Sadhana – Param Sparshi Varshavas – Vachana 73

228 Views 17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ભાવન

વિચારને ઘૂંટીએ, એટલે ભાવનમાં ફેરવાય. એક કલાકના પ્રવચનમાં એક વિચાર કેન્દ્રસ્થાને હોય છે અને પ્રવચનકાર મહાત્મા એ વિચારની આસપાસ એક કલાક સુધી ઘૂમતા હોય છે. એક કલાક સુધી એમણે જે વિચારને ઘૂંટ્યો એ તમારા મનમાં ઘૂંટાવાનું શરૂ થાય, તો ભાવન આ રહ્યું!

માતા–પિતા દ્વારા મળેલું આ શરીર રાખમાં મળી જવાનું છે; એ હું નથી – આ વાત logically જરૂર સમજાય છે. પરંતુ Next to soul, body છે. અને આત્મા પકડાતો નથી, એટલે શરીરમાં હું પણાની બુદ્ધિ આપણે કરીને બેસી ગયા છીએ.

હું આત્મા છું – આ વિચારને હવે ભાવનમાં લઇ જવો છે. હું એટલે શરીર – નહિ. હું એટલે નામ – નહિ. હું એટલે મન – નહિ. આને વારંવાર ઘૂંટો.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૩

વિચાર, ભાવન અને ધ્યાન. વિચારને ઘુંટીએ એટલે ભાવન થઇ જાય. હું આત્મા છું. કેટલી વાર સાંભળ્યું પણ એને તમે ભાવનમાં ન લઇ ગયા.

અષાઢ મહિનો હોય, પહેલો વરસાદ પડે, પડે , પડે જ … ઘરતી ભીની ભીની થઇ જાય, પણ ૪ કલાકમાં બિલકુલ કોરી એ થઇ જાય. તપેલી ધરતી હતી, થોડાક છાંટા પડ્યા, વિલીન થઇ ગયા. પણ એ વરસાદ repeat થયા કરે તો…? રાત્રે ફરી વરસે, બીજા દિવસે વરસે, ત્રીજા દિવસે રાત્રે વરસે…. એ રીતે લગાતાર અઠવાડિયું વરસાદ વરસ્યા જ કરે તો એનું પાણી અંદર જાય. વિચારને હવે ભાવનમાં લઇ જવો છે… કોઈ પણ પ્રવચનકાર મહાત્મા એક કલાક પ્રવચન આપે કે દોઢ કલાક આપે… એક વિચાર કેન્દ્રમાં હોય છે, અને એ વિચારની આસપાસ એ એક કલાક સુધી ઘૂમતા હોય છે. એક કલાક સુધી એમણે જે વિચારને ઘૂંટ્યો એ તમારા મનમાં ઘૂંટાવાનું શરૂ થાય તો ભાવન આ રહ્યું!

“હું આત્મા છું” આ વિચારને ઘૂંટવો હોય તો શી રીતે ઘૂંટાય…? હું એટલે શરીર નહિ, હું એટલે નામ નહિ, હું એટલે મન નહિ. વારંવાર આને ઘૂંટો. જ્યાં સુધી શરીરથી પર આપણે ન બની શકીએ, મનથી પર આપણે ન બની શકીએ… ત્યાં સુધી આત્મ તત્વનો અનુભવ દૂરની ઘટના છે. માત – પિતા દ્વારા આ મળ્યું છે, રાખમાં મળી જવાનું છે; એ હું નથી… આ logically સમજાય છે. શરીર હું નહિ, આ વાત logically સ્પષ્ટ થઇ જાય. પણ અનંતકાળથી એક સંસ્કારો પડેલા છે- હું એટલે આ, હું એટલે આ…

