યું હતું…? બહુ સરસ વાતો આવી હતી… પેલી કહે કે પણ એ તો સરસ જ હોય મ.સા. બોલે એ … પણ શું બોલ્યા હતા…? તો તમારે ધીરેથી કહેવું પડે ધીરેથી કે ભાઈ! મ.સા. બોલ્યા અને મ.સા ને યાદ હોય, તો મને ક્યાંથી યાદ હોય…! વ્યાખ્યાન માટે આવો છો બહુ સરસ. પણ અમારી ઈચ્છા છે કે તમને કંઈક આપવું, તમે કંઈક લઈને જાવ.
તો આ વાત આજે ઘૂંટાય છે આમ? મનમાં…? કે અનંતા જન્મોમાં પ્રભુનો અપરાધ કર્યો, હવે અપરાધ તો નથી કરવો, પણ આ જન્મમાં પ્રાયશ્ચિત કરવું છે. અને પ્રાયશ્ચિતમાં શું કરવાનું…? બધાની સાથે મૈત્રીભાવ કરવાનો. પછી charity begins from home. ઘરેથી શરૂઆત કરો. તમારા નોકર જોડે મિત્રતા કરો. નોકરને ક્યારે કહ્યું તમે? કે તારે કોઈ તકલીફ હોય તો મને કહેજે. તું વર્ષોથી મારે ત્યાં નીકરી કરે છે. તું એકદમ પ્રમાણિક છે. તારે ક્યારે પણ જરૂરિયાત પડે તારા દીકરા-દીકરીના લગ્ન હોય, એમને ઉચ્ચ અભ્યાસ કરાવવાનો હોય, કંઈ પણ જોઈતું હોય, તો સંકોચ વગર મને કહેજે. આવું કર્યું છે કોઈ વાર..? એ નોકરમાં તમને સિદ્ધાત્મા દેખાયો છે? એ પણ ભવિષ્યનો સિદ્ધ જ છે. તો ભવિષ્યના સિદ્ધ તરીકે તમને એ દેખાયો છે…?
તો ઘરેથી શરૂઆત કરો. પત્ની એની સાથે અત્યાર સુધી કદાચ સ્વાર્થી એમ… રાગાત્મક સંબંધો હતા. હવે પત્ની તમારી કલ્યાણમિત્ર. તમે એના માટે કલ્યાણમિત્ર. તમારા સંતાનો માટે પણ તમે કલ્યાણમિત્ર. એને અમેરિકા જવાની બહુ ઈચ્છા હોય, તમારે એને મોકલવો પણ પડે એમ છે, ક્યારેય તમે દીકરાને કહ્યું? એક વર્ષ નહિ પણ એક મહિનો મ.સા. જોડે વિહારમાં રહી આવ. સાધુપણું શું હોય છે, એ તું સમજી લે, પછી તારી ઈચ્છા હશે તો અમેરિકા મોકલીશ. તારી ઈચ્છા હશે તો દીક્ષા આપીશ. ક્યારેય કહ્યું આવું…? તમારા દીકરાના તમે કલ્યાણમિત્ર છો? લગભગ શું બને છે, એ દીકરો અમેરિકા ગયો, અભ્યાસ પૂરો થયો, એ ભારત આવવા તૈયાર નથી. ત્યાં job મેળવી લે છે, ત્યાં જ લગ્ન કરી લે છે. અને અહીંયા કહે છે હું તો ત્યાં જ રહેવાનો છું, અને આપ ત્યાં રહેજો. અને અને પપ્પા મમ્મી ને કદાચ કહી દે કે તમારે આવવું હોય તો અમેરિકા આવજો. હું ભારત આવવાનો નથી. આ હાલત ઘણી જગ્યાએ થાય છે, તો તમે તમારા સંતાનોના કલ્યાણમિત્ર ખરા કે નહિ? એનો આવતો જન્મ, એના પછીનો જન્મ એ ધર્મમય કેમ બને… એના માટેની ચિંતા તમે કરી? તમે તમારી પત્નીના કલ્યાણમિત્ર, પત્નીની ઈચ્છા હોય ઉપધાન કરવા જવું છે, તમે કહી દો, આપણે ત્યાં રસોઈયો છે, એક બીજો માણસ રાખી દઈશું તું ઉપધાન કરવા જા. આટલી સરસ ક્રિયા અને એ કરવાનો તારો વિચાર હોય, તો તું ખુશીથી જા. ઘરનો વિચાર તું કરતી નહિ, ત્યાં ગયા પછી… અમે ક્યારેક શાતા પૂછવા આવી જઈશું તને, પણ તું ઘરનો વિચાર નહિ કરતી. આરાધનામાં મનને રાખજે. છે આવા….? નથી એવું નહિ… આજના યુગમાં બધું જ છે. એમ કહું કે અહોભાવ ખુબ જ વધ્યો છે.
પૂજનીય સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવતીઓ ઉપર તમને જે અહોભાવ વધ્યો છે, એ બહુ જ ઉંચી કક્ષાનો છે. અને હું તો ત્યાં સુધી માનું, એકલો એ અહોભાવ તમને સામે પાર લઇ જાય. એ અહોભાવ ક્યારે થાય..? આ સાધુપણું સારું લાગ્યું છે ત્યારે… તમારા જમાઈ ની ભક્તિ ન કરો, એવી ભક્તિ અજાણ્યા સાધુ ભગવંતની કરો. કેમ…? આ વેશ ગમે છે. પરમાત્માનો વેશ છે. વેશ પરમાત્મા… વેશ પરમાત્મા મારે દ્વારે આવ્યા… શાસ્ત્રોમાં લખ્યું છે કે ધર્મલાભ શબ્દ સાંભળતા સાડા ત્રણ કરોડ રૂવાળા ઊંચા થઇ જાય. આંખો ભીની બને. મારે ત્યાં વેશ પરમાત્મા. અમારો અને તમારો સંબંધ પરમાત્માને કારણે છે. આ પરમાત્માની ચાદર ઓઢી છે માટે તમારો અને મારો સંબંધ છે. એ અહોભાવ જે છે, એ અહોભાવ સાધુપણા ઉપર જોઈએ. અને સાધુપણા ઉપરનો અહોભાવ મનમાં એક જ ભાવનાને દ્રઢ કરે કે મને પણ ક્યારે સંયમ મળે. અને ભલે ૬૦ વર્ષની ઉંમર થઇ, ૬૫ ની ઉંમર થઇ કદાચ પગની તકલીફ છે, આ જન્મમાં લઇ શકાય એવું લાગતું નથી. પણ આવતાં જનમની અંદર નાની વયમાં મને બસ દીક્ષા આપો. આ અહોભાવ તમારી પાસે છે. એટલે તમારી plus point ખરેખર બહુ છે.
પણ મને જે ચિંતા છે ને, એ આજની જનરેશનની છે. જે જનરેશન ઉપાશ્રયમાં આવતું નથી. દેરાસરમાં ક્યારેક ક્યારેક આવે. ઉપાશ્રયમાં બિલકુલ ન આવે. ઘરે મ.સા. આવે તો પગે લાગે નહિ, આ સત્સંગ ન હોય એટલે ધર્મનો પરિચય ન હોય, તમારા મૂળિયાં તો બરોબર ઊંડા છે. પણ એની પાસે મૂળિયાં જ નથી. માત્ર ભણવાનું, ટી.વી., ટ્યુશન. તો ભવિષ્યની પેઢીનું શું? આ સ્થાપત્યો સંભળવાના, આ પ્રવચન સભામાં બેસવાનું. અમે મહાત્માઓ મળેલા ને માટુંગામાં ત્યારે એક વિચાર આ પણ કરેલો, કે ૧૫ થી નીચેના વયના બાળકો કદાચ ઉપાશ્રયમાં દેખાય, એ પણ અહીંયા દેખાતા નથી. પણ રવિવારની શિબિર કરે તો નીચે દેખાય. અહીંયા ઉપર ૧૫ વર્ષથી નીચેનું પણ એકાદ બાળક આવતું હોય તો ભલે… માં લઈને… બાકી… તો અમે વિચાર એ કર્યો, કે ૧૫ કે ૩૫ સુધીનું એક પણ વ્યક્તિ આપણા ઉપાશ્રયમાં આવતું નથી. Over ૪૦, over ૫૦, over ૬૦ બધા આવી રહ્યા છે. તો યુવાનોને ભવિષ્યના વારસા માટે તૈયાર કેમ કરવા…? આ એક અમારી વેદના હતી. એ અમારી વેદનામાં તમારી વેદના ભેગી ભળે તો કામ થઇ જાય. એ નવમી – દશમી માં ગયો પછી તમારો નહિ. પણ બિલકુલ નાનો હોય ને ત્યારે એ તમારો છે. એટલે તમે એને દેરાસરે લાવો, પૂજા કરવા માટે લાવો, એના unconscious mind માં સંસ્કાર પડે કે આ કરવા જેવું છે.
હું ૬.૩૦ વર્ષનો હતો ને ત્યારે બાપુજી મને પ્રતિક્રમણ કરવા માટે લઇ જતા. હવે ૬.૩૦ વર્ષનો દીકરો…. આખો દિવસ ધીંગા મસ્તી કરે, અને મારું નાનકડું ગામ. પ્રતિક્રમણનો સમય તો નક્કી ન હોય, પેલા ભાઈ આવ્યા, પેલા ભાઈ આવ્યા… પેલા ભાઈ નથી આવ્યા તો ૫ મિનિટ… રાહ જુઓ. અને ઉપાશ્રયમાં હોય અંધારું. સામાયિક લીધા પહેલા હું clean bold થઈને સૂઈ જાઉં. પ્રતિક્રમણ કરી, સામાયિક પારી, મને ઉચકીને ઘરે લઇ જવો પડતો. ઉપાશ્રયથી અમારું ઘર દૂર હતું થોડુંક, તો મને ઉચકીને લઇ જવો પડતો. તો આજુબાજુવાળા બધા કહે કે આ છોકરો રોજ ઊંઘી જાય છે. તમારે ઉચકીને લઇ જવો પડે છે. તો લાવો છો શા માટે…? ત્યારે બાપુજીએ કહેલું કે એના અજ્ઞાત મનમાં સંસ્કાર પડે કે આ કરવા જેવું છે.
એવું એ અમારું ગામ હતું… કે જ્યાં ૧૦ વર્ષનો છોકરો હોય, એને રડાવવો હોય તો એક જ trick વાપરવાની. આજે તારા પપ્પા અમદાવાદ કેમ જાય ખબર છે? તારું વેવિશાળ કરવા માટે અને પેલો ભેંકણો તાણે કે મારે દીક્ષા લેવાની છે. આવું ગામ હતું. આઠ વર્ષની અમારી વય થઇ, તો બધા જ છોકરાને ૬૪ પ્રહરી પૌષધ પર્યુષણમાં… આઠે આઠ દિવસ… સંસ્કાર જ એવા… પછી ભલે ચરવળાથી મારામારી કરીએ… પણ, ૬૪ પ્રહરી પૌષધ તો કરવાના. તો નીચે વ્યાખ્યાન ચાલતું હોય, અને વ્યાખ્યાનમાં આઠ વર્ષના છોકરાને સમજણ શું પડે…! અમે લોકો ઉપર જઈએ મેડા ઉપર કોઈ ચોપડી વાંચે, કોઈ રાગોડા તાણે, કોઈ લડાઈ કરે…
એમાં પહેલો જ દિવસ એક છોકરાએ પૂછ્યું કે આ ચોસઠ પ્રહરી પૌષધ એટલે શું? અમારામાં એક છોકરો હોશિયાર હતો, એણે કહ્યું કે આ ૬૪ પુરી પૌષધ. એટલે આઠ દિવસમાં ૬૪ પુરી ખાવાની… આપણે નાના છોકરા, આપણે તો સંવત્સરીના પણ ઉપવાસ કરી શકીએ નહિ, એકાસણું જ કરવાનું. તો આઠ દિવસના એકાસણામાં ૬૪ પુરી આપણે ખાવાની. બધાને વાત ગળે ઉતરી ગઈ. પ્રહરી ને પુરી… કોણ જાણે? પણ આ ૬૪ પુરી પૌષધ વાત બરોબર… ૬૪ પુરી પૌષધ …પહેલા જ દિવસે એકાસણું કરવા માટે હું ગયો. મેં પચ્ચક્ખાણ વહેલા પારેલું, સાઢપોરસીએ… પછી પાણી – બાણી પી લીધું. એટલે પછી ૧૨ – ૧ વાગે ગયેલો… બાપુજીને પણ એકાસણું હતું પણ એ પુરિમુટ્ઠે પારવાના હતા.
હું ગયો ઘરે, બીજી બધી વિધિ કરી… બેઠો… મેં મમ્મીને કહ્યું ચા અને પુરી પહેલા આપ. મમ્મીએ ચા અને પુરી આપી. હું પુરી ખાતો હતો ત્યારે બાપુજી આવ્યા. થાળીમાં નજર ગઈ, એ કહે શું કરે છે… પહેલા ચા અને પુરી ખાય છે… પહેલા શીરો, રોટલી, શાક આ બધું ખાઈ લેવાનું… પછી થોડી જગ્યા વધી હોય ને એમાં ચા અને પુરી તો પેસી જાય. ૨૪ કલાક ચલાવાનું છે તારે… એટલે પહેલા ચા અને પુરી ન ખવાય. મેં કહ્યું એ તો મને ખબર છે, પણ પહેલા કોઠા તો પૂરો કરવો પડે ને… તો એ ચમક્યા… કે શેનો કોઠા… મેં કીધું ૬૪ પુરી ખાવાની ને આઠ દિવસમાં… ત્યારે એમણે કહ્યું ગાંડાભાઈ! આ ૬૪ પુરી પૌષધ નથી, ૬૪ પ્રહરી પૌષધ છે. એક દિવસના આઠ પ્રહર, ત્રણ કલાકનો એક પ્રહર, તો આઠ દિવસના કેટલા થાય… ૬૪ પ્રહર… એટલે ૬૪ પ્રહરી પૌષધ છે. તો ૬૪ પ્રહરી પૌષધ એટલે શું…? એ ખ્યાલ નહોતો…ત્યારે પણ 64 પ્રહરી પૌષાદ અમારે કરવાના. પહેલા સુરતમાં એકદમ high profile society માં પર્યુષણ કરાવવા જવાનું થયું. પર્યુષણના દિવસો, છોકરાઓ પણ આવતાં, એટલે મેં એકવાર પૌષધની વાત કરી, પણ પેલા societyના બંગલાઓ માં રહેતા છોકરાઓ… પાઠશાળામાં પણ જાય, ન જાય એવું… એ કહે પૌષધ વળી શું હોય…? એટલે તમારી નવી જનરેશન માટે અમને વેદના છે, તમને વેદના છે?
એક કામ તમે આજથી કરી શકશો… એકદમ practical… મહાનગરોમાં સવારે ધમાધમ હોય, ઓફિસે જવું છે, સ્કુલે જવું છે. રાતનો સમય એવો છે જ્યારે બધા ઘરે આવી ગયેલા હોય, તમે એક સમય નક્કી કરો, રાત્રે ૮ નો, ૮.૩૦ નો, ૯.૦૦ નો કોઈ પણ… એ સમયે ઘરના બધાએ ફરજીયાત હાજર રહેવાનું. ઘર દેરાસર હોય તો પહેલા સ્તુતિ કરી ચૈત્યવંદન કરવું, આરતી ઉતારવી, દેરાસર માંગલિક કરવું. અને પછી બેસવાનું. તમે વ્યાખ્યાનમાં કોઈ વાત સાંભળેલી હોય, તમે કોઈ પુસ્તકમાં વાત વાંચેલી હોય, એની વાત તમે તમારા દીકરા સામે કરો. કે આપણે જૈન છીએ, જૈન ધર્મ એટલે શું?
શીખોની પાસે એક પરંપરા છે, કેવી પરંપરા? અકાલ તખ્ત એ ઈન્દિરાજીએ તોડી નંખાયું. પછી ઇન્દિરાજીએ પોતે જ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નવું અકાલ તખ્ત બનાવ્યું. એમના ભગવાનનું મંદિર… શીખો એ કહી દીધું, આ મંદિર અમારે નહિ ચાલે. અમે લોકો પરસેવાદ્વારા જે મંદિર બનાવીએ, એ જ મંદિર અમારા ભગવાનને ચાલે. મજુરોએ બનાવેલું મંદિર અમારે કામમાં ન આવે. આજે પણ પરંપરાએ એમને એમ છે. એ લોકોએ જાતે સેવા આપવાની. ગુરુઓની પરંપરા હવે નથી પણ એક બીજી વ્યવસ્થા છે કે જે વ્યવસ્થા બધું નિયમન કરે છે. ક્યારેક કોઈ માણસે બોલવામાં ગફલત કરી, તો પેલા લોકો નક્કી કરે કે કઈ સજા આપવી.
એકવાર ભારત સરકારનો એક પ્રધાન હતો, શીખ હતો, તો એને બોલવામાં કંઈક ચૂક કરી, તો આ લોકોએ કહ્યું કે તમને સજા આપવામાં આવશે. પેલો કંઈ સમજ્યો કે આ લોકોને આધીન નહિ થવું તો મને સમાજમાંથી બહાર ફેંકી દેશે. એટલે એને હાથ જોડીને ત્યાં આવવું પડ્યું. અને કહ્યું તમે જે સજા આપો તે… તો પેલા લોકોએ કહ્યું, ૧૦ દિવસ સુધી ગુરુદ્વારાની બહાર બેસી રહેવાનું. જેટલા લોકો આવે એ બધાના જૂત્તા સાફ કરવાના. અને કેન્દ્રીય પ્રધાન જમીન ઉપર બેસી ગયો. અને બધાના જૂત્તા સાફ કરવા લાગ્યો. શીખોની પાસે આ પરંપરા છે. એ લોકો ગ્રંથસાહિબ કહે છે, ગ્રંથ નહિ, ગ્રંથસાહિબ. કોઈ પણ એમનું તીર્થ હોય એની પાછળ સાહિબ લગાવે, ગુરુદ્વારા સાહિબ, આનંદપુર સાહિબ… તો ક્યારેક ક્યારેક બીજી પરંપરાઓની અંદર પણ, હિંદુ પરંપરાની અંદર પણ જે કાંઈ સારું છે એને આપણે જોઈએ. ત્યારે આપણને થાય કે આપણે ત્યાં પણ આપણે એને add કેમ ન કરીએ… તો અમારી જે મથામણ છે એ તમારા દીકરાઓ માટે અમારે કંઈક કરવું છે… એવી મહેનત, એવી મથામણ તમારી થઇ જાય, કે તમારે તમારા દીકરા માટે કંઈક કરવું છે.. બે હાથે તાળી વાગે ને…
તો વિચાર, ભાવન, અને ધ્યાન. Thinking, re-thinking and meditation. શનિ – રવિ વ્યાખ્યાન ચાલુ જ છે આ સમયે. મારે બહાર જવાનું છે. સોમવારે આવીને આ જ ધારામાં પાછા આપણે આગળ ચાલશું. ૨ દિવસ તમારે home work કરવાનું. ૩ દિવસમાં ઘણું બધું કહ્યું છે. વિચારો માટે બહુ કહ્યું, ભાવનાઓને કેવી રીતે આપણે સ્વીકારવી, એ બાબત પણ કહી.
હવે તો સગવડ છે. આ પ્રવચનો ફરીથી તમે સાંભળી પણ શકો એમ છો. ફરીથી સાંભળો, અને ફરીથી સાંભળી અને બરોબર તમે આ પદાર્થોને એકદમ સ્થિર કરી અને આ ધારામાં આગળ વધો.