Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 53

702 Views 25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુ વીરની અંતરંગ સાધનાકથા

પરમતારક દેવાધિદેવ પ્રભુ મહાવીર સ્વામીની અંતરંગ સાધનાકથા દિક્ષાના બે વર્ષ પહેલાથી શરૂ થાય છે. ભાઈના આગ્રહથી પ્રભુ બે વર્ષ માટે સંસારમાં રહ્યા, ત્યારે ગૃહસ્થપણામાં પ્રભુએ ત્રણ સાધના ઘૂંટી: એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિનો અભ્યાસ અને જ્ઞાતાદ્રષ્ટાભાવ.

પુદ્ગલોના બધા જ વળગણોથી દૂર એવું શુદ્ધ સ્વરૂપ મારું છે – આ એક્ત્વાનુભૂતિને પ્રભુએ બે વર્ષમાં સુદ્રઢ કરી.

એકાંત અને એક્ત્વાનુભૂતિ – આ કારણ–કાર્યમાં આવેલા શબ્દો છે. એક્ત્વાનુભૂતિ માટે એકાંત બહુ જ જરૂરી છે. એગો મે સાસઓ અપ્પા. અનંત જન્મોથી હું એકલો જ આવ્યો છું; એકલો જ ગયો છું. મિલન દર જન્મમાં થાય છે અને એ મિલન વિયોગમાં જ પલટાય છે. શાશ્વતીના લયની કોઈ વસ્તુ હોય, તો એ હું પોતે છું.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૫૩

પરમતારક દેવાધિદેવ પ્રભુ મહાવીર સ્વામીની અંતરંગ સાધના કથા આજથી આપણે શરૂ કરીએ છીએ. પ્રભુની સાધના કથા દિક્ષાના ૨ વર્ષ પહેલાથી ચાલુ થાય છે. ભાઈના આગ્રહથી ૨ વર્ષ પ્રભુને સંસારમાં રહેવું પડ્યું. ત્યારે પ્રભુ શી રીતે રહેલા એના વર્ણનથી સાધના કથા શરૂ થાય છે.

સૂત્ર છે – एग तिगच्छे विहितच्चे अभिन्नाय दँसणे संते। ગ્રહસ્થપણામાં પ્રભુએ ૨ વર્ષ જે સાધના ઘૂંટી એ ૩ સાધના હતી. એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિનો અભ્યાસ અને જ્ઞાતાદ્રષ્ટાભાવ. પહેલી સાધના પ્રભુની હતી – એક્ત્વાનુભૂતિ. પુદ્ગલોના બધા જ વળગણોથી દૂર શુદ્ધ સ્વરૂપ મારું છે. આ એક્ત્વાનુભૂતિને પ્રભુએ ૨ વર્ષમાં સુદ્રઢ કરી. એકાંત અને એક્ત્વાનુભૂતિ આ કારણ – કાર્યમાં આવેલા શબ્દો છે. એક્ત્વાનુભૂતિ માટે એકાંત બહુ જ જરૂરી છે.

ગુજરાતમાં નડિયાદમાં એક મૌન મંદિર છે. આજે તમે registration કરાવો ૬ મહીને, ૮ મહીને કે ૧૨ મહીને તમારો નંબર લાગે. ત્યાં તમે અઠવાડિયું કે ૧૦ દિવસ તમે રોકવાના હોવ તો તમારી સાધના કેટલી ઉંચકાય, બહુ જ મજાની રીતે ઉચકાય. એક સાધક મને મળેલો. એ મૌન મંદિરમાં જઈને આવેલા. મેં પૂછ્યું કે ત્યાં શું વ્યવસ્થા હતી? ત્યારે એમણે કહ્યું સાહેબ! હું ત્યાં ગયો. મને રૂમ ફાળવવામાં આવી. હું રૂમમાં અંદર ગયો બહારથી તાળું લાગી ગયું. દસ દિવસ સુધી એ તાળું ખૂલવાનું નહોતું. રૂમની બહાર મારે પગ મુકવાનો નહોતો. રૂમમાં એ.સી. હતું. પંખો હતો. બીજી બધી વ્યવસ્થા હતી. ભોજન આપવા માટે કર્મચારી આવે. વ્યવસ્થા એવી રાખેલી. એક બારી જેને બે બાજુ દરવાજા હતા. વેઈટર બહારની બાજુમાં નાસ્તાની ડીશ અને ચા નો કપ મૂકી દે. એની બાજુની બારી એ બંધ કરે. પછી જ રૂમની અંદરની બારી ખોલે. સાધક ચા – નાસ્તો લઇ લે. ડીશ પાછી ત્યાં મૂકી દે. બારી બંધ કરી દે. એની બારી બંધ થાય તો જ સામી બાજુ બારી ખુલે. પછી વેઈટર લઇ જાય બધું…. એક પણ માણસનું મોઢું જોવાનું નથી. નથી મોબાઈલ, નહિ રેડિયો, નથી ટી.વી.

હવે શું થયું એ વાત એમણે કરી. કે શરૂઆતમાં એક કે બે દિવસ વિકલ્પો ચાલ્યા. નજીકમાં જે ઘટનાઓ ઘટેલી હોય. એના ઉપર વિચાર કર્યા. પણ બે, ચાર, પાંચ ઘટનાઓ હતી વિચાર કરી – કરીને કેટલો કરું… તમારી વિચારોની ફેક્ટરી કેમ ચાલે છે… કે રોજ નવી ઘટનાઓ બનતી જાય છે. અને ઘટનાનો ખોરાક તમારા વિકલ્પોને મળતો રહે છે. હવે કોઈ ઘટના ઘટવાની નથી. એ વ્યક્તિ અંદર છે. નથી કોઈને મળવાનું, નથી કોઈને અડવાનું, માણસનો પડછાયો પણ એને લેવાનો નથી. બે દિવસ વિકલ્પો ચાલ્યા, પણ ધીરે ધીરે વિકલ્પો શાંત થઇ ગયા. એ સાધકે મને કહ્યું ચોથા અને પાંચમાં દિવસે મારું mind totally blank હતું. કોઈ જ વિચાર નહિ.

અને પછી એમણે કહ્યું ચોથા દિવસથી દસમાં દિવસ સુધી જે આનંદ માણ્યો છે ક્યારે પણ ન માણ્યો હોય એવો. તમારો આનંદ તમારી ભીતર છે. તમારા આનંદને તમે કેમ માણી શકતા નથી. વિકલ્પો વચ્ચે આવી જાય છે. પણ વિકલ્પો હોય જ નહિ તો તમારા આનંદના ઝરણાને કાંઠે તમે બેસી રહો અને મજાની ઠંડકને માણ્યા કરો. તો પ્રભુની પહેલી સાધના આ હતી एगत्ति गते – એક્ત્વાનુભૂતિ.

પૌષધ કરો તમે, સંથારાપોરિસી ના સૂત્રોમાં તમે બોલો ‘એગોSહં નત્થિ મે કોઈ  એ ‘એગોSહં નત્થિ મે કોઈ’ – અને ‘એગો મે સાસઓ અપ્પા’ આ બે સૂત્રો ધ્યાનની ઉંડાઈમાં જવાના સૂત્રો છે. એટલે સંથારાપોરિસી ભણાવી તરત સૂઈ નહિ જવાનું. એ પછી તરત ધ્યાનમાં જવાનું. એગો મે સાસઓ અપ્પા અનંત જન્મથી હું એકલો જ આવ્યો છું એકલો જ ગયો છું. મિલન દર જન્મમાં થાય છે. અને મિલન વિયોગમાં પલટાય છે. પણ શાશ્વતીના લયની કોઈ વસ્તુ હોય તો એ હું પોતે છું. આ એગો મે સાસઓ અપ્પા બહુ જ મજાનું ધ્યાન સૂત્ર. ધ્યાન કરો છો… સંથારાપોરિસી ભણાવ્યા પછી ધ્યાન કરવાનું. પ્રભુની સાધનામાં આપણે આગળ જોઈશું સાડા બાર વર્ષ સુધી પ્રભુએ શું કર્યું… વિહાર કર્યો… ક્યારેક પારણું કર્યું… એ સિવાયનો સંપૂર્ણ સમય પ્રભુનો ધ્યાનમાં ગયો છે. કોઈ પણ જગ્યાએ ગયા, વૃક્ષની નીચે ઉભા રહ્યા, કાર્યોત્સર્ગ ધ્યાન શરૂ.

આપણા પરમાત્માએ સાડા બાર વર્ષ ધ્યાન કર્યું તમે સાડી બાર મિનિટ ધ્યાન કરશો રોજ. કેટલું discount … માત્ર રોજની સાડા બાર મિનિટ. તૈયાર… તો રાતની નિરવ શાંતિમાં તમે તમારી જાત જોડે એકલા બેસો. જ્યાં સુધી વળગણોની અસરોમાં છો… ત્યાં સુધી એક્ત્વાનુભૂતિ નહિ થાય.

Hermann Hesse હમણાં જ થયા. બહુ મોટા લેખક. એમની Siddhartha નવલકથા વિશ્વની best seller પુસ્તક છે. કેટલીય ભાષામાં એના અનુવાદ થયા છે. Hermann Hesse ૬૫ વર્ષના થયા. ત્યારે એમને થયું કે મેં બીજાઓ માટે તો બહુ જ કામ કર્યું. મારા માટે શું કર્યું… શું આ જીવન બીજાઓ માટે જ છે… સરેરાશ માણસ કઈ રીતે જીવે… ૨૨ – ૨૫ વર્ષ સુધી અભ્યાસ કરે… પછી એનું લગ્ન થાય, પછી એક કે બે સંતાન હોય, એ સંતાનને ઉછેરવા, એમને ભણાવવા એમાં ૫૦ – ૫૫ એ પહોંચી જાય… અને ૫૫ એ પહોંચે… દીકરાઓ લગ્ન કરીને છુટા પડી જાય. પછી બે જણા ઘરમાં હોય. સામાન્ય માણસ ૫૫ વર્ષ સુધી આ રીતે રહેલો હોય… એ કદાચ એકાંતમાં જાય… કદાચ એના ઘરમાં બે જણા છે એકાંત મળે.. તો પણ અંદર એકાંત સ્થાપિત થતો નથી. બહારનો એકાંત ભીતરના એકાંત ને પુષ્ટ કરે… તો જ બહારનો એકાંત કામનો…

મેં ૩૦ વર્ષ એકાંતને ઘૂંટ્યું પણ એના કારણે મારી ભીતર એકાંત સર્જાઈ ગયું. હવે હું સ્વયં સંપૂર્ણ છું. મારે કોઈ વ્યક્તિની જરૂરિયાત નથી. કોઈ ન આવે ને તો મને બહુ મજા પડે. લોકો વાસક્ષેપ લેવા આવે આપી પણ દઉં, પ્રેમથી આપું પણ કોઈ ન હોય તો ઓર મજા આવે. કારણ ભીતરનો એકાંત પુષ્ટ થઇ ગયો છે.

તો Hermann Hesse ને વિચાર થયો કે ૬૫ વર્ષ મારા પરિવાર માટે, સમાજ માટે મેં ખર્ચ્યા… પણ મારા માટે શું? મેં કંઈ કર્યું જ નથી. કોઈ સાધના ઘૂંટી નથી. ધ્યાન કર્યું નથી. અને પ્રબુદ્ધ લેખક હોવાને કારણે અસંખ્ય પુસ્તકો વાંચેલા ધ્યાનના પુસ્તકો પણ વાંચેલા. એમને ખ્યાલ હતો કે ધ્યાન માટે એકાંત જરૂરી છે. આજે તો એક મોબાઈલ એવી ચીજ છે ને કે તમને ક્યાંય ભીતર ડૂબવા ન દે.

એક ભાઈ વંદન કરવા આવેલો. બે ખમાસમણા દીધા. હવે ઇચ્છકાર બોલવાનો હતો. ત્યાં મોબાઈલ vibrate થયો. સીધું ખાલી નામ જોઈ લીધું કોનો આવ્યો છે… તો Hermann Hesse નક્કી કર્યું કે આ બધું જ છોડીને દૂર – દૂર ચાલ્યા જવું. એક ટાપુ ઉપર, દરિયાના કિનારાને અડોઅડ એક બંગલો ખરીદાઈ ગયો. એ બંગલામાં રાચરચેલું આવી ગયું. આમને તો order જ કરવાનો હતો. Secretary બધું કામ કરે છે. ત્યાં રસોઈયો અને ઘાટી પહોંચી ગયા. બે જ માણસો બીજું કોઈ નહિ. અને એ જ દિવસે Hermann Hesse ત્યાં આવી ગયા. કલાકો સુધી દરિયાકાંઠે બેસે… ગરમી થાય ત્યારે પોતાના બંગલામા બેસે. બંને નોકરોને કહી દીધેલું કે સાહેબની રૂમ સાફ કરવાની હોય તો પણ સાહેબ બહાર ગયા હોય ત્યારે. સાહેબ રૂમમાં હોય ત્યારે કોઈએ પ્રવેશ પણ કરવાનો નહિ. એમણે બહાર એક તકતી લગાવેલી… કે ૬૫ વર્ષ સુધી જે વ્યક્તિએ સમાજસેવા કરેલી છે… એને પોતાના એકાંતમાં રહેવાનો અધિકાર છે. માટે કોઈ પણ વ્યક્તિએ બંગલામાં પ્રવેશ કરવો નહિ.

છ એક મહિના થયા હશે, લેખકને તો જલસો પડી ગયો. તમે તો તીર્થમાં જાઓ તો શું શોધો… એક ભાઈ મને કહે પેલા તીર્થમાં ગયેલો ને બહુ મજા આવી. મેં કીધું શેની મજા આવી બોલો… પરમાત્મા બહુ સરસ હતા એટલે મજા આવી. ભક્તિ બહુ સરસ થઇ એની મજા આવી… એ શરમાઈ ગયો… એનું કહેવાનું તાત્પર્ય એટલું જ હતું… કે ધર્મશાળા five star hotel જેવી હતી. બધી જ રૂમ એ.સી. ભોજનશાળાનું ખાવાનું એટલું સરસ કે ઘરનું ખાવાનું પણ યાદ ન આવે. રહેવાનું સરસ જમવાનું સરસ.. પછી તીર્થ સારામાં સારું. તમે તીર્થમાં જાઓ… તો ય શરીરને ભૂલતા નથી.

છ મહિના પછી new York ના બહુ મોટા છાપાના પ્રમુખ પત્રકારને વિચાર થયો કે આ સાહેબ ખોવાઈ ગયા છે. ક્યાં ખોવાઈ ગયા… ક્યાંય પત્તો મળતો નથી. ઘરે જઈને તપાસ કરી કે એમનો ફોન… તો કે નહિ ફોન તો અહીંયા મુકીને જ ગયા છે. તો એમનો સંપર્ક કેવી રીતે કરવો… તો કહે સંપર્ક ન થાય એટલા માટે જ એ ત્યાં પહોંચી ગયા છે. હવે પત્રકારને ચટપટી વધારે થઇ કે આવો માણસ અને એકાંતમાં ગયેલો હોય, અને એને જે અનુભવો થયેલા હોય એ મારા પત્રમાં હું છાપું એક મજાની story મારા પત્રને મળી જાય. એટલે કયા ટાપુ ઉપર ગયા છે એનો ખ્યાલ આવી ગયો. પછી હેલીકોપ્ટરમાં એ ત્યાં પહોંચ્યા. જોડે photographer ને લઈને ગયેલા. ત્યાં ગયા ટાપુ ઉપર એક five star hotel માં ઉતર્યા. હવે Hermann Hesse ક્યાં રહે છે એ ખબર નથી. બે – પાંચ – દસ જણાને પૂછ્યું કે અમેરિકાથી આવેલા લેખક છે. અને એ અહીંયા આવેલા છે. એમનો બંગલો ક્યાં ખબર છે. બધા કહે છે we don’t no. કારણ કે Hermann Hesse એક પણ વ્યક્તિને મળ્યા નથી. હેલીકોપ્ટરમાં ટાપુ ઉપર ઉતર્યા. કારમાં સીધા પોતાના બંગલે ગયા. બંગલે ગયા અને બસ અંદર. દરિયો પણ બંગલાની એકદમ અડોઅડ હતો. એટલે બંગલાની બહાર ગયા વિના બંગલાની premises માં રહીને પણ દરિયાને જોઈ શકાતું હતું. માણી શકાતું. કોઈને ખ્યાલ નહિ. અમેરિકન માણસ છે, ગોરો છે… પેલા કહે અમને ખ્યાલ જ નથી પણ. પણ એ પત્રકાર છે અને એનું કામ શોધવાનું હોય છે. ટાપુ ઉપર ફરે છે. Hermann Hesse એ પોતાનું નામ પણ લખ્યું નથી. બંગલાની બહાર… અંદર આવો ત્યાં પેલી તકતી જોવા મળે. એક થી બે દિવસ તો એ પત્રકારને લેખકનો બંગલો શોધવામાં ગયા. છેવટે એણે શોધી કાઢ્યો. એકવાર એ દરિયાકિનારે ગયેલો. દરિયાકિનારે ઘૂમતો હતો ત્યાં એણે લેખકને જોયા. દરિયાકિનારે… પછી ખ્યાલ આવ્યો કે આ બંગલો જે છે એ રોડ તરફ આ બાજુ ખુલે… એ બંગલા પાસે ગયો. એને એમ કે call bell વગાડીને રજા માંગી લઈશ. ઝાંપાની અંદર તો ગયો. પણ જ્યાં પેલું board જોયું કે મને એકાંતમાં રહેવાનો અધિકાર છે. અને મારા અધિકાર સાથે કોઈએ પણ ખલેલ પાડવી નહિ. અમેરિકી સભ્યતા આની પાસે હતી. અને પ્રબુદ્ધ પત્રકાર હતો. આટલી બધી મહેનત કરીને આવેલો પણ આ board વાંચ્યું પાછો ફરી ગયો. કે એ વ્યક્તિને એકાંત માણવાનો અધિકાર છે.

મેં હમણાં શ્રમણ મિલનમાં કહેલું કે આપણે સાધનાને ઘૂંટવી હોય, તો કેટલી v.v.i.p treatment શ્રી સંઘે આપણને આપી છે. વ્યાખ્યાન આપવું, ન આપવું એ પણ અમારી મરજી ઉપર હોય છે. તમે તો નિરૂપદ્રવી છો બધા. સાહેબને વ્યાખ્યાન આપવું હોય તો સાંભળી લઈએ. તો મેં કહ્યું કે સાધના જેને ઘૂંટવી છે એના માટે આ શ્રામણ્ય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે. કેટલી v.v.i.p treatment તમે અમને આપો છો. વિહાર કરીને ગયા, ઉપાશ્રય તૈયાર.. બધી સામગ્રી તૈયાર.

સ્વામી સચ્ચિદાનંદનું એક પુસ્તક છે. મારા અનુભવો. એમાં એમણે લખ્યું છે કે ૨૧ વર્ષની વયે ઈશ્વરીય સંકેત એમને મળ્યો. અને એ સંસાર છોડીને સંન્યાસી થઇ ગયા. સંન્યાસી થયા પછી ગુરુની આજ્ઞાથી એકલા વિચરે છે. બહુ જ વિદ્વાન હોવા છતાં પ્રવચનો આપતાં નથી. કારણ કે લોકસંપર્ક એમને કરવો નથી. એ લખે છે કે એક ટાઈમ મારે ભોજન કરવાનું હતું એ વખતે પણ એક ટાઈમનું ભોજન મને ક્યારેક મળતું અને ક્યારેક ન પણ મળતું. અને ત્યાં એમણે નોંધ્યું છે કે જૈન સંઘ એમના સંતોની કેવી v.v.i.p treatment કરે છે. જ્યાં એમનું કોઈ ઘર નથી ત્યાં વિહારધામ બની જાય. સંતો આવ્યા ઉતરવાની વ્યવસ્થા છે. ભક્તિ માટે દેરાસરની વ્યવસ્થા છે. અને જમવા માટેની બધી જ સગવડો છે. તો શ્રી સંઘે અમને v.v.i.p treatment આપેલી છે. એટલે એ v.v.i.p treatment નો અનુવાદ અમારે સાધનામાં કરવો છે. ૨૪ કલાક અમને અમારા માટે મળે. ખરેખર પ્રભુના અમે એટલા બધા ઋણી છીએ કે પ્રભુએ આવી જિંદગી અમને આપી. ડૂબવું છે તો ડૂબી શકાય. એવી જિંદગી માત્ર આ એક છે.

તમારી પાસે ઘણા બધા કાર્યો છે ઘણું બધું તમારે કરવું છે… અમારે કાંઈ જ કરવું નથી. Doing ની ધારા જ ખતમ થઇ ગઈ. માત્ર being ની ધારા છે.

તો એ પત્રકાર પાછો ફરી જાય છે. કે હું એમના એકાંતમાં ખલેલ પાડી ન શકું. તમે ક્યારે એકાંતમાં જવાના બોલો… તો પ્રભુએ ૨ વર્ષ સુધી એક્ત્વાનુભૂતિ માણેલી છે. સવાસો ગાથાનું સ્તવન ગુજરાતીમાં છે. ગુજરાતીમાં આવેલો એ બહુ જ મજાનો સાધના ગ્રંથ છે. એમાં એક સરસ કડી આવી. “એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે, જેહ અવિક્લ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે” ત્યાં કહ્યું નિશ્ચય અહિંસા એટલે શું? વ્યવહાર અહિંસા તો તમારા ખ્યાલમાં છે કે ઈરિયાપૂર્વક ચાલીએ…

કોઈ પણ જીવની વિરાધના ન થાય. પહેલાં શ્રાવકો ખેસ પહેરતાં એટલે ચૈત્યવંદન કરવા જાય ખમાસમણ દેવું હોય, ત્યારે જમીનને ખેસથી પૂંજી શકતા. એ સવારે દર્શન કરવા જાય. કોર્ટ પહેરેલો હોય, પણ કોર્ટ ઉપર ખેસ તો હોય જ પાછો. તો એક્ત્વાનુભૂતિ એ શું? નિશ્ચયદયા. વ્યવહાર દયા તમારા ખ્યાલમાં આવી ગઈ. નિશ્ચયદયા એટલે શું… તમે તમારામાં હોવ, એ નિશ્ચય અહિંસા.

એટલે આતમ ગુણ હિંસ નથી, હિંસા આ શબ્દો આવ્યા. ક્રોધમાં ગયા તમે તમારી હિંસા કરી. રાગમાં ગયા તમે તમારી હિંસા કરી. તો નિશ્ચયઅહિંસા શું એક્ત્વાનુભૂતિ. પર, એ પર છે. સ્વ, એ સ્વ છે. સાધક માટે બે જ ખાના છે. પર અને સ્વ. પરનું ખાનું છે પણ એમાં રસપૂર્વક જવું નથી. અમે પણ ભોજન લઈએ વાપરીએ.. પણ કેવી રીતે વાપરીએ.. મનની અંદર સરસ મજાના વિચારો ચાલતા હોય, અથવા ઉંચી કક્ષાએ ગયેલા મુનિઓ હોય, તો ધ્યાનદશામાં હોય અને વાપરતાં હોય. સાતમા ગુણઠાણાની સ્થિતિ બતાવતા કહ્યું કે ત્યાં ૨૪ કલાક ધ્યાન છે. વહોરવા જાય તો પણ ધ્યાન. વાપરતી વખતે પણ ધ્યાન. તો અમે વાપરીએ છીએ પણ સ્વમાં રહીને. તમે પણ એ કરી શકો.

શરીરને ખાવાનું છે. શરીર ખાઈ લે. તમે એમાં મનને કેમ ભેળવો છો. તમે તમારા ઉપયોગને ભોજનની ક્રિયામાં કેમ નાંખો છો. હું ઘણીવાર કહું તમે તમારા નોકરને કહ્યું કે પાણી લઇ આવ. એ ફ્રીજ તરફ જાય પાણી લેવા, ત્યારે તમે પાછળ દોડો.. નહિ નોકરનું કામ છે એ પાણીનો ગ્લાસ ભરીને તમારા ટેબલ ઉપર મુકશે. એમ શરીરનું જે કામ છે એ શરીરને કરવા દો. એમાં તમે તમારા ઉપયોગને શા માટે રાખો છો… ક્યારેક એવા સમાચાર આવ્યા હોય, બહુ મોટા નુકશાનના છતાં તમે જમવા માટે બેઠા છો. એ વખતે કયું શાક ખાધું તમને ખબર હોય… તમારું મન સંપૂર્ણતયા પેલા વિચારોમાં છે. તો સંસારના વિચારોમાં, ધંધાના વિચારોમાં, તમે મનને totally મૂકી શકો. તો કોઈ સ્તવનની અંદર તમારા મનને કેમ ન મૂકી શકો. તો શરીર ખાઈ લે. મનને તમે ત્યાં ન જવા દો. તો બે જ ખાના છે સ્વ અને પર.

પરમાં જવું નથી. પણ જવું પડે તો રસપૂર્વક જવું નથી. બોલો તમારા માટે આ શક્ય. દુકાને ગયા આજે વકરો બહુ થયો, નફો બહુ થયો પણ રાજીપો ન હોય. બરોબર. સંસારમાં બેઠો છું. હજુ વ્યાજથી સંસારને ચલાવું એટલી મૂડી થઇ નથી. જલ્દીમાં જલ્દી એટલી મૂડી મારી પાસે થઇ જાય કે વ્યાજની અંદર મારો પરિવાર ચાલી શકે. તો હું ધંધાને wind up કરી શકું. તો પરમાં જવું નથી. અને જવું પડે તો રસપૂર્વક જવું નથી.

તો પ્રભુએ ૨ વર્ષની અંદર આ એક્ત્વાનુભૂતિ કરી છે. એ વખતે પણ પ્રભુ વાપરતાં. પણ ઉપયોગ વાપરવામાં ન રહે. મૂકી દીધું વપરાઈ ગયું. શું છે, શું નહિ એનો ખ્યાલ જ નથી. તમે પણ આ ભૂમિકા ઉપર જાઓ છો પણ પરમાં જાઓ છો. એ જ વાત આપણે સ્વમાં કરવી છે. કે સ્વમાં એટલા ખોવાયેલા હોઈએ કે પરનો ખ્યાલ જ ન આવે. પણ એના માટે શું છે એકવાર ભીતરનો આનંદ ચાખવો પડશે. જ્યાં સુધી ભીતરનો આનંદ મણાય નહિ ત્યાં સુધી સ્વ માટેની તડપન પણ કેમ થશે.

પ્રભુના મિલનનો આનંદ જેને માણ્યો નથી. એને વિરહની પીડા ક્યાંથી આવશે. મિલન જ નથી તો વિરહ ક્યાંથી. પ્રભુનું મિલન થયું અલપ – ઝલપ. ક્યાંક તીર્થમાં ગયેલા વિશાળ પરમાત્માની મૂર્તિ. જોતા જ મન સ્તબ્ધ થઇ ગયું. આશ્ચર્યકારક ઘટના હોય ને ત્યારે મન થોડીવાર માટે ફ્રીજ થઇ જાય છે. અને મન ફ્રીજ થઇ જાય વિચારો ફ્રીજ થઇ જાય ત્યારે તમે હોવ છો. એટલે એ વખતે દર્શન કરનાર તમે હોવ છો. અને એ વખતે દર્શનનો જે આનંદ મળે… મિલનનો જે આનંદ મળે… પછી વિરહની પીડા સમજાય. રોજ મુનિસુવ્રત દાદાના દર્શન કરો અને રોજ આનંદ આવે એવી trick આપું… રોજે આશ્ચર્ય થાય. આમ પગથિયા ચડો ઓહો આવા દાદા મને મળી ગયા છે. હું સપનામાં છું કે જાગું છું… આવા ભગવાન… વિતરાગ પ્રભુ એ મને મળી ગયા છે. આશ્ચર્ય થાય. તો આશ્ચર્યની પાછળ આનંદ આવે.

પ્રવચનમાં આવવું છે આશ્ચર્ય. મારા પ્રભુની સાધના. મારા પ્રભુની વાતો. મન થોડું સ્થિર થઇ જાય. પછી અમારા શબ્દો તમારા સુધી પહોંચશે. અત્યારે મારા શબ્દો તમારા conscious mind સુધી પહોંચે છે. તમારા સુધી નહિ. સોનું હમણાં એકદમ સસ્તું થઇ જાય… તો શું કરવાનું તો દોડો… સોનું લેવા. ખાલી સાંભળો, ખાલી મીડિયામાં વાંચી લો… દોડો. અમે કેટલી વાર કહ્યું એ મોક્ષ અહીં જ છે બોલો તમને આશ્ચર્ય થયું.

ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિમાં કહે છે ‘ઈહૈવ મોક્ષ: સુવિહિતાનામ્’ પ્રશમરતિ ગોખી છે ને બધાએ… આમ આ પંક્તિ આવી ત્યારે શું થયેલું આમ… ઉછળેલા… મહેશ યોગીનું ટી.એમ છે. Transcendental meditation. એમાં સાધક ઉછળે છે થોડો… એમ ‘ઈહૈવ મોક્ષ: સુવિહિતાનામ્’ આ વાંચ્યા પછી તમે એકદમ ઉછળ્યા તા… અરે વાહ અહીંયા જ મોક્ષ. અત્યાર સુધી સાંભળેલું પાંચમાં આરામાં મોક્ષ નથી. મહાવિદેહમાં જન્મ્યા હોત સારું હતું. મોક્ષ મળત. પણ આ તો પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતી ભગવાન. અને એ કહે છે ‘ઈહૈવ મોક્ષ: સુવિહિતાનામ્’ અહીંયા જ મોક્ષ છે. શું થાય બોલો મારી પાછળ લાઈન લાગશે… આમ પાછી… સાહેબ શું કહો છો અહીંયા જ મોક્ષ. બતાવો, બતાવો જલ્દી બતાવો. સાંભળી લીધું. Conscious mind એ સાંભળ્યું. તમે ક્યાં સાંભળ્યું છે. તમે સાંભળ્યું હોય તો દોડો. કે સાહેબ શી રીતે? કઈ રીતે? હું અહીંયા જ મોક્ષને પામી શકું. મારે શું કરવું જોઈએ. આ જીવન મુક્તદશાની વાત છે. કે શરીર ભલે હોય પણ મનથી તમે મુક્ત હોવ.

અષ્ટાવક્ર ઋષિએ અષ્ટાવક્ર સંહિતામાં આ ભીતરની દુનિયાના આનંદની વાતો કરી છે. અનુભૂતિવાન સદ્ગુરુ છે. મજાની અભિવ્યક્તિ આપી શકે. એવી સબળ અભિવ્યક્તિ છે કે એ અભિવ્યક્તિ આપણને પણ ડુબાડી શકે. એમનો શ્લોક છે. – ‘આત્મ વિશ્રાંતિ ભુતેન, નીરાશેન ગતાર્તીના અંતર્યત્ અનુભુયેત તત્કથમ કસ્ય કથ્ય એવો સાધક જે ભીતરની દુનિયામાં ઉતરી ગયો છે. એ જેનો અનુભવ કરે છે. એ જેનો અનુભવ કરે છે એ અનુભવની વાત એ શી રીતે કરે. બે વાત કરી, ‘કથમ કસ્ય કથ્ય’ કઈ રીતે કરે, અને કોને કરે… જે બહાર જ રહેલો છે એને ભીતરના આનંદની વાત સમજાશે નહિ. જે થોડો ભીતર ઉતરેલો છે… એને વાત તો સમજાય પણ એની પ્રસ્તુતિ કઈ રીતે કરવી. Presentation કઈ રીતે કરવું આપણી દુનિયામાં શબ્દો જ નથી. હવે એણે આનંદને અનુભવ્યો છે. અપાર આનંદ છે. હવે તમે એને પૂછો કેવો આનંદ? તો કહે બહુ… બહુ.. બહુ.. આનંદ. આપણી દુનિયામાં આનાથી વધારે કોઈ શબ્દો નથી. બહુ… બહુ.. બહુ.. આનંદ પણ ૧૦૦ વાર બહુ શબ્દો વાપરો તો પણ એ આનંદની વ્યાખ્યા એ કરી શકાતું નથી. તત્કથમ કસ્ય કથ્યતે. કઈ રીતે કહેવાય… અને કોને કહેવાય.. કેવો સાધક ૩ વિશેષણ આપ્યા છે. ‘આત્મ વિશ્રાંતિ ભુતેન, નીરાશેન ગતાર્તીના – પહેલું વિશેષણ ‘આત્મ વિશ્રાંતિ ભુતેન – જે પોતાની અંદર સ્થિર થયેલો છે. તમારું ઘર કયું? આ મુંબઈનો ફ્લેટ છે ને એ રહેન બસેરા છે. તમારું ઘર કયું? આત્મતત્વ. ‘આત્મ વિશ્રાંતિ ભુતેન – જે માત્ર સ્વમાં જ સ્થિર થયેલો છે. પરમાં એને જવાનું જ નથી. એવા પરમહંસો આજે છે… કે અઠવાડિયા સુધી ખાવાનું ન આપો. તો એમને યાદ નથી આવતું કે મેં ખાધું નથી.

જુના ડીસામાં અમારા ઘણા ચોમાસા થયેલા. મોટા ગુરુદેવની ઉંમર હતી અને જુના ડીસા બહુ જ ભક્તિવાળું ગામ. તો સવારે અમે લોકો ગામ બહાર જઈએ ને ત્યારે દુકાનોના ખુલ્લા ઓટલા ઉપર એક બહેન બેઠેલા હોય, કે સૂતેલા હોય. લોકો કહેતા કે પાગલ છે. કશું જ ખાય નહિ. હોટલવાળા આગ્રહ કરીને ચા આપે. તો ચા થોડી પી લે. કોઈએ ક્યારેય જોયું નહિ કે એ બાઈએ રોટલી ખાધી હોય… માત્ર ચા કોઈએ એને offer કરી કે ઘર બનાવી આપું ઘરમાં રહે. ના પાડી.

થોડાક સમય પછી પાલનપુરમાં એક સંત આવેલા. એમની પ્રશ્નોત્તરી હતી. તો જુના ડીસાના એક ભાઈએ પૂછ્યું કે અમારી નજીકમાં કોઈ પરમહંસો થયેલા ખરા? પરમહંસ એટલે જીવન મુક્ત. ત્યારે એમણે કહ્યું કે તમે ક્યાંના છો? તો કહે કે જુના ડીસાના. તો જુના ડીસામાં પેલી પાગલ બાઈને તમે ઓળખતા હતા…. તો કહે કે હા, એ તો પાગલ હતી. દુકાનોના ઓટલા ઉપર બેસી રહેતી. ત્યારે એ સંતે કહ્યું કે એ પાગલ નહોતી. પરમહંસ હતી. દુનિયા જોડેનો સંબંધ એણે તોડી નાંખેલો.

તો એવો સાધક અંદર જે અનુભવે છે. તે બહાર કોને કહે અને કઈ રીતે કહે… પણ કેવો ડૂબેલો સાધક એના માટે ૩ વિશેષણ. ‘આત્મ વિશ્રાંતિ ભુતેન, નીરાશેન ગતાર્તીના’

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *