Maun Dhyan Sadhana Shibir 08 – Vachana – 4

1 View
36 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

Subject: औदासीन्यनिमग्न:

તમને જે ક્ષણે આનંદ મળશે સાધનામાં, પ્રભુના દર્શનમાં, વૈયાવચ્ચમાં – એ ક્ષણે વિચારો ત્યાં રહેવાના નથી. કારણ? હૃદય આનંદની ક્ષણોમાં હશે અને મન એ વખતે સુષુપ્ત હશે. આ યાદ રાખો: હૃદય, અસ્તિત્વ આનંદની ક્ષણોમાં હોય અથવા પીડાની ક્ષણોમાં હોય, એ વખતે વિચારો સ્તબ્ધ થઈ જતા હોય છે.

હૃદયમાં કોઈ ભાવાનુભૂતિ નથી, ત્યારે મન દોડ્યા કરતું હોય છે. પણ જો હૃદય આનંદથી સભર બની ગયું, તો મનનું પ્રયોજન ત્યાં છે જ નહિ. એટલે વિચાર કોણ કરે? જેને આનંદ નથી મળ્યો, એ. સમજી ગયા બરોબર?!

એ આનંદ મેળવવા માટેની સાધના આપી: औदासीन्यनिमग्न:. નદી વહેતી હોય અને કોઈ કિનારા ઉપર, દૂર ઊંચી ભેખડ ઉપર બેસી જાય અને નદીને જોયા કરે; નદીના પાણીની અસર એના પર નથી. એ જ રીતે રાગ-દ્વેષ-અહંકાર વગેરેને જે માત્ર જોઈ રહ્યો છે – એ ઉદાસીન. રાગ-દ્વેષ-અહંકારના ઉદય સમયે તમે માત્ર દ્રષ્ટાની ભૂમિકામાં હોવ.

મૌન ધ્યાન સાધના શિબિર ૦૮ શ્રી શત્રુંજય મહાતીર્થ વાચના –

દેવાધિદેવ પરમતારક શત્રુંજય તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુના ચરણોમાં વંદના.

સદ્ગુરુદેવ પૂજ્યપાદ અરવિંદસૂરી દાદાના ચરણોમાં વંદના.

સ્વાનુભૂતિ માટે સાક્ષીભાવ અને સમર્પિતતા બેય અનિવાર્ય રૂપે આવશ્યક છે. એમ પૂજ્યપાદ દેવચંદ્રજી મ.સા. પરમતારક સુવિધિનાથ પ્રભુના સ્તવનમાં કહે છે. સાક્ષીભાવના પાંચ ચરણો છે. પહેલું ચરણ પુદ્ગલ અનુભવ ત્યાગ, અને એમાં આપણે જોતા હતા કે વિચાર પણ પુદ્ગલ છે. તો એના પણ અનુભવનો ત્યાગ થવો જોઈએ. કોક વિચાર અશુભ ક્યારેક આવી ગયો, જોવાઈ ગયો ! એની અસર તમારી ઉપર ન થાય!  એટલે વિચાર દ્રશ્ય કોટિમાં જાય, તમે દ્રષ્ટાની કોટિમાં જાઓ ! અને આ પ્રક્રિયા જો ઊંડાણથી તમે કરી શકો તો વિચારમુક્તિ તમારા માટે દૂરની ઘટના નથી. આપણી તો પરંપરા જ રહી છે. વિકલ્પમુક્તિની, વિચારમુક્તિની.

પહેલા મેં કહેલું, ઈર્યાસમિતિનું પાલન તમે કરો. નિર્વિકલ્પ દશા કેટલી ઘૂંટાય બોલો તો? તમે પણ ૯૯ યાત્રા ક્યારેક કરો. રોજ ગિરિરાજની બે કે ત્રણ યાત્રા તમે કરો. અને એ ઈર્યાસમિતિ પૂર્વક કરો તો નિર્વિકલ્પદશા આવી જાય. એ વખતે ઈર્યાસમિતિનું પાલન જો કરવું છે તો માળા તમે ગણી શકો નહિ, વાતચીત તો કોઈની જોડે ન જ કરી શકો, શુભ વિચાર પણ તમારે એ વખતે કરવાના નથી. શુભ વિચાર એ પણ સ્વાધ્યાય છે, અનુપ્રેક્ષા રૂપ. અને શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું; પાંચેય પ્રકારના સ્વાધ્યાયને છોડીને ઈર્યાપૂર્વક જવું એ ઈર્યાસમિતિ છે, તો ઈર્યાસમિતિ આવી જાય. નિર્વિકલ્પદશા આવી ગઈ. બીજી એક મજાની સામાચારી છે, તથાકાર સામાચારી. તમારા માટે પણ છે, અમારા માટે પણ છે ! તથાકાર સામાચારી.

ગીતાર્થ ગુરુએ જે પણ આજ્ઞા આપી, એનો સ્વીકાર, અને નિર્વિકલ્પ સ્વીકાર. ગીતાર્થ ગુરુ જ્યારે તમને આજ્ઞા આપે ત્યારે એનો તમારે નિર્વિકલ્પ સ્વીકાર કરવાનો છે. જો વિકલ્પ આવી ગયો, વચ્ચે વિચાર આવી ગયો, તમે આજ્ઞાના પાલક તરીકે રહેતા નથી, તથાકાર સામાચારી તમારી પાસે રહેતી નથી.

શાસ્ત્રમાં એક ઘટના આવે છે. સવારે શિષ્યો વંદન માટે આવેલા રોજના પ્રમાણે ગુરુએ પુરિમડ્ઢં એકાસણાનું પચ્ચક્ખાણ આપ્યું. એ પછી આઠ-સાડા આઠ, નવ વાગે સમાચાર આવ્યા કે સાત-આઠ ગાઉ દૂર એક ગામમાં મહારાજ સાહેબ છે અને ત્યાં સેવાની અત્યંત જરૂરિયાત છે, એ બીમાર એકદમ પડી ગયા છે. બીજું કોઈ સેવા કરી શકે એવું છે નહિ. એ વખતે ગુરુદેવ બે શિષ્યોને બોલાવે છે અને કહે છે કે પોરિસિંનો ટાઇમ થઈ ગયો છે. પોરિસિં પચ્ચક્ખાણ પારી-વાપરી તમે અહીંથી ચાલ્યા જાઓ. તમારે આ ગામ જવાનું છે. રસ્તો એટલો લાંબો હતો, અને વચ્ચે જંગલ હતું. કે પુરિમડ્ઢં એકાસણું કરીને એ બે જણા જાય ને, તો રાત સુધી પહોંચે નહિ. અંધારું થઈ જાય, અને અંધારું થાય એ પાલવે નહિ અને જંગલનો મામલો હતો. તો ગુરુ કહે છે પોરિસિએ પચ્ચક્ખાણ પારી વાપરી તમે બે નીકળી જાઓ. આપણે હોય તો શું કરીએ? કદાચ ગુરુની જવાની આજ્ઞાને સ્વીકારી પણ લઈએ. સાહેબજી, મને તો ઉપવાસ સાથે આવું ચાલવાની ટેવ છે. મારું પુરિમડ્ઢં નું એકાસણું શા માટે તોડાવો છો? એકસણાના બદલે ઉપવાસનું પચ્ચક્ખાણ મને આપી દો. હું અત્યારે જ જતો રહું. અમે બે જણા અત્યારે વિહાર કરીને જતા રહીએ. નહિ તમારે ઉપવાસ કરવો કે નહિ કરવો ગુરુ નક્કી કરે. તમે કેવી રીતે નક્કી કરો? એ બંને શિષ્યો એ વખતે પોરિસિએ પચ્ચક્ખાણ પારી અને વાપરીને ગુરુની આજ્ઞા પ્રમાણે નીકળી જાય છે. મારી અને તમારી સાધના આટલી  સફળ કેમ ન થઈ? મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? કારણ એક જ છે, સદ્ગુરુનું આજ્ઞાપાલન આપણી પાસે હતું નહિ.

એક વાત સ્પષ્ટ યાદ રાખો. સદ્ગુરુના સાનિધ્ય વિના સાધના જેવું કંઇ છે જ નહિ. સાધના એ જ, જે સદ્ગુરુ તમને આપે. તમારી પાસે સદ્ગુરુનું સાનિધ્ય નથી ! સદ્ગુરુની નિશ્રા નથી અને સદ્ગુરુની આજ્ઞાંકારિતા નથી તો તમારી પાસે સાધના કઈ? એટલે હું પણ અગણિત કાળથી સાધના કરતો આવ્યો. મારો મોક્ષ કેમ ન થયો. મને સ્પષ્ટ લાગે છે સદ્ગુરુના ચરણોમાં હું ઝુકી ન શક્યો, સદ્ગુરુએ આપેલી સાધનાને હું સ્વીકારી ન શક્યો, માટે મારો સંસાર ચાલ્યો. તો તથાકાર સામાચારી તમને નિર્વિકલ્પ બનાવી દે ! શ્રાવક અને શ્રાવિકા વર્ગ માટે પણ સાધનાના સંદર્ભમાં તો સદ્ગુરુ આજ્ઞા એ જ મહત્વની છે. ચાર કલાક સાધના કરવી છે કે સાત કલાક સાધના કરવી છે, સાધના કઈ રીતે કરવી! કેવી રીતે કરવી ! આ બધું સદ્ગુરુ તમને નક્કી કરી આપશે ! તમારી ઈચ્છાને સાધનામાર્ગમાં કોઈ અવકાશ નથી.

ઝેન આશ્રમમાં તો શરૂઆતમાં તક્તી લગાવે છે એ લોકો. ‘NO MIND PLEASE’. તમારી બુદ્ધિને લઈને, તમારી ઈચ્છાને લઈને અહિયાં આવતા નહિ. ‘NO MIND PLEASE’. સાધનામાર્ગમાં ન તો કોઈ તમારી બુદ્ધિનું પ્રયોજન છે, ન તો તમારી ઈચ્છાનું કોઈ પ્રયોજન છે. ડોક્ટર પાસે તમે ગયા. ડોક્ટરને સલાહ આપશો? સાહેબ આના બદલે આ દવા લો તો કેવું સારું મારા માટે ! અથવા ઈચ્છા વ્યક્ત કરશો કે સાહેબ મારી ઈચ્છા તો ઇન્જેક્શનના કોર્સને કરવાની છે. મારે દવા લેવી નથી, ઓપરેશન પણ કરાવવું નથી. મારે તો માત્ર ઇન્જેક્શનનો કોર્સ ત્રણ દિવસનો લેવો છે. આવી ઈચ્છા વ્યક્ત કરશો? ના બુદ્ધિ ચાલે ત્યાં તમારી, ના ઈચ્છા ચાલે તમારી. ત્યાં તમે  MINDLESS – CHOICELESS થઈ જાઓ છો. અહીં કેમ થઈ શકતા નથી? ત્યાં તમારે નિરોગી થવું છે, આ લક્ષ્યાંક છે તમારી પાસે. અહિયાં કોઈ લક્ષ્યાંક નથી. તમારી બધાની સાધનાને લક્ષ્યાંક મળ્યું છે બોલો તો !

પચાસ વરસના સંયમીજીવનની ઉજવણી કદાચ શિષ્યાઓ કરે કે શિષ્યો કરે ગુરુની આંખમાં આંસુ હોય અને એ વખતે ગુરુ બોલી શકે કે તમે પચાસ વરસના સંયમીજીવનની મારી ઉજવણી કરો છો. એક વરસનો નિશ્ચય સંયમ પર્યાય મારી પાસે નથી. આ તો ખાલી વ્યવહાર સંયમ પર્યાયની વાત છે. નિશ્ચય સંયમ પર્યાય ક્યાં છે મારી પાસે? એક વરસનો પણ નિશ્ચય સંયમપર્યાય મારી પાસે નથી.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે પંચવિંશતિકામાં કહ્યું: એક વરસનો નિશ્ચય દીક્ષા પર્યાય થાય ત્યારે શું થાય? “જાગ્રત્યાત્મનિ તે નિત્યં, બહિર્ભાવેષું શેરતે, ઉદાસતે પરદ્રવ્યે, લીયન્તે સ્વગુણામૃતે:” એક વરસનો અમારો નિશ્ચય દીક્ષાપર્યાય થાય તો અમે સતત આત્મભાવમાં જાગૃત હોઈએ. પરભાવને વિશે અમે સંપૂર્ણતયા સુષુપ્ત હોઈએ, અને પરદ્રવ્યોને વિશે અમે ઉદાસીન હોઈએ. ‘પરભાવ’, એમાં તો જવાનું જ નથી. પરદ્રવ્યોનો ઉપયોગ તમે કરી શકો છો, વસ્ત્રો તમે વાપરી શકો છો, ભોજન તમે લઇ શકો છો, પણ એમાં રાગદ્વેષ આવે તો પરભાવ આવી ગયો. પરભાવમાં સુષુપ્તિ, પરદ્રવ્યમાં ઉદાસીનદશા અને પછી સ્વગુણોની ધારામાં પ્રવાહિતતા.

એક વરસના નિશ્ચય દીક્ષાપર્યાયે આટલું મળી શકે છે. મારા શિષ્યો કદાચ ઈચ્છા કરે તો હું તો ના જ પાડી દઉં, કે ભાઈ યશોવિજયનો નિશ્ચય દીક્ષાપર્યાય એક દિવસનો પણ નથી. ને ૬૦ વરસની- ૬૨ વરસની ઉજવણી જે છે નકામી જ છે, તો તથાકાર સામાચારી આપણી પાસે ના આવી, બાકી પ્રભુએ આપેલી સાધના પણ આપણા માટે એટલી કાર્યકર ન રહી.

મેં પહેલા પણ કહેલું, ડોકટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા પણ તમે તમારી રીતે એને લઇ શકતા નથી, અને એટલે જ ચોથા સ્તવનના પ્રારંભમાં દેવચંદ્રજી મહારાજે કહ્યું: “ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ-રીત”. બે શબ્દો વાપર્યા છે. અભિનંદન રસ રીત. પરમનો રસ, પરમની રીત. જવાબ એ છે કે પરમનો રસ, પરમની રીતે જ મળી શકે, અને પરમની રીત કઈ ! એ સદ્ગુરુ જ તમને જણાવી શકે. તમારી બુદ્ધિ દ્વારા તમે એને જાણી શકો નહિ. પરમરસ તમારે પીવો છે. તમારી રીતે પીવો છે? કે પરમની રીતે પીવો છે? આનંદઘનજી ભગવંતે સ્પષ્ટ કહ્યું કે: ‘સગરા હોય સો ભર-ભર પીવે, નગરા જાય પ્યાસા’. બહુ સ્પષ્ટ વાત એમણે કરી નાંખી. “સગરા હોય સો ભર-ભર પીવે, નગરા જાય પ્યાસા”

આપણી ભારતીય સંસ્કૃતિના આ બે બહુ મજાના શબ્દો: સગરો-નગરો. જેના માથે ગુરુ છે, જે ગુરુના આધિપત્ય નીચે પોતાનું જીવન ગુજારવા તૈયાર થયો છે એ ‘સગરો’, અને જેના માથે ગુરુ નથી એ ‘નગરો’. તો શું કહે છે, સગરા હોય સો ભર-ભર પીવે ! તમે સગરા બની ગયા ! સદ્ગુરુ તમારી માથે છે, સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે તમારે જીવવું છે ! તો પરમરસના પ્યાલા ના પ્યાલા તમને પીવા મળશે ! નગરા જાય પ્યાસા, તમે નગરા છો તો તરસ્યા જ રહેવાનું છે ! અનંત જન્મોથી આપણે તરસ્યા રહ્યા છીએ, કાંઠે આવીને તરસ્યા રહ્યા છીએ. પ્રભુની સાધનામાર્ગમાં બહારથી પ્રવેશ મળ્યો ! ભીતરથી પ્રવેશ ન મળ્યો, માટે કાંઠે આવ્યા તરસ્યા રહીએ છીએ. આ જન્મમાં શું કરવું છે બોલો? શું કરવું છે? અનંતા જન્મોમાં જે થયું એનું રિપીટેશન આ જન્મમાં કરવું છે?  માત્ર સગરા બની જવાનું. પછી પરમરસના પ્યાલાને પ્યાલા તમને પીવડાવવા એ સદ્ગુરુની જવાબદારી છે. ‘U HAVE NOT TO DO ANYTHING ABSULUTELY’. તમારે કાંઈ જ કરવું નથી. બધું સદ્ગુરુ જ કરશે. પણ સદ્ગુરુ સમર્પિતતા તમારી પાસે જોઇશે.

અમારી પરંપરામાં એક મજાની વાત આવે. બપોરે ત્રણ વાગે શિષ્ય ગુરુની પાસે જાય છે, પાણી વપરાવવા માટે. ગુરુઓ એવા હતા! જેમને દેહનું ભાન ન હતું, વાપરવાનો પણ ખ્યાલ ન હોય અને પાણી પીવાનો પણ ખ્યાલ ન હોય. શિષ્યો એ ખ્યાલ રાખતા. એવા ગુરુઓ હતા. બપોરે ત્રણ વાગે શિષ્ય એ ગુરુને પાણી પીવા આપવા માટે જાય છે. પાત્રીમાં પાણી ભર્યું! હાથમાં લુંણું છે! ગુરુ પાસે ગયો! સાહેબજી પાણી વાપરો! ગુરુએ પાણી વાપર્યું. શિષ્યએ લુંણાથી એને લૂંછી પણ નાંખ્યું પાત્ર, અને એને પહોળું કરીને સૂકવી નાંખ્યું. એ વખતે ગુરુ કહે છે. કેવું અંધારું છે! બપોરના ત્રણ વાગે ગુરુ કહે છે કેવું અંધારું છે! મેઘથી ઢંકાયેલો દિવસ નથી, વાદળાવાળો દિવસ નથી. સૂરજ પ્રકાશિત છે, ઉપાશ્રયમાં અજવાળું પણ બરોબર છે. અને ગુરુ કહે છે કેવું અંધારું છે. શિષ્ય કહે તહત્તિ ગુરુદેવ! તમે હોય તો શું કરો? સાહેબજી EYE SPECIALIST ને બોલાવી લાવું! આપની આંખે કંઇ ઝાંખપ થઈ ગઈ લાગે છે. તમે હોવ તો શું કરો? એ શિષ્ય એ તહત્તિ કરી-તહત્તિ ગુરુદેવ, અને એ વખતે ગુરુએ કહ્યું, કેવું અજ્ઞાનનું અંધારું આપણી પાસે છે! પ્રભુ પૂરા લોકને ઉદ્યોતીત કરનારા અને આપણા હૃદયમાં એ પ્રભુના વચનોના પ્રકાશ પહોંચતો નથી.

લોગસ્સ તો રોજ બોલો છો ને તમે? લોગસ્સ તો રોજ બોલો છો ને? ‘લોગસ્સ ઉજ્જોઅગરે’. ક્યારેક અટકો ત્યાં? એક વેદનાની ટીસ ઉપડે? મારા પ્રભુ કેવા? લોગસ્સ ઉજ્જોઅ ગરે. પૂરા લોકને પ્રકાશિત કરનારા, તો પૂરા લોકને પ્રકાશિત કરનારા મારા પ્રભુ, મારા ઘરમાં અંધારું કેમ ચાલે? શું કારણ? આળસુ માણસ હોય ને સવારે નવ વાગે જાગે શિયાળામાં. બારી-બારણાં લાકડાનાં હોય, બધા બંધ હોય. નવ વાગે ઉઠે, ઘડિયાળ જુવે નહિ. બાજુવાળાને પૂછે છે, સૂરજ ઉગી ગયો? અલ્યા સૂરજ તો ક્યારનોય ઉગ્યો! મારા રૂમમાં તો પ્રકાશ આવતો નથી, ક્યાંથી આવે પણ? તે બારી બારણાં બધા બંધ રાખ્યાં છે. ‘લોગસ્સ ઉજ્જોઅગરે’ બોલતા આવી કોઈ વેદનાની ટીસ ઉપડી? કે પ્રભુ પૂરા લોકને ઉદ્યોતીત કરી રહ્યા છે, પ્રકાશિત કરી રહયા છે. મારા હૃદયમાં અંધારું કેમ? કયા બારી-બારણાં વસાયેલા છે? શબ્દજ્ઞાન તમારી પાસે છે, માહિતી જ્ઞાન તમારી પાસે છે, પરિણતિ જ્ઞાન ક્યાં છે? જ્યાં સુધી પરિણતિ જ્ઞાન નથી, ત્યાં સુધી પ્રભુના આ શબ્દો પ્રકાશ રૂપે આપણી ભીતર નહિ આવી શકે.

સમાધિશતક વાંચતો હતો. એક બહુ  સરસ શબ્દ આવ્યો. હું તો અટકી જ ગયો. એ શબ્દ હતો: ‘શબ્દાંધકાર’. શબ્દાંઘકાર. હું તો વિચારમાં પડી ગયો. પ્રભુના શબ્દો હોય! સદ્ગુરુના શબ્દોમાં તો પ્રકાશ હોય! શબ્દને અંધકારરૂપ કેમ કહ્યો? પછી સ્પષ્ટતા થઈ; કે પ્રભુના શબ્દો પ્રકાશરૂપ, સદ્ગુરુના શબ્દો પ્રકાશરૂપ, પણ તમારી ભીતર આવ્યા ક્યારે?

બુદ્ધના જીવનની એક સરસ ઘટના તમને કહું! બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું! દેવો આવ્યા! દેવોએ કહ્યું: તમે ઉપદેશ આપવાનું શરૂ કરો! બુદ્ધે ના પાડી! બુદ્ધ કહે છે;  બોલવાનો શો અર્થ છે? બુદ્ધે એક અગાઢય તર્ક આપ્યો છે. બુદ્ધ કહે છે; જે લોકો પામી ગયા છે એ પામી ગયા છે એમને કોઈ મારા શબ્દોની જરૂરિયાત નથી. અને જે લોકો નથી પામ્યા, અજ્ઞાનની ખીણમાં બેઠેલા છે. એમના સુધી મારા શબ્દના પ્રકાશના કિરણો જવાના નથી, આ આપણી દશા છે. કેટલાય સદ્ગુરુઓને સાંભળ્યા. પ્રકાશ કેટલો મળ્યો? તમે કેટલું ચાલ્યા પ્રભુની દિશામાં? હતા ત્યાં ને ત્યાં જ છો. તો બુદ્ધ કહે છે; જે લોકો પામી ગયા છે એ પામી ગયા છે. એમને કોઈ મારા શબ્દોની જરૂરિયાત નથી, અને જે લોકો અંધારી ખીણમાં છે અજ્ઞાનની. એ લોકો ત્યા જ સબડતા રહેવાના છે. મારા શબ્દના પ્રકાશના કિરણો ત્યાં સુધી પહોંચવાના નથી. અદ્ભુત્ત વાત. આપણા માટેની વાત. ગમે એટલા જ્ઞાની ગુરુ હશે. જ્ઞાનની વાતો કરશે. તમે શું પકડવાના? તમે પકડવાના શું? ગુરુ મહારાજે આ વાત બહુ સરસ કીધી હો, હું પણ આમ જ માનતો હતો. એટલે તારી વાતને તારે સફળ કરવા માટે ગુરુના વચનોનો આશ્રય શોધે છે ! એટલે ૧૦૦ વાત કીધી એ નહી ગમી. અને એક વાત ગમી ગઈ. કેમ? હું પોતે આવું માનતો હતો. તો તારી માન્યતાને પુષ્ટ કરવા માટે ગુરુના વચનો કે તારી અનાદિની માન્યતાઓને તોડવા માટે ગુરુના વચનો?

એ વખતે દેવોએ પણ સામે કહ્યું; કે તમારી વાત સાચી છે! પણ જે લોકો કરીબ-કરીબ તરી ચુક્યા છે, કિનારા સુધી આવી ગયા છે. અને વિમાસણમાં પડે છે. સાચું શું? એવા વખતે તમારા વચનો એમના માટે પ્રકાશરૂપ થઈ શકશે, અને પછી બુદ્ધે બોલવાનું સ્વીકાર કર્યું, કિનારે પહોંચેલો માણસ પણ ડૂબી શકે છે.

ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમસ્વામીને આ જ વાત કરી. ‘તિણ્ણો હુ સિ અણ્ણવં મહં, કિં પુણ ચિટ્ઠસિ તીરમાગઓ’ ‘તિણ્ણો હુ સિ અણ્ણવં મહં, કિં પુણ ચિટ્ઠસિ તીરમાગઓ’ ગૌતમ! તું દરિયાને લગભગ તરી ચુક્યો છે, કાંઠે આવ્યો ડૂબવાની વાત કેમ કરે છે? આપણી બધાની વાત કરું તો, આપણે કાંઠે આવીને ડૂબનારા માણસ તો નથી ને! આપણે જોવું પડશે. એક સાધુ કે એક સાધ્વીજી એણે જે છોડ્યું છે એને આપણે નગણ્ય કહી શકીએ? સંસાર છોડવો! ઉપકારી માતાપિતાના સ્નેહને છોડવો! ભાઈ-બહેનના સ્નેહને છોડી દેવો! આ બધું જ છોડી દેવું સહેલું નથી. પ્રભુના પ્યારા વચનો ગમે તો જ આ બધું છૂટે. એટલે કદાચ એક સાધુએ કે એક સાધ્વીએ દીક્ષા લેતી વખતે ૯૫% સંસાર છોડ્યો! માની શકીએ! કોઈ વાંધો નથી! પણ 5% માં આપણે નાપાસ થઈએ છીએ. આટલું બધું છોડ્યું! થોડું બાકી છે એ છોડી નાંખો. એના માટેની પંચસુત્રની રીત જે મેં પહેલા તમને બતાવી હતી એ જ છે. અભિવ્રજ્યા પછી પ્રવજ્યા. પહેલા અભિવ્રજ્યા નહિ હોય તો તમારો ત્યાગ જે છે ને એ કદાચ વ્યવસ્થિત ત્યાગ નહિ પણ હોય. અભિવ્રજ્યા, પરમાત્માનો પરમ સંમોહન, એના વિના એક ક્ષણ રહેવાય નહિ. એની આજ્ઞા વિના એક ક્ષણ રહેવાય નહિ, એની આજ્ઞા એ જ મારું જીવન. ઓક્સિજન વિના હજુ રહી શકાય. તમને પ્રાણાયામનો અનુભવ હોય તો ઓક્સિજન વિના ૫-૧૦ મિનીટ રહી શકો. એક સેકન્ડ પ્રભુની આજ્ઞા વિના હું ન રહી શકું. આવી અભિવ્રજ્યા જ્યારે  આવે ત્યારે બધું જ છૂટી જવાનું. આજ્ઞા વિરુદ્ધનું શું રહેવાનું? અજ્ઞાનને કારણે ૯૫% છૂટ્યા પછી જે ૫% રહી જાય છે, એના કારણે આપણો સંસાર પાછો આગળ ને આગળ લંબાતો જાય  છે. ૫% છોડી દીધું કે બાકી છે?

ભગવાને છે ને આ સંદર્ભમાં બે મજાના statements આપ્યા છે. એક statement દશવૈકાલિક સૂત્રની હરીભદ્ર ટીકામાં છે. ‘સર્વ જીવ સ્નેહ પરિણામ: સાધુત્વ’. સાધુત્વ એટલે શું? સર્વ પ્રાણીઓ પ્રત્યેનો સ્નેહનો પરિણામ. બધા પ્રત્યેનો મૈત્રીભાવનો પરિણામ. એ જ પ્રભુ ઉત્તરાધ્યયન સુત્રના ૧૫માં અધ્યયનમાં કહે છે; મારો સાધુ કેવો હોય! ‘અશીપ્જીવી અવિહે અમિત્તે’. અમિત્તે, એનો કોઈ મિત્ર હોય જ નહિ. એકબાજુ શું કહ્યું? બધાની સાથે મૈત્રીભાવવાળો મારો સાધુ હોય અને એ જ પ્રભુ કહે છે અમિત્તે. મારા સાધુને – મારી સાધ્વીને કોઈ મિત્ર હોય જ નહિ. કેટલી સરસ વાત નીકળે છે: સ્વાર્થાધારી, રાગાધારી મિત્રતા એક સાધુને- એક સાધ્વીને ક્યારેય પણ ન હોઈ શકે. પણ સર્વ જીવોમાં સિદ્ધત્વ રહેલું છે એ સિદ્ધત્વનો સ્વીકાર કરીને એના ગુણો જોડે ગુણાનુરાગના સ્તર ઉપર તમે મૈત્રી કરી શકો છો. ગુણોના સ્તર ઉપર મૈત્રી કરો, સ્વાર્થાધારી કે રાગાધારી મૈત્રી નહિ ચાલે. એક વાર અભિવ્રજ્યા આવશે ને, તો પ્રભુનું એક-એક વચન, ઓહો મારા પ્રભુના વચન છે. મારા પ્રભુ કહે છે: એક પણ મિત્ર મારે હોવો ન જોઈએ. રાગાધારી, સ્વાર્થાધારી મિત્રતા મારે હોય જ નહિ. ચાલો, આજથી છોડ્યું. મારા ભગવાન કહે છે કે તારી એક પણ ક્ષણ મારી આજ્ઞા વગરની કે તારા ગુરુની આજ્ઞા વગરની ન હોવી જોઈએ. અચ્છા, તો તો ગુરુની આજ્ઞા વિના એક ક્ષણ હું કોઈની જોડે બોલી પણ શકું નહિ. બોલવાનું બિલકુલ બંધ થઈ જાય. તમારી એક-એક ક્ષણ પ્રભુદત્ત અને ગુરુદત્ત જોઈએ. તમે લોકો સાધના કરવા આવ્યા છો. તમારી પણ બને એટલી ક્ષણો પ્રભુદત્ત અને ગુરુદત્ત બને એનો ખ્યાલ રાખો. પ્રભુદત્ત ક્ષણો! પ્રભુએ કહ્યું છે એ જ આ દિવસોમાં આરાધવું છે. ૫-૭ દિવસનો ગાળો આમ નાનો ગાળો છે. કારણ કે અમારું કામ મોટું છે ને. કેટલા વરસોનો નહિ, કેટલાય જન્મોનો કચરો કાઢવાનો છે! બોલો. અને તમને એકદમ ready કરીને અહીંથી મોકલવાના છે. એના માટે છે ને તમારી પાસે આ સજ્જતા જોઇશે. અમારી પાસે સજ્જતા ઘણી છે હો. કચરાનો ડુંગર ગમે તેટલો મોટો અમે અકળાઈએ નહિ હો. આગ લગાઈ દઈએ એટલે સળગે, ખતમ થઈ જાય. પણ તમારી પાસે સજ્જતા જોઇશે! કે મારી એક-એક ક્ષણ પ્રભુદત્ત હોય, મારી એક-એક ક્ષણ ગુરુદત્ત હોય. એવું કંઇ કરવું નથી. આ જે મૌન તમને આપેલું છે, અને એ તમારા ઉપર શ્રદ્ધા રાખીને આપેલું છે, કે રૂમમાં તમે બે જણા હશો, અને ત્રીજું કોઈ જાણવાનું પણ નથી. તમે વાતચીત કરો તો. પણ નહિ મારા પ્રભુએ ના પાડી છે કે આ સાધના મૌનથી કરવાની છે. મારા ગુરુએ ના પાડી છે. બસ, તમે એકલા હોવ તોય બોલી ન શકો. તમે બેકલા હોવ તોય બોલી ન શકો. આવી જે પ્રભુદત્તતા અને ગુરુદત્તતા આવે, અને એમ થાય કે આ સાધના જે બતાવવામાં આવે છે એને પ્રેક્ટીકલી ઘૂંટુ.

ઘણા લોકો એમ કહે કે સાહેબ, શું કરીએ? સાધના કરીએ એટલે વિચારો આવે છે, અરે વિચારો શું આવે? વિચાર આવે શું. સાધનાનો આનંદ જેને મળ્યો હોય એ વિચારમાં જાય જ કેમ? અને એટલે જ ત્રીજી વાત એ કરે છે; નિર્વિકલ્પ દશાની: “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” યોગશાસ્ત્ર ૧૨મો પ્રકાશ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ”  સાધના કરતા તમારું મન બહાર જાય એનો મતલબ એ થયો કે સાધનામાં તમારું મન  પૂરેપૂરું ચોંટયુ નથી. કોઈ જોડે વાત કરો ને ત્યારે મન કેવું ચોંટે સાચું કહેજો? અડધો કલાક વાતચીત કરી પછી કોઈ પૂછે શું વાતચીત હતી? તો એમ કહી દો ને કે આમ ખાસ ખ્યાલ નથી રહ્યો કંઇ. આવું. અને વાચના સાંભળીને જાઓ. શું હતું આજે? વાત તો કંઇ સારી હતી. શું સારું હતું? એ મહારાજ સાહેબને ડીટેઇલમાં ખબર છે. મને ખબર નથી. રસ છે ત્યાં સ્મૃતિ બરોબર રહે છે, રસ નથી સ્મૃતિ પણ નથી. આપણે work shop ના રૂપમાં કામ કરવું છે. “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” તમને જે ક્ષણે આનંદ મળશે સાધનામાં, પ્રભુના દર્શનમાં, વૈયાવચ્ચમાં એ ક્ષણે વિચારો ત્યાં રહેવાના નથી. કારણ; હૃદય આનંદની ક્ષણોમાં હશે! મન એ વખતે સુષુપ્ત હશે! આ યાદ રાખો. હૃદય, અસ્તિત્વ આનંદની ક્ષણોમાં હોય. અથવા પીડાની ક્ષણોમાં હોય, એ વખતે વિચારો સ્તબ્ધ થઈ જતા હોય છે. વિચારોનું કામ રહેતું જ નથી પછી, હૃદયમાં કોઈ ભાવાનુભૂતિ નથી ત્યારે મન દોડ્યા કરતું હોય છે. હવે હૃદય આનંદથી સભર બની ગયું તો મનનું પ્રયોજન ત્યાં તો છે જ નહિ, એટલે વિચાર કોણ કરે? જેને આનંદ નથી મળ્યો એ. સમજી ગયા બરોબર? વિચાર કોણ કરે?

કોઈ સાધકોને પૂછો કે શું વિચાર આવે છે? કહે, શું વિચારની ક્યાં વાત કરો છો? વિચાર જ નથી આવતો ને. વિચાર જ આવતો નથી ને! એવા ઘણા સાધકોને જોયા છે. વિચાર આવતો જ નથી. કોઈ પ્રયોજન નથી વિચાર આવવાનું! તમે તમારી અનુભૂતિમાં હોવ વિચાર ક્યાંથી આવવાનો. એટલે ઝેન સંતો બહુ સરસ રીતે કહે છે. JUST SITTING AND NOTHING TO DO. JUST SITTING AND NOTHING TO DO. બસ, માત્ર બેસવાનું છે. કરવાનું કંઇ નથી. કરવાનું કંઇ નથી, વિચારવાનું પણ કંઇ નથી ! DOING TOTALLY ખરી પડવું જોઈએ. BEING મળી જાય. BEING આ રહ્યું. BEING ક્યાં દૂર છે! હોવાપણું તમારી પાસે છે, છે અને છે જ . સ્વાનુભૂતિ તમારી પાસે છે એટલું જ નહી; કેવલજ્ઞાન પણ તમારી પાસે છે. માત્ર જે આવરણ છે. આવરણને તોડવાની વાત છે. કેવલજ્ઞાન નવું મળવાનું નથી મળશે ત્યારે. કેવલજ્ઞાન તમારી ભીતર જ છે. ખૂલી જશે. જ્ઞાનાવરણીયનો ક્ષય થઈ જશે. કેવલજ્ઞાન મળી જશે. તો આ BEING – હોવાપણું તમારી ભીતર છે જ. DOING ને ખેરવી નાંખો.

તારંગામાં કસ્તુરભાઈ શેઠ દર્શન કરવા માટે ગયેલા. કસ્તુરભાઈ શેઠ કલાના મર્મજ્ઞ હતા. એ પ્રદક્ષિણા આપે છે અને એમને થયું કે આટલું સરસ દેરાસર અને શિલ્પાકૃત્તિઓ જેવું કંઇ છે નહિ, અને પ્લાસ્ટરના થપેડા લાગેલા છે. તો ખરેખર, કુમારપાળે બનાવેલું મંદિર આવું હોઈ શકે નહિ. એકદમ શિલ્પઘટિત હોવું જોઈએ. એમને તો એક કે દોઢ દિવસ રોકાવાનું હતું ત્યાં. શિલ્પીઓને જોડે લઈને ગયેલા. શિલ્પીઓને કહ્યું; એક કામ કરો. એક થી દોઢ ફૂટ ઊંડું ખોતરીને બતાવો મને. પથ્થર સુધી જાઓ. અને પછી એ શિલ્પીઓ મંડી પડ્યા. બનેલું શું? ખરેખર એકદમ પથ્થરનું દેરાસર અને એકદમ શિલ્પાકૃત્તિથી ભરેલું. પથ્થર હોય ને ત્યાં પાણી પડે ને એટલે લીલ થાય. લીલાશ થાય એટલે શું થયું? પાછળના ટ્રસ્ટી કળાના સમજુ નહિ એટલે એમણે સફેદો કરાઈ નાંખ્યું. બીજા આવ્યા એટલે બીજું સફેદ સિમેન્ટનું પડ ચડાવ્યું. પછી એ પડમાં પણ પછી તિરાડો પડી એટલે ત્રીજાએ વળી ફરી સફેદ સિમેન્ટનું પડ ચડાવ્યું. એટલે પડના પડ ચડતા રહ્યા, કલાકૃત્તિઓ દબાઈ ગઈ. કસ્તુરભાઈ શેઠે એક ફૂટમાં જોયું. ઓહો આટલી સરસ કળા અંદર છે, તરત જ ઓર્ડર કર્યો. લાગી જાઓ બધા કર્મચારીઓ આજે કામે. અને આખું દેરાસર જે છે એની ઉપરનું બધું જ કાઢી નાંખો, અંદર સરસ છે જ. તમે તારંગાના મંદિર જેવા જ છો બધા. અંદર મજાનું છે બધું, અંદર બહુ મજાનું છે. બહાર પ્લાસ્ટરના પોપડા લાગેલા છે, એ ઉખાડી નાંખીએ બધા, તમે ઉખાડો છો કે મારે ઉખાડવાના છે? હું તૈયાર છું. પણ મારી એક શરત છે. કે બહાર જઈને ફરી પ્લાસ્ટર લગાડવાનું નહિ પાછું. અમારે તકલીફ છે ને, તમે આઉટડોર પેશન્ટ હોય ત્યારે આ થાય છે, કે એક કલાક અમે છીણી અને હથોડી લઈને બેસી જઈએ, ઉપરથી પ્લાસ્ટર તોડ-તોડ-તોડ કરીએ. ૨૩ કલાક તમારા હાથમાં ને ફરીથી સિમેન્ટ  લગાડી દો પાછું. આ જ કામ કર્યું છે ને? તો સદ્ગુરુને સોંપી દો. સાહેબ! તમારે જે કરવું હોય એ કરો. રીઝલ્ટ આ રહ્યું. રીઝલ્ટ ક્યાં દૂર છે? BEING તમારી ભીતર છે જ. સ્વનો અનુભવ તમારી પાસે હોય જ. માત્ર DOING માં ગયા, કર્તૃત્વમાં ગયા, પરમાં ગયા, એના કારણે એ સ્વની જે અનુભૂતિ હતી એ ઢંકાઈ ગઈ, હવે એને ખૂલી કરવી છે. “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” જેણે પરમ આનંદને માણેલો છે એવો સાધક વિચાર કરતો જ નથી. તમને અત્યારે ખ્યાલ નહિ આવે. ખરેખર આનંદની એવી ઉંચી કક્ષા તમને મળશે ત્યારે તમને થશે, કે વિચાર કરવાનું કંઇ રહેતું જ નથી પછી. વિચાર તમારી અધૂરપ બતાવે છે. આ મને આમ કહે, આણે મને આમ કહ્યું, પેલો આમ કરે, પેલો આમ કરે. એટલે એ બીજા બધા દ્વારા તમે તમારાં અહંકારને ઉત્તેજિત કરવા માંગો છો. જે ક્ષણે તમારો અહંકાર ‘હું’ થઈને ઢળી પડ્યો અને તમે આનંદઘન ‘હું’ થઈને બહાર આવ્યા ત્યારે? પછી કોઈ જરૂર નથી. તો “ભાવિત પરમાનન્દ:, કવચિદ્Sપિ મનો ન નિયોજયતિ” હવે સાધક પૂછે છે કે સાહેબ! આપની વાત તો બરોબર. પરમ આનંદ મળે તો વિચાર ન આવે. નિર્વિકલ્પ આપણે બની જઈએ, પણ પરમ આનંદ લાવવો શી રીતે? ત્યારે એમણે સૂત્ર આપ્યું. “ઔદાસીન્યે  નિમગ્ન:”. તમે ઉદાસીનભાવમાં ડૂબી જાઓ તો તમે પરમ આનંદને પામી શકો! ઉદાસીન શબ્દ બહુ પ્યારો છે. ઉદ્+આસીન્. ઉંચે બેઠેલાં. સીધો અર્થ આટલો જ છે. ઉંચે બેઠેલા.

નદી વહેતી હોય. કોઈ કિનારા ઉપર દૂર, ઉંચી ભેખડ ઉપર બેસી જાય. નદીને જોયા કરે છે, પણ નદીના પાણીની અસર એની પાસે નથી. એમ દરિયો પણ કદાચ હોય, પણ દરિયાના મોજા ઉછળી રહ્યા હોય એની અસર એની ઉપર નથી. એ માત્ર જુવે છે. ઉદાસીનનો મતલબ એ છે કે રાગ-દ્વેષ-અહંકાર વિગેરેને જે માત્ર જોઈ રહ્યો છે. રાગ-દ્વેષ-અહંકાર નહિ આવવાના એમ નહિ માનતા, આવશે. એ વખતે તમે માત્ર દ્રષ્ટાની ભૂમિકામાં હોવ, અને એક બીજી વાત કહું. જે આપણે નિર્વિકલ્પદશાની વાત કરીએ છીએ, એ નિર્વિકલ્પદશા આપણા સ્તરની છે. સંપૂર્ણ નિર્વિકલ્પદશા ૧૧માં ગુણઠાણા પહેલા નથી. લોભ સત્તામાંથી ન જાય ત્યાં સુધી સંપૂર્ણ નિર્વિકલ્પદશા નથી. અને એટલે જ ૧૧ માં ગુણઠાણે ચારિત્ર છે એને યથાખ્યાત ચારિત્ર કહ્યું છે. પ્રભુએ કહ્યું છે એવું, વિકલ્પ વગરનું, અનુભૂતિમાં ડૂબેલું, એવું ચારિત્ર! યથાખ્યાતનો મતલબ આ છે. ૧૧મે, ૧૨મે, ૧3મે ચારિત્ર કયું? યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત એટલે જેવું પ્રભુએ કહ્યું છે એવું ચારિત્ર. એટલે સંપૂર્ણ નિર્વિકલ્પદશા અત્યારે આવવાની નથી. પણ મોટા-મોટા જે વિકલ્પો જે છે, એને તમે દૂર કરી શકો છો. પછી સૂક્ષ્મ વિકલ્પો અંદર ચાલતા હશે તો પણ વાંધો નહિ આવે.

એક બીજી વાત કરું. વિકલ્પ અને વિચાર બે અલગ શબ્દો છે. આપણી પરંપરામાં નિર્વિકલ્પતા ઉપર ભાર મૂકાયેલો છે. “નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો ચારો”. સવાસો ગાથાનું સ્તવન! પતંજલિ ઋષિ કહેશે: યોગસૂત્રમાં, “નિર્વિચાર વૈશારધ્યે અધ્યાત્મ સમ પ્રસાદ:”. તમે નિર્વિચારને કુશળતાથી ઘૂંટી શકો તો પ્રભુની પ્રસાદી તમે મેળવી શકો! વિકલ્પ એ જોશો! વિચાર એ જોશો! રાગ દ્વેષ અને અહંકારથી ભળેલો વિચાર એ વિકલ્પ, અને જેમાં સહજ રીતે પ્રશ્નો ઊઠેલા છે, જિજ્ઞાસા થયેલી છે! રાગ દ્વેષ ને અહંકાર ભળેલો નથી, એને વિચાર આવેલો કહે છે. તમે તમારા રૂમમાં બેઠેલા હોવ. કોઈ વ્યક્તિ આવી, જાણીતી વ્યક્તિ છે. તમને એના ઉપર તિરસ્કાર પણ છે. તમે તરત વિચાર કરશો આ માણસ અહિયાં આવી ગયો? આ કેમ આવ્યો? એ જયારે આવશે વિચાર ત્યારે એ વિકલ્પ બની જશે, કારણ કે એમાં તિરસ્કાર ભળી ગયો છે, એ વિચારમાં તિરસ્કાર ભળી ગયો છે, પણ તમે બેસેલા છો રૂમમાં અને એક વ્યક્તિ આવે છે. અજાણી વ્યક્તિ છે, અને અજાણી વ્યક્તિ છે તો તમને ખાલી જીજ્ઞાસા થઈ કે કોણ આવ્યો હશે? શા માટે આવ્યો હશે? ત્યાં રાગ નથી. અજાણ્યા છે, ને તમે ઓળખતા જ નથી એને. દ્વેષ તો  થવાનો ક્યાંથી? તો ત્યાં માત્ર જિજ્ઞાસા છે તો વિચાર છે ત્યાં! અને જ્યાં વિચારમાં રાગ દ્વેષ અને અહંકાર ભળેલા છે એ વિકલ્પ છે. અને જેમાં એ ભળેલું નથી એ વિચાર છે. એટલે પરંપરા એ છે કે પહેલા તમે નિર્વિકલ્પ બની જાઓ! પછી નિર્વિચાર તો ઓટોમેટીકલી બની જશો. તમારા વિચારમાં જે રાગ દ્વેષ અને અહંકાર છે એને છૂટો પાડતા જાઓ! રાગ આવે વિચારમાં. તો કેમ આવ્યો? શા માટે આવ્યો? શું પ્રયોજન છે? દ્વેષ આવ્યો વિચારમાં. એક-એક વિચારને જુઓ. એક-એક વિચારને તોડો-ફોડો. શા માટે આવ્યો?

એક ઘટના ઘટી ગઈ. ઘટના ઘટી ગઈ. તમારા કર્મના ઉદયે ઘટી ગઈ. એમાં બીજા ક્યાં નિમિત્ત રૂપ છે. બીજાને કેમ સંડોવો છો તમે? આણે આમ કર્યું. એણે કંઇ નથી કર્યું. તારા કર્મએ કર્યું છે. આવી રીતે તમે વિચાર કરો તો શું થાય? વિકલ્પો તૂટવા માંડે, પછી વિચાર તૂટી જશે. વિચારને તોડવા પછી સામાન્ય વસ્તુ થઈ જશે. પહેલા આપણે વિકલ્પોને તોડવા છે.

ઝેન કથા આવે છે. બે બૌદ્ધ ભિક્ષુઓ મંદિરના પ્રાંગણમાં ચાલતા હતા. મોટું પરિસર હતું. તમે તો બધા ઈર્યાપૂર્વક જ ચાલો એટલે કંઇ જોવાનું ન હોય, વિચારવાનું ન હોય! સાધકોને તો આગમ મંદિરના પરિસરમાં જ રહેવાનું છે, કેટલા ડગલાં જવાનું હોય? આટલા ડગલાં ઈર્યાપૂર્વકનું જ ભરવાનું નક્કી કરો. એ બૌદ્ધ ભિક્ષુઓ ચાલી રહ્યા છે. એમાં એકની નજર મંદિર ઉપર રહેલ ધજા ઉપર પડી. ધજા હલતી હતી. એણે કહ્યું, કે ધજા હલે છે. આપણે છે ને બોલવાનું કેમ કરીએ છીએ ખબર છે? આપણે આપણા અહંકારને પ્રદર્શિત કરવા માંગતા હોઈએ છીએ. કો’કે વાત કરીને એમાં આપણે ટાપસી મૂકવા માંગીએ છીએ. કોઈ વિદેશની વાત કરે ને. અમેરિકાની-ન્યુઝીલેન્ડની. જઈ આવેલા હોવ ને તમે ટપકું મૂક્યા વગર રહેવાના નથી. કારણ, તમે ગયેલા છો બીજાને ખબર શું પડે? તમારો અહંકાર ત્યાં બોલતો હોય છે. એટલે પેલા ભિક્ષુએ કહ્યું ધજા હાલે છે. બીજો કહે છે. ધજા ક્યાં ચાલે છે? ધજા તો જડ છે, હવા ચાલે છે. હવે બંનેને ખબર નહિ અને ગુરુ પાછળ ચાલતા હતા. ગુરુએ કહ્યું: ધજા ચાલતી નથી અને હવા એ ચાલતી નથી તમારાં બંનેના મન ચાલી રહ્યા છે.

મેં પહેલા પણ કહેલું; એક વિચાર તમે કરો એટલે શું થાય? આત્મશક્તિનો ઉપયોગ તમે એમાં કર્યો. આત્મશક્તિનો ઉપયોગ કોઇ પણ ખરાબ વિચાર માટે, અથવા  નકામા વિચારો માટે કરવાનો અધિકાર તમને છે? એક સાધકને તો અધિકાર નથી જ. તમે તમારા આત્મોપયોગને અશુભ યોગો માટે વાપરી જ ન શકો, અથવા તો નકામા યોગો માટે વાપરી જ ન શકો. અમારા સાધુ ભગવંત માટે કહ્યું, કે સાધુ હોય કે સાધ્વીજી હોય એને આસન પરથી ઉભા થવું હોય ને, તો એના મનમાં નિશ્ચિત કારણ હોવું જોઈએ, કે રત્નત્રયીની પુષ્ટિના કારણ માટે મારે ઉઠવું છે! આસન પરથી ઉભા થતા પહેલાં એના મનમાં નક્કી હોય કે રત્નત્રયીની પુષ્ટિનું એક કારણ છે, અને એના માટે હું કંઇક કરું! એના માટે આસનથી ઉભો થાય, નહિ તો આસનથી ઉભો ન થાય. પછી આસનથી ઉભો થઈ એ ગુરુદેવ પાસે જાય, અને ગુરુદેવને કહે; સાહેબજી! આ એક વૈયાવચ્ચનું કામ છે. આપ આજ્ઞા આપો તો એના માટે હું જઈ આવું. મને યાદ આવ્યું હમણા કે મહાત્માને અનુપાન માટે મગનું પાણી લાવવાનું છે તો લઇ આવું. પછી ગુરુ હા પાડે, અને એ જાય ઈર્યાસમિતિપૂર્વક, અને એ વખતે આવસ્સહી શબ્દનો પ્રયોગ કરે. તો સામાચારી પ્રકરણે કહ્યું કે એની આવસ્સહી સાચી, નહિતર ખોટી. તો સવાલ થયો! કે આવસ્સહી બોલીએ જ નહિ ને, આવસ્સહી, આવશ્યક કામ માટે બહાર જવું છું. તો જવાબ એ આપ્યો કે આવસ્સહી શબ્દ બોલવાથી શું થાય? એ સામાચારી દ્વારા તમને નિર્જરા તો મળવી જોઈએ ને, અને એ નિર્જરા તમને ક્યારે મળે? રત્નત્રયીની પુષ્ટિના કાર્ય માટે તમે ઉભા થાઓ. સદ્ગુરુની આજ્ઞા લો, અને ઈર્યાસમિતિપૂર્વક જાઓ, અને આવસ્સહી બોલો. તો આવસ્સહી ની સામાચારીનો તમને લાભ મળે.

પ્રશ્નકારે તો મજાનો પ્રશ્ન કર્યો. કે તમે આવસ્સહીમાં નાંખી જ શી રીતે શકો આને? ઈર્યાપૂર્વક ચાલો એ ઈર્યાસમિતિનો વિષય છે. ગુરુને પૂછવું એ તથાકાર સામાચારીનો વિષય છે, ને બધુંને તમે આવસ્સહીમાં કેમ નાંખો છો? જવાબ એટલો સરસ આપ્યો, કે માત્ર આવસ્સહી બોલવાથી શું થવાનું? આવસ્સહી શબ્દ બોલવા દ્વારા જે નિર્જરા એને મળવાની છે એ નિર્જરા ક્યારે મળશે? આ પ્રોસેસ એણે કરેલી હશે તો. કેટલી મજાની સાધના આપણને આપવામાં આવેલી છે, એટલે તમે તમારા મનનો ઉપયોગ ખોટી રીતે કરી શકો નહિ, આટલું જ જો આ શિબિરમાંથી તમે લઇ જશો ને તો માનીશ હું કે તમને શિબિરમાંથી મળી ગયું. એક પણ વિચાર આવે, આ વિચાર કંઇ કામનો ખરો? મને એ ક્યાંકથી કયાંક લઇ જાય એવો ખરો શુભમાં! એ તિરસ્કારવાળો છે! એ કોઈકના પ્રત્યેના રાગવાળો છે! કે મારા પ્રત્યેના અહંકારવાળો છે! નકામો છે એને ફેંકી દો! આવો વિચાર હું કરી શકું જ નહિ! તમારા મનના વોચમેન તમારે બનવાનું છે, અને એના માટે આપણે આ ચાર ચરણોવાળી સાધના કરાવીએ છીએ. ચાર ચરણોની સાધનાને આમ અત્યારે ધ્યાનાભ્યાસની સાધના અમે કહીએ છીએ. ધ્યાન બહુ દૂરની વસ્તુ છે આપણા માટે, ધ્યાન એટલે આત્મગુણની અનુભૂતિ અથવા સ્વરૂપની અનુભૂતિ. એ હજુ દૂર છે. પણ એની એક ઝલક, એક GLIMS આપણને મળી શકે એના માટે એક પ્રયત્ન છે. તો સૌથી મોટો પ્રયત્ન એ થશે કે તમારા મન પર, તમારા વિચારો ઉપર તમારું નિયંત્રણ આવશે. તો આપણે ચાલુ કરીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *