વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પણ ભગતે અમ મનમાંહી પેઠા
અનંત જન્મોથી એક પ્યાસ લઈને આપણે નીકળ્યા છીએ કે પરમચેતનાનું અવતરણ મારી ચેતનામાં ક્યારે થાય? જ્યાં સુધી એ નહિ થાય, ત્યાં સુધી તૃપ્તિ મળવાની નથી.
પ્રભુનો પ્રેમ અનંતકાળથી વરસી જ રહ્યો હતો. But we had no receptivity. સદ્ગુરુનો ઉપકાર કે સદ્ગુરુએ એ પ્રેમને ઝીલવા માટેની receptivity આપણને આપી. એક સજ્જતા, એક પાત્રતા આપી.
સદ્ગુરુ જાય ક્યાં? સદ્ગુરુ ચેતના વ્યાપક છે. સદ્ગુરુ કોઈ વ્યક્તિ નથી; સદ્ગુરુ ચેતના છે. સદ્ગુરુ ચેતનાને જો તમે હૃદયમાં વસાવી લો, જો તમે એ સદ્ગુરુ ચેતનાનો યોગ કરી લો, તો તમારી સાધના એક જ છે : તવ્વયણસેવણા.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૭૮
અદ્ભુત જીવન મળ્યું, પ્રભુનું શાસન મળ્યું, આ જીવનનું સાફલ્ય શું? આપણા શરીરમાં, આપણી ઇન્દ્રિયોમાં, આપણા મન અને બુદ્ધિમાં, આપણા હૃદયમાં પરમાત્માનું અવતરણ થાય તો જ આ જીવન સફળ. હૃદયમાં પરમાત્માનું અવતરણ ન થાય તો વેણીભાઈ પુરોહિતે કહ્યું: “તમારા વિનાના, અમે અમારા વિનાના” પ્રભુ અમારા હૃદયમાં તમારું અવતરણ ન થાય, તો અમારું આ હૃદય, ખાલી ખમ છે.
ઈષાવાસ્ય ઉપનિષદમાં તો ઋષિએ પ્રારંભમાં કહ્યું: ‘ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्’ આ બધું જ ઈશ્વરનું આવાસસ્થાન છે. ઈશ્વર અંદર ઉતરે તો બધું જ સફળ. પરમચેતનાનું અવતરણ ભીતર ન થયું તો બધું નિષ્ફળ.
ભગવદ્ ગીતાના બે સૂત્રો છે. પહેલી નજરે બેઉ statement પરસ્પર વિરોધી લાગે. એક જગ્યાએ શ્રીકૃષ્ણ કહે છે : ‘उद्धरेत् आत्मना आत्मानं ‘ તારી જાતે તું સાધનામાર્ગમાં આગળ જા. હું કાંઈ કરવાનો નથી. બીજા સૂત્રમાં કૃષ્ણ ભગવાન કહે છે: ‘ तेषाम् अहं समुद्धारता’ તારો ઉદ્ધાર હું જ કરીશ. તને અહીંથી મોક્ષ સુધી હું જ લઇ જઈશ. પહેલી નજરે બેઉ સૂત્ર વિરોધાભાસી લાગે.
વિનોબાજીએ, વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ એનો મજાનો ઉત્તર આપ્યો છે: ‘उद्धरेत् आत्मना आत्मानं’ જો તમે તમારી જાત, તમારું હૃદય પ્રભુને સમર્પિત ન કરી શકો, તો પ્રભુ કહે છે, તારે તારી જાતે જ ચાલવાનું છે. હું કાંઈ જ કરવાનો નથી. પણ જે ક્ષણે તમે પરમ ચેતનાને સમર્પિત થયા; પ્રભુ કહે છે કે હું તૈયાર છું. વિનોબાજી કહે છે – પરમાત્માને મળવા માટે આપણે ઉભા થઈએ, આપણે એક કે બે ડગલાં ચાલીએ, ઈશ્વર પોતે આવીને આપણને એની બાહોમાં લઇ લેશે. હૃદય સાર્થક; જ્યારે એમાં પરમ ચેતનાનું અવતરણ થાય.
આંખો પણ ત્યારે જ સાર્થક. આંખોની અંદર પરમાત્માની ઝલક ન પડે તો…?!
જર્મન કવિ રિલ્કે [Rilke] એ કહ્યું: put out my eyes if that can see you. put out my eyes if that can see you – આપણા ગુજરાતી કવિ હરિન્દ્ર દવે એ રસળતી ગુજરાતીમાં એનો અનુવાદ આપ્યો – “ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ, જો કાચ નથી આ ખપનાં” પ્રભુ તને જોઈ ન શકે એવી આંખોનું મારે કોઈ કામ નથી.
બહુ મજાની વાત કબીરજીએ કહી – “જિન આંખિન મેં નવિ રૂપ વસ્યો, ઉન આંખિન સે અબ દેખિયો ક્યાં?” “જિન આંખિન મેં નવિ રૂપ વસ્યો, ઉન આંખિન સે અબ દેખિયો ક્યાં?” – બહુ મજાની વાત એ આવી કે કબીરજી પ્રભુનું રૂપ એમ કહેતાં નથી. જે આંખોએ રૂપને ન જોયું, તે આંખોથી બીજું શું જોશો! કબીરજીની પરિભાષામાં પરમાત્માનું રૂપ; એ જ રૂપ છે. બાકીનું બધું યા કુરૂપ યા અરૂપ. રૂપ એક જ – પરમાત્માનું. આંખો સાર્થક ક્યારે? જ્યારે પ્રભુની ઝલક ભીતર ઉતરે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે બહુ સરસ પ્રાર્થના કરી કે : પ્રભુ! મારે બીજું કંઈ જોઈતું નથી. મારે એક જ વસ્તુ જોઈએ છે, શું જોઈએ છે? “તેરે નયનકી મેરે નયન મેં જશ કહે દિયો છબી અવતારી” પ્રભુ તારી આંખોમાં પુરી સૃષ્ટિ પ્રત્યેનો જે પ્રેમ છે, એ પ્રેમને તું મારી આંખોમાં લાવી દે, તેરે નયનકી મેરે નયન મેં દિયો છબી અવતારી – પ્રભુની આંખોમાં શું છે? ક્યારેક એ આંખોને જોઈ છે?
પ્રભુ મહાવીર દેવ સાધના કાળમાં, એક અનાડી માણસ કાનમાં ખીલા ઠોકે, પ્રભુની આંખો ભીની બને, પ્રભુની આંખમાંથી બે અશ્રુબિંદુ ટપકે. કેમ ભગવાનની આંખમાં આંસુ આવ્યા? પ્રભુ વિચારે છે કે આ વ્યક્તિ તો મારા કર્મોને ખેરવી રહ્યો છે. કાનમાં ખીલા ઠોકનારો મારો ઉપકારી છે અને એ ઉપકારી અત્યારે ખરાબ વિચાર કરી અને શું નરકમાં જશે? કાનમાં ખીલા ઠોકનાર ઉપર પણ આપણા પ્રભુનો પ્રેમ હતો.
પ્રભુના પ્રેમની કોઈ સીમા નહોતી. એ પ્રેમ આપણને મળ્યો છે, કેટલા બડભાગી છીએ આપણે. પ્રભુનો પ્રેમ મળવો, અને મજાની વાત એ હતી, એ તો વરસી જ રહ્યો હતો. એ તો અનંતકાળથી વરસે છે, we had no receptivity. સદ્ગુરુનો ઉપકાર કે સદ્ગુરુએ એ receptivity આપણને આપી. એક સજ્જતા આપી, એક પાત્રતા આપી, અને આપણે પ્રભુના પ્રેમને માણવા લાગ્યા.
મને તો લાગે કે દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે મળવાનું હતું, એ મને મળી ગયું છે. કોઈ કહે કે આ તમને આપી દઉં, આ તમને આપી દઉં.. હું કહી દઉં ભાઈ! પ્રભુ મળી ગયા છે. હવે કશાની જરૂરિયાત નથી. તમારા માટે પણ આ જ સંદેશ છે. સંપત્તિ અનંતા જન્મોમાં મળી, પદાર્થો અનંતા જન્મોમાં મળ્યા, પ્રભુને આ જન્મમાં મેળવવા છે.
એક વાત હું ઘણીવાર કહું છું, કે કરોડો રૂપિયા થયા, વ્યાજમાંથી બધું ચાલી શકે એમ છે, છતાં નવા નવા ઉદ્યોગો તરફ માણસનું ધ્યાન જાય છે. કારણ? એ અતૃપ્ત છે. હજુ વધુ, હજુ વધુ, પ્યાસ છીપતી નથી. ખારું પાણી હોય, તમે એક ગ્લાસ પી લો, પણ પ્યાસ છીપે નહિ, લાવો બીજું પાણી, લાવો ત્રીજું પાણી… તો અનંત જન્મોથી એક પ્યાસ લઈને આપણે નીકળ્યા છીએ કે પરમ ચેતનાનું અવતરણ મારી ચેતનામાં ક્યારે થાય? જ્યાં સુધી એ નહિ થાય ત્યાં સુધી તૃપ્તિ મળવાની નથી. અને મજાની વાત તો એ છે કે ‘એ’ મળવા માટે તૈયાર છે….
લોકો કહે ને પ્રભુ મળતાં નથી. ત્યારે હું કહું: પ્રભુ તો તને મળેલા છે, તું પ્રભુને મળેલો નથી. કેટલી મજાની વાત: પ્રભુને તમારા હૃદયમાં અવતરિત થવું છે. પણ initial સ્ટેજમાં થોડુક નિર્મળ હૃદય જોઈએ. તો પ્રભુ ચેતના ગુરુ ચેતનાને મોકલે છે. કે જાવ ભાઈ ઘાટકોપરમાં. બધાના હૃદયને નિર્મળ કરી નાંખો. અને એકસાથે બધાના હૃદયમાં હું અવતરિત થઇ જાઉં. He is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર છે. તો આંખો સાર્થક ક્યારે…? એની ઝલક મળે ત્યારે. ખરેખર આંખોમાં કોની ઝલક હોય…? ભક્તની આંખોમાં પ્રતિબિંબિત શું થાય….
મહાભારતની કથા છે, ઉદ્ધવજી વૃંદાવન આવ્યા, રથને વૃંદાવનમાં આવતો જોયો, ૫૦ – ૬૦ ગોપીઓ એકઠી થઇ ગઈ. એ જ વિચાર આવે કે રથ લઈને બીજું કોણ આવે? શ્રીકૃષ્ણ આવે. રથનો દ્વાર ખુલ્યો, શ્રીકૃષ્ણ તો હતા નહી. ઉદ્ધવજી હતા. ઉદ્ધવજી શ્રીકૃષ્ણના મિત્ર. ઉદ્ધવજી સમજી ગયા કે આ બધી મને જોવા માટે એકઠી નથી થઇ. શ્રીકૃષ્ણને જોવા માટે એકઠી થઇ છે. એટલે ઉદ્ધવજીએ કહ્યું: આજે નિરાશ નહિ થતાં, આવતી વખતે આવીશ ત્યારે શ્રીકૃષ્ણને લઈને આવીશ. એ વખતે ગોપીઓએ કહ્યું: ઉધ્ધ્વજી નિરાશ થવાની કોઈ વાત નથી. તમે હમણાં જ શ્રીકૃષ્ણનું દર્શન કરીને આવ્યા છો, તમારી આંખોમાં અમે શ્રીકૃષ્ણને જોઈ લઈશું. ભક્તની આંખોમાં હોય ભગવાન.
રહીમની એક ચોટડુક પંક્તિ છે: “प्रीतम छबि नैनन बसी, पर-छबि कहां समाय।” प्रीतम छबि नैनन बसी– મુનિસુવ્રત દાદાની છબિ આંખોમાં વસી ગઈ. પછી, પર છબિ કહાં સમાય? આંખમાં જગ્યા જ નથી. સ્લિમ ટી.વી જોયું કે બીજું કંઈ જોયું….? કશું જ લેવાનું મન થતું નથી. કારણ? આંખો માત્ર ને માત્ર પરમાત્માના પ્રતિબિંબથી છવાઈ ગયેલી છે. प्रीतम छबि नैनन बसी, पर-छबि कहां समाय।
અને એકદમ appropriate ઉદાહરણ આપ્યું- “भरी सराय ‘रहीम’ लखि, पथिक आये फिर जाय”. ધર્મશાળા છે, બધી જ રૂમો book થયેલી છે, અને કોઈ યાત્રાળુ જાય કે ભાઈ મને રૂમ આપો, તો મેનેજર કહેશે કે ભાઈ! એક પણ રૂમ available નથી. તમે બીજી ધર્મશાળામાં જાવ. એમ તમારી આંખ પ્રભુથી જ જો છવાઈ ગયેલી હોય, તો એ આંખોમાં પરનો પ્રવેશ ક્યાંથી થાય?
પરમાત્માનું અવતરણ હૃદયમાં, આંખોમાં, હાથમાં… પરમાત્માનું અવતરણ હાથમાં થાય, અને આપવાનો આનંદ આવે. આપવું એ બહુ મહત્વની વસ્તુ નથી. તમે શું આપો છો, એનું પણ કોઈ મહત્વ હોતું નથી. પણ એ વખતે તમારો ઉમળકો કેવો હતો… એ મહત્વનું છે.
ભાનુસારી સમાજને એટલા માટે ધન્યવાદ આપું કે એમનો જે ઉત્સાહ હતો, એમનો જે ઉલ્લાસ હતો, એ અદ્ભુત હતો. ચાર મહિના મજાથી ગયા, અમારા તો મજાથી જાય જ, તમારા કેમ કેમ રહ્યા… લોકો કહે સાહેબ જશે, અરે જવા કેમ દઈએ આપણે…? હું પૂછું છું… કોરોના વખતે ભગવાન લાવેલા હોય ને, પછી ઘણાને એવું થયું કે કોરોના તો પૂરો થઇ ગયો, પણ ભગવાન જોડે એવી પ્રીત બંધાઈ ગઈ કે આ ભગવાન એમ દેરાસરમ ન મુકાય. દેરાસરવાળાની પરવાનગી મળી જાય, પછી ભગવાનને કાયમ રાખીએ, એ મનના ઘરમાં રાખે, હૃદયના ઘરમાં રાખે. એ જ રીતે સદ્ગુરુ જાય ક્યાં? સદ્ગુરુ ચેતના વ્યાપક છે. સદ્ગુરુ કોઈ વ્યક્તિ નથી.
યશોવિજય નહિ, સદ્ગુરુ ચેતના… કાલે બીજા મહાત્મા પધારે, એ પણ સદ્ગુરુ ચેતના છે, પરમદિવસે ત્રીજા મહાત્મા પધારે એ પણ સદ્ગુરુ ચેતના છે. અને એ સદ્ગુરુ ચેતનાને એવી રીતે હૃદયમાં વસાવી લો કે જો તમે એ સદ્ગુરુ ચેતનાનો યોગ કરી લો, સંબંધ કરી લો, તો તમારી સાધના એક જ છે. “તવ્વયણસેવણા” એ સદ્ગુરુ ચેતના તમને જે કહે શક્તિ પ્રમાણે એને અનુસરવાનો પ્રયત્ન કરો.
તમારો બધાનો અહોભાવ ખુબ સ્પર્શ્યો છે. હું તો નાનપણથી ભાવયાત્રી છું. એટલે બહારની દુનિયા જોડે તો મારે કોઈ સંબંધ પહેલેથી જ રહ્યો નથી. ન કોઈ project, ન કોઈ તીર્થ, ન કોઈ દેરાસર, ન કોઈ ઉપાશ્રય. કુછ ભી નહિ. માત્ર હું ભાવયાત્રી છું. અને એટલે જ તમારા બધાના ભાવો સ્પર્શી ગયા છે. એક – એક વ્યક્તિ આવે અને એમની આંખોમાં આંસુ હોય, ગુરુદેવ! તમે જતા રહેશો… અરે ક્યાં જતા રહેવાનું છે…!?
ભક્તની તાકાત તો કેટલી છે. “સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભક્તે અમ મનમાંહી પેઠા” પ્રભુને ભક્ત કહે છે: challenge આપે છે, સાત રાજ લોક દૂર તું ગયો છે. પણ મારી શક્તિ, મારી ભક્તિની શક્તિ એટલી છે, કે તને હૃદયમાં લાવીને જ હું રહીશ.
એ જ ભક્તો તમે બધા છો. એટલે ન પ્રભુ તમારાથી દૂર છે, ન સદ્ગુરુ તમારાથી દૂર છે. પ્રભુ અને સદ્ગુરુ અને પ્રભુની સાધના એનો તમારા હૃદયમાં સતત સતત સતત વાસ હો, સતત એનું સાનિધ્ય હો, એટલા જ આશીર્વાદ.