Sadhana – Param Sparshi Varshavas – Vachana 76

153 Views 21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પુણ્યપાલ રાજાના સ્વપ્નોનું ફળકથન

કાંટાઓથી ઘેરાયેલું કલ્પવૃક્ષ – સંપત્તિવાન માણસોના હ્રદયમાં એ ખ્યાલ હશે કે પુણ્યના ઉદયથી મળ્યું છે અને હું જો આપીશ, તો મારું પુણ્ય પાછું વધશે જ. પણ એ સંપત્તિવાન માણસની આજુબાજુ અદેખાઈ કરનારા એવા લોકો હશે જે એને દાન કરતા અટકાવશે.

શબસરીખો સિંહ – સિંહ સૂતેલો હોય કે કદાચ મરી ગયેલો હોય, તો પણ બીજાઓ તો એનાથી ભયભીત જ થતાં હોય છે. જિનશાસન સિંહ જેવું છે. વચ્ચે વચ્ચે એવો કાળ આવ્યો કે જ્યાં શાસનનો પ્રભાવ ઓછો થયો હોય, તેમ છતાં કોઈ એનો પરાભવ કરી શક્યું નથી.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૬ (દિપાલીકા પર્વના પ્રવચનો – 2)

પરમતારક પરમાત્માની દેશના જારી રહી છે. થોડાક આપણે પાછળ જઈએ તો આપણને અનુભવ થાય કે આપણે પણ સમવસરણમાં બેઠા છીએ.

હમણાંની ભાષામાં એને journey in the time કહેવામાં આવે છે. કાળની અંદર પ્રવાસ. જર્મનીની એક વિદુષી મહિલા પ્રોફેસર, એણે journey in the time કેવી રીતે કર્યો એની વાત કરું… એક પ્રોફેસર university માં બૌદ્ધ ગ્રંથોને ભણાવતા હતા. એકવાર એક ગુરુનો ગ્રંથ એમના હાથમાં આવ્યો. એટલા અદ્ભુત શબ્દો, પ્રોફેસરને થયું, કે જેમના શબ્દો આટલા સરસ છે એમની અનુભૂતિ કેવી હશે! ૪૦૦ વર્ષ પહેલા થયેલા એ ગુરુ હતા. પ્રોફેસરને પહેલા તો થયું કે હું ૪૦૦ વર્ષ મોડી જન્મી. પણ એ તંત્રશાસ્ત્રના પણ વિદુષી હતા. બૌદ્ધ ગુરુએ પુસ્તક લખેલું. બૌદ્ધ ગુરુ એક જ જગ્યાએ રહેતા હોય. તો  international surfing કર્યું, કે આ સદ્ગુરુ કયા આશ્રમમાં રહેતા હતા…

તિબેટનો એક આશ્રમ પકડાયો, એ આશ્રમના સત્તાવાળાઓ જોડે વાતચીત થઇ કે એક મહિનો માટે એક જર્મન પ્રોફેસરને મઠમાં રહેવા માટે આવવું છે permission મળશે…? પહેલાં ના પાડી. પ્રોફેસર બહુ જ સન્માનીય વ્યક્તિ હતા. એમણે જર્મનીના રાજકીય અગ્રણીઓ દ્વારા તિબેટના રાજકીય અગ્રણીઓ ઉપર દબાણ લાવ્યું અને મઠે હા પાડી. ત્યાં ગયા, આ રૂમમાં, આ રૂમમાં, આ હોલમાં બધે જ એ ધ્યાનમાં બેસે છે પણ ક્યાંય પેલા સદ્ગુરુના આંદોલનો પકડાતા નથી. પ્રોફેસર મર્મી સાધક છે. આ શબ્દો ઉચ્ચારનાર વ્યક્તિ અનુભૂતિમાં કેટલી આગળ વધેલી હોય એ એમને ખ્યાલ છે. અને આવી અનુભૂતિ વાળી વ્યક્તિ હોય એની ઉર્જા કેવી હોય એ પણ એમને ખ્યાલ છે. ક્યાંય એ ઉર્જા પકડાતી નથી. પછી એ આખા મઠને પ્રદક્ષિણા આપે છે. એક – એક રૂમને જુએ છે બહુ મોટો મઠ હતો. એક ઓરડી એમણે જોઈ જે lock હતી. અને એની situation જોઈ, કે એની બારીઓ પર્વત તરફ પડતી હતી. પ્રોફેસરને લાગ્યું કે કદાચ આ સદ્ગુરુ આ જ રૂમમાં રહેતા હોવા જોઈએ. અને એમની ઉર્જા બહાર નીકળી ન જાય, એના માટે આ રૂમને lock કરવામાં આવ્યો હશે.

આપણે ત્યાં પણ કેટલી સરસ પરંપરાઓ હતી. ભોંયરામાં આવેલું દેરાસર, એ ભોંયરામાં જે પ્રભુની energy ફેલાઈ, એ બહાર ન જાય એના માટેની ચોક્કસ વ્યવસ્થાઓ હતી. એક પણ બારી નહિ, ventilation ખરું…. પણ એ મંદિરમાંથી સીધું શેરીમાં ન પડે, છ – સાત ફૂટ જાડી ભીંત, ભીંતમાં જ ventilation ખુલે. ભીંત પોલી છે, આગળ એક ventilation છે. શેરીની હવા ૪ કે ૫  ventilation ને પસાર કરે ત્યારે ભીતર આવી શકે છે. આ શું હતું… કે ભીતર જે ઉર્જા પેદા થઇ છે એ બહાર ન જાય. અને એટલે તમે સહેજ પણ neutral થઈને અંદર જાવ તો એ ઉર્જાથી તમારું અસ્તિત્વ ભરાઈ જાય.

હવે પ્રોફેસરને થયું આ જ રૂમમાં આ ગુરુ રહેતા હોવા જોઈએ. હવે એણે આશ્રમના સત્તાવાળાઓને કહ્યું કે આ રૂમમાં મારે ધ્યાન કરવું છે. પેલા લોકોએ ના પાડી, કે વર્ષોથી ૧૦૦ – ૨૦૦ – ૨૫૦ વર્ષથી આ રૂમ lock છે. એને ખોલવામાં આવી નથી. અને ગુરુઓએ ના પાડેલી છે કે આ રૂમને ખોલવાની નહિ. એટલે અમે લોકો આ રૂમને ખોલી નહિ શકીએ. ફરી જર્મની રાજકીય અગ્રણીઓ જોડે વાતચીત કરી, ત્યાંથી દબાણ તિબેટના રાજકીય અગ્રણીઓ ઉપર આવ્યું. અને છેવટે રૂમ ખુલી. રૂમ ખુલી અને પ્રોફેસર જ્યાં અંદર ગયા… શું અદ્ભુત ઉર્જા…! એમને થયું કે મારો જન્મારો સફળ બન્યો.

૪૦૦ વર્ષ પહેલાંના સદ્ગુરુની અનુભૂતિ કેવી હશે એનો ખ્યાલ એમને આવ્યો. અને વર્ષોથી એ રૂમ lock કરવામાં આવી એનું કારણ પણ આ જ હતું. ગુરુઓને ખ્યાલ હતો કે આની અંદર ઉર્જા બહુ જ સરસ છે. એ ઉર્જા કોઈ પણ સંયોગોમાં બહાર નીકળવી ન જોઈએ. તો આવી રીતે journey in the time આપણે પણ કરી શકીએ. ૨૫૫૦ વર્ષ પહેલાં પહોચી જઈએ, પ્રભુના સમવસરણમાં.

પુણ્યપાલ રાજા પોતાને આવેલ સ્વપ્નની વાત કરે છે. ત્રીજા સ્વપ્નમાં રાજાએ કલ્પવૃક્ષને જોયું. કલ્પવૃક્ષને જોતા આનંદ થાય, પણ રાજાને આશ્ચર્ય થયું છે… આશ્ચર્ય કેમ થયું…? કલ્પવૃક્ષ તો હતું પણ એની આજુબાજુ બાવળિયા જ બાવળિયા હતા. એટલા બધા કાંટા કે કોઈ પણ માણસ એ કલ્પવૃક્ષ પાસે જઈ શકે નહિ. તો પ્રભુને પૂછ્યું કે પ્રભુ! આ સ્વપ્નનું ફળ શું? ત્યારે પ્રભુ કહે છે, કે ભવિષ્યકાળમાં સંપત્તિવાન માણસો થશે. એમના હ્રદયમાં એ પણ ખ્યાલ હશે, કે પુણ્યના ઉદયથી મળ્યું છે. હું જો આપીશ તો મારું પુણ્ય પાછું વધશે. પણ એ સંપત્તિવાન માણસની આજુબાજુ એવા ચમચાઓ હશે કે જે આને દાન નહિ કરવા દે.

