વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : मुक्तो यथास्थिति स्वस्थ
પ્રભુની સાધનાને એક જ શબ્દમાં મૂકવી હોય, તો એ એક શબ્દ કયો હોય? ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ એક શબ્દમાં પોતાની સાધના આપી છે અને એ સાધના છે સર્વસ્વીકાર.
જીવનમુક્ત સાધક કેવો હોય? જેવી પણ પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને તે સ્વીકારી લે છે. અનુકુળ-પ્રતિકુળ એવા શબ્દો એના શબ્દકોશમાં છે જ નહિ. જે પણ પરિસ્થિતિ આવે, તેનો સ્વીકાર.
તમે પીડિત છો. કેમ? અમુક તમને મનગમતું છે. અમુક તમારા માટે અણગમતું છે. મનગમતાનો સ્વીકાર છે. અણગમતાનો અસ્વીકાર છે. આવા સ્વીકાર અને અસ્વીકાર ને બદલે માત્ર સર્વસ્વીકાર કરવાનો. જે પણ પરિસ્થિતિ ઊભી થાય, એનો સ્વીકાર. સર્વસ્વીકાર.
ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૦
દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાની અંતરંગ કથા.
એકવાર પરમાત્મા ગંગા નદીને કાંઠે ગયેલા. પ્રભુને ગંગાને પેલે પાર જવું છે. ગંગા નદી પગથી ઉતરી શકાય નહિ, હોડીથી જ ઉતરવી પડે. એક હોડીવાળો નદી કિનારે હતો. પ્રભુ એમાં બેસી ગયા. સામે કિનારે નૌકા પહોંચી. ભારતમાં જે લગભગ ન બની શકે એવી ઘટના ત્યાં ઘટી.
ભારત એટલે સંતોનો પૂજક દેશ. કોઈ પણ સંત હોય, એને જોઇને માથું ઝુકી જ જાય. એની સેવા કરવાનું મન થઇ જ જાય. પણ આ હોડીવાળો અલગ નીકળ્યો. એણે પ્રભુને કહ્યું પૈસા લાવો. પ્રભુ પાસે ક્યાં પૈસા હતા… બપોરના ૧૨ – ૧૨.૩૦ થયા હશે. ગંગા નદીની રેત એકદમ તપી ગયેલી. હોડીવાળાએ કહ્યું જ્યાં સુધી પૈસા નહિ ચૂકવાય ત્યાં સુધી આ રેતમાં બેસી જા. ધાણી ફૂટ ગરમીમાં પ્રભુ કલાકો સુધી બેઠા. એમાં થોડી પરિવ્રાજીકાઓ નીકળી. જેમણે પ્રભુને ઓળખી લીધા. પોતાની પાસે કોઈ ગ્રહસ્થ હતો એની પાસેથી પૈસા અપાવ્યા. અને પ્રભુએ આગળ વિહાર શરૂ કર્યો. એક વૃક્ષ નીચે પ્રભુ ઉભા રહ્યા, અને હવે પ્રભુને સાધના શરૂ કરવી છે. એ વખતે આચારાંગ સૂત્રમાં પૂછવામાં આવ્યું કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટી ગઈ છે તો એનું સ્મરણ પ્રભુને હોય કે નહિ?
ત્યાં સૂત્ર આવ્યું “एयाइं उराराईं गच्छई णाय पुत्ते असहणाई” પ્રભુને એ ઘટનાનું સ્મરણ નથી. હમણાં જ ઘટી ગયેલી એ ઘટના, અને કેટલી ઉગ્ર ઘટના! કલાકો સુધી ગરમાગરમ રેતમાં બેસવાનું થયું. પણ અત્યારે પ્રભુને એ ઘટનાનું સ્મરણ નથી. શિષ્યને નવાઈ લાગે છે કે આવું કેમ બને? તમને પણ નવાઈ લાગે ને…?
એક ઘટનાને દિવસો સુધી ન ભૂલનારા તમે, અને આવી ઘટના ઘટી અને મિનિટ પછી જેમને યાદ નથી એવા આપણા ભગવાન. ગુરુએ જવાબ આપ્યો… કે એ ૫ મિનિટ પછી જેમને યાદ નથી, એવા આપડા ભગવાન. ગુરુ એ જવાબ આપ્યો કે એ વખતે પ્રભુ સ્વમાં હતા. ઘટનામાં હતા જ નહિ. તો કઈ રીતે ઘટનાનું સ્મરણ થાય? તમે કોઈ ઘટના અનુભવી હોય તો એનું સ્મરણ કરી શકો ને? પ્રભુએ એ ઘટનાને અનુભવી જ નથી. પ્રભુ અંદર હતા, ઘટના બહાર હતી. ઘટના જોડે સંબંધ રચાયો નથી. પ્રભુ ઘટનામાં છે જ નહિ, માત્ર સ્વમાં છે.
તો પ્રભુએ કહ્યું તારે પણ માત્ર સ્વમાં રહેવાનું છે. રોજ જાઓ છો… મુનિસુવ્રત દાદા પાસે શું કહે છે દાદા? દાદા પોતાની મુખ મુદ્રા દ્વારા કહે છે – કે હું સ્વમાં છું માટે મજામાં છું. મારા મુનિઓને, મારી સાધ્વીઓને પણ તું જોઈ લે. એ બધા જ સ્વમાં છે માટે મજામાં છે. પરમાં પીડા, સ્વમાં આનંદ.
હવે તમને પૂછું કે પરમાં પીડા છે એ વાત તમને સમજાઈ છે? કોઈ વ્યક્તિ ક્રોધી છે. કોઈ વ્યક્તિ અહંકારી છે… તો હવે એ એના પક્ષે ખુલતી વાત છે. તમારી બાજુ ખુલતી વાત નથી. અને તમે એના કારણે હેરાન થાવ… પેલો આવો છે… પેલો આવો છે…. પેલો આવો છે… પરમાં તમે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જાવ ત્યારે માત્ર અને માત્ર પીડા જ મળવાની છે. પણ એનો અનુભવ છે? જ્યાં સુધી પરની પીડાનો અનુભવ નહિ થાય ત્યાં સુધી તમે સ્વની દુનિયામાં પ્રવેશ નહિ કરી શકો.
ઘર નાનકડું લાગે તો મોટું ઘર લેવાની ઈચ્છા થાય. કે ૨ – ૩ દીકરાઓ છે… બધાને બેડરૂમ અલગ આપવો પડશે… તો આપણે મોટું ઘર લઈએ. એટલે નાના ઘરમાં અસુવિધા થઇ, તો તમે મોટા ઘરનો વિચાર કરો. પણ નાના ઘરમાં બરોબર મજાથી રહેતા હોવ તો મોટા ઘરનો વિચાર પણ ન આવે.
એમ પરમાં તમે તમારા મનને adjust કરી નાંખ્યું.. . બરોબર? અનંત જન્મોથી પરની અંદર જ તમારી ચેતના રહેતી આવી છે. એટલે પર જોડે તમારું conditioning થઇ ગયું છે. પર જોડે તમારો એવો સંબંધ થઇ ગયો છે કે, પર તરફથી પીડા આવે એ પીડા, પીડા રૂપે ન લાગે. દીકરા ઉપર મોહ હોય, અને દીકરો રિસાઈ ગયો… તમે એને બાહોમાં લો… અને પેલો પાટું મારે… પણ એની પાટુમાં તમને પીડા દેખાય ખરી? અને પીડા દેખાય જ નહિ, તો એમાંથી મુક્તિની ઈચ્છા પણ ક્યાં થાય? તો પરની અંદર પીડા છે. એ એક અનુભવ થઇ જાય એ જરૂરી છે. પછી તમને કોઈ ઉપદેશ આપવો નહિ પડે. ૨૦ વર્ષનો છોકરો થાય education એનું પૂરું થઇ ગયું. પછી એને રોજ અડધો કલાક ઉપદેશ આપવો પડે તમારે? કે જો બેટા! પૈસા વગર દુનિયામાં ચાલશે નહિ. તું સારી job કર… સારો બીઝનેસ કર… રોજ અડધો કલાક પ્રવચન આપવું પડે તમારે? એને જ્યાં ખ્યાલ આવ્યો કે પૈસા વગર નહિ ચાલે એ દોડવા મંડે છે. કેટલી જગ્યાએ application કરે છે નોકરી માટેની… કેમ? એને ખ્યાલ આવી ગયો મારે આ જોઈએ છે. એમ તમને પરની પીડા અનુભવાઈ અને જ્યાં તમને લાગ્યું કે મારે સ્વમાં જવું છે. તમે સદ્ગુરુઓની શોધ કરતા જશો. કે સાહેબ મારે ભીતર જવું છે. ભીતર જવાનો માર્ગ બતાવો.
તો પ્રભુની એ વખતની મનોદશા કેવી હતી? બહુ જ મજાની વાત આવી… “समह सर्वत्र वैतृष्ण्यात् न स्मरति कृतमकृतम्” – આ પ્રભુની મનોદશાની વાત કરે છે. “मुक्तो यथा स्थिति स्वस्थ” જે જીવન મુક્ત સાધક બન્યો એ કેવો હોય છે? જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને એ સ્વીકારી લે છે. “मुक्तो यथा स्थिति स्वस्थ” અનુકુળ પ્રતિકુળ એ શબ્દો એના શબ્દકોશમાં છે જ નહિ. જે પણ પરિસ્થિતિ આવે એનો સ્વીકાર. મને એકવાર પૂછવામાં આવ્યું, કે પ્રભુની સાધનાને એક શબ્દમાં મુકવી હોય તો એ એક શબ્દ કયો હોય? ત્યારે મેં કહ્યું ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ એક શબ્દમાં પોતાની સાધના આપી છે. અને એ સાધના છે – “સર્વસ્વીકાર”.
તમે પીડિત કેમ છો? સારા અને નરસા પદાર્થો આ બેનું તમે વિભાજન કર્યું. સારા પદાર્થો મળે, તો રતિભાવ થાય – સુખ મળે. ખરાબ પદાર્થો મળે તો અરતિભાવ થાય. અહીંથી જ ઘરે જાવ ચા પીવાની છે… તમારા ટેસ્ટને અનુરૂપ ચા આવી ગઈ તો મજા. અને બરોબર ચા ન મળી તો? સજા.
“मुक्तो यथा स्थिति स्वस्थ” તો સર્વસ્વીકાર એ પ્રભુની સાધના છે. તમે પીડિત છો કેમ? અમુક મનગમતું છે અમુક તમારા માટે અણગમતું છે. મનગમતાનો સ્વીકાર છે. અણગમતાનો અસ્વીકાર છે. એ સ્વીકાર અને અસ્વીકાર ને બદલે માત્ર સર્વસ્વીકાર કરવાનો. આટલું જ કરવાનું છે. જે પણ પરિસ્થિતિ જ્યારે પણ ઉભી થાય એનો સ્વીકાર.
આચારાંગ સૂત્રમાં એક સરસ પ્રસંગ આવે છે – ગુરુએ એક શિષ્યને કહ્યું કે તારે વૈયાવચ્ચ માટે એક જગ્યાએ જવાનું છે. તૈયાર થઇ જા. ખરેખર સમર્પણ જોવું હોય ને તો અમારે ત્યાં મળશે. તમારે ત્યાં નહિ મળે. આ લોકોની પાસે જે સમર્પણ છે… આમની પાસે પણ જે સમર્પણ છે… અદ્ભુત. સેવા કરે એટલું નહિ… એ નાનકડી સેવા પણ ગુરુની કરવા મળી એનો કૈફ, એનો આનંદ હોય. એક પ્યાલો પાણી ગુરુને પાયું ક્રિયા એક મિનિટની, અડધી મિનિટની પણ એનો આનંદ કલાકો સુધી રહેવાનો. સદ્ગુરુની સેવા કરવા મળી ગઈ. અહીંયા સેવા માટે પડાપડી હોય. પેલા કહે હું વહોરવા જઉં… પેલા કહે હું વહોરવા જઉં.
તો ગુરુએ શિષ્યને કહ્યું કે તારે આ જગ્યાએ જવાનું છે. તમે પણ બોલો ખરા હોં… અતિચારમાં, ગુરુવચન તહત્તિ કરી પડીવજ્યું નહિ. જરૂર ગુરુની અમુક આજ્ઞાઓ મેળવવાનું સદ્ભાગ્ય તમને ન મળ્યું. આ લોકો કોરા cheque જેવા. એને કંઈ પણ કહી દઈએ એમણે વિચારવાનું નથી. એક ક્ષણ માટે એ વિચારમાં રહી જાય કે આનાથી મને લાભ થશે કે ગેરલાભ… અને લાભ થશે માટે હું ગુરુની આજ્ઞાને સ્વીકારું. તો એ આજ્ઞાનો સ્વીકાર નથી. પણ અસ્વીકાર છે.
હું ઘણીવાર કહું છું કે, પહેલા તમારા ત્યાં પણ આ પરિસ્થિતિ હતી… ૭૦ વર્ષના દાદા બેઠેલા હોય, એ ૫૦ વર્ષના એના દીકરાને લડે. એટલે પેલાની આંખમાં આંસુ આવે. ૭૦ વર્ષના દાદા, ૫૦ વર્ષના એકદમ કામ કરનારા, આખા જ પરિવારનું સંચાલન કરનારા, દીકરાને ઝાડી નાંખે. દીકરો આમ હાથ કરીને ઉભો રહે.
મેં વચ્ચે એક વાત કરેલી… મેં દીક્ષા તો લીધી, memory મારી ઓછી હતી. ગુરુદેવે કહેલું રોજ દસ ગાથા કરવાની. ક્યારેક થઇ હોય, ક્યારેક ન થઇ હોય… ક્યારેક અડધી કાચી – પાકી થયેલી હોય. એકવાર ગુરુદેવે પૂછ્યું – આજની દસ ગાથા બોલી જા ચલ… આપણી તો તેલમાં માખી ડૂબી ગઈ. એક ગાથા બોલતા તો ગે ગે – ફે ફે થઇ ગયો. અને ગુરુદેવ લડ્યા શું કરે છે આખો દિવસ? દસ ગાથા તારાથી થતી નથી. ભણવાની ઉંમર છે… ભણવાનું…. રમવાનું નથી.
ગુરુદેવ પુણ્યપ્રકોપમાં હતા. હું હાથ જોડીને સાંભળતો હતો. પણ દાદા ગુરુ ત્યાં જ બેઠેલા હતા. ભદ્રસૂરિદાદા…. એમણે ૐકારસૂરિ મ.સા ને કહ્યું – ગુરુદેવને, બેસ – બેસ હવે, તું નાનો હતો ત્યારે શું કરતો હતો? હવે આ તો છોકરું છે ભણે બી ખરા ને ન પણ ભણે. પણ છે talented. એટલે supreme court માં આપણી અરજી જે છે એ મંજુર થઇ ગઈ. એટલે high court નો વાંધો ન રહ્યો. તો તમારે ત્યાં આ પરંપરા હતી. એ પરંપરામાંથી અમારા ત્યાં એ દીકરા ને દીકરીઓ આવતાં ત્યારે એમને સમર્પણના પાઠ ભણાવવા ન પડતા. પણ મને આનંદ છે એક વાતનો કે આવી પરિસ્થિતિમાંથી તમારે ત્યાંથી અમારે ત્યાં આવ્યા છે, અને છતાં એક atmosphere ને કારણે, એક પ્રભુની કૃપાને કારણે, સમર્પણની ધારા ખુબ ઘૂંટાઈ. એક શિષ્યે મને એકવાર પૂછેલું કે સાહેબ તમે ગુસ્સે કેમ નથી થતાં? મેં કહ્યું તમે બધા એટલા બધા લાયક છો કે મારે ગુસ્સો કરવાની જરૂર પડતી નથી. પ્રેમથી હું કહું અને તમે સ્વીકારી લો છો પછી મારે ગુસ્સે થવાની જરૂર ક્યાં રહી?
સદ્ગુરુએ શિષ્યને કહ્યું કે તારે અહીંયા જવાનું છે. આનંદથી નાચી ઉઠ્યો છે. મારા ગુરુએ સેવા માટે મને યાદ કર્યો. યાદ રાખો સેવા કેટલી એની જોડે કોઈ સંબંધ નથી. તમે સેવા કયા હૃદયથી, કયા ભાવથી કરો છો એનું મહત્વ છે. તમે કયાંક જઈ રહ્યા છો. અને કોઈ મહાત્મા કહી દે, આ પોટકી નાનકડી છે એ ત્યાં પેલા ભાઈને આપી દેજો. તમે જવાના જ છો. ગાડીને કોઈ ભાર પડવાનો નથી. તમને કોઈ તકલીફ પડવાની નથી. પણ લાવો મ.સા આપી દઈશ. એનું ફળ અલગ છે. અને સદ્ગુરુના ભક્તો તો અપાર છે. મને એમણે યાદ કર્યો. અને આટલો બધો લાભ મને આપ્યો. આનું ફળ extreme point પર. એટલે સેવા કેટલી એનું મહત્વ નથી. તમે સેવા કેવી રીતે કરો છો.
પ્રભુની પૂજા પણ કરી, પણ કયા ભાવથી કરી? આમ પ્રભુના ગભારા પાસે ઉભેલા હોવ, મારા ભગવાન… મારા ભગવાન…. મારા ભગવાનનો સ્પર્શ મને મળશે. દર્શન તો મળી ગયું… મારા ભગવાનનો સ્પર્શ મને મળશે. અને એ ભાવમાં તમે જાવ… અને પૂજા કરો સાક્ષાત્ મારા ભગવાન અહીં બેઠા છે અને હું એમની પૂજા કરી રહ્યો છું.
માટુંગામાં મુખ્ય ટ્રસ્ટી બીપીનભાઈ છે. એ બીપીનભાઈ જે છે ને બધા સાધુ ભગવંતોને ભગવાન જ કહે. માટુંગામાં ૭ માળનો ઉપાશ્રય બન્યો. તો એ શું કહે? મારા જીવતા ભગવાન માટે આ હવેલી બનાવી. ભગવાન…. ભગવાન તમે રોકાઈ જાવ… ભગવાન તમે અમને લાભ આપો. શબ્દ જ ભગવાન નીકળે. બીજું કોઈ નહિ. અને સાંભળ સાંભળ કરે ને એટલે માટુંગાવાળા બીજા બધા ય ભગવાન બોલવા મંડી પડ્યા. Atmosphere ની અસર થાય છે.
આરખીમાં એક બહુ નાનકડા ગામમાં મારું ચાતુર્માસ હતું. એ ગામમાં ઇતિહાસની અંદર પહેલી વાર ચાતુર્માસ થતું હતું. લોકોનો ઉત્સાહ અસીમ. બધા લોકો બહારથી ઘર ખોલી – ખોલીને બેસી ગયેલા. કોઈ અમદાવાદથી, કોઈ હૈદરાબાદથી, કોઈ મુંબઈથી… એક ભાઈ મુંબઈ રહેનારા… મૂર્તિના વેપારી. ધંધાને બંધ કરીને આવતાં રહ્યા. ચોમાસા પછી ચાલુ કરીશું… ચોમાસું તો સાહેબ પાસે છે. એમનું ઘર એટલું મોટું કે જાણે ધર્મશાળા લાગે… કોઈ પણ મહેમાન આવે સંઘના રસોડે જમવા જાય તો પાંચ જણા જમાડનારા હોય. એક મહેમાન હોય તો પાંચ જણા જમાડે. આ લો.. આ લો… અને પેલા ભાઈને ત્યાં તો જવું જ પડે… ઉત્તમભાઈને ત્યાં તો જવું જ પડે. એ ચા પીવડાયા વગર છોડે જ નહિ. આખો દિવસ મારી જોડે બેઠેલા હોય. ને ક્યારે મહેમાન આવે ત્યારે તૈયાર જ હોય… ૩ એક મહિના થઇ ગયા… અને એકવાર એમણે કહ્યું કે, સાહેબ એક અગત્યનું કામ આવી પડ્યું છે. એટલે કદાચ મુંબઈ જવું પડશે. ૨ દિવસ થયા એ ત્યાં ને ત્યાં… મેં કહ્યું તમારે મુંબઈ જવાનું હતું ને… એટલે કહે, ભગવાન કહેશે ત્યારે થશે. ભગવાનને મંજુર હશે ત્યારે જવાશે, હમણાં વરસાદ બહુ પડ્યો છે ટ્રેનો બંધ થઇ છે. ભગવાનને મંજુર હશે ત્યારે જ જવાનું થશે. મેં કહ્યું: ઉત્તમભાઈ, તમારા મોઢામાં આ શબ્દો? ધર્મનું કોઈ જ્ઞાન નહીં, ભગવાનને મંજુર હશે ત્યારે જવાનું થશે. મેં કહ્યું, તમારા મોઢામાં આ શબ્દો? મને કહે તમારી જોડે બેસ બેસ કર્યું ને એટલે મન જ ફરી ગયું મારું કહે છે… અને મન ફરી ગયું તો ભાષા ફરી જાય. તો ગુરુએ શિષ્યને કહ્યું કે તારે જવાનું છે આનંદથી, હાથ જોડીને ગુરુની આજ્ઞા સ્વીકારે છે, હર્ષના આંસુ આંખમાં આવે છે. મારા ગુરુએ મને સેવાનું કામ સોંપ્યું.
તમારી પાસે પણ આ અહોભાવ છે. માત્ર એ અહોભાવને હજુ પણ બને એટલો extreme point પર લઇ જવો છે. બાકી મુંબઈનો અહોભાવ ગમી ગયો છે. મેં એકવાર વાત કરી ને કે મુંબઈનો અહોભાવ બહુ સરસ છે. તો મને કહે સાહેબ મુંબઈ છોડીને પછી કેમ જવાનું? ખરેખર તમારો અહોભાવ મજાનો છે. શિષ્ય તૈયાર થાય છે, ભેટ બાંધે છે, છેલ્લે નીકળતી વખતે ગુરુને વંદન કરે છે. અને કહે ગુરુદેવ હું જઉં? એકવાર ગુરુએ આજ્ઞા આપેલી છે છતાં અડધો કલાક પછી જવાનું છે. તો પાછુ ગુરુના ચરણોમાં જવાનું. અને ગુરુદેવને કહેવાનું સાહેબજી હું જઉં? એટલા માટે કે, ગુરુનો વિચાર ફરી ગયો હોય તો ના પણ પાડી શકે. આવું પણ બને… ગુરુએ કહ્યું હોય સાંજે તમારે બે જણાને જવાનું છે. એ તૈયાર થઈને સવારે આવ્યા, વંદન કર્યું, પચ્ચક્ખાણ માંગ્યું… પછી ગુરુ કહે તમારે નથી જવાનું. તમારે નથી જવાનું… કોઈ વિચાર વિના ભેટ છોડી આસન પર બેસી જાય… સ્વાધ્યાય શરુ કરે. અને એ વખતે ગુરુ બીજા બે સાધુઓને તૈયાર કરી અને મોકલે. આ કેવું સમર્પણ? બુદ્ધિ હોય તો સીધો વિચાર આવે. કેમ ભાઈ અમે બરોબર નહોતા? અમે પણ ગુરુની આજ્ઞા સ્વીકારી, અમે તૈયાર થઇ ગયા. અમને ના પાડે છે અને બીજા બે ને પાછા મોકલે છે. આ બુદ્ધિ અને આ અહંકારે જ અનંતા જન્મોમાં આપણને રખડાવ્યા છે. એક સમર્પણ આવી જાય, મોક્ષ આ રહ્યો. મોક્ષ ક્યાં દૂર છે.
મુનિરાજ ચાલે છે, જે ગામ જવાનું છે એ ગામ જતા પહેલા ગંગા જેવી મોટી નદી આવે છે. આપણા ભારત દેશમાં ૨૫૦૦ વર્ષ પહેલા એટલી બધી નદીઓ હતી, આપણી ધરતી શસ્ય શ્યામલા હતી. લીલોતરીથી મઢાયેલી. આપણે ધર્મને boycott કર્યો એમ નહિ. આપણી સુરક્ષા જોડે આપણે જે છે છેડો ફાડી નાંખ્યો. આજે શહેરોની હવા લેવાય એવી નથી.
જાપાનના એક શહેરમાં બાળકોની કસરત ઉપર પ્રતિબંધ મુકાયો. Exercise કરો, અને વધારે જોરથી તમે શ્વાસ લો. ઓક્સિજન એટલી હદે બગડી ગયો છે. કે એ શ્વાસ તમે વધારે લો. તમારા ફેફસાને નુકશાન થાય. મુંબઈમાં પણ જે હવાની શુદ્ધિનો આંક આવે છે એ બહુ નીચો છે. જેટલું પ્રદુષણ વધે એટલું પર્યાવરણ જે છે તે ખતરામાં પડવાનું જ. તો એ વખતે નદીઓ જ નદીઓ હતી. તો એ નદીને તરવાની છે. સામે કાંઠે જવાનું છે. હોડીમાં જ બેસીને જવાય એવું હતું. એક હોડીવાળાને પૂછ્યું, હું બેસી શકું? ૧૫ એક ઉતારુઓ બેઠેલા હતા… હોડી જવાની તૈયારીમાં હતા. હોડીવાળો કહે બેસી જાઓ મહારાજ… મારી હોડી તો જવાની છે આમેય.. તમે બેસશો એથી કંઈ ફરક પડવાનો નથી. બેસો. બહુ મોટી નદી… એ નદીમાં ક્યારેય પણ તોફાન ન ઉપડે. આજે તોફાન ઉપડ્યું. કારણ કે દરિયો એને લાગુ પડતો હતો. એટલે દરિયાના તોફાનની અસર થી. તો નાવ હાલક – ડોલક થવા માંડી. એટલે બધા ઉતારૂઓ વિચાર કરે… કે કોઈ દિવસ નહિ, અને આજે જ કેમ? એક જણાએ કહ્યું કે આ બેઠો છે ને સાધુ એના કારણે… બધા એવા ગામડીયાઓ અભણ હતા. લાગે છે તો આવું જ હો… કોઈ દિવસ નહિ આજે જ કેમ? આજે આ બેઠો ને થયું. હવે એને પાણીમાં નાંખી દો. આપણે તો પહોંચી જઈએ. આ મુનિરાજ સાંભળે છે પણ એ સાંભળ્યા પછી એક પણ વિચાર આવતો નથી. “मुक्तो यथा स्थिति स्वस्थ” ભગવાનનો મુનિ, ભગવાનની સાધ્વી જે પણ પરિસ્થિતિ મળે એમાં આનંદ હોય. અમે સદાને માટે આનંદમાં ડૂબેલા. પરિસ્થિતિ અમારા હાથમાં નથી. અમારું મન અમારા હાથમાં છે. તમારે ત્યાં પરિસ્થિતિ પણ તમારા હાથમાં નહિ અને મન પણ તમારા હાથમાં નહિ. અહી જરૂર પરિસ્થિતિ અમારા હાથમાં નથી હોતી, રોગ આવી પણ શકે, બધું થઇ શકે. અમે ચાલતા હોય અને accident પણ થઇ શકે છે. પરિસ્થિતિ ખરાબ હોઈ શકે. પણ મનોસ્થિતિ મજાની… કેમ? શું કારણ? મનમાં માત્ર પ્રભુ છે માટે. તમે પણ તમારા મનમાં માત્ર પ્રભુને રાખી દો પછી જુઓ, કેવી મજા આવે છે.
ધંધો છે, તેજી – મંદી આવે. મંદી પણ આવે.. એ પરિસ્થિતિને પણ સ્વીકારી લેવાની. એ પરિસ્થિતિમાં પણ આકુળ – વ્યાકુળ ન થઈ જવાય. ભગવાનની કૃપા છે. ખૂબ છે મારી પાસે… આ તો ધંધો કરું છું એટલા માટે… કે ચળ ઉપડી છે ધંધો કરવાની… નહીતર ધંધો ન કરું અને ઘરે બેસી રહું તો પણ વ્યાજમાંથી પેઢીઓની પેઢીઓ ચાલે એટલું મારી પાસે છે… પણ એક ચળ ઉપડી છે ધંધો કરવાની…. ધંધો કરું છું, ધંધામાં મંદી પણ આવે, તેજી પણ આવે. તો તમને તેજી – મંદીની અસર ન થાય. કારણ પ્રભુ આવી ગયા.
મુનિરાજ એ સાંભળે છે, કોઈ અસર થતી નથી. ઉતારુઓએ નાવિકને કહ્યું, કે અમારી બધાની ઈચ્છા છે – આ સાધુને પાણીમાં નાંખી દઈએ. નૌકાવાળો એ ગમ્મતમાં બેસી ગયો, હા બરોબર છે. ૧૫ ઉતારૂઓ અને ૧૬મો હોડીવાળો, સોળે સોળ જણા સર્વાનુમતિએ તૈયાર થઇ ગયા કે સાધુને પાણીમાં નાંખી દો.. આપણે પછી તોફાન વગર સામે કિનારે પહોંચી જઈશું. હવે મુનિને લાગ્યું કે આ લોકો મને ફેંકવાના છે. ત્યારે એ પ્રેમથી બધાને કહે છે, કે તમારે મને ફેંકવો છે ને પાણીમાં એના બદલે હું જ પાણીમાં જતો રહું તો કેવું? પેલા આખરે તો હિંદુ હતા. તો તો બહુ સારું મહારાજ… આમેય ઋષિ હત્યાનું પાપ અમને લાગવાનું હતું. એ પાપ ન લાગે. તમે જ જતા રહો તમારી મેળે… અમારે તમને ફેંકવા ન પડે. શા માટે મુનિરાજે કહ્યું? એટલા માટે, કે મારા શરીરને આ લોકો throw કરે તો અપકાયના જીવોની કેટલી વિરાધના થાય. અને પછી મુનિ ધીરેથી પોતાના શરીરને નદીમાં મૂકી દે છે. ગૃહસ્થપણાના એ તારું હતા. મોટી – મોટી નદીઓને હાથથી તરી જતાં. પણ અહીંયા હાથ પગને હલાવતા નથી. હાથ – પગ હલાવાય, તો અપકાયના જંતુઓની વિરાધના થાય. હાથ આમ… પગ આમ… નદીને જ્યાં લઇ જવો હોય ત્યાં લઇ જાય. દરિયામાં લઇ જાય તોય વાંધો નથી. સ્વીકાર છે. કિનારા પર ફેંકી દે, તો પણ વાંધો નથી. આપણે અહીંયા એટલા માટે જોઈએ છે કે પ્રભુની એ સમયની ભાવદશાનો આપણને કંઈક ખ્યાલ આવે. પ્રભુના એક મુનિની અંદર જો આ ભાવદશા હોય, તો પ્રભુની ભાવદશા કેવી હશે? આ સૂત્રોના માધ્યમે આપણે આપણી ચેતનાને પ્રભુમય બનાવવી છે. મારા પ્રભુ આવા હતા. એ મારા પ્રભુની કૃપા મારા ઉપર ઉતરી છે હું કેવો હોઉં? મારા ભગવાનને આટલી બધી મોટી ઘટના ઘટી ગઈ… છતાં એને હું યાદ નથી. અને મને નાની – નાની ઘટના યાદ રહે. ચલો હવે નક્કી કરું નાની – નાની ઘટના હોય એને ફેંકી દેવાની મનમાંથી. બરોબર… એટલે તમારા ઘરમાં ઘટના તો કેટલી ઘટે રોજ? અને પતિ – પત્ની બેઉ હોય તો કેટલી ઘટના ઘટે બોલો….
એ નાની – નાની ઘટનાઓ ઘટે, એમાં મનને જવા નહિ દેવાનું. તો આ રીતે કરીએ તો આપણું મન પ્રભુમય બનેલું કહેવાય. એક ભાઈને એક જણા એ પૂછેલું, કે તમારા બે માણસમાં ઝઘડો નથી થતો કારણ શું? તો એ કહે છે કે અમે લોકો વહેંચણી કરી નાંખી છે. નાના – નાના કામ મારી પત્ની સંભાળે. મોટા – મોટા કામ હું સંભાળું. અને પેલાને ઝઘડા રોજ થતાં. એટલે એને master key જોઈતી હતી. તો કહે કે નાના કામ કયા? તો કહે કે ઘર બદલવું હોય તો ક્યા એરિયામાં જવું? કેવો ફ્લેટ લેવો? દીકરાને કઈ સ્કૂલ ભણાવવો? દીકરી જે છે એનું વેવિશાળ ક્યાં કરવું? આ બધી નાની – નાની વાતો છે ને એ મારી પત્ની સંભાળે. તો કહે કે તમે શું સંભાળો? તો કહે કે નરેન્દ્ર મોદીએ શું કરવું? અમેરિકાના President એ શું કરવું? એ બધું હું સંભાળું. નાની – નાની ઘટનાઓ આપી દો તમે તો free થઇ જાવ.
પછી નદીએ છાલક મારી. અને દેહ કિનારા ઉપર પડ્યો. કિનારા પર પડ્યો એ પછી મુનિ તરત વિહાર નથી કરતા. ત્યાં ને ત્યાં ભીની રેતમાં ઉભા રહે છે. શરીરમાંથી અને વસ્ત્રોમાંથી પાણી જે ટપકી રહ્યું છે, એ સીધું નદીમાં જતું રહ્યું. કુદરતી રીતે શરીર અને વસ્ત્રો સુકાઈ જાય પછી એ ત્યાંથી વિહાર કરે સામે ગામ પહોંચે. આ કેવી મનોદશા? “समह सर्वत्र वैतृष्ण्यात्” બધી જ જગ્યાએ એને સરખાપણું જ લાગે છે. આમ હોય તો ય શું, અને આમ હોય તો ય શું. જીવી ગયા તો આરાધના કરીશું. મૃત્યુ આવે તો પણ શું છે? આવતાં જન્મમાં સાધના શરૂ થશે.
જીવન અને મૃત્યુ એ બંને માટે પણ સમત્વ છે. આ સમત્વની દ્રષ્ટિ આપણને મળો એવી આશા.