Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 55

545 Views 24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિશ્ચય સામાયિક

પ્રભુની ગૃહસ્થપણાની ત્રીજી સાધના – જ્ઞાતાદ્રષ્ટાભાવનો અભ્યાસ. જ્ઞાતાદ્રષ્ટાભાવના બે રૂપો છે. પહેલું રૂપ એ કે તમે માત્ર જાણો છો; માત્ર જુઓ છો; સામે રહેલી વ્યક્તિ કે પદાર્થમાં સારા-નરસાપણાનો ભેદ તમને લાગતો નથી. અને જ્ઞાતાદ્રષ્ટાભાવનું બીજું રૂપ એ છે કે જ્યાં તમારે માત્ર તમને જ જોવાના છે; માત્ર તમને જ જાણવાના છે.

બે વર્ષ ગૃહસ્થપણાની સાધના કરીને પછી પ્રભુ દીક્ષા લે છે. દીક્ષાનું જે સૂત્ર છે, તે અનાસંગ યાત્રાનું સૂત્ર છે. Detachment નું સૂત્ર. अहुणा पव्वइए रीइत्था. પ્રભુએ દીક્ષા લીધી અને વિહાર શરુ કર્યો. અનાસંગ યાત્રા.

દીક્ષા સમયે પ્રભુ કરેમિ સામાઈઅં બોલે, ત્યારે એમનો સમભાવ કેવો હશે – એનું તો માત્ર અનુમાન જ કરી શકાય. પણ આપણું મન જો નિઃસંગ, નિરાભાસ, નિરાકાર, નિરાશ્રય અને પુણ્ય-પાપથી વિનીર્મુક્ત હોય, તો આપણું સામાયિક નિશ્ચય સામાયિક કહેવાય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૫૫

દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની સાધનાની અંતરંગ કથા.

ગૃહસ્થપણામાં ૨ વર્ષમાં પ્રભુએ ૩ સાધનાને ઘૂંટી. એક્ત્વાનુભૂતિ, કાયગુપ્તિનો અભ્યાસ અને જ્ઞાતાદ્રષ્ટાભાવ.

બહુ મજાનો શબ્દ છે જ્ઞાતા. મહોપાધ્યાયજીએ કહ્યું જ્ઞાયક ભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધેએક જ્ઞાયક ભાવ જ્ઞાતાભાવ તમારી પાસે આવી ગયો. આનંદ જ આનંદ. જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવના ૨ રૂપો છે. પહેલું રૂપ તો એ છે કે તમે જાણો છો, માત્ર જાણો છો. માત્ર જુઓ છો. અને સામે રહેલી વ્યક્તિ કે પદાર્થમાં સારા નરસાપણાનો ભેદ તમને લાગતો નથી. પદાર્થ માત્ર પદાર્થ છે. અને દરેક વ્યક્તિ ભવિષ્યના સિદ્ધ આત્મા. તમે તો પદાર્થોનું તો વર્ગીકરણ કર્યું સારા અને ખરાબમાં, માણસોનું પણ કરી નાંખ્યું. અમુક લોકો સારા, અમુક ખરાબ. સારા કોણ? તમારા અહંકારને પંપાળે… તમને સારા કહે એ સારા. તમારા અહંકારને ખોતરે તમને ખરાબ કહે એ બધા ખરાબ. એટલે દુનિયાનું કેન્દ્રબિંદુ તમે થઇ ગયા. કે તમારા આધારે બધા બધી જ વ્યક્તિઓનું વર્ગીકરણ થાય.

અત્યાર સુધી જોયું, જાણ્યું. સારા અને નરસામાં એણે વિભાજિત કર્યું. રાગ અને દ્વેષની ધારામાં ગયા. સંસાર આપણો ચાલુ રહ્યો. જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવનું પહેલું રૂપ આવે ત્યારે શું થાય? તમે માત્ર જાણો છો. માત્ર જુઓ છો. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે, કે આજનો માણસ ફક્ત એક પણ ક્રિયા કરતો નથી. એ જમતો હોય છે અને ઓફીસના વિચારો કરતો હોય છે. ઓફિસે જાય છે અને ઘરના વિચારો કરે છે. ઘરે આવે છે અને ઓફીસના વિચારો કરે છે. એક માત્ર ક્રિયા તમે કરતા હોવ એવું બનતું નથી. કારણ તમારા મનની એક વિવરીંગ તમારા મનની ચંચળતા. સતત મન આમથી તેમ ઝૂલ્યા કરે છે. અને તમે મનની સાથે ઝૂલ્યા કરો છો. Actually મન જેવું obedient servant એક પણ નથી. તમે મનને આજ્ઞા આપો અને મન એ આજ્ઞા સ્વીકારે જ.

માત્ર શું કરવું પડે? એક નોકર બીજા નોકરને કહેશે તો નોકર નહિ માને. પણ Boss કહેશે તો? એમ તમે મનની સપાટીથી ઉપર, ઉપર, ઉપર જાવ. ચિત્તની સપાટીમાં, લેશ્યની સપાટીમાં, એનાથી પણ ઉંચી સપાટીમાં અને પછી મનને આજ્ઞા કરો મન એ આજ્ઞા સ્વીકારવાનું જ છે.

તો જ્ઞાતાભાવ, દ્રષ્ટાભાવનું પહેલું રૂપ તમારી પાસે આવે તો તમારી ૯૦% નહિ ૯૯% પીડા ખતમ થઇ જાય. પીડા શેની છે? આ સારું છે એ જોઈએ છે એ મળતું નથી. આ ખરાબ છે. નથી જોઈતું એનાથી છુટકારો મળતો નથી. પણ જ્ઞાતાદ્રષ્ટાભાવ આવ્યો, પદાર્થ પદાર્થ છે અને દરેક વ્યક્તિ સિદ્ધ સમાન છે. બધી જ પીડા છુ.

 જ્ઞાતાભાવ દ્રષ્ટાભાવનું બીજું રૂપ એ છે, જ્યાં તમારે તમને જ જોવાના છે. તમારે તમને જ જાણવાના છે.

ગુર્જિયેફની પાસે સાધકો આવતાં. New commer સાધક હોય ત્યારે ગુર્જિયેફ એ સાધકને સેકંડ કાંટા વાળી ઘડિયાળ પકડાવતાં. અને કહેતાં second to second કાંટાનો પીછો કર, એક મિનિટ સુધી. થઇ શકે? એક એક સેકંડે કાંટો કેવી રીતે ખસ્યો એ તમે જોઈ શકો છો. પછી ગુર્જિયેફ બીજું લેશન આપે છે. કે હવે ઘડિયાળના કાંટાને જોનારને તું જો. ઘડિયાળનો કાંટો તો જોવાયો… પણ જોનાર જે હતો એ જોનારને તું જો. અને દરેક સાધક frankly કહેતો કે જોનારને સતત જોઈ શકાતો નથી. આત્મસ્વરૂપની એક ક્ષણ, બે ક્ષણ વિભાવના થઇ. આંશિક અનુભૂતિ થઇ, વિચારો આવ્યા એ ધારા છૂ થઇ ગઈ. તો જોનારને જોવામાં જાણનારને જાણવામાં તકલીફ માત્ર વિચારોની છે.

એટલે તમારે જો આ પ્રક્રિયામાં જવું હોય તો પહેલા તમારે તમારા વિચારને શાંત કરવા પડે, વિચારો ઉપર તમારું નિયંત્રણ તમારે સ્થાપિત કરવું પડે. સારા વિચારો આવે છે આવવા દો. જે ક્ષણે વિચાર રાગ અને દ્વેષથી ખરડાયો.. એ જ ક્ષણે switch off કરો. આ નિયંત્રણ તમારા હાથમાં આવે તો તમે જોનારને જોઈ શકો. જાણનારને ને જાણી શકો.

અધ્યાત્મબિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાય કહે છે કે આત્માને જેણે નથી જાણ્યો એને કંઈ જ જાણ્યું નથી. અને જેણે આત્મતત્વને જાણ્યું એણે બધું જ જાણી લીધું. બાકી શું જાણવાનું હોય છે. હમણાં જ એક Philosopher એ કહેલું કે લોકોને તાજું છાપું વાંચવાનો આગ્રહ હોય છે. આજનું છાપું. પણ આજનું છાપું વાંચો કે ૨ વર્ષ પહેલાનું છાપું વાંચો ફરક શો પડે….. અહીંયા ખૂન થયું, અહીંયા ચોરી થઇ, અહીંયા આમ થયું. શું જાણવાનું છે બહાર… અમારા લોકોની તો બહાર જાણવાની, જોવાની રુચિ ખતમ થઇ ગઈ. બહાર કશું નથી, જે છે એ ભીતર છે. તો માત્ર જોનારને જોવો છે. જાણનાર ને જાણવો છે. જાણી શકાય… જોઈ શકાય… અને એ જાણી શકાય, એ જોઈ શકાય તો જ આપણો અવતાર સાર્થક. તો પ્રભુએ આ ૩ સાધના ૨ વર્ષ સુધી ઘૂંટી. અને પછી પ્રભુ દીક્ષા લે છે.

દીક્ષાનું જે સૂત્ર આવે છે અનાસંગ યાત્રાનું સૂત્ર છે. Detachment નું.

“अहुणा पव्वइए रीइत्था”

કોઈ વરઘોડાની વાત નથી. કોઈ પંચમુષ્ટિ લોચની વાત નથી. માત્ર સાધના કથા, અંતરંગ સાધના કથા… પરમ પાવન આચારાંગજી માં છે. સૂત્ર ૩ જ શબ્દોનું છે. “अहुणा पव्वइए रीइत्था” પ્રભુએ દીક્ષા લીધી અને વિહાર શરુ કર્યો. અનાસંગ યાત્રા.

અંજનશલાકાની વિધિમાં દીક્ષા કલ્યાણક આવે. એ વખતે પ્રભુના માથાના વાળનું લૂંચન અમારે કરવાનું હોય છે. એ વખતે હું પ્રવચનમાં કહેતો હોઉં, કે પ્રભુનો લોચ કરનાર અમે કોણ? ક્યાં પરમાત્મા ક્યાં અમે…. પણ ભક્ત symbolically  – પ્રતિકાત્મક રીતે ખોલે છે. અમે આ લૂંચન કરીને પ્રભુને વિનંતી કરીએ છીએ કે પ્રભુ આ મારા બ્રહ્મરંદ્રને ખુલ્લું કરો. એવી રીતે અમારા વાળોને ઉખેડી લો કે અમારા કષાયો, અમારા વિષયો બધા જ ઉખડી જાય. એ વખતે પછી ‘કરેમિ ભંતે’ બોલવાનું હોય છે. પ્રભુ જ્યારે દીક્ષા લે ત્યારે કરેમિ સામાઈઅં બોલે, ભંતે ન બોલે. કારણ પ્રભુને ગૃહસ્થપણામાં કોઈ ગુરુ હોતા નથી. દીક્ષા લે છે બસ સિદ્ધોની સાક્ષીએ. કરેમિ સામાઈઅં. એ સમભાવ પ્રભુનો કેવો હશે એનું તો ખાલી અનુમાન કરી શકાય. પણ સામયિકમાં તમારું મન કેવું હોવું જોઈએ એની વાત યોગપ્રદીપ ગ્રંથમાં છે. બહુ જ મજાનો ત્યાં શ્લોક છે

निस्सङ्गं  यन्निराभासं , निराकारं निराश्रयम्  |

पुण्यपापविनिर्मुक्तं  मनः, सामायिकं  स्मृतम् ||

મન પાંચ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થાય તો સામાયિક થાય. કેવું હોવું જોઈએ મન? નિસ્સંગ મન, નિરાભાષ મન, નિરાકાર મન, નિરાશ્રય મન. અને પુણ્ય પાપ વિનીર્મુક્ત મન. આવું મન તમારું બને તો નિશ્ચય સામાયિકમાં તમે આવી જાઓ.

પહેલી વાત નિસ્સંગ મન. કોઈ પણ પદાર્થનો, કોઈ પણ વ્યક્તિનો, એ સમયે મનમાં સંગ ન હોય. સામયિકમાં તમે બેઠા છો… ધોતી અને ખેસ પહેરેલો છે. તો એ વસ્ત્રનો સંગ છે. પણ શરીરને છે, તમને નહિ. ધોતી ખેસ એકદમ નવા છે. સામાયિક લીધું અને ખેસ પર નજર ગઈ. બહુ સરસ લાગે છે. તો મન નિસ્સંગ ન રહ્યું. હવે આમ જુઓ તો કેટલી સરળ વાત છે.. તમે સામાયિકમાં ન હોવ, જમવા માટે બેસો ભોજન લેવાની છૂટ છે. પણ શરત એટલી જ છે કે શરીર ભોજન લે મન નહિ. મન એમાં ડૂબેલું હોવું ન જોઈએ.

એના માટે હું  litmus test આપું છું. પૂજા કરીને તમે આવ્યા. તમે ઝમ્ભો અને પાયજામો પહેરો છો. ઝમ્ભા ના ૪ – ૫ કલરો છે. એસ કલર, મરૂન કલર… પૂજા કરીને તમે આવ્યા, wardrobe માં કપડાં હતા. તમે ઝમ્ભો પહેર્યો, પાયજામો પહેર્યો. નવકારશીનું પચ્ચક્ખાણ પારીને અને તમે ડાઈનીંગ ટેબલ ઉપર બેઠા. નાસ્તો થઇ ગયો. પછી એક મિનિટ આંખને બંધ કરો. અને તમારી જાતને પૂછો કે આજે ઝમ્ભો જે પહેર્યો છે એ કયા કલરનો છે? જવાબ ખોટો મળે, અથવા જવાબમાં ગુપચા પણ થાય તો તમે સાધક તરીકે સાચા. અને જવાબ સાચો મળે તો તમે ખોટા. તો સામયિકમાં જ નહિ, પૂરો દિવસ કોશિશ કરો કે શરીરને પદાર્થોની જરૂરિયાત છે. તો શરીરને ભલે પદાર્થોનો સંગ થાય, મારા મનની અંદર સારાપણા કે નરસાપણાનો સંગ થાય એ રીતે હું નહિ જ ચાલુ. કર્મબંધ ક્યાં થાય?  શરીર કપડાં પહેરે એમાં કર્મબંધ ન થાય. પણ મનમાં એ વસ્ત્રો માટે રાગ – દ્વેષ થાય તો કર્મબંધ થઇ જાય.

મુલ્લાજી સવારે ઘરે બેઠેલા. નાસ્તો થઇ ગયેલો. ૮ વાગેલા. સારા કપડાં પહેર્યા. ત્યાં એમનો ભાઈબંધ ગામડેથી આવ્યો. ભાઈબંધ બહુ જ સુખી હતો. બહુ મોટી જમીનો એની પાસે હતી. બહુ મોટો બંગલો ગામડામાં હતો. એ મળવા માટે આવ્યો. મુલ્લાજીએ એને ચા પીવડાવી. પછી મુલ્લાજીએ કહ્યું, હું થોડા ઓફિસરોને મળવા માટે જાઉં છું. તારે પણ એ ઓફિસરોનો પરિચય તો કરવો જ પડે. તો તું મારી સાથે ચાલ. હું તારો પરિચય કરાવી દઉં. પેલો કહે એ વાત તો ખરી પણ હું તો તારે ત્યાં આવેલો અને જોને મેં ઝમ્ભો કેવો પહેર્યો છે મેં… મુલ્લાજી કહે કોઈ વાંધો નહિ. મારો નવો ઝમ્ભો તને આપી દઉં. મુલ્લાજીનો સરસ મજાનો નવો ઝમ્ભો પેલાએ પહેરી લીધો. ચાલ્યા બેય.. પહેલા ઓફિસરને ત્યાં ગયા. વાતચીત થઇ. અને અત્યારે introduce કરાવવાની પરંપરા છે. તો મુલ્લાજીએ કહ્યું આ મારા મિત્ર છે. Close friend. ગામડામાં રહે છે. બહુ મોટો બંગલો છે. બહુ મોટી જમીનો છે. અને અમે લોકો એટલા close છીએ કે એમણે ઝમ્ભો પહેર્યો છે એ મારો છે. ઝમ્ભો મનમાં જ હતો. પહેર્યો છે પેલાએ પણ મુલ્લાજીના મનમાં ઝમ્ભો ઝમ્ભો છે. બહાર નીકળ્યા પેલો મિત્ર તો બગડ્યો. આ રીતે પરિચય અપાય. તું મારો પરિચય આપવા નીકળ્યો કે ઝમ્ભાનો પરિચય આપવા નીકળ્યો. નહિ, નહિ, નહિ હું હવે નહિ કહું. હું મારો ઝમ્ભો છે આવું હવે નહિ કહું. બીજા ઓફિસરને ત્યાં, ત્યાં પણ વાત થઇ આ મારા મિત્ર છે, એમણે ઝમ્ભો પહેર્યો છે એ એમનો જ છે. ઝમ્ભો તો આવી જ ગયો. બહાર નીકળ્યા પેલો તો બહુ બગડ્યો. મારે તારી જોડે નથી આવવું. નહિ.. નહિ નહિ. હવે એક જ ઓફિસર બાકી છે… હું પ્રતિજ્ઞા લઉં છું હું ઝમ્ભાની વાત નહિ કરું. ગયા… પાછું introduction ચાલ્યું કે આ મારા મિત્ર છે, ગામડામાં રહે છે બંગલો છે, જમીનો છે, હા બધી વાત એમની કહીશ પણ એમના ઝમ્ભાની વાત નહિ કહું. કારણ કે મેં પ્રતિજ્ઞા લીધી છે. એના મનમાં ઝમ્ભો હતો. તમારા મનમાં કેટલું કેટલું છે એ તો મને કહો.

આજનો માણસ hill station જાય, પણ ત્યાં એ મનની અંદર બધાને લઈને જાય. એકલો ગયો હતો, તું એકલો ગયો હતો… કેટલાય ને સાથે લઈને ગયેલો. તો સામાયિકની પહેલી શરત નિસ્સંગ મન.

 બીજી શરત છે નિરાભાસ મન, સ્મૃતિ પણ થવી ન જોઈએ. સામયિકમાં બેઠા અને કોઈ વાતનું સ્મરણ થઇ આવ્યું તો મનમાં સંગ થઇ ગયો. એટલે નિઃસંગતા ને વધુ તીક્ષ્ણ sharp બનાવવા માટે બીજું સૂત્ર આપ્યું निराभासं मनः.  સ્મૃતિ, પડછાયો, આભાસ કશું જ ન જોઈએ. ઘટના ઘટી ગઈ, વાત પૂરી થઇ ગઈ. ઘટના ઘટી જાય…. અને તમે તમારા મનમાં સ્મરણ દ્વારા ક્યાં સુધી એ ઘટનાને રાખો. ચાલો એક વાત તમને પૂછું મજાની. બે મિનિટ કોઈએ તમને ગાળો આપી. ઘટના દુઃખદાયિની હતી. બરોબર ભાઈ… ઘટના પીડા આપે એવી હતી ને…. પેલા ભાઈ ગયા. હવે તમે કલાકો સુધી એ ઘટનાને યાદ રાખો. પેલા અંકલે મને આમ કીધું, એમણે આવી ગાળો આપી, શું હું બદમાશ છું, શું હું લુચ્ચો છું. એ ઘટનાથી પીડા પેલા અંકલે ૨ મિનિટ તમને આપી. અને કલાકો સુધી પીડા હવે કોણ આપે છે? કોણ આપે છે? તમારું મન. એ ઘટનાને ભુલી જાવ તો…

શાસ્ત્રોએ એટલે જ કહ્યું “સંજોગ મૂલા જીવેણ, પત્તા દુઃખ પરંપરા”.  સંયોગથી જ પીડા ઉભી થાય છે તો મનની અંદર સ્મરણ દ્વારા પણ સંગ ઉભો નહિ કરવો. ઘટના પતી ગઈ એનું વિસર્જન થઇ ગયું. ગઈ કાલે ગણેશજીનું વિસર્જન થયું. એક સરસ પરંપરા… ગણેશજી એટલે શું… ગણ + ઈશ = ગણેશ. કોઈ પણ વૃંદના નેતા એ ગણેશ. તો એક મજાની વાત આપણને સમજાવી… કે કોઈ પણ સમાજનો નેતા કેવો હોવો જોઈએ. એના કાન મોટા હોય, એ બધાની વાત સાંભળે પ્રેમથી. પછી પેટ મોટું છે. એટલે બધી વાત પેટમાં સમાઈ જાય. બહાર નીકળે નહિ. મોઢે સૂંઢ છે.  બોલવાનું છે નહિ. એ ગણેશ આવ્યા.  એમણે સંદેશ આપ્યો કે ભાઈ કોઈ પણ નેતા હોય એ મારા જેવો બને અને કોઈ પણ વ્યક્તિ મારા જેવી બની જાય તો એ સુખી થઇ જાય. અને એ સંદેશ આપી અને જલમાં પાછા વિસર્જિત થઇ ગયા. પણ એ સંદેશ કેટલો મજાનો હતો કે કાન મોટા રાખો બધાની વાત સાંભળો. ક્યાંય એને લીક ન કરો. મોઢું બંધ રાખો. તો निराभासं मनः સ્મૃતિ પણ નથી.

ત્રીજી વાત કરે છે – निराकारं. મનમાં કોઈ આકારો ન જોઈએ. કોઈનો સરસ બંગલો જોયો… તમે નાનકડા flat રહો છો ઈચ્છા થાય, કોઈ tower માં રહેતા હોવ તો ઈચ્છા થાય કે આવો બંગલો આપણો પણ હોય. પછી શું થાય… આ ઈચ્છાને કારણે બંગલો મનમાં આવે. એટલે બંગલાનો આકાર અંદર ખડો થાય. પછી વિચાર ક્યાં સુધી ચાલે… હું આવો બંગલો બનાવીશ ને તો આ રૂમ પૂજા માટે, આ મોટો રૂમ ડાઈનિગ રૂમ થશે, આ રૂમ બેડરૂમ થશે. શક્યતા જ નથી બંગલાની… એટલી સંપત્તિ પણ નથી અને મનની અંદર આકારો થયા કરે. તો વિકલ્પોને કારણે મનની અંદર ભિન્ન ભિન્ન આકારો થયા કરે છે. આકારો થાય, વિસર્જિત થાય. ફરી નવા આકારો થાય ફરી વિસર્જિત થાય. એક વ્યક્તિ બહુ જ પ્રિય છે… એ ગઈ તો પછી મનમાં એનો જ આકાર ઉભો થશે. સામાયિક કેવી રીતે કરવું છે. निराकारं मनः મનમાં કોઈ પણ આકાર ન હોય. કોઈ પણ વિકલ્પ ન હોય. હું ઘણીવાર પૂછતો હોઉં છું કે વિકલ્પો ૧૦૦% નકામા કે ૯૯% નકામા? બોલો તો… તમારા જે વિચારો સતત તમને આવી રહ્યા છે એ કામના કેટલા..? કામના બિલકુલ નહિ. પણ એની સામે એ વિકલ્પો તમારો સમય કેટલો લઇ જાય.. તમારી energy કેટલી ખતમ કરે.

અમે લોકો એકદમ fresh છીએ ને એનું કારણ આ જ છે निराकारं मनः તમે સામે છો જોઈ લીધા. તમે આમ ગયા દર્પણ કોરું. બે જાતના દર્પણની આજે વાત કરું. સામાન્ય સાધક હોય, તો એનું મન કેવા દર્પણ જેવું હોય, સાદા દર્પણ જેવું. દર્પણની સામે કોલસો મુક્યો… પ્રતિબિંબ પડશે… પણ કોલસાની કાળાશ ત્યાં નહિ જાય. કોલસાને લઇ લીધો દર્પણ કોરું કટ છે. એમ સામાન્ય સાધકનું મન કેવું હોય… કોઈ આવ્યું, ખ્યાલ આવ્યો આ ભાઈ છે, આ બહેન છે. પ્રતિબિંબ પડ્યું, એ ગયા, કોઈ સ્મૃતિ નથી. દર્પણ કોરું કટ. આ પ્રારંભિક સાધકોનું મન. સમજ્યા.

તમે તો ઉચકાયેલા સાધક છો ને… તો પ્રારંભિક સાધકનું મન આવું હોય… ઉચકાયેલા સાધકનું મન કેવું હોય… કે એનું મન જાદુઈ દર્પણ જેવું હોય. સામે જે હોય એનું પ્રતિબિંબ ન પણ પડે. કલાપૂર્ણસૂરિ દાદા જેવી વિભૂતિ હોય, એમને સાંભળવા સેંકડો લોકો આવેલા હોય, પણ એ પ્રવચન આપતી વખતે પણ દાદાના મનમાં એ સભાનું પ્રતિબિંબ પડતું નથી. પ્રભુનું પ્રતિબિંબ પડે છે. આ જાદુઈ દર્પણ કે સામે જે છે એનું પ્રતિબિંબ પડતું નથી. તો અમે લોકો એકદમ fresh છીએ. અમારી freshness ગમી ગઈ આમ? ગમી? થવું છે આવા fresh? વિકલ્પોને cut કરી દેવાના બસ… ઘટના ઘટી, પૂરી થઇ, વાત પૂરી થઇ.

પછી કહ્યું निराश्रयं मनः મનને કોઈ આશ્રય ન મળે. મનને બે આશ્રય છે – ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમે વર્તમાનકાળમાં જ રહો તો મનની કોઈ જરૂરિયાત રહે જ નહિ. મન યા તો તમને ભૂતકાળમાં લઇ જાય, યા તો ભવિષ્યકાળમાં લઇ જાય. વર્તમાનકાળમાં તમે છો. અસ્તિત્વ તમારું છે. Being છે. Being ની ક્ષણોમાં વિચારો નથી. તો ભૂતકાળ અને ભવિષ્યકાળ બે એના આશ્રય છે. મનના. એ આશ્રયને જ તોડી નાંખો. કઈ રીતે તોડાય? એના પ્રત્યેનો રસ ઉડી જાય ત્યારે… કોઈ જ્યોતિષી આવીને મને કહે ને કે હું તમારો હાથ જોઇને બધું કહી દઉં. હું એને ના પાડું… કે કંઈ જરૂરિયાત નથી.  જે ક્ષણે જે થવાનું છે એ થવાનું જ છે. અને કદાચ કોઈ કહી દે કે મહિના પછી જવાનું છે, તો કહી દે વાંધો નહિ આજે જવાનું હોય તો ય તૈયાર છીએ. ભવિષ્યની કોઈ ચિંતા ન હોય. જે પર્યાય જે વખતે ખુલવાનો હોય છે એ વખતે ખુલવાનો જ છે. રોગ આવ્યો અને તમે કહો ઓહ! રોગ આવ્યો… રોગ આવ્યો… અરે આવવાનો જ હતો… સ્વીકારી લો. દવા કરવાની છૂટ છે. પણ આર્તધ્યાન કરવાની છૂટ નથી. ખરેખર તો રોગ આવ્યો એમ ન કહો.. રોગ જાય છે એમ કહો. અશાતાવેદનીય કર્મ બાંધેલું એના કારણે રોગ આવ્યો. રોગને સહન કરો એટલે શું થાય? કર્મ ખરી જાય. રોગ જાય છે… ગયો.. તો निराश्रयं मनः ન ભૂતકાળનો કોઈ રસ છે. ભૂતકાળમાં ઘટના ઘટી જ ગઈ છે.. એમાં મન મુકવાનો કોઈ અર્થ નથી. ભવિષ્યકાળમાં શું થશે.. એ વિચારવાની કોઈ જરૂર નથી.

તમે શ્રાવક છો. તમારી એક ભૂમિકા છે. કે તમે થોડું જોઈ પણ શકો પણ જે પણ ભવિષ્યનો વિચાર કરો એમાં રાગ – દ્વેષ છલકાવવા ન જોઈએ. પરિવાર લઈને બેઠા છો… તો એ પરિવારને વ્યવસ્થિત તમારે આપવું જોઈએ. એના માટે તમારી પાસે સંપત્તિ પણ જોઈએ. એ સંપતિને તમે કમાવો પણ ખરા.. અને કયા ધંધામાં સારું છે કયો ધંધો વ્યવસ્થિત આ બધું તમે વિચારી પણ શકો છો… પણ એ વિચારમાં રાગ – દ્વેષ જેટલા ઓછા પડેલા હોય એટલું વધુ સારું. એટલે એક સૂત્ર આપું – દુકાને ગયા, ઓફિસે ગયા, કાપડની દુકાન હોય કે બીજી કોઈ દુકાન હોય… જો વકરો ન જ થયો આખા દિવસમાં તો શું વિચારવાનું? આજે સંપતિ નથી મળી સારું થયું મારી મૂર્છા વધારે વધશે નહિ. પૈસા વધારે આવી ગયા હોત તો એક આસક્તિ થાત. આજે પૈસા નથી મળ્યા તો આસક્તિ નહિ થાય. અને પૈસા વધારે મળે તો… તમને મળે એમાંથી ૧૦% તમારા હોય, ૫૦% તમારા હોય… ૫૦% તો ધર્મમાં જ ખર્ચવાના છે. એટલે તમે સમજો કે પૈસા મળ્યા તો ધર્મ વધારે થશે. બે બાજુ લાભ. મળે તો ય લાભ. ન મળે તો ય લાભ. તો निराश्रयं मनः ન ભૂતકાળમાં જવું છે. ન ભવિષ્યકાળમાં.

એક પ્રોફેસર એક પ્રવચન આપવા માટે દૂરના એક શહેરમાં જવાના હતા. એ તારીખનું રીઝર્વેશન કરાવી લીધું. એરકંડીશન કૂપેમાં રીઝર્વેશન મળી ગયું. સમયસર સ્ટેશને પહોચી ગયા. કૂપેમાં ગયા. ચાર જણાનો કૂપે હતો. પણ બે પેસેન્જર આવેલા જ નહોતા. એક બેન હતા. અને એક પોતે. હવે પ્રવચન જે આપવાનું હતું…. એ બહુ જ ઊંડાણ ભરેલું હતું એટલે ૧૫ – ૨૦ પુસ્તકો લાવેલા. કે journey લાંબી છે તો વાંચી લઈશું અને ટાંચણ કરી લઈશું. એ ઉપરની બર્થ ઉપર પહોંચી ગયા. પુસ્તકો ખોલ્યા. હવે જ્યાં વાંચવાની શરૂઆત કરે ત્યાં નીચેથી બેનનો અવાજ શરૂ થયો. હે ભગવાન પાણી નથી… હે ભગવાન તરસ લાગી છે. બાથરૂમમાં પાણી આવતું નથી. હે ભગવાન… પ્રોફેસરને થયું કે આમાં ચોપડી વંચાશે નહિ. પ્રોફેસર નીચે ઉતર્યા. એ બેનનું વોટર-બેગ લીધું, સ્ટેશન આવ્યું, નીચે ઉતર્યા વોટર-બેગ ભરીને લાવ્યા… બેનને આપી દીધી. અને હવે પ્રોફેસર સમજે છે કે બેન પાણી પીને શાંતિથી સૂઈ જશે. બેને પાણી પણ પી લીધું. પ્રોફેસર ઉપર ગયા, ચોપડી ખોલી ત્યાં નીચેથી ચાલુ થયું:  હે ભગવાન! કેવી તરસ લાગી હતી… પ્રોફેસરે માથું પટક્યું…કે હવે આનો કોઈ ઈલાજ નથી. કેવી તરસ લાગી હતી… અરે તરસ લાગી હતી તને. પાણી આવી ગયું. તરસ છીપાઈ ગઈ.. હવે તરસને યાદ કરે છે. તમારી આજ વાત છે ને… निराश्रयं मनः એટલે વર્તમાન યોગમાં રહેલા તમે…

એક યાત્રાળુઓનો સંઘ યાત્રા કરવા જતો હતો. રસ્તામાં એક નદી આવતી હતી. નદીના આ બાજુના કિનારે દેરાસર હતું. ધર્મશાળા હતી. તો ધર્મશાળામાં એ લોકો ઉતર્યા. દર્શન કર્યા. પછી પૂજારીને પૂછ્યું કે અમારે સવારે નદી ઉતરીને પેલે પાર જવાનું છે. પુલ નથી એ તો ખબર છે. પણ નદીમાં પાણી કેટલું હોય…. અમે તરી શકીએ… પૂજારી કહે હો… કોઈ વાંધો નથી. હમણાં જ હું જઈને આવ્યો છું… અને પાણી ઢીંચણથી વધારે નહિ હોય. તો ય પેલા લોકોના મનમાં ચટપટી… તમે કેટલા દિવસ પહેલા ગયા હતા. એ દિવસે આમ હતું.. આજે વધી ગયું હોય તો… બીજાએ વળી બીજો પ્રશ્ન કર્યો… ત્રીજાએ ત્રીજો પ્રશ્ન કર્યો. એ વખતે પૂજારીએ બહુ મજાની વાત કરી.. આપણને લાગે પૂજારી નહિ philosopher હતો. પૂજારી કહે છે… કે નદીને ઉતરતાં પહેલા હું નદીને ઉતરતો નથી. હું નદીને ઉતરું છું ત્યારે જ નદીને ઉતરું છું. ઉતરતાં પહેલા હું નદીમાં જતો નથી. તમે અત્યારથી નદીમાં કેમ જાઓ છે? હજી સાંજ પડી છે… જમવાનું છે, રાત્રે સૂઈ જવાનું છે અને નદીની ચિંતા કરો છો… હું નદી ઉતરું એ પહેલા નદીની ચિંતા કરતો નથી. તમે ન જ કરો ને? ચોમાસું ઉતરે ક્યાં જવાનું? ગુરુદેવ જાણે.. ચોમાસું ક્યાં કરવાનું? ગુરુદેવ જાણે. અમારે વળી ચિંતા શેની?

તો પાંચ વાત કહે છે – નિઃસંગ મન, નિરાભાસ મન, નિરાકાર મન, નિરાશ્રય મન, અને પુણ્યપાપવિનીર્મુક્ત મન. પાપ જેમ કર્મનો બંધ છે, આશ્રવ છે. એમ પુણ્ય પણ એ જ છે. શુભ કર્મનો બંધ છે. સામયિકમાં તમે સંવર કરો છો. શુભ કાર્ય કોઈ કરો ને, કોઈ ભિખારીને રૂપિયા આપ્યા… તો એ પુણ્ય કાર્ય કહેવાય. દાન આપ્યું એનાથી… કેમ કે પુણ્ય બંધાય. સામયિકમાં, મનમાં પુણ્ય નથી, પાપ નથી. માત્ર સંવર અને નિર્જરા છે. તો આવું મન તમારું બને તો તમારું સામાયિક નિશ્ચય સામાયિક.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *