Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 54

639 Views 27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુની ગૃહસ્થપણાની સાધના

જે સાધક એક્ત્વાનુભૂતિ માં પહોંચી ગયો છે, ભીતરના આનંદને જેણે માણ્યો છે – એ કેવો હોય? નિરાશ – ઈચ્છા વગરનો. અને ગતાર્તી – પીડા વગરનો.

પ્રભુની ગૃહસ્થપણાની બીજી સાધના – કાયગુપ્તિનો અભ્યાસ. કાયાને સતત અડોલ રાખવી; શરીરને ટટ્ટાર રાખવું – એ એક પ્રકારનું બાહ્ય તપ જ છે. કાયગુપ્તિ સાધીને તમે મનોગુપ્તિ સુધી જઈ શકો.

મનોગુપ્તિના બે પ્રકાર – શુભ અને શુદ્ધ. શુભ મનોગુપ્તિમાં શુભ વિચારો આવી શકે; પણ રાગના, દ્વેષના, અહંકારના, ઈર્ષ્યાના – એવા કોઈ પરભાવના વિચારો ન આવે. અને શુદ્ધ મનોગુપ્તિ એ thoughtless અવસ્થા છે; નિર્વિચાર દશા.

ઘાટકોપર વાચના ચાતુર્માસ – ૫૪

પરમતારક, પરમ કરુણામય, ભગવાન મહાવીર દેવની સાડા બાર વર્ષની સાધનાની અંતરંગ કથા.

પ્રભુ ભાઈના આગ્રહથી ગૃહસ્થપણામાં ૨ વર્ષ રહ્યા ત્યારે પ્રભુએ ૩ સાધનાને ઘૂંટી. એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિનો અભ્યાસ અને જ્ઞાતાદ્રષ્ટાભાવ.

એક્ત્વાનુભૂતિ – ભીતર ડૂબી જઈએ… ભીતરનો આનંદ એકવાર માણી લઈએ, એ ક્ષણો અદ્ભુત હોય છે. તમને પણ હું કહું કે એકવાર ભીતરનો આસ્વાદ તમે ચાખી લીધો તો બહાર તમે આવી નહિ શકો. ત્યાં સુધી કહ્યું કે દ્રષ્ટાનો રસ જ્યારે પરમાંથી નીકળી ગયો ત્યારે પૂરું બાહ્ય જગત એના માટે છે જ નહિ. કશું જ નથી. કારણ કે બધું જ meaningless છે. અવતારકૃત્ય આપણું એક જ છે. આપણી સ્વરૂપદશાને પામવી. સ્વાનુભૂતિ ને પામવી અને એ અઘરું નથી. મારા લયમાં કહું તો It is so easy. બહુ જ સરળ છે. તમે તમારા મનને અનંત કાળથી પરમાં રાખ્યું એટલે એક અભ્યાસ તમને છે કે તમારા મનને તમે પરમાં સતત રાખી શકો છો. બદલવાનું શું છે? પર ને બદલે સ્વ. પરની અંદર સતત રહેવાનો અભ્યાસ હતો એને સ્વમાં રહેવાના અભ્યાસમાં ફેરવી નાંખીએ. પ્રક્રિયા સરળ છે પણ એના માટેની ઈચ્છા અઘરી છે. તમે સાંભળો વાંચો. તમને કોઈક વસ્તુ ગમી પણ જાય. પણ એ બધું જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય છે. એને પામવાની ઈચ્છા પણ ક્યારે થાય? મોહનીયનો ક્ષયોપશમ થાય ત્યારે. આપણી આખીએ સાધના મોહનીયના ક્ષયોપશમની છે.

સામાયિક તમે કરો.. સમભાવમાં સ્થિર બન્યા. ન ગમામાં ગયા, ન અણગમામાં ગયા. માત્ર સમભાવમાં રહ્યા. તો તમે શું કર્યું? મોહનીયનો ક્ષયોપશમ કર્યો. મોહનીય તમને પરમાં લઇ જશે. મોહનીયનો ક્ષયોપશમ થાય ત્યારે જ સ્વમાં જવાય. સ્વમાં જવાની ઈચ્છા પણ થાય. કેટલા પ્રવચનો સાંભળ્યા… કેટલા ગુરુદેવોએ આ વાત કરી કે પરમાં રહેવાનું નથી. ભીતર જ રહેવાનું છે. સાંભળ્યું. સાંભળ્યું ત્યારે ગમ્યું પણ ખરું. પણ એના માટેની ઈચ્છા તીવ્ર ન બની. ઈચ્છા તીવ્ર બને તો સ્વાનુભૂતિ ક્યાં દૂર છે. બિલકુલ દૂર નથી. આ રહી. તમે કહો તો તમારા હાથમાં આપી દઉં.

પ્રભુની ગ્રહસ્થપણાની પહેલી સાધના હતી એક્ત્વાનુભૂતિ. ભીતર પ્રભુ ડૂબી ગયેલા. એ વખતે શું થાય એની વાત અષ્ટાવક્ર ઋષિ કહે છે –

“આત્મવિશ્રાંતિભૂતેન નીરાશેન ગતાર્તિના

અંતર્ યત્ અનુભૂયેત તત્ કમ્ કસ્ય કથ્યતે”

આત્મવિશ્રાંતિભૂતેન – જે સાધક ભીતર પહોંચી ગયો છે, ભીતરના આનંદને જેણે માણ્યો છે એ કેવો હોય? બે વાત કરે છે… ભીતર ડૂબેલો સાધક કેવો હોય એના માટે બે વાત કરે છે. પણ એ વાત કરતાં એમને નેતિ–નેતિનો લય પકડવો પડે છે. આપણી પરંપરામાં બે લય છે. એક હકારનો લય અને બીજો નેતિનો લય. ભીતર જે માણસ ડૂબી ગયો છે, એના સુખની વાત તમે કયા શબ્દોમાં કહી શકો…

અંતર્ યત્ અનુભૂયેત તત્ કમ્ કસ્ય કથ્યતે”

પણ છતાં અનુભૂતિવાન ઋષિએ પ્રયત્ન કર્યો છે. બે વિશેષણ દ્વારા અંદરના સુખને થોડુંક સમજાવવા માટે પ્રયત્ન કર્યો. નેતિ–નેતિનો લય. ઉપનિષદોમાં આ લય છે.  પંચવિંશતીકામાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ લય પકડ્યો છે. આત્મા કેવો.. ત્યાં વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, શરીર નથી, શબ્દ નથી, વિચાર નથી, એટલે તમને થાય કે ઓહ શરીર પણ નહીં? શરીરના કારણે તો ઘણી પીડા છે. તો એવો જ નેતી – નેતીનો લય અહી પકડ્યો. એ સાધક નિરાશ છે, ગતાર્તિ છે. નિરાશ એટલે ઈચ્છા વગરનો. અને ગતાર્તિ એટલે પીડા વગરનો. તમે ભીતર ડૂબી ગયા, કોઈ ઈચ્છા હવે રહેતી નથી.

બહુ મજાની વાત તમને કહું.  ખુબ પૈસા મળ્યા… ભૌતિક જીવનમાં ઘણી બધી પ્રાપ્તિ થઇ… તો પણ અસંતોષ રહે છે. એ અસંતોષનું કારણ શું?  સામાન્યતયા આપણે કહીએ પરિગ્રહસંજ્ઞા. મૂર્છા. પણ એક ઊંડું કારણ છે. અને એ કારણ એ છે કે જ્યાં સુધી તમે તમારામાં ન હોવ. ત્યાં સુધી સુખી બની શકો નહિ. ત્યાં સુધી તૃપ્તિ મળે નહિ. એટલે તમે અતૃપ્ત ને અતૃપ્ત રહો છો. પણ તમને એ ખ્યાલ નથી આવતો કે આ પૈસા ઓછા છે એની અતૃપ્તિ છે કે સ્વમાં હું નથી ગયો એની અતૃપ્તિ છે. અનંત જન્મોથી અતૃપ્ત રહ્યા આપણે કારણ શું? આપણે આપણને મળી શક્યા નહિ. ટી.વી. ના ટચુકડા પરદે આખી દુનિયાને જોનારા તમે તમારી જાતને જોઈ શક્યા નથી. તમારી જાતને મળી શક્યા નથી. વચ્ચે મેં કહેલું કે રાત્રે ૧૦ મિનિટ – ૧૫ મિનિટ introspection માટે રાખો. આંતરનિરીક્ષણ માટે. કે દિવસ દરમિયાન ક્યાં ક્યાં તમે પરમાં ગયા… અને તરત સમજાશે કે જ્યાં જ્યાં તમે પરમાં ગયા ત્યાં પીડા ઉભી થઇ. ચલો એક વાત તમને પૂછું. પરનો અનુભવ તમારી પાસે નથી. કે સ્વનો નથી? કયો નથી… સ્વનો નથી બરોબર? પરનો તો છે ને? નથી! પરનો અનુભવ ક્યાં છે તમને?

એક માણસ જતો હોય… ઉપાશ્રયથી ઘરે જવાનો રસ્તો છે. રોજ એ રસ્તે બે – ચાર વાર જવાનું છે. રાત્રે જાય છે. Light off થયેલી છે. એક જગ્યાએ એક block ઉખડેલો છે. એનો પગ ત્યાં અથડાય છે. લોહી નીકળે છે. દિવસો સુધી dressing કરવું પડે છે. હવે એ માણસ રાત્રે અંધારામાં એ રોડ ઉપર ચાલશે તો પણ એ block હવે નહિ જ આવે રસ્તામાં. આવશે? બાજુમાંથી નીકળશે. એને ખ્યાલ આવી ગયો કે અહીંયા જો પગ અથડાયો તો ફરી પાછી તકલીફ. તમને પરનો અનુભવ છે એવું ક્યારે કહેવાય… પરની પીડા સમજાય ત્યારે… બોલો છે અનુભવ?

પરનો થાક જ્યાં સુધી નહિ લાગે, ત્યાં સુધી સ્વમાં તમે જઈ નહિ શકો. વાતો સાંભળી લેશો. મજા પણ આવશે. પણ કામ નહિ થાય. પરનો થાક લાગે. મને પોતાને વિચારોનો થાક લાગતો. હવે તો વિચાર છે જ નહિ અંદર એટલે એનો થાક લાગતો નથી. પણ શબ્દો પણ વધુ બોલવા પડે તો એનો થાક લાગે. શરીરનો થાક નહિ. પરમાં જવાનો થાક. શબ્દ પણ પર જ છે. જ્યાં પર છે ત્યાં થાક રહેવાનો છે. સ્વમાં જ આનંદ છે.

તો બે સૂત્રો આપ્યા. નીરાશેન ગતાર્તિના. ઈચ્છા વગરનો અને પીડા વગરનો એ હોય છે. આનંદની વાત ન કરી. આનંદની વાત કરી હોત તો તમે પૂછેત કે કેવો આનંદ? હવે તમને કઈ રીતે સમજાવું? તમારી પાસે જે સુખ છે, રતિ છે એ શરીરના સ્તરનો, મનના સ્તરનો છે. આમાં તો શરીરના પેલે પારનું, મનને પેલે પારનું સુખ છે. એટલે આ સુખ સાથે આ આનંદને સરખાવી શકાય એમ નથી. તમે પૂછો તો એટલું જ કહેવું પડે… કે તમે તમારી દ્રષ્ટિએ સુખની આત્યંતિક અનુભૂતિ જે કરતા હોવ, એના કરતાં લાખો ગણો, કરોડો ગણો, અબજો ગણો એ આનંદ છે. તો પ્રભુએ ૨ વર્ષ સુધી એક્ત્વાનુભૂતિ કરી. ભીતર ઉતર્યા…. ભીતર ઉતર્યા… ભીતર ઉતર્યા…

બીજું શું કર્યું? કાયગુપ્તિનો અભ્યાસ. પદ્મવિજય મ.સા એ લખ્યું નવપદ પૂજામાં

“સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હો”

સાડા બાર વર્ષ સુધી પ્રભુ પલોઠી મારીને જમીન પર બેઠા નથી. એ જે સતત કાર્યોત્સર્ગ કરવાનો હતો, એની પૂર્વ ભૂમિકા આ ૨ વર્ષમાં થાય છે. કાયગુપ્તિનો અભ્યાસ. કાયાને સતત અડોલ રાખવી. એક practical approach તમને આપું. પ્રવચનમાં આવો, બેસો વંદન કરીને… એક જાગૃતિ જો રહે… તો ટટ્ટાર બેસવું છે. આપણે ત્યા કાયક્લેશ જે બાહ્ય તપ છે ને, એમાં લોચાદિક કષ્ટો તો છે જ, પણ આ આસનો પણ કહ્યા છે. એક – એક આસન અદ્ભુત છે. કાર્યોત્સર્ગ ૩ મુદ્રાએ થઇ શકે છે. ઉભા – ઉભા કરો એ જિનમુદ્રા. બેઠા – બેઠા પણ થાય કાર્યોત્સર્ગ. અને સૂતા સૂતા પણ થાય..

એવી અવસ્થા મુનિની છે કે એક મિનિટ એ બેસી શકતા નથી. રોગથી ઘેરાયેલું શરીર છે. શરીર સુતું છે. અને સુતેલી અવસ્થામાં પણ કાર્યોત્સર્ગ ચાલુ છે. જિનમુદ્રામાં તમે જ્યારે ઉભા રહો છો… ટટ્ટાર… તો standing position માં શું થાય છે? કે પૃથ્વીના gravitation થી, ગુરુત્વાકર્ષણથી તમારું મગજ થોડું દૂર થઇ જાય છે. બેઠેલા હોવ ત્યારે ગુરુત્વાકર્ષણથી તમારું મગજ નજીક હશે. સુતેલા હોવ ત્યારે એથી પણ નજીક. પણ તમે ઉભા હોવ ત્યારે એ ગુરુત્વાકર્ષણ અને તમારી વચ્ચે અંતર પડી જશે. એટલે જિનમુદ્રાની ખાસ વિશેષતા આ છે. તો એ gravitation ની અસરથી તમે મુક્ત થયા પછી તમે તમારા આંતર આકાશમાં ઉડી શકો છો.

અવકાશયાનને પણ ગુરુત્વાકર્ષણની હદમાંથી જવા માટે વેગ વાપરવો પડે છે. તો એક practical approach તમને આપું… કે પ્રવચનમાં આવ્યા, બેઠા…. શરીર ટટ્ટાર. આ પણ બાહ્ય તપ છે. એકાસણું જેમ તપ, આયંબિલ જેમ તપ, એમ આ પણ તપ છે. શરીરને ટટ્ટાર રાખવા. તો પ્રભુએ કાયગુપ્તિ અભ્યાસ ૨ વર્ષ સુધી કર્યો. સતત કાઉસ્સગ ધ્યાનમાં ગૃહસ્થપણામાં પણ પ્રભુ રહ્યા છે. એક કાયગુપ્તિ તમને મનોગુપ્તિ તરફ લઇ જાય. આપણે ત્યાં ધ્યાનનો authentic ગ્રંથ ધ્યાનશતક છે. એમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણ લખે છે કે તમે બેઉ બાજુથી શરૂઆત કરી શકો છો. કાયાથી ઉઠીને મનની ગુપ્તિ તરફ તમે જઈ શકો છો. યા મનની ગુપ્તીથી શરૂઆત કરીને તમે કાયા ઉપર ઉતરી શકો. આપણા માટે સરળ એ લાગે છે કે કાયગુપ્તિ સાધી અને આપણે મનોગુપ્તિમાં જઈએ. કાયા જ અસ્થિર હશે, મન સ્થિર કઈ રીતે થશે?

કબીરજીએ તો કહ્યું ‘આસન શું મત ડોલ રે…’ તારું જે આસન છે અંદરનું… એમાં સ્થિર થઇ જા. ‘આસન શું મત ડોલ રે…’ તો તમે પણ કાયગુપ્તિ સાધીને મનોગુપ્તિ સુધી જઈ શકો. મનોગુપ્તિના ૨ પ્રકાર: શુભ અને શુદ્ધ. શુભ મનોગુપ્તિમાં એ જ વિચારો આવે જે પ્રભુને સંમત છે. ન રાગનો વિચાર આવે, ન દ્વેષનો વિચાર આવે. મન પ્રભુનું થઇ જાય. તમારું મન તો પ્રભુનું છે જ. કાયા પણ પ્રભુની. મન પણ પ્રભુનું… તો શુભ મનોગુપ્તિમાં શુભ વિચારો આવી શકે. રાગના, દ્વેષના, અહંકારના, ઈર્ષ્યાના, કોઈ પરભાવના વિચાર ન આવે. અને શુદ્ધ મનોગુપ્તિ જે છે એમાં thoughtless position હોય છે. તમે વિચાર વિહીન અવસ્થામાં હોવ છો. આમ પણ વિચારોની જરૂરિયાત ક્યાં છે? અમારા માટે તો બિલકુલ નથી. વર્તમાનયોગમાં અમે રહીએ છીએ. આવતી ક્ષણે શું કરવું એનો વિચાર નથી. તમે શિષ્ય છો… ગુરુને પૂછી લો,સાહેબ શું કરવાનું છે. તો આવતી ક્ષણે શું કરવાનું છે એનો મનમાં વિચાર નથી. ભૂતકાળની ઘટનાઓ જોડેનો સંપર્ક તૂટી ગયો છે. વર્તમાનની એક ક્ષણમાં તમે છો… હવે વિચાર શું કરે… તમારું મન તમને યા તો ભૂતકાળમાં લઇ જશે. યા ભવિષ્યકાળ… વર્તમાન ક્ષણમાં મનની જરૂરિયાત જ ક્યાં છે…તમે રોટલી ખાઈ રહ્યા છો. તો ત્યાં રોટલી કેવી રીતે બની હશે અને કેમ વણી હશે એનો વિચાર આવતો નથી. ખાવાનું કામ ચાલે છે ત્યાં વિચારોનું કામ નથી.

તો શુદ્ધ મનોગુપ્તી વર્તમાનયોગમાં બહુ સરસ મળી જાય. વર્તમાનની એક ક્ષણ એમાં જ મારે રહેવાનું છે. આવતી ક્ષણનો વિચાર નથી. ગઈ ક્ષણનો પણ વિચાર નથી. આપણે પૂર્ણ આનંદમય બની જઈએ. બનવું છે? Now and Here…. વર્તમાનયોગમાં આવી જાઓ, મજા જ મજા.

અમેરિકામાં, New York માં એક બહુ મોટા બૌદ્ધ ગુરુ આવવાના હતા. દિવસોથી મીડિયામાં પ્રચાર ચાલુ હતો કે,  આ બૌદ્ધ ગુરુ આવે છે. હજારો લોકોએ online એમને સાંભળેલા. પણ એક જીવંત રૂપે સદ્ગુરુની સામે બેસી અને એમને સાંભળવા એ તો અલગ વસ્તુ છે. તો હજારો લોકોએ પ્રવચન માટેની ticket લીધી. બહુ જ મોટો હોલ આયોજકો એ પસંદ કર્યો. એક મોટી બિલ્ડીંગના ૬૨માં કે ૬૩ માળે એ મોટો હોલ હતો. હજારો શ્રોતાઓ હતા. પ્રવચન શરૂ થયું. મંત્રમુગ્ધ કરાવી દે એવું પ્રવચન. બધા જ એકદમ સ્થિર બનીને ,સ્તબ્ધ બનીને સદગુરુને પી રહ્યા છે. પ્રવચન અધવચ્ચે આવ્યું અને એ વખતે ધરતીકંપ નો જોરદાર આંચકો આવ્યો… ૮૦ – ૯૦ માળનું મકાન આમ – આમ ડોલવા માંડ્યું. જ્યાં ખબર પડી ધરતીકંપ… ૧૦ – ૧૫ lift હતી… એ બધી lift ચાલુ થઇ ગઈ. ૨ – ૫ મિનિટમાં બધા નીચે ઉતરી ગયા. પણ પ્રવચને એવું ઘેલું લગાડેલું કે હજુ ઘરે જવાનું મન થતું નથી. એટલે નીચે ઉતરી અને ટી.વી. ઉપર બધા લોકો જોઈ રહ્યા છે સમાચાર. તો એન્કરે કહ્યું એક જ આંચકો આવી ગયો. હવે કોઈ aftershocks આવવાના નથી.

વૈજ્ઞાનિકો કહે છે…  નિષ્ણાંતો કહે છે કે હવે એક પણ aftershock  આવવાનો નથી. અને New York ની અંદર સદ્ભાગ્યે એક પણ મકાન પડ્યું નથી. આ સાંભળ્યું બધા આસ્વસ્થ થઇ ગયા કે હવે ઘરે જવાની ક્યાં જરૂર છે. ફરી બધી lift ચાલુ થઇ ગઈ. બધા હોલમાં ગયા. ગુરુ એમનેમ બેઠેલા. ધ્યાનમાં મજાથી બેઠેલા હતા. લોકો બધા બેસી ગયા. અને એટલે પ્રવચન જ્યાંથી અધૂરું હતું ત્યાંથી શરૂ કર્યું. પ્રવચન પૂરું થયું. ટી.વી. પત્રકારો, મીડિયા પત્રકારો ગુરુને ઘેરી વળ્યા. એક જ સવાલ હતો બધાનો… કે ધરતીકંપ નો આચકો લાગ્યો, આખો હોલ ખાલી થઇ ગયો. અને આપ અહીં ના અહી બેઠેલા હતા. આપ કેમ નીચે ન ઉતર્યા. ગુરુ હસ્યા, ગુરુએ કહ્યું ધરતીમાં કંપન થયું હશે. અહીં કોઈ કંપન થયું નહોતું. ઘટના ઘટે, એ ઘટનાથી પ્રભાવિત થવું કે ન થવું એ તમારા હાથમાં છે. ઘટનાને ઘટવાની છૂટ. તો એનાથી પ્રભાવિત થવું કે ન થવું એની તમને છૂટ નહિ… ભગવાનનો મુનિ, ભગવાનની સાધ્વી ઘટનાથી અપ્રભાવિત હોય. જે પ્રભુથી પ્રભાવિત બન્યો એ ઘટનાથી અપ્રભાવિત. તો હવે એક સવાલ થાય કે આવી શુદ્ધ મનોગુપ્તિ ક્યારે મળે? કોને મળે.? બરોબર… કારણ કે તમારે જોઈએ છે માટે વાત કરું… ઘણા લોકો હેરાન પરેશાન થઇ જાય છે. સાહેબ આ વિચારો તો રોકતા જ નથી. નવકારવાળી ગણીએ એટલે વિચારો. ધ્યાન કરવા બેઠા ને વિચારો. એ વિચારોને switch off કરવાની કળા છે.

યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ, જેમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ પોતાને થયેલ યોગની અનુભૂતિની વાત કરી છે. એના ૧૨ પ્રકાશ યા ની કે ૧૨ ચેપટર્સ છે. ૧૧ ચેપ્ટર સુધી તો જે પરંપરામાં વાતો આવેલી એ કરી. પણ ૧૨માં પ્રકાશમાં પોતાને જે અનુભવ થયેલો એ અનુભવ એમણે મૂક્યો છે. એટલે એ ૧૨મો પ્રકાશ બહુ જ અદ્ભુત છે. તો એમાં એમણે આ વાત કરી. કે વિચારો જ ન આવે એવી position ક્યારે થઇ શકે? કરવી છે ને… ભાઈ… વિચારોથી થાક્યા છો.? કે એના આદિ થઈ ગયા… ટેવાઇ ગયા…તો એમણે કહ્યું:

ઔદાસિન્યનિમગ્ન: પ્રયત્નપરિવર્જિત: સતતમાત્મા

ભાવિતપરમાનંદ: કવચિદ્પિ મનો ન  નિયોજયતિ.

પહેલી વાત ઔદાસીન્ય નિમગ્ન: – ઉદાસીનદશામાં ડૂબેલો સાધક. જે ક્ષણે તમને આ પરની દુનિયા meaning less લાગે એ ક્ષણે તમે ઉદાસીન બની શકો. ઉદાસીનનો અર્થ શું છે? ઉંચે બેઠેલો

પ્રવાહ વહેતો હોય નદીનો અને કોઈ ભેખડ ઉપર બેઠેલું છે તો એનો નદીના પાણી જોડે સંયોગ રચાતો નથી. તો પરની દુનિયામાં તમે છો છતાં પરથી તમે અલગ રહી શકો… attachment જે કર્યું છે એ detachment માં ફેરવાય. એના માટે આ સૂત્ર આપ્યું. કે ઉદાસીન દશામાં ડૂબી જવાનું. કારણે કે બધું meaning less છે. તો એમાં જવાનો શો અર્થ? તો એમાં નથી જવાનું તો ક્યાં જવાનું.. ભીતરમાં.  તમે બહાર ન હોવ તો અંદર હોવ. આટલી વાત બરોબર. કાં તો તમે તમારા ઘરમાં હોવ અને કા તો બહાર હોવ. તો તમે પરમાં ન હોય તો ક્યાં હોવ.. સ્વમાં હોવ. ઔદાસીન્ય નિમગ્ન:, ઉદાસીનતામાં ડૂબેલો સાધક. બધું એને meaning less લાગે છે. એ પરની દુનિયામાં સહેજ પણ મનને મુકવા માટે તૈયાર નથી.

બહુ મજાની વાત સમાધિશતકે કરી. સમાધિશતક ગુજરાતીમાં આવેલું સાધનાગ્રંથ છે. એમાં ઉદાસીનદશામાં ડૂબેલ એક સાધક કેવો હોય એની વાત કરી.

“દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સબહિ અચંભ,

વ્યવહારે વ્હાવહાર શું, નિશ્ચય મેં સ્થિર થંભ”.

એને બધું જ meaning less લાગે છે. પછી કોઈ કહે આ રીતે જોવું જોઈએ. આવો માણસ આવે… તો એની સામે સ્મિતથી જોવું જોઈએ. જોઈ લઈએ.. કંઈક બોલવું જોઈએ. તો બોલી નાંખીએ. વાસક્ષેપ વિગેરે આપવો જોઈએ તો આપી દઈએ. દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સબહિ અચંભ” આશ્ચર્યચકિત થાય છે… કે બધાનો શું અર્થ…

પતિ – પત્ની ઘરની અંદર હોય, ચડસા – ચડસી ચાલતી હોય, અને એમાં call bell વાગે. કોઈ પરિચિત આવે અંદર…. તો એકદમ મોઢું બદલાઈ જાય. પણ મનમાં બેય ને ચટપટી હોય કે આ ક્યારે જાય અને આ ક્યારે પાછું.. યુદ્ધ શરુ થઇ જાય. દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સબહિ અચંભ.. આશ્ચર્યચકિત થાય છે આ બધાનો શું અર્થ. આ બોલવું, આ ગુસ્સે થવું… આ રાજી થવું… શો અર્થ… તમારો રાજીપો પણ ક્ષણભંગુર. તમારું બધું ક્ષણભંગુર. અને પછી કહ્યું. “જગ જાણે ઉન્મત્ત આ, આ જાણે જગ અંધ જ્ઞાની કો જગ મે રહ્યો, યું નહિ કોઈ સંબંધ. આનંદઘનજી ભગવાન અત્યારે આવે તો… એવા મસ્તીમાં ડૂબેલા હોય, ન વાપરવાનો ખ્યાલ હોય… ન બીજો કોઈ ખ્યાલ હોય. ડૂબેલા હોય સ્વમાં… જગ જાણે ઉન્મત્ત આ… લોકોને લાગે આ પાગલ છે. આ જાણે જગ અંધ – પણ આ યોગીને ખ્યાલ છે કે આ લોકોનું certificate મારે ક્યાં જોઈએ છે. હું મારી મજામાં છું. જ્ઞાની કો જગમે રહ્યો – યું નહિ કોય સંબંધ. એ જ્ઞાની જગતમાં છે. તમારી વચ્ચે રહે છે પણ તમારી જોડે કોઈ સંબંધ નથી. તમારે પણ આ જ રીતે જ રહેવાનું છે.. વ્યવહાર સાચવવાનો… પણ નિશ્ચયમાં રહેવાનું છે.

તો આ શુદ્ધ મનોગુપ્તિ થઇ કે વિચારો જ ન આવે. અને વિચારોની ભૂમિકા જ્યાં સુધી છે conscious mind ની ભૂમિકા ઉપર તમે જ્યાં સુધી છો ત્યાં સુધી આ શબ્દો પણ અંદર ઉતરવાના નહિ. પ્રભુનું દર્શન કરવા જશો… પણ પ્રભુનું પ્રતિબિંબ અંદર ઉપજશે નહિ. આજુબાજુવાળા નું ઉપજશે. કારણ કે conscious mind નું લેવલ છે. એટલે જ ઘણા ગુરુઓ સાધના આપતા પહેલા conscious mind ને વિખેરી નાંખે છે.

ગુર્જિયેફની વાત આવે છે… એક સાંજે ગુર્જિયેફ બેઠેલા હતા પોતાના આસન ઉપર, અને એક સાધક આવ્યો…એણે કહ્યું ગુરુદેવ! મને સાધના આપો. સાધના કઈ આપવી એ તમારે નથી વિચારવાનું… એ ગુરુએ નક્કી કરવાનું છે. તો કહે કે સાહેબ મને સાધના આપો. ગુરુનું તો એ જ કામ છે… તમે આવો એટલે આપી દઈએ. પણ ગુરુએ જોયુ કે મનની ભૂમિકા સ્થિર નથી. વિચારો ક્યાં ના ક્યાંય દોડી રહ્યા છે. શરીરથી મારી પાસે બેઠો છે. મનથી ક્યાં નો ક્યાંય છે…તમે બધા અત્યારે શરીરથી અહીંયા, મનથી ક્યાં? હું તો એકદમ ટાઈમ ટુ ટાઈમ પ્રવચન પૂરું કરનારો છું. કોઈ મહાત્મા એવા હોય પા કલાક વધુ થઇ જતો હોય. ત્યારે પેલો ઘડિયાળ સામે જોયા કરે. હવે ક્યારે પ્રવચન પૂરું થશે.

conscious mind નું લેવલ નહિ. વિચારોને નીચે મુકીને આવો. મનને નીચે મુકીને આવો. તો ગુર્જિયેફે જોયું કે આને સાધના કઈ રીતે અપાય… અમે તો બેઠા છીએ કેમ? કે અમારો સ્વાધ્યાય તો થાય. પણ તમને મળે, તો અમે બહુ રાજી થઇ. તો ગુર્જિયેફે વિચાર કર્યો કે આના conscious mind ને હટાવી દેવું. એટલે ગુર્જિયેફે કહ્યું કે આ હોલ છે ને એમાં આ એક લાકડાનો બિંમ સુથારો ગોઠવતા હતા. પણ બિલકુલ centre માં ન આવ્યો ને એ લોકોનો ટાઈમ થયો એ લોકો જતા રહ્યા. તો ઉપર ચડી જા તું. બિંમને centre માં લાવી દઈએ. પેલો ઉપર ગયો. બરોબર બેઠો. ગુરુ નીચેથી કહે છે… right… પેલાએ જમણો ખેંચ્યો. ગુરુ કહે છે ઘણું ખસી ગયું આ તો… આપણે તો મીડલમાં – સેન્ટર માં જોઈએ. હવે ડાબું ફેરવ. પેલો ડાબું ફેરવે… હજુ ઓછું છે. હજુ ઓછું છે… એટલે થોડો વધારે ખસે અરે આ તો બહાર નીકળી ગયો. એમ અડધો કલાક right left, right left કરાવ્યું. પેલો માણસ આખો દિવસ કામ કરીને આવેલો. થાકેલો તો હતો જ થોડો શરીરથી. અને એમાં એકધારું કામ કરવાનું આવે… મનને છે ને નવીનતા માં રસ પડે. એક નું એક કામ હોય તો એ કંટાળી જાય છે. દર્શન અને પૂજા વખતે મન કેમ સ્થિર નથી રહેતું… અને રોટલી પાછી રોજની એ ની એ હોય… તો ય મન રહે એમાં… અડધો કલાક left right કરાવી. પેલાને સહેજ ઊંઘ આવી ગઈ. ગુરુએ જોયું બેઠો છે બરોબર… પડે એમ નથી. ૨ મિનિટ, ત્રણ મિનિટ, ચાર મિનિટ, એને સુવા દીધો. તમે સુવો ઘસઘસાટ ઉંધો ત્યારે શું થાય? conscious mind બાજુમાં ખસી જાય. સ્વપ્ન પણ ક્યારે આવે… અડધી ઊંઘમાં આવે. પુરી ઊંઘમાં ન આવે. પુરી ઊંઘમાં conscious mind બાજુમાં ખસી ગયેલું હોય છે. અને એટલે જ તમને રાહત થાય છે. આખી રાત સ્વપ્ન ચાલેલા હોય, તો તમે fresh ન થાઓ. પણ ઘસઘસાટ ઊંઘ આવેલી હોય, તો fresh થાઓ. એનું કારણ સમજ્યા…. તમારું conscious mind જો સતત વિચારો કરતું રહે ને તો તમે હેરાન પરેશાન થઇ જાઓ. આ કુદરતે રાત્રે ઉંઘવાની વાત મૂકી છે એ બહુ સારી છે. કે conscious mind જે છે એને આરામ મળી જાય. તો પેલો ઝપકી લે છે. ગુરુએ એને ઊંઘવા દીધો ૩ – ૪ મિનિટ. અને પછી નીચેથી બુમ મારી. એય શું કરે છે… પેલાએ આંખ ખોલી. તમે જોજો ઊંઘમાંથી ઉઠો. આંખ ખુલ્લી છે. પણ memory જે છે ને એ તત્ક્ષણ જાગૃત નથી થતી. તમારે વિચારવું પડે ક્યાં છું. તમે તો ઘરમાં જ રહો છો એટલે વાંધો નહિ. પણ અમે તો ફરનારા… આઠ મહિના ઘુમક્કડ. યાયાવર  તો અમે કોઈ જગ્યાએ ગયેલા હોઈએ ને રાતનો સમય હોય દેહ ચિંતા માટે જવાનું હોય… દંડાસન હાથમાં આવી ગયું… આંખ ખુલી ગઈ… પણ એ વિચારવું પડે ક્યાં છીએ… સાંજે આવેલા ને અહીં ઉતરેલા… પણ મેડા ઉપર ઉતરેલા કે નીચે ઉતરેલા… દાદર ક્યાં છે… એટલે memory પાછળથી આવતી હોય છે. તો હવે આ એક એવી અદ્ભુત ક્ષણ થઇ કે conscious mind નથી અને તમે છો. મન ન હોય અને તમે હોવ આ એક અદ્ભુત ક્ષણ છે. એવી એક ક્ષણ મળી જાય ને પરમાત્મા આ રહ્યા. સ્વાનુભૂતિ આ રહી. તો મન નથી, તમે છો. સાધનામાં આવી ક્ષણો મેળવવી જોઈએ.

ગુરુએ બુમ મારી એય શું કરે છે… પેલાએ આંખ ખોલી… પણ memory ને આવતાં વાર લાગે છે… હું ક્યાં છું, ક્યાં બેઠો છું… ગુરુ સામે નજર જાય છે. હજુ બરોબર યાદ નથી આવતું. એ વખતે ગુરુએ એની સાથે આંખ મિલાવી… આંખથી શક્તિપાત કર્યો અને પેલાએ શક્તિપાતને ઝીલી લીધો. એક જ ક્ષણ વિચારો વગરની ક્ષણ. conscious mind વગરની ક્ષણ. અને શક્તિપાત થઇ ગયો. તમારે શું કરવાનું છે બોલો અહીં ને અહીં રહેવાનું છે કે મારી સાથે આવવાનું છે… મેં પહેલા કહેલું કે પર્યુષણ પહેલાંના મારા પ્રવચનોમાં હું તમારી નજીક આવતો હોઉં છું… પર્યુષણ પછીના પ્રવચનોમાં મારે તમને ખેંચવાના છે. આ બધી વાતો practically શરૂ કરો. ૫ – ૧૦ મિનિટ એવી રાખો કે વિચારો વગરની હોય. કદાચ વિચાર આવી ગયો તો પણ એને જોઈ લો… એ વિચારમાં ભળો નહિ.

ચા પીવો છો tasty ચા છે. તો રાગનો વિચાર આવ્યો. એની સાથે મને રાગ આવ્યો છે… એ વિચાર પણ થઇ શકે. બે વિચાર થયા. ચા tasty છે એ પણ વિચાર આવ્યો. અને મને આસક્તિ થઇ છે એ વિચાર આવ્યો. ચા tasty છે એ વિચાર કોને આવ્યો… સંજ્ઞાવાસિત મનને આવ્યો. conscious mind ને આવ્યો. અને હું મારામાં ઉઠેલી આસક્તિને જોઈ રહ્યો છું. આ વિચાર કોનો છે? દ્રષ્ટાનો છે.

તો પ્રભુની સાધના અદ્ભુતથી પણ અદ્ભુત હતી પણ એ સાધનાનો એક નાનકડો કણ, એ સાધનાની એક નાનકડી ક્ષણ આપણને મળી જાય… આપણું જીવન સાર્થક બને. કાલે મેં કહેલું પ્રભુએ સાડા બાર વર્ષ કાઉસ્સગ ધ્યાન કર્યું તમે સાડા બાર મિનિટ કરશો? આ પ્રવચનોને બરોબર સાંભળવા હોય તો આ practical approach છે. એક તો approach એ આપ્યો કે ટટ્ટાર બેસવાનું. બીજો approach આ કે સાડા બાર મિનિટ કાઉસ્સગ ધ્યાન કરવું. લોગસ્સ બોલવાના પહેલા એક, બે, ત્રણ… મન એકદમ શાંત થઇ જાય… લોગસ્સ છોડી દેવાના.. અને શાંત રીતે, શાંત ચિત્તે બેસી રહેવાનું. તમે શાંત ક્યારે રહ્યા જ નથી. તો અદ્ભુત પ્રભુની સાધના એને આપણે સાંભળી.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *