Shree Navpad Shashvati Oli 2024 – Gyan Pad

5 Views 17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ગ્રંથિઓને તોડે, તે જ્ઞાન

અગણિત જન્મોની અંદર પરમાત્મા સાથેનું મિલન કોઈએ ન થવા દીધું હોય, તો એ બે ગ્રંથિઓ છે – બુદ્ધિ અને અહંકાર. આ ગ્રંથિઓ જાય અને સમર્પણ મળે, એ જ ક્ષણે પરમાત્માનું મિલન થઇ જાય. ગ્રંથિઓને તોડે, તે જ્ઞાન.

શિક્ષક અલગ અને ગુરુ અલગ. ગ્રંથો તમને ભણાવે – એ પંડિત, એ શિક્ષક. પણ જે આત્મતત્ત્વ તરફ તમને લઇ જાય – એ સદ્ગુરુ. સદ્ગુરુ તમને એવું જ્ઞાન આપે જે તમારી બધી જ ગ્રંથિઓને તોડી નાંખે. સમર્પણની ભૂમિકા વિના – total surrender વિના – સદ્ગુરુના એ જ્ઞાનને તમે ઝીલી શકતા નથી.

સદ્ગુરુ પાસે એક વેદના છે કે મારી નિકટ આવેલા આ વ્યક્તિત્વોમાં, આ આશ્રિતોમાં ગ્રંથિઓ હોય, એ કેમ ચાલી શકે? એટલે ગાંઠોને તોડે એવું જ્ઞાન તમને આપવાનો પુરુષાર્થ સદ્ગુરુ કરે છે. અને પ્રભુને પ્રાર્થના પણ કરે છે કે પ્રભુ! તારી શક્તિ અપાર છે; તું આ બધાને ગ્રંથિઓથી મુક્ત બનાવી દે; નિર્ગ્રંથ બનાવી દે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૬૭

શાશ્વતી નવપદજીની ઓળીની આરાધનામાં આજે સમ્યગ્જ્ઞાન પદની. સમ્યગ્જ્ઞાનની બહુ જ મજાની વ્યાખ્યા જ્ઞાનસારમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપી. अस्ति चेद् ग्रन्थिभिद् ज्ञानं. ગાંઠોને તોડે એ જ્ઞાન. ઘણી બધી ગાંઠોથી આપણું જીવન ગંઠાઈ ગયું છે. મોટામાં મોટી ગ્રંથિઓ બે છે: બુદ્ધિ અને અહંકાર.

બુદ્ધિ અને અહંકારની જુગલબંધી છે. ક્યારેક તમે ક્યાંક બોલાવા માટે ઉભા થયા, બરોબર બોલાયું નહિ. પણ એ વખતે તમારી બુદ્ધિ અહંકારને ટેકો આપવા માટે આવે છે. હવે આ લોકો બધા ગમાણ હતા. એ મારી વાતોને કઈ રીતે સમજી શકશે! એટલે પોતાના ફ્લોપ પ્રવચનને પણ એ શ્રેષ્ઠ સમજે છે. એટલે બુદ્ધિ અહંકારને ટેકવે. અહંકાર બુદ્ધિને ટેકવે.

અગણિત જન્મોની અંદર પરમાત્મા સાથેનું મિલન કોઈએ પણ ન થવા દીધું હોય તો આ બે ગ્રંથિઓએ. બુદ્ધિ અને અહંકાર ગ્રંથિઓ જાય, અને સમર્પણ મળે. એ જ ક્ષણે પરમાત્માનું મિલન, સમ્યગ્જ્ઞાનનું મિલન. ગાંઠોને તોડે તે જ્ઞાન. સદ્ગુરુ હથોડો લઈને જ બેઠા છે. તમારી બુદ્ધિને, તમારા અહંકારને તોડવા માટે. એટલે ઉપનિષદોએ તો કહ્યું, આચાર્યો હી મૃત્યુ. સદ્ગુરુ એટલે વૈભાવિક દુનિયા માટે મૃત્યુ. એક સદ્ગુરુનું સમર્પણ તમને મળી જાય… વૈભાવિક દુનિયા પુરેપુરી ખતમ થઇ જાય. ન રહે બુદ્ધિ… ન રહે અહંકાર…

ગાંઠોને તોડે એવો જ્ઞાન આપવા માટે સદ્ગુરુ તૈયાર છે. Ever ready. તમારી એક – એકની ગાંઠો તૂટી જાય, એના માટે સદગુરુનો પુરૂષાર્થ હોય છે, સદ્ગુરુની વેદના હોય છે અને સદ્ગુરુની પ્રાર્થના હોય છે. પુરૂષાર્થ કરે સદ્ગુરુ. પ્રવચનો આપે, વાચનાઓ આપે. Personally તમને સમજાવે. વેદના છે સદ્ગુરુ પાસે કે મારી નિકટ આવેલા આ વ્યક્તિત્વોમાં, આ આશ્રિતોમાં આ ગ્રંથિઓ હોય કેમ ચાલી શકે?! અને એટલે છેલ્લે સદ્ગુરુ પ્રાર્થના કરે છે. પ્રભુને કહે છે, પ્રભુ! તારી શક્તિ અપાર છે, તું કામ કર, આ બધાના દોષોમાંથી એમને મુક્ત કર. બધાની ગ્રંથિમુક્ત બનાવી દે. બધાને નિર્ગ્રંથ બનાવી દે.

હરિભદ્રસૂરિ મ.સા. ગ્રન્થની રચના કરે, છેલ્લે બહુ મજાની વાત લખે… “જન: સ્તાત યોગ લોચન” મે જે આ ગ્રંથ બનાવ્યો છે, એના પુણ્યથી પ્રભુ મારે કશું જ જોઈતું નથી. સદ્ગુરુ પૂર્ણ વ્યક્તિત્વ છે. સદ્ગુરુ કહે છે કે પ્રભુ! તે મને ખુબ આપી દીધું. હવે તારી પાસેથી મારે કંઈ જોઈતું નથી. પણ મેં જે આ ગ્રંથ રચ્યો, એના પુણ્યથી મારે કંઈ જોઈતું નથી પણ આ બધા લોકો યોગના નેત્રવાળા હતા.

સંસારનું યથા તથ દર્શન ક્યારે થાય…? યોગના ચક્ષુ ખુલે ત્યારે.. મેં દીક્ષા લીધી… ૨૨ – ૨૩ વર્ષ સુધી એટલા બધા ગ્રંથો વાંચ્યા, ગ્રંથો વાંચ્યા…પણ મારું યોગનું નેત્ર ખુલ્યું નહિ. સદ્ગુરુએ કૃપા કરી, ૐકારસૂરિ દાદાએ… એકવાર મને બોલાવ્યો… હું ગયો.. સદ્ગુરુના ચરણોમાં ઝૂક્યો, વંદના સમર્પિત કરી. ગુરુદેવે પૂછ્યું કે તું આટલું બધું વાંચે છે… પૂર્વનું – પશ્ચિમનું…. હરિભદ્રસૂરિ મ.સા ને તે વાંચ્યા..? મેં કહ્યું બસ, ગુરુદેવ મારા મનમાં પણ આ જ વાત હતી.. કે હવે હરિભદ્રસૂરિ મ.સા ને વાંચવાના.

પછી મેં પૂછ્યું કે ગુરુદેવ એમના ગ્રંથો તો ઘણા છે. પહેલો કયો ગ્રંથ વાંચું? અને ત્યારે એમણે કહ્યું, યોગબિંદુ ગ્રંથ તું વાંચ. હકીકતમાં યોગબિંદુ છેલ્લે વાંચવાનો ગ્રંથ છે. પહેલા યોગશતક, યોગદ્રષ્ટિ, યોગવીંશીકા, પછી યોગબિંદુ. ગુરુદેવે સૌથી પહેલા મને યોગબિંદુ આપ્યો. એ યોગબિંદુ હું વાંચતો હતો. એમાં છેલ્લે એક  શ્લોક આવ્યો – “विदुषां शास्त्रं संसार:” વિદ્વાનો માટે શાસ્ત્રોનો પણ એક સંસાર હોય છે. મને તો થયું કે personally for me આ લખાયેલું છે. સેંકડો – હજારો ગ્રંથો વાંચ્યા અને એનો અહંકાર જ કરેલો. એ અહંકારના ફુગ્ગાને ગુરુદેવે હરિભદ્રસૂરિ મહારાજની ટાંકણીથી ફોડી નાખ્યો.

તો સદ્ગુરુ તમને ગ્રંથિ મુક્ત બનાવવા તૈયાર છે. એના માટે પુરુષાર્થ કરવા સદ્ગુરુ તૈયાર, એના માટેની વેદના એમની પાસે છે. અને એના માટેની પ્રાર્થના એમની પાસે છે.

પૂજ્યપાદ સદ્ગુરુદેવની આજે જન્મતિથિ છે. અને એના અનુસંધાનમાં સદ્ગુરુના આ ૩ કાર્યો વિશે આપણે થોડીક વાતો કરીશું. પહેલો પુરૂષાર્થ. સદ્ગુરુ માટે શબ્દોના સ્તર સુધી આવવું બહુ જ અઘરી બાબત છે. જે પણ વ્યક્તિ અનુભૂતિની દુનિયામાં ગઈ, એ શબ્દોની દુનિયામાં આવી ન શકે.

એક વિદેશી વિદ્વાને એક નિબંધ લખેલો. અને એમાં એણે એક વાત લખી, કે આનંદધનજી અને યશોવિજયજી એક જ હતા. એના માટે એને એક દલીલ આપી…. કે આનંદધનજી આટલા મોટા ગજાના વિદ્વાન… પણ એમના થોડા સ્તવનો મળે.. થોડા પદો મળે. બીજી કોઈ રચનાઓ ખાસ મળતી નથી. આટલો મોટો વિદ્વાન માણસ હોય, એની તો કેટલી બધી રચનાઓ હોય! એટલે યશોવિજયજી તરીકે એમને ગ્રંથો લખ્યા અને છેલ્લી જીંદગીમાં આનંદઘન તરીકેનું એક વિશેષણ પ્રાપ્ત કર્યું. અને એ વિશેષણથી એમણે આ સ્તવનો લખ્યા. મને એ વાંચીને હસવું આવ્યું. મને થયું કે ભારતીય પરંપરાનો જેને અનુભવ ન હોય, એ માણસ આવું જ વિચારે, કે વિદ્વાન માણસો તો લખ્યા જ કરે. આનંદધનજીના આટલા સ્તવનો મળ્યા… એ આપણું સદભાગ્ય છે. પહેલા મેં કહેલું કે નિર્જન જંગલમાં આવેલ મંદિરમાં આનંદઘનજી ભગવંત ગયેલા, પ્રભુ સામે પરાવાણી શરૂ થઇ. એ સ્તવન એમને લખ્યા નથી. લખાવરાવ્યા નથી. સદ્દભાગ્ય આપણું કે જ્ઞાનવિમલસૂરિ મ.સા. એ વખતે ત્યાં પહોચી ગયા. અને એમણે  એ સ્તવનોને લખી લીધા. તો અનુભૂતિના સ્તર પર ગયેલ વ્યક્તિત્વને શબ્દોના સ્તર પર ઉતરવું બહુ અઘરું છે.

ગુરુદેવ અનુભૂતિના શિખર ઉપર હતા. અને છતાં શબ્દોના સ્તર પર આવ્યા. એમને લાગ્યું કે મારી અનુભૂતિને લોકો સમજી નહિ શકે… મારે મારી અનુભૂતિને શબ્દોમાં જ આપવી પડશે. એટલે અનુભૂતિના શિખર પરથી શબ્દોની તળેટી ઉપર ગુરુદેવ ઉતર્યા. Personally for us. આપણી આંખો ભીની થઇ જાય કે આવા એક સદ્ગુરુ… અનુભૂતિના શિખર ઉપર રહેલા, એ અમારા માટે શબ્દોના સ્તર સુધી આવી ગયા!

શબ્દો કેવી રીતે આપ્યા એની વાત કરું…

વાવ વિસ્તારમાં અમે જ્યારે વિચરણ કર્યું, એક ગામમાં અમે ગયા, ખેલાણા ગામ. એ વખતે એ બાજુ ધૂળ બહુ… લોકો મુકવા આવે, લેવા આવે. સામૈયું થાય. ધૂળ બહુ જ ઉડે. એ ધૂળના કારણે સાહેબજીને ગળામાં ઇન્ફેકશન થઇ ગયું. ગળામાં ઇન્ફેકશન છે. છતાં એન્ટી- બાયોટીક દવા લઈને પણ પ્રવચન આપવાનું ચાલુ રાખ્યું. જેલાણામાં ગયા, સવારે તો પા કલાક પ્રવચન આપ્યું. બપોરે કલાક પ્રવચન આપ્યું. ગળાને માંડ માંડ તૈયાર કરીને… પહેલા બલવણના કોગળા કર્યા, આ કર્યું… તે કર્યું.. બસ મારે એ લોકોને કંઈક આપવું છે. અને એમાં એ ગામોમાં હિંદુ લોકો ખુબ હોય. બપોરે પ્રવચન પૂરું થયું. અને હિંદુ લોકો બધા ઉભા થયા. બાપજી રાત્રે કથા કરો કહે છે. ગળાનું ઇન્ફેકશન… બે વાર એ દિવસે પ્રવચન થઇ ગયા. તો ય ગુરુદેવે હા પાડી. રાત્રે પ્રતિક્રમણ થઈ ગયું, અને રોજના નિયમ પ્રમાણે ગુરૂદેવનો ચરણ સ્પર્શ કર્યો. તો એકદમ શરીર ગરમ લાગ્યું. તાવ માપ્યો.. ૨ ડીગ્રી તાવ… ગળું બિલકુલ ચોક અપ. ચૈત્યવંદન પણ માંડ માંડ બોલી શકે. મેં કહ્યું, સાહેબ! આપ સૂઈ જાવ, કૃપા કરો થોડી… હું પ્રવચન આપી દઉં.. મારી વાત સ્વીકારી.. સાહેબને સુવાડી દીધા. ઠંડી હતી, બે blanket ઓઢાડી દીધા. એ વખતે એ બાજુ ઉપાશ્રયો નહિ. ગુરુદેવના કારણે આખો વિસ્તાર જિનાલયોથી અને ઉપાશ્રયોથી વિભૂષિત થઇ ગયો. એક નાનકડી ઓરડીમાં અમે રહેલા. અને ઓરડીની બહાર ઓટલો હતો… એના પર બેસીને પ્રવચન આપવાનું હતું.

લોકો તો ૮ વાગે બધા આવીને બેસી ગયા. બાપુ કથા કરવાના છે. ૮.૩૦ બધી તૈયારી કરીને હું ગયો… કામળી ઓઢીને બેઠો. મંગલાચરણ કર્યું. ત્યાં પેલા હિંદુ લોકોમાં અંદર ઘુસપુસ શરૂ થઇ.. કે આ બાપુ બદલાઈ ગયા કહે છે… આ પેલા બપોરવાળા બાપુ નથી કહે છે. અમારે તો બપોરવાળા બાપુની કથા સાંભળવી છે. આ ઘુસપુસ સાહેબના કાને પડી. બે blanket ને ઉઠાવી ઉભા થયા. કામળી ઓઢી બહાર આવ્યા.. મને કહે, ઉઠ ઉભો થા, તું સૂઈ જા. ગુરુની આજ્ઞા… ઉઠ, ઉભો થા. હું ઉભો થઇ ગયો. ગુરુદેવ પાટ ઉપર બિરાજમાન થઇ ગયા. અને એ રાત્રે ગળું ચોક અપ, ૨ ડીગ્રી તાવમાં શરીર સેકાતું હતું. અને એમણે એક કલાક પ્રવચન આપ્યું. આ શું હતું…? સદ્ગુરુ કહે છે કે પ્રભુએ મને આપ્યું છે પણ conditionally આપ્યું છે. હું જો બીજાને ન આપું તો હું પ્રભુનો ગુનેગાર કહેવાઉં. તો પહેલો હતો પુરૂષાર્થ.

એ વાવપંથકના ગામો જ્યાં ઘરે – ઘરે ડુંગળી હતી, ત્યાં ઘરે – ઘરે દીક્ષા આવી. એવું નહોતું કે ગુરુદેવને વાવપંથક પ્યારું હતું ને બીજા વિસ્તારો પ્યારા નહોતા. પણ ગુરુદેવે જોયું કે આ વિસ્તારના લોકો એકદમ સરળ છે. એટલે હું જે જ્ઞાન આપીશ, એને એ લોકો ઝીલી શકશે. એટલે આ એક બહુ મજાની વાત છે. સદ્ગુરુ જ્ઞાન આપવા તો તૈયાર છે. આપણે ઝીલવા તૈયાર ખરા…? સમર્પણની ભૂમિકા વિના, total surrender વિના સદ્ગુરુના જ્ઞાનને તમે ઝીલી શકતા નથી. શબ્દો અલગ વસ્તુ છે. જ્ઞાન અલગ વસ્તુ છે. જેમ શિક્ષક અલગ, અને ગુરુ અલગ. ગ્રંથો તમને ભણાવે એ પંડિત, એ શિક્ષક. પણ જે આત્મતત્વ તરફ તમને લઇ જાય, એ સદ્ગુરુ. એમ તમને એવું જ્ઞાન આપે, કે જે જ્ઞાન તમારી બધી જ ગ્રંથિઓને તોડી નાંખે. બુદ્ધિને તોડી નાંખે. અહંકારને તોડી નાંખે. રાગને તોડી નાંખે. આવું જ્ઞાન સદ્ગુરુ આપવા તૈયાર છે. તમે ઝીલવા તૈયાર…?

તો પ્રવચનમાં તમે આવો છો, શબ્દો લેવા કે જ્ઞાન લેવા…? શબ્દો લેવા આવો છો કે જ્ઞાન લેવા આવો છો? શબ્દો તો પુસ્તકમાંથી મળી જાય. તમે જ્ઞાન લેવા આવો છો.. અને એટલે જ એ સામે બેસો છો. કે સદ્ગુરુના મુખમાંથી જે શબ્દો નીકળે live એ તમારા સુધી પહોંચે.

મોબાઈલમાં પણ આ પ્રવચન સાંભળી શકાય.. એ આખી અલગ ઘટના છે. Live ને સાંભળો એ અલગ ઘટના છે. અહીંયા સદ્ગુરુને પ્રદાન છે, તમારો સ્વીકાર છે. સદ્ગુરુ એક throwing કરે, એવું throwing જે તમારા unconscious mindની અંદર આ જ્ઞાન પ્રવેશી જાય. તો સદ્ગુરુ પાસે આ પુરુષાર્થ હતો. કે અનુભૂતિની યાત્રા કરનારા, અનુભૂતિના શિખર ઉપર બિરાજમાન, અને છતાં શબ્દોની તળેટી ઉપર આપણા માટે ઉતરે.

બીજું હતું વેદના – આપણા બધાના રાગ – દ્વેષને જોઇને એમને વેદના થતી. કે આ લોકો મારી પાસે આવ્યા અને છતાં હું કંઈ કરી શકતો નથી. મારે તો એક જ કામ કરવું છે, બધાને નિર્મળ બનાવવા છે. સદ્ગુરુ પોતે નિર્મલ બનેલ હોય, બધાને નિર્મલ બનાવવા છે. પણ આપણી receptivity નથી હોતી. એટલે આપણે નથી બની શકતા. બની શકતા નથી આપણે, પણ વેદના સદ્ગુરુદેવની છે. કે અનંત જન્મોની અંદર જે આ લોકોને નથી મળ્યું શું આ જન્મમાં પણ નહિ મળે..! શું આ જન્મ આ લોકોનો વ્યર્થ જશે!  Meaning less… આ સદ્ગુરુની વેદના તમને સ્પર્શી જાય, આજથી જ કામ શરૂ થઇ જાય. મારા સદ્ગુરુની આ વેદના. હું સદ્ગુરુની ભક્તિ કેટલી કરું એ બે નંબરની વાત છે. પણ સદ્ગુરુને મારા માટે પીડા હોય, એ પીડાને પણ હું દૂર ન કરી શકું તો મારું શિષ્યત્વ ક્યાં છે?!

એટલે સદ્ગુરુની વેદનાનો સ્પર્શ તમને થવો જોઈએ. સદ્ગુરુ ક્યારેય જતાં નથી. સદ્ગુરુ અહીં જ હોય છે. ઉર્જા રૂપે સદ્ગુરુ અહીંયા જ હોય છે. આ ફોટો નથી ગુરુદેવ જ છે. ગુરુની મૂર્તિ નથી હોતી, ગુરુ હોય છે. બોલો, દેરાસરમાં પ્રભુની મૂર્તિ છે કે પ્રભુ છે…? સંગે મરમરની મૂર્તિ છે કે પ્રભુ છે…? મૂર્તિ નથી પ્રભુ છે. સાક્ષાત્ પ્રભુ છે. એમ સદ્ગુરુની મૂર્તિ એ સદ્ગુરુની છબી નથી; જીવંત સદ્ગુરુ છે. એમની વેદના આપણને સ્પર્શી જાય. કે મારા માટે મારા સદ્ગુરુને આટલી બધી વેદના હતી!

કોઈ દીકરો નાનો હોય, અણસમજુ હોય. પિતાને એન્જ્યોગ્રાફી કરાવી પડી. Stand મુકાવવા પડ્યા, ડોકટરે કહ્યું અત્યારે stand થી ચલાવીએ છીએ, પણ ૨ – ૩ વર્ષમાં open બાયપાસ સર્જરી કરવી પડશે. એ જમાનામાં હાર્ટની બાયપાસ સર્જરી બહુ risky હતી. એ વખતે પિતાની એક વેદના કે એક જ દીકરો છે, એ નાનો છે, કરોડોની સંપત્તિ છે. બીજા સગાં – વહાલા છે એ પણ મારી સંપત્તિ ઉપર નજર નાંખીને બેઠા છે. વિશ્વાસુ એક પણ નથી. તો દીકરો નાનકડો છે, કોના ભરોસે સોપીને જઈશ! પિતા expired થયા. એક પિતાનો મિત્ર, અને એના ઉપર પિતાને વિશ્વાસ હતો… એણે બધી વાત કરેલી કે આ રીતે મેં ખજાનાની અંદર કરોડો સોનામહોરો દાટેલી છે. બહાર તો બહુ ઓછું છે. પણ અંદર છે. અને અંદરનું જે છે એ દીકરો પરિપક્વ થાય, મેચ્યોર થાય ત્યારે જ આપવાનું. અને દીકરો જ્યારે મેચ્યોર થયો ત્યારે આ uncle એ કહ્યું કે બેટા! તું સાદા કપડા પહેરે છે, સાદી રહેણી કરણી રહે છે, પણ તારા પિતાએ તારા માટે કરોડો રૂપિયા મુક્યા છે. પેલો ચમકી ગયો કરોડો રૂપિયા..? ક્યાં છે? ત્યારે એણે કહ્યું, તારા પિતાની એક વેદના હતી. તું અણસમજુ હતો, ખજાના ને સાચવી શકે એમ હતો નહિ, એટલે ખજાનાની ચાવી તને આપી શકાય એવી હતી નહિ, એ ચાવી મને આપી છે અને કહ્યું છે કે જ્યારે આ સમજુ થાય, મેચ્યોર થાય ત્યારે એને આપી દેજો. એટલે આજે તને હું આપી છું પણ તારા પિતાની વેદનાની સાથે આપું છું. તારા પિતાની વેદનાને તારા હૃદયમાં રાખજે. અને એક પણ પૈસાને ખોટા માર્ગે તું વાપરતો નહિ.

અને છેલ્લે સદ્ગુરુની પ્રાર્થના. વેદનાથી કામ થોડું થાય, પ્રાર્થનાથી વધારે થાય. સદ્ગુરુને આ ખ્યાલ છે. એટલે એ પ્રભુ પર બધું મૂકી દે છે. કે પ્રભુ મારું આશ્રિત કોઈ નથી. હું જ તારું આશ્રિત છું. તો આ બધા તારા આશ્રિત છે. મારા આશ્રિત એકેય નથી. એ બધાનું ધ્યાન તારે રાખવાનું છે. ભગવાન તો ધ્યાન રાખે જ છે ખબર છે ને.. નમુત્થુણં માં બોલો ને લોગનાહાણં… પ્રભુ લોકના નાથ… નાથ એટલે શું…? યોગ અને ક્ષેમ કરનારા… અપ્રાપ્ત ગુણો, અપ્રાપ્ત સાધના આપણને મેળવાવી આપે તે યોગ.

કહી દઈએ જે સાધના પ્રાપ્ત હતી, જે ગુણો મળેલા હતા, ઝાંખા પડી ગયેલા હતા… એને ઉત્તેજિત કરી આપે તે નાથ. તો પ્રભુ યોગ અને ક્ષેમ કરે છે… તો સદ્ગુરુ આપણને બધાને પ્રભુને ભળાવી દે છે. કે પ્રભુ આ બધા તારા આશ્રિત છે. અને એટલે તું એમના બધાનું યોગક્ષેમ કર. આવા સદ્ગુરુ… એ સદ્ગુરુની વેદના આપણને સ્પર્શી જાય. એમના શબ્દો આપણી ભીતર ઉતરી જાય. અને એમને કરેલી પ્રાર્થના આપણા માટેની આપણને સ્પર્શી જાય. તો જ સદ્ગુરુ મળ્યા આપણા માટે સાર્થક. નહીતર આપણે કહી દઈએ.. બહુ મોટા સદ્ગુરુ હતા. પણ આપણને શું મળ્યું..? તમે તો બીઝનેસમેન છો ને… તમને મળે તો જ બરોબર ને… ૧૦૦ ના ૬૦ કોઈક કરે, તો અઘરો કેટલો બધો લાગે… ભલે ઘરાકોની લાઈન લાગે… પણ profit નહિ loss. સદ્ગુરુ મળ્યા… શું મળ્યું આપણને…? એ સદ્ગુરુ દ્વારા તમે હતા ત્યાંથી કેટલી ઉંચી ભૂમિકા ઉપર પહોંચી ગયા?

તો આજે એનું આંતરનિરીક્ષણ કરજો. એ સદ્ગુરુ તો મળ્યા હતા, મળેલા જ છે.

આપણે સદ્ગુરુને મળ્યા કે નહિ…?

સદ્ગુરુ આપણને મળ્યા છે. આપણે સદ્ગુરુને મળ્યા છે કે નહિ…? એટલું આજે જોઈ લેજો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *