Shree Navpad Shashvati Oli 2024 – Sadhu Pad

18 Views 17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ગુરુતત્ત્વની ઉપાસના

કિરિયા સંવર સાર. સદ્ગુરુ યાવજ્જીવનનું સામાયિક લઈને બેઠેલા છે. આશ્રવની કોઈ ક્રિયા ત્યાં નથી; માત્ર સંવરની ક્રિયા ચાલુ છે. કારણ કે નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો. મન જે ક્ષણે વિચારો વગરનું, વિકલ્પો વગરનું થયું, એ ક્ષણે કર્મનો પ્રવેશ બંધ થયો.

પરંપરાને ચુસ્ત વફાદાર – સંપ્રદાયી – એવા સદ્ગુરુ ખૂબ પ્રેમને વરસાવનારા – અવંચક – છે. સદ્ગુરુ પાસે બીજું કઈ નથી; માત્ર પ્રેમ, પ્રેમ ને પ્રેમ છે! અને એ પ્રેમ પણ અત્યંત નિર્મળ છે. કારણ? સદ્ગુરુને તમારી પાસેથી કશું જોઈતું નથી; એમને માત્ર આપવું છે.

શુચિ અનુભવ ધાર. સદ્ગુરુ પરમ પવિત્ર એવી આત્માની અનુભૂતિને ધારણ કરનારા હોય છે. એમની આત્માની અનુભૂતિ સતત ચાલુ હોય છે; સારણાદિક ગચ્છ માંહી કરતા, પણ રમતા નિજઘર હો.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૫

શાશ્વતી નવપદજી ઓળીમાં ૩ દિવસ ગુરુતત્વની ઉપાસનાના છે. સદ્દગુરુ એ આપણને ન મળ્યા હોત, તો શું થાત! આપણા જીવનની અંદર ધર્મનો સંચાર કરનારા અને પરમ ચેતનાની સમીપ આપણને લઇ જનારા કોઈ પણ હોય તો એ સદ્દગુરુ છે. તમે જો સમર્પિત થઇ ગયા તો તમારામાં એક પણ દોષ ન રહે એની જવાબદારી ગુરુ તત્વની છે. તમે સમર્પિત નથી તો ગુરુ ચેતના સક્રિય બની શકતી નથી. પણ તમે સમર્પિત થયા; ગુરુ ચેતના એ હદે સક્રિય બને કે તમારી ભીતર એક પણ મોટા દોષને રહેવા ન દે.

એટલે દોષોથી મુક્તિ મેળવવી હોય તો આપણા માટે સરળમાં સરળ ઉપાય સદ્દગુરુ ચરણો પરનું સમર્પણ છે. સિદ્ધસેન દિવાકર સૂરિ રાજાના આગ્રહથી પાલખીમાં બેસીને રાજસભામાં જાય છે. ગુરુ વૃદ્ધવાદીસૂરિ બહુ જ દૂર છે. એમને સમાચાર મળે… પહેલા તો એમને ધ્રાસકો પડ્યો. મારો શિષ્ય જેને નાડીને, માણીને, ચકાસીને લીધેલો… એ આ દોષમાં કઈ રીતે જઈ શકે! રાજા કહે એ રાજાના તરફ ખુલતી વાત છે. તમારે એને સ્વીકારવી કે નહિ સ્વીકારવી… એ તમારે નક્કી કરવું જોઈએ. એ પછી ગુરુ પોતાના હૃદયને ટટોળે છે. એટલા માટે કે મારી કોઈ ભૂલનું પરિણામ તો ત્યાં આવ્યું નથી… પોતાના હૃદયને ટટોલ્યું એવું કંઈ લાગ્યું નહિ. ભલે પણ શિષ્યમાં દોષ તો છે જ… અને સમર્પિત શિષ્ય છે તો એના દોષને કાઢવાની જવાબદારી મારી છે.

ગુરુ ૧૦૦ – ૨૦૦ કિલોમીટરનો વિહાર કરીને સિદ્ધસેનસૂરીજી હતા એ ગામમાં આવ્યા. ઉપાશ્રય પાસે આવ્યા. પાલખી તૈયાર… પાલખીને એમણે ઉચકી, હલાવી, સિદ્ધસેનજી ને ખ્યાલ આવી ગયો… એ પાલખીમાંથી કુદકો મારીને નીચે ઉતર્યા… ગુરુના ચરણોમાં પડ્યા. આંખમાં આંસુ છે, ગળે ડુસકા છે. મારા ગુરુદેવ મારી પાલખી ઉચકે…?! હું શું એટલો અધમ થઇ ગયો છું. ક્યાંય સુધી ગુરુના ચરણોને એ પોતાના આંસુથી પખાળી રહ્યા. ગુરુએ એમને ઉભા કર્યા. પ્રેમથી માથે હાથ મુક્યો, કોઈ પણ સદ્દગુરુની શિષ્યો ઉપર કામ કરવાની રીત અલગ – અલગ હોય છે. મારી કામ કરવાની રીત અલગ હોવાની, બીજા સદ્દગુરુની કામ કરવાની રીત અલગ હોઈ શકે. પોતાની પાસે જે શિષ્ય વૃંદ છે, એના ઉપર સદ્દગુરુ યોગ્ય રીતે કામ કરે છે. દોષી ખરાબ નથી, દોષ ખરાબ છે. સિદ્ધસેન ખરાબ નથી, એનામાં આવેલો દોષ ખરાબ છે.

અમે લોકો સદ્દગુરુ તરીકે આલોચના ત્યારે જ આપી શકીએ જ્યારે અમને તમે બધા જ સિદ્ધના આત્મા દેખાતા હોય. તમે બધા અનંત ગુણોથી યુક્ત છો. દોષ આવી ગયો છે તો એને અમે કાઢી નાંખીએ, પણ દોષ ખરાબ છે; દોષી ખરાબ નથી. રોગ ખરાબ હોય, રોગી ખરાબ ન હોય. ગુરુએ માથે હાથ મુક્યો, ખુબ પ્રેમ આપ્યો અને પછી કહ્યું “ભિન્નઈ કાંઈ વણાવું વણું”  એ વખતની ગુજરાતીમાં આ વાક્ય છે… ગુરુ કહે છે – સંસારના જંગલમાંથી  તને મેં બહાર કાઢ્યો, હવે ફરી તારે એ જંગલમાં જવું છે?! સંસાર એટલે રાગ, દ્વેષ, અહંકાર… ક્લેશે વાસિત મન સંસાર… તો સંસારમાંથી મેં તને કાઢ્યો… ફરી તારે એ સંસારમાં, એ અહંકારની ધારામાં જવું છે?! રાજા પણ મને ગુરુ તરીકે માને છે! અને રાજાને જ્ઞાન લેવું હશે તારા ઉપાશ્રયમાં આવશે. તું શું કરવા રાજસભામાં જાય છે! ચાલ પાછો…

તમે સમર્પિત હોવ તો, તમારામાં એક પણ દોષ ન રહે… એની જવાબદારી ગુરુતત્વની છે. બોલો કામ કોનું વધારે…? તમારું કે અમારું…? તમારે માત્ર સમર્પિત થઇ  જવાનું. અમારે તમારા એક – એક દોષને કાઢવાનો. પણ સદ્દગુરુને વેદના ત્યારે થાય કે જ્યારે તમે સમર્પિત નથી. તમારા દોષોને કાઢી શકાતા નથી. તારે સદ્દગુરુની આંખોમાં વેદના હોય છે. કે મારી નજીકમાં આ લોકો આવ્યા, અને એમનામાં દોષો હોય એ ચાલી શકે ખરું…! હું ઘણીવાર કહેતો હોઉં છું સાધુ – સાધ્વીજીઓને કે સદ્દગુરુને વેદના ન થાય એના માટે પણ સમર્પિત થઈને દોષમુક્ત બનજો.

ગઈ કાલે આપણે સદ્દગુરુના ૬ વિશેષણો જોતા હતા.

આગમધર ગુરુ સમકિતી – ગુરુ આગમોના જ્ઞાતા. નિશ્ચય સમ્યગ્દર્શનથી યુક્ત.

ત્રીજી વિશેષતા બતાવે છે : કિરિયા સંવર સાર. કર્મો આવે એનું નામ આશ્રવ. પાપક્રિયા તમે કરો એટલે એક બારી ખુલી, બારી ખુલી એટલે એના દ્વારા કર્મના પરમાણુઓ તમારી ચેતનામાં આવ્યા. તો આશ્રવ એટલે શું? કર્મોનું આવવું… અને એ તમારા આત્મપ્રદેશો સાથે ચોટી જાય એનું નામ બંધ. એની સામે બારીને બંધ કરી દો એ સંવર. સામાયિકમાં તમે શું કરો છો… બધી જ બારીઓને બંધ કરી દો છો. પાપમાં જવાનો એક પણ વિચાર એ વખતે તમારા મનમાં આવતો નથી. અને એથી સંવર થઇ ગયો. અને સંવર પછી નિર્જરા. કે જે કર્મ પરમાણુઓ ચોટેલા છે એને કાઢવા. તમે સામાયિક પારો ને ત્યારે બોલો… દશ મનના, દશ વચનના, બાર કાયાના બત્રીસ દોષમાંથી જે પણ દોષ લાગ્યો હોય એનું મિચ્છામિ દુક્કડમ્.

વર્ષોથી સામાયિક કરવા છતાં તમને એ બત્રીશ દોષોનો ખ્યાલ છે..? સામયિકમાં તમે બેઠેલા હોવ, તમારા વેવાઈ ગામમાં આવ્યા, ઘરે ગયા… ક્યાં ગયા… તો કહે કે ઉપાશ્રય સામાયિક કરવા, એ ઉપાશ્રયમાં આવે.. અને તમે ખાલી એટલું જ બોલો, ઓહો! આવો, આવ્યા, સરસ… તમારા સામાયિકમાં દોષ લાગી ગયો. એ વ્યક્તિ જે વાહનમાં આવેલી હોય, એ જે વિરાધના કરી હોય, એની અનુમોદના તમને લાગી ગઈ. તમે અમને વંદન કરવા આવો, તમારા પક્ષે એ વસ્તુ છે કે સદ્દગુરુનું દર્શન કરી અને દોષમુક્ત બનું. પણ અમારા તરફ તમે આવ્યા એ સારું થયું, એ ભાવ ક્યારે પણ ન હોઈ શકે. તમારી ફરજ છે, તમારો ધર્મ છે, તમે કરો… અમે એની અનુમોદના કરી શકીએ નહિ. તો આવો અદ્ભુત ધર્મ. સામાયિક ધર્મ.

સદ્દગુરુ તો યાવજજીવનનું સામાયિક લઈને બેઠેલા છે. તો એ કેવા છે – “કિરિયા સંવર સાર” આશ્રવની કોઈ ક્રિયા નથી. માત્ર સંવરની ક્રિયા ચાલુ છે. એટલે કે એક પણ પાપકર્મ એ વખતે ભીતર આવી શકતું નથી.

ઊંડાણમાં એક મજાની વાત છે: સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આશ્રવ કેમ ન થાય એના માટેની master key બતાવી. ગુજરાતી ભાષામાં આવેલો એ મજાનો સાધના ગ્રંથ છે. એમાં એમણે લખ્યું, “નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો.” તમારું મન વિચારો વગરનું, વિકલ્પો વગરનું જે ક્ષણે થયું એ ક્ષણે કર્મનો પ્રવેશ બંધ થઇ ગયો. અત્યારે સામાયિક થાય છે. શરીર કટાસણા ઉપર બેસે છે. અને શરીરને ઉભા થવું હોય તો ચરવળો જોઈએ. મનને ઉભું થવા માટે કયો ચરવળો જોઈએ…. વગર ચરવળે આમથી આમ ને આમથી આમ દોડ્યા કરે. તો મન જો વિરાધનાની કોઈ પણ ક્રિયામાં સામાયિકના સમયે પણ જતું હોય, તો કર્મનો આશ્રવ ચાલુ થઇ જાય. એ સંવરની ક્રિયા પણ આશ્રવની ક્રિયામાં ફેરવાઈ જાય.

તો શું કરવું જોઈએ. મનને વિચારોથી મુક્ત બનાવવું છે. સ્વાધ્યાય કરો તો સ્વાધ્યાયમાં એટલા લીન થઇ જાવ કે એક પણ વિચાર એ વખતે ન હોય. માળા ગણો તો જપયોગમાં એટલા તમે લીન હોવ કે એક પણ વિચાર અંદર આવી ન શકે. એટલે તમારું સામાયિક કે અમારું સામાયિક નિર્વિકલ્પ દશા નહિ આવે, ત્યાં સુધી માત્ર સંવરમાં ય નહિ આવે. જે વિચારો આવે છે, એને check કરો છો? ગઈ કાલે એક સાધકને મેં કહેલું કે વિચારોને check કરવાના… બેઠેલા છો, મન વિચાર કર્યા કરે છે. Surprise visit લો મનની… કયો વિચાર ચાલતો હતો….. એક વસ્તુ ગમી ગયેલી… એ કેમ મળે એનો વિચાર ચાલતો હતો… એક વસ્તુ તમને ગમી ગઈ. તમારું મન એ વસ્તુમાં ગયું એટલે શું થયું… તમારી ચેતના પરમાં ગઈ.

જ્યાં ગમો આવ્યો, જ્યાં અણગમો આવ્યો; પર આવી ગયું. એક વ્યક્તિ ઘરમાં આવી તમને ગમી… બીજી વ્યક્તિ આવી તમને અણગમો થયો… બેઉ બાજુમાં તમારી ચેતના ક્યાં ગઈ… પરમાં ગઈ… સાધક તરીકે તમારું કામ એક જ છે… કે તમારા મનને, તમારા ઉપયોગને તમે માત્ર ને માત્ર સ્વમાં રાખો.

પૂર્ણ જાગૃતિ એ જ સાધના. સતત સતત… મન નિર્વિકલ્પ બને તો તો બહુ સારું. પણ એવું નથી થયું અને વિચારો ચાલે છે. તો પણ એક – એક વિચારને check કરો. એ વિચાર કોઈ પણ પદાર્થ કે વ્યક્તિના ગમા તરફ ફંટાયો છે કે અણગમા તરફ ફંટાયો છે. એ ગમા તરફ ફંટાયો કે અણગમા તરફ ફંટાયો; પર તરફ ગયો છે. મારી ચેતના પરમાં ન જવી જોઈએ. તમે પાર્ટ ટાઈમ પણ સાધક બની જાવ. Full ટાઇમ ન બનો તો વાંધો નહિ. પાર્ટ ટાઈમ… અડધો કલાક, કલાક, બે કલાક એવા રાખો જેમાં સંપૂર્ણ જાગૃતિ હોય. એક પણ વિચાર તમને પરમાં લઇ જઈ ન શકે. તમે કહી દો કે એ ક્ષણોમાં દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ મારી સામે મૂકી દો; મને ગમો નહિ થાય. બીજી એક વાત કરું ગમો અને અણગમો કેમ થાય…? તમે પદાર્થો અને વ્યક્તિઓમાં અટવાયેલા કેમ રહો છો? શું કારણ? કારણ એ કે તમને સ્વનો વિકલ્પ મળ્યો નથી. જે ક્ષણે સ્વનો આનંદ તમને મળ્યો; તમે પરમાં જશો નહિ એમ નહિ કહું… પરમાં જઈ શકશો નહિ. તમારી તાકાત છે પરમાં જાવ…?!

સ્વનો આનંદ એટલો બધો છે. ૪૫ ડીગ્રી ગરમી … એ.સી. માં બેઠેલા છો… ખ્યાલ છે કે બહાર ૪૫ ડીગ્રી ગરમી છે. કોઈ કારણ નથી તમે બહાર ઓટલે જઈને બેસવાના…? એમ સ્વનો આનંદ તમે માણી રહ્યા હોવ તો વગર કારણે બહાર જાવ…?! તમે શ્રાવક છો, ઓફિસે તમારે જવું પણ પડે. બાયર આવ્યો, તો મન એ બાયરની વાતચીતમાં તમારે આપવું પણ પડે. પણ એ કારણીક વાત થઇ. કોઈ કારણ નથી… તો તમે પરમાં જાવ…?!

એટલે હું બે પરની વાત કરું… ઉપયોગી પર અને અનુપયોગી પર. ઉપયોગી પરમાં જવું પડે એ એક વિવશતા છે. પણ એવી સાવધાનીથી જાય કે વધારે લેપદશા ન થાય. પણ અનુપયોગી, બિનજરૂરી પરમાં તો જવું જ નથી. બે જણાની વાત છે ત્યાં તમારે માથું મારવાની જરૂર શું છે.? તમને કોઈ બોલાવતું નથી. એ બે જણા કૂટે છે ને કૂટવા દો. તમારે ત્યાં માથું મારવાની જરૂર શું…? તો આવી તમારી જાગૃતિ આવે, તો સદ્દગુરુની સંવર ક્રિયા ઉપર અહોભાવ થશે. કે હું પા કે અડધો કલાક સંવરમાં રહી શકતો નથી અને મારા સદ્દગુરુ ૨૪ કલાક સંવરમાં રહે! નિર્વિકલ્પ દશામાં રહેતા હોય, કોઈ વિચાર કરવાનો નથી. કશું કરવાનું નથી. કશું વિચારવાનું નથી. બસ સ્વમાં રહેવાનું છે.

ચોથું વિશેષણ આપ્યું, સંપ્રદાય. પરંપરાને ચુસ્ત વફાદાર. આપણે ત્યાં બે વસ્તુ છે: શાસ્ત્ર અને પરંપરા. કેટલીક વાતો શાસ્ત્રોમાં લખેલી ન હોય, પરંપરાથી ચાલતી હોય. તો એ પરંપરા પણ એટલી જ સ્વીકૃત છે. એટલે આચાર્ય ભગવંત, ગુરુ ભગવંત એવા છે જે પરંપરાને ચુસ્ત વફાદાર છે. એક વાત તમને કરું… જે પરંપરા વર્ષોથી, સદીઓથી ચાલતી હોય, એને વગર વિચારે તોડવાનું પાપ ક્યારે પણ કરતાં નહિ. તમારી બુદ્ધિને લગાવીને આની શું જરૂર છે, એમ કહીને એ પરંપરાને તોડતા નહિ.

ક્રિયા ધર્મ, સાધના, ભક્તિની પરંપરા આ બધું કોને ટકાવ્યું…? ૮૦ વર્ષના માજી હોય, જેમણે લોગસ્સ પૂરો આવડતો નથી. પણ એ સામાયિકની ક્રિયા કરે છે, તો એ ક્રિયા દ્વારા એક પરંપરા ચાલુ થાય છે. એટલે ક્યારે પણ પરંપરાને તોડવાનું પાપ નહિ કરતા. પરંપરાને સમજવાની કોશિશ કરજો.

“અવંચક સદા” પાંચમો ગુણ આપ્યો, ખુબ પ્રેમને વરસાવનાર. સદ્દગુરુ પાસે બીજું કંઈ જ નથી. માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ. અને એ પ્રેમ પણ નિર્મળ પ્રેમ. કારણ સદ્દગુરુને તમારી પાસેથી કશું જોઈતું નથી. એમને માત્ર આપવું છે તમને. એક મુનિરાજ તમારા ઘરે વહોરવા આવે ને એ પણ તમારા ઘરેથી કંઈ લેવા નથી આવતાં; તમને આપવા આવે છે. ધર્મલાભનો આશીર્વાદ તમને આપવા માટે આવે છે. ૨ કે ૩ ઘરે ગયા, થોડી ગોચરી હતી એ પુરી થઇ ગઈ, છતાં બીજા ૨ – ૩ ઘર બોલાવે છે… એક floor ઉપર છે તો મુનિરાજ ત્યાં જાય છે. મારે ખપ નથી હું નહિ આવું એમ નહિ… એમનો પણ ભાવ મારે રાખવો જોઈએ. એમને પણ મારે કંઈક આપવું છે. ધર્મલાભ મારે આપવાનું છે.

અને છેલ્લું વિશેષણ કહ્યું, શુચિ અનુભવ ધાર. પવિત્ર આત્માનુભૂતિ. એને ધારક હોય છે. સતત આત્માની અનુભૂતિ ચાલુ હોય છે. એટલે જ ઉપાધ્યાય પદની પૂજામાં કહ્યું “સારણાદિક ગચ્છ માંહી કરતાં, પણ રમતાં નિજ ઘર હોય” કોઈ શિષ્યને ગુરુ કહે ભાઈ તે આ કામ કર્યું…? સ્વાધ્યાય કર્યો…? યાદ કરાવે… વારણા ક્યાંક ના પાડે… આ નથી કરવાનું.. ના પાડી હતી અને છતાં એને કર્યું, તો ગુરુ કડક શબ્દોમાં એને કહેશે.. અને કડક શબ્દોથી એ ન અટક્યો… તો ગુરુ લાફો પણ ઠોકશે. પણ આ બધી ક્રિયાઓ કરતી વખતે ગુરુ ક્યાં હોય છે…? સારણાદિક ગચ્છ માંહી કરતાં, પણ રમતાં નિજ ઘર હોય.

તમારા માટે છે ને આનું એક નાનકડું edition આપું… over 40 – over 50 – over 60 જે લોકો છે, એ બધા માટે એક સાધના સૂત્ર – stay as a guest at home. stay as a guest at home. ઘરની અંદર મહેમાન તરીકે રહેવું. દીકરાને બીઝનેસ ભળાવી દેવાનો. દીકરાની વહુને બધી ચાવીઓ આપી દેવાની. કહી દેવાનું બેટા! બે ટાઈમ જમવાનું સવારે ચા – નાસ્તો અને બપોરની ચા આટલું જ અમારે જોઈએ… બાકીનું બધું તમે સંભાળજો. મહેમાન તરીકે… કોઈ ઘરની ચિંતા બધી કરવાની નહિ.

એક શ્રાવકનો મને ખ્યાલ છે, ૫૫ – ૫૬ ની વય થઇ, એને વિચાર્યું સરકારી કર્મચારી પણ ૫૮ ને નિર્વૃત્ત થઇ જાય. ૬૦ એ નિર્વૃત્ત થઇ જાય. મારે નિર્વૃત્ત થવું છે. ચારેય દીકરાને બોલાવ્યા, પછી કહ્યું આ બંગલાનો એક રૂમ અમારો, જેમાં દેરાસર છે એ રૂમ અમારો, ભક્તિ કરશું, ત્યાં રહીશું… બે ટાઈમ જમવાનું, નાસ્તો, ચા આ બધું તમે આપી દેજો. બાકી તમારા ઘર જોડે, તમારી દુકાન જોડે અમારે કોઈ સંબંધ નથી. દીકરાઓને ત્યાં સુધી કહ્યું કે તમે લોકો બહુ જ વિવેકી છો… ભક્ત છો. રોજ માત – પિતાને પગે લાગવા અમારા રૂમમાં તમે આવશો. આવો એનો વાંધો નહિ, બેસો એનો વાંધો નહિ… પણ તમારી ધંધાની વાત તમારે ક્યારે પણ અમારી પાસે કરવાની નહિ. ધંધામાં તેજી ને મંદી આવ્યા કરે. અમારે અમારી સમાધિ બિલકુલ તોડવાની નથી. હવે અમે અમારામાં. દીક્ષા લઇ શકતા નથી. પણ આ રૂમ એ જ અમારો ઉપાશ્રય. આ ઘર દેરાસર એ જ અમારું દેરાસર. અને આટલામાં જ અમારું જીવન અમારે પૂરું કરવાનું.

તો stay as a guest at home. યાદ રહી ગયું?

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *