Prabhu Veerni Sadabar Varshni Sadhana – Vachana 61

442 Views 29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ઘટના અપ્રભાવિતતા

પ્રભુ પોતાના જીવન થકી એક વસ્તુ કહેવા માંગે છે કે જો તમને પણ સ્વનો અનુભવ થઇ જાય, તો બહારની બધી પીડા છૂ થઇ જાય. તમે પણ જો એક વાર સ્વની દુનિયામાં અંદર ઊતરો, તો જ આ જીવન સાર્થક. લક્ષ્ય નક્કી કરો કે આ જન્મ તો પરમાત્મા માટે જ. પરમાત્માની આજ્ઞા છે કે તું તારા સ્વરૂપમાં સ્થિર થા. બસ, મારું આખું જીવન પ્રભુની આ આજ્ઞા પાછળ ચાલવું જોઈએ.

મનને સ્વમાં મૂકવું છે. અને એના માટે ઘટનામાંથી મનને કાઢવું પડે. ઘટનામાંથી મનને કાઢવું હોય, તો ઘટના તમને સામાન્ય, નિરર્થક, ફીકી લાગવી જોઈએ. જો ઘટનામાં કંઈક પણ વિશેષતા લાગે, તો મન ત્યાં જાય.

લગભગ ૮૦% ઘટનાઓ રોજેરોજ બનતી જ હશે એટલે એમાં તો મન જશે જ નહિ. જે ઘટનાઓ બાકી રહી, એમાં જો મન જાય, તો એને પાછું ખેંચી લેવાનું. સાદું નિમિત્ત હોય તો ૫–૭ મિનિટ અને જોરદાર નિમિત્ત હોય તો ૧૫ મિનિટ – આનાથી વધુ ઘટનાની અસર રહેવી ન જોઈએ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૧

પરમકૃપાવતાર પરમાત્મા મહાવીરદેવની સાડા બાર વર્ષની સાધનાની અંતરંગ કથા.

કર્મનો ઉદય હતો અને પ્રભુને બધા જ કર્મો આ જન્મમાં ખપાવી દેવાના હતા. તો ઉપસર્ગો આવ્યા, પરિષહો આવ્યા, પણ પ્રભુ એ ઘટનાઓમાં નહોતા, પ્રભુ સ્વમાં હતા. પ્રભુ પોતાના જીવનથી એક વસ્તુ કહેવા માંગે છે, જો તમને પણ સ્વનો અનુભવ થઇ જાય તો બહારની પીડા બધી છુ થઇ જાય.

પ્રભુની વાત તો ન્યારી હતી. અમારા જેવા લોકો પણ પરમ આનંદમાં રહી શકે છે. કારણ એક જ, સ્વની અનુભૂતિ થઇ ગઈ છે. પરમાં આવી શકાય. પરભાવમાં ન અવાય. તમારી સાથે અમારું તાદાત્મ્ય ક્યારે પણ ન બંધાય. પ્રતિબિંબ પડી ગયું, પ્રતિબિંબ વિખેરાઈ ગયું. એથી વધુ કશું જ નહિ. તો તમે પણ એકવાર સ્વની દુનિયામાં અંદર ઉતરો. તો જ આ જીવન સાર્થક. પરમાં તો અનંતા જન્મો તમે રહ્યા. એક જનમ નહિ, બે જનમ નહિ… અનંતા જન્મો. શું આ જન્મને પણ પરમાં જ વહાવી દેવો છે? એક લક્ષ્ય નક્કી કરો… કે આ જન્મ તો પરમાત્મા માટે જ. પરમાત્માની આજ્ઞા છે – “તું તારા સ્વરૂપમાં સ્થિર થા.” બસ પ્રભુની આ આજ્ઞાની પાછળ આખું જ મારું જીવન ચાલવું જોઈએ. પ્રભુ કઈ રીતે કામ કરે ખબર છે? તમે બે ડગલાં ચાલો… અને પ્રભુ તમને બાહોમાં લઇ લે. આંતરયાત્રામાં journey બહુ લાંબી નથી. Journey બહુ જ ટૂંકી છે. સ્વરૂપદશા તમને ગમી, એના તરફ બે ડગલા તમે ભર્યા… સ્વરૂપ દશા મળી ગઈ. સૌથી અઘરી જે વસ્તુ છે, એ આ છે કે –  સ્વરૂપદશાનું ગમવું.

અને એક વાત જરૂર કહું… તમે ચિંતન કરો, અનુપ્રેક્ષા કરો… તો તમને સ્વની વૈભવી દુનિયા ગમી જ જાય. અત્યારે તમે વિચાર નથી કરતાં, એક પરંપરા છે વ્યાખ્યાન સાંભળી લેવું. કટાસણું સંકેલી લો… એટલે બધા શબ્દો અંદર જતાં રહે કટાસણામાં…. એ શબ્દો ઉપર ચિંતન થાય તમને પોતાને લાગે કે, પરમાં કયો આનંદ છે?

રાગ કર્યો કોઈના ઉપર, એ પદાર્થ તમને બહુ જ ગમે છે, પણ એ પદાર્થ કાયમ તમને મળશે એવી ગેરંટી ખરી..? એ brand જ ખેંચી લેવામાં આવે. તમે કહો છો એના વગર મને ચાલતું નથી. અને હજારો લાખો રૂપિયા આપતા એ મળતું નથી. કારણ કે બજારમાંથી જ નીકળી ગઈ છે. એક પદાર્થ પરનો રાગ તમારા આનંદને ઝુટવી લે. તમારા આનંદને લુંટનારા કોણ છે? રાગ – દ્વેષ અને અહંકાર. તો થોડું ચિંતન થાય અને લાગે કે પરમાં કોઈ આનંદ છે જ નહિ. હોઈ શકે જ નહિ. આનંદ માત્ર સ્વમાં હોય. અને તમે આંતરયાત્રામાં ચાલવા લાગો.

અમારા ઉપર પ્રભુની કૃપા થઇ. અને પ્રભુએ જ ઉચકીને મૂકી દીધા. એટલે તમે પણ ભક્તિની ધારામાં જાવ. એટલે પ્રભુના પ્રેમને, પ્રભુની કૃપાને આત્મસાત કરો… તો પ્રભુ તમને ઉચકીને મૂકી દે. એક ડગલું પણ ચાલવું ન પડે. તો સ્વભાવદશા એકવાર ગમી ગઈ પછી એ મેળવવી અઘરી નથી.

એક સૂત્ર છે, કોઈ પણ ગુણ, કોઈ પણ સાધના, ગમી એટલે મળી. અને કોઈ પણ દોષ ડંખ્યો એટલે ગયો. કયા દોષો તમને ડંખ્યા છે? આજે સમય ન મળે તો રવિવારે… બેસી જાવ… કે દોષો મારી ભીતર આટલા – આટલા – આટલા છે. એમાંથી મને ખટકે છે કેટલા? તમે બહુ જ પ્રબુદ્ધ છો. બીજામાં નાનામાં નાનો દોષ હોય ને તમને ખબર પડી જાય. એટલે દોષ હોય અને તમને ખબર ન પડે એવું નથી. ખબર તો પડી જ જાય. Introspection કરો તો… પછી જરા ઊંડા ઉતરો, કે ખરેખર આ દોષો મને ડંખે છે ખરા? દોષો ડંખે તો ગયા. ગુણો તમને ગમ્યા, કોઈ પણ સાધના તમને ગમી, તો મળી ગઈ.

તો પ્રભુ ઘટનામાં ક્યારે પણ ન રહ્યા, સ્વમાં રહ્યા. કેવલજ્ઞાન પછી તો, વિતરાગદશા મળ્યા પછી તો પ્રભુ સ્વમાં છે. પણ આ જે વાત છે એ છદ્મસ્થ અવસ્થાની છે. વિતરાગદશા મળ્યા પછી, કેવલજ્ઞાન મળ્યા પછી પ્રભુ માત્ર સ્વમાં રહે છે. કેવલજ્ઞાનમાં આખા જગતનું દ્રશ્ય પ્રતિબિંબિત થયા કરે, પણ એક પણ દ્રશ્ય જોડે પ્રભુને સંબંધ નથી. પ્રભુ સ્વમાં જ છે. આ સારું થયું, આ ખોટું થયું, આવો કોઈ ઉપયોગ પ્રભુનો વિતરાગદશા ગયા પછી હોતો જ નથી. પણ આ તો પ્રભુની છદ્મસ્થ અવસ્થા છે. સાતમે ગુણઠાણે પ્રભુ વર્તી રહ્યા છે. અને એ વખતે પ્રભુ માત્ર સ્વમાં છે. ઘટનાઓમાં નથી.

અનાર્ય દેશમાં પ્રભુ પધાર્યા, ત્યાંના અજ્ઞાની લોકો, એમને કોઈ સંત એટલે શું ખ્યાલ નથી. પ્રભુની પીઠ ઉપર લાકડીઓનો વરસાદ વરસાવે છે. શિકારી કુતરા પ્રભુની પાછળ છોડ્યા, અને એ કુતરા પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી નાંખે છે. પણ આટલી મોટી ઘટના છે પ્રભુ ઘટનામાં નથી, સ્વમાં છે.

ગજસુકુમાલ મુનિ, મેતાર્ય મહામુનિ ક્યાં હતા? એ પણ ઘટનાઓમાં નહોતા. એ માત્ર સ્વમાં હતા. ખંધકમુનિની ચામડી ઉતરેડાઈ રહી છે. કેટલી પીડા હોય વિચાર તો કરો… પણ એ વખતે ખંધકમુનિ સ્વમાં છે. પરીષહો સહન કરવાનું જે કહ્યું ને, એના ૨ કારણો છે. એક તો નિર્જરા માટે અને બીજું પ્રભુના માર્ગ પરથી નીચે ન પડી જઈએ. એટલા માટે. मार्गाच्यवन निर्जरार्थम् परिसोढव्या परिषह: તો માર્ગ પરથી નીચે ઉતરી જવું એટલે શું? પ્રભુનો માર્ગ માત્ર સ્વમાં જવાનો, સ્વમાં રહેવાનો છે. પ્રભુનો માર્ગ શું? પરભાવમાં એક ક્ષણ માટે પણ તમે રહો એ પ્રભુનો માર્ગ નથી. સ્વમાં જ તમે રહો એ પ્રભુનો માર્ગ છે. તો એ પ્રભુના માર્ગમાં રહેવું હોય તો શું કરવું પડે? પરિષહોને સહન કરવા પડે. ઠંડી છે, ગરમી છે, મચ્છર છે, આ બધું રહેવાનું જ છે. પણ આજે ઠંડી બહુ હતી ને સાધના ન થઇ. ગરમી બહુ હતી ને મન ગરમીમાં ગયું. પરિષહોને એવી રીતે habituated કરી દેવા છે કે પરીષહો શરીર પર આવ્યા કરે, તમે અંદર મજાથી તમારી આંતરયાત્રામાં હોવ. એ પરોષહોમા તમારું મન ન જાય. આપણે તો તાવ કે ઠંડી ગરમીની વાત કરીએ છીએ. ખંધકમુનિ ક્યાં સુધી પહોંચ્યા? ચામડી ઉતારવા આવેલાને શું કહે છે? મારી કાયા તપથી એકદમ શુષ્ક બની ગઈ છે, મારી ચામડી પણ સુકાઈ ગઈ છે, તને ઉતારવામાં તો તકલીફ તો નહિ પડે ને? ચામડીને છોલવા આવનાર ઉપર આ કરૂણા, આ પ્રેમ… તું કહે એ રીતે ઉભો રહું, જેથી તને ચામડી છોલવામાં સરળતા રહે. પરિષહો આટલા habituated થયેલા. તો શું થયું? મન શરીરની પીડામાં ન ગયું. અંદર ને અંદર રહ્યું.

 આપણી હાલત તો એવી છે સહેજ માથું દુઃખે એટલે મન ત્યાં જાય, ઉપયોગ ત્યાં જાય. માથું દુઃખે છે. Mood less થઈને બેઠા હોવ, કેમ શું થયું? માથું દુઃખે છે. અરે માથાને દુઃખવા દે, તું દુઃખાવાને શું કરવા અંદર લે છે. ખરેખર તો માથું ક્યાં દુઃખે ખબર છે તમને? ક્યાં દુઃખે? બીજાની વાતમાં માથું મારવા જાવને ત્યાં માથું દુઃખે. બે જણા કે ત્રણ જણા વાત કરતા હોય, એમાં માથું મારે, અને પેલા લોકો કહી દે, છટ તરી વાત ખોટી છે.  ખલાશ… પોતાનું insult થઇ ગયું પોતાનું. માથું દુઃખવા આવ્યું. પણ માથું મારો, તો માથામાં વાગે જ ને… માથું મારો જ શા માટે ?

તો ગજસુકુમાલમુનિનું, મેતાર્યમુનિનો, ખંધકમુનિનો ઉપયોગ આટલા પરિષહની વચ્ચે સ્વમાં રહી શકે. આપણે એટલી તો પ્રેક્ટીસ પાડીએ, કે તાવ હોય તો પણ અસર ન થાય. ઠીક છે દવા લઇ પણ લીધી. પણ મનને એમાં ન જવા દો. શરીરને ટીકડી આપી દો. પણ મનને એ દર્દમાં જવા ન દો. આવી એક ભૂમિકા મળે છે. જ્યારે જીવન અને મરણ બેઉ સરખા થઇ ગયા હોય. આગલી ક્ષણે જીવન હોય તો ય વાંધો નથી. મૃત્યુ હોય તો ય વાંધો નથી. આવી સમદશા આવી ગઈ. પછી પીડા આવી પણ જાય. Pain killer લઇ પણ લીધું. Pain killer પીડાને નાબુદ કરે. તમે તમારામાં હોવ. અને Actually Pain killer પણ શું કરે છે? જે જ્ઞાનતંતુઓ nervous system ને સંદેશો આપતી હોય છે કે અહીંયા દુઃખાવો છે. એ જ્ઞાનતંતુઓને બહેરા બનાવી દે એટલે ત્યાં સમાચાર ન મળે. અને સમાચાર ન મળે એટલે પીડા ન થાય.

થોડાક સમય પહેલાંની એક ઘટના. એક આચાર્ય ભગવંત એક નગરમાં પધાર્યા. એ વખતે ઉપાશ્રયો બધા ગામમાં કે બધા નગરમાં નહોતા. કારણ કે લગભગ તો મુનિવરો ઉદ્યાનમાં રહેતા. ગુફાઓમાં રહેતા. ચોમાસાની અંદર વરસાદ વિગેરે હોય, ત્યારે વિરાધના ન થાય માટે ઉપાશ્રય હોય તો ઉપાશ્રય. નહીતર મકાનમાં રહે. તો આચાર્ય ભગવંત માટે એક શ્રેષ્ઠીનો મોટો બંગલો હતો. એ પસંદ કરવામાં આવ્યો. બંગલાની એક બાજુ એ લોકો રહેતા હતા. બીજો આખો ભાગ ખાલી હતો. આચાર્ય ભગવંતે ત્યાં ઉતરો કર્યો. ત્યાં સ્વાધ્યાય, ધ્યાન બધું ચાલવા લાગ્યું. એક કલાક તમારે ત્યાં મુનિવરો રહે, કેટલું તમને આપી જાય? એ સ્વાધ્યાય, ધ્યાન જે બધું કરે એનો છટ્ઠો ભાગ તમને આપી જાય. અને અમારો ભાગ ઓછો ન થાય પાછો. આચાર્ય ભગવંતના એક શિષ્ય રાતોની રાતો કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેતા. તો સાંજે પ્રતિક્રમણ વિગેરે કરીને ગુરુની આજ્ઞા માંગી. શ્રેષ્ઠીનો બંગલો હતો, અને બંગલાની બાજુમાં જ એમનો બગીચો હતો. બહુ મોટો ઉદ્યાન. તો રજા માંગી કે ગુરુદેવ ધ્યાન માટે, કાર્યોત્સર્ગ ધ્યાન માટે આ બાજુના બગીચામાં કોઈ વૃક્ષની નીચે ઉભો રહી શકું? એ વખતે ગુરુદેવે અનુમતિ આપી.

તમે પૌષધમાં હોવ ને.. અને એકાસણું કરવા જવું હોય… કે આયંબિલ કરવા જવું હોય તો રજા માંગો. બરોબર… કદાચ તમે એવું સમજતા હોવ કે ગુરુની આજ્ઞા લઈને જઈએ તો ખાવાની ઘણી બધી items સારી હોય, તો પણ આસક્તિ ન થાય. પણ તમારે દેરાસર જવું છે, બાજુમાં જ દેરાસર છે, તો એના માટે આજ્ઞા લેવાની જરૂર ખરી? કેમ? શા માટે? તમે એક દિવસ માટે temporary શિષ્ય બન્યા… શિષ્ય ગુરુની આજ્ઞા વિના કશું જ કરી શકે નહિ. અને દેરાસરે જવું છે તો પણ એણે ગુરુની આજ્ઞા માંગવાની છે. અને અમારા ત્યાં નિયમ એથી પણ આગળ છે. કે કોઈ પણ કાર્ય કરીને આવ્યા, પછી પણ ગુરુને નિવેદન કરવાનું છે. ગુરુએ કહ્યું આ કામ કરી લે. કરી પણ લે. પણ એટલાથી ન ચાલે. ગુરુને ખ્યાલ આપવો જોઈએ કે, ગુરુદેવ આપની આજ્ઞા પ્રમાણે આ કાર્ય મેં કરી લીધું છે. આપની આજ્ઞાનું પાલન મેં કર્યું છે. આજ્ઞા મળે ત્યારે પણ આનંદ છે. આજ્ઞા પાલનમાં પણ આનંદ છે. અને આજ્ઞા પાલન થયું એની વાત કહેવામાં પણ આનંદ છે. બધે જ આનંદ… બધે જ આનંદ.

આ શ્રામણ્યમાં એક ક્ષણ માટે પીડાનો અવકાશ નથી. જો તમે પ્રભુની આજ્ઞાને પાળી શકો. હું પણ માનું છું કે સંપૂર્ણતયા પ્રભુની આજ્ઞાને હું પણ પાળી શકતો નથી. પણ એક વાત આપણા મનમાં fix હોવી જોઈએ. તમારા મનમાં પણ કે તમને પણ પ્રભુએ જે આજ્ઞા આપી છે એ આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર હોવો જોઈએ. પાળી ન શકો એ બની શકે. પણ એક – એક આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર તો હોવો જ જોઈએ.

 તો કાર્યોત્સર્ગ ધ્યાન કરવા જવું છે. અને ગુરુની આજ્ઞા માંગે છે, ગુરુએ આજ્ઞા આપી. એ મુનિરાજ એક વૃક્ષ નીચે ઉભા રહ્યા. ઈરિયાવહીયા કર્યા. અને કાઉસ્સગમાં ઉભા રહી ગયા. એ જે શ્રેષ્ઠી હતા, એ બહુ જ ધાર્મિક. પણ એમનો દીકરો પરમ નાસ્તિક.

આજે તો તમારા દીકરાઓની ચિંતા તમને ન થાય એટલી અમને થાય છે. સાલું એક દિવસ ખાલી ન જાય. સાહેબ અમેરિકા જાય છે, સાહેબ લંડન જાય છે, સાહેબ ન્યુયોર્ક જાય છે. શું પણ…  હવે મારી પાસે આશીર્વાદ લેવા આવે, અને  જવાનું જ છે, તો હું પણ એવી તો આજ્ઞા ન આપી શકું કે નથી જવાનું. એ માને નહિ તો આજ્ઞા ભંગ કરાવ્યું એનું પ્રાયશ્ચિત મને આવે. ત્યારે હું એને કહું કે ત્યાં જઈને પણ આપણી પરંપરાને ભૂલતો નહિ. પ્રભુનો ફોટો કે પ્રભુની દર્શનીય મૂર્તિ લઈને જજે. ત્યાં રોજ પ્રભુની ભક્તિ કરજે. એક નવકારવાળી ગણજે. અને ખાવા પીવામાં એકદમ ચુસ્ત રહેજે. ચુસ્ત જૈન ફૂડ તારા મોઢામાં જવું જોઈએ. અને છેલ્લે કહું કે ભણીને વહેલો વહેલો પાછો ભારત આવી જજે. અહીંયા તો ક્યારેક સત્સંગ મળશે. ત્યાં તો સત્સંગ મળવાનો જ નથી. અમેરિકાવાળા ઘણા રડતા હોય છે. કે ત્યાં અમને સત્સંગ નથી મળવાનો. બધું જ મળે છે પણ સત્સંગ નથી. પ્રભુ છે પણ ગુરુ નથી. તમને સદ્ગુરુ મળી ગયા છે, અને મુંબઈ વાળા કેટલા બધા બડભાગી બારેય મહિના મહાત્માઓનું આવાગમન ચાલુ જ હોય. તો દીકરો નાસ્તિક છે. એ માને છે, આ પપ્પા સમજતા નથી. આ સાધુઓ એટલે શું? પેટ ભરવા માટે નીકળી પડે… આટલી સુધીની એની વિચારણા…. એમાં બગીચામાં સહેજ ચંદ્રમાંનું અજવાળું અને એણે મ.સા. ને જોયા. ઓહો… અહીંયા ઢોંગ કરવા માટે આવી ગયા છે ઝાડ નીચે… જરા પરીક્ષા તો કરું. શ્રેષ્ઠી બહુ શ્રીમંત હતા, અને એમાં શ્રીમંતોને ત્યાં પેલી મસાલો સળગતી રહેતી. બહાર લાઈટોની જગ્યાએ મસાલો સળગતી હતી. તો આને એક મસાલ ઉઠાવી. મ.સા.પાસે આવ્યો.. એમની દાઢીને મસાલ અડાડી. સળગતી મસાલ…. એનું ટોપચું દાઢી સાથે અડ્યું. દાઢી બળી. મસાલ એમનેમ રાખી. આ ચહેરો બળવા લાગ્યો. ચામડી બળવા લાગી. મુનિ અડોલ છે… ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામી. ‘અપ્પાણં વોસિરામી’ એટલે શું? ખબર છે? બહિરાત્મક દશાનો ત્યાગ કરવો, અને અંતરાત્મક દશામાં હું ગયો છું. એટલે મારી કાયા જોડે પણ અત્યારે મારે કોઈ સંબંધ નથી. હું માત્ર મારી ભીતર ઉતરી ગયો છું. તો એવા તો સ્વમાં ઉતરી ગયેલા કે ચામડી બળી રહી છે, કાયા અડોલ છે. ત્યારે પેલાને થયું ઓહો… આ વાત છે. દાઢી સળગી. ચામડી સળગી ગઈ, અને છતાં આ મુનિરાજ ધ્યાનમાં ઉભા છે. પહેલી વાર એને થયું કે આ સાધુઓ પણ સાચા હોય. પગમાં પડ્યો, પછી તો આચાર્ય ભગવંત પાસે ગયો, ખુબ ખુબ રડ્યો. એ દીકરો માણેકચંદ એ જ માણીભદ્રદેવ. માણસ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે… એક માણસ છે ને ચાલતો હોય ને એ સારું. કે અહીંથી અહી સારી જગ્યાએ જશે. પણ જે સ્થિર થઈને બેસી ગયો એ? એની કોઈ ગતિ જ નથી પછી. એની પાસે કોઈ વિકાસ છે જ નહિ. આ ભલે નાસ્તિકતામાં હતો. ચાલ્યો, ચાલ્યો તો આસ્તિકતામાં પહોંચી ગયો. તમે બધા આમ પલોઠી મારીને બેઠા છો. કેટલા વર્ષથી?

અમારા એક સાધ્વીજી છે, કોઈ એવું દર્દ થયેલું છે કે Diagnosis થતું નથી. તો મેં એને કહ્યું કે તે બધા ડોકટરોને fail કરી નાંખ્યા. અમદાવાદના, સુરતના, બોમ્બેના… એમ તમે પણ શું કરો? સાહેબ ગમે એટલા ધુંઆધાર ગુરુ ભલે ને આવી જાય. અમે અહીં ના અહીં જ રહેવાના છીએ. કેમ…? બરોબર… સ્વમાં જવું છે? એ મુનિરાજ સ્વમાં કેવા પ્રવિષ્ટ થયા હશે. અને સ્વનો એવો આનંદ મળ્યો હશે કે, ચામડી સળગી રહી છે અને એનો ખ્યાલ એમને નથી. એકવાર મને એક ભાઈ કહે સાહેબ પહેલા તો દેવો આવતાં હતા શ્રાવકોની પરીક્ષા કરવા… આનંદશ્રાવકની પરીક્ષા કરવા, કામદેવ શ્રાવકની પરીક્ષા કરવા… અત્યારે દેવ કેમ નથી આવતાં? તો મેં એને કહ્યું કે એક મચ્છર આવે ને તારી પરીક્ષા થઇ જાય, તો દેવને આવવાની જરૂર ક્યાં રહી? કાઉસ્સગમાં ઉભો હોય… ઠાણેણં, મોણેણં… અને મચ્છર આવે… લાગ હોય તો મુહપતી એ હાથમાં આવે કે ન આવે કોણ જાણે? સીધો જ આમ આમ કરી નાંખે. મેં કહ્યું એક મચ્છર તારી પરીક્ષા કરી જાય છે તો દેવને ઉતરવાની ક્યાં જરૂર? દેવો એટલા માટે આવતાં કે આ શ્રાવક બરોબર છે કે નહિ…

અર્હનંક શ્રાવકની વાત છે. બહુ મોટો શ્રેષ્ઠી. અને એ જમાનામાં વાહણ મોટું જ ચાલતું. આખો ધંધો વહાણ વટાઉ ઉપર હતો. તો મોટું વહાણ લઈને એ પરદેશ જઈ રહ્યો છે. સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્રે પ્રશંસા કરી કે, આ અર્હનંક જુઓ કેવો સમ્યગ્દ્રષ્ટિ છે. કેવી પ્રભુ પરની એની શ્રદ્ધા છે. કે કોઈ વ્યક્તિ એને ચલાયમાન ન કરી શકે. એક મિથ્યાદ્રષ્ટિ દેવને થયું, એમ માણસનું મગતરું, એણે હલાવતા કેટલી લાગે… ચાલો હું જઉં ને હલાવી આવું. દેવ આવ્યો અને દેવે અર્હનંક ને કહ્યું કે ભગવાન મહાવીરનો ધર્મ ખોટો છે. ભગવાન મહાવીર ખોટા છે. આવું તું બોલ. તો તારા વહાણોને સહી સલામત સામે કાંઠે મૂકી દઈશ. અને જો તું નહિ બોલ્યો આ… તો તારું આખું વહાણ હમણાં ને હમણાં ધ્વસ્ત થઇ જશે. પાટિયે પાટિયું છુટું પડી જશે. એવું વાવાઝોડું આવશે કે આખું વહાણ તારું ક્યાં હતું એનો પત્તો નહિ લાગે. ત્યારે અર્હનંક નો જવાબ છે – એ કહે, હું ખોટો હોઈ શકું, હું છું કે નહિ.. હું વાસ્તવિક રૂપે નથી. જે સ્વરૂપે હોવો જોઈએ એ સ્વરૂપે… તું  પણ તારા વાસ્તવિક સ્વરૂપમાં છે કે નહિ એ મને ખબર નથી. પણ પ્રભુ મહાવીર તો સત્ય જ છે. અને એમનો બતાવેલો ધર્મ ૧૦૦% નહિ ૧૦૫% સત્ય છે. પેલાએ ફરીથી કહ્યું: એકવાર તક આપું છું પછી નહિ આપું. એકવાર બોલી જા, ભગવાન મહાવીર ખોટા છે. તો કહે પ્રાણ જાય તો ભલે જાય. આ પ્રાણ જશે તો ફરી મળવાના જ છે પણ પ્રભુ ગયા તો? અમારે ત્યાં દશવૈકાલીક સૂત્રમાં એક પંક્તિ આવે છે “સેયં તે મરણં ભવ” રાજીમતીજી રથનેમી મુનિને કહે છે કે, તમે જો પ્રભુની આજ્ઞાને છોડવા માટે તૈયાર થયા હોય તો બેહતર છે કે તમે મરી જાવ. “સેયં તે મરણં ભવ.” મૃત્યુ થયું. શ્વાસ અહીં પૂરો થયો. નવું જીવન શરૂ થવાનું છે. પણ પ્રભુ ગયા, પ્રભુની આજ્ઞા પ્રત્યે તિરસ્કાર થયો. તો એ આજ્ઞા ક્યારે મળશે?

એટલે અર્હનંકે કહ્યું પ્રાણ જાય તો ભલે જાય કોઈ પરવા નથી. વહાણ જાય તો ભલે જાય કોઈ પરવા નથી. પ્રભુ સત્ય છે. પ્રભુનો માર્ગ સત્ય છે. અને આ મિથ્યાદ્રષ્ટિ દેવ એની તાકાત તો છે જ… વૈક્રિય શક્તિથી વાવાઝોડું વિકુર્વ્યું. એવું વાવાઝોડું સઢ  આમ.. કાપડ આમ.. પછી લાકડા… એક – એક લાકડા છુટા પડી ગયા. એક લાકડું મળી ગયું જેના ઉપર અર્હનંક બેઠો. હવે એ પણ નક્કી નથી કે લાકડું ક્યાં લઇ જશે. કિનારા તરફ લઇ જશે કે મધદરિયા તરફ લઇ જશે. ભરતી હોય તો કિનારા તરફ દરિયો જાય, ઓટ હોય તો આમ જાય. પણ એ ક્ષણે પણ મનની અંદર સહેજ ગ્લાની નથી. પરમ સંતોષ છે. મારા પ્રભુ, મારા પ્રભુને તો ક્યારે છોડુ નહિ.

તમે કીધું એમ કે સાહેબ પકડ્યા જ છે ક્યાં તો છોડવા પડે… પકડ્યા હોય તો છોડવા પડે ને… શરીરથી પકડાયા છે. મનથી, ચિત્તથી, અસ્તિત્વથી પ્રભુ પકડાયા છે? પ્રભુ એ જ મારું જીવન. તમારા વિનાના, અમે અમારા વિનાના. પ્રભુ અમારા જીવનમાં તમે ન પ્રગટો તો અમારા હોવાનો કોઈ અર્થ નથી.

ગુલાબનું ફૂલ છે અને સુગંધ જ નથી. તો કાગળનું ફૂલ છે. વાસ્તવિક ફૂલ નથી. એમ અમારા જીવનમાં તમે ન પ્રગટો તો અમારા હોવાનો કોઈ અર્થ નથી. આપણું હોવું, સાર્થક ક્યારે બને? પ્રભુ એમાં અવતરે ત્યારે, એ પ્રભુનું અવતરણું કે તમારું અવતરણું… પ્રભુની નિર્મળ ચેતના અને તમારી પણ મૂળરૂપે નિર્મળ ચેતના બેઉ equal  છે. અત્યારે પણ તમારી ભીતર તમારી નિર્મળ ચેતના છે જ. સૂર્ય આકાશમાં હોય જ પણ વાદળાં સઘન છે, તો સૂર્ય દેખાતો નથી. કોઈ એમ કહે, ૯ વાગે, સૂર્ય ઉગ્યો જ નથી આજે તો… ભાઈ સૂરજ ક્યારનો ઉગી ગયો. વાદળાંથી ઢંકાઈ ગયેલો છે. એમ આપણી ભીતર પ્રભુ રહેવા જોઈએ. નિર્મળ ચેતના આપણી છે. પ્રભુની પણ છે. એ નિર્મળ આપણી કર્મોથી ઢંકાઈ છે. રાગ – દ્વેષથી ઢંકાઈ છે. પ્રભુની નિર્મળ ચેતના પ્રગટ છે. આટલો જ તો ફરક છે.

તો ઘટનામાં ન જવું, સ્વમાં જવું. પેલા practically approach આપ્યા હતા એ યાદ રહ્યા પાછા? કે એ મારે યાદ રાખવાના… પહેલું નિમિત્ત આવે એમાં મનને જવા દેવાનું નહિ. યાદ છે? એટલે આમ ફાવી ગયું? તો આજુ – બાજુવાળા ને કહી દઉં કે પહેલું નિમિત્ત જોરદાર આપે. અને બીજી વાત શું હતી? કે નિમિત્ત ની અસર – સાદું નિમિત્ત હોય તો ૫ – ૭ મિનિટ અને જોરદાર નિમિત્ત હોય તો ૧૫ મિનિટ. એથી વધુ નિમિત્તની અસર રહેવી ન જોઈએ. ઘટનામાંથી તમે મનને કાઢશો, ઉપયોગને કાઢશો તો જ તમે સ્વમાં ઉપયોગને મુકશો ને… ઘટનામાં ને ઘટનામાં, આ શરીરમાં, સંસારની જડોજથામાં, ધંધાની વાતોમાં, એમાં જ તમારું મન ૨૪ કલાક રહેતું હશે. તો સ્વમાં શું જશે? સ્વમાં કોણ જશે? એટલે પહેલી રીત તો એ છે કે ઘટનામાંથી  મનને recall કરો. પાછું ખેંચો. મન તમારા હાથમાં હોવું જોઈએ.

લોકો કુતરા પાળે છે… પણ એ કુતરા પણ જે પાળેલા હોય છે એ માલિકની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. એને સોટી લગાવી નથી પડતી. એ શબ્દોને ઇશારાને સમજે છે. Don’t go. એટલે એ સ્થિર થઈને ઉભો રહે છે. કુતરો સમજે છે… કુતરો obedient બની શકે તો મન કેમ ન બની શકે?.

તમે કંઈ કામ જ નથી કર્યું. મનને આજ્ઞાંકિત બનાવવાનું કામ કરો. એક ઘટનામાં મન ગયું, કહી દો ચાલ બહાર આવી જા. બહાર આવી જશે. મૂળ શું છે મનને તમારે alternative option આપવો જોઈએ. રોટલી શાક છે પણ બાસુંદી પૂરી સામે હોય તો રોટલી શાકમાંથી મન પાછું હટી જાય. બરોબર… એમ ઘટના છે તમારા જીવનની બધી સારી – સારી છે…  રોજ ઘટે છે એવી ને એવી છે. કાંઈ નવીનતા એમાં નથી. પત્નીએ આમ કર્યું અને છોકરાઓએ આમ કર્યું. ૮૦% ઘટના આ હોય છે. તમને તો તમારા સંસારથી વૈરાગ્ય કેમ નથી આવતો એની અમને નવાઈ લાગે છે. ઘરમાં બધા અનુકુળ હોય ને તો તો બની શકે કે શાતાવેદનીયનો ઉદય છે. અને મોહનો ઉદય ભેગો થાય એટલે ઘરમાં રહેવાની ઈચ્છા થાય. પણ પત્ની એક – એક વાતમાં  ટોકતી હોય, દીકરાઓ કહેતાં હોય બાપુજી તમે શું કર્યું આટલા વર્ષમાં? અમને સારી સ્કુલમાં મોકલવાના છે. ૨ લાખ રૂપિયાની ફી છે. તમે કહો છો મોંઘી પડે… તો કર્યું શું તમે આટલા વર્ષમાં? તમારા દીકરા તમારી સામે પડે. તમારી પત્ની વારંવાર તમારી ભૂલ કાઢ્યા કરે. તો ય તમે મજાથી રહો. સાચું કહેજો આ.. તમાચો મારીને ગાલ લાલ રાખો છો ને? કે કુદરતી લાલ ગાલ છે. તો ૮૦ – ૮૫% ઘટના તો રોજની છે. ૧૦ – ૧૫% ઘટના નવી.

હવે મનને એમાં જવા દેવું નથી. તમારું મન કીમતી છે. જો એને તમે પ્રભુ સાથે જોડો. મનને તમે પ્રભુ સાથે જોડી દો… તો એ મન ક્ષણે ક્ષણે નિર્જરા કરાવે. અને એ મનને સંસાર સાથે જોડો તો ક્ષણે ક્ષણે આશ્રવ. ક્ષણે ક્ષણે બંધ. શું જોઈએ? તો ૨ -૩ વસ્તુઓ આજે practical થઇ.. પહેલી વાત સ્વમાં મનને મુકવું છે. બરોબર… એના માટે ઘટનામાંથી મનને કાઢવું પડે. ઘટનામાંથી મનને કાઢવું હોય તો ઘટના તમને સામાન્ય, નિરર્થક, ફિક્કી લાગવી જોઈએ. કંઈક વિશેષતા લાગે તો મન ત્યાં જાય. અને કોઈની દુકાન ૬૦ ફૂટના કે ૯૦ ફૂટના રોડના કિનારે હોય… અને સવારથી સાંજ ગાડીઓનો કાફલો જતો જ હોય, તો એ ધ્યાનથી ગાડીઓને જોશે ખરો…?

આ એરપોર્ટ ની બાજુમાં રહેનારો ૫ – ૫, ૧૦ – ૧૦ મિનિટે વિમાનો land થતાં હોય, તો એને વિમાનો land થતાં જોવામાં કે take off થતાં જોવામાં કોઈ રસ ન પડે. રોજનું થઇ ગયું. એમ રોજની ઘટના થઇ ગઈ.. એમાંથી મનને કાઢી નાંખશો બોલો? પછી નવી જે ઘટનાઓ જે બાકી રહી ૫ -૧૦% ૧૫ ટકા એમાં મન જાય તો એને ખેંચી લેવાનું. પેલામાં તો મન જશે જ નહિ. ૮૦% માં તો મન જશે જ નહિ.

પત્નીએ આમ કહ્યું, કે બહેનો કહેશે કે પતિએ આમ કહ્યું. હવે તો રોજનું છે. એમાં મનને ક્યાં મુકવું? એટલે ૮૦% ઘટનામાં મન જવાનું નહિ. ૧૫ -૨૦ ટકામાં જાય તો recall કરી દેવાનું. એટલે મન જો છુટું પડે ઘટનાઓમાંથી તો જ એ મનને તમે સ્વમાં મૂકી શકો. મન પ્રભુના શબ્દોમાં કેટલું રહ્યું? દોઢ કલાક આવીને બેસો છો. પ્રભુના શબ્દોને પીઓ છો. પણ મનનું જોડાણ પૂરેપૂરું આ શબ્દો સાથે ખરું? પૂરેપૂરું જોડાણ ક્યારે કહેવાય? નવી film આવેલી હોય, એના માટે બહુ મીડિયામાં વાંચેલું હોય, એક ધ્યાન થઈને તમે જોતા હોવ, બાજુમાં કોણ આવ્યું ને કોણ ગયું તમને ખબર ના હોય. દેરાસરમાં ખબર પડે. કેમ આમ? ત્યાં એ જ મન સ્થિર રહે છે.  અહીં એ જ મન સ્થિર નથી. કારણ શું? ત્યાં રસ છે. અહીં રસ નથી. એટલે હું તો ઘણીવાર કહું કે, શેષકાળમાં રોજ વ્યાખ્યાન ન રાખો. રવિવારે રાખો. રોજનું વ્યાખ્યાન થઇ જશે ને મ.સા. આવ્યા છે ને વ્યાખ્યાન કરશે. બોર્ડ ઉપર લખી નાંખો. અને હજી ૫ જણા આવે સાહેબ મંગલાચરણ શરું કરો ને… પછી ધીરે ધીરે આવશે. પણ અઠવાડિયે ૧૦ દિવસે હોય… તો કંઈક ભૂખ લાગેલી હોય, કંઈ… બહુ તો ન લાગે… હમણાં આમ ૨૩ કલાકે સાડા ૨૨ કલાકે તમને આ ભોજન મળે. એકાસણું જ થઇ ગયું ને તમારે તો.. એકાસણાવાળો આજે સવારે ૧૨ વાગે ખાય… આવતી કાલે સવારે ૧૨ વાગે જમવાનું. એમ તમે આજે સવારે આ નાસ્તો કર્યો. કાલે સવારે નાસ્તો મળવાનો. તો ૨૨, સાડા ૨૨ કલાક ગયેલા હોય, ભૂખ કેટલી લાગેલી હોય? એકાસણાવાળાને પણ બહુ ભૂખ લાગે ને… કેટલા વાગ્યા ભાઈ? ૧૧ જ થયા છે હજુ… હજુ સાઢપોરિસી નથી આવી હજી… એમ તમને સવારના ૬ વાગ્યાથી થાય. ક્યારે ૭ વાગે અને ક્યારે પહોંચી જઉં… ક્યારે ૭ વાગે અને ક્યારે પહોંચી જઉં… પણ આ તો કંઈ નહિ મ.સા. નું ૮.૩૦ સુધી ચાલવાનું છે.. એટલે ૮.૨૫ એ જઈએ તો આપણી હાજરી પુરાવાની છે.

પ્રભુનુ મન ઘટનામાં નહોતું. સ્વમાં હતું. આપણે પણ પ્રભુની એ સાધનાને જોઇને મનને સ્વ તરફ લઇ જવું છે.  

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *