Sadhana – Param Sparshi Varshavas – Vachana 77

278 Views 16 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પુણ્યપાલ રાજાના સ્વપ્નોનું ફળકથન

નિર્મળ જળથી ભરેલું સરોવર છોડીને ખાબોચિયાનું ગંદું પાણી પીતો કાગડો – સંયુક્ત પરિવારો ન તો શ્રાવક–શ્રાવિકા વર્ગમાં વધુ રહેશે, ન સાધુ–સાધ્વી સમુદાયમાં. પરિવારમાં ભેગા રહેવાનું ગમશે નહિ.

પિત્તળના ઘડાઓથી ઘેરાયેલો સોનાનો ઘડો – જે ખરેખર ઊંડા ઉતરેલા સદ્ગુરુઓ હશે, એ ક્યાંક ખૂણામાં હશે; એકાંતમાં હશે. તમારે એની શોધ કરવા માટે જવું પડશે.

ઉકરડામાં રહેલું કમળ – વર્ણ વ્યવસ્થાનો અભાવ થશે.

ઉખર ભૂમિમાં વાવેલા બીજ – સંપત્તિનો વિનિયોગ સમ્યક રીતે થશે નહિ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૭ (દિપાલીકા પર્વના પ્રવચનો – 3)

ભક્તિયોગાચાર્ય જ્ઞાનવિમલસૂરિ મ.સા. એ પરમાત્માની સ્તવનામાં કહ્યું “જિણ પરે દેશના દેયતા એ, સમરું મનમાં તેહ, પ્રભુ તુમ દરિશને રે” પ્રભુ જ્યારે જ્યારે તારું દર્શન કરું છું, ત્યારે સમવસરણમાં બેસીને દેશના આપી રહેલા આપની ઝાંખી મને થાય છે. એમને તો થતી હતી. તમને થાય છે કે નહિ…?

સમવસરણમાં આપણે કેટલી વાર જઈ આવ્યા, યાદ નથી આવતું, કારણ? એ ઘટનામાં તમે ઊંડાણથી involve થયા નહોતા. જે ઘટનાનું involvement ઊંડું હોય, એ ઘટના પાછળથી જરૂર યાદ આવે. એ પ્રભુના અંતિમ સમવસરણમાં પુણ્યપાલ રાજાએ પોતાને આવેલ સ્વપ્નોનું ફળ કથન પ્રભુને પૂછ્યું.

પાંચમાં સ્વપ્નમાં રાજાએ કાગડો જોયો. તો એમાં શું આશ્ચર્ય હતું? આશ્ચર્ય એ હતું કે બાજુમાં સરસ મજાનું નિર્મળ જળથી ભરેલું સરોવર હતું. અને કાગડો ખાબોચિયાનું ગંદુ પાણી પીતો હતો. પ્રભુ આનો શું અર્થ? પ્રભુએ કહ્યું કે ભવિષ્યની અંદર સંયુક્ત પરિવારો ન તો શ્રાવક – શ્રાવિકા વર્ગમાં વધુ રહેશે, ન સાધુ – સાધ્વી સમુદાયમાં. આખરે તો જે દીકરા કે દીકરીઓ સંયમી બને છે, એ તમારા ત્યાંથી જ આવે છે. ત્યાં એને જેવું વાતાવરણ મળેલું હોય, એ વાતાવરણથી એમનું મન prepare થયેલું હોય. તમારે ત્યાં વડીલો પ્રત્યેનો એટલો આદર હોય, દાદા બોલ્યા એટલે વાત પુરી થઇ ગઈ, આવું ઘરના બધા જ સભ્યો માનતા હોય. અને એ ઘરનો દીકરો અહીંયા આવે તો એ આજ્ઞાંકિત બહુ જ સરળતાથી બની જાય.

અમારા વાવ પંથકના અગ્રણી હતા… વાડીભાઈ. અમદાવાદમાં રહેતા. ૪ દીકરા, તો વિચાર્યું કે ચારેય માટે બંગલા લેવા છે. અને આજુબાજુ લઇ લેવા છે… એકદમ સારા એરિયામાં લેવાના હતા. એટલે બહુ ઝડપથી મળે નહિ. નવા એરિયામાં તો તરત મળી જાય. પણ એમને એવા એરિયામાં ઘરો જોઈતા હતા જ્યાંથી ઉપાશ્રય બિલકુલ નજીકમાં હોય. દેરાસર તો ઘરે પણ બનાવી દેવાય. સદ્ગુરુના સમાગમ વિના ચાલી કેમ શકે! ૩ દીકરાના ૩ બંગલા થઇ ગયા. ચોથો બંગલો પણ લેવાઈ ગયો. એનું સમારકામ ચાલતું હતું. એ વખતે હું અમદાવાદ ગયેલો, મેં પેલા નાના દીકરાને પૂછ્યું કે આ નવો બંગલો તારા માટે…? દેખીતી રીતે એના માટે જ હતો… પણ એનો જવાબ એ હતો કે એ તો દાદા નક્કી કરશે. અને પછી એને કહ્યું કે સાહેબ! અમારા ઘરમાં અમારા દાદા જ સર્વોપરી છે. એ કહે એમ જ થાય. અમારે તો બસ એમની આજ્ઞાને સ્વીકારવાની.

તો પ્રભુ કહે છે કે કાગડાના સ્વપ્નનું ફળ કથન એ છે કે પરિવારમાં ભેગા રહેવાનું ગમશે નહિ. ક્યારેક એક ઘરમાં, એક રસોડે ૧૫ – ૨૦ જણા જમતા હોય ત્યારે નવાઈ લાગે. ગોવાલિયા ટેંકમાં એક ઘર છે, ૧૫ – ૨૦ જણા સાથે જ… અને એના કારણે સાધુ – સાધ્વીજી ભગવંતોનો લાભ વધારે મળે. ૨૦ જણા માટેનું રસોડું ધમ ધોકાર ચાલતું હોય, મહેમાનો રોજ આવતાં હોય, એટલે નિર્દોષ રીતે મ.સા. ની ભક્તિ કરવાનો લાભ પણ એમને મળી જાય. પરિવારમાં રહેવામાં safety કેટલી છે… કોઈ ઊંચા અવાજે બોલી જાય, તો બીજો એને રોકી શકે. માત્ર બે જણા હોય તો કોણ કોને રોકે … સીધો divorce.. સહનશીલતા ખુબ ઘટી ગઈ છે,સંયુક્ત પરિવારો તૂટ્યા, એની પાછળનું કારણ એક જ સહનશીલતા તૂટી છે. દેરાણી – જેઠાણી હોય, સહેજ મન – મોટાવ થયો આપણે જુદું કરી નાંખો.

પ્રભુ કહે છે કે મીઠા સરોવરના પાણીને મુકીને જેમ કાગડો ખાબોચિયામાં ગયો એ રીતે ભવિષ્યની અંદર આવું થશે. અમારે ત્યાં પણ એવું બને. ગચ્છની અંદર આવી રીતે અહીંયા છે તેમ ૪૦ – ૫૦ ઠાણા ભેગા રહેતા હોય, તો એકબીજાને એકબીજાનું આલંબન કેટલું રહે… તમે કેટલી ગાથા કરી? – ૧૦. ઓહોહો મારે તો ૮ જ થઇ છે. કેટલું મજાનું આલંબન ગચ્છ્ની અંદર મળે. પણ સહનશીલતા ક્યારેક ઓછી હોય, તો કે ના ભાઈ આપણે ૨ જણા, ૩ જણા અલગ થઇ જાવ.

છટ્ઠા સ્વપ્નની અંદર સોનાનો ઘડો જોયો. ઘડો સોનાનો હતો પણ પાછળ. અને આગળ બધા પિત્તળના ચકચકાટવાળા ઘડા હતા. સોનાનો ઘડો આગળ જોઈએ. એને બદલે એ ખુણામાં, અને પિત્તળના ઘડા બધા આગળ આવીને બેસી ગયેલા. પ્રભુને પૂછ્યું કે પ્રભુ! આ સ્વપ્નનું ફળ કથન શું? પ્રભુએ કહ્યું, જે ખરેખર ઊંડા ઉતરેલા સદ્ગુરુઓ હશે, એ ક્યાંક ખુણામાં હશે… તમારે એમને શોધવા પડશે…. અત્યારે યોગનું marketing ચાલ્યું છે. કરોડો ડોલરનું… યોગનું marketing હોય?!  યોગી તો એકાંતમાં જઈને મજામાં બેઠેલો હોય.

સૂફી સંતો માટે એવું કહેવાય કે એક સાધક કોઈ ગુરુ પાસે આવ્યો, ગુરુને લાગે છે કે આગળના lessons પેલા સુફી સંતો પાસે એ ભણે તો સારું. એટલે ગુરુ એને કહે કે તારે હવે આગળ જવાનું છે. હું કહું એ ગુરુની પાસે… એ ગુરુ અમુક ગામમાં છે, address આપ્યું. અને જૂત્તા સાંધે છે. મોચીનું કામ કરે છે. તું જઈશ પહેલા તો તારી વાત સાંભળશે જ નહિ… શેનો યોગ!? શેની વાત…!? મોચી છું દેખતાં નથી. એ તમને ટાળવાની પુરી કોશિશ કરશે. કારણ એમણે જોવું હોય છે કે તમે ખરેખર અર્થી છો કે નહિ.. તમારી લાયકાત એને નહિ લાગે ત્યાં સુધી એ તમને સ્વીકારશે જ નહિ. અને પછી ખરેખર એવું બને એ મોચી જ હોય. પેલાએ શું કરવાનું છે… શરૂઆતમાં કંઈ કહેવાનું નથી. એમની સેવાનું કામ શરૂ કરી દેવાનું… સવારના પહોરમાં નદીએથી તાજું પાણી ભરીને લાવે, એ સંત સ્નાન માટે ગયેલા હોય, ત્યારે એમની ઝુંપડી વાળી – ચોળીને સ્વચ્છ બનાવી નાંખે. સવાર – સાંજ, બપોર જેટલી સેવા થઇ શકતી હોય, એટલી સેવા એ કરે. ગુરુ એની સામે સ્મિત પણ ન આપે.

By the way એક વચ્ચે બીજી વાત કરું… એક શિષ્ય હતો. એની દીક્ષાને બે મહિના થઇ ગયા અને છતાં ગુરુ એની જોડે બોલતા નથી. એ અકળાઈ ગયો, ગુરુના ચરણોમાં આવ્યો…. ધ્રુસકે ધ્રુસકે રડ્યો, કે મારો શું અપરાધ? કે આપ મારી સામે જોતા પણ નથી. એ વખતે ગુરુ કહે છે કે આટલી નાનકડી પરિક્ષામાં તું નાપાસ થયો. ગુરુ કહે છે, મેં દીક્ષા લીધી, એ પછી બે વર્ષ સુધી ગુરુએ મારી નોંધ નહિ લીધેલી.. મારા જેવો કોઈ માણસ, કોઈ શિષ્ય એમના મનમાં છે એની નોંધ પણ એમણે નથી લીધી. નોંધ લો તો ક્યારેક બોલાવો. ખબર પડે આ ભાઈ છે… ૨ વર્ષ સુધી મારી નોંધ નહિ લીધી. ૨ વર્ષ પુરા થયા. રોજની માફક હું એમના ચરણોમાં ગયો. ત્યારે સહેજ સ્મિત આપ્યું. બે વર્ષ.. બીજા ૨ વર્ષ થયા… એટલે કે દિક્ષાને ૪ વર્ષ થયા. ત્યારે એક વાક્ય બોલ્યા – આનંદમાં છે ને બેટા… અને ૬ વર્ષ પછી મને ક્યારેક કયારેક વાચના આપતા… ક્યારેક ક્યારેક… મારા ગુરુ ૬ વર્ષે મારી સાથે બોલ્યા. તારે તો ૬ મહિના પણ થયા નથી હજુ…

પેલા ગુરુ આની નોંધ નથી લેતા. આ દિલથી કામ કરે છે. ગુરુ જોવે છે, કોઈ નોંધ નહિ… ૨ – ૩ મહિના થઇ ગયા… કાચો – પોચો હોય તો નીકળી જ જાય. કે ગુરુ સામે જોતા નથી તો સાધના તો શું આપવાના…! ૩ મહિના થયા પછી ગુરુએ પૂછ્યું – તું કેમ આવ્યો છે અહીંયા…? સાહેબજી! આપની પાસે સાધના લેવા માટે આવ્યો છું… શેની સાધના…? શેની વાત…? કોઈએ તને રવાડે ચડાયો લાગે છે. હું અને સાધના…!

એ ગુરુ એટલા ઊંડા સાધક હતા કે ૨૪ કલાક એમની સાધના ચાલુ હતી. એવો એક સમયગાળો આવે છે કે જ્યારે અમે લોકો તમારી જોડે બોલતા હોઈએ, વાતો કરતાં હોઈએ, અંદર ધ્યાન ચાલુ હોય… ૨૪ કલાકનું ધ્યાન. ૨૪ કલાકની જાગૃતિ. સ્વ અને પરના બે ખાના પડી ગયા. પરમાં જવાનું નથી. સ્વમાં જ રહેવાનું છે. સ્વસ્થિતિ મળી ગઈ, સ્વમાં જ રહેવાનું મળી ગયું… બસ ૨૪ કલાકની સાધના. એ ગુરુ પણ એવા સાધક હતા. જૂત્તા સાંધે પણ ભીતર હોય. ગુરુ કહે છે, શેની સાધના? શેની વાત…? પણ પેલાને એક સમર્થ ગુરુએ આ address આપેલું છે. એટલે કહે છે ગુરુદેવ! આપને જ્યારે હું યોગ્ય લાગુ ત્યારે આપજો. મારા તરફથી કોઈ શરત નથી. હું unconditionally આપને surrender થયો છું. આપણી તકલીફ આ જ છે – unconditionally કોઈ સદ્ગુરુને totally surrender આપણે થયા નથી. Conditionally.. ગુરુએ સાધના આપવી જોઈએ. વાસક્ષેપની લાઈન ચાલતી હોય, અને મારો પત્ર લખવાનો ચાલુ હોય… થોડી લાઈન cut થાય એટલે હું થોડું લખવા માંડું. એટલે ૨ જણા આવી જાય. સાહેબજી! વાસક્ષેપ… સાહેબજી! વાસક્ષેપ… ભાઈ! મને ખ્યાલ છે, આ એક લીટી પુરી કરીને વાસક્ષેપ આપી દઉં. એક મિનિટની આપણી ધીરજ નથી હોતી. આ સાધક unconditionally totally સદ્ગુરુને surrender થયો છે. હું તો આપના ચરણોમાં જ રહેવાનો છું આપને જ્યારે યોગ્ય લાગે ત્યારે સાધના આપજો. અને ગુરુ પછી રીઝ્યા, અને પછી તો સાધનાનો આખો પટારો ખોલી દીધો….

તો પ્રભુ કહે છે કે સોનાનો ઘડો પાછળ હતો, પિત્તળના ઘડા ચકચકિત થઈને આગળ આવી ગયેલા. અને ખરેખર જે સાધનામાં ડૂબેલ હોય છે, એ તો એકાંતમાં જ રહે. તમારે એની શોધ કરવા માટે જવું પડે.

સાતમા સ્વપ્નમાં કમળ જોયું છે. કમળ તો તળાવમાં હોય. આ કમળ ઉકરડામાં પડેલું હતું. પ્રભુ આનો શું અર્થ? તો પ્રભુએ કહ્યું કે વર્ણ વ્યવસ્થા અત્યારે છે, એ આગળ નહિ રહે. અત્યારે પણ બહુ જ મોટા ચિંતકો માને છે કે વર્ણાશ્રમ એકદમ યોગ્ય વ્યવસ્થા છે. ઘણી વખત શું થયું, જે પરંપરા ચાલી આવતી હતી, એને બુદ્ધિથી જોઈ. બુદ્ધિથી જોઈ, તમારી બુદ્ધિને એ નકામી લાગી, તમે એ પરંપરાને તોડી નાંખી. કયારેય પણ પરંપરાને સમજ્યા વિના તોડવાનું પાપ કરતા નહિ. તો વર્ણાશ્રમ બહુ મજાની વ્યવસ્થા હતી. બ્રાહ્મણ હોય એ વિદ્યા આપવાનું કામ કરે. ક્ષત્રિય હોય એ રાજ્યનું, રાષ્ટ્રનું રક્ષણ કરે, પર શત્રુઓથી… વ્યાપારી વર્ગ જે છે, એ વ્યાપારનું કામ કરે… સહુ – સહુના કામ વહેંચાયેલા. નાનકડું ગામ હોય, ૫૦૦ ઘરો હિંદુના કે જૈનોના છે પણ એ ૫૦૦ ઘરોમાં પણ ચાર વર્ણાશ્રમની વ્યવસ્થા છે. એટલે પ્રભુએ કહ્યું કે આ જે  વર્ણાશ્રમની વ્યવસ્થા છે એ તૂટી જશે. એટલે હું ઘણીવાર કહું છું… કોઈ પણ પરંપરા હોય એને સમજો.

આઠમા સ્વપ્નની અંદર બીજો ને જોયા. ઘઉંના, બાજરીના… પણ એ બીજ ક્યાં ઉગાડાય? સારી ધરતીમાં… ધરતી સારી હોય જેમાં બીજ તમે રોપો, અને પાણી આપો… એટલે પાક તૈયાર થઇ જાય. પણ રણની ભૂમિમાં જઈ અને કોઈ બીજ વાવે તો શું થાય…? એમ પ્રભુએ કહ્યુ કે સંપત્તિ હોય તમારી પાસે. પણ એનો વિનિયોગ તમારે કયા કરવો એ તમારે સમજવું જોઈએ. આજના કાળમાં શાસનપ્રભાવના ને પણ આપણે સમજવી જોઇશે. માત્ર બેન્ડ વાજા વગાડવા એ એક વખતે શાસન પ્રભાવનાનું અંગ હતું. એક વખતે હતું… કારણ કે શેઠ એટલે ગામમાં ઊંચામાં ઉંચી વ્યક્તિ. મ.સા. પધારે અને એ લોકો ઢોલ લઈને સામે જાય. મ.સા. નું સામૈયું કરે, ત્યારે બધાને થાય આટલા મોટા શેઠ કરોડોપતિ, એમના ય આ ગુરુ છે તો એમના ગુરુ તો કેવા હોય…! આ રીતે લોકોના હૃદયમાં બહુમાન થતું. આજે એવી રીતે શાસન પ્રભાવના કરો કે બીજા લોકોને પણ થાય કે જૈનોની પાસે પૈસા પણ છે અને જૈનો સમ્યક્ રીતે ખર્ચે છે. ઘણીવાર હું કહેતો હોઉં શ્રીમંતોને, કે હોસ્પિટલ નહિ બનાવો, સ્કુલ નહિ બનાવો કારણ કે એને મેનેજ કરવાનું કામ બહુ અઘરું છે. એક ટાઉનમાં હોસ્પિટલ હોય, તો સારા ડોકટરો મળવાના જ નથી ત્યાં.. metropolitan city વિના કે બહુ મોટા શહેર વિના સારા ડોકટરો મળવાના જ નથી.

એ જ રીતે સારા શિક્ષકો પણ કોઈ ટાઉનમાં મળવાના નથી. ત્યારે હું કહેતો હોઉં છું. કે જે લોકો હોસ્પીટલમાં દાખલ થયેલા છે. મોટી મોટી હોસ્પિટલોમાં… અને તમને જેના માટે લાગે છે… કે એની આર્થિક સ્થિતિ બરોબર નથી એને સહાય કરો. આજે દરેક સમાજે બે વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. એક એજ્યુકેશન ઉપર, બીજું મેડીકેશન ઉપર… એજ્યુકેશનનો ખર્ચ બહુ જ વધી ગયો. અને આજના યુગમાં અભ્યાસ વિના ચાલશે નહિ એ પણ નક્કી છે. એક બીઝનેસને કારણે લાખો વ્યાપારીઓ કામથી છુટા થઇ ગયા. સીધો જ તમે પોર્ટર ઉપરથી મંગાવી લો. એટલે વચ્ચે જે લાખો વ્યાપારીઓ હતા, એ ધીરે ધીરે કાર્ય મુક્ત થતાં જાય છે. એટલે એજ્યુકેશનનો ખર્ચ બહુ જ મોટો છે. કમસેકમ એક જ્ઞાતિ… પોતાના જ્ઞાતિજનો માટે આ ઉપાડી લે કે  એજ્યુકેશન માટે તમારે જે પણ ખર્ચ હોય. આવી જાવ અમે આપી દઈશું. અને બીજું દવા – મેડીકેશન એ પણ બહુ જ ખર્ચાળ બની ગયું છે. કોરોના કાળ વખતે આપણે જોયું, દરેક સમાજ પોતાના જ્ઞાતિજનો માટે ઉભું રહ્યો. બહુ સરસ સહાય થયેલી.

તો આ જ રીતે બીજ વાવવાનું, સંપત્તિ વાવવાની પણ ક્યાં? જ્યાં આપણો એક રૂપિયો અનેક રૂપિયા તરીકે ઉગી નીકળે. ઝુંપડપટ્ટીમાં રહેતો એક પરિવાર… એનો એક દીકરો MBA કે CA થઇ જાય… એને સારી job મળી જાય, તો આખું કુટુંબ જે છે, એ સુખી થઇ જાય. તમે દર મહીને કદાચ ઘઉં આપો કે બાજરી આપો એથી શું થવાનું…? એક દીકરાને ઉપાડી લો… દરેક શ્રીમંત માણસની ડાયરીની અંદર ૨૫ – ૫૦ સાધર્મિકો ના નામ હોવા જોઈએ. અને એ પરિવારોને તમે ઉચકી લો. કઈ રીતે ઉચકવા એને જોઈ લો તમે… એક દીકરો છે, એક દીકરી છે, એજ્યુકેશન સારું આપી દો. એને job ઉપર લગાડી દો… આખો પરિવાર જે છે, એ ઉચકાઈ જાય. તો દરેક શ્રીમંતની આ ફરજ છે. કે એની ડાયરીની અંદર ૨૫ થી ૫૦ આવા પરિવારોના નામ હોવ જોઈએ.

પુણ્યપાલ રાજા સંતુષ્ટ થયા, પ્રભુની અંતિમ દેશના પૂર્ણ થઇ. પ્રભુ નિર્વાણને પામ્યા.

આપણને થાય કે પ્રભુ કેટલું બધું આપીને ગયા. પ્રભુએ પહેલા પણ ખુબ આપ્યું, ૧૧ અંગ વગેરે… અને છેલ્લી દેશનામાં પણ ઉત્તરાધ્યયન વિગેરે બીજા સુત્રો આપ્યા. પ્રભુએ તો ખુબ આપ્યું છે. આપણે એનો અભ્યાસ કરીએ… આપણા પ્રભુની આજ્ઞા શું હતી… એને આપણે સમજીએ. અને એ રીતે આપણા જીવનને આપણે સાર્થક બનાવીએ…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *