Shree Navpad Shashvati Oli 2024 – Charitra Pad

20 Views 16 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : આયઓ ગુરુબહુમાણો

શક્તિપાત કરવો એ સદ્ગુરુ માટે બહુ જ સરળ પ્રક્રિયા છે પણ એને ઝીલાવવો એ બહુ જ અઘરું છે. એને ઝીલવા માટેની ક્ષમતા તમારી ભીતર પ્રગટ થવી જોઈએ. શક્તિપાતને ઝીલવા માટેની તમારી ભૂમિકા માત્ર એટલી જ છે કે તમને સદ્ગુરુ પ્રત્યે અપાર બહુમાન હોય, અપાર ભક્તિ હોય.

સદ્ગુરુનું વ્યક્તિત્વ એટલું ચુંબકીય હોય, એટલું પ્રેમાળ, સંમોહક હોય, કે કુદરતી રીતે તમે એમના પ્રેમમાં પડી જાવ. સદ્ગુરુ પ્રત્યે પ્રેમ, ભક્તિ, બહુમાન સદ્ગુરુના કારણે થાય; તમારા કારણે નહિ! એમના ગુણો જ એવા છે કે તમે એમને ચાહ્યા વગર રહી શકો નહિ!

તમારી પાસે અહોભાવ તો છે જ. પણ એ અહોભાવને બહુમાનભાવમાં લઇ જવો છે. હૃદય એ બહુમાનભાવથી એવું ભરાઈ જાય કે એ હૃદયમાં બીજી કોઈ લાગણીને રહેવાનો અવકાશ ન રહે. બહુમાનભાવથી આખું હૃદય ભરાઈ ગયું હોય; પછી એક પણ વ્યક્તિ પ્રત્યેનો તિરસ્કાર રહે ક્યાં?!

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૮

ચારિત્રધર્મની પ્રાપ્તિ માટે અથવા મળેલા ચારિત્રને દીપ્યમંત કરવા માટે એકમાત્ર જરૂરી હોય તો એ છે સદ્દગુરુના શક્તિપાતનું ઝીલાવવું. સદ્દગુરુ શક્તિપાત કરવા માટે તૈયાર હોય છે. ઝીલવાની ક્ષમતા જ્યારે આપણી પ્રગટે ત્યારે આપણે એ શક્તિપાત ને ઝીલી લઈએ. અને ચારિત્ર ન મળ્યું હોય તો ચારિત્રની પ્રાપ્તિ તરફ અને ચારિત્ર મળેલું હોય તો ચારિત્રને દિપ્તમંત કરવાની યાત્રામાં આપણે આગળ વધી શકીશું.

સ્થૂલભદ્રજી સદ્દગુરુ સંભૂતિ વિજય મહારાજના ચરણોમાં આવ્યા. સંભૂતિવિજય ગુરુના અનેક શિષ્યો હતા. જ્ઞાની, ધ્યાની, તપસ્વી… પણ એક પણ શિષ્ય સદ્દગુરુના શક્તિપાતને ઝીલેલો નહિ. ત્યાં સ્થૂલભદ્ર આવે છે. કોઈ પણ ગુરુ સ્થૂલભદ્ર ની બાયોડેટા જાણે તો સ્થૂલભદ્ર ને દીક્ષા આપવા માટે તૈયાર થાય જ નહિ. જે માણસ વેશ્યાના રાગમાં એટલો ડુબી ગયેલો કે પિતાજી મરણ પથારી ઉપર સમાચાર મળે અને એ કહે છે… કે માંદા છે તો હું આવીને શું કરીશ, વૈદ્ય ને બોલાવી લો. એ વ્યક્તિ સદ્દગુરુ પાસે આવે છે અને કહે છે ગુરુદેવ! મને સ્વીકારો. સદ્દગુરુએ જોયું કે આ મારા શક્તિપાતને ઝીલી શકે એમ છે.

કલ્પસૂત્રમાં સ્થવિરાવલીમાં તમે ઘણીવાર સાંભળેલું છે… કે પ્રભવસ્વામી વિચારે છે કે મારો ઉત્તરાધિકારી કોણ બનશે… એટલા બધા શિષ્યો એમના હતા… જ્ઞાની, ધ્યાની, તપસ્વી… એકેયને એ પોતાના ઉત્તરાધિકારી તરીકે જોતા નથી. યજ્ઞની અંદર હોમ કરાવી રહેલ શય્યંભવ બ્રાહ્મણ ઉપર નજર પડી. એ જો આવે તો મારા શક્તિપાતએ ઝીલી શકે. શક્તિપાત કરવો એ ગુરુ માટે બહુ જ સરળ પ્રક્રિયા છે. પણ એને ઝીલાવવો એ બહુ જ અઘરું છે. કારણ કે એમાં તમને તૈયાર કરવા પડે. શક્તિપાત કરવો છે અને સદ્દગુરુ પોતે કરી લે. પણ તમને ઝીલાવવો શી રીતે…? ઝીલાવવા માટેની, ઝીલવા માટેની ક્ષમતા તમારી ભીતર પ્રગટ થવી જોઈએ. તો આ શું હતું… બ્રાહ્મણને બોલાવે, એને પ્રતિબુદ્ધ કરે, અને એને શિક્ષિત કરી અને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે. શક્તિપાત કર્યો, શય્યંભવસ્વામીએ એ શક્તિપાતને ઝીલ્યો.

સ્થૂલભદ્રજી માટે ગુરુએ એટલું જ જોયું. કે આ મારા શક્તિપાતને ઝીલી શકે એમ છે. કરી દીધો શક્તિપાત… ઝીલાઈ પણ ગયો. અને એ ઝીલાયા પછી સ્થૂલભદ્રજી ચારિત્રની અનુભૂતિના શિખર ઉપર પહોંચી ગયા. સદ્દગુરુએ શું કર્યું. એ પણ આપણે જોવું છે. અને ઝીલવા માટે શિષ્ય એ શું કર્યું એ પણ આપણે જોઈએ… શિષ્યની ભૂમિકા, કોઈ પણ સાધકની ભૂમિકા એટલી જ હોય છે કે એની પાસે સદ્દગુરુ પ્રત્યેનું અપાર બહુમાન હોય, અપાર ભક્તિ હોય. સ્થૂલભદ્રજીએ પોતાનું પૂરું જીવન સદ્દગુરુને સોંપી દીધું. સદ્દગુરુ કહે રાત તો રાત. દિવસ તો દિવસ. ન બુદ્ધિ , ન અહંકાર. સંપૂર્ણ સમર્પણ. એટલો બધો સદ્દગુરુ પ્રત્યે બહુમાનભાવ હતો કે કોઈ પણ સંયોગોમાં સદ્દગુરુ પત્યે અબહુમાન તો થવાનું નથી જ. પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કારનો ભાવ આવવાનો નથી.

આયઓ ગુરુબહુમાણો એટલે શું આ… સદ્દગુરુ પ્રત્યેના બહુમાનથી તમારું હૃદય એટલું ભરાયેલું હોય, કે એમાં બીજાના પ્રવેશની કોઈ શક્યતા જ નથી. No vacancy for others. પ્રભુ પ્રત્યેના, સદ્દગુરુ પ્રત્યેના બહુમાનથી હૃદય છલોછલ ભરાઈ જાય. એ હૃદયમાં, એ મનમાં એ વ્યક્તિત્વમાં બીજા એક પણ વિચાર નહિ. પ્રવેશવાની શક્યતા નહિ. તમે ૫ મિનિટ માટે મનને આવું કરી શકતા નથી. કે એક પણ વિચાર રાગ – દ્વેષ કે અહંકારનો મને ન આવી જાય. ૫ મિનિટ માટે તમે આવો સંકલ્પ કરી શકતા નથી. આખી જિંદગી એમના મનની અંદર – સ્થૂલભદ્રજીના મનની અંદર એક વિચાર આવ્યો નથી વિભાવનો… ચોર્યાશી ચોવીશી સુધી નામ અમર રહેવાનું… એનું કારણ શું..? કે આવું વ્યક્તિત્વ જવ્વલે જ પ્રાપ્ત થાય કે જે પૂરેપૂરું ગુરુના ચરણોની અંદર સમર્પિત થયેલું હોય.

આપણે શું કરીએ.. સમર્પણ તો કરીએ, કેવું કરીએ….? થોડું ગુરુને આપવાનું, ઘણું મારી પાસે રાખવાનું. મન ગુરુને કેટલું આપવાનું? અને તમારી પાસે કેટલું રાખવાનું…? ગુરુની પાસે થોડી મિનિટોને મન રાખવું એ પણ અઘરું છે. ગુરુએ આજ્ઞા આપી… તમે એકદમ બુદ્ધિશાળી માણસો. એકદમ sensitive mind વાળા.. ૨ સેકંડમાં તો વિચારી લો કે આ આજ્ઞા પાળું… મને લાભ થાય એમ છે કે નહિ… હા, મને લાભ થાય એમ છે. તહત્તિ ગુરુદેવ. કોને તહત્તિ કરી…? ગુરુના વચનની કરી કે તમારી અનુકૂળતાની કરી…?

અને એક વાત યાદ રાખો જ્યારે પણ મોક્ષ મળશે, ત્યારે આનાથી જ મળશે. There is no other way. બીજો કોઈ માર્ગ જ નથી. અને આમ જુઓ તો પ્રભુએ shortest cut આપ્યો. Short cut નહિ, shortest cut. સદ્દગુરુનું વ્યક્તિત્વ એટલું ચુંબકીય હોય, એટલું પ્રેમાળ હોય, એટલું સંમોહક હોય, કે કુદરતી રીતે તમે એમના પ્રેમમાં પડી જાવ. સદ્દગુરુ પ્રત્યે પ્રેમ, ભક્તિ, બહુમાન સદ્દગુરુના કારણે થાય તમારા કારણે નહિ. એમના ગુણ જ એવા છે કે તમે એમને ચાહ્યા વગર રહી શકો નહિ. તો સદ્દગુરુના ગુણોને કારણે એમના પરની ચાહત આવી. ચાહત ઘેરી બની. બહુમાનભાવમાં ફેરવાઈ. એ બહુમાનભાવ spread out થયો. અને પૂરા તમારા વ્યક્તિત્વને એ બહુમાનભાવે ઘેરી લીધો. હવે તમારા મનમાં, હૃદયમાં બહુમાનભાવ સિવાય બીજો કોઈ ભાવ રહી શકતો નથી.

એક philosopher એ કહ્યું છે કે કોઈ પણ સજ્જનના ગુણોને જોઇને એમના પ્રત્યે આપણે આકર્ષિત થઈએ એમાં આપણી કોઈ વિશેષતા નથી. એ સામેવાળી વ્યક્તિની જ વિશેષતા છે. પણ દેખીતો કોઈ ખરાબ માણસ છે, ખરાબ કાર્યો કરી રહ્યો છે… એના પ્રત્યે પણ સિદ્ધના- ભવિષ્યના આત્મા તરીકે તમે પ્રેમ કરી શકો તો એમાં તમારી વિશેષતા છે.

તમે ક્યાં અટવાઓ છો મને ખબર નથી પડતી. સમર્પણ વિના સાધનામાં પ્રવેશ નથી. અહંકાર અને બુદ્ધિને સાધનામાં કોઈ સ્થાન જ નથી. તમારા અહંકારને અને તમારી બુદ્ધિને નીચે મુકીને આવો. એક સમર્પણ તમે કરો. સદ્દગુરુ શું કરે…? એવો શક્તિપાત કરે કે તમારા બધા દોષો વિલીન થઇ જાય. એક પણ દોષ તમારી ભીતર પછી રહે જ નહિ.

તો સ્થૂલભદ્રજી પાસે આ બહુમાન હતું. વેશ્યાને ત્યાં ચોમાસું જઈ આવ્યા. વેશ્યાને ત્યાં શરીરથી હતા, મનથી ક્યાં હતા, સદ્દગુરુના ચરણોમાં… વેશ્યાને ત્યાં રહ્યા, એ ચાતુર્માસની એક – એક ક્ષણ એમની ગુરુ ચરણોને સમર્પિત થયેલી હતી. પેલી બાજુ કશું હતું જ નહિ. કોશાનું નૃત્ય હતું, કોશાની પ્રાર્થના હતી, અને બધું જ એ બાજુ હતું. સ્થૂલભદ્રજીની બાજુ માત્ર ગુરુ ચરણો હતા, એ કશું જ નહોતું. ઉપાશ્રયમાં રહીને તો સાધના કરી શકાય. પણ એક વેશ્યાની રંગશાળામાં રહીને સાધના કરવી કેટલી મુશ્કિલ હતી… પણ એ કરી શક્યા. કારણ ગુરુ પ્રત્યેનો બહુમાનભાવ. એટલે પેલો શક્તિપાત સતત રહ્યો. સ્થૂલભદ્રજી આવ્યા ત્યારે ગુરુએ કહ્યું દુષ્કર દુષ્કર કારજ તું છે. પરંપરામાં એનો સરસ અર્થ છે, કે સાધના માટે અનુકૂળ જગ્યાએ જઈ….. અને સાધના કરવી એ પણ દુષ્કર છે. પણ આવા સ્થળમાં જઈને સાધના કરવી એ તો દુષ્કર થી પણ દુષ્કર.

બીજો એક અર્થ ખુલે છે, ગુરુ કહે છે તે શક્તિપાતને ઝીલ્યો, એ પહેલું દુષ્કર કામ કર્યું. અને કોશાને ત્યાં જઈને ચાર – ચાર મહિના રહીને પણ એ બહુમાનભાવને, એ શક્તિપાતને તે બરોબર ટકાવી રાખ્યો એ બીજું દુષ્કર કામ છે. આપણે એ જોવું છે કે એકમાત્ર બહુમાનભાવ. સ્થુલભદ્રજી ગુરુ પાસે ગયા, માનસિક વેદનામાં હતા, પિતાનું મૃત્યુ થયેલું હતું, શોકની ક્ષણો હતી. આઘાત લાગેલો હતો. અને એ આઘાતની ક્ષણોમાં થયું કે સદ્દગુરુ જ મને બતાવશે.

પૂર્વાવસ્થા ની અંદર વેશ્યાને ત્યાં રહ્યા, ત્યારે પણ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા સુષુપ્ત રહેતી. અને સુષુપ્ત હતી તો જ આ આઘાતના સમયે એ બહાર આવી શકે… નહીતર આઘાતના સમયે શું થાય…? રડવાનું થાય. આપત્તિના સમયમાં શું કરો….?  એ વખતે સદ્ગુરૂ યાદ આવે.. તો સદ્દગુરુ માનસની અંદર હતા જ. આ ઘટના ઘટી એ સદ્દગુરુ બહાર આવ્યા… અને એ સદ્દગુરુ પ્રત્યેનું બહુમાન ગુરુ ચરણો સુધી એમને લઇ ગયું. અને ગુરુ ચરણોમાં એવું સમર્પણ કર્યું કે બસ, એ સમર્પણ ની બીજી કોઈ વ્યાખ્યા ન થઇ શકે. કે એ સમર્પણને બીજી ઉપમા આપી ન શકે.

ચાલો, આટલું સમર્પણ અઘરું લાગતું, ગુરુ પ્રત્યે બહુમાનભાવ કેવો…? એક પરમાત્માના વેશ પ્રત્યે બહુમાનભાવ કેવો…? તમારી પાસે છે જ, અહોભાવ છે જ, પણ એ અહોભાવને બહુમાનભાવમાં લઇ જવો છે. અને બહુમાન ભાવનો અર્થ બરોબર સમજી લો કે હૃદય એ બહુમાનભાવથી એવું ભરાઈ જાય કે એ હ્રદયમાં બીજી કોઈ લાગણીને રહેવાનો અવકાશ ન રહે, ગુરુ બહુમાન તમારી પાસે હોય, તો એક પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર તમે કરી શકો નહિ. કારણ કે તિરસ્કાર રહે ક્યાં…? બહુમાન ભાવથી આખું હૃદય ભરાઈ ગયેલું છે, તો તિરસ્કાર રહે ક્યાં…? ગુરુ છે આમ પણ બહુ ચાલાક છે, તમે આંગળી આપો ને તો પોચો પકડે, પોચો આપો તો હાથ પકડે. હાથ આપો તો આખા ને આખા ગયા. એટલે તમે અંદર લઇ જાવ ગુરુને એટલે ગુરુ અંદર ને અંદર spread out થાય. એ અંદર વિસ્તરવા લાગ્યું. એવી રીતે વિસ્તરે, કે તમારું પૂરું વ્યક્તિત્વ જે છે એ બહુમાનભાવથી ભરાઈ જાય. તો આ તમે કરી શકો છો.

સ્થૂલભદ્રજી સાધના જન્માન્તારીય હતી. એકમાત્ર આ જન્મની સાધનાને કારણે આટલું બધુ ઊચકાવાનું શક્ય ન બને. પણ ગત જન્મની સાધનાને કારણે સદ્દગુરુ પ્રત્યેનું બહુમાન અંદર પડેલું હતું. અને આઘાતના સમયમાં એ બહુમાનભાવ બહાર આવ્યો. બહાર આવ્યો; સદ્દગુરુએ એમને સ્વીકાર્યા. સદ્દગુરુએ એમના ઉપર શક્તિપાત કર્યો. અને બહુમાનભાવ એવો spread out થયો કે એમનું એક આત્મપ્રદેશ બહુમાનભાવ વગરનું ન હતું. કરવું છે આવું આમ..? મારે એક જ કામ કરવું છે. તમારા મનમાં એક સપના રેડવા છે કે તમે આવું કરી શકો છો. એક બીજો વાવી દઉં, પછી વરસાદ પડશે, અનુકૂળ હવામાન હશે. તો ઉગી પણ જશે.

ડીસાની બાજુમાં જેસલનો પર્વત છે. કયારેક બહુ હરિયાળો હતો. પણ અત્યારે સાવ સૂકો ભટ્ટ થઇ ગયો. બધી જ લીલોતરી સાફ થઇ ગઈ. થોડી લીલોતરી ચોમાસા પછી ઉગે, તો આજુબાજુના લોકો ઢોરોને ખવડાવી દે. એ વખતે ડીસાના એક ડોક્ટરને વિચાર આવ્યો… આપણે શું કરી શકીએ આના વિષે… ૧૦ – ૧૫ ડોકટર મિત્રો ભેગા થયા. અને એક વિચાર કર્યો…કે  બે બાજુ બે beg એમાં હજારો બીજ ભરેલા હોય.. આપણે જવાનું… અને રસ્તાની આજુબાજુમાં આમ – તેમ બધે જ બીજો ફેક્યા કરવાના. લાખો બીજો ફેંકી દેવા છે. એક દિવસે ગયા, સાંજ સુધી બીજો ફેંક્યા, ફરી બીજે દિવસે, ફરી ત્રીજા દિવસે.. અને ૧૦ – ૧૫ જણા… લાખો બીજો એ પર્વતની ચોપાસ છવાઈ ગઈ. અને વરસાદ પડ્યો. આખો પર્વત હરિયાણો થઇ ગયો.

એટલે મારે તમારા મનમાં બીજો છીડકવા છે. કે આવું કોઈ સપનું આવે છે આમ… સ્થૂલભદ્રજીની  નાનકડી આવૃત્તિ બનવું એ પણ દુષ્કર છે. પણ નાનકડાની નાનકડી આવૃત્તિ. એ બનવાનો વિચાર આવે છે….? તો બહુમાનભાવ, એવા વિચારો આવે…? કે સદ્દગુરુ પ્રત્યેનો બહુમાનભાવ છે. પછી શું થાય? સતત વિચારો એની બાજુ જ છે. મોટી ઘટના બાજુમાં ઘટી જાય. ઘી ની બરણી કોક લાંવતું હતું ને ફૂટી ગઈ. એ ઘટનાની અસર તમને ન થાય. તમારું મન એ વખતે પણ ગુરુબહુમાન વાળું હતું. કે ગુરુદેવ! આટલી મોટી ઘટના ઘટી, તમે ન મળ્યા, ત્યારે એટલો ક્રોધ હતો મારો… કે નોકરને મેં ઝાડી નાંખ્યો હોય. પણ કેવી તમારી કૃપા! કે નોકરે આ કર્યું, મારા મનમાં સહેજ પણ એના પ્રત્યે રોષ નથી આવતો. હું એને પ્રેમથી પૂછું છું કે ભાઈ! તું પડી ગયો, તને કાંઈ વાગ્યું નથી ને…? તો ગુરુદેવ આપે આ મને આપ્યું.

તો આજે પણ શક્તિપાત કરનારા ગુરુઓ છે. જેમનું ચારિત્ર અત્યંત નિર્મળ છે. એવા મહાપુરુષો શક્તિપાત કરે, અને શક્તિપાત કરે એ શું કરે… તમારે ચારિત્ર લેવું છે. અથવા તમે સાધુ છો, અને મહાપુરુષ પાસે ગયા, તમે સાધ્વીજી છો અને મહાપુરુષ પાસે ગયા. એ એવો શક્તિપાત કરી શકે કે પોતાના ૭૦ વર્ષના સંયમી જીવન નો અર્ક તમને આપી શકે. શક્તિપાત થી. એ ૭૦ વર્ષના સંયમી જીવનમાં એમણે જે આનંદ માણેલો છે, એ આનંદ hand over કરી શકે. તમને આપી શકે. આટલી મોટી તક, આટલો મોટો અવસર તમારી સામે ઉભો હોય અને તમે કોરા ને કોરા અહીંથી વિદાય થાવ, ચાલે….? અનંત જન્મો આવા ગયા… સદ્દગુરુ મળ્યા… સદ્દગુરુ આપણને મળ્યા, આપણે સદ્દગુરુને ન મળ્યા. સદ્દગુરુ તમને મળેલા જ છે. તમે સદ્દગુરુને મળ્યા…? સદ્દગુરુના ચરણોમાં જીવન સમર્પિત. એક બહુમાનભાવ આત્યંતિક કક્ષાનો. પછી તમારે બીજું કંઈ જ કરવું નથી. એ બહુમાનભાવ વિસ્તરતો જશે. પૂરું મન, પૂરું હૃદય એ બહુમાનભાવથી વ્યાપ્ત થશે. બીજો કોઈ વિચાર તમારા મનમાં આવી શકશે નહિ.

જે મન સતત કર્મબંધ કરાવે છે, એ મન તમારા હાથમાં આવી ગયું. “મનડું કિમ હી ન બાજે” એ સ્તવનમાં આનંદધનજી મહારાજે છેલ્લે કહ્યું, “આનંદઘન કહે માહરું આણો તો સાચું કરી જાણો” પ્રભુ તમે જાદુગર છો. તમે ઘણાના મનને સ્થિર કર્યા છે. પણ હું કાચો – પોચો ચેલો નથી તમારો. ઘણાનું મન તમે સ્થિર કર્યું, એમાં મારું શું વળ્યું? મારા મનને તમે સ્થિર કરી આપો તો હું માનું કે ખરેખર તમે જાદુગર છો. પ્રભુ પણ જાદુગર છે, સદ્દગુરુ પણ જાદુગર છે. તમારા ઉપર જાદુ કરવા તૈયાર છે. આ બાજુ તૈયારી પુરી છે. પેલી બાજુ કેટલી છે…? સાહેબ સાંભળી લઈશું વ્યાખ્યાન… અને એમાં પણ ઓળી છે એટલે આયંબિલ – બામ્બીલ કર્યું હોય તો આવી જઈએ પાછા… પારણું થાય પછી અમે… દિવાળીમાં જઈશું… અમે બધા…

તો સ્થૂલભદ્રજી સદ્દગુરુનો શક્તિપાત મેળવીને સાધનાના શિખર ઉપર પહોંચ્યા.

આપણે સાધનાના પર્વતની યાત્રા કરીએ એવી આશિષ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *