Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 57

745 Views 23 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : અંતર્મુખ, અંત:પ્રવિષ્ટ, અંતર્લીન

ઉપયોગ જ્યાં સુધી બહાર છે, અંતઃપ્રવેશ નથી થયો, ત્યાં સુધી ધ્યાન થઇ શકતું નથી. અંતઃપ્રવેશ પહેલાનું ચરણ છે અંતર્મુખદશા. અને અંતઃપ્રવેશ પછીનું ચરણ છે અંતર્લીનદશા.

તમારું મુખ ભીતર તરફ તકાયેલું હોય, એ અંતર્મુખદશા. અત્યાર સુધી દ્રષ્ટિ બહાર હતી કે પદાર્થોથી સુખ મળે; વ્યક્તિઓના મિલનથી સુખ મળે. બહારનું જે બધું સારું લાગી રહ્યું હતું એમાં કંટાળો ઉત્પન્ન થાય અને અંદરનું બધું સારું લાગે; બહારનું બધું અસાર લાગે – ત્યારે અંતર્મુખ દશા આવે.

કરેમિ ભંતે સૂત્ર એ અંતઃપ્રવેશનું સૂત્ર છે. અત્યાર સુધી હું વિભાવની દુનિયામાં રહ્યો; હવે હું સમભાવની ધારામાં જાઉં છું. – આ તમારો અંતઃપ્રવેશ. અને એ સાધનામાં ૧૦ – ૧૫ મિનિટ ગઈ, grip પકડાઈ ગઈ… કોઈ વિચાર આવતો નથી અને તમે માત્ર તમારા આનંદની, માત્ર તમારી વીતરાગદશાની અનુભૂતિ કરી રહ્યા છો – તો એ અંતર્લીનદશા.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૫૭

દેવાધિદેવ પરમાત્મા મહાવીર દેવે સાડા બાર વરસ સુધી ધ્યાન સાધના કરી. એ ધ્યાનસાધનાનું સૂત્ર આવ્યું, “से सयं पवेसिया झाई” પ્રભુ અંતઃ પ્રવેશ કરીને પોતાની ભીતર ડૂબકી લગાવીને ધ્યાન કરતાં હતા.

ઉપયોગ જ્યાં સુધી બહાર છે, ત્યાં સુધી ધ્યાન થઇ શકતું નથી. ઉપયોગનો અંતઃપ્રવેશ અને ધ્યાન. અંતઃપ્રવેશ ની પહેલા એક ચરણ છે. અને અંતઃપ્રવેશની પછી એક ચરણ છે. અંતઃપ્રવેશની પહેલાંનું ચરણ છે: અંતર્મુખદશા. અને અંતઃપ્રવેશ પછીનું ચારણ છે: અંતર્લીનદશા.

આપણે જે શરૂઆત કરીશું એ પહેલા ચરણથી કરીશું. અંતર્મુખદશા એટલે શું? જેનું મુખ ભીતર તરફ તકાયું છે; એ સાધક અંતર્મુખ અને એની દશા એ અંતર્મુખદશા.

અત્યાર સુધી દ્રષ્ટિ બહાર હતી પદાર્થોથી સુખ મળે. વ્યક્તિઓના મિલનથી સુખ મળે. આ જે બહિર્દ્રષ્ટિ હતી; એ અંતર્મુખતામાં ફેરવાઈ છે. તમે ત્યાં ના ત્યાં રહો છો સંસારમાં, એકમાત્ર તમારે ચહેરાને ફેરવવાનો છે. બહાર તરફ જે ચહેરો ટકાયેલો હતો; એને અંદર તરફ ટકાયેલો કરવો છે. તો પહેલી દશા અંતર્મુખદશા. એ ક્યારે આવે…? બહારનું બધું અસાર લાગે ત્યારે. કોઈ વ્યક્તિ દીક્ષા લે તમને ગમે ને ભાઈ…? એ દીક્ષા લે છે એટલે અંદરની યાત્રા શરૂ કરે છે. દીક્ષા વાસ્તવિક ગમેલી ત્યારે કહેવાય જ્યારે તમને પણ આંતરયાત્રા ગમતી હોય.

બહારથી થાક્યા…. મને તો તમને બધાને શૂરવીરતાનો પરમવીર ચક્ર આપવાનું મન થાય. રોજનો આટલો ઘોંઘાટ… ઘરે પણ ધમાલ ધમાલ હોય, ઓફિસે જાવ ત્યાં પણ boss ઉપરથી order છોડતો હોય. આવી અવસ્થામાં પણ તમને સંસાર સારો લાગે છે, ખરેખર! બહાદૂર માણસો તમે કહેવાઓ! શાલિભદ્ર જેવો સંસાર હોય અને કદાચ ગમી જાય તો પણ માની લઈએ. સાતમા માળે સૂઈ જવાનું. કશું જ કરવાનું નથી. છેલ્લામાં છેલ્લી એ વખતની ભોગની સામગ્રી એણે મળ્યા કરે છે. આવું હોત ને તો તો સમજ્યા, પણ ત્રણ સાંધતા તેર તૂટે એવી તમારી આજની હાલત. ચાલો ત્યાં રહેવું પડે, પરિવાર છે, જવાબદારી છે, રહેવું પડે સંસારમાં… પણ ચહેરાને ફેરવશો.? બહારનું જે બધું સારું લાગી રહ્યું છે; એમાં કંટાળો ઉત્પન્ન થાય અને અંદરનું બધું સારું લાગે.

સૌથી અઘરામાં અઘરી સાધના આ છે કે બાહ્ય જગત તમને અસાર લાગે. એક સાધના સધાઈ ગઈ… તો અંતર્મુખ પણ બની જવાય. અંતઃપ્રવેશ પણ થઇ જાય. અંતર્લીન પણ થઇ જવાય.

તો સાધકે સૌથી પહેલા અંતર્મુખ બનવાનું છે. એ પછીનું ચરણ છે: અંતઃપ્રવેશ. તમે સામાયિક લેવાની શરૂઆત કરો. કરેમિ ભંતે સૂત્ર ગુરુ મહારાજ પાસેથી અથવા વડીલ પાસેથી તમે લો… એ કરેમિ ભંતે સૂત્ર એ અંતઃપ્રવેશનું સૂત્ર છે. અત્યાર સુધી હું વિભાવની દુનિયામાં હું રહ્યો હવે હું પ્રભુ, સદ્ગુરુદેવ, સમભાવની ધારામાં જાઉં છું. આ તમારો અંતઃપ્રવેશ. અને એ સાધનામાં ૧૦ – ૧૫ મિનિટ ગઈ, grip પકડાઈ ગઈ… કોઈ વિચાર આવતો નથી. અને તમે માત્ર તમારા આનંદની, માત્ર તમારી વિતરાગદશાની અનુભૂતિ કરી રહ્યા છો. તો ત્રીજું ચરણ તમને મળે અંતર્લીનદશા. બોલો, આમાં કંઈ અઘરું છે? તમારા માટે દીક્ષાની વાત નહિ કરીએ… માત્ર એક સામાયિક, પણ એ સામાયિક વિધિપૂર્વક તમે કરો… એટલે અંતઃપ્રવેશ પણ થઇ જાય. તમે અંતર્લીન પણ બની જાઓ. અને તમને ગેરંટી સાથે કહું – એકવાર ભીતરનો સ્વાદ ચખાયો બહાર તમે આવી શકો નહિ. આવવું પડે… તમને લાગે છે કે ઓફિસનું કામ છે, તમારે કરવું જ પડે એમ છે સામાયિક પારવું જ પડે એમ છે. ત્યારે પણ એક ખેંચાણ તમે અનુભવતા હોવ. કે ૪૮ મિનિટ વધારે ન મળી શકે?! તો બીજું સામાયિક લઇ ફરી અંતર્લીન બની જાવ. અમે લોકોએ અંદરનો આનંદ માણ્યો છે. અને એથી અમે બહાર આવી શકતા નથી.

અત્યારે પણ હું તમારી જોડે નથી. હું મારા પ્રભુની સાથે છું. તમારી દ્રષ્ટિ સદ્ગુરુ તરફ હોય એ બરોબર છે. પણ સદ્ગુરુની દ્રષ્ટિ ક્યારે પણ તમારા તરફ હોતી નથી. સદ્ગુરુની દ્રષ્ટિ પ્રભુ તરફ હોય છે. અમારે એ જ શબ્દો બોલવાના છે; જેની આજ્ઞા મારા પ્રભુએ આપેલી છે. એટલે આ પ્રવચન આપતી વખતે પણ સતત અમારું ધ્યાન હોય પ્રભુની તરફ. અને અમારું તો એક mission છે; રીઝવવો એક સાંઈ. એકમાત્ર પરમાત્માને અને સદ્ગુરુને રાજી કરવા છે. પ્રભુ રાજી રહે, સદ્ગુરુ રાજી રહે. એવું કરવું છે.

અત્યાર સુધી બીજાઓને રાજી કર્યા. હવે માત્ર પ્રભુને અને માત્ર સદ્ગુરુને રાજી રાખવા છે. હવે મજાનો પ્રશ્ન તમને પૂછું… પ્રભુ રાજી કેમ થાય… અને સદ્ગુરુ પણ રાજી શી રીતે થાય. તમે પ્રભુને હીરાનો મુગટ ચડાવી દો, એટલે પ્રભુ રાજી થાય એવું માનતા નહિ. સદ્ગુરુ પાસે આવીને તમે કહો, સાહેબ! આ કરોડ રૂપિયા આપ કહો ત્યાં વાપરી દઉં. સદ્ગુરુને તમારા કરોડ રૂપિયા જોડે કોઈ સંબંધ નથી. પ્રભુ શી રીતે રીઝે?

મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં કહ્યું “આણા પાલે સાહિબ તુષે ” આજ્ઞાનું પાલન જેમ વધુ થાય એમ પ્રભુ રાજી થાય. અમે અમારા સ્તર પર આજ્ઞાનું પાલન કરીએ. તમે તમારા સ્તર પર પ્રભુની આજ્ઞાનું પાલન કરો. સદ્ગુરુ પણ કઈ રીતે રાજી થશે. આ જ રીતે… આજ્ઞાનું પાલન જેટલું વધારે એટલા સદ્ગુરુ પણ રાજી. એક સરસ વાત કહું; પ્રભુની આજ્ઞા તમારી પાસે સદ્ગુરુ દ્વારા આવે છે. પ્રભુની આજ્ઞાને તમે સીધેસીધી લઇ શકતા નથી. શાસ્ત્રોમાં ઘણી બધી આજ્ઞાઓ છે. તમે તમારી બુદ્ધિથી એ આજ્ઞાને લઇ શકતા નથી.

સદ્ગુરુ તમારા માટેની appropriate યોગ્ય આજ્ઞા તમને આપે… એ જ આજ્ઞાનું પાલન તમારે કરવાનું છે. મેડીકલ સ્ટોર પોતાને ત્યાં હોય, અને તકલીફ થઇ અને દવાઓ ફાકવા મંડી પડે તો શું થાય?! નિષ્ણાંત ડોક્ટર prescribe કરે, એ જ દવા તમે લેતા હોવ છો. તો અહીં પણ પ્રભુની આજ્ઞા સદ્ગુરુ દ્વારા આવે છે.

એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં શિષ્ય ગુરુને સવાલ કરે છે… “किं कायव्वं मए इहं” પહેલા સાધના આપી – “पढ़मे पोरिसी सज्झायं” દિવસના પહેલા પ્રહરમાં સજ્ઝાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં ગોચરી વિગેરે, ચોથા પ્રહરમાં ફરી ધ્યાન… એ જ રીતે રાત્રિમાં પહેલા પ્રહરમાં પ્રતિક્રમણ વિગેરે સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન. ત્રીજામાં નિદ્રા અને ચોથામાં ફરી પાછો સ્વાધ્યાય. આ પ્રભુદત્ત આજ્ઞા થઇ. પણ કોઈ પણ શિષ્ય પ્રભુદત્ત આજ્ઞાને સીધેસીધી સ્વીકારી શકતો નથી. એટલે સવારના પહોરમાં સદ્ગુરુ પાસે આવીને એ પૂછે છે? “कि कायव्वं मए इहं”  આજે મારે શું કરવાનું છે…

બની શકે કે બીજા મહાત્માઓ પધારેલા છે તો એમની વૈયાવચ્ચ કરવાની છે. તો ગુરુદેવ કહી દે… કે હમણાં વૈયાવચ્ચમાં તું લાગી જા. એટલે પ્રભુની આજ્ઞા સદ્ગુરુ દ્વારા આપણી પાસે આવે છે. કેટલા બડભાગી છો તમે, પ્રાકૃત ભાષા તમે જાણતા નથી. આગમોને વાંચવાનો તમને અધિકાર નથી. સાંભળવાનો અધિકાર છે. પણ ગુરુ ભગવંતો આગમગ્રંથો, એના પછીના ગ્રંથો બધું જ વાંચીને એનો સાર તમને આપી દેતાં હોય છે.

યોગસારની અંદર પ્રભુની આજ્ઞાને અડધા શ્લોકમાં મૂકી દીધી.  आज्ञा तु निर्मल चित्तं कर्तव्यं स्फटिकोपमम् ” ચિત્તને – મનને સ્ફટિક જેવું નિર્મલ બનાવવું; એ પ્રભુની આજ્ઞા. રાગનો ડાઘ અંદર ન હોય. દ્વેષનો ડાઘ અંદર ન હોય. અહંકાર નો ડાઘ અંદર ન હોય. એવું મન એ નિર્મળ હોય. અને મનને સતત ૨૪ કલાક નિર્મળ રાખવું એ પ્રભુની આજ્ઞા. અમારા જીવનમાં પણ અતિચાર લાગે છે. આ પ્રભુની ચાદર ઉપર ડાઘ લાગે છે. પણ અમારી જાગૃતિ એટલી હોવી જોઈએ. જ્યાં ડાઘ લાગ્યો ત્યાં એને ખતમ કરી દેવો. મનની અંદર એક દુર્વિચાર આવ્યો કે તરત સદ્ગુરુને કહી દેવાનું. સદ્ગુરુ એ ડાઘને ધોઈ આપે. આમેય ગુરુ ધોબી છે ને…

કબીરજીએ કહ્યું,  गुरु धोबी शीष कपड़ा, साबून सिरजन हार। सुरती सिला पर धोइए, निकसे ज्योति अपार।। ગુરુની કરુણા તમે કપડો છો. મનનો વસ્ત્ર છો તો ગુરુને ધોબી બનવામાં વાંધો નથી. પ્રભુ ભક્ત વત્સલ છે એમ ગુરુ પણ ભક્ત વત્સલ છે. સદ્ગુરુના પ્રેમની નદીને કિનારા નથી હોતા. બધા જ પ્રેમ તમે માણ્યા છે; માતાનો , પિતાનો, ભાઈનો, બહેનનો, પણ જે વખતે તમે પ્રભુનો પ્રેમ અનુભવશો – સદ્ગુરુનો પ્રેમ અનુભવશો; એ ક્ષણે તમે કહેશો beyond the words. કોઈ પૂછે એ experience કેવો રહ્યો…. તમે કહેશો beyond the words. Beyond the imagination શબ્દોની પેલે પારનો એ અનુભવ હતો. કલ્પનાને પણ પેલે પારનો અનુભવ હતો. પ્રભુ અખિલ બ્રહ્માંડેશ્વર, દેવાધિદેવ એ મને પ્રેમ કરે એટલું નહિ… આટલો બધો પ્રેમ કરે…! છાતીફાટ…! આપણે કશી જ એમની ભક્તિ ન કરેલી હોય. અને છતાં આપણા પર એમનો પ્રેમ વરસ્યા જ કરતો હોય, વરસ્યા જ કરતો હોય. એ અનુભવ તમને થાય ત્યારે તમે કહેશો કે આવો અનુભવ અગણિત, અતિતની યાત્રામાં ક્યારે મળ્યો નથી.

માનવિજય મ.સા. એ કહેલું “કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલિયો” અગણિત જન્મોમાં જે રસને ચાખવા નથી મળ્યો. એ રસ અહી ચાખવા મળે. પ્રભુના પ્રેમનો રસ. અને પછી કહે છે “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો અંતરંગ સુખ માણ્યો, માનવિજય વાચક ઈમ જંપે, હોવો મુજ મન કામ્યો” “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો – એ પ્રેમ પ્રભુનો સતત વરસ્યા કરતો હતો.. પણ હું એને ઝીલી શકતો નહોતો. પ્રભુએ કૃપા કરી. સદ્ગુરુ ચેતનાને મારા દ્વાર પર મોકલી. અને એ સદ્ગુરુ ચેતનાએ કહ્યું કે પ્રભુ તને આટલો બધો પ્રેમ કરે છે અને તું શું કરે છે અત્યારે… અને મેં એ પ્રેમને અનુભવ્યો. “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો અંતરંગ સુખ માણ્યો” અત્યારે તમારી પાસે કેવું સુખ છે.. બહિરંગ સુખ. સોજો આવે, ભમરા કરડી જાય અને એકદમ ગાલ ફૂલી જાય સોજાથી, તમે ખુશ થાવ ને..? કેમ… ગાલ જાડા થઇ ગયા ને.. પણ સમજો છો કે ગાલ જાડા થયા, એ ભમરા કરડયા એના કારણે થયા છે. ભમરાનું ઝેર મારા શરીરમાં પેસી ગયું છે. જલ્દી – જલ્દી એ ઝેરથી મારે મુક્ત થવું છે.

એમ અહીંયા જે લાગે બધું આમ બહાર એ કેવું છે આ…. સમજી ગયા.. ભમરા કરડે એટલે શરીર જાડું થઇ ગયું. અંતરંગ સુખ માણ્યો. બહિરંગ સુખ નહિ… ભીતરનું સુખ માણ્યું… તો એ માણવું છે કે જ્યાં છો ત્યાં જ રહેવું છે. પ્રભુના પ્રેમને, સદ્ગુરુના પ્રેમને આપણે જો નહિ ઝીલીએ તો આ જન્મોમાં આપણે ખાલી ને ખાલી રહી જઈશું. તો સદ્ગુરુનો પ્રેમ કેવો… ગુરુ ધોબી, શીષ કપડાં… સાબૂ જોઈએ છે… સાબૂ શું… સાબૂન સર્જનહાર. પરમાત્મા સાબુ છે. અને ધોબીને જોયો હશે. એ ધોખા ન મારે, શિલા ઉપર કપડાને પટકે. પત્થર ઉપર એટલે મેલ નીકળી જાય. સુરત શિલા ઉપર ધોઈ – સદ્ગુરુ તમારા મનના વસ્ત્રને પરમાત્માની ભક્તિ રૂપી સાબુ લગાડે છે. પોતાના પ્રેમરૂપી પાણી છે.. અને પ્રભુની સ્મૃતિ રૂપી શિલા ઉપર એને પટકે છે. સુરત શિલા પર ધોઈએ – સૂરતી એટલે સ્મૃતિ પ્રભુની સ્મૃતિ. નીકશે જ્યોતિ અપાર. તો પ્રભુ સદ્ગુરુ મોકલે છે… ક્યારેય એમ નહિ માનતા કે મેં સદ્ગુરુને પસંદ કર્યા; સદ્ગુરુએ તમને પસંદ કર્યા. You are selected by the God, you are selected by the sadguru.

એક સદ્ગુરુની વાત કરું… ૫૦૦ વર્ષ પહેલાંની છે હિંદુ સદ્ગુરુ છે. એક ગામમાં પધાર્યા… શિષ્ય વૃંદ મોટું છે. ભક્તો પણ એમના ઘણા છે. એ ગામની અંદર ખુબ ભવ્યતાપૂર્વક એમની સ્વાગત યાત્રા નીકળી. બહુ મોટો એક બંગલો હતો એમાં એમને ઉતારો આપવામાં આવ્યો. અને ભક્તોએ વિનંતી કરી કે સાહેબ એકાદ મહિનો તો અહીંયા રોકાવું જ પડશે. ગુરુ કહે છે કે જોઈશું.. અમે લોકો છે ને ક્યારેય સીધું commitment ન આપીએ. ચોમાસાની જય બોલાવા તમે આવો ને ત્યારે પણ કહીએ કે ક્ષેત્ર સ્પર્શના હશે તો આ વખતે તમારા ત્યાં કરીશું. સીધું commitment નહિ. જ્ઞાની ભગવંતે જોયું હશે તો તમારે ત્યાં ચોમાસું થશે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં બીજું જોયું હોય, બીજું પણ થઈ શકે. કોરોના આવ્યો.. અને ભલભલા આચાર્ય ભગવંતોના ચોમાસા મરી ગયા.

તો ગુરુએ કહ્યું, જોઈશું. સવારે અને સાંજે પ્રાર્થના થાય. અને ૯ – ૧૦ વાગે વ્યાખ્યાન થાય. લોકોને તો બહુ જ જલસો પડી ગયો. આખું ગામ ગુરુના રંગે રંગાઈ ગયું. મારે છે ને તમને રંગવા છે. પણ કેવા… હોળીમાં રંગાવો અને સાબુથી પાછા નહિ લો એટલે રંગ જતો રહે. મારે એવો રંગ લગાડવો નથી. મારે તો મીરાંએ કહ્યું એવો રંગ લગાડવો છે. “એસા હી રંગ દો કે રંગ નાહી છૂટે, ધોબિઆ ધુએ ચાહે સારી ઉમરીયા” “એસા હી રંગ દો કે રંગ નાહી છૂટે – રંગ લગાડવો જ ન પડે પછી બીજી વાર અને તમારા ઉપર બીજા કોઈનો રંગ ચડે નહિ. એટલે આજે રંગ લગાડ્યો, આવતી કાલે આગળ કામ કરવાનું રહે. નહિતર શું થાય – એક કલાક કામ કર્યું, ૨૩ કલાક ત્યાં જાવ; ફરી પાછા હતા એવા થઈને આવો એટલે એકડે એક થી પાછું કામ શરૂ કરવાનું.

ભક્તો ગુરુના રંગમાં રંગાઈ ગયા. ગામ આખું રંગાયું, એક માણસ રંગાયો નથી. એ માણસ ગુરુ ઉતર્યા હતા એ બંગલાની સામેના બંગલામાં રહેતો હતો. અને એણે કોણ જાણે એમ લાગી ગયું કે આ ગુરુ તો એવી દેશના આપે છે કે લોકો એમના શિષ્યો જ થઇ જાય બધા. મારો દીકરો જો ત્યાં જાય અને એમને સાંભળે તો… એટલે એ ગુરુનો વિરોધી બની ગયો. વિરોધી બન્યો ત્યાં સુધી ઠીક હતું. પણ એ વિરોધની માત્રા જોરદાર બની. આપણે ત્યાં પરંપરામાં એક શબ્દ છે – અનુબંધ. અનુબંધ બહુ જ ખતરનાક. ક્રોધ આવી ગયો અડધી મિનિટ જતો રહ્યો પણ એક વ્યક્તિ ઉપર તમારા ક્રોધનો અનુબંધ વર્ષો સુધી ચાલુ રહ્યો; મર્યા. કેટલાય જન્મો સુધી એ વૈરની ધારા ચાલશે એ જ્ઞાની જ જાણી શકે. એટલે રાગ પણ કરવો નથી, દ્વેષ પણ કરવો નથી. પણ થઇ જાય તો પણ એનો અનુબંધ – એની શ્રુંખલા સર્જાવી ન જોઈએ. એનો પ્રવાહ ન સર્જાય. એ તોડી નાંખો વચ્ચેથી… de link કરી નાંખો. તો પેલાનો ક્રોધ, વિરોધ અનુબંધવાળો થઇ ગયો.. અને અનુબંધવાળો થયો એટલે વિચાર એ જ આવ્યો કે આ ગુરુને હેરાન કેમ કરવા.. હવે આખું ગામ ભક્ત હતું, એ વિરોધ કરે તો કઈ રીતે કરે… એણે એક રસ્તો શોધ્યો કે ગુરુનો પ્રાર્થનાનો સમય નક્કી જ છે સવારે ૬ વાગે, સાંજે ૬ વાગે… અડધો કલાક એ લોકો પ્રાર્થના કરે છે. તો મારા ઘરે ઢોલીઓને બોલવું, જોશથી એવા ઢોલ વગડાવું કે પેલા લોકોની પ્રાર્થના તૂટી જાય.

ધર્મ માણસ ન કરે ત્યાં સુધી એ સમજ્યા. પણ બીજાના ધર્મમાં અવરોધ નાંખો એ તો બહુ જ મોટું પાપ છે. શ્રાવિકાની ઈચ્છા કોઈ પણ સાધનાની હોય તો અહીં બેઠેલો એકેય શ્રાવક ના ન પાડે… બરોબર ને… હું તમારામાંથી કહું છું… તમે એમ જ કહી દો… હું નથી કરી શકતો તો તારે જેટલી સાધના કરવી હોય એટલી કર. હું તને ઘરકામમાં પણ help કરાવીશ. પણ તું સાધના કર. તારે વ્યાખ્યાનમાં જવું હોય ત્યારે જતું જ રહેવાનું. તારે પ્રતિક્રમણ કરી જ લેવાનું તારે બધું જ કરવાનું. અમે રાત્રે આવીએ; અમે અમારી મેળે જમી લઈશું. પણ અમારે જમવાનું છે, માટે તારે પ્રતિક્રમણ છોડવાનું નહિ. કહી દો ને આવું…

પેલાએ ઢોલીઓને બોલાવ્યા. અને કહ્યું કે એવા જોશથી વગાડો ને તમારો ઢોલ તૂટી જાય. નવો ઢોલ કરાવી આપીશ. પણ એક – બે ઢોલ તો તુટવા જ જોઈએ કહે છે…  ૧૦ – ૧૨ ઢોલીઓ. હવે આમ પ્રસંગ નહોતો પણ પ્રસંગ ઉભો કર્યો.. કે અમારા માતાજીની સ્થાપના કરવા માટે. એનો મહોત્સવ શરૂ થયો. હવે એમાં કોણ ના પાડી શકે. માતાજીનો મહોત્સવ છે. તો સવાર અને સાંજ એટલી જોશથી ઢોલ પીટાય. સામે જ ગુરુનો બંગલો હતો.. ત્ય આવાજ જાય. એકવાર શિષ્યોએ ગુરુને ફરિયાદ કરી. કે ગુરુદેવ પ્રાર્થનામાં બેસીએ છીએ અને સામેથી ઢોલનો અવાજ આવે છે. પ્રાર્થના બરોબર થતી નથી. એક વાત તમને પૂછું તમારી ફરિયાદ શું હોય…. તમે ભક્ત છો યા સાધક છો, તમારી ફરિયાદ શું હોય?

હિંમતભાઈ બેડાવાલા જેવા એક શ્રાવક એક ભાઈને ત્યાં ગયેલા. એ ભાઈની બહુ ઈચ્છા કે આવા શ્રાવક મારે ત્યાં પગલાં કરે. થોડા દિવસ રહે તો મારા ઘરનું atmosphere જે છે એ બદલાઈ જાય. એ શ્રાવકજી આવ્યા, પેલાના હૃદયમાં ભક્તિ હતી. એણે તો બહુ ભક્તિ કરી. એકાસણું હતું એ બરોબર વપરાયું. હવાવાળો રૂમ એમને આપ્યો. પલંગ ઉપર મચ્છરદાની ઢાંકેલી. બીજા દિવસે એ શ્રાવકે પેલા જજમાનને કહ્યું કે હવે હું જાઉં છું. અરે સાહેબ! અઠવાડિયું રોકાવાનું હતું, આપે કહ્યું હતું, હા અઠવાડિયું રોકાવાનું મેં કહેલું પણ આટલી બધી સુવિધા તમે આપો છો, એ મારાથી સહન થાય એવી નથી. પેલો કહે સાહેબ આપ કહો એમ કરું. તો કહે કે જો એકાસણામાં રોટલી અને દાળ બે જ દ્રવ્યો આપવાના. આ પલંગ – બલંગ ઉઠાવી લે. મચ્છરદાની ઉઠાવી લે. હું સંથારા ઉપર સૂઈ જવાનો છું. અને મચ્છર કરડે તો તો સારું જ છે ને… ઠીક છે શરીર શ્રમથી થાકેલું હોય તો ૨ – ૩ કલાક ઊંઘી લઈએ. વધારે ઊંઘવાનું પણ ક્યાં છે. મચ્છર ચટકા ભરે ત્યારે ઉભા થઇ જવાનું. અને કાઉસ્સગ ધ્યાનમાં લાગી જવાનું. તો ભક્તની ફરિયાદ પણ શું હોય..

મીરાંએ ફરિયાદ કરેલી “જબસે તુમસે બીછુરી પ્રભુ, તબસે ન પાયો ચેન” આ મીરાંની ફરિયાદ હતી. જે ક્ષણે પ્રભુ તમે જતા રહ્યા, તમારો વિરહ મને સારે છે. મને ચેન પડતું નથી. તમારા વિના એક ક્ષણ હું રહી શકતી નથી. તમારી ફરિયાદ શું હોય બોલો… કોઈ તીર્થમાં ગયા… ફરિયાદ શું હોય… મેનેજર પાસે જાઓ; બાથરૂમમાં પાણી નથી આવતું. એ.સી. બરોબર ચાલુ થતું નથી. તમારી ફરિયાદ શું હોય… સાધક હોવ તમે… તો સાધનામાં અવરોધ આવે એની ફરિયાદ હોય. ભક્ત હોવ તો ભક્તિમાં ક્યાંય અવરોધ આવે છે એની ફરિયાદ હોય. ત્યારે આપણને લાગે શરીરનું સુખશીલ્યા પણું કેટલું અંદર ઉતર્યું છે કે તીર્થમાં જઈએ ત્યાં પણ ધર્મશાળા કે ભોજનશાળા ઉપર જ આપણો મદાર હોય છે. કોઈને પૂછીએ કે મૂળનાયક દાદા કયા હતા એટલે માથું ખંજવાળે. જમવાનું કેવું તો કહે કે ૫ star hotel જેવું.

શિષ્યોએ ફરિયાદ કરી કે ગુરુદેવ રોજ પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઢોલ એટલા જોશથી વાગે છે. કે પ્રાર્થનામાં મન રહેતું નથી. એ વખતે ગુરુને આશ્ચર્ય થાય છે, પ્રાર્થના વખતે ઢોલ વાગે છે. ક્યાં વાગે છે…? ગુરુ કેટલા અંદર ડૂબી જતાં હશે. વિચાર કરો… પ્રાર્થનાની પહેલી ક્ષણ એવી ચેતના પ્રભુમય થઇ જાય… કે પ્રભુ સિવાય કોઈનો ખ્યાલ ન આવે.

એક ગુરુ – શિષ્ય જંગલમાં જતા હોય છે, સાંજનો સમય થયો, ગુરુ પ્રાર્થનામાં બેસી ગયા. નિત્ય નિયમ. આ સમયે પ્રાર્થના કરવાની. બેસી ગયા સહેજ અંધારું પણ થઇ ગયું. શિષ્યની પાર્થના કેવી? તમારા જેવી… આમ જુએ, આમ જુએ… એમાં એણે વાધની ત્રાડ સંભળાઈ. અને એ ત્રાડ ધીરે ધીરે પોતે બેઠેલા હતા, એ જ દિશામાં આવતી હતી. શિષ્ય ગભરાયો. કે આજ મરી ગયા. જંગલનો મામલો અને વાઘ આવે છે. એટલે એણે ગુરુના કાનમાં ફૂંક મારી. ગુરુદેવ! ગુરુદેવ! વાઘ આવે છે, આપણે ઝાડ ઉપર ચડી જઈએ. ગુરુ તો પ્રાર્થનામાં એટલા ડૂબેલા. સાંભળે કોણ… શિષ્ય ઝાડ ઉપર ચડી ગયેલો… એમાં ચંદ્રમાં નું થોડું અજવાળું. વાઘ ખરેખર ત્યાં આવ્યો. ગુરુ પાસે આવ્યો. ગુરુની એકદમ નજીક, ગુરુના શરીરની અડોઅડ પણ ગુરુના દેહમાંથી જે મૈત્રીભાવના પરમાણુઓ નીકળતા હતા એની અસર વાઘને થઇ. વાઘ એમને એમ ત્યાંથી જતો રહ્યો. વાઘ ગયો.. શિષ્ય નીચે ઉતર્યો. હવે ત્યાં જ સૂઈ જવાનું હતું, બેઉ જણા સૂતા. મચ્છર બહુ હતા… તો ગુરુએ કહ્યું મચ્છર કરડે છે. શિષ્ય કહે કે ગુરુદેવ આપ વાઘથી ન ગભરાયા… શિષ્ય ખરેખર શિષ્ય નહોતો. ખરેખર હોત તો એને આ સવાલ થાત પણ નહિ. શિષ્ય કહે છે ગુરુદેવ! તમે વાઘથી ન ગભરાયા, અને મચ્છરથી ગભરાઓ છો. ગુરુએ એટલો સરસ જવાબ આપ્યો; ગુરુ કહે છે વાઘથી નહિ ગભરાયો, કારણ એ વખતે પ્રભુ જોડે હતો. મચ્છરથી ગભરાવું છું કારણ કે તારી જોડે છું. તમે કોની જોડે છો…

એટલે જ કહ્યું “अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम” પ્રભુ સંસારમાં જે સંબંધિઓ છે, એ પોતે જ તૂટી રહ્યા છે, એ પોતે જ ડૂબી રહ્યા છે તો મને શરણ શી રીતે આપી શકે? દુનિયામાં ક્યાંય મને શરણ મળે એમ નથી. त्वमेव शरणं मम – તું જ મારા માટે શરણ રૂપ છે.

તો તમે કોની જોડે છો આજે વિચારજો બરોબર…

Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *