જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર
- આંતિરક મેરુ અભિષેક.
- કરોડરજ્જુ એ મેરુ પર્વત. સહસ્રાર એટલે પાંડુકવનની શિલા. પ્રભુ ત્યાં બિરાજમાન થાય. જ્ઞાતાભાવનો કળશ. સમતારસરૂપી જળ.
- એ જળનો અભિષેક આપણા મસ્તકે બિરાજમાન પ્રભુ પર થાય અને એનાથી આપણું આખું અસ્તિત્વ ભીંજાઈ જાય. સમભાવની આ ધારામાં નવા કર્મો ન બંધાય અને ઉદયમાં આવતાં કર્મો નિર્જરી જાય.
પૂજ્યપાદ વીરવિજય મ.સા. સ્નાત્રપૂજામાં કહે છે ‘તે ધન્ના જીહાં દિટ્ઠો સિ’ પ્રભુ તારા મેરૂ અભિષેકને જેમણે પણ જોયો હશે. તે ધન્ય છે. મેરૂ અભિષેકમાં અભિષેક કરવાનો લાભ ઇન્દ્રોનો અને દેવોનો હોય છે. આપણે કદાચ ક્યારેક અભિષેક કર્યો પણ હોય, ક્યારેક અભિષેક જોયો પણ હોય, એ મેરૂ અભિષેકનું એક સૂક્ષ્મ edition છે. અત્યારે પણ આપણે એ મેરૂ અભિષેક કરી શકીએ. આપણી કરોડરજ્જુ spinal cord એ મેરૂ પર્વત. એ મેરૂ પર્વતની ઉપર સહસ્રાર નામનો એક વિભાગ છે. સહસ્રાર એટલે હજાર પાંખડીવાળું કમળ. એ સદ્ગુરુના વાસક્ષેપથી ખુલે છે, ખીલે છે. એ સહસ્રાર એ મેરૂ પર્વતની પાડુંકવનની શિલા. આપણી ભીતર મેરૂ પર્વત પણ છે. પાડુંકવનની શિલા પણ છે. હવે આપણે ત્યાં પ્રભુને બિરાજમાન કરીએ છીએ. પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ મારા સહસ્રારમાં આપ પ્રવેશ કરો. પ્રભુ આપણા સહસ્રાર માં આવ્યા. હવે અભિષેક કરવો છે. સામાન્યતયા અભિષેક માટે આઠ જાતિના કળશા જોઈએ. ક્ષીરસમુદ્રનું પાણી જોઈએ. પણ આ સૂક્ષ્મ મેરૂ અભિષેક, આંતરિક મેરૂ અભિષેક એના માટેની આખી જ પદ્ધતિ અલગ છે. ઘણીવાર અભિષેક કરતાં તમે એક દુહો બોલો છો એમાં જ આ અભિષેકની વિધિ આવે છે, “જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા, કર્મ થયા ચકચૂર” હવે અભિષેક આંતરિક છે. તો કળશ પણ અલગ જ છે. જ્ઞાનનો કળશ. જ્ઞાતા ભાવનો કળશ. અત્યાર સુધી આપણે અજ્ઞાન માં રાચ્યા. પદાર્થોને જોયા અને વિભાજન કર્યું. આ પદાર્થો સારા, આ પદાર્થો ખરાબ. પછી સારા પદાર્થો મળ્યા, તો રાગ કર્યો. રતિભાવ છલકાયો. ખરાબ પદાર્થો મળ્યા તો અરતિ ભાવ અંદર ઉદ્વેગ થયો. એ જ રીતે વ્યક્તિઓમાં પણ બે ભાગ પડ્યા, સારા અને ખરાબ.
મારા અહંકારને પંપાળે એ સારા. મારા અહંકારને ખોતરે એ ખરાબ. આ અજ્ઞાન ને કારણે અનંતા જન્મોમાં અનંતી પીડા આપણને મળી. હવે પ્રભુને કહી દઈએ કે પ્રભુ આ પીડાથી થાક્યો છું. જ્ઞાન મને આપો. એ જ્ઞાન એટલે જ્ઞાતા ભાવ. તમે જાણો છો પણ સારા અને નરસા નું વિભાજન નથી કરતા. પદાર્થ પદાર્થ જ છે. પુદ્ગલોથી બનેલો છે. જે સારો પણ નથી. નરસો પણ નથી. હા, શરીર રૂપી મોટા પદાર્થ માટે એ નાના પદાર્થો ક્યારેક કામના હોય છે. તમે એને વાપરી શકો. પણ એ પદાર્થોનો ઉપયોગ કરતી વખતે રાગ કે દ્વેષમાં તમારે જવું નથી. એ જ રીતે દરેક વ્યક્તિ અનંત ગુણથી યુક્ત છે. આપણા અજ્ઞાન ને કારણે આપણે બીજા બધાના દોષો જોયા. અને બધાને ખરાબ તરીકે ચીતર્યા. હકીકતમાં દરેક વ્યક્તિ અનંતગુણથી યુક્ત છે. તો આ સમજ એ જ્ઞાન, એ જ્ઞાતા ભાવ. પ્રભુની કૃપાથી અત્યારે આ જ્ઞાતાભાવનો કળશ આપણને મળ્યો છે. મજાની વાત એ છે કે સમભાવનો રસ, સમભાવનું જળ જ્ઞાતાભાવના કળશ વિના બીજે ક્યાંય રાખી શકાય એમ નથી. જ્યાં સુધી આ સમજ ન પ્રગટે ત્યાં સુધી સમભાવ કઈ રીતે આવે? ત્યાં સુધી તો રાગ અને દ્વેષ જ આવવાના છે.
આ સારો છે તો રાગ. આ ખરાબ છે તો દ્વેષ. જે ક્ષણે જ્ઞાતાભાવનો કળશ મળ્યો તમે એ જ્ઞાતાભાવના કળશમાં સમતાનું જળ ભરો છો. હવે અભિષેક કરવો છે. તો આપણા મસ્તકનાં ભાગ પર પરમાત્મા બિરાજમાન છે. એ પરમાત્મા પર આપણે આ સમતાના જળનો અભિષેક કરીએ છીએ, અભિષેક એ પ્રભુને કરશું, પણ આપણા જ કપાળ ઉપર પરમાત્મા છે. આપણા જ મસ્તક ઉપર અભિષેક કરીશું એની સમભાવના પાણી દ્વારા આપણું આખું અસ્તિત્વ ભીંજાઈ જશે. તો દુહો બહુ મજાનો છે. “જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા, કર્મ થયા ચકચૂર” હવે એ સમભાવ દ્વારા તમારું પૂરું હૃદય છલકાઈ ઉઠે. તમારું અસ્તિત્વ ભીંજાઈ જાય. રાગ – દ્વેષ એ ક્ષણોમાં છે નહિ. એટલે તમે નવા કર્મોનો બંધ કરતા નથી. ઉદયમાં કોઈ કર્મ આવે છે તો પણ તમારી સમજણને કારણે તમે એમાં રાગ – દ્વેષ કરતા નથી. અને એ રીતે તમારા કર્મો ક્ષીણ થવા લાગે છે. આ આંતર મેરૂ અભિષેક તમે સામયિકમાં પણ કરી શકો, પૌષધમાં પણ કરી શકો. અત્યારે આપણે એ જ આંતર મેરૂ અભિષેક કરવાનો છે. ધ્યાનની પદ્ધતિ એ જ છે જે આપણી પાસે છે એ.. ત્રીજા ચરણમાં માનસ જાપ આપણે કરીએ છીએ. અને મનને એક પદ પર જ્યારે એકાગ્ર કરીએ છીએ. ત્યારે શું થયું.. એ ત્રીજું ચરણ મળ્યું એટલે જ્ઞાન નો કળશ આપણા હાથમાં આવ્યો. કારણ મન વિચાર કરતું નથી. વિચાર કરતો નથી તો નવા કર્મો બાંધતું નથી. કર્મનો ઉદય ચાલુ છે કદાચ… તો પણ વિચાર ચાલુ નથી. અને એટલે એ ઉદયની ક્ષણો પણ નિર્જરામાં પલટાય છે. તો ત્રીજું ચરણ એ જ્ઞાનનો કળશ, પ્રાપ્ત કરવાનું ચરણ.
અને ચોથું ચરણ એટલે સમભાવનો અભિષેક આપણી ભીતર સમભાવનું ઝરણું છે. એ ઝરણા માંથી જ આપણે જ્ઞાનનો કળશ ભરી દીધો. પછી આપણા મસ્તક પરથી આપણે અભિષેક કરીએ છીએ. અને એ અભિષેકનું પાણી પૂરા તમારા અસ્તિત્વને ભીંજવી દે છે. અને એ રીતે કર્મો બધા તમારા ક્ષીણ થાય છે. તો આપણે આંતરિક મેરૂ અભિષેકની પ્રક્રિયા ચાલુ કરીએ છીએ.
શરીર ટટ્ટાર… આંખો બંધ… ધીરે ધીરે શ્વાસ લો… ધીરે ધીરે શ્વાસ છોડો… આ દ્રવ્ય પ્રાણાયામ છે જેના કારણે શ્વાસો શ્વાસ લયબદ્ધ થશે. અને શ્વાસ લયબદ્ધ થશે એટલે મન ધીરે ધીરે સ્થિર બનશે. એક મિનિટ દ્રવ્ય પ્રાણાયામ….
શરીર ટટ્ટાર… આંખો બંધ… એક પણ વિચાર નહિ. શ્વાસ પૂરો લેવાય છે… ઊંડો લેવાય છે. હવે ભાવ પ્રાણાયામ. સમભાવના જે આંદોલનો આજુબાજુમાં વિખરાયેલા છે. પ્રભુના દેહમાંથી નીકળેલા છે. એને આપણે શ્વાસ લેતી વખતે અંદર મુકીએ છીએ. શ્વાસ છોડીએ છીએ ત્યારે ક્રોધના આંદોલનો ને વિસર્જિત કરીએ છીએ. મનને suggestion આપ્યું છે. શ્વાસ લેવાશે સમભાવ અંદર જશે. શ્વાસ બહાર નીકળશે ક્રોધ બહાર નીકળશે. તમારે માત્ર શ્વાસ પર ધ્યાન આપવાનું છે. શ્વાસ પૂરો લેવાય છે. બરોબર લેવાય છે. વિચારોની દુનિયામાં તમે હોવ છો ત્યારે શ્વાસ તરફ પણ તમારી નજર હોતી નથી. એક મિનિટ સઘન ભાવ પ્રાણાયામ.
સમભાવ હૃદયમાં, મનમાં જઈ રહ્યો છે. મન એકદમ શાંત થયું છે.
બીજું ચરણ ભાષ્ય જાપ “તિત્થયરા મે પસીયંતુ”
ત્રીજું ચરણ માનસ જાપ. જ્ઞાનનો કળશ આપણી ભીતર આવી ગયો છે. એક પણ ઘટનામાં તમે જતાં નથી. કારણ કે વિચારનું દ્વાર બંધ છે. અને એટલે જ્ઞાતા ભાવનો, સમ્યગ્જ્ઞાનનો કળશ તમારા હાથમાં આવ્યો છે. મન એકદમ સ્થિર, એકાગ્ર એક જ પદ તમારી સામે છે અને તમારે એ પદમાં ડૂબી જવાનું છે. એક પણ વિચાર નહિ. શરીર ટટ્ટાર… આંખો બંધ… માનસ જાપ જે અત્યારે આપણને આપણા હાથમાં જ્ઞાનનો કળશ આપે છે. બે મિનિટ એકદમ ડૂબી જાઓ… એક જ પદ… બીજો કોઈ વિચાર નહિ… એક મિનિટ જ્ઞાનનો કળશ, માનસ જાપ. જે મન સારા અને નરસાનો વિચાર કરી સતત કર્મબંધ કરતું હતું. એ મન વિચારોથી મુક્ત બન્યું છે. હવે વિચાર મુક્ત મન એ જ જ્ઞાનનો કળશ.
ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. હવે આપણે અભિષેક કરવાનો છે. જ્ઞાનના કળશમાં સમભાવનું જળ ભર્યું છે. અને એ જળથી આપણે અભિષેક કરી રહ્યા છીએ. આપણું પૂરું અસ્તિત્વ, આપણું પૂરું શરીર એ સમભાવના જળથી ભીનું ભીનું થઇ રહ્યું છે. એ સમભાવના અભિષેકને કારણે અંદર એક શાંતિનો અનુભવ થાય. અંદર આનંદનો અનુભવ થાય. તમે શાંત છો… પ્રશાંત છો…. સમભાવનો અભિષેક આમ તો સતત તમારા ઉપર થઇ રહ્યો છે. પણ અત્યારે તમને એનો અનુભવ થાય છે. તો એ સમભાવના અભિષેકને કારણે જે ઠંડક થઇ છે, એ ઠંડકનો અનુભવ કંઈક આનંદનો અનુભવ થતો હોય તો કરો. બે મિનિટ અભિષેક…. અભિષેક ચાલુ છે… સમભાવનું જળ જ્ઞાનના કળશમાંથી પડી રહ્યું છે. સતત વરસી રહ્યું છે. તમે શાંત છો… પ્રશાંત છો… તમારી એ શાંતિનો અનુભવ કરો. માત્ર એક મિનિટ…… સમભાવનો અભિષેક ચાલુ છે. તમારું શરીર, પૂરું અસ્તિત્વ સમભાવથી ભીંજાઈ ગયું છે. એની ઠંડકનો અનુભવ કરો. આંખ ખોલી શકો છો… “તિત્થયરા મે પસીયંતુ”