ઘણીવાર કોઈ સાધર્મિકને તમે ૧૦૦ રૂપિયા આપો, પછી તમે ઓફિસે જવા નીકળ્યા. અને એ માણસ તમારી ગલીના નાકે પાનનો ડૂચો મોઢામાં ઘાલી, સીગરેટ હાથમાં લઈને ઉભો છે. તમને શું થાય…? તમને એ જ થવું જોઈએ કે મેં તો સાધર્મિક ગણીને એને આપેલું છે. મારો ઉદ્દેશ્ય એ જ હતો કે એનું, એના કુટુંબનું એકાદ સમયનું નાસ્તાનું થઇ જાય. એથી વધારે તો હું આપી શક્યો નથી. ૧૦૦ રૂપિયા આપ્યા છે. હવે મેં આપી દીધા, પછી એના થયા. એને કંઈ રીતે વાપરવા એ, એ જાણે. એમાં મારે મારી બુદ્ધિને ચલાવવાની જરૂર ક્યાં છે….? ન આપવાની વૃત્તિ હોય, ક્યારેક આપેલું હોય અને એવું જોઈ જાય, આમાં આવું તો કહી દે કે આ સાધર્મિકો બધા માંગણીયા જ છે. અને બધા વ્યસનવાળા છે. આમ શું અપાય…!

આપણા સાધર્મિકોનો પ્રશ્ન કેમ રહ્યો છે… સંપત્તિવાનોની ધન પરની મૂર્છા ને કારણે રહ્યો છે …એક બાજુ શિખરો છે, બીજી બાજુ ખીણ છે, શિખરોના ખાલી ટોપચાને ઉડાડી દઈએ તો પણ ખીણો ભરાઈ જાય એમ છે. દિવાળીમાં લોકો ફરવા જાય વિદેશ, એ દસ દિવસ ફરવા માટે જાય, ૫ – ૭ લાખનો ખર્ચ થઇ જાય. Shopping કરીને આવે તેથી વધારે થઇ જાય. તમારો જે pocket expense છે, એને તમે સાધર્મિકોને આપવા તૈયાર ખરા? તો આપો… આપવામાં ક્યારેય સંકોચ નહિ રાખતા.

હરિભદ્રસૂરિ મ.સા કહે છે, ‘ધર્મસ્ય આદિપદં દાનમ્’ ધર્મનું પહેલું પગથિયું દાન છે. હાથની ઉદારતા, હૃદયની ઉદારતા. હાથની ઉદારતા તો ખરી પણ એ વખતે હૃદયની ઉદારતા. કે ભાઈ! આ ખાલી ૫૦૦ રૂપિયા મારા ખિસ્સામાં છે, તને આપી દઉં છું. ફરી ક્યારેક તું મળીશ વધારે હશે ને તો વધારે આપી દઈશ. અત્યારે વધારે આપી શકતો નથી. હાથની ઉદારતાની સાથે હૃદયની ઉદારતા મળવી જોઈએ. એવા લોકોને જોયા છે, જેમણે સાધર્મિકો માટે દરવાજા ખોલી નાંખેલા તિજોરીના…

મુંબઈમાં જ ૧૦૦ વર્ષ પહેલા માણેકલાલ ચુનીલાલ થયેલા. એ જમાનાના કરોડોપતિ. બહુ મોટો બંગલો. અને સ્વદ્રવ્યથી બનાવેલું સરસ મજાનું દેરાસર. મુખ્ય ગેટમાંથી તમે જાવ અને એક બાજુ દેરાસર જવાય. એક બાજુ એમના બંગલા તરફ જવાય. Security man ને કહેલું કોઈ પણ વ્યક્તિ હોય એને દેરાસરે જવું હોય, તો રોક – ટોક વગર જવા દેવાનું. હા, એને બંગલામાં આવવું હોય, તો તમારે બધી વિધિ કરી દેવાની. પૂછી લેવાનું… જાણીતું હોય તો જ પ્રવેશ આપવાનો.

એક વખત શેઠ પોતે પૂજા કરે છે, અને એક ભાઈ આવ્યા… હાથમાં લાલ થેલી, શેઠે ડાબી બાજુ ભગવાનની પૂજા કરી. મૂળનાયક ભગવાનને કરી, ડાબી બાજુ સોનાના ભગવાન હતા, એમની પૂજા કરી. અને જમણી બાજુ ગયા. પેલો જે માણસ આવેલો, એને એ ખ્યાલ નથી કે આ શેઠ છે. કોઈ પૂજા કરનાર છે… એણે ઝડપથી કામ કરવું હતું… શેઠ જમણી બાજુ ગયા, સોનાની મૂર્તિ એને લઇ લીધી… થેલીમાં મૂકી દીધી.

આવી કોઈ ઘટના ઘટે ને ત્યારે તમારા મનમાં સંકેતો મળતાં હોય છે. શેઠને અચાનક થયું કે ડાબી બાજુ શું થયું છે..? જુએ, સોનાના ભગવાન નહિ… અને પેલા ભાઈ લાલ થેલી હાથમાં રાખીને જઈ રહ્યા છે. તરત જ એમને બહાર જઈને ફોન કરીને, security man ને કહ્યું કે પૂજાના કપડામાં લાલ થેલી હાથમાં લઈને એક ભાઈ આવી રહ્યા છે એમને રોકી રાખવાના છે. તારી બાજુની રૂમ છે, એમાં આરામથી એ બેસી જાય, મારી સાથે એમને જમવાનું છે. શેઠની કેટલી ગંભીરતા…! એ નથી કહેતાં કે પકડજે બરોબર એની થેલીમાં શું છે જોજે… મારો સાધર્મિક છે… ખબર નથી પણ કદાચ જૈન જ હોઈ શકે. અને જૈન નથી તો આખરે કોઈ માણસ તો છે જ… તો કોઈની પણ પ્રતિષ્ઠાને આંચ ન આવવી જોઈએ. કારણ કે એ security ma n જો જાણી લે કે આ માણસ ચોર છે… તો સત્તર જગ્યાએ વાતો કરશે. ત્યાં જ પેલા ભાઈ આવ્યા, ગેટ પાસે.. security man એ રોકી લીધા, કે સાહેબ આ રૂમમાં બેસી જાવ… શેઠનો ફોન આવ્યો, હમણાં જ શેઠ આવે છે અને શેઠ જોડે તમારે જમવાનું છે. હવે થેલીમાં ભગવાન… મારે બહુ જ તકલીફ છે, મારી દીકરી હોસ્પીટલમાં છે, મારે એને ટીફીન આપવા જવાનું છે.. આમ છે ને તેમ છે… સાહેબ જે હોય તે. હું તમારો નોકર નથી. હું મારા શેઠનો નોકર છું. એટલે શેઠનો બીજો order ન મળે ત્યાં સુધી તમારે રૂમની બહાર નીકળવાનું નથી. અને જો તમે નીકળ્યા તો પછી તમને કંઈક વાગી જાય, એની જવાબદારી તમારી.

પેલા ભાઈ રૂમમાં બેઠા. શેઠ આવ્યા.. એટલા ભાવથી ભેટેલા… આવો… આવો… આવો… મારો એ નિયમ છે કે રોજ એક સાધર્મિકને  જમાડીને પછી જમવું. ચાલો તમે.. ઘરે લઇ ગયા, નવા કપડાં પહેરવા માટે આપ્યા. જમાડ્યો. જમાડ્યા પછી પોતાના બેડરૂમમાં શેઠ લઇ ગયા, એ ભાઈને… બેડરૂમ અંદરથી બંધ કર્યું. અને શેઠે પ્રેમથી પૂછ્યું… કે ભાઈ તમે જૈન લાગો છો, તો કહે કે હા, હું જૈન છું. જૈનનો દીકરો ચોરી ન કરે… પણ પ્રભુની ચોરી તો ક્યારે કરે જ નહિ. કારણે કે એ ચોરી કરાયેલા ભગવાન તું સોનીને આપે, સોની એને ગાળી નાંખે, આપણા ભગવાનની આટલી આશાતના કોઈ પણ જૈન બચ્ચો ક્યારે પણ કરે નહિ. પણ મને લાગે છે કે તું બહુ જ સંકળામણ માં આવી ગયો હોઈશ ત્યારે તું આ પગલું ભરવા બેઠો હોઈશ.

ત્યારે એણે પેટ છૂટતી વાત કરી, કે હું ગામડેથી અહીંયા આવેલો. શેઠના ત્યાં મુનીમગિરિ કરતો. એ જમાનામાં ૫૦ રૂપિયા પગાર. એમાંથી આખા કુટુંબનું જે છે એ ચલાવવું. એમાં શેઠે નોકરીમાંથી કાઢી મુક્યો. હવે બચત એક પૈસાની નથી. દીકરી ઉંમરલાયક થયેલી છે. સગપણ થયેલું છે. અને વેવઈ ઉતાવળ કરે છે, કે લગ્ન ક્યારે લેવાના છે… હવે લગ્ન સાદાઈથી કરું તો પણ ૫ – ૧૦ હજાર કે ૧૫ હજાર તો લાગે. મારી પાસે એક રૂપિયો નથી, અને સગાં – વહાલા બધા મને ઓળખે છે. અને એ કોઈ મને પૈસો આપે એમ નથી. તો હું ક્યાં જાઉં…? જો દીકરીનું લગ્ન ન લઉં તો મારે ગળે ફાંસો જ ખાવો પડે. ઉંમરલાયક દીકરી અને એના હું લગ્ન ન લઉં પેલા લોકો સગાઇ ફોક કરે… મારી દીકરીનું બીજી જગ્યાએ સગપણ ન થાય. તો મારે તો જીવતા મરી જવા જેવી જ હાલત થાય… ચોરી કરવાની કોઈ આદત નથી. એ ક્યાંય હાથ મારી આવું… પકડાઈ જ જાઉં હું… એ વખતે તમારા દેરાસરે ૨ – ૩ વાર હું આવેલો, સોનાના ભગવાન જોયેલા, મને થયું કે આ મારા ભગવાન છે. મારા ભગવાન માટે કોઈ વિચાર હું કરી શકું નહિ, પણ મને લાગ્યું કે આના સિવાય કોઈ માર્ગ મારી પાસે નથી. એની આંખમાં આંસુ… દળદળ રુવે છે કે સાહેબ! મેં ઘોર પાપ કર્યું… પ્રભુને આ રીતે મેં લઇ લીધા. શેઠે કહ્યું, કંઈ વાંધો નહિ… ભગવાન મને આપી દે… ૧૮ અભિષેક કરાવીને કાલે પૂજામાં મૂકી દઈશ. તારે શું જોઈએ એ બોલ… આવતી કાલથી મારે ત્યાં નોકરીએ આવી જા. તારો પગાર ૫૦ ને બદલે ૧૦૦ રૂપિયા… દીકરીના લગ્ન માટે ૫૦,૦૦૦ રૂપિયા તને આપી દઉં. બોલ બરોબર… ૫૦,૦૦૦ રૂપિયા લઇ જા. મારે ત્યાં નોકરી શરૂ તારી…. અને અધવચ્ચે ક્યારે પણ જરૂરિયાત પડે ત્યારે સંકોચ વગર મારે ત્યાં તારે આવી જવાનું.

આવા લોકોને હું લક્ષ્મીવાન કહું છું. અંગ્રેજીમાં શબ્દ છે rich. Rich man એનો અનુવાદ કોઈ પૈસાવાળો કહે તો મને વાંધો નથી. પણ લક્ષ્મીવાન એટલે શું? કાલે પૂજન કરેલું ને…? લક્ષ્મીજી એટલે શું? જે તમારે ત્યાં છે અને સમાજને, સંઘને, રાષ્ટ્રને, કામમાં આવે છે એ લક્ષ્મીજી. અને તમારી પાસે છે અને માત્ર તમારા માટે, અને તમારા પરિવાર માટે જે કામમાં આવે છે એ પૈસો.

ચોથા સ્વપ્નની અંદર પુણ્યપાલ રાજાએ એક સિંહને જોયો છે. સિંહ મરી ગયો છે અને એના શરીરમાં કીડા ઉત્પન્ન થયા છે. એ કીડાના કારણે એની જે ચામડી જે છે એ ઉંચી – નીચી થાય છે. એટલે શિયાળિયા વિગેરે બધા આવીને ઉભા છે. પણ ગભરાય છે. કે સિંહ જીવે છે કે મરરી ગયો છે…? રાજા પૂછે કે પ્રભુ આ સ્વપ્નનું ફળ શું? પ્રભુએ કહ્યું કે જિનશાસન… મારું શાસન એ સિંહ જેવું છે. પણ ક્યારેક એવું બનશે, કે સિંહ સૂતેલો પણ હોય, મરી ગયેલો પણ હોય, પણ બીજાઓ તો એનાથી ભયભીત જ થતાં હોય છે. વચ્ચે વચ્ચે એવો સમય આવ્યો જયારે પ્રભુ શાસન આપણા માટે નહોતું એમ કહીએ તો ચાલે.

૩૦૦ વર્ષ પહેલા ગોરજીઓનો જમાનો ચાલતો, એ લોકો ઓઘો રાખતા, પણ મુકામમાં રાખે… બહાર જાય ત્યારે ઓઘાની જરૂર નહિ. બાકી ટીંગાળી રાખે. એ લોકો દવાઓ બધી જાણે. લોકોને દવા આપે. કામણ – ટુમણના પ્રયોગો પણ એમને આવડતાં હોય. એ પણ એ લોકો કરે. એક શાસન પ્રત્યે ખુમારી ખરી. બાકી આચરણ એકદમ ઢીલું. તો એવી વખતે સંવિગ્ન મુનિઓ હતા, પણ સંઘની અંદર સંવિગ્ન મુનિઓનું કંઈ ચાલતું નહિ. કારણ પેલા મ.સા દવા આપે. પેલા મ.સા. કામણ – ટુમણના પ્રયોગો કરી આપે, પેલા મ.સા. આમ કરી આપે. આ આપણા મ.સા. તો કાંઈ કરે નહિ. એ તો બસ એમનો સ્વાધ્યાય, એમની ભક્તિ… એટલે લોકોનો પ્રવાહ ગોરજી તરફ ગયેલો. એટલો બધો ગોરજીઓનો પ્રભાવ…

એ વખતે મહોપાધ્યાય યશોવિજય મ.સા. ગયા. નીડર પુરુષ. એમને છડે ચોક વ્યાખ્યાનમાં વાત કરવા માંડી કે પ્રભુનો સાધુ કેવો હોય… એકેક શબ્દ તીર થઈને પેલા લોકોને લાગ્યા. ભગવાનનો સાધુ દવાઓ આપે નહિ, કામણ – ટુમણ કરે નહિ, બહારની કોઈ પ્રવૃત્તિ કરે નહિ, માત્ર ભીતર ડૂબેલો હોય, ગોરજીઓને થયું કે આ માણસ તો આપણી આખી પરંપરાને નષ્ટ કરી નાંખશે. સમાજમાં આપણો પ્રભાવ છે એને નષ્ટ કરી નાંખશે.

એટલે એ લોકોએ એકવાર મહોપાધ્યાયજી ને એક ઘરની અંદર નજરકેદ કર્યા. ત્યાં એમને ગોચરી પાણી મળી જાય. પ્રભુનું દર્શન ત્યાં મળી જાય. તમને અમે બહાર નહિ આવવા દઈએ. સંઘ એમના હાથમાં… બહાર તમારે આવવું હોય તો એક શરત છે…તમારે તમારા હસ્તાક્ષરમાં લખી આપવું પડે કે હું ક્યારેય ગોરજીઓની ટીકા નહિ કરું. એમણે લખી આપ્યું મહોપાધ્યાયજીએ, સહી કરી આપી. હવે પેલા લોકોને થયું કે ચાલો હવે આપણા હાથમાં બાજી આવી ગઈ. આ લખાણ આપણી પાસે છે, એટલે બોલશે નહિ. કદાચ બોલશે તો આપણે આ લખાણ લોકોને બતાવશું. કે જો આવો જુટ્ઠો માણસ છે. એના હસ્તાક્ષરમાં કહે છે કે હું નહિ કરું અને પોતે કરે છે.

પણ ગોરજીઓનો આનંદ ટક્યો નહિ. જ્યાં બહાર આવ્યા, પહેલું જ પ્રવચન, પ્રભુનો સાધુ આવો જ હોય, આવો ન જ હોય. પેલા લોકો આવ્યા સભાની અંદર, સભા તોડવા… તમે આમ લખેલું છે. એટલે ઉપાધ્યાયજી કહે મૂર્ખાઓ જૈનશાસનની મર્યાદાઓ જાણો છો? ‘પદામીઓગેણ’ અમારે ત્યાં આગાર હોય છે, કોઈ ટોળું જે છે એ ફરજ પાડે તો લખી દેવાનું.એ કહે એ કંઈ અમારે મંજુર નથી. ભગવાને અમને છૂટ આપેલી છે. તમે બળ વાપર્યું, તો બળના કારણે મારે લખવું પડ્યું. મેં મારી ઈચ્છાથી નથી લખ્યું.

તો આવા આવા સમયો વચ્ચે આવ્યા. જ્યારે પ્રભુશાસન આપણા માટે નહોતું. આપણે ખરેખર બડભાગી છીએ કે આ યુગમાં આપણે જન્મ્યા છીએ કે જ્યારે પ્રભુશાસન તમારી રગરગની  અંદર વણાયેલું છે. એક જ ચિંતા તમારી નવી જનરેશનની છે. ૧૫ થી ૩૫ વર્ષના યુવાનો અને યુવતીઓ, એજ્યુકેશનનો ભાર, job નો ભાર… એ કરતાં પણ ઉપાશ્રય આવવા માટેનો એક પગ જે નથી ઉપડ્યો, એના કારણે ઉપાશ્રય આવતાં અચકાય છે.

માટુંગામાં યુવાનો માટેનું એક પ્રવચન હતું. મેં એમને કહ્યું કે તમારે કોઈને પ્રવચન માટે આવવાની જરૂર નથી. નહિ આવો તો ચાલશે. માત્ર ૫ મિનિટ ઉપાશ્રયમાં આવી જાઓ. ગુરુદેવને વંદન કરી જાવ. એ એક વાતાવરણ, એને તમે જોશો, એટલે ધીરે ધીરે તમારી ભીતર અસર પડશે.

હમણાં એક યુવાન આવેલો, આમ બેઠો થોડીવાર અહીંયા, પછી કહે સાહેબ! અહીંયા તો કેટલી શાંતિ છે! બધા મહાત્માઓ સ્વાધ્યાય કરતાં હોય, ક્યાંય અવાજ નહિ. સાહેબ! અહીં તો કેટલી શાંતિ છે. અને ઘરે જઈશું એટલે અશાંતિ જ અશાંતિ…

તો પ્રભુએ કહ્યું કે આવો યુગ આવશે. પણ મરેલો અથવા મૃત્યુની નજીક આવેલો, પણ છે તો સિંહ. એટલે બીજા લોકો એની નજીક આવતાં ડરશે. આ પ્રભુશાસન છે. આપણી એક ફરજ તો એ છે કે આપણા શાસનને આપણે જેટલું વિસ્તારી શકાય એટલું વિસ્તારીએ. તમારા જેટલા પણ આડતિયાઓ હોય. જૈન નથી. એને પણ જૈન ધર્મ એટલે શું એ ખબર પડવી જોઈએ. તમે એના ત્યાં રાત્રે ૮ વાગે ગયા, અને એ કહે ચાલો જમવા માટે. તમને ખબર નથી, અમે લોકો જૈન… અમે રાત્રે જમીએ નહિ. ચા પણ પીએ નહિ. માત્ર પાણીની અમારે છૂટ હોય. આવું જો તમે કહી શકો તો પેલા ઉપર જૈનશાસનની કેટલી બધી છાપ પડે! અમને લોકોને અજૈનો જયારે નજીકથી જુએ છે ત્યારે એ લોકો એટલું જ કહે છે કે તમે તો હાલતાં – ચાલતા ભગવાન છો બધા… એ કહે છે કે આ કાળની અંદર આટલું બધું ઊંચું જીવન તમારું! ખરેખર! તમને વંદન કરીએ. આટલું અદ્ભુત પ્રભુનું શાસન છે, એ શાસનનો પ્રસાદ, પ્રચાર જેટલો થાય એટલો વધારે કરવો છે.

તો સમવસરણમાં પ્રભુની દેશના ચાલુ છે. ૪૮ કલાકની આ દેશનાના સંદર્ભમાં પ્રભુના નિર્વાણ કલ્યાણક ને અનુલક્ષીને છટ્ઠ નો તપ આપણે ત્યાં થતો હોય છે. કાલે કેટલા બધા લોકો ઉભા થઇ ગયેલા છટ્ઠના પચ્ચક્ખાણ લેવા…. ખાનારા ઓછા હતા અને છટ્ઠવાળા વધારે હતા.

તો ખુબ ખુબ સરસ પરંપરા આપણને મળી છે, એ જ પરંપરામાં આગળ વધો એવા આશિષ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *