વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ધ્યાન સહજ સંભારી રે
ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારી. જેનું ધ્યાન કરવાનું છે, તે ધ્યેય. જે ધ્યાન કરનારો છે, તે ધ્યાતા. અને ધ્યાતાને ધ્યેય સુધી લઇ જનાર માધ્યમ, તે ધ્યાન. પ્રભુની પાસે જેવી નિર્મળ દશા છે, એવી નિર્મળ દશા તમારે તમારી ભીતર ઊભી કરવી છે. એ નિર્મળ દશા તમારું ધ્યેય.
તે માટે પહેલા તો દુર્ધ્યાતા પરિણતિ વારી… જે વિચારો, જે ભાવન તમને રાગ અને દ્વેષમાં લઇ જાય છે, અહંકારમાં લઇ જાય છે, એ વિચારોથી, એ ભાવનથી મુક્ત બની જાવ.
ભાસન વીર્ય એકતાકારી. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જે આત્મજ્ઞાન મળેલું છે, તેમાં મોહનીયના અને વીર્યાન્તરાયના ક્ષયોપશમથી આવેલ આત્માનો ઉપયોગ દાખલ કરો, એટલે – હું શુદ્ધ સ્વરૂપવાળો આત્મા છું – આ અનુભૂતિ થાય.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૪
વિચાર, ભાવના અને ધ્યાન. વિચારને જયારે આપણે ઘુંટીએ છીએ, ત્યારે એ ભાવનામાં રૂપાંતરિત થાય છે. બહુ જ સરળ પ્રક્રિયા, એક પ્રવચનમાંથી એક વિચાર બિંદુ તમે લીધું, ડાયરીમાં લખી લો, જ્યારે પણ સમય મળે, એને ઘૂંટો, કે હું આ તત્વને કેવી રીતે પામી શકું? ક્યારે પામી શકું? એક તમારી ઝંખના વિચારને ભાવનામાં રૂપાંતરિત કરશે.
આજના યુગના એક મહાપુરુષના જીવનની ઘટના કહું. સાહેબજી એક શહેરમાં પધારેલા, બહુ જ મોટા વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રોના પારગામી, પ્રવચનો પણ આપતા, વાચનાઓ પણ આપતા. શહેરમાં ઘણા બધા સમુદાયના ઘણા બધા મહાત્માઓ હતા. એ યુવાન મહાત્માઓએ સાહેબજીને વિનંતી કરી કે અમારા માટે એક ખાસ વાચના આપ રાખો. માત્ર યુવા મુનિઓ માટે…. સાહેબજીએ હા પાડી. સદ્ગુરુ ક્યારે પણ કોઈને ના પાડે ખરા…! સદ્ગુરુ તમને ઉચકીને મોક્ષે લઇ જવા તૈયાર છે. સદ્ગુરુને પ્રભુએ જે કામ સોંપ્યું છે એ કામ કરવાનું છે. ક્યારેક કેટલાક સદ્ગુરુઓનું પોતાનું આ જીવનનું કામ પૂરું થયું. અને છતાં પરમ ચેતના તરફથી સંદેશ મળે છે કે તારે હજી રોકાવાનું છે. અને પરમાત્માની આજ્ઞાને સ્વીકારીને થોડો વધુ સમય પોતે રહે છે.
રામકૃષ્ણ પરમહંસના જીવનની ઘટના છે, કે એ પરમ ઉદાસીન સંત હતા, સેંકડો લોકો, હજારો લોકો એમના દર્શન માટે આવેલા હોય, મહર્ષિ પાટ પર બેઠેલા હોય, માત્ર સ્વમાં ડૂબેલા હોય, સામે ૨૦૦ જણા છે કે ૫૦૦ જણા છે એમને કોઈ ખ્યાલ જ નથી હોતો. ક્યારેક કોઈક પ્રસાદી લઈને આવે મીઠાઈ વગેરે તો થોડી મીઠાઈ જાહેરમાં પણ ચાખી લે. ક્યારેક સાંજે રસોડા બાજુ લટાર મારે, આજે શું બનાવ્યું છે… એમના પત્ની શારદા મણી માં એ પણ ઉચ્ચ કક્ષાના સાધિકા હતા. શારદા મણી માં એ એકવાર પરમહંસને કહ્યું કે આપ આટલી ઉંચી કક્ષાના સંત છો, એ યુગમાં ભારતની અંદર જે ૨ કે ૪ શ્રેષ્ઠ સંતો ગણાતા એમાં એમનું નામ આવતું. તો શારદા મણી માં કહે છે કે તમારી સાધના આટલી ઉંચી અને તમે જાહેરમાં મીઠાઈ ખાવા મંડી પડો, રસોડામાં પૂછવા આવો શું બનાવ્યું છે? મને આ સમજાતું નથી. ક્યાં તમારી સાધનાની ઉંચાઈ અને ક્યાં તમારું આ વર્તન!
આ એક બહુ મજાની વાત છે. સદ્ગુરુની કોઈ પણ ક્રિયાને મૂલવવા માટે આપણી બુદ્ધિ પર્યાપ્ત નથી. જ્યાં સુધી એમના જેવી સાધના આપણી પાસે ન આવે ત્યાં સુધી આપણને ખ્યાલ નહિ આવે કે એમની સાધના કઈ રીતે આગળ વધી રહી છે. કાલીકાચાર્ય આચાર્ય ભગવંત, એમણે પોતે શસ્ત્રો ઉઠાવ્યા, લડાઈ કરી, આપણે આપણી બુદ્ધિથી જોઈએ તો આપણને લાગે કે જૈન આચાર્ય અને લડાઈ…! જૈન આચાર્ય અને શસ્ત્રો! શી રીતે બની શકે? પણ એ ગીતાર્થ હતા. ગીતાર્થની કોઈ પણ ક્રિયાને આપણે આપણી બુદ્ધિની ફૂટપટ્ટી થી માપી ન શકીએ.
શારદા મણી માં સાધનામાં ઉચકાયેલા હતા, અને એથી એમણે પરમહંસને એમ ન કીધું કે તમે આ શું કરો છો…! એ કહે છે મને આ સમજાતું નથી. તમારી સાધના આટલી ઉંચે ઉઠેલી હોય, અને તમે જાહેરમાં મીઠાઈ વાપરો, રસોડામાં પૂછવા આવો, આ શું છે…? એ વખતે પરમહંસે જે કહ્યું ને શારદા મણી માં પણ છક થઇ ગયા. રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે દેવી! મારું આ જીવનનું કામ પૂરું થઇ ગયું છે. મારા જીવનની નૌકા છુટું છુટું થઇ રહી છે. પણ પ્રભુની આજ્ઞા મળી છે કે તારે હજી થોડો સમય રહેવાનું છે. હવે નાવ છુટું છુટું થતી હોય, લંગર જે છે એ તૂટી જાય એવું દોરડાનું હોય, તો નાવને રોકી રાખવા માટે શું કરવું પડે? બીજું લંગર લગાવવું પડે. તો મારા જીવનની નૌકા છૂટી ન જાય, એના માટે ભોજનના રસનું આ એક લંગર લગાવ્યું છે. જે દિવસે ભોજનનો રસ ગયો. એ જ દિવસે મહાપ્રયાણ થશે. એક સાંજે એમને કહેવામાં આવ્યું, કે રસોઈ તૈયાર છે, આપ પધારો. ત્યારે રામકૃષ્ણ કહે છે, આજે નહિ જમાય. આજે જમવાનું નથી. એ જ રાત્રે સમાધિ, મહાપ્રયાણ.
એટલે મહાપુરુષોની જે સાધના ધારા હોય છે, એને આપણે આપણી બુદ્ધિથી ક્યારે પણ સમજી ન શકીએ. ઉપાધ્યાય યશોવિજય મહારાજ કહ્યું, “પ્રભુને તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ ભજન તે વાચક જશ કરે હો…” પ્રભુ તારી વાત કંઈ સમજાતી નથી. દેખીને અદ્ભુત તાહરું રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરે જે… તારા રૂપને જોવે, અને કેટલાય લોકો અરૂપી પદને પામે. જોવાનું રૂપ; પામવાનું અરૂપ! પછી હથિયાર નીચે મૂકી દીધા. તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ ભજન તે વાચક જશ કરે હો – હું તો તારું સ્મરણ અને ભજન કરીશ. બાકી તારી વાત જે છે, એ મારી બુદ્ધિથી સમજાય એવી નથી.
પેલા યુવા મુનિઓએ ગુરુદેવને વિનંતી કરી કે આપ અમારા માટે એક ખાસ વાચના રાખો. આપે સાધનાને એટલી શ્રેષ્ઠ રીતે ઉચકી છે. કે આ યુગમાં આવી સાધના કદાચ બીજા કોઈની પાસે નથી. તો આપની સાધનાનો અર્ક અને યુવાવયની અંદર અમારે શું કરવું જોઈએ… એના માટે આપ ખાસ વિશેષ વાચના આપો. ગુરુદેવ તૈયાર હતા. દિવસો… કાર્યક્રમોથી ભરપૂર હતા. એમણે કહ્યું કોઈ વાંધો નહિ, રાત્રે પ્રતિક્રમણ પછી આવી જાવ… તમે તો કહો છો એક વાચના, હું તો રોજ વાચના આપવા તૈયાર છું. Personally for you.
પહેલી જ વાચનામાં ગુરુદેવે યુવા મુનિઓને કહ્યું કે દસ વર્ષ પ્રભુને આપી દો. સંયમી જીવનનો તમારો બધાનો પ્રારંભ છે. કોઈને ૨ વર્ષ થયા, કોઈને ૪ વર્ષ થયા. હવે તમે દસ વર્ષ પ્રભુને સોંપી દો. પ્રભુની આજ્ઞા ને સોંપી દો. દસ વર્ષ સુધી કોઈ વિજાતીયનો પરિચય નહિ. કોઈ પણ શ્રાવક જોડે વાતચીત નહિ. માત્ર તમારે તમારી ભીતર ડૂબવાનું. એ દસ વર્ષની સાધના પછી તમે બહાર આવશો. મને તમારા માટે પછી વાંધો નથી. તમને તમારા ગુરુ કોઈ પણ જગ્યાએ ચાતુર્માસ માટે પછી મોકલશે, મને વાંધો નથી. કારણ? તમારા મૂળિયાં પ્રભુની આજ્ઞાની સાથે જોડાઈ ગયા છે. દસ વર્ષ ખાલી મને આપો. નવા સાધ્વીજીઓને પણ એક જ કહેવું છે, દસ વર્ષ આપી દો, દસ વર્ષ સુધી totally choiceless બની જાવ. કોઈ તમારી ઈચ્છા નહિ. માત્ર પ્રભુની આજ્ઞા. તમારું એક – એક પગલું પ્રભુની આજ્ઞાપૂર્વક ભરાય. દસ વર્ષ પ્રભુને, સદ્ગુરુને, એક મુનિ કે સાધ્વી સોંપી દે, એ સુરક્ષિત બની જાય.
વાચનાઓ રોજ ચાલી, દિવસે લોકોની ભીડ એટલી બધી હોય, સાહેબજી થાકેલા હોય, પણ નહિ, મારા પ્રભુની આજ્ઞા છે કે જે પણ લેવા આવે, એને હું નિરાશ કરી શકું નહિ. મારા પ્રભુએ મને conditionally જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન બીજાને ન આપું તો ચાલી શકે નહિ. છેલ્લી વાચના પુરી થઇ. વાચના પુરી થયા પછી ગુરુદેવે યુવા મુનિઓને કહ્યું, કે આપણે ત્યાં ગુરુ દક્ષિણાની વાત છે. સદ્ગુરુના ચરણોમાં આપણે કંઈક મુકવું જોઈએ. તો તમે બધા મને કંઈ આપવા માટે તૈયાર ખરા..? બધા યુવા મુનિઓ… કેટલાક તો ભાવવિભોર બનેલા, ગુરુદેવ! આપે અમને અમૃત તત્વ આપ્યું. આપ કહો તે આપવા તૈયાર છું. જીવન પણ આપને આપવા તૈયાર છું. ગુરુદેવે ફરીથી પૂછ્યું, અઘરી ગુરુ દક્ષિણા હોય, તો પણ ના નહિ પાડવાની બોલો નક્કી છે…? બધાએ કહ્યું, નક્કી. અને ત્યારે ગુરુદેવે કહ્યું, કે મારે તમારા એકેકની પાસે આવી તમારું અભિવાદન કરવું છે. તમને બધાને નાની વયમાં આ પ્રભુનું શ્રામણ્ય મળી ગયું. મને બહુ મોટી વયે મળ્યું છે. લગ્ન પણ મારા થઇ ગયા, સંસાર વાસ પણ સેવાયો, અને એ પછી પ્રભુની એવી કરુણા મારા ઉપર ઉતરી. કે મને દીક્ષા મળી. પણ આવતાં જન્મની અંદર બહુ જ નાની વયમાં મને દીક્ષા મળે, એના માટે તમારા બધાનું મારે અભિવાદન કરવું છે.
આ બનેલી ઘટના. એ શીર્ષસ્થ મહાપુરુષ… ઉભા થયા. એકેક મુનિ પાસે ગયા. અને ઝુક્યા! આ પ્રમોદ ભાવનાનું ઘૂંટામણ છે. કોઈના કોઈ ગુણને જોઇને તમે પ્રભાવિત બન્યા, તમને એ ગુણ ગમી ગયો. પછી એ ગુણ તમને કંઈ રીતે મળે… એના માટેની સતત તમારી ચોકસાઈ હોય છે. તો પ્રમોદ ભાવના એક કામ કરે છે કે એ ગુણ આપણને મેળવાવી આપે છે. પ્રમોદ ભાવને કારણે એ ગુણને પામવાની ઝંખના થઇ. અને એકમાત્ર તીવ્ર ઝંખના તમારા મોહનીય કર્મને ક્ષીણ કરે, અને તમે એ ગુણને પામી જાવ!
કરુણા ઘૂંટાયેલી હોય ત્યારે શું થાય…? મહાપુરુષોની પાસે વેદના છે. અમને જોઇને પણ એમને વેદના થતી હોય… તમને જોઇને પણ એમને વેદના થતી હોય. અમે પ્રમાદમાં સમય વેડફતા હોઇએ, તો એમની આંખો ભીની બને છે. કે પ્રભુના માર્ગ ઉપર આવેલા સંયમી ૨૪ કલાક આજ્ઞામય હોવો જોઈએ. એને બદલે એ પ્રમાદમય કેમ બને? અમારા સદ્ગુરુઓને અમારા પ્રત્યે વેદના હતી કે મારીને, લાણીને, ચકાસીને જેમને લીધેલા છે. એ અહીંયા આવ્યા પછી સુખશીલ્યા કેમ બન્યા! અહીંયા આવ્યા પછી ૨૪ કલાક ધૂણીધખાવીને સાધના કેમ નથી કરતા?
એક સાધુ પ્રભુની આજ્ઞામાં ડૂબેલો છે, તમે આવ્યા, તમે નીકટના સંબંધી છો, તમારી જોડે ૨ કે અઢી મિનિટ એને વાત કરવી પડે છે. પણ એ તરત calculation મુકે છે કે મારી અઢી મિનિટ આમાં ગઈ. એ અઢી મિનિટ મને સ્વાધ્યાયમાં મળી હોત તો હું કેટલો ઊંડો જઈ શક્યો હોત. એક મિનિટ તમારી સાથે વેડફવી કોઈ પણ મુનિને પાલવે નહિ, કોઈ પણ સાધ્વીજીને પાલવે નહિ.
પ્રવચનો પણ પહેલા માત્ર આચાર્ય ભગવંતો જ કરતા. અને એ પ્રવચનો પણ કેટલા ઓછા! ઉદ્યાનમાં ગુરુદેવ પધાર્યા હોય, લોકોને ખબર પડે, આવે, ભેગા થાય, દસ મિનિટ પ્રવચન આપે. લોકો એટલા ભીના હોય, કે દસ મિનિટની એ વાચના એમના જીવનને બદલી નાંખે. રોજના પ્રવચનો નહિ. કલાકો સુધી લંબાય એવા પ્રવચનો નહિ. ૫ કે ૧૦ મિનિટ ગુરુની. બોલો ,કેટલી વાર લાગે આમ…? દિવાળીમાં દીવા કલ્પવાના હોય, કોડિયું તૈયાર છે, ઘી પુરેલું જ છે અંદર, વાટ તૈયાર છે… એને પ્રજ્વલિત કરતા કેટલી વાર લાગે? આમ દીવાસળી પેટાવી, એને touch કર્યું.. અમારે એ જ કામ કરવું છે. એક સદ્ગુરુનો સ્પર્શ તમને મળે, તમારું જીવન બદલાઈ જાય, દીવો અંદર પ્રગટી જાય.
તો સદ્ગુરુની એક વેદના છે કે પભુશાસન, પ્રભુશ્રામણ્ય, જેમણે મળ્યું એ કેટલી તો ઉંચી ભૂમિકા ઉપર હોય! હું ઘણીવાર હસતાં હસતાં કહું કે તમે બધા નિઃસ્પૃહી છો. આ જન્મમાં નહિ થાય તો આવતાં જન્મમાં સાધના થવાની. ક્યાં મોક્ષે હમણાં જવાનું છે આપણે! પણ તમારા માટે નહિ, એક સદ્ગુરુની વેદના છે, એના માટે પણ સાધનાના ઊંડાણમાં તમે જાવ.
તો વિચાર ભાવનમાં પલટાય, અને ભાવન ધ્યાનમાં પલટાય. ધ્યાનની એક સરસ વ્યાખ્યા દેવચંદ્રજી મ.સા. એ સુબહુ જિન સ્તવનામાં આપી છે, એક જ કડી છે મજાની. “ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારી, દુર્ધ્યાતા પરિણતી વારિ રે. ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે.” ધ્યાનને સહજ દશા કહે છે. તમે અત્યારે અસહજ છો. કોઈએ આમ કીધું એટલે મુડ ઓફ થઇ જાવ. કોઈએ તમારા બદલે સારું કહ્યું તો એકદમ હસતાં થઇ જાવ, આ અસહજતા છે. તમારી પોતિકી સહજતા નથી. એવી સહજતા જે બીજા કોઈનાથી, બીજા કશાથી પ્રભાવિત ન બને.
તો ધ્યાન સહજ સંભારી રે… એ સહજ ધ્યાન કેવી રીતે આવે…? તો પહેલા ચરણમાં કહ્યું, ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારી, ધ્યાનમાં ૩ વસ્તુ હોય…. એક ધ્યાન કરનાર હોય, કોનું ધ્યાન કરવાનું છે, જેનું ધ્યાન કરવાનું છે એ ધ્યેય. ધ્યાન કરનારો છે એ ધ્યાતા. અને ધ્યાતાને ધ્યેય સુધી લઇ જનાર કોઈપણ માધ્યમ હોય તો એ છે ધ્યાન.
તો “ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારી – ધ્યેય કોણ? પ્રભુ. પ્રભુની પાસે જેવી નિર્મળ દશા છે, એવી નિર્મળ દશા મારે મારી ભીતર ઉભી કરવી છે. આ તમે એક કોલ નક્કી કર્યો કે પ્રભુની નિર્મળતા જેવી નીખરેલી છે, એવી જ નિર્મળતા મારી ભીતર છે. આ જન્મની અંદર કોશિશ એ કરવી છે, કે મારી નિર્મળતા વધુ ને વધુ ખુલે, એના માટે શું કરવાનું?
દુર્ધ્યાતા પરિણતી વારી રે…. જે વિચારો, જે ભાવન તમને રાગ અને દ્વેષમાં લઇ જાય છે, અહંકારમાં લઇ જાય છે; એ વિચારોથી, એ ભાવનથી મુક્ત બની જાવ. કોઈએ તમારા માટે સારું કહ્યું, અહંકાર અંદર ઉભો થવા લાગ્યો, તરત જ એને તોડી નાંખો. શી રીતે તોડવો? તમારામાં રહેલા કોઈ પણ સારા ગુણની વાત એણે કહી અને તમને અહંકાર આવ્યો. પણ એ સારો ગુણ પ્રભુની કૃપાથી મળ્યો છે. તો પ્રભુના ચરણોમાં એ વખતે પડી જઈએ કે પ્રભુ ! તે જે ગુણ આપ્યો છે, એની પ્રશંસા થાય છે, તું સ્વીકારી લે! મારું તો કંઈ છે જ નહિ આમાં, ગુણ તે આપેલો, પ્રશંસા તે આપેલા ગુણની થઇ. તું એને સ્વીકારી લે. દુર્ધ્યાતા પરિણતી વારિ રે…
પછી એક master key બતાવે છે. ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન એટલે શું…? એની ગુજરાતી ભાષામાં આવેલી આ સરસ વ્યાખ્યા… ભાસન વીર્ય એકતાકારી – ભાસન એટલે જ્ઞાન, અને વીર્ય એટલે આત્મ ઉપયોગ, આત્મ શક્તિ. જ્ઞાન અને આત્માનો ઉપયોગ એ બેઉ ભેગા થાય. એટલે કે જ્ઞાન કોરું જ્ઞાન ન રહે, એ જ્ઞાનમાં આત્માનો ઉપયોગ ભળે; તો ધ્યાન થઇ જાય. આત્મ તત્વ શું, એનું જ્ઞાન છે; પણ એ જ્ઞાન શબ્દોના સ્તર પર છે, વિચારોના સ્તર પર છે, અનુભૂતિના સ્તર પર નથી. તો હવે શું થાય… આત્મ જ્ઞાન જે મળેલું છે, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી; એ સરસ છે. એની અંદર મોહનીયના અને વિર્યાન્તરાયના ક્ષયોપશમથી આવેલ આત્માનો જે ઉપયોગ એને દાખલ કરવો છે; એટલે હું શુદ્ધ સ્વરૂપ વાળો આત્મા છું, આ અનુભૂતિ થાય.
જ્ઞાન અને આત્મઉપયોગ એ બે ભેગા થાય ત્યારે શું થાય? અનુભૂતિ. એટલે; જ્ઞાન + આત્મ ઉપયોગ = ધ્યાન. એટલે કોઈ પણ જ્ઞાનમાં, even કોઈ પણ ક્રિયામાં તમારો ઉપયોગ ભળવો જોઈએ. મન બહાર હોય અને તમે ક્રિયા કરતા હોવ, મન બહાર હોય, તમે પ્રવચન સાંભળતા હોવ…. એ નહિ… જ્ઞાન અને આત્માનો ઉપયોગ એ બે ભેગા થઇ જાય. તો ભાસન, વીર્ય એક્તાકારી, ધ્યાન સહજ સંભારી રે… તો આવું જે ધ્યાન છે એને સહજ રીતે મેળવી લો.
ધ્યાન એટલે અનુભૂતિ. તમારી અનુભૂતિ તમારે કરવાની છે. તમે તમારી અનુભૂતિ ન કરી શકો એ કેમ ચાલે…?!
તો વિચાર ભાવનમાં પલટાય, અને ભાવન ધ્યાનમાં પલટાય… તો આ જીવન આપણું સાર્થક બની જાય.