એકવાર મેં શ્રોતાઓને પૂછેલું કે તમને બધાને ખ્યાલ છે કે શરીરો બદલાતા રહ્યા છે, છતાં શરીરની અંદર હું પણાની બુદ્ધિ કેમ થાય છે….? એ લોકોને પણ લાગ્યું કે વાત તો સાચી છે. આ વખતે મનુષ્યનું શરીર છે. ગઈ વખતે કયું હતું એ ખ્યાલ પણ નથી. શરીરો બદલાતાં જ રહ્યા છે તો પછી હું ને આપણે શરીર પર કેમ મુકીએ છીએ? હું અવિનાશી છું. વિનાશી નથી… એ વખતે મેં જવાબ આપેલો કે next to soul body છે. આત્મા પકડાતો નથી અને એટલે શરીરમાં હું પણાની બુદ્ધિ આપણે કરીને બેસી ગયા છીએ. ૫૦ વર્ષથી, કદાચ ૩૦ – ૪૦ વર્ષથી પ્રવચન સાંભળનારા તમે, અને તમે કહી દો કે હું એટલે શરીર તો કેમ ચાલે…?!

એકવાર મારા એક શિષ્યે મને કહ્યું, કે ગુરુદેવ! પેલા મહાત્માએ મને આવું કહ્યું. મેં કહ્યું, કોઈ પણ સાધુની ભાષા, કોઈ પણ સાધ્વીની ભાષા મીઠી જ હોય, મધુર જ હોય. પ્રભુ બોલે ને… મેં કહ્યું હું એને કહી દઈશ. પણ પછી મેં એને કહ્યું કે તું મિથ્યાદ્રષ્ટિ થઇ ગયો, એનું શું કરશું? એ નવાઈમાં પડ્યો… હું? મિથ્યાદ્રષ્ટિ….? મેં કહ્યું, હા. પરની અંદર સ્વની બુદ્ધિ જે કરે તે મિથ્યાત્વી… તું કહે છે, મને કીધું… તને કીધું કે તારા શરીરને કીધું? તો શરીરમાં હું પણાની બુદ્ધિ જે રાખે એ સમ્યગ્દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ? હું એટલે શરીર… તમે મિથ્યાદ્રષ્ટિ થઇ ગયા. હવે હું એટલે આત્મા. પણ એ બોલવા સુધીની વાત હોય તો તમે પરીક્ષામાં પાસ થતાં નથી. ચિંતન સુધી તમે હોવ તો પણ પરીક્ષામાં નાપાસ છો. ભાવન – ઘૂંટાવાનું થયું છે, એ ઘૂંટાવાનું થાય પછી તરત જ આત્માનુભૂતિ. ધ્યાન એટલે અનુભૂતિ.

ચિંતનને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થથી યુક્ત કહ્યું. તો તમારા વિચારમાં મૈત્રીભાવ આવ્યો, એ ઘૂંટાયો અને સમભાવની એક દ્રઢ અનુભૂતિ તમને મળી. તો શું થાય.. હમણાંની એક ઘટના કહું… એક જ્ઞાની આચાર્ય ભગવંત બહુ જ મોટા વિદ્વાન. એક શ્રાવકે એમને વિનંતી કરી કે ગુરુદેવ! સ્વદ્રવ્યથી મેં દેરાસર બનાવ્યું છે. એની અંજનશલાકા અને પ્રતિષ્ઠામાં આપ નિશ્રા આપો. ગુરુદેવે વાત સ્વીકારી.

તમને ખ્યાલ આવે એક સદ્ગુરુ તમારા એક મહોત્સવમાં નિશ્રા આપવા માટે હા પાડે, ત્યારે એ અંદરથી બહાર કેટલા આવી જાય…  શિષ્યોને લઈને ત્યાં જવું પડે. ત્યાં અઠવાડિયું ૧૦ દિવસ એ વિધિ – વિધાનમાં રહેવું પડે. માત્ર ને માત્ર અંદર રહેલા એ મહાપુરુષને બહાર આવવું પડે. પણ એક પરોપકારની લાગણી એવી હોય છે કે એની ઈચ્છા બહુ જ છે તો આપણે જઈશું. ગુરુદેવ પધાર્યા. એ ભાઈએ બહુ જ મોટા ઠાઠથી ઉજવણી કરવાનું નક્કી કરેલું. કે આટલા મોટા જ્ઞાની આચાર્ય ભગવંત મારે ત્યાં પધારે છે અને એમની નિશ્રામાં અંજનશલાકા – પ્રતિષ્ઠા છે એટલે હજારો લોકો ઉમળશે. એટલા ભવ્ય મંડપો, એવી સજાવટ, ગુરુદેવે બધું જોયું. સાંજે એ ભાઈ વંદન કરવા માટે આવ્યા. ત્યારે ગુરુદેવે ખાલી સૂચન કર્યું કે તમારા મંડપો મેં જોયા, ખુબ ભવ્યતા તમે લાવ્યા છો, સાધર્મિક ભક્તિ પણ તમે શ્રેષ્ઠ કોટિની કરશો. મારું તમને સૂચન એટલું જ છે કે ભભકામાં થોડીક ઓછાશ કરીને પણ સાધર્મિક ભક્તિ ઉપર વધુ ધ્યાન આપજો. એ ભાઈએ કહ્યું, તહત્તિ. પણ એમને રસ ભભકામાં જ હતો. જે દિવસે અંજનશલાકા હતી રાત્રે, એ દિવસે બપોરે એ શ્રેષ્ઠી આવેલા. એકલા ગુરુદેવ જોડે બેઠેલા, કે ગુરુદેવ! આપ પધાર્યા મારો તો જન્મારો સફળ થઇ ગયો. આટલો ઉત્સવ ભવ્ય બનશે, એની કોઈ કલ્પના નહોતી. પણ આપના પગલાં થયા અને ચમત્કાર સર્જાયો. એ વખતે ગુરુદેવે એમના એ કાર્યની, ભક્તિની, મહોત્સવની ખુબ જ ઉપબ્રુહંણા કરી. પેલા ભાઈ તો ગયા.

સાહેબજી એકલા બેઠેલા…. ત્યારે એક શિષ્યે ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ! આપની ધારામાં કોઈ પણ પ્રશંસા ક્યારે પણ નથી કરી. બહુ માં બહુ આપ એટલું કહો કે સરસ કર્યું છે. આથી વધારે કોઈ શબ્દ આપના મુખેથી અમે ક્યારે પણ સાંભળ્યો નહિ, આ તો સામાન્ય મહોત્સવ હતો… પણ કરોડો રૂપિયા જેમાં ખર્ચાઈ ગયા, એવો મહોત્સવ કોઈએ કર્યો… તો પણ આપે એટલું જ કહ્યું, સરસ ભક્તિ થઇ. આથી વધારે આપ ક્યારે પણ કશું બોલ્યા નથી. આજે આપે પેલા ભાઈની બહુ જ ઉપબ્રુહંણા કરી. શિષ્યો જાણવા માંગે છે કે આની પાછળ ગુરૂદેવનો હેતુ શું હતો…? સદ્ગુરુની નાનામાં નાની ક્રિયામાં બહુ જ મોટા રહસ્યો ભરાયેલા હોય છે. એ વખતે ગુરુદેવે જે કહ્યું ને શિષ્ય છક થઇ ગયો સાંભળીને…. ગુરુદેવે કહ્યું – પહેલા દિવસે મેં એ ભાઈને કહેલું કે ભભકો વધારે કરતાં નહિ, પણ મારી વાત એમને માની નહિ. એમનો ભભકો તો રોજ વધતો જ ગયો. મારી વાત માની નહિ, મને એનો વિચાર કોઈ હોઈ પણ ન શકે, પણ મને થયું કે મારા unconscious mind માં કદાચ મારી વાત ન માની એ સંદર્ભમાં એ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર આવેલો હોય તો…? આજે મારે પ્રભુની અંજનશલાકા માટે જવાનું છે. મારું હૃદય પૂરેપૂરું નિર્મલ ન હોય તો હું પ્રભુની અંજનશલાકા કરી ન શકું. પ્રભુની અંજનશલાકા એ જ આચાર્ય ભગવંત કરે છે કે જેમનું મન માત્ર અને માત્ર પ્રભુની ભક્તિથી ભરાયેલું છે. ભક્તિ સિવાય કશું જ મનમાં, હૃદયમાં, અસ્તિત્વમાં નથી.

અને એ સંદર્ભમાં કલાપૂર્ણસૂરિ દાદાએ એકવાર કહેલું કે હું ક્યાં પ્રભુની અંજનશલાકા કરું છું! પ્રભુ મારી આંખોમાં અંજન આંજે છે. પ્રભુના ભાવથી હૃદય જ્યારે ભરાઈ ગયું ત્યારે તમે પણ પ્રભુ બની ગયા. ધ્યાન એ જ કામ કરે છે, અરિહંત પ્રભુનું ધ્યાન તમે કરો, એ ધ્યાનની ક્ષણોમાં તમારો આત્મા અરિહંત બની જાય છે. ધ્યાન એટલે નિર્મળ હૃદય. તમે હૃદયને નિર્મળ બનાવ્યું. એમાં પ્રભુની છબી ઉપસી ગઈ. તો કલાપૂર્ણસૂરિ દાદા એવા નિર્મળ હૃદયના સ્વામી હતા કે પ્રભુનું પ્રતિબિંબ સતત એમનામાં પડ્યા કરે. અને એથી જ આપણે કહેતાં કે એ ભગવાન છે.

થોડીક ક્ષણો માટે તમે પણ પ્રભુ બની શકો. તમારી ચેતના પુરેપુરી અરિહંતમય બની ગઈ તમે અરિહંત બની ગયા. શ્રીપાળરાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું , અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણહ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે,… એ પ્રભુ છે, હું સામાન્ય માણસ છું. આ ભેદનો છેદ ઉડી જાય છે. અને આપણો આત્મા થોડીક ક્ષણો માટે પ્રભુ જેવો બની જાય છે. આ જન્મની અંદર આટલો મોટો અવસર તમને મળી શકે એમ છે, તમે તમારી ચેતનાને અરિહંતમય બનાવી શકો. એનાથી મોટી કઈ વાત હોઈ શકે? શાસ્ત્રકાર ભગવંતોએ એના માટે પણ તમને permission આપી. પછી તમે શું કરો…? પછી શું કરો…?

સામાન્ય માણસોને પૈસાના ફાંફા છે, દિવાળીના દિવસો આવ્યા, શર્ટ પણ સાજુ નથી, પેન્ટ પણ સાજુ નથી. એવી વખતે કોઈ શ્રીમંત એના પર રાજી થઇ જાય, અને ૧૦ – ૧૫ જોડી સરસ કપડાં એને આપી દે. પછી પેલો શું કરે…? નવા નવા કપડાં પહેરે….? તમે એટલા બધા નિઃસ્પૃહ છો ને, ત્યાગી જ કહેવાઓ ને…? પ્રભુ બનવાનો અવસર મળ્યો હોય અને છતાં તમે એ અવસરને જવા દો…!

પહેલાંની એક કથા આવે છે… એક ગામમાં ગોડજી મહારાજ આવે છે, વ્યાખ્યાન શરૂ થયું, વ્યાખ્યાન બહુ સારું હતું, લોકો બધા આવવા મંડી પડ્યા. પણ નગરશેઠ ગામના એમને ધંધામાં એટલો બધો રસ, કે ન વ્યાખ્યાન કે ન ભક્તિ. ગામનું ગામ હોય તો કોઈ સલાહકાર જોઈએ… એક દિવસ શેઠાણીએ કહ્યું કે આજે તો તમારે કથામાં આવવું જ પડશે. શેઠ કથામાં ગયા. ગોળજી મહારાજને નમસ્કાર કર્યા, ગોળજીએ સામે નમસ્કાર કર્યા. શેઠ નવાઈમાં પડી ગયા કે હું તો વંદન કરું, એ મને કેમ વંદન કરે…? પેલો કહે કે સાહેબ! તમે મને કેમ હાથ જોડ્યા… તો ગોળજી પૂછે છે, તમે કેમ હાથ જોડ્યા એ પહેલા કહો… સાહેબ! તો તમે ત્યાગી છો, સંસારનો તમે ત્યાગ કરેલો છે. તો ગોળજી કહે, મે તો સંસારનો જ ત્યાગ કર્યો છે, કચરાનો. તમે ભગવાનનો ત્યાગ કર્યો છે તો મારા કરતાં મોટા ત્યાગી તમે નહિ..? તમે ભગવાનનો ત્યાગ કરી લીધો. કેટલો મોટો અવસર મળ્યો છે. કે આ જન્મમાં તમે તમારી ચેતનાને અરિહંતમય બનાવી શકો.

તો ગુરુદેવે કહ્યું શિષ્યને કે આજે મારે અંજનશલાકા કરવા જવાનું છે. તો મારા conscious mind ને મે જોઈ લીધો. એમાં કોઈના પ્રત્યે તિરસ્કાર નથી. મારે વાત કહેવાની, પેલો માને, ન માને એની જોડે મારે કોઈ સંબંધ હોતો પણ નથી. પણ કદાચ મારા unconscious mind માં એના પ્રત્યે તિરસ્કાર રહી ગયો હોય, કે મેં પહેલા દિવસે કહ્યું અને મારી વાતને એકદમ ઠોકર મારી અને રોજને રોજ એ ભભકો વધારતો ગયો. એટલે મેં એની પ્રશંસા કરી. એ check કરવા માટે કે મારા unconscious mind માં એના પ્રત્યે તિરસ્કાર તો પડેલો નથી ને… આ શું હતું…? અનુભૂતિ… ધ્યાન… એ આચાર્ય ભગવંત પાસે મૈત્રીભાવનું ભાવન તો વર્ષોથી હતું. એ ભાવન અનુભૂતિમાં પરિણમ્યું. સમભાવ… કોઈ પણ ઘટના ઘટી, એ ઘટનામાં મનને involve નહિ કરવાનું.

પ્રભુની મોટામાં મોટી આશાતના કઈ? આપણા દ્વારા થતી પ્રભુની મોટામાં મોટી આશાતના કઈ? તમારું મન પરપદાર્થો કે પરવ્યક્તિઓમાં જાય, એ તમે કરેલી પ્રભુની મોટામાં મોટી આશાતના છે. પ્રભુએ સ્પષ્ટ કહ્યું… કે તારે તારા સ્વરૂપમાં સ્થિર થવાનું છે. આપણે આપણા સ્વરૂપમાં જઈએ જ નહિ અને પરપદાર્થો અને પર વ્યક્તિઓમાં રાગ અને દ્વેષ કર્યા જ કરીએ તો આપણે એ પ્રભુની મોટામાં મોટી આશાતના કરી. એ આશાતનામાંથી બચવા માટે, એનું પ્રાયશ્ચિત કરવા માટે, શું કરવાનું…? કે પરપદાર્થોને, પરવ્યક્તિઓને મન આપવું નથી. શરીર જે છે, એ પરપદાર્થો ને વાપરશે. મન એમાં ન જવું જોઈએ. કપડાં સરસ, શરીરે પહેર્યા, મને તો પહેર્યા નહિ? તો શરીર સુધી જ વસ્ત્રોને લઇ જાવ… તો એ આચાર્ય ભગવંતે કેવું ભાવન કર્યું હશે, મૈત્રીભાવનું! એ સમભાવની અનુભૂતિ સતત એમની ચાલુ રહે.

એવી જ રીતે પ્રમોદ ભાવ. કોઈનામાં નાનામાં નાનો ગુણ છે. આપણે એની પ્રશંસા કરીએ, અનુમોદના કરીએ.

અંતરીક્ષજી તીર્થની યાત્રામાં અમે ગયેલા, એક જગ્યાએ એક પરિવાર બહુ જ ભક્તિવાળો, ઉપાશ્રયની બાજુમાં ઘર… સવારથી મહાત્માઓ આવે જાય, હાથ જોડીને ઉભા હોય બધા, સાહેબ અમને લાભ આપો, સાહેબ અમને લાભ આપો… એક – એક મહાત્માની ભક્તિ કરવી એવો વિચાર… કાફલો અમારો મોટો હતો. કલ્પજ્ઞવિજય સૂરિ ૧૦ વાગે આવ્યા…. એ થોડા મોડા નીકળે એટલે મોડા આવે…  ૧૦ વાગે એ આવ્યા… પેલો પરિવાર હાથ જોડીને ઉભેલો હતો… સાહેબજી લાભ આપો. એ કહે કે ભાઈ! મારે તો એકાસણું છે, પણ વાપરવા બેઠા છે એ મહાત્માઓને હું પૂછીને આવું. કોઈને કંઈ ખપ હોય તો હું આવું… એ માંડલીમાં પૂછવા માટે આવ્યા. થોડો ખપ હતો…

તો તરપણી – દાભોળિયું લઇ એ ત્યાં ગયા. એક કે બે ચીજ લાવવાની હતી. એટલો બધો ભાવ… પેલા ભાઈ કહે કે આ લો, શ્રાવિકા કહે કે આ લો, દીકરી કહે કે આ લો… કલ્પજ્ઞવિજયજી મૂંઝાઈ ગયા. કોને ના પાડવી અને શી રીતે ના પાડવી… ક્યારેક તમારી આંખોમાં રહેલ ભાવને અમે જોઈએ છીએ ત્યારે ગોચરી થોડી વધે એમ હોય, તો વધવા દઈએ… પણ તમારા ભાવને તોડીએ નહિ. થોડી – થોડી કરીને બધાને આપી દઈએ વધારે. તો એટલો બધો ભાવ, તો એમણે વિચાર કર્યો કે બપોર તો છે જ એકાસણાવાળા ઘણા છે. પતી જશે. આખી એમની તરપણી અને ડાભોળીયું બધું જ ભરાઈ ગયું. એ મારી પાસે આવ્યા. ગોચરી આલોચવાની વિધિ કરી. પછી એમણે મને કહ્યું કે સાહેબ! આજે દેરાસર નથી એટલે ભગવાનના દર્શન આજે થયા નહિ, પણ હું જ્યાં વહોરવા ગયેલો, એ ભાઈની આંખોમાં મેં ભગવાનને જોયા! તમારી આંખોમાં અમને ભગવાન દેખાય છે.

રહીમની એક પંક્તિ હું વારંવાર quote કરતો હોઉં છું, “પ્રીતમ છબી નયનન બસી, પર છબી કહાં સમાય!” “પ્રીતમ છબી નયનન બસી – પરમાત્માની છબી એ મુનિસુવ્રત દાદાની છબી આંખોમાં વસી ગઈ, ઝલકી ગઈ, પછી એ આંખોમાં બીજું શું ઝલકી શકે…?! એક ભક્તની આંખોમાં, હોય છે ભગવાન.

મહાભારતની એક કથા છે… ઉદ્ધવજી વૃંદાવન આવ્યા, રથ લઈને આવ્યા છે. જ્યાં રથ વૃંદાવનમાં આવીને ઉભો રહ્યો, ૫૦ એક ગોપીઓ આવીને એકઠી થઇ ગઈ… બધાને એમ કે શ્રીકૃષ્ણ આવ્યા હશે. પણ રથનું દ્વાર ખુલ્યું, શ્રીકૃષ્ણ અંદર હતા જ નહિ, ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી બહાર નીકળ્યા. જોયું, આ બધી ગોપીઓ શ્રી કૃષ્ણના દર્શન માટે આવેલી છે. તો એમણે કહ્યું નિરાશ નહિ થતાં, આજે શ્રી કૃષ્ણ આવી શક્યા નથી. હું બીજીવાર આવીશ ત્યારે એમને લઈને આવીશ. એ વખતે એક ગોપી આગળ આવી, એણે કહ્યું ઉદ્ધવજી! નિરાશ થવાની કોઈ વાત નથી. તમે હમણાં જ શ્રી કૃષ્ણનું દર્શન કરીને અહીંયા આવી રહ્યા છો. તમારી આંખોમાં અમે શ્રી કૃષ્ણ ને જોઈએ છે. વિચાર, ભાવન ન બને ત્યાં સુધી આ વાત કંઠેથી પ્રગટે કેમ…? તમારી આંખોમાં ભગવાન છે! તો વિચાર, પછી ભાવન અને પછી ધ્યાન.

આવતી કાલે આ વિષય આપણે પૂરો કરીશું. પરમ દિવસથી દીપાલિકા કલ્પના પ્રવચનો ચાલુ. 

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *