Shree Navpad Shashvati Oli 2024 – Tap Pad

31 Views 17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : તપ

પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ એ સાધન ત્રિપદી છે. સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ સાધ્ય ત્રિપદી છે. પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ દ્વારા તમારો અહંકાર શિથિલ બને; સમર્પણની ભૂમિકા તમારી પાસે આવે. એ પછી જ તમે સાધ્ય ત્રિપદીમાં જઈ શકશો.

જ્યાં સુધી અહંકારના લયનું હું વિલીન ન થાય, ત્યાં સુધી સાચું હું પકડાવાનું નથી. જ્યાં સુધી સાચું હું પકડાયું નથી, ત્યાં સુધી સ્વાધ્યાય કેવો! કારણ? સ્વાધ્યાય એટલે સ્વ નો અધ્યાય. હું કેવો છું? હું કોણ છું? મારું સ્વરૂપ શું? – એનું જ્ઞાન, એ સ્વાધ્યાય.

શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. આત્મદ્રવ્યનું, આત્મગુણોનું અને આત્માના શુદ્ધ પર્યાયોનું જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમારે મોક્ષ માટે પ્રભુને પ્રાર્થના કરવી પડતી નથી. પ્રભુની પાસે તમે ગયા – વંદન કરવા – અને પ્રભુ સામેથી કહે છે કે લે! આ મોક્ષ લઇ જા!

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૯

બાહ્ય તપ અને અભ્યંતર તપની વિચારણામાં ઊંડા ઉતરવા માટે ૩ શાસ્ત્ર પંક્તિઓનો આજે સ્વાધ્યાય કરીએ. એક શાસ્ત્ર પંક્તિ પહેલી પૂજ્ય પદ્મવિજય મ.સા. એ નવપદ પૂજામાં આપી. બીજી શાસ્ત્ર પંક્તિ હરિભદ્રસૂરિ મ.સા. એ પંચસૂત્રમાં આપી. અને ત્રીજી શાસ્ત્ર પંક્તિ ઉપાધ્યાય યશોવિજય મહારાજે મુનિસુવ્રત દાદાના સ્તવનમાં આપી.

પહેલી પંક્તિ પદ્મવિજય મ.સા. નવપદપૂજાની અંદર તપપદની પૂજામાં કહે છે – “એક અચરિજ પ્રતિશ્રોતે ધરતાં, આવે ભવસાયર તટમાં” દરિયામાં પડેલો માણસ હોય, એને કિનારે આવવું હોય તો શું કરવું જોઈએ…? કિનારા તરફ જે મોજાં સરકી રહ્યા છે એ તરફ એને જવું જોઈએ. ભરતીમાં મોજાં દરિયાના કિનારા તરફ અથડાય, એ મોજાનો સહારો લઇ અને એ પણ કિનારે પહોંચી જાય. પણ પદ્મવિજય મ.સા. કહે છે કે સંસારના સાગરના કિનારાને પામવો હોય તો અલગ રીત છે. બે શબ્દો આપ્યા, અનુશ્રોત અને પ્રતિશ્રોત.

ઇન્દ્રિયો પોતાના વિષયમાં જતી હોય, મન એને જવા દે, મન ઇન્દ્રિયોને મોકળાશ આપે એ અનુશ્રોત. અને વિષયોમાં જતી ઇન્દ્રિયોને જે મન રોકે તે પ્રતિશ્રોતની અવસ્થા. પતંજલિ મહર્ષિએ યોગના આઠ અંગો આપ્યા. એમાં ૫મું અંગ છે પ્રત્યાહાર, આ પ્રત્યાહારની વાત છે.

અનંત જન્મો સુધી પ્રભુનું શાસન ન મળ્યું તો આપણે ઇન્દ્રિયો અને મનને રવાડે ચડીને માત્ર અને માત્ર વિષયભોગની દુનિયામાં સહાયક થયા… પ્રભુનું શાસન મળ્યું, હવે સંસારના સાગરનો કિનારો, આ રહ્યો.. મોક્ષ આ રહ્યો.. કરવાનું શું છે… પ્રતિશ્રોત. “એક અચરિજ પ્રતિશ્રોતે ધરતાં, આવે ભવસાયર તટમાં” આશ્ચર્ય છે કે પ્રતિશ્રોત્તમાં તરીએ સામા પૂરે તરીએ, અને કિનારો મળે! બાહ્ય તપમાં અણસણ, ઉણોદરી, આ બધા જ તપો કેટલા મજાના છે. રોજ સવારે ઉઠતાં ચા યાદ આવતી. ઠીક છે વ્યાખ્યાન વહેલું છે તો વ્યાખ્યાન પછી.. પણ ચા ની યાદ તો આવે જ… કદાચ પગથિયા ઉતરતાં જ ચા ની યાદ આવે. પણ નવપદજીની ઓળી આવી, અને નવપદજીની ઓળી મારે કરવાની છે આ એક તમે તમારા મનની અંદર વિચારનું બીજ મૂકી દીધું… હવે ચા નહિ આવે. કાલે પાછી યાદ આવશે. તો બાહ્ય તપનો આ કેટલો મોટો ચમત્કાર છે. એ બાહ્ય તપ અભ્યંતર તપમાં જઈ અને મુક્તિને અપાવે.

બીજું શાસ્ત્રવાક્ય પંચસૂત્રનું છે. અને એ અભ્યંતર તપની પહેલી ત્રિપદી ના અનુસંધાનમાં છે. અભ્યંતર તપના ૬ પ્રકાર. બે ઝૂમખાં છે. પ્રાયશ્ચિત – વિનય – ને વૈયાવચ્ચ એ સાધના ત્રિપદી છે. સ્વાધ્યાય – ધ્યાન – કાર્યોત્સર્ગ એ સાધ્ય ત્રિપદી છે. વિનય અને વૈયાવચ્ચ દ્વારા પ્રાયશ્ચિત દ્વારા તમારો અહંકાર શિથિલ બને. સમર્પણની ભૂમિકા તમારી પાસે આવે. પછી જ તમે અભ્યંતર ત્રિપદીમાં, સાધ્ય ત્રિપદીમાં જઈ શકશો..

સ્વાધ્યાય ક્યારે થાય બોલો…? તમે તો સ્વાધ્યાય કરો છો રોજ… પણ ખરેખર સ્વાધ્યાય ક્યારે થાય….?  સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યાય. હું કેવો છું? હું કોણ છું? મારું સ્વરૂપ શું? એનું જ્ઞાન એ સ્વાધ્યાય. હવે જ્યાં સુધી અહંકારના લયનું હું વિલીન ન થાય… ત્યાં સુધી સાચુ હું પકડાવાનો ક્યાંથી….? અત્યારે હું એટલે કોણ…? આ શરીર.. શરીરને અપાયેલું નામ… જ્યાં સુધી આ હું ને પેલે પાર તમે ન જઈ શકો ત્યાં સુધી સ્વાધ્યાય કેવો?! હું કોણ છું? એ જાણવાની ઈચ્છા થઇ…? હું તો આ છું જ… તું આ છે શરીર રૂપે, નામ રૂપે તો વળી તારે સ્વાધ્યાય કયો કરવાનો…? હું એટલે શરીર… તો પછી જ્ઞાન કોનું થશે… શરીરનું… ફેફસાંને બરોબર રાખવાનાં, હાર્ટને ધબકતું રાખવાનું… સ્વ એટલે કોણ? સ્વ એટલે હું… તો હું એટલે કોણ? આ શરીર, આ નામ, આ મન, કે આત્મા. You are the bodyless experience. You are the nameless experience. You are the mindless experience.

પણ પહેલાં આ નક્કી કરો કે આ હું નથી. ઓળી કરી સરસ… ધન્યવાદ આપું તમને. ૫૦૦ – ૫૦૦ આયંબિલ આ સંઘમાં રોજ થતાં હતા. તમને ધન્યવાદ આપું. પણ ઓળી શાના માટે કરી..? શરીરનું વજન વધી ગયેલું, જરા ચરબી વધી ગયેલી, તો ડાયટીંગ પણ થઇ જાય. ઓળીની ઓળી… ને ડાયટીંગનું ડાયટીંગ. ચરબી થોડી ઓછી થઇ જાય. વજન ઓછું થઇ જાય એના માટે ઓળી કરી…? શેના માટે ઓળી કરી…?

મારા પ્રભુએ કહ્યું છે કે આ સાધના કરવી જોઈએ. અને આ સાધના કરવાથી આત્મા નિર્મળ બને. કોઈ પણ સાધના તમે કરશો એ માત્ર અને માત્ર આત્માની નિર્મળતા માટે છે. તો સ્વાધ્યાય ક્યારે થાય…? હું એટલે શરીર નહિ, હું એટલે નામ નહિ, એક નવકારવાળી ફેરવવી જોઈએ હું શરીર નથી… હું શરીર નથી… હું શરીર નથી… તો સાધન ત્રિપદી અને સાધ્ય ત્રિપદી. સાધન ત્રિપદીમાં વિનય અને વૈયાવચ્ચ આવે. વિનય અને વૈયાવચ્ચ ક્યારે આવી શકે હૃદયમાં…? અહંકાર પણ હોય અને નમ્રતા પણ હોય; એ બે સાથે ન રહી શકે. વિનયનો ભાવ આવ્યો, વૈયાવચ્ચનો ભાવ આવ્યો, ઝૂકવાનો ભાવ આવ્યો. અને જ્યાં ઝૂકવાનો ભાવ આવ્યો ત્યાં અહંકાર કઈ રીતે રહી શકે!

આપણને તો ગળથુંથીમાંથી ઝૂકવાનો ભાવ મળ્યો છે. સૌથી પહેલાં માં તમને ગુરુદેવ પાસે લઇ ગયેલી. અને માં એ કહેલું ગુરુદેવ! એને નવકાર મંત્ર સંભળાવો. એ નવકાર મંત્ર ગળથુંથીમાંથી આપણને મળેલો. નમો.. નમો.. નમો… હું ઝુકું છું. ઝૂકવાનો ભાવ આવ્યો. તો ‘આયઓ ગુરુબહુમાણો’ સદ્ગુરુ પ્રત્યેનું બહુમાન એ જ મોક્ષ.

ગઈકાલે કહેલું સદ્ગુરુ શક્તિપાત કરવા તૈયાર છે, પણ શક્તિપાત ઝીલવા તમે તૈયાર છો? આપણી પરંપરાની એક મજાની ઘટના છે. એક જ્ઞાની આચાર્ય ભગવંત એક શહેરમાં પધાર્યા… લોકો બહુ જ ભાવુક…  લોકોએ વિનંતી કરી, સાહેબ માસકલ્પનો લાભ અમને આપો. એક મહિનો સ્થિરતા કરો. સાહેબે કહ્યું જેવી ક્ષેત્ર સ્પર્શના. જવાબ કેટલો મજાનો હોય છે… તમે લોકો ચાતુર્માસની જય બોલાવવા માટે અમારી પાસે આવો ત્યારે પણ અમે શું કહીએ, જેવી ક્ષેત્ર સ્પર્શના… તમારા ક્ષેત્રમાં આવવાનું નિર્ધારિત થયેલું હશે તો અમે આવી જઈશું. કદાચ નિર્ધાર બીજો થયેલો હોય અને અમને ખ્યાલ નથી… તો અમે એ રીતે પણ વર્તશું. કોરોના વખતે ઘણા બધા આચાર્ય ભગવંતોના ચાતુર્માસ બદલાઈ ગયા.

તો આચાર્ય ભગવંતે કહ્યું, જેવી ક્ષેત્ર સ્પર્શના. લોકોનો બહુ જ ભાવ. સાહેબજીની આ ભક્તિ કરીએ… આ ભક્તિ કરીએ… આ ભક્તિ કરીએ… એકવાર બપોરે સંઘના અગ્રણીઓ આવ્યા. કે સાહેબજી! પ્રભુની વિશિષ્ટ ભક્તિ અમારે કરાવવી છે. આપ અહીંયા છો તો આપણી નિશ્રામાં પ્રભુની વિશિષ્ટ પ્રકારની ભક્તિ થઇ જાય. એ વખતે ગુરુદેવે કહ્યું – ભક્તિ કરવી એ તમારું કામ છે. તમારો વિષય છે. પણ મારે મારા એક શિષ્યને આચાર્ય પદવી આપવાની છે. એનું મુહુર્ત અહીંયા જ આવી રહ્યું છે. સંઘ તો નાચી ઉઠ્યો. એ જમાનામાં આચાર્ય ભગવંતો rarest of rare હતા. એ યુગમાં સીધો જ અણધાર્યો આચાર્ય પદ પ્રદાન નો લાભ મળી ગયો. એ દિવસ આવી ગયો. જ્યારે આચાર્ય પદવી અપાવાની છે. કોઈને ખ્યાલ નથી કે કોણ આચાર્ય બનશે. સામાન્ય તયા લોકો શું માને… next to ગુરુ આ છે… એ બનશે. અહીંયા કોઈને ખ્યાલ નથી કે કોને આચાર્ય પદવી ગુરુદેવ આપવાના છે. ૮ વાગ્યા. નાણ મંડાઈ ગઈ. પ્રદક્ષિણા દઈને ક્રિયા શરૂ કરવાની હતી. બધા જ જોઈ રહ્યા કે ગુરુદેવ! કોને ઉભા કરે છે. એ વખતે એક મ.સા. ગુરુદેવે સવારે એમને કહેલું કે આજે નવા કપડાં પહેરીને આવજે. એટલા બધા એ આજ્ઞાંકિત હતા, કે કોઈ પણ આજ્ઞા આવે ત્યારે પૂછવાનું તો નહિ, પણ વિચાર પણ નહિ. આજ્ઞા એટલે આજ્ઞા. સીધો જ સ્વીકાર. No argument, no question.  માત્ર સ્વીકાર.

એટલે જ હું વારંવાર કહું, બુદ્ધિ અને અહંકારને કારણે આપણે સદ્ગુરુઓને ચુકી ગયા. હરિભદ્રાચાર્ય જેવા કે હેમચંદ્રાચાર્ય જેવા સદ્ગુરુ આપણને મળેલા અતિતની યાત્રામાં, પણ સમર્પિત આપણે ન થઇ શક્યા, આપણે ચુકી ગયા. આ જન્મમાં ચૂકવું નથી. જે સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે એ સદ્ગુરુના ચરણોમાં આળોટી પણ… પંચમહાવ્રતધારી બધા જ ગુરુઓ પ્રત્યે સદ્ભાવ. બધાની ભક્તિ કરવાની. બધાની વૈયાવચ્ચ કરવાની. પણ સાધનાદાતા સદ્ગુરુ એક. એ જે સાધના આપે એ સાધના કરવાની. એ ગુરુને તમારા જીવનની બધી જ માહિતી જોઈએ. તમારી પાસે કેટલા પૈસા છે… તમારા દીકરાને ખબર નથી, તમારી શ્રાવિકાને ખબર નથી, પણ ગુરુને ખબર હોય. એટલા માટે ખબર હોય કે એ શ્રાવક ક્યારેક નવો business શરૂ કરવાનો વિચાર આવે ગુરુદેવ પાસે આવે… કે સાહેબજી! આ business માં સારી તક છે, હું કરી શકું….? એ વખતે ગુરુને ખ્યાલ છે કે ૨૦૦ કરોડનો – ૫૦૦ કરોડનો આસામી છે, અને ગુરુ સીધી તમાચ ઠોકે, સાલા તારું પેટ ભરાઈ ગયું, પટારો ભરાઈ ગયો, હવે કોના માટે business કરવો છે…?! તમારા હું ને પંપાળે એવા સદ્ગુરુ નથી જોઈતા… તમારા હું ને ચીરી નાંખે એવા સદ્ગુરુ જોઈએ છે. સદ્ગુરુ કેવા જોઈએ…? હું ને પંપાળે એવા… કે હું ને ચીરી નાંખે એવા…?

ગુરુદેવે કહ્યું, પેલા મ.સા. ને તમે ઉભા થાવ પ્રદક્ષિણા આપો. ક્રિયા ચાલુ થઇ ગઈ. કેવા સમર્પિત એ શિષ્યો હતા. શિષ્યાઓ હતી. અને આ સંઘ હતો. ગુરુદેવે આવા મ.સા. ને આચાર્ય પદવી આપવાનું નક્કી કર્યું! આ મ.સા. ને તો પચ્ચક્ખાણ આપતાં આવડે છે. વ્યાખ્યાન તો આપી શકતાં જ નથી. એટલું ભણેલા પણ નથી. સાધુ ભગવંતોને તો ખ્યાલ પણ હોય કે કેટલું ભણેલા છે. એક દશવૈકાલીક સૂત્ર કરતાં જેમણે ૨ વર્ષ લાગેલા હોય, એવા મ.સા. અને એમને ગુરુ આચાર્ય પદવી માટે ઉભા કરે, ક્રિયા શરૂ કરાવે… એક પણ શિષ્યના મનમાં વિકલ્પ નથી. Sadguru is the boss. સદ્ગુરુ જે પણ કરે એમાં વિચાર કરવાનો હોય જ નહિ.

બે જાતના ગુરુની વાત કરી, ગીતાર્થ ગુરુ અને અગીતાર્થ ગુરુ. શાસ્ત્રોને બરોબર તલસ્પર્શી રીતે અભ્યાસ જેમણે કરેલો છે, એવા ગુરુ ગીતાર્થ ગુરુ. અને શાસ્ત્રોનો એવો અભ્યાસ નથી થયો જેમનો, એ અગીતાર્થ ગુરુ. તો ગીતાર્થ ગુરુ જે પણ આજ્ઞા આપે, એ આજ્ઞાને સીધી જ સ્વીકારવાની હોય છે. કોઈ વિચાર નહિ. અગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રભુની આજ્ઞાને સંબંધ હોય તો એ પણ સ્વીકારવાની. કેવો એ સમર્પિત સંઘ! ઈર્ષ્યા આવે એવા સંઘની… પહેલા છે ને એક સરસ વ્યવસ્થા હતી. અમુક ક્ષેત્રમાં અમુક ગુરુદેવ વિચરતા હોય… એટલે લોકો બધા એમને જ બધું પૂછે. બીજા પ્રદેશમાં બીજા ગુરુ વિચરતા હોય તો લોકો એમને પૂછે. એટલે સાધનાદાતા ગુરુ આખા પ્રદેશમાંથી એક થઇ જાય.

હું કચ્છમાં ગયેલો વાગડમાં… અને એક જગ્યાએ એક સંઘનો પ્રશ્ન હતો… મને સંઘવાળાએ વાત કરી… કે આના માટે માર્ગદર્શન આપ આપો. એ વખતે ગુરુદેવ કલાપૂર્ણસૂરિ દાદા બિરાજમાન હતા. મેં કહ્યું તમારા ક્ષેત્રના ગુરુ કલાપૂર્ણસૂરિ દાદા છે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમારે એમને જ પૂછવાનો. વાવપ્રદેશમાં ગુરુદેવ વિચર્યા…અને વાવ પ્રદેશ સમર્થ… ગુરુદેવ કહે એટલે વાત પૂરી થઇ ગઈ. એકવાર એવું બન્યું… પંચાગ જે અમારું નીકળે એમાં મહાવીર જન્મ કલ્યાણક ની તિથી ખોટી છપાઈ ગઈ, ધારો કે બધે મંગળવાર હતો, અમારાથી સોમવાર છપાઈ ગયું. પછી અમને ખ્યાલ આવ્યો તો પેપરમાં જાહેર ખબર પણ આપી. પણ ત્યાં નાનકડા ગામડા રહ્યા ત્યાં પેપર કોણ વાંચે…? સોમવારે બધાયે કરી લીધી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી… કોઈ આવેલું એમ પૂછે… અરે પણ આજે તો છે નહિ, આવતી કાલે છે… અને તિથીનું કોઈ મતભેદ પણ નથી. તપાગચ્છ પૂરામાં એક જ દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી છે. એટલે પેલા કહે અમારા બાપજીના પંચાગમાં આમ લખ્યું છે… એટલે અમે તો આમ કરવાના. આ સમર્પણ તમારી પાસે હોય ને…

એક ભાઈ મને કહે કે સાહેબ! આચાર્ય ભગવંતોમાં opinion difference ઘણા પડે, અને opinion difference પડે ત્યારે અમારે શું કરવું..? ત્યારે મેં કહ્યું… કે તારે અમારા opinion difference ની તકલીફ પડે છે, કે તારે કરવું નથી. એના માટે બહાનાબાજી કરે છે? મેં એને પૂછ્યું, અમદાવાદમાં રહેતો હતો, અમદાવાદમાં કેટલા ડોક્ટર..? મને કહે ગણ્યા ગણાય નહિ એટલા… મેં કીધું તારા દીકરાને પેટમાં દુખાવો ઉપડ્યો, પહેલા ડોક્ટરને બતાવ્યું, એ કહે અત્યારે ને અત્યારે immediate operation કરવું પડે એમ છે. મારો દીકરો હોય, તો અત્યારે એને ટેબલ ઉપર સુવડાવી એનું operation કરી દીધું હોય… બીજાનું opinion લીધો, એ કહે, કોણ આ હજામત હતું! કે operation ની વાત કરી.. આમાં operation ની જરૂરિયાત જ નથી. આ દવાઓમાં મટી જશે. ત્રીજાએ કહ્યું દવાથી આ દુખાવો મટતો હશે! injection લેવા પડશે. મેં પેલા ભાઈને પૂછ્યું… કે ૩ ડોક્ટરને બતાવ્યું ૩ opinion અલગ આવ્યા. પણ તમે મૂંઝવણમાં પડો છો પછી…? શું કરવું હવે…? જે ડોક્ટર પર વિશ્વાસ છે એ ડોક્ટર પાસે તમે જાવ છો… અને એ કહે એ પ્રમાણે કરી પણ લો છો… એમ એક સદ્ગુરુ એવા રાખવાના ક્યાંય પણ તકલીફ પડે, ક્યાંય પણ વિચાર આવે, એ સદ્ગુરુ ને પૂછી લેવાનું એ કહે એમ કરવાનું.

આચાર્ય પદવી અપાઈ ગઈ. અને એ પછીની જે વિધિ છે કે ગુરુપોતે પોતાના શિષ્યને વંદન કરે.. એટલા માટે કે મેં શક્તિપાત કર્યો. એ મારામાં શક્તિ હતી એ બધી મેં એનામાં મૂકી દીધી. સામાન્યતયા ગુરુ શક્તિપાત કરે, ત્યારે પોતાની શક્તિ રાખે અને થોડી  શક્તિ તમને આપે. પણ આવી જયારે વિધિ હોય છે ત્યારે પુરેપુરી શક્તિ ગુરુ તમને આપી દેતાં હોય છે. તો ગુરુએ વંદન કર્યું. અને પછી કહ્યું નૂતન આચાર્ય દેશના આપો. હવે લોકો વિચારમાં પડ્યા. કે મ.સા. વ્યાખ્યાન કઈ રીતે આપશે.. અને એ વખતે સંસ્કૃતમાં પણ બે વિભાગ. ગદ્ય અને પદ્ય. પદ્ય એટલે શ્લોક હોય. તરત ને તરત શ્લોકો બનાવવા અને બોલવા એ તો અઘરું કામ… ગુજરાતીમાં બોલીએ એનું સંસ્કૃતમાં બોલી શકાય.

આ મહાત્મા ગુરુની શક્તિ મળી એટલે શ્લોક પદ્ય સંસ્કૃતમાં કલાક સુધી non -stop. પણ આ શક્તિ તો સામાન્ય શક્તિ છે. વકતૃત્વ શક્તિ સામાન્ય છે. ગુરુ એવી શક્તિ આપે છે કે તમારા વિકારો જે છે એ દૂર થઇ જાય. તો બીજું સૂત્ર હતું “આયઓ ગુરુબહુમાણો” એટલે વિનય અને વૈયાવચ્ચ એ બે ને ઘૂંટેલા હોય, ત્યારે સમર્પણ મજબુત બને.

અને ત્રીજું શાસ્ત્ર વાક્ય મહોપાધ્યાય યશોવિજય મહારાજે મુનિસુવ્રત દાદાના સ્તવનમાં આપ્યું. ભાઈ! મુનિસુવ્રત દાદાનું સ્તવન તો આવડે ને…? કેટલા આવડે…? ૩૦… કેટલા સ્તવન આવડે…? ૩૦ આવડે તો રોજ નવું બોલાય મહિને મહિને… અને ૩૬૫ આવડતા હોય… તો આખા વર્ષમાં રોજ નવા સ્તવન પ્રભુને સંભળાય… તો મુનિસુવ્રત દાદાના સ્તવનમાં શાસ્ત્ર પંક્તિ આવી… “દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે” આત્મદ્રવ્યનું, આત્મગુણોનું, અને આત્માના શુદ્ધ પર્યાયોનું જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમારે મોક્ષ માટે પ્રભુને પ્રાર્થના કરવી પડતી નથી. પ્રભુની પાસે ગયા વંદન કરવા અને પ્રભુ કહે છે લે આ મોક્ષ તને આપું. શિવ દિયે પ્રભુ સપરાણે… લે લઇ જા કહે છે… મોક્ષ લઇ જા.

આવા શાસ્ત્ર વચનો આપણને એક તપધર્મ ઉપરની ઊંડી શ્રદ્ધામાં લઇ જાય. એ બાહ્ય તપ આપણે કરીએ… અભ્યંતર તપમાં ધ્યાન અને કાર્યોત્સર્ગ કરીએ. અને ધ્યાન અને કાર્યોત્સર્ગ દ્વારા વધુમાં વધુ નિર્જરા આપણે કરીએ એવા આશિષ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *