Maun Dhyan Sadhana Shibir 18 – Vanchan 5

7 Views
9 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject : મંત્રદીક્ષા

મૌન ધ્યાન સાધના શિબિર ૧૮ – શ્રી મણિલક્ષ્મી તીર્થ વાચના

મિત્રા દ્રષ્ટિથી બે મહત્વની યાત્રાઓ શરૂ થાય છે. પહેલી યાત્રા: જીવસૃષ્ટિ સાથેના પ્રેમની, બીજી યાત્રા: સ્વરૂપદશા સાથેના પ્રેમની. પણ આ બંને યાત્રાઓને શરૂ કરાવનાર કોઈ પણ માધ્યમ હોય તો એ માધ્યમ છે: પરમાત્માનો પ્રેમ.

સતત વરસી રહ્યો છે પરમાત્માનો પ્રેમ! પ્રેમ પ્રભુનો સતત વરસી રહ્યો છે અને આપણે કોરા છીએ! વરસાદની ઝડી વરસી રહી છે અને આપણે કોરા છીએ! રેઈનકોટ પહેરેલો છે ને! અહીંયા સદ્ગુરુ ચેતના પોતાનું કાર્ય શરૂ કરે છે.. એક બાજુ પરમાત્માનો પરમપ્રેમ એની વર્ષા, બીજી બાજુ આપણું કોરાપણું.. સદ્ગુરુ આપણને પ્રભુના પ્રેમ સાથે જોડી આપે છે.

પૂજ્યપાદ જંબુવિજયજી મ.સા. આવા એક સદ્ગુરુ હતા, કે જેમની પાસે તમે બેસો અને પરમાત્માના પ્રેમ સાથે તમને એ જોડી આપે. અનંતકાળમાં જે ઘટના ઘટી નહોતી એ આ જન્મમાં ઘટી શકે છે.! સદ્ગુરુ દ્વારા.! પેલી બાજુ પ્રેમની વર્ષા અવિરત ચાલુ છે; બીજી બાજુ આપણું કોરાપણું અનંતકાળથી ચાલુ છે. સદ્ગુરુચેતના આવે છે, અને આપણને પરમાત્માના પ્રેમ સાથે જોડી આપે છે.! આવા સદ્ગુરુ મળી જાય ત્યારે આપણે બીજું કશું કરવાનું હોતું જ નથી; એમના ચરણોમાં આપણે ઝુકી જવાનું હોય છે! એકમાત્ર આપણું ઝૂકવાનું થયું, સદ્ગુરુ ચેતના કાર્યાન્વિત બની.! સદ્ગુરુ પણ વિવશ છે! મેં પહેલા પણ કહેલું; સદ્ગુરુ પણ તમારા પર કામ ક્યારે કરી શકે છે; તમે સમર્પિત હોવ છો ત્યારે. તમારી પાસે સમર્પણ નથી તો ગમે તેવા સક્ષમ સદ્ગુરુના હાથ પણ બંધાયેલા છે. તો આ જન્મમાં આવા સદ્ગુરુ મળી જાય, બસ એમના ચરણો પર માથું ટેકવી દેજો! સંપૂર્ણ તયા સમર્પિત થઇ જજો.!

એ સમર્પણ શું કામ કરે- મુંબઈમાં તમે છો, છાતીમાં દુખાવો ઉપડ્યો, બ્રિજ કેન્ડી જેવી સારામાં સારી હોસ્પિટલમાં તમે ગયા, તમે તમારા રૂમમાં જઈને બેડ પર સૂઈ ગયા, હવેનું જે કામ છે એ હોસ્પિટલના મેનેજમેન્ટે કરવાનું છે. નર્સો આવશે ECG લઇ જશે, નર્સો આવશે દવાઓ તમને આપશે, ટેસ્ટીંગ માટે તમને ક્યાંક લઇ જશે, બધું જ કાર્ય હોસ્પિટલનું તંત્ર ઉપાડી લેશે! કારણ તમે બ્રિજ કેન્ડીમાં દાખલ થયા છો. તમે સદ્ગુરુની હોસ્પિટલમાં દાખલ થયા, then you have not to do anything absolutely.

આજે જેમનો કાળધર્મ થયો, એ આચાર્ય પ્રવર પુંડરીકરત્નસૂરિ મહારાજ પાસે આ સદ્ગુરુ સમર્પણ હતું.! જંબુવિજય મ.સા. જેવા એક સમર્થ સદ્ગુરુના પડછાયા જેવા એ બનીને રહેલા.! એ કહેતાં- પુંડરીકરત્નસૂરીજી, મારી કોઈ સાધના નથી, મારે કશું જ કરવાનું નથી, માત્ર મારા સદ્ગુરુના ચરણોમાં મારે રહેવાનું છે! એ પછીનું કામ સદ્ગુરુ ચેતના કરશે. તો આચાર્યપ્રવરશ્રી ના જીવનમાંથી આ એક ગુણ આપણે લઈએ: સમર્પણનો.! સદ્ગુરુ ચેતના ! બસ ઝુકી જાઓ.!

આપણે ત્યાં ૩ શબ્દો છે: ગુરુ વ્યક્તિ, ગુરુ ચેતના, પરમ ચેતના. કલાપૂર્ણસૂરિ દાદા હતા! આપણી સામે એ ગુરુ વ્યક્તિ રૂપે હતા! એક દેહમાં બિરાજમાન વિરાટ વિભૂતિ.! પણ એ દાદા પોતે ગુરુ ચેતના હતા. આપણી બાજુ આપણને એ ગુરુ વ્યક્તિ રૂપે દેખાય છે, એ પોતે પોતાની ભીતર ગુરુ વ્યક્તિ રૂપે નથી, ગુરુ ચેતના રૂપે છે.! ગુરુ ચેતનાને હું બારી કહું છું. એક બારીની identity શું હોય? લોખંડની ગ્રીલ છે કે સ્ટીલની ગ્રીલ છે એ કોઈ બારીની identity નથી.! બારીની identity તો એ છે કે તમે છતની નીચે છો અને ભીંતોની વચ્ચે છો, ત્યારે અસીમ અવકાશ જોડે તમને જોડી આપે, તે બારી.! કબાટ અને બારી બહારથી સરખા લાગતાં હોય. તમે ખોલો અને ભીંત; તો કબાટ. અને ખોલો ને કાંઈ નહિ; તો બારી. તો સદ્ગુરુ એટલે પરમ ખાલીપન.. પરમ શૂન્યતા.. પરમ રીતાપન..

સદ્ગુરુદેવ એમની ચેતના જે ક્ષણે વિભાવ મુક્ત બની એ વિભાવ મુક્ત અવકાશમાં પરમ ચેતનાનું અવતરણ થયું. સદ્ગુરુને આપણે પ્રભુ કહીએ છીએ, એનું કારણ આ જ છે, સદ્ગુરુના હૃદયમાં કોઈ વ્યક્તિત્વ નથી, કશું જ નથી, એમણે પોતાના હૃદયને totally vacant કર્યું! ખાલી કર્યું.! અને એ ખાલીપનમાં પરમચેતનાનું અવતરણ થયું.!

તો સદ્ગુરુ ચેતના એટલે એવું એક માધ્યમ કે જેની ભીતર પરમ ચેતનાનું અવતરણ થયું છે. અને એટલે જ ક્યારેક ગુરુ ચેતના અને પરમચેતનાને એકાકાર તરીકે કલ્પ્યા છે. પરમ ચેતનાનું કામ ગુરુ ચેતના કરે, ગુરુ ચેતનાનું કામ પરમચેતના કરે.

તો ગુરુ વ્યક્તિ, ગુરુ ચેતના, અને પરમ ચેતના.

આપણે ગુરુ વ્યક્તિને પામીને, ગુરુ ચેતનાને પામીને પરમચેતનામાં ડૂબવાનું છે. આ જન્મનું આપણું અવતારકૃત્ય માત્ર એક છે: અને એ છે, પ્રભુના પ્રેમનો સ્પર્શ.! એકવાર એ પ્રભુના પ્રેમનો સ્પર્શ તમને મળી ગયો, બીજું બધું છું થઇ જશે.! અનંત જન્મોથી જડ સૃષ્ટિ પ્રત્યે રાગ કર્યો છે. વ્યક્તિઓ પ્રત્યે રાગ કર્યો છે. પણ જે ક્ષણે પરમચેતનાનો સ્પર્શ થયો, પરમાત્માના પ્રેમનો સ્પર્શ થયો; અનંતા જન્મોનો રાગ એક જ ક્ષણમાં ખતમ થઇ જાય છે.! આ પ્રેમની તાકાત..! પ્રભુનો પ્રેમ શું કરે એમ નહિ, શું ન કરે?! એટલે જ ભક્તો કહેતાં હોય છે કે પ્રભુ! તે મારું બધું જ છીનવી લીધું.! તે મારું બધું છીનવી જ છીનવી લીધું, પણ મને વાંધો નથી; મારે એક તું જોઈએ છે.!

પરમ પ્રેમની વાતો મેં ઘૂંટી! તમને ગમી હશે! પણ અહીંથી નીકળ્યા પછી એ જ જૂની દુનિયામાં તમે પહોંચી જવાના.! પરમ પ્રેમની ઝંખના પણ ક્યારે થાય- અલપ-ઝલપ એકવાર એ સ્પર્શ મળી ગયેલો હોય, એક અદ્ભુત અનુભૂતિ.! માનવિજય મ.સા. એ અનુભૂતિને શબ્દોમાં મૂકી- “કહીએ અણચાખ્યો પણ, અનુભવ રસનો ટાણો મિલિયો” અગણિત જન્મોની અંદર જે આસ્વાદ મને નથી મળ્યો, એ પરમ રસનો આસ્વાદ પ્રભુએ આ જન્મમાં મને આપ્યો. “પ્રભુની મ્હેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ માણ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો” પભુની કૃપા; એનો પ્રેમ મળી ગયો.! એનો પ્રેમ, પણ એ આપે.! મારી તાકાત નથી, તમારી તાકાત નથી કે એ પ્રેમને તમે મેળવી શકો. પણ, એ તમને પ્રાપ્ત કરે છે અને એ તમને પસંદ કરે, એ કૃપાનો ધોધ વરસાવે ત્યારે પરમ પ્રેમનો સ્પર્શ આપણને થાય.!

ઉપનિષદો એ આ જ વાત લખી કે તમારા કોઈ પ્રયત્નોથી તમને આ પરમ પ્રેમ મળવાનો નથી. તો પૂછ્યું કે કોને મળે? જવાબ આપ્યો: “यमेव एष: वृणुते तेन लभ्य:” “यमेव एष: वृणुते तेन लभ्य:” પ્રભુ પોતાના પ્રેમને ઝીલવા માટે જેને યોગ્ય માને છે, એને પ્રેમ આપે છે.! આ જન્મમાં તમે એક જ નક્કી કરો; કે પરમ પ્રેમ જોઈએ જ..! સદ્ગુરુ તૈયાર છે.. અમે તમે પરમાત્માના પરમ પ્રેમ સાથે જોડી આપશું. એના માટે આપણે ત્યાં બધી વિધિઓ છે.

ત્રણ જાતની દીક્ષા આપણે ત્યાં છે. મંત્ર દીક્ષા, સાધના દીક્ષા, જીવનવ્યાપિની દીક્ષા.

તમે ઉપધાન કર્યા ૧૮ દિવસના, તમને નમસ્કાર મહામંત્ર મળ્યો; એ મંત્ર દીક્ષા થઇ. મંત્ર શાસ્ત્રોમાં એક ક્ષણની વાત આવે છે, જે ક્ષણે ગુરુ મંત્ર દીક્ષા આપે છે, એ જ વખતે એક વિસ્ફોટ થાય છે અને સીધા જ એ શબ્દો આજ્ઞાચક્રને પણ ભેદીને સહસ્રાર સુધી પહોંચી જાય છે. તો ઉપધાન તમે નથી કર્યા, તો પણ આજે તમને વિધિપૂર્વક નમસ્કાર મહામંત્ર આપવો છે. એટલે આજે તમારો મંત્ર દીક્ષાનો દિવસ.

બીજી સાધના દીક્ષા. તમારે સ્વાધ્યાયની ધારામાં જવાનું, ભક્તિની ધારામાં જવાનું, વૈયાવચ્ચની ધારામાં જવાનું, કોણ નક્કી કરે? સદ્ગુરુ નક્કી કરે. અને એ સદ્ગુરુ તમને એ રીતની સાધના આપે, એ સાધના દીક્ષા કહેવાય.

ઘણીવાર હું કહું છું કે ચાર જન્મથી એક સાધક સદ્ગુરુ પાસેથી સાધના દીક્ષા લેતો આવ્યો હોય, અને ચારે ચાર જન્મોમાં એને વૈયાવચ્ચની સાધના મળેલી હોય, પાંચમાં જન્મે એ મારી પાસે આવ્યો, હું એની જન્માન્તરીય ધારાનું આકલન ન કરી શકું, અને એને ભક્તિની ધારામાં કે સ્વાધ્યાયની ધારામાં જોડું તો ગુરુ તરીકે હું સંપૂર્ણતયા નિષ્ફળ થયેલો માણસ છું.! Any how? મારે નક્કી કરવું પડે કે એની જન્માન્તરીય ધારા કઈ છે? અને એની જે જન્માન્તરીય ધારા હોય એમાં જ મારે એને મુકવાનો હોય છે. આ સાધના દીક્ષા છે. અને એ પછી પ્રભુ તમને select કરે! અને સદ્ગુરુ રજોહરણ આપે ત્યારે જીવનવ્યાપિની દીક્ષા! તો આજે આપણે મંત્ર દીક્ષા તમને આપવાની છે એના માટેની વિધિ શરૂ કરીએ. 

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *