Shree Navpad Shashvati Oli 2024 – Siddha Pad

41 Views 13 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : મોહનીયનો ક્ષયોપશમ

પ્રભુના ગુણોને સમજવા છે અને અનુભવવા પણ છે. પ્રભુનો કોઈ એક ગુણ પણ જો આપણે આંશિક રીતે અનુભવીએ, તો માની શકાય કે ઓળીજીની આરાધના આપણી સાર્થક થઇ.

ઉદાસીનતા ગુણ એટલે શું – એનો જો તમને ખ્યાલ જ નથી, તો પરમાત્માની ઉદાસીનદશાને તમે કેવી રીતે જોશો? પ્રભુના ગુણોને સમજવા માટે પ્રજ્ઞા જોઈશે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ પ્રજ્ઞાને લાવે. ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ અનુભૂતિને લાવે.

દર્શનમોહનીયનો ક્ષયોપશમ પ્રભુની એક-એક આજ્ઞા પ્રત્યેના તીવ્ર આદરથી થાય છે અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રભુઆજ્ઞાના શક્ય એટલા પાલન દ્વારા અને પ્રભુઆજ્ઞાના પાલકો પ્રત્યેના આદરથી થાય છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૩

શાશ્વતી ઓળીજીના બીજા દિવસે સિદ્ધપદની આરાધના. ગઈ કાલે અરિહંત પદની આરાધના કરેલી. પૂજ્યપાદ પદ્મવિજય મ.સા. એ નવપદ પૂજા શરૂ કરી. શરૂઆતમાં જ એમને કહ્યું કે પ્રભુના ગુણ ગાવા એ મારી શક્તિની બહારની વસ્તુ છે. બહુ જ પ્યારા શબ્દો નવપદ પૂજાના છે. “જિન ગુણ અનંત અનંત છે, વાચ ક્રમ મિત દિહ બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કેમ કહું એકણ જીહાકા”

પહેલા ચરણમાં કહે છે “જિનગુણ અનંત અનંત છે”, પ્રભુના ગુણો અનંત છે એમ ન કહ્યું.. અનંત અનંત… એ અનંત ગુણોને શબ્દોમાં શી રીતે સમાવેશ કરવો… વાચ ક્રમ મિત દિહ – બીજા ક્રમમાં કહ્યું. શબ્દો ક્રમ પૂર્વક નીકળવાના છે… મુખમાંથી… એકસાથે ૨ – ૫ – ૧૦ શબ્દો નીકળી શકતા નથી. વાચ ક્રમ – શબ્દોનો ક્રમ છે એક પછી એક નીકળશે. મિત દિહ… મારા આયુષ્યના દિવસો નક્કી થયેલા છે. ત્રીજા ચરણમાં બહુ સરસ વાત કરી, આ તો ઠીક છે એને પહોંચી વળાય પણ “બુદ્ધિ રહિત, શક્તિ વિકલ…” પદ્મવિજય મ.સા. પોતાના માટે કહે છે મારી પાસે એવી પ્રજ્ઞા નથી કે પ્રભુના ગુણોને હું સમજી શકું, અને એને વર્ણવી શકું. શબ્દોને ક્રમ છે, એ પણ સમજ્યા. દિવસો નક્કી છે આયુષ્યના, એ પણ સમજ્યા. પણ આનું શું કરવું… બુદ્ધિ રહિત … પ્રભુના ગુણને સમજવા માટે પ્રજ્ઞા જોઇશે. અનુભવવા માટે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ જોઇશે. અને એ અનુભૂતિ થયા પછી તમે એ ગુણની વાત કરો તો બરોબર…

ઉદાસીનતા એટલે શું એનો તમને ખ્યાલ જ નથી; તો પરમાત્માની ઉદાસીનદશાને તમે કઈ રીતે જોશો?! તો ૨ વાત થઇ… દર્શનમોહનીય ક્ષયોપશમ પ્રજ્ઞાને લાવે. અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ અનુભૂતિને લાવે. હવે સવાલ એ રહે.. કે ચાલો મારે પણ પ્રભુના ગુણોને જોવા પણ છે. અનુભવવા પણ છે. અને એ પ્રભુના ગુણોની આંશિક અનુભૂતિ ન થાય તો અરિહંત પદની આરાધના શી રીતે થઇ કહેવાય. દિવાળી આવી, મીઠાઈના box ઘરમાં આવ્યા, પણ તમારે ડાયાબીતીસ છે. એ મીઠાઈ તમારે ખાવાની જ નથી. તમે કહેશો… ગમે એટલા મીઠાઈના box આવે.. મારા માટે શું…!? એમ પ્રભુનો એક ગુણ પણ આંશિક રૂપે પણ અનુભવાય તો આપણે માનીએ કે ઓળીજીની આરાધના આપણી સાર્થક થઇ.

તો દર્શનમોહનીયના ક્ષયોપશમથી પ્રભુના ગુણોને આપણે જોઈ શકીએ. દેરાસરે રોજ જઈએ છે… મુનિસુવ્રત દાદાને રોજ જોઈએ છીએ. પણ એમના ચહેરા ઉપર, એમના મુખ ઉપર જે ઉદાસીનદશા છે એ જોઈ…? તમે હીરાનો હાર મુક્યો, રત્નજડિત મુગટ પહેરાવ્યો. ભગવાનનો ચહેરો સહેજ બદલવાનો ખરો ..? તમે તમારી ભક્તિ માટે ગમે તેટલું કરો… પ્રભુ પોતે, પોતાની પરમ ઉદાસીનદશામાં છે. તો એ ઉદાસીનદશાનો, એ આનંદનો, એ વિતરાગદશાનો પણ થવું  દર્શન પણ થવું જોઈએ અને એનો અનુભવ પણ થવો જોઈએ. તો દર્શન માટે દર્શનમોહનીય નો ક્ષયોપશમ. અનુભૂતિ માટે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ.

હવે સવાલ થાય કે દર્શન મોહનીયના ક્ષયોપશમ માટે શું કરવું? પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર. એ દર્શનમોહનીય ના ક્ષયોપશમને તીવ્રતાથી ખોલી આપે. પ્રભુની એક – એક આજ્ઞા પર તીવ્ર આદર. ક્યારેક બની શકે.. તમારી બુદ્ધિથી તમે એને સમજી ન પણ શકો. પણ તમારે સ્પષ્ટ કહેવાનું કે પ્રભુની આજ્ઞા છે એટલે મારા માટે એનો સ્વીકાર જ છે. શરીરના સ્તરે ભલે હું સ્વીકારી ન શકું, મનના સ્તરે તો માત્ર અને માત્ર સ્વીકાર જ છે. તો પ્રભુની એક – એક આજ્ઞા પ્રત્યે આદર. તીવ્ર આદર. પ્રવચન સાંભળો… પ્રભુની એક – એક આજ્ઞાની વાત આવે તમારી આંખો ભીંજાય. ઓહોહો મારા ભગવાને personal for me કેટલી આજ્ઞાઓ આપી છે!

સમવસરણમાં બેઠેલા પ્રભુ એ કેટલી બધી વાતો કરી. અને છેલ્લે તો પ્રભુ ૨૪ કલાક નહિ પણ ૪૮ કલાક સુધી non – stop બોલ્યા! એ પ્રભુની કરૂણાનો ખ્યાલ આવ્યો…? આપણે પ્રભુની એ દેશનાને, અને અંતિમ દેશનાને આપણા તરફની કરૂણાના રૂપમાં લેવાની છે. કેવી મારા પ્રભુની કૃપા, કેવો એમનો મારા પરનો પ્રેમ. કે બાપ જેમ દીકરાને છેલ્લી વખતે બધી ભલામણ કરે એ રીતે મારા પ્રભુએ ૪૮ કલાક સુધી non – stop મારા માટે બધી વાતો કરી. પણ આપણા તરફ એ દેશના કરૂણા ના રૂપમાં ખુલે છે; પ્રભુ ની તરફ માત્ર સ્વસ્થિતિ છે. ભાષાવર્ગણા પુદ્ગલો એટલા ખપાવવાના બાકી હતા, એ ખપાવી દીધા.

તો પ્રભુની એક – એક આજ્ઞા ઉપર આદર એ શું કરે..? દર્શનમોહનીય ક્ષયોપશમ કરે. અને પ્રભુની આજ્ઞાનું પાલન, અને પ્રભુની આજ્ઞા ના પાલકો પ્રત્યેનો આદર એ બંને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કરે. શક્ય એટલી પ્રભુની આજ્ઞાનું પાલન. અને એની સાથે પ્રભુની આજ્ઞાના જેટલા પાલકો છે, એમના પ્રત્યે આદર – બહુમાન. અઘરામાં અઘરું આ છે. પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર સહેલો… પ્રભુની આજ્ઞાનું શક્ય પાલન પણ સહેલું, પણ પ્રભુની આજ્ઞાના જેટલા પણ પાલકો છે, એમના પ્રત્યે બહુમાન બહુ અઘરું છે. એટલે જ પંચસૂત્રમાં કહ્યું,”હોઉં મેં એસા અણુમોઅણા, જિણાણં મણુભાવઓ…”ધર્મ કરવો કદાચ સહેલો… ધર્મ કરાવવો પણ સહેલો, ઉપધાન કરાવવું, સંઘ કઢાવવો, પણ બીજાના ધર્મની અનુમોદના કરવી એ અઘરી છે. અને એટલે જ પંચસૂત્રમાં કહ્યું મને અનુમોદના ધર્મ મળો, પ્રભુની કૃપાથી… મારી શક્તિ નથી કે હું અનુમોદના કરી શકું… કારણ અહંકાર અને અનુમોદના સામ – સામે છે.

અહંકાર એવો બેઠેલો છે કે હું સારો, મને સારોકહે, એટલા સારા… મને જે ખરાબ માને, એ બધા ખરાબ. એટલે તમારા કૃત્યોની તમે અનુમોદના કરી શકો… તમારા અહંકારને પંપાળે છે, એવા લોકોના કૃત્યોની પણ તમે અનુમોદના કરી શકો. પણ તમારા અહંકારને જે લોકો ખોતરે છે, એમના સારા કૃત્યોની અનુમોદના તમે કરી શકશો? ત્યાં પ્રભુનો ધર્મ દેખાતો નથી, એ વ્યક્તિ દેખાય છે. જો પ્રભુનો ધર્મ બધે જ દેખાય તો બધે  અનુમોદના થાય. રત્ન, રત્ન જ છે. પછી રોડ ઉપર પડેલું હોય તો ય રત્ન. ઉકરડામાં પડેલું હોય તો રત્ન નહિ એવું ખરૂ…?

તો ઉદારતા, નિર્મલતા,  આ ગુણો જેનામાં હોય એની તમે અનુમોદના કરો. પહેલી વાત તો એ છે કે કોઈ પણ સાધક માટે સારું અને ખરાબ આ બે ખાના હોઈ શકે જ નહિ. પ્રભુનો સાધક એ જ છે, જે માને કે બધા જ સારા જ છે. ખરાબ હોય તો માત્ર એક હું છું. જ્યાં સુધી આ માન્યતા દ્રઢ થાય નહિ ત્યાં સુધી નિશ્ચયના સ્તર પર પ્રભુશાસનમાં પ્રવેશ મળે નહિ. પહેલી દ્રષ્ટિ જ ન આવી તો પાંચમી ક્યાંથી આવે….! એટલે વ્યવહાર ધર્મ આપણો બહુ જ સારો છે. કોઈ પણ વ્યક્તિ આ વ્યવહાર ધર્મની ટીકા કરે તો એને સાંભળતા નહિ ક્યારેય… વ્યવહાર ધર્મ આપણો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પણ એ વ્યવહાર ધર્મ આપણા માટે સફળ ક્યારે બને..?

જેમ દૂધપાક સારો જ છે, પણ તમારું પેટ બરોબર ન હોય તો દૂધપાક બરોબર નથી, તમારા માટે… એમ તમારા માટે આ સફળ ક્યારે બની શકે… કે જ્યારે તમારા હૃદયની અંદર મૈત્રીભાવ પુરેપુરો વ્યાપી ગયેલો હોય. તો ધર્મ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. આ વ્યવહાર ધર્મ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. પણ એ વ્યવહાર ધર્મ નિશ્ચય ધર્મ સુધી ક્યારે લઇ જાય આપણને…? બધા પ્રત્યેનો મૈત્રીભાવ આવ્યો ત્યારે… એટલે વ્યવહાર ધર્મને કોઈ પણ ખરાબ કહે, તરત દલીલ કરજો… દલીલ કરતાં ન ફાવે તો ઉઠી જજો. પણ એને સાંભળતા નહિ. વ્યવહાર ધર્મ શ્રેષ્ઠ જ છે.

એકવાર મારો એક પરિચિત ભક્ત. એક વક્તાના પ્રવચનમાં ગયેલો… નિશ્ચયની વાતો હતી. પણ નિશ્ચયાભાસની વાતો હતી. નિશ્ચય પણ વ્યવહારને સાથે ન રાખે તો નિશ્ચયાભાસ બને. તો એ વક્તાએ કહ્યું કે મૂર્તિ પણ જે છે એ નકામી છે. પૂજા પણ નકામી છે, બાહ્ય ધર્મથી કંઈ મળે જ નહિ. કેટલા વર્ષોથી બાહ્ય ધર્મ કર્યો… અને આપણા આ કાચા – પોચા શ્રોતાઓ હોય ને એમને થઇ જાય… આટલા સામાયિક કર્યા, આટલી પૂજા કરી, કંઈ મળ્યું તો નથી. સામાયિકથી મળે જ.. પૂજાથી તમને કંઈક મળે જ, પણ એ સામાયિક પ્રભુએ કહ્યું છે એ રીતે કરવું જોઈએ. તો પેલો મારો ભક્ત ઉભો થયો… એને પંડિતજી ને કહ્યું પંડિતજી! આ નિમિત્તો બધા નકામા છે એમ તમે કહો છો. ભગવાનની મૂર્તિ નિમિત્ત છે, પૂજા નિમિત્ત છે, નિમિત્ત નકામું છે, તો તમારા શબ્દો શું છે? નિમિત્ત જ છે ને… ચાલો તમારા શબ્દોને છોડીને હું જાઉં છું. તો વ્યવહાર ધર્મ શ્રેષ્ઠ છે પણ આપણા માટે સફળ ક્યારે. જ્યારે આપણને એ નિશ્ચય સાથે જોડી આપે.

તો પ્રભુનો ધર્મ ગમે, પ્રભુની આજ્ઞા ગમે, એનું પાલન પણ ગમે… અને એ આજ્ઞાના પાલકો ન ગમે, આ કઈ બુદ્ધિની વાત થઇ?! તો ખરેખર આજ્ઞા ગમી છે…? આજ્ઞાના પાલકો ગમતા નથી બધા… અનુકુળ હોય એ ગમે છે. પ્રતિકૂળ હોય એ ગમતા નથી. તો આજ્ઞાના પાલકો તમને ગમતાં નથી, તો આજ્ઞા તમને ગમે છે…? આજ્ઞા ગમતી હોય; આજ્ઞાના પાલકો ગમે જ.

તો દર્શનમોહનીયનો ક્ષયોપશમ પ્રભુની એક – એક આજ્ઞા પ્રત્યેના આદરથી થાય. અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રભુ આજ્ઞાના શક્ય પાલન અને પ્રભુ આજ્ઞાના પાલકો પ્રત્યેના બહુમાનથી થાય.

તો “બુદ્ધિ રહિત શક્તિ વિકલ” આ ૨ શબ્દો આપ્યા. મારી દ્રષ્ટિએ આ ખરેખર સાધકની સજ્જતા છે. તમે ખરેખર સાધક છો એવું ક્યારે મનાય… જ્યારે તમારામાં આ બે વિશેષણો આવે. બુદ્ધિ રહિતતા, અને શક્તિ વિકલતા. તમે એકદમ હથિયારને નીચે મૂકી દો. સમર્પિત થઇ જાવ… સદ્ગુરુના ચરણોમાં… કે ગુરુદેવ મારી પાસે એવી બુદ્ધિ નથી કે પ્રભુની આજ્ઞાને હું સમજી શકું. પ્રભુની આજ્ઞા છે ને એને એદંપર્ય સુધી જઈને સમજવાની હોય છે. એટલે સામાન્યતયા આજ્ઞાનો અર્થ તમારા ખ્યાલમાં આવી ગયો. પણ એનું હાર્દ તો ગીતાર્થ ભગવંતો જ જાણતા હોય છે. એટલે તમે તમારી બુદ્ધિ ઉપર વિશ્વાસ ન રાખો અને સદ્ગુરુના ચરણોમાં ઢળી જાવ; તો માર્ગ ખુલ્લો થઇ જાય. પણ હું બુદ્ધિવાળો છું આ વાત મનમાંથી જવી જોઈએ.

ઉપાધ્યાયજી ભગવંત જેવા લખે, હરિભદ્રાચાર્ય જેવા લખે. કે અમારા જેવા અજ્ઞાનીઓ માટે આ પ્રભુના શાસ્ત્રો આલંબન રૂપ છે. “અસ્માદ્ દૃશામ ચરણ કારણ…. “ ઉપાધ્યાયજી ભગવંત લખે છે અમારા જેવા માટે, પ્રમાદી, ચરણ કરણથી હીન, એવા વ્યક્તિત્વો માટે આ પ્રભુના શાસ્ત્રો, પ્રભુની આજ્ઞાઓ આલંબન છે.

પણ એ આજ્ઞા સમજાય શી રીતે… બુદ્ધિથી નહિ. બુદ્ધિને બાજુમાં મૂકી દો… ગુરુના ચરણોમાં ઢળી જાવ… ગુરુ તમને જે કહે એ અર્થ. બીજું શક્તિ વિકલ.. પ્રભુની આજ્ઞાનું પાલન કરવું છે. શક્તિ ક્યાં છે… પ્રભુની આજ્ઞાના માર્ગ ઉપર properly અને perfectly જવું હોય તો અહીં પણ એ જ વાત છે. કે તમારી શક્તિ પરનો વિશ્વાસ તમારો ખતમ થયેલો હોવો જોઈએ. હું કંઈક કરી શકુ…. એ વાત મનમાંથી નીકળી જવી જોઈએ. પ્રભુ જ બધું કરાવે… હું કાંઈ જ કરી શકું એમ નથી. સાધના જગતમાં એક સાવરણી ની સળી તોડવાનું કામ પણ હું કરી શકું એમ નહિ. તો બુદ્ધિ રહિત અને શક્તિ રહિત તમારે બનવાનું છે.

“કેમ કહું એકણ જીહાકા” એક જીભથી આ વર્ણન હું શી રીતે કરું..? પણ એક જ કડીની અંદર પોતાની અશક્તિ દેખાડીને ભક્ત માત્ર પ્રભુ અને ગુરુ ઉપર સંપૂર્ણ તયા સમર્પિત હોય એ બતાવી દીધું. ભક્ત કોણ…? જે સમર્પિત છે. જે કહે છે કે હું પોતે શું વિચારી શકું..! જે કહે છે કે હું શું કરી શકું….! ન વિચારવાનું છે, ન કરવાનું છે. સદ્ગુરુઓ અસંખ્ય ગ્રંથોને ભણે અને એનો અર્ક તમને આપી દે. સાર તમને આપી દે. સદ્ગુરુએ દાયિકાઓની ચારિત્રપાલના થી જે શક્તિ મળેલી હોય, એ તમને આપી દે.

શક્તિપાત…. પણ શક્તિપાત ક્યારે થાય… હું કંઈ કરી શકું નહિ… ગુરુદેવ આપ જ કરાવો… આ ભૂમિકા આવે ત્યારે…

તો સાધનાનું હાર્દ આ છે. સમર્પણ. ન બુદ્ધિથી કામ થાય, ન મારા કરવાથી કંઈ થાય, સમર્પણથી જ બધું થઇ શકે.

એ સમર્પણ તમને બધાને મળો..

આશીર્વાદ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *