વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત
Subject: भावितपरमानंदः क्वचिदपि न मनो नियोजयति
વિચાર અનુભવ ત્યાગ નું ત્રીજું સ્તર : તમે નિર્વિકલ્પ-નિર્વિચાર બની જાવ. જેણે પરમ આનંદ નો અનુભવ કર્યો છે, એવો સાધક મનને ક્યાંય બહાર જોડતો નથી; નિર્વિચાર હોય છે. અત્યારે તમે તમારી જાતને સ્વયંસંપૂર્ણ માનતા નથી એટલે હું બીજા પાસેથી આનંદ લઇ આવું; બીજા મને recognize કરે – આવી ભ્રમણાથી તમારા મનને બહાર મોકલ્યા કરો છો.
આનંદની વ્યાખ્યા જ એ કે જે અસંયોગજન્ય છે, તે આનંદ. બહારથી જે પણ મળે છે, એ રતિ, સુખ, હર્ષ, મનના સ્તર પરની સુખની અનુભૂતિ. સંયોગજન્ય એ અનુભૂતિ આનંદ નથી. અસ્તિત્વના સ્તર પરની અસંયોગજન્ય સુખની અનુભૂતિ, તે આનંદ. તમારી ભીતરના આનંદની અનુભૂતિમાં જો તમે આવી ગયા, તો પછી તમે ક્યાંય તમારા મનને બહાર જોડશો નહિ; જોડવાની જરૂર જ ન રહી ને!
એ અસંયોગજન્ય આનંદની અનુભૂતિ માટે બે વાત કરી. સાધક ઉદાસીનભાવમાં ડૂબેલો હોય અને એના કારણે એના બધા જ પ્રયત્નો છૂટી ગયેલા હોય. કાર્યોં બધા થયા કરે પણ કર્તૃત્વ ન રહે. કોઈ આયાસ નહિ, અનાયાસ બધું થયા કરે; તમે તમારી ભીતર આનંદમાં હોવ.
મૌન ધ્યાન સાધના શિબિર ૦૮ – શ્રી શત્રુંજય મહાતીર્થ – વાચના – ૩
દેવાધિદેવ પરમતારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.
સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરી દાદાના ચરણોમાં વંદના.
સ્વાનુભૂતિ માટે બે તત્વો અનિવાર્ય રૂપે જરૂરી છે એવું પૂજ્યપાદ દેવચંદ્રજી મ.સા. પરમતારક સુવિધિનાથ પ્રભુની સ્તવનામાં કહે છે. સાક્ષીભાવ નિર્લેપદશાને જન્માવશે, સમર્પણ નિર્ભારદશાને જન્માવશે. પ્રભુએ અમારા પર અને તમારા ઉપર જે કૃપા કરી છે, એનો વિચાર કરીએ ને ત્યારે આંખો ભીંજાઈ જાય, આંખો છલછલાઈ ઉઠે. કેટલી care પ્રભુએ કરી છે ! આમ સૂત્ર એવું છે, surrender ની સામે care. જેટલું તમારું સમર્પણ એટલી કાળજી વધુ. પણ લાગે આપણું surrender બિલકુલ ન હોવા છતાં એની care કેટલી બધી આપણે ત્યાં મળી છે.
બૃહત્કલ્પસૂત્રમાં એક પ્રસંગ આવે છે, એક મુનિરાજને લાગે છે, કે પોતાના પાત્ર પરનો જે લેપ છે એ ઉખાડીને નવો કરવા જેવો થયો છે. એ જમાનામાં પાત્ર ઘાટ-ગુણ વગરના હતા. લાકડાના પાત્રમાં પાણી લવાય કે ગોચરી લવાય તો લીલ-ફૂગ થઇ જાય, એના માટે ગાડાની મળી જે છે એ પાત્ર ઉપર લગાવી દેવાય ! જેથી કરીને લીલ-ફૂગની વિરાધના ન થાય, પણ પછી કયારેક એ મળીમાં તિરાડો પડે, તો ફરી પાછું પાણી તિરાડમાં જતું રહે. અને ફરી લીલ-ફૂગની વિરાધનાનો સંભવ રહે. એ મુનિરાજને લાગે છે કે પોતાના પાત્રમાં થોડી થોડીક તિરાડો પડી છે અને એના કારણે જો હવે નવો લેપ ન અપાય તો વિરાધના થવાનો સંભવ છે. એ મુનિરાજ એ પાત્ર લઈને ગુરુ પાસે આવે છે ! ગુરુદેવને એ પાત્ર બતાવે છે કે સાહેબજી ! આ પાત્ર મને એવું લાગે છે કે આમાં નવો લેપ લગાવવા જેવો છે. આપ શું કહો છો? આપની આજ્ઞા શું છે? એટલા માટે જાણવા માંગે છે, કે કદાચ નવો લેપ આપીને પાત્રને વધુ સારું બનાવવાની એક ઈચ્છા અંદર તો રહી ગઈ નથી ને? ઘાટઘૂંટ વગરનું લાકડાનું પાત્રું ગાડાની મળીનો લેપ એના ઉપર કરવાનો છે! છતાં એમાં પણ સૂક્ષ્મ આસક્તિ ન રહી જાય એના માટે પભુએ અમારી care કરી. પ્રભુએ કહ્યું; તમે સીધે સીધો લેપ એને આપી શકતાં નથી. ગુરુ સર્ટિફાઈડ કરે તો જ તમે એના ઉપર લેપ આપી શકો. અમારી નિર્લેપદશાને ઉભારવા માટે પ્રભુએ કેટલી કરૂણા કરી ! આ તો એક પદાર્થ નિર્લેપતાની વાત કરી, જીવન નિરપેક્ષતા સુધીનો સાક્ષીભાવ પ્રભુએ અમને આપ્યો છે. પદાર્થ નિરપેક્ષતા નથી કહેતો હવે, જીવન નિરપેક્ષતા. જીવન જાય તો ભલે જાય. મારી આરાધના ન જવી જોઈએ. વિરાધના મને થવી ન જોઈએ.
પરમપાવન આચારાંગ સૂત્રમાં નવકાર ઉત્તીર્ણ નું પ્રકરણ આવે છે. એક સાધુ ભગવંતને ગંગા જેવી મોટી નદીને હોડીમાં ઉતરીને સામે પાર જવું છે. પહેલાં તો સવાલ એ થાય, કે હોડી નદીમાં ઉતરવાની જરૂર શું? પણ એ વખતે આપણો દેશ શસ્યશ્યામર હતો. નદીઓ એટલી બધી હતી પાર વગરની અને મોટી મોટી બૃહત્કાય! બે-ત્રણ નદીઓની વચ્ચેનો પ્રદેશ નાનકડો હોય. હવે પાંચ-સાત કે દસ ગામો હોય, તમે રહી-રહીને એ દસ ગામોમાં કેટલું રહો! તો પ્રભુએ કહ્યું; તું વધું સમય રહીશ ભાઈ તો તને ક્ષેત્ર ઉપર કે ક્ષેત્રના લોકો ઉપર આસક્તિ થઇ જશે. સહેજ પણ લેપ તારી આંતરદશામાં આવવો ન જોઈએ! તું બિલકુલ નિર્લેપ રહેવો જોઈએ એટલે હોડીની અપકાયની વિરાધનાને કરીને પણ તું સામે કાંઠે પહોંચી જા. એ મુનિરાજ નદીને કાંઠે આવ્યા ! હોડી ભરાઈ ચૂકી હતી, સામે પાર જતી હતી. પોતાના માટે હોડી લઇ જવાની વાત નહોતી ! મુસાફરો બેઠેલા જ હતા ! નાવિકને પૂછ્યું; ભાઈ ! મારે સામે કાંઠે જવું છે! બેસી જવું અંદર? બેસી જાવ મહારાજ. બેસી ગયા! મને તો ઘણીવાર ઈર્ષ્યા આવે અમારા પૂર્વજોની, કે સાક્ષીભાવના કેવા શિખર ઉપર એ લોકો બિરાજમાન હતા! એ મુનિરાજ નાવમાં બેસી ગયા, આંખો બંધ, ધ્યાન ચાલુ. અધવચ્ચે નાવ પહોંચી અને નાવ થોડી હલવા લાગી! કોઈ દિવસ નહિ, દરિયામાં તો મોજાં ઉછળે, નાવમાં જ્યારે નદીમાં હોય ત્યારે આવો સંભવ હોતો નથી, પણ આજે આ નદીમાં તોફાન ઉપડ્યું. બધા વિચાર કરે શું થયું? અને એ વખતે એક જણાએ કીધું, આ મુંડીયો સાધુ બેઠો છે ને એના કારણે આ તકલીફ પડી. રોજ આપણે જઈએ છીએ, ક્યારે નદીમાં તોફાન આવ્યું? ક્યારે નાવ હાલક-ડોલક થઇ? આજે પહેલી વાર આવું થાય છે, આ મુંડીયો સાધુ બેઠો છે એના કારણે થાય છે. તો એને ઉપાડીને નદીમાં ફેંકી દો, આપણે સહી સલામત પહોંચી જઈએ. મુનિરાજ આ શબ્દોને સાંભળે છે, સાંભળ્યા પછી શું થાય છે? કાંઈ નહિ. આ મુંડિયાને નદીમાં નાંખી દઈએ તો આપણે તો હેમ-ખેમ પહોંચી જઈએ. સાંભળે છે આરામથી ! જે વખતે જે પર્યાય ખુલવાનો છે એ ખુલે. પર્યાયને જોતાં જેને આવડે એને મજા જ મજા છે.
તમારે શું જોઈએ બોલો, સુખ જોઈએ કે દુઃખ જોઈએ? આનંદ જોઈએ કે પીડા જોઈએ? પર્યાયોને જોતા આવડ્યા, આનંદ જ આનંદ. અમે લોકો કેમ મજામાં છીએ! તમે લોકો ખાલી પૂછી જાવ, સાહેબ શાતામાં છો ને? અમારો ટીપીકલ જવાબ પણ સાંભળીને જાવ, દેવ-ગુરુ પસાય. પણ પછી ઊંડાણમાં તમે લોકો પૂછતાં નથી, કે સાહેબજી ખરેખર શું છે? દેવ-ગુરુની કૃપા ખરી! પણ દેવ-ગુરુની કૃપાને આપે કઈ રીતે માણી છે? કે જેના કારણે આપ સતત evergreen, ever fresh રહી શકો છો! પૂછો ને આવું ક્યારેક? બીજું કાંઈ જોઈએ કે ન જોઈએ, આનંદ તો જોઈએ છે ને? અને અમારી પાસે એ છે. તો પૂછો સાહેબ શું છે? ત્યારે અમે કહીશું અમે પર્યાયોના દ્રષ્ટા છીએ. પર્યાયો જે પણ ખુલે મજાથી જોઈએ છીએ. જેને પણ પર્યાયોને મજાથી જોતા આવડે એ સુખી જ હોય. એક બહુ મજાની વાત તમને કહું, પ્રભુ પાસે આપણે સમાધિ માંગીએ છીએ, રોગોનો અભાવ માંગતા નથી. પૂર્વતીત કર્મનો ઉદય હોય તો રોગ તો ભલે આવે. રોગોનો કોઈ વાંધો પણ નથી. એક પર્યાય ખુલ્યો. પણ એ પર્યાયમાં મારી સમાધિ ચૂકાય નહી એવું આપણે પ્રભુ પાસે માંગીએ છીએ. ક્યારે પણ આ મારો રોગ જતો રહે પ્રભુ એવું આપણે પ્રભુની પાસે કહ્યું નથી. આપણી એક પણ પ્રાર્થના આવી નથી. માત્ર સમાધિ તું મને આપજે પ્રભુ ! ગમે તેવી પર્યાય ખુલે મારો સ્વભાવ આવો ને આવો જ રહે. હું મજામાં ને મજામાં રહું.
પેલા નાવમાં બેઠેલા લોકો કહે છે; આ સાધુને નદીમાં નાંખી દો! સાંભળે છે ! હવે તો પર્યાય ખુલવાનો છે! ખુલ્યો નથી હજી. ખુલવાનો છે. જોઈ લઈશું! એવું પણ બની શકે કે અડધા લોકો અસંમત પણ થાય કે ના, ભાઈ સાધુના કારણે થોડું આવું થાય? અને એમ વિવાદ પડે તો ન પણ સાધુને ફેંકવામાં આવે. પણ એવું થયું ત્યાં, બધા લોકો એક મતે થઇ ગયા, હા, આને ફેંકી દો અંદર નદીમાં. નાવિકે પણ કહ્યું; ફેંકી દો. એ વખતે મુનિરાજ શું કહે છે! કે ભાઈ! તમારે મને નદીમાં નાંખવો છે ને! તો એના કરતાં હું નદીમાં જતો રહું તો કેવું થાય! પેલા લોકોએ કીધું; બહુ સારું એમાં શું છે! આખરે ભારતીય માણસો હતાં, કે મુનિની હત્યાનું પાપ અમને ન લાગે! તમે એની મેળે નદીમાં જતા રહેતાં હોય તો બહુ સારું. શા માટે મુનિરાજે આ કહ્યું? એટલા માટે કહ્યું; કે એ લોકો પોતાની બોડીને થ્રો કરશે તો અપકાયના જીવોની કેટલી કીલામણા વધુ થશે! શરીરને થ્રો કરવાના છે ને એ લોકો… નદીમાં ફેંકવાના છે. તો ફેંકશે તો અપકાયના જીવોની કેટલી વિરાધના થશે! એને બદલે હું ધીરેથી નદીમાં પ્રવાહિત થઇ જાઉં, અને એમણે પોતાના શરીરને ધીરેથી નદીમાં પ્રવાહિત કરી નાંખ્યું. પછી શું થાય? પછીની ઘટના બહુ મજાની છે! પછી બે વિકલ્પો આપ્યા છે! કે જો નદીનો પ્રવાહ દરિયાની અંદર મુનિના દેહને લઇ જાય, તો એ રીતે મુનિ થવા દે છે! નદીમાં પડ્યા પછી પેલા સંસારી જીવનનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તાળું હોય તો પણ હાથ-પગને હલાવતો નથી. હાથ-પગ હલાવું તો અપકાયના જીવોની વિરાધના થાય. મડદાની જેમ એ મુનિરાજ પાણી ઉપર લેટેલા છે. નદી દરિયામાં લઇ જાય તો દરિયામાં જતું રહેવાનું. નદી છાલક મારે અને કાંઠે કદાચ આવી જવાય તો પણ કોઈ વાંધો નથી. નદી કદાચ કાંઠે ફેંકી દે તો શું કરે? કાંઠા ઉપર થોડો ટાઈમ ઉભા રહે છે. એ સીધા વિહાર નથી કરતાં, કેમ? કપડાં ભીના છે! શરીર ભીનું છે! ધૂળિયા માર્ગ ઉપર જાય, અને શરીરમાંથી જે પાણી ટપકે, ક્યાંક વસ્ત્રમાંથી પાણી ટપકે, એ ધૂળમાં જાય, તો અપકાયના જીવોની કીલામણા થાય. એટલે નદીના કિનારે ઉભા રહે. પા કલાક, અડધો કલાક, પોણો કલાક સુધી… કુદરતી રીતે હવાના કારણે શરીર સુકાઈ જાય, વસ્ત્રો સુકાઈ જાય, પછી પોતે ત્યાંથી નીકળે. કેટલી જીવન નિરપેક્ષતા બોલો! આપણને લાગે કે આપણને આવું ક્યારે મળશે?
પ્રભુની આગળ માંગવાનું મન થાય કે પ્રભુ! જીવન નિરપેક્ષતા મને આપી દો. અનંતા જન્મો ગયા, અને અનંતા કદાચ જશે ! જો મોક્ષ તાત્કાલિક નહિ હોય તો ! પણ પ્રભુ ! આ જીવનનું મહત્વ શું છે? જીવન તો એક પરપોટો છે. પણ આ પરપોટાની અંદર હું તારી સાધનાને આત્મસાત્ કરી શકું, તો એ પરપોટો પણ સાર્થક.
બુદ્ધ એક ઘટના ઘણીવાર કહેતાં ! બુદ્ધ કહેતાં કે જીવન પરપોટો છે! અને ઘટના પરપોટાનો ય પરપોટો છે. પછી હસતાં હસતાં પૂછે છે; કે પરપોટાના પરપોટા ઉપર તમે કેટલું ધ્યાન આપશો? સાક્ષીભાવ, પર્યાયોના દ્રષ્ટા બની જાવ. જે પણ પર્યાય ખુલે એને ખુલવા દો ! તમારી તાકાત પણ નથી, કે તમે પર્યાયને ખુલતું અટકાવી શકો ! અનંત જ્ઞાની ભગવંતોએ એ પર્યાયને ખુલતો જોયેલો છે ! તો તમારી તાકાત છે કે તમે એ પર્યાયને ખૂલતો બંધ કરી દો! ખુલી રહ્યો છે પર્યાય જોઈ લો. અમે લોકો ever green ને ever fresh છે એનું કારણ સમજાઈ ગયું ! અમે પર્યાયોના દ્રષ્ટા છીએ, માટે અમે ever green ever fresh છીએ ! તમારે કેવા બનવું છે બોલો હવે ! કેવા બનવું છે?
આપણે સાક્ષીભાવના પાંચ ચરણો જોતા હતા ! પહેલું ચરણ પુદ્ગલ અનુભવ ત્યાગનું હતું. એમાં ત્રણ સ્તરો હતા ! પદાર્થના અનુભવનો ત્યાગ. પદાર્થનો ઉપયોગ થાય પણ રાગ-દ્વેષાત્મક અનુભવ પદાર્થોમાં થવો ન જોઈએ. એ પછી શબ્દનો ઉપયોગ કદાચ થઇ શકે! શબ્દનો રાગ-દ્વેષાત્મક અનુભવ ન થવો જોઈએ. હું સરસ બોલ્યો એવો અહંકાર આપણને ક્યારેય પણ થવો ન જોઈએ. વિચારના સ્તર ઉપર પણ સરસ વિચાર મેં કર્યો, એનો અહંકાર ક્યારે આવે નહિ. અશુભ વિચારો કદાચ નીકળી ગયા, તો એને પણ જોઈ લેવાના છે. એ વિચારોની સાથે તમારે ભળવાનું નથી, આત્મસાત્ થવાનું નથી.
ચિદાનંદજી મહારાજે રૂપસ્થ ધ્યાનની ચર્ચા કરતાં આ વાત લખી: “રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસાધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય” “રહત વિકાર સ્વરૂપ નિહારી” – ક્રોધ અંદર ઉઠ્યો તો જોઈ લો ! તમે ક્રોધ છો? તમે ક્રોધ છો? આપણે ત્યાં શ્વેતાંબરીય પરંપરામાં સમયસાર જેવો એક મજાનો ગ્રંથ છે; અધ્યાત્મબિંદુ. હર્ષવર્ધન ઉપાધ્યાયે લખેલો, એમાં એ લખે છે: “बन्धोदयो धीरण सत्वमुख्या, भावा प्रबंधखलु कर्मणाम् स्याम” એ કહે છે: બંધ ઉદય, ઉદીરણા અને સત્તા ખરી, પણ એ કર્મને મારે શું? બંધ કર્મનો થશે. ઉદય કર્મનો થશે! સત્તા કર્મની થાય. મારે શું? હું તો અલિપ્ત છું. હું રાગ-દ્વેષથી અલિપ્ત છું. હું કર્મોથી અલિપ્ત છું ! આપણે છે ને વ્યવહાર-નિશ્ચય ઉભયાત્મક પ્રભુ સાધન પદ્ધતિને અપનાવનારા માણસો છીએ, એટલે જ્ઞાનસારે કહ્યું તેમ, વ્યવહારથી આપણે આપણા આત્માને લિપ્ત માનીશું! નિશ્ચયથી અલિપ્ત માનવાનો છે. દા.ત. તમને સમજાવું, તમે ખાવા બેઠા, આસક્તિ તમને થઇ રહી છે, અને એ વખતે તમે દંભ કરો, ના, ના આ તો શરીર ખાય છે. મારે શું? આસક્તિ થઇ રહી છે તમે જુઓ છો. Testy વાનગી છે ને, બહુ સારી તમને લાગી રહી છે. એ તમે અનુભવો છો, અને પછી જો તમે દંભ કરો, કે શરીર ખાય છે, મારે શું? તો એ દંભ છે. ઘણા આવા લોકો હોય છે, કહી દે, શરીર ખાય છે મારે શું? દૂધપાકનો વાટકો આરામથી પીતો હોય અને શું કહે શરીર પીએ છે દૂધપાક, મારે શું? હું ઘણીવાર કહું છું, એને લીમડાના રસના પ્યાલો આપી દેવાનો. એટલે વ્યવહાર દશાથી જ આપણે લિપ્ત છીએ. નિશ્ચયથી આપણે લિપ્ત નથી એ પાછું નક્કી છે. આલંબનમાંથી અનાલંબન યોગમાં જવાની વાત જ્યારે આવશે ત્યારે યોગવિંશીકામાં ઉપાધ્યાયજી સ્પષ્ટ કરશે કે નૈશ્ચયિક રૂપે આત્મ-સ્વરૂપનું વિભાવન જેની પાસે છે એ જ અનાલંબન યોગનો અધિકારી છે. એટલે માત્ર હું કર્મોથી ઘેરાયેલો છું, એ વાત બરોબર, પણ કર્મોથી ઘેરાયેલું મારું પૂરું અસ્તિત્વ નથી. આઠ રૂચક પ્રદેશો ખુલ્લા છે તમારા, અને આઠ રૂચક પ્રદેશો ખુલ્લા ન હોય ને તો જડ અને ચેતનમાં કોઈ ભેદભાવ ન રહે. એટલે તમે લિપ્ત પણ છો ! રાગ-દ્વેષથી, અલિપ્ત પણ છો ! તો લીપ્તતાનો અનુભવ તમને છે! છે ને ભાઈ? Tasty વાનગી હોય તો આસક્તિ. Un tasty હોય તો મોઢું બગડી જાય. આ અનુભવ છે. હવે એક અનુભવ ઉમેરો! આ શિબિરની અંદર, કે જેવું છે તેવું આરામથી જમી લીધું. શરીરે ભોજન લઇ લીધું. જરૂરિયાત કોને હતી ભાઈ? રોટલી દાળની જરૂરિયાત કોને ! કોને? શરીરને! શરીરને જરૂરિયાત છે શરીર ખાઈ લે છે. તો તમારે માથું મારવાની જરૂર ખરી? એમ તમારે માથું મારવાની જરૂર ખરી? હું છે ને એક ગેરંટી કાર્ડ આપું છું, એક તો સાધકો માટે આપું છું, અને એક પ્રારંભિક સાધકો માટે આપું છું. સાધકો માટે ગેરંટી કાર્ડ એ આપું છું! કે એક સાધક મારી પાસે આવે, અને એની સાધના જોતા મને લાગે, કે આને ઉચકી શકું એમ છું, અને એ totally પ્રભુની આજ્ઞાને surrender થઇ શકે એમ છે! તો હું એને મારા letter head ઉપર લખી આપું છું કે આજથી પાંચ વર્ષે તારી સાધના આ મુકામ પર ઉભી હશે. અને એણે કહી દઉં, કે પાંચ વર્ષે તારી સાધના આ મુકામ પર ન ઉભી હોય ને, તો મારો letter head લઈને મારી પાસે આવજે. હું ધાર સાથે કહું, તું જો totally surrender હોય તો, આ ભૂમિકા ઉપર તું પહોંચી જ જાય. કોઈ સવાલ નથી. ગુરુનું કામ જ આ છે ને! તમને ક્યાંક પહોંચાડવાનું ! તમારું કામ બહુ સરળ હો ! તમારું કામ બહુ સરળ હો ! ખાલી totally surrender થઇ જવું તમારું કામ. બાકીનું બધું કામ ગુરુનું બોલો! ગુરુના કેટલા કામ તમને ખબર છે? તમારા માટે સાધના પસંદ કરવી ગુરુ પસંદ કરે કે આને કઈ સાધના આપવી, વિનયની, વૈયાવચ્ચની, સ્વાધ્યાયની, ભક્તિની પસંદ ગુરુ કરે! પસંદ કર્યા પછી તમને સાધના આપે ગુરુ. એ સાધનાને કેમ ઘૂંટાવવી એ પણ સદ્ગુરુ નક્કી કરી આપે. એ સાધના માટેનું appropriate atmosphere, યોગ્ય વાતાવરણ પણ ગુરુ તમને આપે, અને તમારી સાધનામાં અવરોધ આવે તો અવરોધને હટાવવા પણ ગુરુ તૈયાર છે. બોલો તમારું કામ કેટલું નાનું બોલો.. કરવું છે આપણે બોલો! We are ready. ગુરુ ચેતના તૈયાર છે. Are you ready? તૈયાર છો? સાહેબ સાંભળવા માટે તૈયાર છીએ.
ખરેખર સાધના કરવી છે તમારે? સદ્ગુરુ નો કોરો ચેક હોય આવો, ખરેખર તમારે કોરો ચેક અમને આપવો જોઈએ. આ હું તમને કોરો ચેક આપું છું. માત્ર total surrender તમે થઇ જાવ, બાકીનું બધું અમે સંભાળી લઈશું. હોસ્પિટલવાળા કહી દે ને, માત્ર તમારે હોસ્પિટલ દાખલ થઇ જાવ, admit થઇ જાવ પછી શું કરવું? શું નહિ એ અમે જોઈશું. તમને એકદમ રોગમુક્ત કરીને બહાર મૂકી દઈશું. આ જ વાત અહીં છે, તમે totally surrender થઇ જાવ, બધું જ કામ કરવા સદ્ગુરુ તૈયાર છે. પણ જે માણસ પોતાને રોગી નહી માનતો હોય, એ હોસ્પિટલમાં જવાનો ખરો? તમારી હાલત આ જ છે ને! ખરેખર તમે સાધના નથી કરતાં એવું માનો છો ! તમારી સાધનામાં ઘણા બધા દૂષણો છે એવું તમે માનો છો? ત્યાં તો માની બેઠા છો ! મારી સાધના સરસ ચાલે છે. હું ઘણીવાર કહું, કે અમારી આ હોસ્પિટલ છે ને એમાં પેશન્ટ બહુ ઓછા હોય, visitors ઘણા હોય.
મોટો રાજનેતા ઘાયલ થઈને હોસ્પિટલમાં ગયો હોય તો visitors કેટલા હોય, visitorsથી આખી હોસ્પિટલ ઉભરાય. પેશન્ટ કદાચ બે કે પાંચ જ હોય. અમારે ત્યાં પણ આવું જ છે! પેશન્ટ બહુ થોડા મળે. Visitors ઘણા. કેમ ભાઈ કેમ ચાલે છે? સાહેબ બહુ સરસ. આપણે તો પાંચ તિથી આયંબિલ કરવાના નક્કી. રોજ બેસણું નક્કી. બે ટાઈમ પ્રતિક્રમણ આપણું નક્કી. સામાયિક ચાર-પાંચ આપણા નક્કી. અષ્ટપ્રકારી પૂજા નક્કી. આપણે તો બધું બરોબર ok ચાલે છે. મતલબ કે એને પોતે પેશન્ટ જેવું લાગતું જ નથી. એમાં જો ok કરું છું! પણ લક્ષ્યાંક સાથે એની સાધના જોડાયેલી ખરી? લક્ષ્યાંક છે, રાગ-દ્વેષ-અહંકારથી શિથિલ થવું. એ લક્ષ્યાંક તરફ તમારી ગાડી દોડે ખરી? તો અત્યાર સુધી જે સાધના થઇ, એ લક્ષ્યાંક સાથેની થઇ કે લક્ષ્યાંક વગરની થઇ? બોલો? અત્યાર સુધીની સાધના કેવી થઇ? લક્ષ્યાંક વગરની થઇ ને ! શું લક્ષ્યાંક બોલો? આપણે જૈન કુળમાં જન્મ્યા છે માટે આટલું કરવું પડે ! કાં તો લોકો મને ધાર્મિક માને છે માટે હું આટલું કરી લઉં ! પણ આત્મ-નિર્મળતા માટે તમે કેટલો ધર્મ તમે કર્યો? અને ખરેખર આત્મ-નિર્મળતા માટે તમે ધર્મ કર્યો હોત ને તો લોકો અમારી પાછળ દોડતા આવત. કે સાહેબજી આટલા સામાયિક કર્યા, સમભાવ તો મળતો નથી. મારે તો ક્રોધથી મારી જાતને વિમુક્ત કરવી છે. સમભાવને પ્રાપ્ત કરવો છે. સમભાવ તો મને મળતો નથી. એટલે એક ગેરંટી કાર્ડ હું આપું છું. સાધકો માટે…ખુલ્લી ઓફર છે બધા માટે… તમારી બાજુ માત્ર total surrender. આટલું જ. બીજું કાંઈ નહિ. Total surrender. બીજે બધે કરો total surrender. મુંબઈથી કદાચ ટ્રેનમાં આવ્યા હોય તમે, હવે બોમ્બે સેન્ટ્રલ ઉપર બેઠેલા હોવ, ગાડીને આવવાની વાર છે, ને ટ્રેન આવી ગઈ, અને ટ્રેન આવી ગયા પછી સીધા ડબ્બામાં બેસો? કે એન્જિનના ડબ્બા પાસે જાવ? જોવા માટે કે ડ્રાઈવર કેવો છે, drunker – bunker નથી ને! ગાડીને ઉથલાવી નાંખે એવો તો નથી ને! વિશ્વાસ છે ભારતીય રેલ્વે ઉપર, રોજ પેપરમાં વાંચો ! આ ગાડી ખડી પડી અને આના આટલા ડબ્બા ખડી પડ્યા અને તોય તમને વિશ્વાસ કેટલો? ક્યારેય તમે એન્જિનના ડ્રાઈવર ને મળવા ગયા? કે ભાઈ કેમ છે તારી હાલત? તું બરોબર સેફ રીતે ગાડીને લઇ જઈશ ને? પૂછ્યું? Total surrender ત્યાં.
કાશ્મીરની ઘાટીમાં તમારી કાર ચાલતી હોય, ડ્રાઈવર પર વિશ્વાસ, તમે ઉંઘી જાવ. બોલો ડ્રાઈવરને એક ઝપકી આવી જાય, સીધી ખાણમાં ઠોકી દેશે કાર, ત્યાં વિશ્વાસ છે. અહીંયા? ત્યાં જો total surrender ના હોય, અહીંયા કેમ નહિ. મારે તમને એ પૂછવું છે. જવાબ તમારે આપવાનો… કેમ નહિ? total surrender નામથી લોકો ગભરાય. સાહેબ સંપૂર્ણ સમર્પિત થઇ જવાનું… એટલે સંપૂર્ણ માં શું છે પણ, તારી પાસે છે શું? ગંદુ શરીર છે, ગંદુ મન છે. છે શું તારી પાસે… તો તમે જો total surrender થઇ ગયા તો, અમારું ગેરંટી કાર્ડ તમને મળી શકે. એક ગેરંટી કાર્ડ તો આ આપું છું.
બીજું ગેરંટી કાર્ડ એ આપું છું, કે તમે ખાવા માટે બેસો, કોઈ સરસ સ્તવનાની કડીમાં તમે હોવ, કે વાચનાના કોઈ પદાર્થમાં તમારું મન હોય, તો પણ તમારો કોળિયો જે છે હાથમાં ભરાશે, મોઢામાં ઠલવાશે. નાકમાં, કાનમાં કે આંખમાં નહિ જાય એની મારી ગેરંટી. મારી ગેરંટી… કોળિયો હાથમાં ભરાવાનો છે, મોઢામાં ઠલવાવાનો છે. આમાં તમારે હાજર રહેવાની જરૂર ક્યાં? મારે પૂછવું છે! તમારી ફેક્ટરીમાં કેટલાય કર્મચારીઓ છે, કેટલાય અલગ અલગ રીતે કામ કરે છે. તમે બધા કામ પર દેખરેખ રાખવા જશો? કે તમે ઓફિસમાં બેઠા બેઠા ખાલી જોશો CCTV ઉપર? તમે એક-એક કર્મચારી પાછળ ફરવાના ! તેં શું કર્યું અને તે શું નહિ કર્યું? તમે માત્ર પછી growth up કેટલો થયો? આપણો વિકાસ કેટલો થયો? ઉત્પાદન કેટલું થયું એ જોઈ લો છો તમે. તો શરીર પોતે પોતાનું કામ કરી લે છે, દાળ-ભાતના કોળિયાને હાથમાં લઇ લે છે, મોઢામાં ઠાલવી પણ દે છે, ફરી કોળિયો ભરે છે, ફરી મોઢામાં ઠાલવે છે. આમાં તમારે હાજર રહેવાની જરૂર ક્યાં મારે પૂછવું છે. એટલે ભોજનની ક્રિયા માત્ર ક્રિયા રહેવી જોઈએ. ત્યાં કર્તા ગેરહાજર રહેવો જોઈએ. સાવ નાનકડી વાત છે ને, એટલે સૂત્ર એ મળે, કે વિભાવની ક્રિયાઓમાં કર્તાને ગેરહાજર કરી દો ! સ્વભાવની ક્રિયામાં કર્તાને હાજર કરી દો. પૂજા કરો તો totality. મન સંપૂર્ણતયા એમાં હોવું જોઈએ. સામાયિક કરો ત્યારે પૂરું મન સમભાવમાં ડૂબી જાય, સમભાવ તરફની જેટલી ક્રિયા તમારી હોય એ બધામાં total હાજર રહો, અને વિભાવ તરફ ખુલતી ક્રિયામાં તમે ગેરહાજર રહો ! બોલો આટલું કરી શકાય ! તમારો કર્મબંધ ઘણો ઓછો થઇ જાય. ક્રિયાથી કર્મબંધ કરતાં તમારા કર્તૃત્વથી કર્મબંધ વધારે થાય છે.
એક મુનિરાજ પણ ખાય છે બોલો ! હું પણ સવારે નાસ્તો કરીને આવ્યો છું. એક સાધુ વાપરે છે ! ગોચરી કરે છે ! પણ ગોચરીની ક્રિયા છે ત્યાં ! કર્તા ગેરહાજર છે. કર્તા કોઈ શાસ્ત્રીય પદાર્થોની ગહન ચિંતામાં પડેલો છે. તમારી તકલીફ એ છે, ક્રિયા વખતે તમારે હાજર રહેવું છે. Tasty ભોજન છે, રસ આવે ને જરા… પછી જો કર્તા તરીકે ગેરહાજર રહીએ તો સરસ વાનગીનો મતલબ શું પછી… કેમ! લોચો મારી દીધો ને એમાં… આટલી નાનકડી વાત કરી શકો ! ચાલો એવું કરીએ આપણે દિવસમાં કેટલી ક્રિયાઓ થતી હશે! વૈભાવિક ક્રિયાઓ, ન્હાવાની, ધોવાની, ત્રણ ટાઈમ ખાવાની, બીજી બધી કેટલી બધી ક્રિયાઓ થાય ! એ ક્રિયાઓમાંથી ૫૦% ક્રિયાઓમાં કર્તાને ગેરહાજર રાખવો. ચાલો discount આપી દઉં ચાલો… મારે માલ વેચવો છે ! ૫૦% off. મૌન છે એટલે ઘણા છૂટી ગયા છો યાદ રાખજો. મૌન ન હોત ને, તો તમારો કર્તા છે ને વારંવાર બહાર ડોકીયું કાઢતો હોત. મેં પેલાને આમ કીધું પેલો impress થયો. અલ્યા એ તો થયેલો જ હતો ! તું impress થયો એમ બોલ ને ! એટલે બોલવાનું નથી એટલે બહુ સારું છે. પણ આપણે શબ્દોના મૌન સુધી અટકવું નથી. વિચારોના મૌન સુધી જવું છે, અને એટલે વિચાર અનુભવ ત્યાગમાં જે ત્રણ સ્તર આપણે જોઈએ છે એમાં છેલ્લું સ્તર શું છે ! વિચારનો પણ ત્યાગ તમે નિર્વિકલ્પ-નિર્વિચાર બની જાવ.
તો નિર્વિચાર શી રીતે બની શકાય? કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યએ યોગશાસ્ત્રમાં આના માટે આખી ટેકનીક બતાવી છે. સરસ પ્યારો શ્લોક છે ત્યાંનો: “ઔદાસીન્યે નિમગ્ન: પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા, ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” ‘કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ’ આવો સાધક મનને ક્યાંય પણ જોડતો નથી. કેવો સાધક? તો વિશેષણ છે: ભાવિત પરમાનન્દ: જેણે પરમ આનંદનો અનુભવ કર્યો છે, એવો સાધક મનને ક્યાંય બહાર જોડતો નથી. મતલબ એ થયો, કે તમે સ્વયં સંપૂર્ણ તમારી જાતને માનતા નથી ! તમે આનંદ સંપૂર્ણ છો એવું તમે તમારી જાતને માનતા નથી એટલે હું બીજા પાસેથી આનંદ લઇ આવું ! બીજા મને recognize કરે, એટલે હું પૂર્ણ બનું ! આવી એક ભ્રમણા તમારા મન ઉપર સવાર થઇ છે, અને એટલે તમારા મનને તમે બહાર મોકલો છો ! સોસાયટી recognize કરે એટલે તમે સારા ! કેમ બરોબર ને ! શિબિરાર્થીઓને પૂછું છું ! સોસાયટી recognize કરે તો સારા કે દેવ-ગુરુ recognize કરે તો સારા ! કોનું પ્રમાણપત્ર જોઈએ બોલો ! સોસાયટીનું?
ભાવિત પરમાનન્દ: એક બહુ મજાની વાત છે કે પરમ આનંદ શબ્દ કેમ મૂક્યો? આનંદ મૂક્યો હોત તો પણ ચાલી જાત. રતિ જુદી ચીજ છે ! રતિ ને અરતિ જોડાયેલા છે ! એક સિક્કાના બે પાસાં છે ! સુખ-દુઃખ પણ એક સિક્કાના બે પાસાં છે ! હર્ષ અને શોક પણ એક સિક્કાના બે પાસાં છે ! આનંદ જુદી ઘટના છે. સંયોગજન્ય જે છે એ સુખ છે ! રતિ છે ! હર્ષ છે ! અસંયોગજન્ય જે છે, એ તે આનંદ છે ! તો તમારી ભીતરથી જે જન્મે તે આનંદ ! તો તમારા ગુણોને કારણે, તમારા સમભાવને, તમારા આનંદને કારણે એના અનુભવને કારણે તમે એક આનંદની અનુભૂતિમાં આવી ગયા, તમે ક્યાંય તમારા મનને બહાર જોડશો નહિ ! જરૂર જ નથી ને ! હું મારી રૂમમાં બેઠેલો હોઉં, કો’ક આવી જાય, ધર્મલાભ આપી દઉં, વાસક્ષેપ આપી દઉં. પણ કોઈ સાધક હોય એની ઈચ્છા નથી હોતી, કોઈ આવે ! સાધકની ઈચ્છા એ જ હોય કે એકાંતમાં હું જાઉં ! અને એકાંતને જ હું માણું ! ભીડમાં રહેવાની ઈચ્છા હોય જ નહિ ! પણ એકાંત બહુ સિદ્ધ થઇ જાય ! તો ભીડ અને એકાંત પછી એક થઇ જાય ! પણ કોઈ પણ સાધકની ઈચ્છા ન હોય કે બીજો મને મળવા આવે !
પેલા ફિલોસોફરની વાત આવે છે ! ઝાડ નીચે બેઠેલો, ચિંતન કરતો હતો ! કંઈક મજાની અનુભૂતિમાં હતો, ત્યાં એના ગામનો એક ચોવટીયો આવ્યો ! ઓહો આ સાહેબ તો અહીંયા બેઠા છે ! ઝાડ નીચે, ચોવટીયો આવ્યો ત્યાં, શિષ્ટાચાર એવી બલા છે, કે તમારી ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય, તમારે જ ઘસડાવવું પડે ! એની જોડે અડધો, પોણો કલાક નકામી વાતચીતમાં ફિલોસોફરને જોડાવવું પડ્યું. પોણો કલાકે પેલો ઉઠ્યો! એણે કામ હતું એટલે ઉઠ્યો, નહિતર ઉઠે એમ હતો નહી. એને કામ હતું ત્યારે ઉઠ્યો ! ઉઠતાં ઉઠતાં બોલ્યો કે તમે એકલા હતા ને એટલે કંપની આપવા બેઠેલો ! પેલો ફિલોસોફર મનમાં કહે; તેં કંપની તોડાવી ! તેં મારી કંપની તોડાવી ! પ્રભુ સાથે મારી કંપની હતી તે તોડાવી ! અંગ્રેજીમાં સૂત્ર છે: two is the company, three is the crowd. બે જણા હોય એને એ લોકો કંપની કહે છે ! ત્રણ હોય તો ટોળું કહે છે. two is the company, three is the crowd. આપણી ભારતીય સંસ્કૃતિમાં અલગ વાત છે ! one is the company, and two is the crowd. તમે એકલા છો, તો તમારી જાત સાથે કંપનીમાં છો ! પ્રભુ સાથે કંપનીમાં છો! two is the crowd. બીજો આવી ગયો એટલે… શાસ્ત્ર તો કહે છે: the other is hell. બીજો એ જ નરક. બીજાની જરૂર ક્યાં છે?
તો “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” – તો વાત એ આવી, કે આનંદ નામની સંઘટના સાવ અલગ છે. તો ‘ભાવિત આનંદ’ કહેવાની જરૂર હતી, “ભાવિત પરમાનન્દ:” કેમ કીધું ? આ છે ને આપણી એક શબ્દોની નિર્મળતા હોય છે, સુખની જગ્યાએ તમે લોકો આનંદને વાપરવા માંડો તો એ મહાપુરુષોને કહેવું પડે કે ભાઈ! પરમ આનંદ ચાલો ! હકીકતમાં આનંદને કોઈ લેબલ લગાડવાની જરૂર નથી, આનંદ એટલે આનંદ, અને આનંદની વ્યાખ્યા આ; જે અસંયોગજન્ય છે ! જે તમારી ભીતરથી ઉત્પન્ન થાય છે ! બહારથી જે પણ મળે છે એ રતિ, એ સુખ, એ હર્ષ ! એ મનના સ્તર પરની એક સુખની અનુભૂતિ. અસ્તિત્વના સ્તર પરની સુખની અનુભૂતિ કઈ? જે અસંયોગજન્ય છે ! મનગમતી વ્યક્તિ મળી ને સુખની અનુભૂતિ થઇ, એ સુખ, રતિભાવ, હર્ષ આનંદ નહિ, કારણ કે સંયોગજન્ય છે. બોલો તમારી પાસે અસંયોગજન્ય આનંદ ખરો કોઈ? બોલો !
હમણાં મૌનમાં છો ને, તમારી રૂમમાં કદાચ એકલા બેઠેલા હોવ, અને અંદર સરી જાવ, અંદર સરી જાવ તમે, અને જે તમને અનુભૂતિ થાય આનંદની એ સાચી. બહારનું કોઈ પણ પરિબળ તમારી પાસે નથી. Tasty ભોજન ખાધું અને હર્ષ થયો, તો એ મનના સ્તર ઉપર જતો રહેશે, પણ કશાનો સંયોગ નથી, તમે માત્ર ચિંતન મુદ્રામાં કે અનુભૂતિની મુદ્રામાં બેઠા છો, અને અંદરથી તમને કંઈક મળે છે ! એ પરમ આનંદ એ આનંદ.
ઉપાધ્યાય યશોવિજય મહારાજે પહેલા સ્તવનમાં બે ભૂમિકાની ચર્ચા શબ્દમાં અને એક ભૂમિકાની ચર્ચા અશબ્દમાં કરી ! “મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહી આનંદ લાલ રે” એટલે સુખ અને આનંદ બે ઘટનાની વાત શબ્દોમાં કહી. ત્રીજી ઘટના છે સુખાભાસ. એટલે એમને એક બહુ સરસ મજાનો મનોવૈજ્ઞાનિક આયામ આપ્યો. કે સાંસારિક પદાર્થો સાથે કે બહારની વ્યક્તિઓ સાથે તમારું મન જોડાય, અને જે તમને મળે છે એ સુખાભાસ છે. સુખ નહિ, સુખ ક્યારે મળે? ‘મુખ દીઠે સુખ ઉપજે’ તમારી ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય અને તમને જે મળે તે સુખ. તો આનંદ શું? ‘દરિશન અતિહી આનંદ લાલ રે’ વીતરાગતાની ધારામાં તમે ડૂબી જાવ, અને વીતરાગતાની ધારાનો એક આંશિક તમે ઝલક મેળવો એ આનંદ છે. એટલે તમારી ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય એને પણ સુખ નામની સંઘટના કહી મહોપાધ્યાય યશોવિજયજી કહે છે. આનંદ નહિ. “મુખ દીઠે સુખ ઉપજે, દરિશને અતિહી આનંદ લાલ રે” એ દરિશન એટલે કોનું દર્શન? વિતરાગદશાનું દર્શન. એ દર્શન એટલે શેનું દર્શન? પ્રભુની અંદર રહેલ પરમ આનંદનું દર્શન.
એકવાર આ સ્તવના ઉપર હું ભાષ્ય કરતો હતો ! એક ભાવકે મને પૂછ્યું; કે સાહેબ ! ઉપાધ્યાય યશોવિજય મહારાજ કહે છે, “દરિશન અતિહી આનંદ લાલ રે” આપણને પણ આવો આનંદ થાય ને તો આપણે અભિવ્યક્તિ આપતા કહીએ અરે બહુ, બહુ મજાનો આનંદ આવ્યો. તો ઉપાધ્યાયજી ભગવંત એક જ વાર અતિ શબ્દ કેમ વાપર્યો? “દરિશને અતિહી આનંદ લાલ રે”. પ્રશ્ન મજાનો હતો ને… આવો જો અનુભવ થાય ને, તો તો આનંદની કોઈ સીમા ન રહે ! આપણે કહીએ બહુ બહુ બહુ આનંદ થઇ ગયો ! એને બદલે ઉપાધ્યાયજી ભગવંતે એક જ વાર અતિ શબ્દ કેમ વાપર્યો ! મેં એને કહ્યું; કે એ આનંદ એટલી ઉંચી કક્ષાનો છે, કે અતિ શબ્દને ૧૦૦ વખત વાપરીએ ને, તો પણ અંદરના આનંદને વ્યાખ્યાયિત કરી શકાય નહિ. અને એથી શબ્દની અશક્તિ બતાવવા માટે એક જ વાર અતિ શબ્દ ઉપાધ્યાયજી ભગવંતે વાપર્યો છે. તો “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” મનને કયાંય બહાર મુકવાની જરૂર જ ન પડે. હું ઘણીવાર કહું, સાંજના સમયે કોઈ માણસ ધર્મશાળામાં આવે, જમ્યો, ભગવાનની ભક્તિ કરી, ૮ વાગે એની રૂમમાં ગયો! હવે આજની ધર્મશાળાઓ અને રૂમો હોય એ પણ up to date હોય. ટોયલેટ અંદર છે, વોટરબેગ અંદર છે, પંખો અંદર છે, રાત્રે એને જે પણ જોઈએ એ બધું અંદર છે. રાત્રે એ ઓરડી છોડીને બહાર આવવાનો નથી. સવારે ૬-૬.૩૦ વાગે દર્શન કરવા જવું છે, ત્યારે એ રૂમને ખોલશે. પણ જૂના જમાનાની રૂમ હોય ધર્મશાળાની, ત્યાં ટોયલેટ નથી, તો એને વારંવાર કદાચ રૂમ ખોલીને બહાર જવું પડે. સમજી ગયા તમે બરોબર… અંદર નથી તો બહાર જવું પડે. અંદર હોય તો બહાર જવાની જરૂર નહિ. શું છે અંદર બોલો..
આપણને લાગે કે પ્રભુ આનંદના દાતા છે ! એ આનંદના દાતા પ્રભુ મળ્યા અને આપણે હજી રતિભાવની તળેટીમાં, કહો કે તળેટીથી પણ નીચે, આળોટી રહ્યા છે આપણને શરમ ન આવે ! આપણા માલિક કોણ? આપણા પ્રભુ કોણ? આનંદઘન. અનંત આનંદના માલિક. અને એના આપણે સંતાન. આપણી પાસે આનંદ ન હોય તો શું હોય મારે તમને એ પૂછવું છે ! તો નિર્વિચારતા માટેનું આ એક સૂત્ર આપ્યું; “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” જેણે અંદરનો આનંદ માણ્યો છે, એ કયારેય પણ વિચાર કરતો નથી. વિચાર કરવાની જરૂર ક્યારે પડે બોલો… તમારો વિચાર યા તો તમને ભૂતકાળમાં લઇ જાય, યા તો ભવિષ્યકાળમાં લઇ જાય. જે ક્ષણમાં વર્તમાનમાં તમે છો ત્યાં વિચારની જરૂરિયાત ખરી કોઈ? વિચાર આવે બોલો, શેના વિચાર આવે? મેં આમ કર્યું હતું, મેં આમ કર્યું હતું. ભૂતકાળનો વિચાર. હું આમ કરીશ! ભવિષ્યકાળનો… તમે જો વર્તમાનયોગમાં ખરેખર હોવ ને તો આમ પણ વિચારો અપ્રસ્તુત બની જાય છે. તો હવે સવાલ એ રહ્યો; “ભાવિત પરમાનન્દ:” બરોબર પણ એ આનંદ ખરેખર મળે શી રીતે? એના માટે આપણે બે ચરણો આપ્યા, પૂર્વાર્ધમાં, “ઔદાસીન્યે નિમગ્ન: પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા” સાધક ઉદાસીનભાવમાં ડૂબેલો હોય અને એના બધા જ પ્રયત્નો છૂટેલા હોય. થોડાક ઊંડાણમાં આપણે જવું પડશે.
બે વાત કરે છે; સાધક ઉદાસીનભાવમાં ડૂબેલો હોય, અને એના કારણે બધા જ પ્રયત્નો એના છૂટી ગયેલા હોય. આયાસ પૂર્વક, પ્રયત્નપૂર્વક, મહેનત પૂર્વક કશું કરવું નથી. તમારી ફરજ છે એને બજાવો. જે ફરજ છે એ બજાવી લો. કાર્ય થઇ જાય કર્તૃત્વ ન રહે. પ્રયાસ જે શબ્દ છે એનો ભાર કર્તૃત્વ ઉપર છે. કાર્ય ઉપર નથી. પ્રયત્ન છોડી દો ! પ્રયાસ છોડી દો! કોઈ આયાસ નહિ, અનાયાસે બધું થયા કરશે! એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે; ધ્યાન સહજ સમવાયિને ! ધ્યાન સહજ ઘટના છે. તમારું તમારી ભીતર હોવું સહજ ઘટના. તમારું બહાર જવું એ અસહજ ઘટના. છોકરો બહાર ફરતો હોય અને ઘરે પહોંચ્યો ન હોય તો તમે શું કહો! સાલા તારો ટાટીયો ઘરમાં રહેતો નથી. તમે શું કરો છો! તમે ક્યાં રહો છો? ઘરમાં કે પરમાં? ક્યાં રહો છો? ઘરમાં કેટલી વાર? ઘર ક્યાં આવ્યું ખબર જ નથી ને હજી… રહેવાની વાત ક્યાં આવે. આનંદની અનુભૂતિ ક્યારેય થઇ છે! હું તો કહું તમને અનુભૂતિ ન થઇ ત્યાં સુધી વાંધો નહિ, અમારા જેવાની અનુભૂતિ જુઓ તમને ઈર્ષ્યા ન થાય! No doubt તમારા માટે કહું કે તમને અહોભાવ સંતોને જોતા આવે છે, સંતોને જોતા તમને ઈર્ષ્યા ન આવે! સાહેબ શું છે તમારી પાસે આટલો બધો આનંદ, આટલો બધો આનંદ! ક્યાંથી આવ્યો આનંદ ! તો “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” જે પરમ આનંદમાં ડૂબેલો સાધક છે, એ વિચાર કરતો જ નથી. સ્વર્ગમાં-યોગમાં તો છે ને પર્યાયોને જોવાના છે. હવે વિચાર કરવાનું શું રહ્યું? કયો પર્યાય ખુલવાનો એ ક્યાં ખબર છે? જે વખતે જે પર્યાય ખુલશે એને જોઈ લઈશું. હવે વિચારની આવશ્યકતા ક્યાં રહી! ભૂતકાળની જે ઘટના ઘટી એ ઘટી ગઈ. એની જોડે કોઈ વિચાર નથી. ભવિષ્યમાં જે પર્યાય આવશે તે આવશે. જોઈ લઈશું! વર્તમાન એક શુદ્ધ ક્ષણ છે, એમાં ઉદાસીનભાવ પણ નહિ રહે.
તો પરમ આનંદની અનુભૂતિ માટે બે ચરણો છે. ઉદાસીનભાવમાં ડૂબેલો સાધક. આમાં શબ્દ વાપર્યો છે નિમગ્ગ:, મગ્ગ નહિ, નિમગ્ગ: એટલે ઉદાસીનભાવમાં અત્યંત ડૂબેલો. અને એના કારણે “પ્રયત્ન પરિવર્જિત: સતતમાત્મા” જેના પ્રયત્નો છૂટી ગયા, પ્રયાસો છૂટી ગયા, કાર્યમાંથી કર્તૃત્વ જેનું નીકળી ગયું! તો હવે આપણે આ બે ચરણોને બરાબર ખોલવાની જરૂરિયાત રહી. પણ ક્યારે આનંદ જોઈતો હોય તો… જોઈએ છે આનંદ? ઈર્ષ્યા આવે છે આનંદની? કેટલા સંતોને જુઓ છો તમે, કેટલી સાધ્વીજી ભગવતીઓને તમે જુઓ છો! હું ઘણીવાર કહું છું, કે તમે લોકો શાતા પૂછો ને, એટલા પ્રેમથી અને મોઢાના એટલા સ્મિત થી જવાબ મળે, તમને થાય કે સાલું આ તો શાતામાં જ છે, આપણે શાતા પૂછવા આવ્યા કે પુછાવવા આવ્યા! આ તો પરમ શાતામાં ડૂબેલા જ છે. એ જે પરમ આનંદ ભીતરથી આવેલો છે, એ ભીતરનો પરમ આનંદ બે કારણસર આવી શકે છે. એમાં મુખ્ય પરિબળ છે ઉદાસીનભાવમાં અત્યંત રીતે ડૂબી જવું એ. ઉદાસીનભાવમાં અત્યંત ડૂબવું એટલે શું એની આપણે આવતી કાલે.
નિર્વિચાર બનવું છે તો નિર્વિચાર બનવા માટે આપણે practical સાધના કરવી પડશે.
