Sadhana – Param Sparshi Varshavas – Vachana 75

387 Views 19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પુણ્યપાલ રાજાના સ્વપ્નોનું ફળકથન

જીર્ણ હસ્તિશાળામાં આસક્ત થયેલો હાથી – પ્રભુશાસન પ્રત્યેનો રાગ હાડોહાડ ભીતર વસેલો હોય – એવા પ્રભુશાસનના અનુરાગી હોવા છતાં શ્રાવકોને સંસારરૂપી જૂની હસ્તિશાળા ગમશે; પણ સંયમની નવી હસ્તિશાળા ગમશે નહિ.

ચપળતા કરનારો વાનર – મન સ્થિર હોય, તો જ સાધના થઇ શકે છે. ભવિષ્યકાળમાં એવા જીવો થશે કે જેમને ધર્મ ગમતો હશે પણ મનની અસ્થિરતાને કારણે એ લોકો ધર્મમાં ઊંડાણ સુધી જઈ શકશે નહિ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૫

એક ભાવક મારી પાસે આવ્યો, વંદના કરી, એણે મને કહ્યું કે ગુરુદેવ! હું સમેતશિખર, પાવાપુરીની યાત્રાએ જાઉં છું. મારા માટે ખાસ હિતશિક્ષા… સુચન… એ વખતે મેં કહેલું કે ઋજુવાલિકાને કાંઠે જો તને ૪ – ૫ કલાક મળી શકે એમ હોય, તો ત્યાં તું ધ્યાનમાં બેસજે.

૨૫૫૦ વર્ષનો સમય, એ કાળના મહાસાગરમાં એક નાનકડી ચમચી જેવડો છે. ધ્યાન તમને પાછળ પણ લઇ જઈ શકે, આગળ પણ લઇ જઈ શકે. ધ્યાન કાળનો છેદ ઉડાડી શકે છે. તમે સંકલ્પ કરો તો પરમાત્માએ કૈવલ્ય થયેલું અને એ વખતે જે આંદોલનો પ્રભુના દેહમાંથી વિસર્જિત થયેલા એ આંદોલનોને તમે પકડી શકો. પાવાપુરી તમે ગયા, સમવસરણના સ્થાને તમે ગયા અને તમે ધ્યાનમાં બેઠા. તો તમને એક અનુભૂતિ થાય કે પરમાત્માના સમવસરણમાં તમે બેઠા છો.

એક બહુ મજાની વિધિ આપણે ત્યાં હતી. જે જગ્યાએ કૈવલ્ય થયું, કે જે જગ્યાએ પ્રભુએ અંતિમ દેશના આપી, એ જ જગ્યાએ એનું મંદિર બનાવવામાં નહિ આવે. એનાથી પા – અડધો કિલોમીટર દૂર મંદિર બનાવવામાં આવશે. એટલા માટે કે જમીનમાંથી જે ઉર્જા હજુ પણ નીકળી રહી છે એને તમે મંદિર બનાવીને દબાવી શકો છો. એ જમીન ખુલ્લી જ રહે, પા કે અડધો કિલોમીટર દુર મંદિર એટલા માટે બનાવે કે મંદિરથી ખ્યાલ આવે કે આજુબાજુમાં કોઈ વિશિષ્ટ ઘટના ઘટી રહી છે. આજે સમવસરણમાં આપણે પહોંચી જઈએ… ભલે પાવાપુરી નથી ગયા, એ આંદોલનો એટલા તો લંબાયેલા છે, ફેલાયેલા છે, કે તમે ધ્યાનમાં આજે બેસો તો આજે એ આંદોલનોનો સ્પર્શ તમે લઇ શકો.

અમારે ત્યાં એક સમાપત્તિ ધ્યાન આવે છે, સમાપત્તિ ધ્યાનની વ્યાખ્યા એ કરી કે ધ્યાનતઃ સ્પર્શના – ધ્યાનદશામાં તમે એ ઘટનાનો, એ આંદોલનોનો સ્પર્શ કરો, એનું નામ સમાપત્તિ ધ્યાન. બહુ મજાની એની વિધિ બતાવી છે, વિભાવો ઓછા થયા, રાગ- દ્વેષ થોડા ઓછા થયા. હૃદય નિર્મળ બન્યું અને તમે ધ્યાનમાં ગયા, તો એ જ ક્ષણે પરમાત્માનો સ્પર્શ પણ તમે કરી શકો. પરમાત્માના દેહમાંથી નીકળેલા આંદોલનોનો પણ તમે સ્પર્શ કરી શકો. અત્યારે પ્રભુની દેશના ચાલુ રાખી. પ્રભુની અંતિમ દેશના ૪૮ કલાક સુધી ચાલી. કેવી પ્રભુની કરૂણા…! પિતા અંતિમ વખતે પુત્રને સંદેશો આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે… એ લયમાં પ્રભુએ અંતિમ દેશનામાં આપણને ઘણી બધી સૂચનાઓ આપી છે.

ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનો પ્રભુએ અંતિમ દેશનામાં કહેલા છે. એ પ્રભુની અંતિમ દેશના ચાલતી હતી ત્યારે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછવા માટે પ્રભુની પાસે આવે છે. એમાં પુણ્યપાલ નામના એક રાજા પણ પ્રભુના ચરણોમાં આવ્યા છે. હાથ જોડીને એ રાજાએ પ્રભુને કહ્યું કે પ્રભુ! આજે રાત્રે મેં આઠ સ્વપનો જોયેલા છે, એ આઠ સ્વપ્નો નું ફળ કથન શું હોઈ શકે? આપ કૃપા કરીને બતાવો ને… પ્રભુ તો કેવલજ્ઞાની છે. એને સ્વપ્નો કયા આવ્યા એ પણ પ્રભુને ખ્યાલ છે. પ્રભુએ કહ્યું કે પહેલા સ્વપ્નમાં તે હાથીને જોયો હતો. હાથીને જોઈએ, પણ હાથીને જોતા રાજાને આશ્ચર્ય થયું! આશ્ચર્ય કેમ થયું? એ હાથી જૂની હસ્તીશાળામાં હતો. ઉપરથી છાપરું તૂટી ગયેલું, આજુબાજુમાં કોઈ વ્યવસ્થા નહિ. અને એની સામે જ નવી હસ્તી શાળા એકદમ ટીપટોપ હતી. હાથી સાંકળથી બંધાયેલો પણ નહોતો, અને છતાં એ જૂની હસ્તીશાળામાં જ રહે છે, નવીમાં જતો નથી. આશ્ચર્ય થયું, કે પ્રભુ! આનું શું કારણ? ત્યારે પ્રભુએ આ એક સ્વપ્ન નો નહિ આઠે આઠ સ્વપ્નોનું ફળ કથન ભવિષ્યકાળના સંદર્ભમાં કર્યું છે.

પહેલા સ્વપ્નનું ફળકથન કરતાં પ્રભુએ કહ્યું કે થોડા સમય પછી શ્રાવકો કેવા હશે, એનું ચિત્ર આ સ્વપ્નમાં તને મળ્યું છે. દિપાલીકા સ્તવનમાં બહુ જ મજાની કડી છે, “શ્રાવક સિંદુર સારિખા, જિન મતના રાગી”. પ્રભુ કહે છે કે ભવિષ્યકાળમાં પણ જે શ્રાવકો થશે, એ પ્રભુશાસનના અનુરાગી થશે. તમારા માટે એક સરસ certificate પ્રભુએ આપ્યું. જિનમતના રાગી. પ્રભુશાસન પ્રત્યેનો રાગ હાડોહાડ ભીતર વસેલો હોય, પ્રાણ જાય તો ભલે જાય પણ મારા પ્રભુના શાસનને સહેજ પણ આંચ આવે એવું હું જોઈ પણ શકું નહિ. આવા શ્રાવકો પ્રભુશાસનના અનુરાગી, સાધુ – સાધ્વીજીઓના પણ પરમભક્ત, પણ એક જ તકલીફ થશે કે સંસાર રૂપી જૂની હસ્તીશાળા એમને ગમશે. સંયમની નવી હસ્તીશાળા પણ એમને ગમશે નહિ.

આપણે એક માની શકીએ કે ભસ્મકાળની, ભસ્મગ્રહની અસર હતી, ત્યાં સુધીનું આ ચિત્ર હતું. ભસ્મગ્રહની અસર ઉતરી ગઈ છે. અને એટલે આપણે જોઈએ છીએ કે metropolitan city માં રહેનારા, ત્યાં ભણેલા, ત્યાં ઉતરેલા MBA અને CA થયેલા દીકરાઓ અને દીકરીઓ સંયમ માટે લાઈન લગાવીને ઉભા છે. દર વર્ષે ૪૦૦ થી ૫૦૦ દિક્ષાઓ જે થાય છે, એમાંથી ૯૦% દિક્ષાઓ મહાનગરોમાંથી થાય છે. એક કાળ એવો હતો… કે સંયમ ઝડપથી મળે એવું હતું. આજનો યુગ દસ વર્ષનો દીકરો કે દીકરી મોબાઈલમાં બધું જ જોઈ રહ્યો છે. સંસારના આકર્ષણો કેવા હોય, એનો એને ખ્યાલ છે અને છતાં એવો યુવાન સંસારને છોડીને પ્રભુના માર્ગ ઉપર આવે છે! હમણાં તો લગભગ રોજ બે – ત્રણ – ચાર દીકરા દીકરીઓ વાસક્ષેપ માટે આવતાં હોય છે. ગળામાં માળા જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે દીક્ષાર્થી છે. રોજ બે – ત્રણ – ચાર… રોજ બે – ત્રણ – ચાર… ત્યારે લાગે કે જિનશાસન કેટલું તો પ્રજ્વલિત થયું છે! કેટલો એનો પ્રભાવ ઉદીપ્ત થયો છે!

બીજા સ્વપ્નમાં રાજાએ વાંદરાને જોયો, વાંદરો કેવો હોય? ચપળ, ચંચળ, એક જગ્યાએ થોડી મિનિટ પણ એ રહી શકે નહિ. તો એ વાંદરાને એક ડાળથી બીજી ડાળ, બીજી ડાળથી, ત્રીજી ડાળ કુદાકુદ કરતો રાજાએ જોયો છે. પ્રભુને પૂછે છે રાજા કે પ્રભુ! આ સ્વપ્નનું ફળ શું? ત્યારે પ્રભુએ કહ્યું કે મન સ્થિર હોય તો જ સાધના થઇ શકે છે. ભવિષ્યકાળમાં એવા જીવો થશે કે જેમને ધર્મ ગમતો હશે પણ મનની અસ્થિરતા ને કારણે એ લોકો ધર્મમાં ઊંડાણ સુધી જઈ શકશે નહિ.

આનંદધનજી ભગવંતે ત્રીજા સ્તવનમાં બહુ સરસ વાત કરી, “સંભવ દેવ તે ધૂર સેવો સવે રે, લહિ પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.” કોકે પૂછ્યું આનંદધનજી ભગવંતને કે પ્રભુ! ગુરુદેવ! અમે પ્રભુએ કહેલ સાધનાની સેવના શી રીતે કરી શકીએ…? ત્યારે એમણે ત્રિપદી આપી. સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ. આ ત્રણ ચરણ તમારી પાસે હોય, તો તમે પ્રભુની સાધનાને સમ્યક્ રીતે કરી શકો. સાધના તમે કરો છો, સરસ.. પણ ક્યારેય તમે સદ્ગુરુ પાસે ગયા, કે ગુરુદેવ! મારી સાધના properly અને perfectly ચાલે છે… ખરી…?

એક માણસે યોગાના પુસ્તકમાંથી થોડાક આસનો પસંદ કર્યા અને એની બતાવેલી રીત પમાણે આસન કરવા માંડ્યો. પણ, એને વિશ્વાસ નથી બેસતો કે હું જે આસન કરું છું એ properly કરું છું કે નહિ… એમાં કોઈ યોગના શિક્ષક મળે, એ રાજી – રાજી થઇ જાય. એ કહે છે સાહેબ! ૫ – ૧૦ મિનિટ મને આપો ને… હું જે આસન કરું છું, એ બરાબર ખરું…? હું પણ exercise પહેલા કરતો હતો, અત્યારે પણ કરું છું. તો એક્સરસાઈઝનો નો હેતુ મને ખ્યાલમાં નહોતો. એટલે આમ, આમ, આમ ઝડપથી કરતો હતો. યોગાના શિક્ષક મળ્યા.. એમણે કહ્યું આ ન ચાલે… તમારે સ્નાયુઓને મજબુત કરવાના છે. તમે હાથ આમ કર્યો, એટલે આમ બરોબર રાખવાનો… સ્નાયુઓ મજબુત બનવા જોઈએ. મને લાગ્યું કે વાત બરોબર છે. તો એ રીતે તમે કોઈ સદ્ગુરુને પૂછ્યું કે સાહેબજી! મારી સાધના બરોબર છે?

આનંદધનજી ભગવંતે કરુણા કરી અને એમણે આપણને ૩ steps બતાવ્યા.  પહેલું step અભય. અભયનો અર્થ તમે શું કરો? ભય ન હોય એવી સ્થિતી… અહીંયા આખો જુદો અર્થ છે… ચિત્તની અંદર જે અસ્થિરતા પેદા થાય છે, એને એમણે ભય કહ્યો છે. એટલે અભયથી ચિત્તની સ્થિરતા બને છે. અને એટલે જ આગળની કડીમાં એમણે વર્ણન કર્યું… “ભય ચંચળતા હો ચિત્ત પરિણામી” આખરે ભય લાગે ત્યારે શું થાય? મનમાં કંપન શરૂ થાય છે. અને એ મનનું કંપન શરીરના સ્તર પર ઉતરે છે. હાથ ધ્રુજવા માંડે, પગ ધ્રુજવા માંડે.

તો બે કંપન: એક શરીરનું કંપન, એક મનનું કંપન. રોજ તમે ૧૨ વાગે જમતા હોવ, તો પોણા ૧૨ વાગે લાળ ગ્રંથિ સક્રિય બનશે. તમારી જઠરાગ્નિ બિલકુલ સતેજ બનશે. કે ૧૨ વાગે ભાર આવવાનો છે અને એને મારે બરોબર પચાવવાનો છે. તો શરીરની અંદર કંપન શરૂ થઇ જાય. લાળ ટપકવા લાગે, હોજરી તૈયાર થઇ જાય. આવું જ મનની અંદર કંપન છે. ક્યાંય પણ તમને ભય લાગે એટલે મનની અંદર એકદમ ધ્રુજારી ચાલુ થઇ જાય. અને એ મનની ધ્રુજારી શરીરના સ્તર પર ફેલાય.

તો પહેલું step અભય. અભય એટલે ચિત્તની સ્થિરતા. તમે કદાચ કહેશો કે સાહેબ! એ તો અઘરી છે. કાઉસ્સગ કરીએ છીએ, ચિત્ત સ્થિર રહેતું નથી. ભગવાન પાસે જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ પણ મન સ્થિર રહેતું નથી. મન સ્થિર રહેતું નથી કે તમે એને રાખતા નથી? મન કેમ સ્થિર ન રહે…!? અમારી પાસે એ જ મન છે, તમારી પાસે છે એવું… અમારું મન બિલકુલ સ્થિર છે. અમે લોકો તો મનનો ઉપયોગ જ નથી કરતા, ન ભૂતકાળમાં જવું છે, ન ભવિષ્યકાળમાં જવું છે. વર્તમાનકાળમાં જ રહેવું છે. વિચાર શેના કરવાના..? આમ પણ જે ઘટના ઘટી ગઈ એનો વિચાર કરીને શું કરશો? અને જે ઘટના ઘટવાની છે, એ કેમ ઘટવાની છે તમને ખબર નથી. પછી એના વિચારથી થાય શું…? પ્રભુએ એવો મજાનો વર્તમાનયોગ અમને આપ્યો છે કે અમે સતત આનંદમાં છીએ. અમે જે ever fresh છીએ, એ અમારી ever freshness નું કારણ આ ચિત્તની સ્થિરતા છે. ચિત્ત જ અસ્થિર હોય, મન જો ફર્યા કરતું હોય, તો આનંદને કોણ ઘૂંટે.! આનંદ એ જ મનમાં મુકવો છે, સમભાવ એ જ મનમાં મુકવો છે… પણ એ મનનું પાત્ર જ અસ્થિર છે. કઈ રીતે એમાં જશે…? તો અભય એટલે ચિત્ત સ્થિર. ચિત્તની સ્થિરતા. જે વખતે જે ક્રિયા કરો એ વખતે મનને એ ક્રિયામાં ડુબાડી દો.

આપણે ત્યાં ક્રિયાના આઠ દોષ છે. એમાં એક દોષ છે, અન્યમુદ. અન્યમુદનો અર્થ એ છે કે સાંજે તમે સંધ્યા ભક્તિમાં બેઠા, સરસ ભક્તિ ગીતો ગવાતા હતા, અને ભક્તિ ગીતો હતા, એટલે  એની ભાષા પણ સમજાય એવી હતી. બહુ મજા આવી… પણ જોકે કોને મજા આવી એ પાછો સવાલ કરવો પડે પાછો… કોને મજા આવી…? વ્યાખ્યાન સાંભળતા મજા આવે, કોને? કાનને? conscious mind ને? કે તમને પોતાને…?  તો એ જે આનંદ આવે છે તમને, એ આનંદનું કારણ શું?

તો અન્યમુદ દોષ એમ કહે છે, કે સંધ્યાભક્તિમાં તમે બેઠા, મન સ્થિર પણ હતું, મજા આવી ગઈ, પછી તમે પ્રતિક્રમણમાં બેઠા, અને જો પ્રતિક્રમણમની ક્રિયા તમને શુષ્ક લાગે કે સંધ્યાભક્તિમાં કેટલી મજા આવતી હતી… આમાં તો કાંઈ સમજણ પડે નહિ આપણને… આમ આમ ખાલી કાર્ય કરીએ… એક ક્રિયા કરતી વખતે બીજી ક્રિયા સારી હતી, એવો વિચાર કરો તો પણ ક્રિયાનો દોષ તમને લાગે. એટલે જે વખતે જે ક્રિયા કરો, એમાં ડૂબી જાવ, તન્મય થઇ જાવ.

કોઈ પણ ક્રિયા સંપૂર્ણ રીતે કરવી હોય તો એના માટે એક ત્રિપદી છે. ઉલ્લાસ, તન્મયતા અને કેફ… ક્રિયા કરતા પહેલા ઉલ્લાસ. પૂજાના કપડા પહેરયા અને તમે નાચતા હોવ, પ્રભુની સામે ચામર લઈને નાચો એ તો બરોબર… પૂજાના કપડા પહેર્યા ઘરે અને તમે નાચતા હોવ. હું પ્રભુની પૂજા કરવા જવાનો છું! પ્રભુનો સ્પર્શ મને મળવાનો છે! એટલે ક્રિયા કરતા પહેલા ઉલ્લાસ, ક્રિયા કરતી વખતે તન્મયતા- ડૂબી જવાનું એમાં… અને એ રીતે ક્રિયા થયેલી હોય તો પાછળથી કેફ રહે. એ પૂજા કરીને ઘરે આવ્યા, નાસ્તાના ટેબલ ઉપર બેઠા, નાસ્તો કર્યો, કોક પૂછે, શું હતું નાસ્તામાં? તમે કહી દો, ખબર નથી. ભગવાનનો સ્પર્શ મળેલો, એના કેફમાં એટલો બધો હતો કે બેઠો, ખવાઈ ગયું… શું ખાધું એ ખબર નથી. તો ઉલ્લાસ, તન્મયતા અને કેફ. દરેક ક્રિયાની અંદર આ ૩ step તમને મળવા જોઈએ. તો અભય, અદ્વેષ, અને અખેદ. અભય એટલે ચિત્તની સ્થિરતા.

પછી અદ્વેષ. કોઈના પ્રત્યે પણ દ્વેષ ન રાખવો, બધાની જોડે મિત્રતાનો ભાવ. એક સવાલ તમને પૂછું, પ્રભુ તમને ગમે? પ્રભુને જે ગમે, એ તમને ગમે? પ્રભુ તમને ગમે છે, પ્રભુને જે ગમે છે, એ તમને ગમે છે? પ્રભુએ ૩ -૩ જનમ સુધી કઈ ભાવના ઘૂંટી? ‘સવિ જીવ કરું શાસન રસી’ મારામાં એવી તાકાત ક્યારે આવે? ક્યારે હું તીર્થની સ્થાપના કરું? અને જગતના બધા જ જીવોને મોક્ષની યાત્રા તરફ મોકલી દઉં. પ્રભુએ કોઈને બાકાત રાખ્યા હતા…? કે આ માણસ નહિ, બીજા બધા…

તો પ્રભુને… આપણા પ્રભુને બધા ઉપર પ્રેમ હતો. પ્રભુના ભક્તને પ્રભુ ગમે, તો પ્રભુને જે ગમે, એ ગમે કે નહી? મારા પ્રભુને જે ગમે એ બધું મને ગમે… આખરે ધર્મ શું છે? સાધના આખરે શું છે? પ્રભુને ગમે તે કરવું તે સાધના. એને ન ગમે તે ન કરું તે આજ્ઞા. ગુસ્સો મનમાં આવ્યો જાતને સવાલ કરો, કે હું ગુસ્સે થાઉં તો મારા ભગવાનને ગમે? તો મારા ભગવાનને ન ગમે, એ હું કેમ કરી શકું…?! સમિતિ અને ગુપ્તિનું પાલન તમે સહેજ પણ ન કરો, પ્રભુને ગમે? તો તમારો પણ એક નિર્ધાર જોઈએ, મારા પ્રભુને જે ગમે છે, એ જ મને ગમે છે. મારા પ્રભુને ગમે છે, એ જ મારે કરવું છે. પછી કોઈ પણ દોષને કાઢવા માટે મહેનત નહિ પડે. મારા પ્રભુને આ નથી ગમતું તો મારાથી ન કરાય. હું નિંદા કરું, મારા ભગવાનને ન ગમે તો મારાથી ન કરાય. હું રાગ કરું, એ મારા ભગવાનને ન ગમે તો મારાથી રાગ ન કરાય. ગ્રહસ્થ છું તો યોગ્ય વસ્ત્રોને પહેરીશ, સારા વસ્ત્રોને પહેરીશ, એક ખાનદાની ને શોભે એવા વસ્ત્રોને પહેરીશ. પણ એ વસ્ત્રો ઉપર રાગ મને ન હોય, એવી મારી ઈચ્છા છે.

આપણા કવિ ઉશનસ ની એક મજાની કાવ્ય પંક્તિ છે – તમને અણગમતું ના કરીએ, એ જ અમારી પ્રીતિ, એ જ અમારી ભક્તિ. પ્રભુ તને ન ગમે, એવું ન કરીએ, એ જ અમારી ભક્તિ છે.

માટુંગામાં મારું ચોમાસું હતું, એક બપોરે, એક બહેન સાધના વિષયે પ્રશ્નો પૂછવા આવેલા, પ્રશ્નોના ઉત્તર અપાઈ ગયા. પછી પ્રભુ પ્રેમની વાત મારી વાચનામાં ચાલતી હતી. ત્યારે એ બહેને એક સરસ વાત કરી, એ કહે કે સાહેબ! હું એકદમ સંપન્ન ઘરમાં જન્મેલી, ઉછરેલી, સહેજ મોટી થઇ, મારા માતા – પિતાની બહુ જ લાડકી હું હતી… મને dresses નો બહુ શોખ. ભારેમાં ભારે dresses મેં વસાવેલા. પેટીઓ ભરેલી dresses ની… લગ્ન થયા, લગ્ન વખતે આપણે ત્યાં સાડી પહેરવાનો રિવાજ હોય છે. લગ્ન પછી હું મારા પતિને મળી, ત્યારે પતિએ કહ્યું – કે તું સાડી પહેરે તો મને ગમે. આપણો ભારતીય પોશાક છે. અને એ તું પહેરે તો મને ગમે. બસ આ એક જ વચન, બધા જ dresses પેટીમાં ભરાઈ ગયા અને સાડી પહેરવાનું ચાલુ થઇ ગયું. એક પતિ કહે છે કે તું આમ કરીશ તો મને ગમશે અને પત્ની આટલો ત્યાગ કરી શકે છે. તમે કેટલું કરી શકો…? હું કોઈના ઉપર પણ ગુસ્સો કરું, મારા ભગવાન ને ન ગમે; અદ્વેષ આવી ગયો!

અને ત્રીજું ચરણ કહ્યું અખેદ. ખેદ એટલે થાકી જવું. અખેદ એટલે ઉત્સાહ. કોઈ પણ સાધના કરતા ઉલ્લાસ. થાકવાની વાત જ નહિ. અમારે ત્યાં મહાત્માઓ હોય છે. અને ઘણી જગ્યાએ હોય છે… ૧૫ કિલોમીટરનો વિહાર કરીને ગયા હોય, બાળ મુનિઓ થાકેલા હોય, એ મુનિરાજો ફટાફટ પાત્રા પલેવી અને વહોરવા માટે નીકળે. એક જ વાત ક્યાંય થકવાનું નથી. એ કહે કે સંસારના કાર્યો કરીને તો થાકી ગયા, હવે તો થાક ઉતારવાનો છે. વૈયાવચ્ચ શું કરે? થાક ઉતારે. અખેદ…

તો આનંદધનજી ભગવંતે કહ્યું, અભય, અદ્વેષ અને અખેદ. આ ૩ તમારી પાસે આવે તો તમારી સાધના સમ્યક થયેલી કહેવાય. આ જ વાત બીજા સ્વપનમાં આવી… પ્રભુએ કહ્યું કે વાંદરાનું મન અસ્થિર હોય છે અને એટલે એનું શરીર પણ સ્થિર રહેતું નથી. અહીંથી ત્યાં, ત્યાંથી અહીં દોડ્યા કરે છે. એ જ રીતે સાધકનું મન જો અસ્થિર હશે તો એ કોઈ પણ સાધનાને સમ્યગ્ રીતે કરી નહિ શકે. એટલે સાધના ને સમ્યગ્ રીતે કરવા માટે મનને સ્થિર બનાવવું પડે. અઘરું છે બહુ? જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી અઘરું છે. કરવા માંડો તો સહેલું છે. ખાલી ૧૦ મિનિટ શાંતિથી બેસો. એકદમ શાંતિથી… કોઈ વિચાર આવી પણ ગયો, જોઈ લો, એ pass on થઇ જશે.

પેલો ગુંદરિયો મહેમાન આવે ને એને આવો આવો કહેવાય નહિ… તમે આવ આવ કહો ને તો અઠવાડિયા સુધી ચોંટી પડે. એમ વિચાર જે છે એને પાસ ઓન થવા દેવાનો, એને અંદર બોલાવાનો નહિ. તમારું મન શું છે આમ? ગોડાઉન છે? બધો કચરો ભરવાનો…? દુનિયા આખી નો કચરો તમારા મનમાં ભરાયેલો છે. એ બધો જ કચરો ઠાલવી નાંખો અને પ્રભુના તત્વ જ્ઞાનથી મનને ભરો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *