Shree Navpad Shashvati Oli 2024 – Upadyay Pad

24 Views 15 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ગુરુતત્ત્વની ઉપાસના

સદ્ગુરુ – આગમધર – આગમોના પૂરેપૂરા જ્ઞાતા હોય છે. આપણે ત્યાં ગીતાર્થ શબ્દ છે. જેણે અર્થને ગાયો છે – તે ગીતાર્થ. એ શબ્દોની, એ અર્થની ધારામાં જેનું પૂરેપૂરું અસ્તિત્વ વહેતું હોય છે… એવા સદ્ગુરુના ચરણોમાં આપણું સમર્પણ થઇ ગયું; સદ્ગુરુનું બધું જ જ્ઞાન આપણને મળી જાય.

સમ્યગ્દર્શન એટલે શું? પદાર્થ કે વ્યક્તિનું સાચું દર્શન; સમ્યગ્ રીતે બધાને જોવાના. ચોથા ગુણઠાણે સમ્યગ્દર્શન છે. આત્માનુભૂતિ છે, પરંતુ ત્યાં અવિરતિ પડેલી છે; ઉદાસીનદશા નથી. વિરતિ એ જ ઉદાસીનદશા.

પાંચમા ગુણઠાણે દેશવિરતિ. છટ્ઠા ગુણઠાણે સર્વવિરતિ . સાતમા ગુણઠાણે સર્વવિરતિ ની સાથે અપ્રમત્તદશા. પૂર્ણ જાગૃતિ ત્યાં ભળેલી છે. એટલે જ ત્યાં આત્માનુભૂતિ એકદમ પ્રબળ બનેલી છે; વીતરાગદશા, આનંદ વગેરે ગુણોનો અનુભવ છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૪ સદ્દગુરુ

શાશ્વતી નવપદજીની ઓળીમાં ગુરુતત્વની ઉપાસનાની વાત ચાલી રહી છે. બહુ જ બડભાગી છીએ આપણે કે આપણને સદ્ગુરુઓની એક મજાની શ્રેષ્ઠ પરંપરા મળી છે.

પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતે સોળમાં સ્તવનમાં એક કડીમાં સદ્ગુરુના ગુણો કેટલા હોય છે એની અછળતી વાત કરી છે. આમ તો સદ્ગુરુના ગુણ ગુણી શકાય નહિ, બુદ્ધિના ત્રાજવે માપી શકાય નહિ. પણ આનંદધનજી ભગવંત પાસે પરાવાણી છે…. અને એ પરાવાણીમાં સદ્ગુરુના ૬ ગુણો આપણને મળી રહ્યા છે. “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ ધાર રે” પહેલું જ વિશેષણ “આગમધર ગુરુ” – સદ્ગુરુ આગમોના જ્ઞાતા હોય છે. આપણે ત્યાં ગીતાર્થ શબ્દ છે. ગીતાર્થનો પારંપરિક અર્થ તો અલગ છે. પણ હું એક અલગ અર્થ કરું છું.

ગીતાર્થ એટલે શું?

જેમણે અર્થને ગાયો છે; એ ગીતાર્થ. ગીત: અર્થ: યેન સ ગીતાર્થ:. બોલવું જુદી વસ્તુ છે. ગાવું જુદી વસ્તુ છે. તમે જ્યારે ગાઓ છો ત્યારે શબ્દો અને તમે અલગ રહેતા નથી. એ રાગની ધારામાં, એ શબ્દોની ધારામાં તમારું પૂરું અસ્તિત્વ વહેતું હોય છે. કોઈ પણ સંગીતકાર હોય, એ જયારે ઊંડાણથી ગાય ત્યારે સ્થળ અને કાળનું પણ ભાન એ ભુલી જાય. તો સદ્ગુરુ આગમોના પુરેપુરા જ્ઞાતા છે. આપણા માટેનું તો જલસો. એ સદ્ગુરુના ચરણોમાં આપણે હોઈએ, એ સદ્ગુરુના ચરણોમાં આપણું સમર્પણ થઇ ગયું, સદ્ગુરુનું બધું જ જ્ઞાન આપણને મળી જાય.

શિષ્ય પાસે કેટલું જ્ઞાન છે એ મહત્વની વાત નથી, એ કેટલો સમર્પિત છે એ મહત્વની વાત છે. તમે કશું જ ભણેલા નથી. બિલકુલ કોરી સ્લેટ છો, પણ ગુરુને સમર્પિત તમે થઇ ગયા, હવેનું કામ સદ્ગુરુનું છે.

ભગવતીકુમાર શર્મા કહે છે “હરિ લખે તે અક્ષર હોય, ગુરુ લખે તે અક્ષર હોય” તમારી ચિત્તની સપાટી ઉપર પ્રભુ જે લખે, સદ્ગુરુ જે લખે… તે જ કાર્ડ જઈ રહેવાનું છે. તમે વાંચ્યું છે, થોડા સમયમાં ભુલાઈ જવાનું… પણ સદ્ગુરુએ તમારી ચિત્તની સપાટી ઉપર સાધનાના મૂળ મંત્રો લખ્યા છે… એને ભૂલવા માંગો તો પણ તમે ભુલી ન શકો. તો પહેલું વિશેષણ સદ્ગુરુ આગમોના પુરેપુરા જ્ઞાતા છે.

બીજું વિશેષણ આવ્યું – સમકિતી. ચોથા ગુણઠાણે પણ સમ્યગ્દર્શન હોય, છટ્ઠે અને સાતમે પણ હોય… ફરક શો પડ્યો… ચોથા ગુણઠાણે સમ્યગ્દર્શન છે એટલે આત્માનુભૂતિ છે. પરંતુ અવિરતિ પડેલી છે. ઉદાસીનદશા તમારી પાસે નથી. વિભાવોની અંદર રતિ અને અરતિથી તમે પ્રવેશો છો. એ જ સમ્યગ્દર્શન. પાંચમું ગુણઠાણું આવ્યું. દેશવિરતિ શ્રાવક છે, અવિરતિ ઓછી થઇ છે, થોડી વિરતિ આવી છે. એ વિરતિ એટલે જ ઉદાસીનદશા. ચારિત્રનો પર્યાય એક માત્ર છે; ઉદાસીનદશા. કોઈ ઘટના તમને સ્પર્શે નહિ, ઘટના, ઘટના છે, તમે, તમે છો. ઘટના પૌદ્ગલિકભાવની વસ્તુ છે. તમે અપૌદ્ગલિક છો. પુદ્ગલને અને આત્માને સંબંધ શું? તો પાંચમાં ગુણઠાણે દેશચારિત્ર. છટ્ઠા ગુણઠાણે સર્વચારિત્ર. અને સાતમા ગુણઠાણે સર્વચારિત્ર તો છે જ પણ અપ્રમત્તદશા, એ પૂર્ણ જાગૃતિ અંદર ભળેલી છે. એટલે જ ત્યાં આત્માનુભૂતિ એકદમ પ્રબળ બનેલી છે. તમે તમારા ગુણોને અનુભવી રહ્યા છો. વિતરાગદશાનો અનુભવ તમે કરતા હોવ, તમારા આનંદનો તમે અનુભવ કરતા હોવ.

આ જીવનની અંદર આ આસ્વાદ મળી શકે એમ છે. જોઈએ તમારે? ખરેખર જોઈએ..? કેટલી મહેનત કરી એના માટે… કેટલી પ્રાર્થના કરી એના માટે… પ્રભુ તારા ચરણોમાં આવ્યો છું. તારે મને સમ્યગ્દર્શન આપવું જ પડશે. પ્રભુ કહે હું તો તૈયાર જ છું, તું તૈયાર થાય એટલી વાર છે. ઉદાસીનદશા જેટલી વધુ તીવ્ર… એટલો આ આસ્વાદ ગાઢ બને… બધી જ ઘટનાઓ ઘટ્યા કરે છે. તમને કશું જ સ્પર્શતું નથી. કોઈએ તમારી પ્રશંસા કરી, તમને એની કોઈ અસર થતી નથી. તમે એમ માની શકો કે એ માણસ ગુણાનુરાગી છે તો એ  પ્રશંસા કરે. કોઈ નિંદા કરે કોઈ અસર ન થાય.

બુદ્ધ પાસે એક સાધક આવેલો, એને સંન્યાસ લેવો હતો. બુદ્ધ તો બહુ મોટા ગુરુ હતા, એમણે એના ચહેરાને જોઇને નક્કી કર્યું, કે આ માણસ ઘટનાઓથી વિચલિત થાય છે. એની કોઈ પ્રશંસા કરે એ ફુલાઈને ફાળકો થઇ જાય છે. અને એની કોઈ નિંદા કરે mood less થઇ જાય છે. તમારી ચાવી કોની પાસે… તમારા સુખની ચાવી કોની પાસે…? તમારી પાસે કે બીજાની પાસે…? તમારો કંઠ સારો છે, તમે સ્તવન સારું બોલો છો. એકવાર તમે સ્તવન બોલ્યા, બે – ત્રણ  જણાએ કહ્યું કે વાહ! આજ તો બહુ જ આનંદ આવી ગયો. નવું જ સ્તવન તમે લીધું. અને એટલા ભાવથી તમે ગાયું કે અમને પણ એ શબ્દો સ્પર્શી ગયા. એક જણો મળ્યો પાછળથી કેમ આજે શરદી – બર્દી થઇ ગઈ છે. આજે તમે ગાયું કંઈ ખબર જ ન પડી. ન શબ્દો સમજાય. આજ તો કંઈ મજા જ નહિ આવી. હવે કોઈ આમ કહે, કોઈ આમ કહે. આપણે મજામાં ન રહીએ…!

મીરાંએ કહેલું ‘કોઈ નિંદે, કોઈ બંદે, મેં અપની ચાલ ચલુંગી.’ તો બુદ્ધે કહ્યું એ સાધકને કે એક કામ કરવાનું છે, બાજુમાં જ કબ્રસ્તાન છે. એક – એક કબર પાસે જવાનું… અને તું તો એ માણસને ઓળખતો નથી. પણ કબર ઉપર એનું નામ લખાયેલું હોય. તો એ નામ બોલીને તારે કહેવાનું – તમે બહુ સારા હતા, તમે મહાન ઉદાર હતા, તમે ગંભીર હતા. જેટલા વિશેષણો તારા શબ્દકોશમાં હોય એ ઠાલવી દેવાના. તમે દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ. બીજી કબર પાસે જવાનું ત્યાં પણ એ જ સ્તુતિ કરવાની. પેલા સાધકને દીક્ષા લેવી હતી અને બુદ્ધ ભગવાન પાસે જ લેવી હતી. એટલે હવે ગુરુ કહે એમ કરવું જ પડે. સવારે નાસ્તો કરીને એ ગયો, સાંજ સુધી એનું કામ ચાલ્યું. મોટું કબ્રસ્તાન. એક – એક કબર પાસે જવાનું, ૫ – ૫ મિનિટ, ૧૦ – ૧૦ મિનિટ એના ગુણગાન ગાવાના. સાંજે એ બુદ્ધ ભગવાન પાસે આવ્યો.. કે સાહેબ આપે કહેલું કામ પૂરું કર્યું. સારું… કાલે સવારે મને મળજે.

સવારે આવ્યો ત્યારે બીજી સાધના આપી. કે આજે પણ કબ્રસ્તાનમાં જવાનું… એક – એક કબર પાસે ઉભા રહેવાનું અને કહેવાનું કે તું નાલાયક હતો, હરામખોર હતો, બેવકૂફ હતો. જેટલી ગાળો તારા શબ્દકોશમાં હોય એ ઠાલવી દેવાની. પેલાને બીજું વિચારવાનું હતું જ નહિ, ગુરુ કહે એમ કરવાનું. સવારથી સાંજ સુધી એ પ્રોગ્રામ કર્યો. ગાળો આપવાનો… સાંજે આવ્યો બુદ્ધ ભગવાન પાસે, સાહેબ! આપે કહેલું કામ પૂરું કર્યું. ત્યારે ગુરુ એને પૂછે છે કે તે ગઈ કાલે પ્રશંસા કરી, બધાની, આજે બધાની નિંદા કરી. એ લોકોને શું feeling થઇ હશે..? જે કબરમાં પોઢી ગયા છે એમની feeling શું હશે…? કે સાહેબ એમની feeling શું હોય?! એ તો મરેલા છે… ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું, મારી પાસે તારે દીક્ષા લેવી હોય તો સંસારનું મૃત્યુ જોઇશે.

પ્રશંસા કોઈ કરે અને ફુલાઈ જવું, કોઈ નિંદા કરે અને mood less થવું… આ જો તારી ધારા હોય, તો તારા માટે સંન્યાસ નથી. સંન્યાસ એના માટે છે જે સંસારમાં મરેલો છે. Dead છે. જેને સંસાર ગમતો નથી. એ જ સંન્યાસી થવા માટે લાયક છે. તો ઉદાસીનદશા આ છે. કશું જ પ્રિય નથી. કશું જ અપ્રિય નથી. ઘટનાઓ plain ઘટના છે. પદાર્થ કોઈ પણ સારો નથી. કે ખરાબ નથી. એ પદાર્થ, પદાર્થ છે.

તમને જે ચા tasty લાગે, એ બીજાને tasty ન પણ લાગે. એટલે ચા સારી તમે કહો છો. બીજો કહે છે, આ ચા પીવાય જ નહિ. આટલી કડક કડવી… કડવી… એક પણ પદાર્થ સારો નથી, ખરાબ નથી. સારા અને ખરાબનું સ્ટીકર અનાદિની સંજ્ઞાથી ગ્રસ્ત થયેલું તમારું મન લગાવે છે. આ સારું, આ ખરાબ. એ જ રીતે દરેક વ્યક્તિ સિદ્ધનો સાધર્મિક છે. દરેક વ્યક્તિ સિદ્ધનો સાધર્મિક છે. એટલે અનંત ગુણોથી યુક્ત છે.

પછી તમે એ મનુષ્યોમાં, પ્રાણીઓમાં વિભાજન કરો, આ સારા આ ખોટા… તો એ શું થયું… તમે ઘટના પ્રભાવિત બન્યા. કોઈએ કહ્યું તમે સારા… તો તમને એ માણસ સારો લાગે. કોઈ કહે તમે ખરાબ છો એ માણસ તમને ખરાબ લાગે. એ માણસ સારો જ છે. તકલીફ ક્યાં છે ખબર છે…? મારા ચશ્માના ગ્લાસમાં સ્પોટ્સ હોય, ડાઘ હોય… તો મને તમારા દરેકના કપડા ઉપર ડાઘ દેખાશે. પણ મને ખ્યાલ છે કે આ ડાઘ મારા ચશ્માના ગ્લાસમાં છે. એટલે મારે શું કરવાનું… મારા ગ્લાસને સાફ કરવાનો. એમ દરેક વ્યક્તિ અનંતગુણોથી યુક્ત છે. તમને એ ક્રોધી દેખાય છે. તમને એ અહંકારી દેખાય છે. એનું કારણ શું…? તમારા visionની ખામી.

પ્રભુ શાસનમાં જે પણ સાધક આવે, એનું vision બદલાઈ જ જાય. સમ્યગ્દર્શન એટલે શું? પદાર્થ કે વ્યક્તિ એનું સાચું દર્શન. દીક્ષા પછી અમારે સૌથી પહેલા દશવૈકાલિક સૂત્ર ભણવાનું હોય છે. એના ચોથા અધ્યયનમાં ગુરુ એક આશીર્વાદ આપે છે. “सव्वभूयप्पभूयस्स” તું સર્વ પ્રાણીઓનો મિત્ર બની જા.

ગુરુ કહે છે કે પ્રભુની અપેક્ષા એટલી જ છે કે તું બધા પ્રાણીઓનો મિત્ર બની જા. શિષ્ય હમણાં જ તો સંસાર છોડીને આવ્યો છે, એ પૂછે છે કે ગુરુદેવ! બધાના મિત્ર શી રીતે થવાય..? કારણ કે બે બાજુ છાવણીમાં વહેંચી નાંખ્યા છે આ શત્રુ ને આ મિત્ર… બધાને મિત્ર કેમ બનાવવા…! ત્યારે ગુરુએ શું કહ્યું… “सम्मं भूयाइं पासओ” તું સમ્યગ્ રીતે બધા પ્રાણીઓને જો. અત્યારે સુધી આપણું vision ગરબડિયું હતું. આપણો અહંકાર કેન્દ્રમાં હતો. એથી અહંકારને જ્યાં સારું લાગ્યું તે વ્યક્તિત્વોને આપણે સારા કહ્યા. અહંકારને ખરાબ લાગ્યું એ વ્યક્તિત્વોને આપણે ખરાબ કહ્યા. એટલે આપણું vision સાચું નહોતું. કારણ કે અહંકાર યુક્ત આપણી આંખો હતી. હવે શું કરવાનું? “सम्मं भूयाइं पासओ” સમ્યગ્ રીતે બધા પ્રાણીઓને જોવાના. તો દરેક વ્યક્તિ સિદ્ધનો સાધર્મિક છે.

એકવાર પ્રવચનમાં મેં પૂછેલું… કે શ્રીપાળરાસમાં એક ઘટના આવે છે. રાજાનો કર ધવલશેઠે ભર્યો નહિ પૂરો… પકડાઈ ગયા. તો રાજકર્મચારીઓ ધવલશેઠને પકડીને જેલમાં લઇ જવા જઈ રહ્યા છે. શ્રીપાળની નજર પડી… શ્રીપાળ તો ત્યાં ઠાઠમાઠથી બેસી ગયા છે. બહુ મોટો પ્રભાવ છે ત્યાં એમનો… શ્રીપાળે કહ્યું અરે! છોડી દો એમને! આ તો મારા ઉપકારી છે. છૂટી ગયા. તો સવાલ એ છે કે ધવલ શેઠે શ્રીપાળ ઉપર શું ઉપકાર કર્યો…? લોકો એક જ વાત કહે – એમના વહાણમાં બેસીને ગયા હતા.. ok એ વાત accepted. તમારી વાત સ્વીકારી લીધી. બીજો કોઈ ઉપકાર ખરો…? શ્રીપાળજી મનમાં હતું… કે આ જીવનમાં સમ્યગ્દર્શન મને મળવું જ જોઈએ.

સદ્ગુરુનો સમાગમ થયો અને પછી નક્કી કરે છે કે સમ્યગ્દર્શન આ જન્મમાં મળવું જ જોઈએ. પણ સમ્યગ્દર્શનની નજીક પણ હું છું કે કેમ? જ્ઞાની ગુરુ સિવાય કોઈને ખ્યાલ આવે નહિ. પણ તમે સમ્યગ્દર્શન પામેલા હોવ તો તમારો સમભાવ પ્રગાઢ હોય. તમે એકદમ સમભાવમાં હોવ, કોઈ તમને ગાળોનો વરસાદ વરસાવી દે… તમે એકદમ પ્રેમથી સાંભળતા હોવ. આવો સમભાવ હોય તો માની શકાય કે યા તો સમ્યગ્દર્શનની નજીક છીએ. યા તો સમ્યગ્દર્શન મળેલું છે. પણ મારામાં સમભાવ છે કે નહિ… એ મને શું ખબર પડે… કારણ કે શ્રીપાળજી નું પુણ્ય પ્રભાવ એવો… અજાણ્યા ગામમાં જાય રાજાના જમાઈ થઈને બેસી જાય. બધા પ્રશંસા કરતા હોય, બધા એમની વાહ વાહ કરતા હોય… ત્યારે સમભાવ છે કે નહિ એની પરિક્ષા કેમ કરવી….?!

એ પરિક્ષા ધવલશેઠે કરી, રાતના દરિયામાં ફેંક્યા, વિમલવાહન આવી ગયા. સામે કાંઠે પહોંચી પણ ગયા. બાજુમાં જે રાજ્ય હતું એ રાજ્યમાં રાજાના બહુ જ મોટા અધિકારી તરીકે સ્થાપિત થઇ ગયા. અને ધવલશેઠ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. બંદરમાં વેપાર કરવો હોય તો રાજાની અનુજ્ઞા લેવી પડે. ધવલશેઠ રાજસભામાં આવ્યા. રાજાને તો જોયા, બાજુમાં જ શ્રીપાળજીને જોયા. ઠાઠમાઠથી… અને ધવલશેઠના પેટમાં તેલ રેડાયું. આ, આ ક્યાંથી આવી ગયો અહીંયા…!? પણ એ વખતે ધવલશેઠને જોતા સહેજ પણ લલાસ નો ટીસ્યો શ્રીપાળ મહારાજાના હૃદયમાં ફૂટ્યો નથી. અને એથી એમને માન્યું કે આ મારા ગુરુ છે. મારામાં સમભાવ છે એની પરીક્ષા કોણે કરી….? ધવલશેઠે કરી. તો ધવલશેઠ મારા ગુરુ. અને ગુરુ તો ઉપકારી જ હોય.

તમારે કેટલા ગુરુ? બોલો… જેટલા તમને કડવા વચનો કહે એ બધા તમારા ગુરુ, બરોબર ને… પણ એ વખતે તમારો સમભાવ બરોબર રહે તો… કે મારામાં સમભાવ છે એની પરિક્ષા આમને કરી.

તો છ વિશેષણો સદ્ગુરુ ચેતનાના બતાવ્યા છે. પહેલું વિશેષણ – આગમધર ગુરુ, અને બીજું છે સમકિતી. એ સમ્યગ્દર્શન એટલે શું…. એ પણ કાલે જોઈશું… સમ્યગ્દર્શનના પદના દિવસે પણ જોઈશું. અને ગુરુ તત્વના બીજા વિશેષણો જે છે, એ કયા છે, કેવી રીતે ખુલે છે, એ આગળ જોઈશું.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *